Opinion Magazine
Number of visits: 10,226,841
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલા તરવાડીના ખેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં (ઘી) કેળાં

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 January 2021

અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિની ચૂંટણીને આખરી મહોર (સર્ટિફિકેશન) મારવા માટે છઠ્ઠી જાન્યુઆરીએ મળેલી અમેરિકાની પ્રતિનિધિ સભાની બેઠક દરમિયાન, સેવામુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં કેપિટલ હિલ (સંસદ ભવન) પર ચઢાઈ કરીને તેને જે રીતે ચાર કલાક બાનમાં લીધું અને હિંસા મચાવી, તે ઘટના અમેરિકાના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે દર્જ થશે. એક રીતે તો એ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેનનો તખ્તાપલટનો જ પ્રયાસ હતો. પ્રતિનિધિ સભા ચૂંટણીનાં પરિણામો પર સર્ટિફિકેશન જારી કરે, એટલે એક રાષ્ટ્રપતિની ઘરવાપસી અને બીજા રાષ્ટ્રપતિનો વ્હાઈટ હાઉસ પ્રવેશ અધિકૃત રીતે નક્કી થઇ જાય.

ટ્રમ્પ તો પહેલા જ દિવસથી ચૂંટણીનું પરિણામ સ્વીકારતા ન હતા, અને તેમણે તેમના સમર્થકોને છઠ્ઠી જાન્યુઆરીએ કેપિટલ હિલ પર કૂચ કરવાની હાકલ કરી જ રાખી હતી. તેમાં જ અસંખ્ય સમર્થકો અમેરિકન સંસદ પર શબ્દશઃ ચઢી ગયાં અને અમુક છેક અંદર સુધી ઘુસી ગયાં. એમાં ચાર કલાક સુધી જે અફરાતફરી મચી, તેમાં ચાર લોકોનાં મોત પણ થઇ ગયાં.

રાષ્ટ્રપતિના ચૂંટણી પ્રચાર દરમિયાન, ૨૪ સપ્ટેમ્બરે એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી "તમે શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની ખાતરી આપશો?" ત્યારે તેમણે કહ્યું હતું, "એ તો જોવું પડશે. એમ હસ્તાંતરણ નહીં થાય. તમને તો ખબર જ છે કે હું ટપાલથી મત માટે સખત ફરિયાદ કરી રહ્યો છું. આ મતો દુર્ઘટના છે.”

પરિણામો વિરુદ્ધમાં ગયાં, તો ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડવાના મૂડમાં નથી તેવી આશંકાઓ ઓર પ્રતિક્રિયા આપતાં, અમેરિકન કોંગ્રેસના સૌથી જૂના અપક્ષ સેનેટર બર્ની સેન્ડરે એક ભાષણમાં કહ્યું હતું કે, “મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું તમારી સમક્ષ ક્યારે ય આ વિષય પર ચર્ચા કરીશ; રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટણી હારી જશે, તો ચૂપચાપ ખુરશીમાંથી ઊતરી જશે? આ ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે નથી. આ ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ અને લોકશાહી વચ્ચે છે – અને એમાં લોકશાહીનો વિજય થવો જ જોઈએ.”

છઠ્ઠી જાન્યુઆરીએ કેપિટલ હિલમાં દુનિયાએ જે દ્રશ્યો જોયાં, તે લોકશાહી માટે શરમજનક હતાં. નવનિર્વાચિત જો બાઈડેને કહ્યું કે, “આ વખતે આપણા લોકતંત્ર પર હુમલો થયો છે. મને આશા ન હતી કે અમેરિકાએ આવો દિવસ જોવો પડશે. સ્વતંત્રતાના ગઢ, ગણતંત્રમાં મંદિર કેપિટલ હિલ પર આવો હુમલો આધુનિક સમયમાં ક્યારે ય જોવા નથી મળ્યો.”

ટ્રમ્પની જ રિપબ્લિકન પાર્ટીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ. બુશે તો ત્યાં સુધી કહ્યું કે આવું તો બનાના રિપબ્લિકમાં થાય. તેમણે કહ્યું કે ચૂંટણી પછી અમુક રાજનેતાઓએ અપનાવેલા વ્યવહાર અને આપણી સંસ્થાઓ, સંસ્કૃતિ અને કાનૂની એજન્સીઓનું સન્માન નહીં જાળવવાની વૃત્તિને લઈને હું હેરાન છું. ચૂંટણીનાં પરિણામોનો આ રીતે વિરોધ તો બનાના રિપબ્લિકમાં થાય, આપણા લોકતાંત્રિક રિપબ્લિકમાં નહીં.” ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટર, બરાક ઓબામા અને બિલ ક્લિન્ટને પણ આ ઘટનાને શરમજનક ગણાવી હતી. એ જ રીતે દુનિયાના અનેક વડાઓએ લોકશાહીના આવા વસ્ત્રાહરણની તીવ્ર ટીકા કરી હતી.

બુશે જે ‘બનાના રિપબ્લિક’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે તે રસપ્રદ છે. બનાના રિપબ્લિક આમ તો પોલિટીકલ સાયન્સનો શબ્દ છે, પરંતુ તેનો જન્મ સાહિત્યમાં થયો હતો. બનાના રિપબ્લિક એટલે એવો દેશ જેની સરકાર કોઈ કાનૂન કે નિયમને માનતી ન હોય, અને મન ફાવે તેવી રીતે રાજ ચલાવે. ૨૦મી સદીમાં વસાહતી (કોલોનિયલ) તાકાતોમાંથી આઝાદ થયેલા ઘણા રાષ્ટ્રોમાં વિદેશી તોતિંગ કંપનીઓના પ્રભાવવાળા બનાના રિપબ્લિકનાં લક્ષણો હતાં. જેમ કે માલદીવ્સમાં રિસોર્ટ કંપનીઓનો દબદબો હતો અને ફિલિપાઇન્સમાં તમાકુ કંપનીઓનું રાજ ચાલતું હતું. એક જમનામાં સ્વતંત્ર હવાઈ રાજ્ય શેરડી પકવતા અમેરિકાના ખેડૂતોનું ખંડિયું હતું. તેનું બંધારણ તો ‘બોયોનેટ બંધારણ’ તરીકે ઓળખાતું હતું, કારણ કે તેમાં જોરજબરદસ્તી કરવાની જોગવાઈ હતી (બોયોનેટ એટલે બંધૂક).

ડોનાલ્ડ ટ્રમ્પ જેના સભ્ય છે તે રિપબ્લિકન પાર્ટીનું નામ લઈને, શેલ્ડોન રેમ્ટોન અને જોહ્ન સ્ટાઉબ નામના બે લેખકોએ ૨૦૦૪માં, ‘બનાના રિપબ્લિકન્સ’ નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે જમણેરી રિપબ્લિકન પાર્ટી અને મીડિયા, લોબી સંસ્થાઓ અને ચૂંટણી તંત્રમાં બેઠેલા તેના સમર્થકો ભિન્નમત અને બહુપક્ષીય રાજનીતિને ખતમ કરી રહ્યા છે. ૨૦મી સદીના ધુઆંધાર નવલકથાકાર ગેબ્રિયલ ગાર્સિયા માર્કેજે, તેમની મહાન નવલકથા ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’માં ફળફળાદિનો વ્યવસાય કરતી વિદેશી કંપનીઓ કેવી રીતે સ્થાનિક રાજ્યની ભ્રષ્ટ સરકાર સાથે મળીને તેના રહેવાસીઓને લૂંટે છે તેની વાત લખી હતી.

મજાની વાત એ છે કે બનાના રિપબ્લિક શબ્દ અને તેની ધારણાનો ઉદય જ અમેરિકામાંથી થયો છે. સેન્ટ્રલ અમેરિકન રાષ્ટ્ર હોન્ડુરાસ એક જમાનામાં કેળાં (બનાના) પકવવા માટે પ્રખ્યાત હતું. ૨૦મી સદીની શરૂઆતમાં, અમેરિકામાં કેળાંની ખેતી થતી ન હતી, પણ તેની ડિમાન્ડ ખૂબ હતી. તે વખતે અમેરિકાની કુયામેલ ફ્રૂટ કંપનીના માલિક સામ ઝેમુર્રેએ હોન્ડુરાસમાં કેળાં પકવવા માટે ૧૫,૦૦૦ એકર જમીન ખરીદી હતી.

આ સામ ઝેમુર્રે એટલો વગદાર વેપારી હતો કે તેણે હોન્ડુરાસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મેન્યુઅલ બોનિલ્લા અને અમેરિકાના ભાડૂતી જનરલ લી ક્રિસમસ સાથે સાંઠગાંઠ કરીને હોન્ડુરાસની લોકતાંત્રિક સરકારને ઉથલાવીને લશ્કરી શાસન બેસાડ્યું હતું. લી ક્રિસમસ હોન્ડુરાસના સૈન્યનો કમાન્ડર બન્યો હતો અને અમેરિકન સરકારે પાછળથી તેને હોન્ડુરાસનો એલચી નીમ્યો હતો.

૧૯મી સદીના અમેરિકન લેખક ઓ. હેન્રીએ તેમના વાર્તાસંગ્રહ ‘કેબેજીસ એન્ડ કિંગ્સ’ (૧૯૦૪)માં પહેલીવાર બનાના રિપબ્લિક શબ્દ વાપર્યો હતો. ઓ. હેન્રી અમેરિકાની એક બેંકના કેસમાંથી બચવા માટે થઈને હોન્ડુરાસની એક હોટેલમાં છ મહિના સુધી છુપાઈને રહ્યા હતા. ત્યાં તેમણે જોયું હતું કે સરકાર અને વેપારીઓ ભેગા મળીને કેવું નિરંકુશ તેમ જ શોષણખોર રાજ ચલાવે છે. ત્યાંના અનુભવ પરથી તેમણે બનાના રિપબ્લિક શબ્દ બનાવ્યો હતો.

આવી જ હાલત કેળાંની નિકાસ પર નભતા બીજા એક સેન્ટ્રલ અમેરિકન રાષ્ટ્ર ગ્યુટેમાલાની થઇ હતી. અમેરિકન સરકારના આશીર્વાદથી અમેરિકાની તોતિંગ યુનાઇટેડ ફ્રુટ કંપનીએ સસ્તાં કેળાં મેળવવા માટે થઈને ગ્યુટેમાલાની સરકારમાં પોતાનો પ્રભાવ વધાર્યો હતો અને ૩૫ વર્ષ સુધી તેના ગૃહયુદ્ધમાં અમેરિકા દખલઅંદાજી કરતુ રહ્યું હતું.

હોન્ડુરાસ અને ગ્યુટેમાલા આજે પણ જમીન અને સંપત્તિની અસામાન વહેંચણીના કારણે ગરીબીમાં સબડી રહ્યાં છે. એ પાપ અમેરિકાની બનાના રિપબ્લિક નીતિનું છે. બનાના રિપબ્લિક શબ્દ પછી તો ઈદી અમીનના યુગાન્ડા, મોહમ્મદ ગદ્દાફીના લીબિયા અને કાર્લોસ મેનેમના આર્જેન્ટીનાને ઓળખવા માટે પણ વપરાતો આવ્યો છે.

ટ્રેજડી તો જુવો. આજે જે બનાના રિપબ્લિક શબ્દ ટ્રમ્પના શાસન માટે વપરાય છે, તે જ ટ્રમ્પે ૨૦૧૬માં રાષ્ટ્રપતિપદના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું, “આ ચૂંટણી એ નક્કી કરશે કે આ દેશ સાચા અર્થમાં મુક્ત દેશ રહેશે કે પછી તોતિંગ ડોનેશનો અને વિદેશી સરકારોના અંકુશ હેઠળનો ભ્રષ્ટ બનાના રિપબ્લિક બનીને રહી જશે.”

ટ્રમ્પનો કાર્યકાળ બનાના રિપબ્લિકના ઉલ્લેખથી શરૂ થયો હતો. તેનો અંત થયો ત્યારે પણ બનાના રિપબ્લિકને જ યાદ કરવામાં આવ્યું. બાય ધ વે, ગુજરાતીમાં બનાના રિપબ્લિકને દલા તરવાડીનું ખેતર કહેવાય.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 17 જાન્યુઆરી 2021 

Loading

બંગાદેશનાં શ્રીગણેશ પાકિસ્તાનની સ્થાપના પછી માત્ર સાત મહિનામાં જ મંડાઈ ગયાં હતાં

રમેશ ઓઝા|Opinion - Opinion|17 January 2021

૧૯૩૭માં પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણી થઈ, ત્યારે આજે જ્યાં પાકિસ્તાન છે એ પ્રાન્તોમાં અને બંગલાદેશમાં મુસ્લિમ લીગનો પરાજય થયો હતો. ૧૯૪૬માં અલબત્ત એ પ્રદેશોમાં મુસ્લિમ  લીગનો વિજય થયો હતો, એનું કારણ કોમવાદનો ઝેરી પ્રચાર હતો. એ સમયે મુસલમાનોનું મન એ રીતે ભ્રમિત થયેલું હતું જે રીતે અત્યારે કેટલાક હિંદુઓનું જોવા મળે છે. આમ છતાં ય તેમને પાકિસ્તાનમાં રસ હતો એમ ન કહી શકાય. એ સમયે પણ વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગનો પરાજય થયો હતો અને બલુચિસ્તાને પાકિસ્તાનમાં જોડાવાની ના પાડી દીધી હતી.

રહી વાત આજના બંગલાદેશની તો ત્યાનાં મુસલમાનોને પણ સ્વતંત્ર થવા મળતું હોય તો તેમને પાકિસ્તાનમાં રસ નહોતો. બંગાળના દિગ્ગજ નેતાઓ ફઝલુલ હક્ક, શહીદ સુહરાવર્દી, સુભાષચન્દ્ર બોઝના ભાઈ સરતચન્દ્ર બોઝ અને હિંદુ મહાસભાના કેટલાક નેતાઓ મળીને ગાંધીજી પાસે પ્રસ્તાવ લઈને ગયા હતા કે પૂર્વ બંગાળના મુસલમાનો પાકિસ્તાનમાં જોડાવા રાજી નથી, પણ તેઓ સ્વતંત્ર બંગાળમાં હિંદુઓ સાથે સંપીને રહેવા તૈયાર છે. માટે જેમ મુસલમાનો માટે પાકિસ્તાન બની રહ્યું છે એમ બંગાળીઓ માટે મજિયારું બંગાળ આપવામાં આવે. કહેવાની જરૂર નથી કે તેમને ગાંધીજીનો ઠપકો સાંભળવો પડ્યો હતો. જો ભેગા રહેવામાં વાંધો નથી તો પાકિસ્તાનની માગણી કરતા મુસ્લિમ લીગને ટેકો આપ્યો શા માટે અને હવે જો ભેગા રહેવું છે તો ભારતમાં રહેવામાં વાંધો શું છે?

ગાંધીજીના આ પ્રશ્નનો જવાબ બંગાળના નેતાઓ આપી શકે એમ નહોતા. પણ છતાં ય આવી બેહૂદી માગણી કરવાનું સાહસ બંગાળના હિંદુ અને મુસલાન એમ બન્ને કોમના દિગ્ગજ નેતાઓએ કરી હતી. મેં મારા લેખોમાં અનેક વાર લખ્યું છે કે આ દેશમાં પ્રત્યેક ભારતીય એક કરતાં વધુ ઓળખો (અસ્મિતાઓ) લઈને જીવે છે જેમાં ભારતીય હોવાની ઓળખ છેલ્લે આવે છે. એમાં વળી બંગાળીઓની બંગાળી તરીકેની ઓળખ પ્રબળ છે. બંગાળી મુસલમાનોમાં પણ બંગાળી હોવાની ઓળખ પ્રબળ હતી અને છે. પાકિસ્તાન બન્યું ત્યારે પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓ સાથે તેમને પાકિસ્તાનવાદીઓને માફક આવે એવો ઇસ્લામ પકડાવવાની અને બંગાળી અસ્મિતા છોડાવવાની રમત શરૂ થઈ. પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાએ ૨૧મી માર્ચ ૧૯૪૮ના રોજ  ઢાકાની મુલાકાત લીધી અને તેમણે ઉર્દૂ ભાષાને પાકિસ્તાનની રાષ્ટ્રભાષા જાહેર કરી. પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસલમાનોએ તેનો વિરોધ કર્યો અને ઢાકા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉર્દૂ ભાષા વિરોધી તોફાનો કર્યા. ભવિષ્યમાં રચાનારા બંગલાદેશના શ્રીગણેશ એ જ દિવસે, પાકિસ્તાનની સ્થાપના પછી માત્ર સાત મહિનામાં મહમદઅલી ઝીણાની હયાતીમાં જ મંડાઈ ગયા હતા. વિદ્યાર્થીઓના આંદોલનનું નેતૃત્વ વિદ્યાર્થી નેતા શેખ મુજીબુર રહેમાને  કર્યું હતું જે આગળ જતા પાકિસ્તાનનું વિભાજન કરીને બંગલાદેશની સ્થાપના કરવાના હતા.

એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. પૂર્વ પાકિસ્તાનમાં ખાસ પ્રકારના પાકિસ્તાનને માફક આવે એવી ઇસ્લામિક અસ્મિતા અને બંગાળી અસ્મિતા વચ્ચે સંઘર્ષ શરૂ થયો. બંગાળનો ઇસ્લામ અને બંગાળના મુસલમાનો પણ પાકિસ્તાનના ઇસ્લામ અને પાકિસ્તાનના મુસલમાનો કરતાં અલગ હતા. ઇસ્લામ ધર્મ પાકિસ્તાનની બે પ્રજાને જોડી રાખવામાં નિષ્ફળ નીવડ્યો. લગભગ આવી જ સ્થિતિ પશ્ચિમ પાકિસ્તાનમાં પણ હતી. ત્યાં પણ બલુચીઓ, પઠાણો અને સિંધીઓ પોતાની અસ્મિતાને પકડી રાખવા માંગતા હતા. સિંધમાં પણ ઉર્દૂ વિરોધી તોફાનો થયાં હતાં. પાકિસ્તાનના આ ત્રણ પ્રાંતોની પ્રજાએ આજે પણ પાકિસ્તાનનો તેના સંસ્કૃતિક રસાયણ સાથે પૂરેપૂરો સ્વીકાર કર્યો છે એવું નથી.

પાકિસ્તાનની બન્ને પાંખના મુસલમાનોએ પાકિસ્તાનનું ખાસ પ્રકારનું વિકસાવવામાં આવેલું રસાયણ સ્વીકારવાનો પ્રતિકાર કર્યો તેનો લાભ પંજાબી મુસલમાનોએ લેવાનું શરૂ કર્યું. એક તો પંજાબી અસ્મિતા ખાસ પ્રબળ નહોતી. બીજું પંજાબીઓ પ્રમાણમાં સમૃદ્ધ હોવાથી ત્યાં બોલકો મધ્યમવર્ગ વિશાળ હતો અને તેમનું પાકિસ્તાનમાં સ્થાપિત હિત હતું. માત્ર પંજાબી મુસલમાનોએ પાકિસ્તાનને તેના રસાયણ સાથે સ્વીકાર્યું હતું. તેમણે પાકિસ્તાનની શાસન સંસ્થાઓ કબજે કરી હતી. લશ્કરમાં મોટા પ્રમાણમાં પંજાબીઓ હતા. દાયકાઓથી એક વાયકા પ્રચલિત છે કે પાકિસ્તાનના તારણહાર ત્રણ ‘એ’ છે; અલ્લાહ, આર્મી અને અમેરિકા. પંજાબીઓએ અને પંજાબી જનરલોએ પાકિસ્તાનના સામેના વાસ્તવિક, સંભવિત અને ઉપજાવી કાઢેલા સંકટનો ભરપૂર લાભ લીધો છે અને આજે પણ લે છે.

આપણે ત્યાં જેમ આજકાલ મુસલમાનો અને પાકિસ્તાનનો ડર બતાવવામાં આવે છે એમ પાકિસ્તાનમાં ૧૯૪૭થી હિંદુઓનો અને ભારતનો ડર બતાવવામાં આવે છે. આપણે ત્યાં હિંદુઓને ડરાવવામાં જેમ હિન્દુત્વવાદીઓનો રાજકીય સ્વાર્થ છે એમ પાકિસ્તાનમાં મુસલમાનોને ડરાવવામાં પંજાબી શાસકો અને લશ્કરનો સ્વાર્થ છે. આ બાજુ પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનથી ભૌગોલિક રીતે ઘણું દૂર હતું અને બંગાળી મુસલમાનો અને પંજાબી મુસલમાનો વચ્ચે કશું જ સમાન નહોતું. પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનના શાસકોએ ગુલામ સંસ્થાન (કોલોની) બનાવીને રાખ્યું હતું અને બંગાળીઓના વિદ્રોહને ખાળવા માટે પૂર્વ પાકિસ્તાનને લશ્કરી છાવણીમાં ફેરવી નાખ્યું હતું જે રીતે આત્યારે કાશ્મીરને લશ્કરી છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે.

પાકિસ્તાનના ઇતિહાસ અને ભારતના વર્તમાન વચ્ચે જે સમાનતા નજરે પડે છે જોઇને સુજ્ઞ વાચકે ચેતવું જોઈએ. ખરું કે નહીં?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 જાન્યુઆરી 2021

Loading

અમેરિકાની રાજકીય અરાજકતા શીખવે છે કે લોકશાહીનું પતન બહારના પરિબળોથી નથી થતું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 January 2021

અમેરિકાએ છબી બદલવી પડશે અને એ માટે બાઇડનના શાસનમાં ધ્રુવીકરણ અટકે, જેટલું થયું છે તે ફરી થાળે પડે, લોકોને અહીં ફરી એકવાર સલામતી લાગે એ જરૂરી છે. અમેરિકન લોકશાહી હવે મહાન, ખાસ કે અસાધારણ નથી રહી એ સ્પષ્ટ છે.

રાજા, વાજા અને વાંદરા વાળી કહેવત અમેરિકાના કિસ્સામાં બંધ બેસે છે. એક સમયે દેશની ગાદી સાચવનારા ટ્રમ્પને માનવું જ નથી કે એ હવે યુ.એસ.એ.ના રાષ્ટૃપ્રમુખ રહ્યા નથી અને પાછા તેમના અંધ ભક્તોએ પણ પરિણામની ઐસીતૈસી કરીને કેપિટલ હિલ પર હલ્લો બોલાવ્યો. જાન માલને નુકસાન પણ થયું, ગોળીબારી, ધક્કામુક્કી બધું જ થયું. જ્યારે ટ્રમ્પના ટેકેદારો કેપિટલ હિલ પર ધસી ગયા હતા ત્યારે જે તસવીરો જોવા મળી, જે નજારા સમાચારોમાં જોવા મળ્યા તે જોઇને આપણે ત્યાં થતી બેહૂદગી આટલી ખરાબ નથી હોતી, એવો વિચાર કદાચ મોટાભાગનાં લોકોનાં મનમાં આવ્યો હશે. યુ.એસ. કાઁગ્રેસ જે લોકશાહીના પ્રતીક સમી ઇમારત છે, તેની પર આ પહેલાં પણ ચારેક વાર રાજકીય કારણોસર હુમલો થયો છે પણ આ વખતે જે ઘટના ઘટી એ અમેરિકન સત્તાની વૈશ્વિક સ્તરે જે પણ મહત્તા છે તેને ખળભળાવી નાખશે એ ચોક્કસ.

લોકશાહીની મશાલ ઝાલીને, કૉલર ઉપર કરનારા યુ.એસ.એ. માટે કેપિટલ હિલ પર ફરી વળેલાં ટોળાં નકરી નાલેશી સાબિત થયાં. વળી, યુ.એસ.એ.ના ઇતિહાસમાં ટ્રમ્પ એવા પહેલા પ્રેસિડન્ટ છે જેમને અમેરિકાની સંસંદે બીજી વાર ટ્રાયલ માટે ગૃહમાં બોલાવ્યા છે. ટ્રમ્પનું ઇમ્પિચમેન્ટ – મહાભિયોગ ફરી થશે. ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની મંજૂરી આપવા માટે 10 રિપબ્લિકને પણ ડેમોક્રેટ્સને સમર્થન આપ્યું. સમાચાર એજન્સી AFP અનુસાર અમેરિકન ગૃહના મોટા ભાગના સભ્યો ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની તરફેણમાં હતા. એવું પણ બને કે ટ્રમ્પને ફરી વાર અમેરિકન પ્રમુખ તરીકે ચૂંટાવાનો મોકો ફરી મળે જ નહીં, જો કે ટ્રમ્પને તો એવા ઘણા ય અભરખા છે અને તેણે પોતે ફરી ૨૦૨૪માં ચૂંટણી લડશે એવા સંકેત પણ આપ્યા છે. હવે આ ઇમ્પિચમેન્ટનું શું થાય છે તે તો અમેરિકન સેનેટના હાઉસમાં છે, અને તેનો કાર્યકાળ પૂરો થવામાં છ દિવસ બાકી રહ્યા છે. આ આખી પ્રક્રિયા થતાં પહેલાં જ બાઇડેન અમેરિકન પ્રમુખ તરીકે શપથ લઇ લેશે તેવું પણ બની શકે.

ટ્રમ્પને કારણે જે રીતે અમેરિકાની છબી ખરડાઇ તેની વાત કરીએ તો ટ્રમ્પના રાજમાં બિલકુલ ‘અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં’ જેવો હાલ થયો અને છ જાન્યુઆરીની ઘટના એ લોકશાહીના પોલા થઇ ગયેલા પાયાનો પુરાવો સાબિત થઇ. વાઇરસના સપાટાએ યુ.એસ.એ.માં સંજોગો બહુ બગાડ્યા, લોકો માનસિક, શારીરિક અને આર્થિક રીતે ભાંગી પડ્યા હતા. લોકોની હાલત આ હતી પણ દેશના વડાને માટે નવેમ્બરની ચૂંટણીમાં મળેલી હાર સૌથી મોટો મુદ્દો હતી. માસ્ક ફગાવનારા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે તું તું મેં મેં કરનારા, ચીનને કંઇપણ કહી દેનારા આ પ્રેસિડન્ટને પોતે હાર્યા છેની ખબર પડી પછી તેમણે જાતભાતના ગતકડાં કર્યા અને એ બધું ય તે બે મહિના સુધી ચાલ્યું, જેમાં લોકશાહી પર સૌથી મોટો ફટકો હતો એ દિવસ જ્યારે ટ્રમ્પના ટેકેદારોએ કેપિટલ હિલને ઝબ્બે કરી લીધી. ટ્રમ્પે ટોળેટોળાં વ્હાઇટ હાઉસ પર ભેગાં કર્યાં અને પછી તેમને કેપિટલ હિલ તરફ મોકલ્યાં. ટ્રમ્પનું એકએક પગલું લોકશાહીના નિયમોની ઠેકડી ઉડાડનારું હતું, એના આખા શાસન કાળ દરમિયાન કંઇને કંઇ થયા કરતું હતું. પરંતુ સત્તા પરિવર્તનની પ્રક્રિયા અત્યંત શાંતિ પૂર્વક થાય તે પણ લોકશાહીની એક બહુ ઘેરી ઓળખ છે પણ ટ્રમ્પના રાજમાં એ પણ ન થયું. ટ્રમ્પના ટેકેદારો ચૂંટણીના મતની લડાઇને જાણે મધ્ય યુગમાં થતી શારીરિક લડાઇથી લડવા માગતા હતા. વળી ટ્રમ્પે પોતાના કાળ દરમિયાન મન ફાવે એ રીતે નિયમોને અને લોકશાહીના મૂળભૂત સિદ્ધાન્તોને નેવે મૂક્યા છે.

અહીં ફરી એકવાર પોપ્યુલિસ્ટ રાજકીય નેતા કેટલો નુકસાનકારક હોઇ શકે છે તે સાબિત થાય છે. પક્ષ, દેશ અને બંધારણની ઉપર ક્યારે ય કોઇ પણ ન હોઇ શકે પણ યુ.એસ.એ.માં તો એ જ થયું. ટ્રમ્પવાદીઓમાં ક્યાં ય રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનું સન્માન, બંધારણનાં મૂલ્યોની અગત્યતા જેવું કશું ય લગીરેક ન દેખાયું.  ટ્રમ્પનું અળવિતરાપણું પ્રેસિડન્ટ બનીને ઘટવાને બદલે ફાટી ફાટીને ધુમાડે ગયું. ટ્રમ્પની તાસિરથી વાકેફ લોકોને હતું કે સત્તા આવશે તો શાણપણ પણ આવશે પણ અહીં તો સત્તા સામે અને સત્તામાં બે ય રીતે શાણપણ નકામું જ સાબિત થયું. વૈશ્વિક સ્તરે ઇન્ફર્મેશન સિસ્ટમ પણ પાંગળી છે એ પણ કેપિટલ હિલ પર થયેલી દુર્ઘટનાએ સાબિત કર્યું. અમેરિકાના રાજકારણમાં બાઇડન અને ટ્રમ્પ વચ્ચે રસાકસી કરતાં વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચેની લડાઇ રાજકારણને ડહોળી રહી છે.  ટ્રમ્પ પર કરાયેલા જે પણ કેસિઝ છે એ બધાં ય બોખા સાબિત થશે જો ટ્રમ્પ પોતાની હાર માનવા માટે તૈયાર થશે જ નહીં, સત્તા સોંપવાને મામલે આડોડાઇ જ કર્યા કરશે, પણ બીજી વારનું ઇમ્પિચમેન્ટ લોકશાહીની ધાર તૂટી છે બુઠ્ઠી નથી થઇ એવું સાબિત કરે તો કંઇ વાત બને. ટ્રમ્પે અમેરિકાના બંધારણની ઘોર ખોદી છે, બાઇડન શપથ લેશે પછી ટ્રમ્પે કરેલું થાળે પાડવામાં પણ તેમનો સારો એવો સમય જશે. યુ.એસ.એ. હજી પણ એક મજબૂત લોકશાહી રાષ્ટ્ર છે જેની પાસે સૈન્યનું ઉત્તમ બળ છે એવું સાબિત થઇ શકે છે, પણ માત્ર લોકશાહી રાષ્ટ્ર તરીકે જોઇએ તો અમેરિકા અન્ય કોઇ પણ બીજા લોકશાહી રાષ્ટ્ર જેમ જ ઊણું ઉતર્યું છે એ વાસ્તવિકતા છે.

બાય ધી વેઃ

અમેરિકાએ છબી બદલવી પડશે અને એ માટે બાઇડનના શાસનમાં ધ્રુવીકરણ અટકે, જેટલું થયું છે તે ફરી થાળે પડે, લોકોને અહીં ફરી એકવાર સલામતી લાગે એ જરૂરી છે. અમેરિકન લોકશાહી હવે મહાન, ખાસ કે અસાધારણ નથી રહી એ સ્પષ્ટ છે. ટ્રમ્પને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની નાલેશી થઇ છે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી પણ આ રાષ્ટ્રો ઉછેર લોકશાહી જમીનમાંથી થયો હતો, ટ્રમ્પકાળના ચાર વર્ષે તમામ લોકશાહી રાષ્ટ્રને એક બોધ આપ્યો છે કે લોકશાહી પર સૌથી મોટું જોખમ બહારથી નહીં પણ અંદરથી જ, પોતાના જ માણસોથી, પોપ્યુલિસ્ટ નેતાઓથી અને ધ્રુવીકરણ કોટે વળગાડીને ફરનારા નેતાઓથી હોય છે. ( આપણે સાચવજો, હં કે!)

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  17 જાન્યુઆરી 2021 

Loading

...102030...2,1972,1982,1992,200...2,2102,2202,230...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved