Opinion Magazine
Number of visits: 9965478
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ પણ ગુજરાત મૉડેલ છે … તે વિશે પણ આપણે વિચારવું જોઈએ

પ્રશાંત દયાળ|Samantar Gujarat - Samantar|27 September 2020

આપણા દેશમાં બીજા રાજ્યમાં રહેતા લોકો ગુજરાતની વાત કરે ત્યારે તેમના મનમાં ગુજરાતનું એક જુદું જ ચિત્ર છે. કદાચ તેઓ ક્યારે ય ગુજરાત આવ્યા નથી અને ગુજરાત આવ્યા છે, તો બે ચાર દિવસના પ્રવાસ તરીકે તેમણે જે ગુજરાતનો અનુભવ કર્યો છે તે સ્મરણને તેઓ આખું ગુજરાત માની લે છે. તે વાતનો સ્વીકાર કરવામાં જરા પણ સંકોચ નથી કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત અનેક મુદ્દે ઉત્તમ છે, પરંતુ ઉત્તમતાના વખાણની વચ્ચે આપણે આપણી મર્યાદાઓની અવગણના કરીએ અથવા નજરંદાજ કરીએ તે પણ વાજબી નથી.

આપણે અવારનવાર દેશના નેતાઓને પોતાના ભાષણમાં ગુજરાત મૉડેલનો ઉલ્લેખ કરતાં સાંભળ્યા છે. ભાષણનો સરળ અને સાદો અર્થ એવો છે કે ગુજરાત દેશના તમામ રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. એક ગુજરાતી તરીકે મને ગુજરાતનું ગૌરવ છે, પણ ગુજરાતની મર્યાદાઓને હું શાહમૃગની જેમ અવગણી શકું નહીં. કંગનાએ જ્યારે મુંબઈને પી.ઓ.કે. સાથે સરખાવ્યું ત્યારે સંજય રાઉતે અમદાવાદનો ઉલ્લેખ કર્યો અને આપણા ગુજરાતીઓનું કહેવાતું સ્વાભિમાન ઘવાયું. તેમણે સંજય રાઉતના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું. ગુજરાતમાં ખરેખર સુશાસન અને લોકો ભયરહિત જીવી રહ્યા છે તેવું આપણે માનીએ તો તે આપણો ભ્રમ છે.

ભયરહિત શાસન છે તેવું જે નેતાઓ અને પોલીસ અધિકારીઓ એવું માને છે તેમણે પોતાની છાતી પર હાથ મૂકીને પૂછવું જોઈએ કે આપણે દિવસમાં સાદો કૉલ કરવાને બદલે કોને કેટલી વખત વૉટ્સએપ કૉલ કર્યો દરેકના મનમાં એક છૂપો ભય પડેલો છે કે તેમના ફોન કોલ આંતરવામાં આવે છે.

થોડા મહિના પૂર્વે ગુજરાતના એક સિનિયર મંત્રીના દીકરાનું લગ્ન હતું, આ મંત્રી પોતે મંત્રી થયા ત્યાર પહેલાંના મારા જૂના મિત્ર છે. સ્વાભાવિક રીતે મંત્રીએ પોતાના દીકરાના લગ્નમાં હજારો લોકોને આમંત્રણ આપ્યું હતું. મારા મિત્ર હોવાને કારણે તેઓ મને પણ આમંત્રણ આપવા માગતા હતા, પરંતુ મને મંત્રીની ઓફિસમાંથી ફોન આવ્યો કે સાહેબની વિનંતી છે કે તમને લગ્નમાં આમંત્રણ આપવામાં આવે તો પણ તમે લગ્નમાં હાજરી આપતા નહીં. કારણ કે તમારી હાજરી સાહેબની મુશ્કેલી વધારી નાખશે. આમ એક શાસકને પોતાની જ પાર્ટીના નેતાઓનો ડર લાગે. કારણ કે શાસક વિરુદ્ધ લખનાર પત્રકારને તેની પાર્ટી પસંદ કરતી નથી. તો આ પણ આપણું ગુજરાત મૉડેલ છે.

આવી જ સ્થિતિ શિક્ષણ અને આરોગ્યમાં પણ છે. સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓ બંધ થતી જાય અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની સંખ્યા વધતી જાય. આજે જે વાલીઓ પોતાના સંતાનની એક વર્ષની ફી ભરે છે, તેના કરતાં અડધી રકમમાં તેમનું સમગ્ર શિક્ષણ પૂરુ થઈ ગયું હતું. તેવી જ રીતે સરકારી હોસ્પિટલ જે સામાન્ય માણસ માટે જ છે પણ તે હોસ્પિટલમાં જતાં સામાન્ય માણસને ડર લાગે છે. જ્યાં જીવન મળવાનું છે ત્યાંથી મોત મળશે તેવી આશંકા આપણને થાય. છતાં તેને આપણે ગુજરાત મૉડેલ કહીએ છીએ.

ગુજરાતના નેતાઓ રસ્તા ઉપર કોરોનાકાળમાં પણ રાજકીય રેલી કાઢી શકે પણ બેરોજગાર વ્યક્તિ નોકરી માટે અને ખેડૂત પોતાના પાકવીમા માટે જો રસ્તા ઉપર ઊતરે તો તેમની 144 કલમ અંતર્ગત અટકાયત કરવામાં આવે. આ પણ આપણું ગુજરાત મૉડેલ છે. આમ ઉત્તમમાંથી અતિઉત્તમ થવા માટે આપણે હજી ઘણું બધું કરવાનું બાકી છે, અને આપણી નબળાઈઓ તથા નિષ્ફળતાનો સ્વીકાર જ આપણને એક નવી સવાર તરફ લઈ જશે, પરંતુ આપણે બીજાં રાજ્યોની સરખામણીમાં ઉત્તમ છીએ તેવો સંતોષ લેવા લાગીશું, તો તે દાઉદ કરતાં લતીફ સારો છે તેવું કાંઈક કહેવા જેવું થશે.

e.mail : prashantdayal.26@gmail,com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 11

Loading

દલિતો અને બહુજનોએ સત્તાના ’લાઇફ-જેકેટ’ની ભૂમિકા નકારી દેવી જોઈએ

આર. રામ|Opinion - Opinion|27 September 2020

છેલ્લાં વર્ષોમાં ભારતમાં ઘણાં આંદોલનો થયાં. જેમ કે નિર્ભયા આંદોલન, ભ્રષ્ટાચારવિરોધી આંદોલન, જે.એન.યુ.નું ‘ન્યુ ઇન્ડિયા’ આંદોલન, ટોળાંની હિંસાનો મામલો, સાહિત્યકારો દ્વારા એવોર્ડ-વાપસી, સી.એ.એ. – એન.આર.સી. વિરોધ વગેરે. પરંતુ આ આંદોલનોમાં દલિતો જોડાયા નહીં, કારણ કે દલિત-પછાત વર્ગના કેટલાક બૌદ્ધિક ઠેકેદારોએ સમાજને આ ચળવળોથી દૂર રહેવા કહ્યું હતું. તેમણે કહ્યું કે આ બધા ઉચ્ચ જાતિના ઉદારવાદીઓનાં મહોરાં છે અને આ આંદોલનોમાં જોડાવાથી દલિતોને કોઈ ફાયદો થશે નહીં. તેમની દલીલ હતી કે જ્યારે દલિતોને અન્યાય થાય છે ત્યારે આ કથિત ઉચ્ચ જાતિના ઉદારવાદીઓ તેમના સમર્થનમાં આગળ આવતાં નથી.

જો કે એ હકીકત છે કે હૈદરાબાદ યુનિવર્સિટીના હોનહાર દલિત યુવાન રોહિત વેમુલાની સંસ્થાકીય હત્યાના વિરોધમાં અને બીજી એપ્રિલના ભારત બંધમાં ડાબેરીઓ અને ઉદારવાદીઓ જોડાયા હતા. દલિતો સાથે ખભેખભા મિલાવીને તેમણે 'જય ભીમ-લાલ સલામ'ના નારા લગાવ્યા, ત્યારે દલિત-પછાત સમાજના આ કહેવાતા બૌદ્ધિક ઠેકેદારોને પેટમાં દુખ્યું હતું. કારણ કે તે જાણી ગયા હતા કે આ રીતે કહેવાતા ઉચ્ચ સમાજના ઉદારવાદીઓ દલિતોનાં સમર્થનમાં આવતા રહેશે તો એક દિવસ તેમની બૌદ્ધિક ઠેકેદારી જોખમમાં મૂકાશે. આ વલણનો તાજેતરનો કિસ્સો સુપ્રીમ કૉર્ટના વરિષ્ઠ વકીલ તેમ જ માનવઅધિકાર તથા નાગરિક સમાજના અગ્રણી પ્રશાંત ભૂષણ સાથે સંબધિત છે. તેમને સુપ્રીમ કૉર્ટના ન્યાયાધીશોની ટ્વીટર પર ટીકા કરવા બદલ અદાલતની અવમાનનાના કેસમાં  દોષી ઠેરવવામાં આવ્યા. પ્રશાંત ભૂષણ સતત આ સરકારની વિરુદ્ધ, લોકશાહી સંસ્થાઓની અને ખાસ કરીને ન્યાયતંત્રની નબળાઈઓ સામે અવાજ ઉઠાવતા આવ્યા છે. પ્રશાંત ભૂષણે ભા.જ.પ.ના નેતાના પુત્રની મોંઘી મોટરબાઇક પર સવારી કરતા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડેની તસવીર પર સવાલ ઉઠાવ્યા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના આ જાહેર વર્તન બાબતે તેમણે ઉઠાવેલા સવાલ ચર્ચાનો વિષય બન્યા. પ્રશાંત ભૂષણ સામેનો કેસ તેમની વિરુદ્ધના ખુન્નસ અને  તેમને પાઠ શીખવવાના આશયનું પરિણામ છે.

ઑગસ્ટ ૧૪, ૨૦૨૦ન રોજ  સુપ્રીમ કૉર્ટની ત્રણ જ્જોની ખંડપીઠે ભૂષણને દોષી ઠેરવ્યા હતા અને તે પછી  સજા કરી. આ ચુકાદા વિરુદ્ધ દેશ અને દુનિયાના  હજારો ન્યાયવિદો અને લોકશાહી ચાહકોએ  અવાજ ઉઠાવ્યો અને ભૂષણના સમર્થન આવ્યા હતા. દેશનાં સામાન્ય લોકોમાં પણ આ મુદ્દે અસંતોષ અને નારાજગી જોવા મળી હતી..

આ તમામની વચ્ચે દલિત અને પછાત સમાજના ઠેકેદારો ફરી આગળ આવ્યા. તેમણે વર્ષ ૨૦૧૭માં દલિત ન્યાયાધીશ કર્ણનને અદાલતના અપમાનના કેસમાં થયેલી સજાની યાદ અપાવી અને દલિતોને પ્રશાંત ભૂષણના કેસથી દૂર રહેવાની શિખામણ આપી. તેના કારણમાં તેમણે જણાવ્યું કે જ્યારે ૨૦૧૭માં જસ્ટિસ કર્ણનની વિરુદ્ધમાં અદાલતના અપમાનની કાર્યવાહી કરવામાં આવી અને તેમને છ માસની સજા કરવામાં આવી ત્યારે પ્રશાંત ભૂષણે ટ્વીટ દ્વારા ખુશી વ્યક્ત કરી હતી.

એવું કહેવામાં આવ્યું કે દલિતોને પ્રશાંત ભૂષણ પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન હોવી જોઈએ. કારણ કે તેમણે દલિત જજ કર્ણનના સજાના મામલામાં ખુશી વ્યક્ત કરી હતી. દલિત અને પછાત વર્ગના સ્વયંઘોષિત નેતાઓનું કહેવું હતું કે પ્રશાંત ભૂષણ કથિત ઉચ્ચ જ્ઞાતિના છે અને સત્તાના વાતાવરણમાં રહેતા શક્તિશાળી સમુદાયમાંથી આવે છે. ઠેકેદારોના મતે આ ઉચ્ચ જાતિઓનો અંદરોઅંદરનો મામલો છે, જેની સાથે દલિત અને પછાત વર્ગને કોઈ સંબધ ન હોવો જોઈએ.

આ સંદર્ભે પ્રથમ વાત એ છે કે અહીં પ્રશાંત ભૂષણના વ્યક્તિગત મૂલ્યોનો કે અપમાનનો પ્રશ્ર નથી. પરંતુ બંધારણના આત્માને બચાવવાનો અને ન્યાયતંત્રની સ્વતંત્રતાના રક્ષણનો પ્રશ્ર છે. લોકશાહીમાં આમ આદમી જ પ્રહરીની મુખ્ય ભૂમિકામાં હોય છે અને જો ન્યાયતંત્રની નિષ્પક્ષતા પૂર્ણપણે સમાપ્ત થાય તો તેનો સીધો પ્રભાવ દલિતો-વંચિતો અને ગરીબો પર જ પડશે. આ વર્ગોને જે  થોડાઘણા ન્યાયની આશા હોય તે અદાલતો પાસેથી જ રહે છે.

એક પરિપક્વ લોકશાહી અને નિષ્પક્ષ ન્યાયતંત્ર એ કોઈ કોરી કલ્પના નથી. બલકે તેને રોજબરોજના રોજિંદા સંઘર્ષ દ્વારા તેને પ્રાપ્ત કરવાની, બચાવવાની અને મજબૂત કરવાની હોય છે. આ સંઘર્ષમાં વંચિત વર્ગો અને દલિત-પછાતો મોખરે રહેવા જોઈએ. બહાનાં કાઢીને તેનાંથી દૂર ભાગવાનો પ્રયત્ન કરવો ન જોઈએ અને સત્તાધીશોને મોકળું મેદાન આપતા રહીને પાછલા બારણેથી – આડકતરી રીતે સત્તાધીશોને લાભ પહોંચાડવાથી બચવું જોઈએ.

હવે જસ્ટિસ કર્ણનના મામલાને સમજવાની કોશિશ કરીએ. વર્ષ ૨૦૦૯માં જસ્ટિસ કર્ણનની મદ્રાસ હાઈકૉર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. તે સમયે કે.જી. બાલકૃષ્ણન્‌ સર્વોચ્ચ અદાલતના પહેલા દલિત મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત હતા. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૧ સુધી જસ્ટિસ કર્ણન અસ્થાયી અને વર્ષ ૨૦૧૧માં કાયમી જજ બન્યા હતા. ત્યાર બાદ કર્ણને ન્યાયતંત્રમાં જાતિગત ભેદભાવનાં પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું. તેમણે એક પત્રકાર પરિષદ બોલાવી અને તેમના જ સાથી ન્યાયાધીશો પર જાતિગત ભેદભાવનો આરોપ લગાવ્યો, પરંતું આ માટે તેમણે ન્યાયતંત્રને મળેલા અધિકારોનો ઉપયોગ ન કર્યો. મદ્રાસ હાઈકૉર્ટમાં ન્યાયાધીશ હતા તે દરમિયાન જસ્ટિસ કર્ણને ઘણીબધી વખત પોતાની સાથે આચરાતા જાતિગત ભેદભાવનો સવાલ ઉઠાવ્યો હતો. પરંતુ દરેક વખતે તેઓ ન્યાયપાલિકાના સિદ્ધાંતો અને પોતાના જજ હોવાના ગૌરવને બાજુ પર હડસેલીને ઊડઝૂડ વર્તન કરતા રહ્યા. વર્ષ ૨૦૧૫માં જજોની નિયુક્તિ સંબંધી એક કેસની સુનાવણી દરમિયાન તે અદાલતમાં પહોંચી ગયા અને પોતાને  પક્ષકાર બનાવવાની  માંગ  કરવા માંડ્યા.

મદ્રાસ હાઈકૉર્ટના ૨૧ ન્યાયાધીશોએ સુપ્રીમ કૉર્ટમાં કર્ણન વિરુદ્વ ફરિયાદ કરી હતી. વિવાદોને કારણે વર્ષ ૨૦૧૬માં તેમની કોલકાતા હાઇકૉર્ટમાં બદલી કરવામાં આવી. પરંતુ તેમણે પોતે જ તેમની બદલી પર સ્ટે ઑડર મૂકી દીધો હતો. આ બાબતે જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કર્ણનને નોટિસ મોકલી ત્યારે તેમણે તેમના વર્તન બદલ માફી માંગી અને સ્વીકાર્યું કે તેમનું માનસિક સતુંલન ઠીક નથી. તે પછી તેમણે કોલકાતા હાઇકોર્ટમાં ચાર્જ સંભાળી લીધો. પરંતુ ત્યાં પણ તેમણે ૨૦ જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, જેથી તેમની સામે અદાલતી અવમાનની કાર્યવાહી કરવામાં આવી.

કર્ણનને સજા કરવાનો બદલે અને તેમની સામે મહાભિયોગ(ઇમ્પીચમેન્ટ)ની કાર્યવાહી કરવાને બદલે, તેમને સીધા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની બાબત આજે ય ચર્ચાસ્પદ છે. શક્ય છે કે  તેમના વિશેષાધિકારનો ભંગ કરવામાં આવ્યો હોય. પરંતુ તેમના કિસ્સામાં તે દલિત હોવા કરતાં તેમની વર્તણૂકની ભૂમિકા વિશેષ હતી. તેમના આરોપો, એક તરફી નિર્ણયો અને ન્યાયિક પ્રક્રિયાઓના અવમાનનો એ મામલો છે. એક વકીલ તરીકે કે ન્યાયાધીશનો કાર્યકાળ અને છ મહિનાની સજા પૂરી થયા બાદ જાતિવાદ સામે કે દલિત મુદ્દાઓ પર કર્ણન તરફથી કશું સાંભળવા મળ્યું નથી. આ દરમિયાન  કે પછી પણ તેઓ કોઈ આંદોલન કે જાહેર ચર્ચાઓમાં જોવા મળ્યા નથી..

આ વિવરણ વાંચીને કોઈને પણ લાગશે કે લેખકે એક તરફી જ માહિતી આપી છે અને જસ્ટિસ  કર્ણનના પક્ષને સમજવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. એ ચોક્કસ શકય છે કે જસ્ટિસ કર્ણને જે સવાલો ઉઠાવ્યાં હતા તે તમામ સાચા પણ હોય. કર્ણનથી પહેલાં પણ ન્યાયતંત્રમાં જાતિવાદ અને ભ્રષ્ટાચારનો પ્રશ્નો ઉઠતો રહ્યો છે. પરંતુ કર્ણને આ પ્રશ્ન માટે જે રીત અપનાવી હતી તેનાં કારણે બધી ચર્ચા ભ્રષ્ટાચાર અને ન્યાયતંત્રમાં જાતિ ભેદભાવથી ફંટાઈને કર્ણનનાં વ્યવહાર, તેમના અસંગત નિર્ણયો અને પ્રક્રિયા પર કેન્દ્રિત થઈ ગઈ. પોતાના વ્યવહાર થકી કર્ણને જ મુખ્ય મુદ્દા બાજુ પર ધકેલી દીધા અને તેમની વ્યક્તિગત ચર્ચા જ કેન્દ્રમાં રહી. આ રીતે તેમણે ન્યાયતંત્રમાં જાતિગત ભેદભાવના મુદ્દાને પણ નુકસાન કર્યું હતું. જો કર્ણનને મદ્રાસ હાઈકૉર્ટમાં જાતિવાદનો સામનો કરવાનો આવ્યો હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈતું હતું અને લોકો સમક્ષ તેમનો પ્રશ્ન મૂકી, લોકોને જાગ્રત કરી લોકસમર્થન મેળવવું જોઈતું હતું. તેને બદલે તે જજની ખુરશીને ચીટકી પણ રહ્યા અને વિચિત્ર વર્તન કરીને એક ગંભીર મુદ્દાને મજાકરૂપ બનાવી મૂક્યો.

અહીં પાયાનો સવાલ એ પણ ઊભો થાય છે કે દલિતોના મુદ્દાઓને રજૂ કરવાનો અધિકાર કોને છે? શું ચૂંટણી પહેલાં રામદાસ આઠવલે કે ચિરાગ પાસવાનની ભીતર રહેલો દલિત જાગી ઊઠે અને તેઓ કહેવા માંડે કે તેમની સાથે જાતિઆધારિત ભેદભાવ થઈ રહ્યો છે. તો શું દલિતોએ ઊંધું ઘાલીને તેમની વાત માની લેવી જોઈએ? 

ભારતમાં જાતિવાદ એ કોઈ સામાન્ય સમસ્યા નથી. આ આપણા સમાજનો મૂળભૂત આંતરિક વિરોધાભાસ છે. તેનો ઉપાય બધાએ શોધવાનો છે. કર્ણન જેવા લોકો તેમની રીતભાતને કારણે જાતિવાદ સામેના સંધર્ષને નબળો પાડવાનું કામ કરે છે. વંચિત વર્ગોમાં જાતિના નામે દરેક ખોટી વ્યક્તિને ટેકો આપવાનો અને દરેક બીજી જાતિની વ્યક્તિનો આંધળો વિરોધ કરવાનું વલણ અંત્યત ઘાતક છે,  જે જાતિવાદ સામેની લડતને નબળી પાડે છે.

પ્રશાંત ભૂષણ પરનો અદાલતી અવમાનનો મુદ્દો અભિવ્યક્તિની આઝાદી પર અંકુશનો તો છે જ, પરંતુ તે મૂળભૂત રીતે તો ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે પ્રશ્ન ઊભો કરે છે. દેશની લોકશાહીમાં વિશ્વાસ રાખનાર પ્રત્યેક વ્યક્તિએ પ્રશાંત ભૂષણના સમર્થનમાં ઊભા રહેવું જોઈએ. દલિત-બહુજનનોએ જાતિના નામ પર સત્તાપક્ષના આડકતરા સમર્થક — લાઇફ જેકેટ — બનવાનો જોરદાર ઈન્કાર કરી દેવો જોઈએ.

[સૌજન્ય – ‘જનચૌક’, અનુવાદ : દીપ્તિકા ડોડીઆ]

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 12-14

Loading

આ મુશ્કેલ સમયમાં (39)

સુમન શાહ|Opinion - Opinion|26 September 2020

= = = = જરા વિચારો, કોરોના મનુષ્યોને જ કેમ વળગ્યો? ચકલી કાબર લૅલાં હોલા કે કાગડાને કેમ નહીં? કબૂતર બિલાડી કે કુકરિયાંને કેમ નહીં? કેમ કે એ સૌ પ્રાણીઓ પ્રકૃતિને વશ થઈને જીવે છે. કેમ કે એ સૌ પ્રાણીઓ સવારથી રાત સુધી લ્હૅરમાં જિવાય એવી કૃતિઓ સરજે છે. કેમ કે એમના અસ્તિત્વને તરડેમરડે એવી એમની પાસે કશી સંસ્કૃતિ નથી = = = =

અંગ્રેજીમાં શબ્દ છે, aftermath. કશીક હોનારત ઘટી ગઈ હોય પછી ઘણું બધું બનતું હોય છે. તે પશ્ચાદવર્તી સમયગાળાને આફ્ટરમાથ કહેવાય છે. જેમ કે, ધરતીકમ્પ પછીનો સમયગાળો; જેમ કે, સુનામી પછીનો; જેમ કે, વિશ્વયુદ્ધો પછીનો … એ જ પ્રકારે, કોરોના પછીનો સમયગાળો, આફ્ટરમાથ – કોરોના.

સુજ્ઞજનો વિચારે છે કે કોરોના સમાપ્ત થશે પછી આ દુનિયા કેવી હશે ને તેમાં મનુષ્યજીવન કેવું હશે. દુનિયાભરના ચિન્તકો, સવિશેષે ભવિષ્યવાદી ચિન્તકો, વિચારી રહ્યા છે. રાજનીતિ અને રાજકારણમાં કેવાક બદલાવ આવ્યા હશે … અર્થતન્ત્રના શા હાલ હશે … વેપાર ને નોકરીધંધા કેમના ગોઠવાશે …

જો કે કોરોના ટળે એ પહેલાં દુનિયા કેવી હશે એની કલ્પનાઓ કરવાથી શો લાભ? કસમયનું લાગે છે. કસમયનું એ કારણે કે રસી શોધાયા પછી પણ આ મહામારી પૂર્ણ રૂપેણ સમાપ્ત થશે કે કેમ તે વિશે ખાતરીથી કશું કહી શકાતું નથી.

ઘરમાં, કારમાં ને ઑફિસના એ.સી. રૂમમાં બેસીને ‘આઇયૅમા વૉરિયર’ એમ ફડાકા મારનારા, સારું છે કે હવે ટાઢા પડી ગયા છે. એમાં તે વળી, એ બધા શેના યોદ્ધા? વટ જમાવવા માટેની કૃતક બહાદુરી ! એથી કોરોના ના ડરે. સામે છેડે, મોટી સંખ્યામાં અહીંતહીં મ્હાલતા પ્રજાજનો જુદી જ જાતના વૉરિયર લાગે છે. કશી સાડીબારી વિના કોરોનાની સામે પડેલા છે – માસ્ક નૈં પ્હૅરું – સોશ્યલ ડિસ્ટન્સની ઍસીતૅસી ! – જાતઅલગાવ શી બલા છે ! લાકડાની તલવાર લઈ મૅદાને પડેલા ગાંડિયા બેબાક સિપઇડા જ જોઈ લો ! દેખીતું છે કે આવા બધા લોકો આફ્ટરમાથમાં તો સાવ જ બ્હૅકી જવાના …

આફ્ટરમાથમાં ખરું યુદ્ધ તો જાત સાથે લડવું પડવાનું છે. સૌએ માસ્ક – મ્હૉરાં – પ્હૅરવાની ટેવ પાડવી પડશે. આપણી આસપાસમાં ‘મ્હૉરાં’ પ્હૅરેલા એક-બે તૂંડમિજાજી કે આપોપા મોટા તો હોય જ છે ! એમનાથી બચી શકાશે. બીજાની સ્વતન્ત્રતાને હડપી જવાને બદલે પોતાની એકલતાને ચાહવી જોઈશે. કોઈ અળગા કરે એ પહેલાં જાતે જ થઈ જવું જોઈશે. મનુષ્યજાતિએ જીવન જીવવાની બધી જ રીતો બદલવી જોઈશે. ભૌતિક સુખાકારીને જ લક્ષ્ય કરનારી કહેવાતી પ્રગતિને સ્ટૉપ કરવી પડશે. સમજી-વિચારીને દરેક બાબતે પીછેહઠ કરવી જોઈશે. મને થયું, આ અંગે થોડુંક વિચારીએ તો સંભવ છે કે આફ્ટરમાથના દિવસોમાં નવેસરથી જીવવાની ગતાગમ પડે.

એ વિચારના પ્રારમ્ભે જ મારી સામે ત્રણ શબ્દ આવી ઊભા : સંસ્કૃતિ, કૃતિ અને પ્રકૃતિ : હું એમની વાત કરીને અટકું.

સંસ્કૃતિ પ્રજાકીય વસ્તુ છે – જેમ કે હિન્દુ પ્રજાની હિન્દુ સંસ્કૃતિ. સંસ્કૃતિના સંવર્ધન કાજે તાજામાજા બાળકને બાળમન્દિરે મોકલીને ક્રમે ક્રમે ઘડીકૂટીને બધી જ સિસ્ટમમાં ફિટ આવે એવો ગુજરાતી હિન્દુ બનાવી મૂકીએ છીએ. સંસ્કૃતિ સિસ્ટમ્સની સિસ્ટમ છે – સુપર સિસ્ટમ. બીજું, સંસ્કૃતિ એક મોઓટી શેતરંજી પણ છે. પ્રજાઓ એની નીચે દમ્ભ, જૂઠાણાં ને વિવિધ પ્રકારના ગંદવાડને છુપાવી શકે છે. જુઓ ને, સત્યમ્ વદ, ધર્મમ્ ચર જેવાં સંસ્કારવર્ધક સુ-વચનોનું પાલન તો કો’ક કો’ક જ કરે છે. કેટલીયે દીવાલો પર એનાં સુશોભિત પાટિયાં લટકતાં જોઈને સમજુ માણસો વ્યંગમાં મલકાતા હોય છે. એ શો-ઑફ્ફ છે. એ વચનો, ખાસ તો, બીજાઓ સામે બોલવા માટેનાં છે. બધા જ બોલતા આવ્યા છે ને તેથી એ ગ્રાન્ડ નૅરેટિવ બનીને સદીઓથી ભારતની હવામાં લ્હૅરાયા કરે છે.

રાજ્ય પણ એક એવું જ નૅરેટિવ છે. એ સર્વજનહિતાય છે, સુચિન્તિત વ્યવસ્થાતન્ત્ર છે. તેમ છતાં, મોટા ભાગના દાખલાઓમાં આપણે જોઈએ છીએ કે હિત તો એના રખેવાળોનું ને વચેટિયાઓનું જ થાય છે. લોકશાહી અપ્રતિમ શાસનપ્રણાલિ છે, પણ પ્રજાને ખૂબ હંફાવે છે. જનસમાજે હરેક વાતે લાંબા સમય લગી તરસવું પડે છે.

માનવકલ્યાણના ધ્યેયને વરેલું ધર્મકારણ પણ એક ગ્રાન્ડ નૅરેટિવ નથી તો શું છે ! પોલાણ કેટલાયે ધર્મોની ઓળખ છે. વ્યક્તિઓ ધાર્મિક હોય છે – પણ પોતાની મરજીથી – સ્વપુરુષાર્થે કરીને ! બાકી, એક પણ ધર્મ પ્રજાસમસ્તને કદી પણ ધાર્મિક નથી બનાવી શક્યો. દરેક ધર્મમાં વિ-ધર્મીઓ હોય જ છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ધર્મમાત્રને પ્રચારની તેમ જ યેન કેન પ્રકારના નુસખાઓની જરૂર પડી છે. દબાણ અને વટાળ જેવાં ન-ધાર્મિક સાધનોનો આશ્રય કરવો પડ્યો છે.

આપણે જોઈએ છીએ કે કેટલાયે ધીમન્તો તેમ જ શ્રીમન્તો રાજસત્તા અને ધર્મસત્તાની સાનુકૂળ છાયામાં લપાઈને વિધવિધનાં અસંસ્કારી કામો કરે છે. સંસ્કૃતિના વાઘા ઓઢીને આપણી સામે રોજે રોજ ઝૂમ્યા કરે છે. આપણા જીવનમાર્ગને રૂંધે છે. આફ્ટરમાથમાં સંસ્કૃતિ નામની શેતરંજીને ઓળખીને ફગાવી દેવી પડશે અને વાઘાધારીઓથી બચવા હમેશાં સાવધાન રહેવું પડશે. પોતે પણ એવા વાઘા ચડાવ્યા હશે, તો ઉતારી નાખવા જોઈશે.

સંસ્કૃતિ પ્રજાકીય વસ્તુ છે પણ કૃતિ તો વૈયક્તિક આવિષ્કાર છે. મારે જે કરવું કે સરજવું હોય એ હું કરી શકું. એથી રચાય તે મારી સત્તા, તે મારો ધર્મ, તે મારું દત્ત અને તે મારું અર્જિત કે ઉપાર્જિત. એ માટે વ્યક્તિએ પોતાના દરેક કામને એવી તો સર્જકતાથી પાર પાડવાં જોઈશે કે પરિણામે એ એક સુન્દર સુકૃતિ ભાસે અને એથી પોતાને તેમ જ સામાને ક્લેશનો નહીં પણ રસાનન્દનો અનુભવાય, કિંચિત્ જીવનતોષ લાધે.

પ્રકૃતિથી તો કેટલા વેગળા થઈ જવાયું છે ! વન, પહાડ કે નદી દૂર પડે છે, તો છોડો ! પણ આકાશ તો નજરવગું જ છે. ધ્રુવ અને સપ્તર્ષિદર્શન તેમ જ સૂર્ય-ચન્દ્રના દર્શન કાજે કશી તકલીફો નથી. લોક વરસાદ તાપ કે ટાઢની બૂમો બહુ પાડે છે, પણ એમને છ ઋતુઓની ખબર ભાગ્યે જ હોય છે – હેમન્ત – શિશિર – વસન્ત – ગ્રીષ્મ – વર્ષા – શરદ. એમને એ ભેદની પણ જાણ નથી કે આ તાપ શરદનો છે ને ગ્રીષ્મનો નથી. વર્ષાની ટાઢ પોષના શિયાળાની નથી હોતી. અતિવૃષ્ટિ થઈ હોય ને અતિ ઠંડા પવન જોશમાં ફુંકાતા હોય ત્યારે તેવી ટાઢને હિક્કળ કહેવાય છે. પણ એની ખબર કેટલાંને છે?

પુષ્પો સાથે કેવોક છે આપણો લગાવ? છે ખરો? ભલા’દમીઓને ફૉમ નથી કે ગુલાબ ઉપરાન્તનાં કેટલાંયે પુષ્પો છે !

પક્ષીઓ સાથેના અનુબન્ધનું શું? શહેરો છોડીને ચકલીઓ જતી રહી છે પણ ક્યાં ગઈ હશે? કાબર લૅલાં હોલા હજી છે – જો એમના બોલ આ નગરસભ્યતામાં સંભળાય તો. ‘કાગવાસ’ બોલતાંમાં કાગડા ઊતરી આવે, પણ હવે? કૂતરાં રાત્રે જ કેમ વધારે ભસે છે? એમને ખોરાક મળે છે? ક્યાંથી? બિલાડી અને કબૂતરો પણ સફેદ હોય છે. પણ એવું ધૉળું ફટાક કબૂતર કે સફેદ રૂ-ની હોય એવી બિલાડી જવલ્લે જ જોવા મળ છે. પાંચ-છ કુરકુરિયાંની ગમતીલી ગોટમ્ ગોટ જોવાની જે ગમ્મતો હતી તે ક્યાં ગઈ? પોપટ કોણ પાળે છે હવે? પોપટથી મૅના કઈ બાબતે જુદી હોય છે? એ કે એ રૂપાળી નમણીને કાંઠલો ન હોય. પણ તેની જાણ કેટલાંને છે?

જરા વિચારો, કોરોના મનુષ્યોને જ કેમ વળગ્યો? ચકલી કાબર લૅલાં હોલા કે કાગડાને કેમ નહીં? કબૂતર બિલાડી કે કુકરિયાંને કેમ નહીં? કેમ કે એ સૌ પ્રાણીઓ પ્રકૃતિને વશ થઈને જીવે છે. કેમ કે એ સૌ પ્રાણીઓ સવારથી રાત સુધી લ્હૅરમાં જિવાય એવી કૃતિઓ સરજે છે. કેમ કે એમના અસ્તિત્વને તરડેમરડે એવી એમની પાસે કશી સંસ્કૃતિ નથી …

= = =

(September 26, 2020: Ahmedabad)

Courtesy: Google Images.

Loading

...102030...2,2792,2802,2812,282...2,2902,3002,310...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved