આપણે બેઝિકલી રઘવાઈ, અધીરી પ્રજા છીએ. એમાં એટલી જ અધીરી અને રઘવાઈ સરકાર મળે તો આખા રાજમાં હોહા થઈ જાય તો નવાઈ નહીં. આપણે જાણતા હતા કે દિવાળી આવી રહી છે. તે કૈં નવાઈની આવતી ન હતી. આમ તો દર વર્ષની જેમ જ એ આવી હતી, પણ, આ વખતે કોરોના પણ લાવી હતી ને બધાંને લાગ જોઈને તે વહેંચતી પણ જતી હતી. દેશ આખામાં હજારો જીવ કોરોનાને કારણે ગયા હતા, પણ આપણને તેની કૈં પડી ન હતી. જેનું ગયું તેનું ગયું, એમાં આપણું કૈં ગયું ન હતું એટલે બેફામપણે રખડવાનો કોઈને વાંધો ન હતો. મહિનાઓ પછી માંડ ધંધાધાપા શરૂ થયા હતા, બજારો, હોટેલો, સિનેમા ગૃહો ખૂલ્યાં હતાં, ત્યાં દિવાળી આવી ધમકી ને લોકો સફાળા જાગ્યા. બેઠા થયા. ઊઠ્યા. દોડ્યા. બજારો ભરી દીધાં. પૈસા ન હતા, પણ ખરીદી નીકળી હતી અને ધૂમ નીકળી હતી. ઠેર ઠેર લોકો ખડકાયા હતા. કપડાંલત્તાનું, બિસ્કિટ-મીઠાઈનું, રોશની-બોશનીનું, આવવા-જવાનું, ખાવાપીવાનું એવું ચાલ્યું કે રસ્તાઓ, માર્કેટો, શોપિંગ મોલ્સ, હોટેલો, ઘરો, મંદિરો માણસોથી ખદબદતાં થયાં. જાણે રસ્તા પર સાપ, નોળિયા, વીંછી, અળસિયાં નીકળી આવ્યાં હતાં ! ઘડીભર તો કોરોના પણ વિચારમાં પડી ગયો કે કોને થાઉં ને કોને ન થાઉં ! આટલી બધી ચોઈસ તો એને આઠેક મહિનામાં મળી જ ન હતી. એણે પણ નક્કી કરી લીધું કે ઓટલા, રોટલા, ચોટલા-ખાટલા, પાટલા, બાટલા-માંથી જ્યાં તક હોય ત્યાંથી લોકોને વળગવું ને વગર પથારીએ જ પથારી ફેરવવા માંડવી.
બીજી તરફ સરકાર, સંસ્થાઓ, ડોક્ટરો, કમિશનરો, સલાહ આપતાં જ રહ્યાં કે સાચવજો, હોં ! માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સ રાખજો, સાબુથી હાથ ધોજો, સેનેટાઈઝ થજો, પણ માને એ બીજા ! ડોસાઓ કરગર્યા, પણ ફટાકડા ફૂટયા જ ! અગિયારસ, બારસ, તેરસ, ચૌદસ … બધું ઉજવાયું. ખડખડિયા ખખડ્યા, થાપડા થાપડની જેમ તૂટ્યા, ઘારી ભારી પડી, તો પણ ઠાંસી. ઠોસા વાગ્યા તો પણ ઢોસા ખાધા, ચીનને ગાળ દઈ દઈને મંચુરિયન ને ભેળનો મેળ પાડ્યો. બ્લેઝર ને રેઝર, થ્રી-પીસ ને કટ-પીસ, જર્સી ને મર્સી , ડ્રીમ ને ક્રીમ એમ જે સેટ થયું તે કર્યું ને છેલ્લે બધું અપસેટ થઈને રહ્યું.
ઉજવણું, ઉઠમણું થઈને રહે એવા દિવસો આવ્યા.
હોસ્પિટલો ઉભરાવા લાગી. બેડ ભરાવા લાગ્યા, ટેસ્ટ વધવા લાગ્યા ને કોરોનાએ લોકોનો કસ કાઢવા માંડ્યો. કોરોનાનું જોર નરમ પડ્યું હતું તે ગરમ થયું. ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું. વેન્ટિલેટરની તપાસ ચાલવા લાગી. ડોક્ટરો “પોઝિટિવ” થયા, કેટલાક હડતાળ પર પણ ગયા. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, સુરત વગર મૂરતે કોરોનાનો ભોગ બન્યા. ચોપડાં પૂજનનાં મૂરતે જ કોરોનાનું મૂરત પણ કાઢી આપ્યું. મૂરખ બનવાની સ્પર્ધાઓ ચાલી.
આ માત્ર ને માત્ર પ્રજાની બેવકૂફીને કારણે થયું. સૌ કોરોનાની ઉઘરાણીએ નીકળ્યાં ને આંકડાઓ વધવા માંડ્યા. દિવાળીએ દાટ વાળ્યો. આમ પણ દિવાળીના દિવસોમાં દવાખાનાઓ ઉભરાતાં હોય છે. ખાંસી, શરદી, તાવનું જોર વધતું જ હોય છે, ત્યાં આ વખતે તો જાણે કોરોનાની લોટરીઓ ફાટી હતી. તે પોતાની જાત બતાવ્યા વગર કેમ રહે? એ પૂરેપૂરી જાત બતાવી શકે એ માટે લોકોએ બહુ મહેનત કરી. તો કોરોનાએ પણ પાછું વળીને જોયું નહીં ! શહેર, રાજ્ય અને દેશમાંથી બહાર નીકળી જવા માટે તેણે બહુ પ્રયત્નો કર્યા, પણ લોકો તેણે છોડવા રાજી ન હતા. આમ તો છ સાત મહિનાની આળસ ચડી ગયેલી. બધું પાટે ચડે એમ હતું, ત્યારે જ કોરોનાને ન જવા લોકોએ આજીજીઓ કરવા માંડી. લોકોએ બહુ કહ્યું કે જોઈએ તો અમે બજારમાં જઈએ, ભીડ કરીએ, ટોળેટોળાં કરીએ, માસ્કની ઐસીતૈસી કરીએ, હાથ ધોવાનું બંધ કરીએ, એન્ટિ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, સેનેટાઈઝ કરવાને બદલે સેન્સેટાઈઝ કરીએ, જોઈએ તો ડિસેન્સેટાઈઝ કરીએ, પણ કોરોના માઇબાપ, આમ અમને અધવચ, મઝધારમાં છોડીને ન જાવ. તમે કહો તો પગે પડીએ ને તમે કહો તો માથે પડીએ, પણ આ રીતે તો તમને નહીં જવા દઈએ. કેટકેટલાં કાલાવાલાં કર્યાં ત્યારે કોરોના એ “કોરો” ના રહેવાની પ્રતિજ્ઞા કરી. તેણે સામે શરતો કરી કે ઠેર ઠેર ભીડ કરો તો જ હું તો રહીશ ! લોકોએ બધુ કબૂલમંજૂર કર્યું ને બજારોમાં તીડનાં ટોળાં જેવી ભીડ ઉતરવા લાગી. બસ ! પછી તો પૂછવું જ શું?
લોકોએ હોટેલોમાં ખાવાનું ખુટાડવા માંડ્યુ. બજારોમાં માલસામાનનો ઉપાડ વધ્યો, અજવાળાં વધ્યાં, ઘોંઘાટો વધ્યા, ધુમાડા ફેલાયા ને એમ જ કોરોના પણ ફેલાવા લાગ્યો. ચૂંટણીની ચટણી વહેંચાઈ. ભાષણો, પ્રદૂષણો બન્યાં, હૈયે હૈયું દળાય એવી મેદનીઓ ઊમટી ને કોરોનાએ શહેરનાં શહેરો પર લહેરો વધારી. હોસ્પિટલોમાં ખાટલાઓ ખૂટવા લાગ્યા. આજના જ સમાચાર છે કે અમદાવાદનો આંકડો 354 પર અને સુરતનો આંકડો 211 પર પહોંચ્યો છે. 1515ના આંકડાએ રાજ્યનો રેકોર્ડ બનાવ્યો છે.
આવું થાય તો સરકાર શું કરે? એ “સુ સુ” ના કરે, સીધો કરફ્યુ જ નાખે. નાખ્યો. શુક્રવાર રાતના નવથી સોમવાર સવારે છ સુધી સળંગ કરફ્યુ લાદવામાં આવ્યો. આમ તો પહેલાં શુક્રવારે રાતથી શનિવારે સવારે છ દરમિયાન કરફ્યુની વાત હતી, પણ સરકારને લાગ્યું કે લોકો નહીં ગાંઠે એટલે વીક એન્ડ કરફ્યુ લાદવામાં આવ્યો. યે તો હોના હી થા ! એ સાથે જ સુરત, વડોદરા, રાજકોટ પણ રાત્રિ કરફ્યુ હેઠળ લાવવામાં આવ્યાં. જો કોરોના કાબૂમાં નહીં આવે, તો કરફ્યુની મુદ્દત લંબાતી જશે. કરફ્યુએ સડકો સૂની કરી દીધી. લોકો ચુમાઈને ફરી ઘરે બેસવા લાગ્યા.
આમ તો આજથી સ્કૂલ, કોલેજો ખૂલી જવાની હતી, પણ દિવાળી વેકેશન લંબાયું હોય તેમ કોરોનાના વકરાટને પગલે સ્કૂલ, કોલેજો હવે નહીં ખૂલે. એક તબક્કે શિક્ષણમંત્રીએ શુક્રવારે સાંજે પાંચેક વાગે નિર્ણય લઈ લીધો હતો કે સ્કૂલ, કોલેજો સોમવારથી ખૂલશે જ, પણ સૂરસૂરિયું થયું. બે જ કલાકમાં નવી જાહેરાત કરવામાં આવી કે સ્કૂલ, કોલેજ ખૂલવાનો નિર્ણય મોકૂફ રાખવામા આવ્યો છે. આ નિર્ણયથી કેટલાક રાજી થયા, તો વર્ષ બગાડવાની બીકે કેટલાંક નારાજ પણ થયાં. તેમનું માનવું છે કે જ્યાં સુધી કોરોનાની રસી નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ પણ સ્કૂલ, કોલેજ ન આવવું જોઈએ.
જો કોઈ ચમત્કાર નહીં થાય તો બીજી ટર્મના અંત સુધીમાં રસી આવવાની નથી. એ જુદી વાત છે કે કેન્દ્રીય આરોગ્યમંત્રી રસીની આગોતરી વરદી અને જાહેરાત કરતાં રહીને પોતાનું અસ્તિત્વ સાબિત કરતાં રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ રસીની, રોગનાં જોખમોની વખતોવખત જાહેરાતો ઝીંકયે રાખી છે ને વિશ્વની પ્રજાને તલવારની ધારે રાખી છે. માસ્ક, રસી, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝરથી સાવચેતી રખવાનું કહીને “હુ”એ દુનિયાને ભયત્રસ્ત રાખી છે ને એ જ હવે એવી જાહેરાત પણ કરી રહ્યું છે કે કોરોના શરદી, ખાંસીથી વધારે કૈં નથી. તેને માટે માસ્ક, સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવી કોઈ સાવચેતી રાખવાની જરૂર નથી. જો આ રોગ ભયંકર નથી તો સવાલ એ થાય કે કોરોનાને નામે બારેક લાખ લોકો જગતમાં મર્યાં કેવી રીતે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશને તેની વિશ્વસનીયતા ન રહે એ માટે કમર કસી છે. એણે જે રમવું હોય તે ભલે લોકોના ખર્ચે ને જોખમે રમે, પણ આ રોગની ભયાનકતા ઠસાવીને તેણે જગતનું શિક્ષણ દાવ પર લગાવ્યું છે. આ અંગે તેણે પ્રમાણિક મત પ્રગટ કરવો જોઈએ. ભારતનો સવાલ છે ત્યાં સુધી ગ્રેજ્યુએશન ને તેથી વધુ ઉચ્ચ વર્ગોનાં શિક્ષણ અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટ થઈ જવું જોઈએ. આ વર્ષ ભણતર માંડી વાળવાનાં દૂરગામી પરિણામો આવી શકે એમ છે. માસ પ્રમોશનની આડ અસરો ગુજરાતે જોઈ છે ને તેને લીધે હોંશિયાર વિદ્યાર્થીઓએ ઘણું નુકસાન વર્ષો સુધી વેઠયું છે. આ ફરી થવા દેવાનું છે? રસીની રાહ જોવામાં વિદ્યાર્થીઓ પર કોરોનાથી મોટું જોખમ ઊભું કરવા દઈ શકાય નહીં !
લોકો જો સ્વયંશિસ્ત પાળે તો વિદ્યાર્થીઓનું વર્ષ બચે એમ છે. વિદ્યાર્થીઓને તેનાં ભવિષ્યથી વંચિત ન રાખવા હોય તો પ્રજાએ કોરોનાને ભગાડવા શકય તે તમામ પ્રયત્નો કરવા જોઈએ. એ અત્યંત દુખદ છે કે કોરોનાએ શિક્ષણની નૌકા પૂરેપૂરી ડુબાડવા માંડી છે ને શિક્ષણ વિભાગ નહીં જાગે ને પ્રજાહિતમાં નહીં વિચારે તો કોરોના વગર પણ ઘણા શૈક્ષણિક આપઘાતો ભવિષ્યે થશે … વિચારીએ …
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 23 નવેમ્બર 2020