Opinion Magazine
Number of visits: 10,226,786
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદી માટે શાંતિમય લોક આંદોલનનો માર્ગ અપનાવવો : શહીદ ભગતસિંહ

રમેશ ઓઝા|Opinion - Opinion|31 January 2021

ગયા અઠવાડિયે લેખ પૂરો કરતા મેં લખ્યું હતું કે કેટલાક યુવાનો સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં જોતાં હતા જે અવ્યવહારુ હતાં. તેમનો ત્યાગ ઘણો મોટો હતો પણ દુર્ભાગ્યે ભારતને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન નિર્ણાયક સાબિત ન થઈ શક્યું અને તેમની મૂલ્યવાન જિંદગી એળે ગઈ.

શા માટે તેમનાં સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં અવ્યવહારુ હતાં? આનો જવાબ શહીદ ભગતસિંહ સિવાય બીજું કોણ આપી શકે? ભગતસિંહ પોતે એક ક્રાંતિકારી હતો, બુદ્ધિમાન ક્રાંતિકારી હતો, ભારતના ઇતિહાસ અને સામાજિક વાસ્તવનો તેનો ઉંમર નાની હોવા છતાં ઊંડો અભ્યાસ હતો અને સૌથી મોટી વાત તો એ કે તે બીજા કેટલાક લોકોની માફક પોતે સલામત જિંદગી જીવીને ક્રાંતિનાં સપનાં વેચતો નહોતો, ખૂદ ક્રાંતિકારી હતો અને પોતાના જાનને ન્યોચ્છાવર કરી શકવાની બહાદૂરી ધરાવતો હતો. ગાંધીજીની જેમ જે કહે તે કરવાની પ્રામાણિકતા તેમનામાં હતી.

આવા પ્રમાણિક અને બહાદૂર ક્રાંતિકારી ભગતસિંહે તેને ફાંસી આપવામાં આવી તેની પૂર્વ સંધ્યાએ જેલમાંથી યુવાનોને સંબોધીને એક પત્ર લખ્યો હતો જે સશસ્ત્ર ક્રાંતિના વિકલ્પને વ્યવહારુ સમજનારાઓએ વાંચવાની જરૂર છે. તેણે એ પત્રમાં લખ્યું હતું કે ભારતને આઝાદી માત્ર અને માત્ર શાંતિમય લોકઆંદોલન દ્વારા મળી શકે જેવાં આંદોલનો ગાંધીજી કરી રહ્યા છે, અહીં તહીં ગોળીઓ ચલાવવાથી અને છૂટક હિંસા કરવાથી ન મળી શકે. તેમણે યુવાનોને શાંતિમય લોક આંદોલનનો માર્ગ અપનાવવાની સલાહ આપી હતી.

અહીં તેના શબ્દપ્રયોગ તરફ ધ્યાન આપવામાં આવે. તેણે શાંતિમય લોકઆંદોલન (peaceful mass agitation) શબ્દપ્રયોગ કર્યો છે, અહિંસક લોકઆંદોલન એવો શબ્દપ્રયોગ નહોતો કર્યો. આનો અર્થ એ થયો કે તેને ગાંધીજી માટે માન હતું, ગાંધીજી દ્વારા ચલાવવામાં આવતા લોકઆંદોલનની વ્યવહારુતા તેને સ્વીકાર્ય હતી, માત્ર ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ અથવા શરત તેમને માન્ય નહોતાં. જરૂર પડે અને સરકાર જો જલિયાંવાલા બાગમાં કરવામાં આવી હતી એવી હિંસા કરે અને જો પ્રજા તેનો હિંસાથી જવાબ આપવાની સ્થિતિમાં હોય તો એ માર્ગ અપનાવવો જોઈએ. ટૂંકમાં જવાબી હિંસાનો માર્ગ લોકો માટે ખુલ્લો હોવો જોઈએ અને એ પણ તો જ જો પ્રજાને પરવડે એવો પરિણામલક્ષી હોય.

આશા રાખું છું કે વાચકોને ગાંધીજી અને ભગતસિંહના માર્ગમાં નજરે પડતા સામ્ય અને ભેદ નજરમાં આવ્યા હશે. ગાંધીજીની માફક ભગતસિંહ પણ માનતો હતો કે સૌથી વ્યવહારુ માર્ગ શાંતિમય લોકઆંદોલન જ છે, હિંસા નથી. હિંસા અવ્યવહારુ માર્ગ છે. બન્ને વચ્ચે જે અંતર હતું એ અહિંસાની બાબતે હતું. ગાંધીજી માટે અહિંસા નિષ્ઠા હતી જ્યારે ભગતસિંહ એવી કોઈ નિષ્ઠા નહોતો ધરાવતો. ગાંધીજી માટે અહિંસાનો આગ્રહ દુરાગ્રહ નહોતો પણ તેઓ ખરેખર એમ માનતા હતા કે અહિંસા એક નિષ્ઠા તરીકે પણ વ્યવહારુ નીવડી શકે છે જો નિષ્ઠા સાચી અને ટકોરાબંધ હોય. ભગતસિંહને એમ લાગતું હતું કે અહિંસા શાંતિના સ્વરૂપમાં વ્યવહારુ છે, નિષ્ઠા તરીકે વ્યવહારુ ન હોઈ શકે. આ અર્થમાં ભગતસિંહ ગાંધીવાદી નહોતો અને છતાં ય તેણે ફાંસીને માચડે ચડતાં પહેલાં યુવાનોને સલાહ આપી હતી કે તેમણે ગાંધીજીના વ્યાપક લોકઆંદોલનમાં ભાગ લેવો જોઈએ.

થોડી પુનરુક્તિ કરીને હજુ એક વાર ફોડ પાડું કે ભગતસિંહ અને ગાંધીજીમાં બે વાતે એકમતી હતી. એક તો એ કે આઝાદી માટેનો વ્યવહારુ માર્ગ લોકઆંદોલન જ છે અને બીજી સમાનતા એ વાતે કે હિંસાનો માર્ગ વ્યવહારુ નથી. ભગતસિંહના શબ્દોમાં અહીં તહીં છૂટક હિંસા કરવાથી આઝાદી ન મળી શકે.

ભગતસિંહના શબ્દો પકડીને જ અહીંથી આગળ વધીએ. શા માટે અહીંતહીં છૂટક હિંસા એમ તેણે કહ્યું છે? શું સમગ્ર દેશને આવરી લે અને અંગ્રેજોએ જાન બચાવવા ભાગવું પડે એવી દેશભરમાં વ્યાપક હિંસા ન થઈ શકે? આખો દેશ સળગે તો અંગ્રેજો ક્યાં જાય? તેમની સંખ્યા કેટલી? તેમને તેમના રંગના કારણે ઓળખવા પણ મુશ્કેલ નથી. લક્ષ્મણ ભોપટકર નામના ‘હિંદુ મહાસભા’ના એક મરાઠી નેતાએ તો થોડી જાડી ભાષામાં એમ કહ્યું હતું કે ભારતની પ્રજા જો એક સાથે પેશાબ કરે તો પણ અંગ્રેજો તણાઈ જાય. જેમણે જિંદગીમાં હાથમાં તણખલું પણ ઉપાડ્યું નહોતું એવા ભોપટકર જેવા લોકો સશસ્ત્ર ક્રાંતિની આવી ભાષામાં વકીલાત કરતા હતા અને જેણે ખરેખર બહાદૂરી બતાવી હતી તે દયાની અરજી કર્યા વિના ફાંસીને માચડે ચડી ગયો હતો.

બાય ધ વે, ભગતસિંહને અનેક લોકોએ સલાહ આપી હતી કે તે સરકારને સજા ઘટાડવા દયાની અરજી કરે. તેણે જ્યારે અરજી કરવાની ના પાડી ત્યારે તેના પિતાને લોકોએ સલાહ આપી હતી કે તે પોતાના યુવાન પુત્રને બચાવવા માટે સરકાર સમક્ષ દયાની અરજી કરે. ભગતસિંહે તેના પિતાને જેલમાંથી પત્ર લખીને કહ્યું હતું કે તેઓ પુત્રપ્રેમથી પ્રેરાઈને આવી કોઈ અરજી ન કરે. ભગતસિંહે તેના પિતાને એવી પણ સલાહ આપી હતી કે તેઓ ગાંધીજીની મદદ પણ ન માગે. આવો રોમરોમમાં મરદ માણસ હતો ભગતસિંહ. જે ‘સ્વાતંત્ર્યવીર’ તરીકે ઓળખાય છે એ  વિનાયક દામોદર સાવરકરનો ક્રાંતિનો ઇતિહાસ આનાથી ઠીક સામેના છેડાનો છે.

તો સવાલ એ છે કે આવા મરદ માણસને એમ કેમ નહોતું લાગ્યું કે આખો દેશ સશસ્ત્ર ક્રાંતિથી સળગે અને અંગ્રેજોએ જીવ બચાવવા ભાગવું પડે એ શક્ય છે? જેમને કાંઈ કરવું નહોતું અને કર્યું નહોતું એવા લોકોને એમ લાગતું હતું હિંસક ક્રાંતિ થઈ શકે છે અને તેની વકીલાત કરતા હતા અને જેણે કરી બતાવ્યું એ પોતાના અનુયાયી યુવકોને કહીને જાય છે કે અખિલ ભારતીય સશસ્ત્ર ક્રાંતિ શક્ય નથી. આખરે વ્યવહારુતા અને અવ્યવહારુતા ચકાસવાની જરૂર તો એને જ પડે જેમણે કાંઈ કરવું હોય, પસંદ કરેલા માર્ગે ચાલવું હોય, જોખમ ઉઠાવવું હોય; પણ જેને કાંઈ કરવું જ નથી અને માત્ર જહાલ ભાષણ કરવાં છે, ધગધગતી ભાષામાં લેખો લખવા છે અને યુવાનોને ઉશ્કેરવા છે તેમને વ્યવહારુતા ચકાસવાની ક્યાં કોઈ જરૂર પડવાની!

આઝાદી પહેલાં ક્રાંતિકારીઓના આવા બે વર્ગ હતા. એક શબ્દાળુ ક્રાંતિકારીઓ હતા જેઓ હિંસક ક્રાંતિની માત્ર વકીલાત કરતા હતા અને પ્રત્યક્ષ પોતે કાંઈ નહોતા કરતા. શેકેલો પાપડ પણ નહોતો ભાંગ્યો. બીજા પોતાના અમૂલ્ય જીવને ફગાવી દેનારા ક્રાંતિકારીઓ હતા. શબ્દાળુ ક્રાંતિકારીઓ ક્રાંતિની વકીલાત ત્રણ કારણે કરતા હતા. એક તો એની વકીલાત કરીને ગાંધીજીને કાયર ઠરાવી શકાય. ‘આવા વેવલા માર્ગે તે કાંઈ દેશ આઝાદ થતો હશે! દેશને મર્દાનગીની જરૂર છે.’ અનેક લોકોને તેમની આ દલીલ ગળે ઊતરતી હતી અને વાટ જોતા હતા કે એક દિવસ તેઓ ઝંપલાવશે અને દેશને આઝાદી અપાવશે. પણ આવું ક્યારે ય બન્યું નહીં અને દેશ તેમની મર્દાનગી વિના વેવલા માર્ગે આઝાદ થઈ ગયો. બીજું કારણ એ હતું કે ગાંધીજીને કાયર અને વેવલા ઠરાવીને આઝાદીના આંદોલનમાં ભાગ લેવાથી બચી શકાય. જેલ જવાથી બચી શકાય. પોલીસની લાઠી ખાવાથી બચી શકાય. ‘શું કરીએ અમને ગાંધીજીની કાયરતા કબૂલ નથી. અમારો તેમની સાથે મૂળભૂત મતભેદ છે.’ ત્રીજું કારણ એ કે સમય અને શક્તિ બચાવીને તેને મુસલમાનો સામે વાપરી શકાય. આઝાદી તો એક દિવસ મળી જશે, પણ એ મળે એ પહેલાં મુસલમાનોને તેમની જગ્યા બતાવી આપવી જોઈએ.

આ બાજુ જેમણે ખરેખર મર્દાનગી બતાવી તેમનો ઇતિહાસ આપણને એમ કહે છે કે એ તેમનું વ્યક્તિગત કે બે-ચાર જણાનું સાહસ હતું, વ્યાપક હિંસા નહોતી. પ્રજાની કોઈ વ્યાપક ભાગીદારી નહોતી. એવા ક્રાંતિકારીઓમાં જે સૌથી વિચક્ષણ હતો એ કહીને ગયો કે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ દ્વારા આઝાદી મળવી અશક્ય છે, માત્ર શાંતિમય લોકઆંદોલન દ્વારા જ મળી શકે.

શા માટે? એની ચકાસણી હવે પછી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 જાન્યુઆરી 2021

Loading

ગ્લૉસ્ટરની એ સાંજ ..

જેલમ હાર્દિક|Opinion - Opinion|30 January 2021

ઑસ્ટ્રેલિયા અને ભારતે કાલે (26 જાનયુઆરીએ) પોતપોતાના દિવસો ઉજવ્યા; મારે પણ સૂર પૂરાવવો છે એ ઉજવણીમાં કૈંક કહીને .. 

તો વાત એમ છે કે, એક મિત્રનાં કુટુંબ સાથે, અમે હમણાં અમારી નજીકનાં ગ્લૉસ્ટર ગામે ફરવા ગ્યાં’તાં. અઢી- ત્રણ હજારની જ વસ્તીવાળાં એ ગામમાં અમે ત્યારે છ મોટાં અને બે બાળકોનો ઉમેરો કર્યો’તો. નાનકડાં એ ગામમાં ફરવાની વાત પછી ક્યારેક, આજે તો સીધી એ જ વાત કરું જેને ઉજવવા આપણે મળ્યાં છીએ. તો આખો ‘દી હરીફરીને ભૂખ્યાં ડાંસ થઈને એ સાંજે અમે ગ્લૉસ્ટરના ચોકમાં આવેલી ‘ધ રાઉન્ડ અબાઉટ ઈન’માં પિત્ઝા ખાવા પહોંચ્યાં’તાં.

આગલી રાતે જ ત્યાંના સ્ટાફે બહુ દિલથી વેજિટેરીઅન પિત્ઝા બનાવ્યા’તા, ખાસ અમારા માટે. એટલે જ ફરી ત્યાં જઈ પહોંચ્યાં’તાં. પિત્ઝાની રાહ જોતાં અમે આખા દિવસને વાતો વગર વાગોળતાં’તાં, ને અમારા મિત્રની બે મજાની દીકરીઓમાંથી નાની આમતેમ આંટા મારતી’તી. અઢી વર્ષની એ ટબૂકડી આસપાસ બેઠેલાં બધાંને ‘હાય .. હેલ્લો’ કરવામાં પડી’તી. લોકો ય એને પ્રેમથી બોલાવતાં’તાં, તો એ પાછી સામે પોતાની અરબડ – ગરબડ ભાષામાં એમને વટ્ટથી કંઈક જવાબ આપી દેતી’તી. પિત્ઝા આવ્યા ત્યાં સુધીમાં તો એણે આસપાસનાં લોકો સાથે વ્હાલું નેટવર્કિંગ કરી લીધું’તું. પિત્ઝા ખાવાનું હજી અમે શરૂ જ કર્યું’તું, ને એક ભાઈ હાથમાં આઈસ્ક્રીમ લઈને આવ્યા ને કહ્યું, “Please allow me to offer this as a treat to this cutest kid here”, ને ટપૂકડીના હાથમાં આઈસ્ક્રીમ આપીને એ પોતાનાં ટેબલે પહોંચી ગ્યા’.

નાનકડાં છોકરાં સૌને વ્હાલાં લાગતાં હોય, ને બધાં પોતપોતાની રીતે એ પ્રેમ વ્યક્ત કરતાં હોય, પણ અત્યારના સોફિસ્ટિકેશનના જમાનામાં આવું અવારનવાર જોવા નથી મળતું હોતું. અમે કોઈ શહેરમાં નહિ ને એક ગામડાંમાં હતાં, એ પણ એક કારણ હોઈ શકે ..

ખેર, પછી પેલી આઈસ્ક્રીમમાં ને અમે પિત્ઝામાં બીઝી થઈ ગ્યાં’.

હજી થોડીવાર જ થઈ’તી ને પેલા ભાઈ ફરી આવ્યા. આ વખતે ત્રણ આઈસ્ક્રીમ લઈને ..! આવતાંવેંત એ આઈસ્ક્રીમ સીધા પેલી મોટી દીકરીના હાથમાં આપ્યા અને અમને નવાઈમાં પડેલાં જોઈને કહે, “I’m so sorry .. I missed to bring icecream for this kid. I felt so guilty while looking at her face that to compensate my mistake, I brought two icecreams for each of them”, પછી મોટીને કહે, “I’m really sorry, dear ..” ને પછી અમારા આભારની જરાપણ રાહ જોયા વગર, આવ્યા’તા એ જ સહજતાથી ત્યાંથી નીકળી ગ્યા’.. !

બોલો, છે કોઈ શબ્દો તમારી પાસે? મારી પાસે ય નહોતા .. મને માત્ર એટલો વિચાર આવ્યો કે નિદા ફાઝલીને વગર વાંચ્યે એમણે કેવા જીવી બતાવ્યા ..!

घर से मस्जिद है बहुत दूर चलो, यूँ कर लें
किसी रोते हुए बच्चे को हँसाया जाये ..

મૂળે જુદા દેશના, જુદા રંગરૂપ, જુદી આસ્થા ને કદાચ સાવ જુદા ઉછેરવાળા એ ભાઈ શું ખરેખર ‘જુદા’ હતા?! એક બાળકનાં દિલને દુભાવતાં દુઃખી થયેલા એ ભાઈ મને તો ખરા સિકંદર લાગ્યા ..

સાવ સામાન્ય દેખાતી આ ઘટનામાં એમની જે સંવેદનશીલતા છલકાઈ, એની જો નદી આપણામાં ખળખળ વહેશે ને, તો આસ્થાનાં દરેક સ્થાનક એકમેકની આંખોમાં ઝળહળતાં દેખાશે, હારજીત શું ને શાસન શું એની સાચી સમજ ઉઘડશે, ને આપણી આ સૃષ્ટિ વધુ સુંદર ને વધુ હેતાળ બની જશે ..  પછી વિશ્વના દરેક દેશનો દરેક દિવસ ઉજવણી ન બની જાય તો મને કહેજો.

27 જાન્યુઆરી 2021

[લેખિકાની ફેઈસબૂક દિવાલેથી સૌજન્યભેર ઊંચક્યું]

Loading

વિદ્યાર્થીના ઘર ભણી …

રમજાન હસણિયા|Opinion - Opinion|30 January 2021

સામાન્ય સંજોગોમાં દરરોજ વિદ્યાર્થીઓ ક્યાં ય ને ક્યાં યથી કૉલેજ આવે … વાગડ વિસ્તારની દૃષ્ટિમાં એટલો મોટો તાલુકો કે તાલુકા મથકે કોલેજ હોવા છતાં અંતર ઓછું તો ગણાવી જ ન શકાય … માણાબા, લોદ્રાણી તો સાવ છેવાડાના ગામ ને ત્યાંથી વિદ્યાર્થીઓ નિયમિત આવે. જુદી જુદી અંતરિયાળ વાંઢમાંથી આવતા વિદ્યાર્થીઓને તો સવારે બસ પકડવા ચાર-પાંચ કિલોમીટર ચાલવું પડે ….

મને કાયમ એમ થયા કરે કે વિદ્યાર્થીઓના ઘરે એટલે પણ જવું જોઈએ કે એ કેવા સંજોગોમાં રહે છે એની ખબર પડે ને કેમ અહીં પહોંચે છે, એનો પ્રત્યક્ષ અનુભવ થાય. ગત વર્ષે કોરોનાએ ઘણાં મનોરથો પર પાણી ફેરવી દીધું, એમાનું એક એ પણ હતું કે વિનોબા ૧૨૫ નિમિત્તે વિદ્યાર્થીઓની મંડળી લઈ ગામડે ગામડે પદયાત્રા કરવી .. ગામમાં જોવાલાયક સ્થળો જોવાં ને મળવા જેવાં લોકોને મળવું. રાત્રિ સભાઓમાં નાટક આદિ મનોરંજક કાર્યક્રમો કરી શિક્ષણનો પ્રસાર કરવો … જે મળે તે ખાવું, જ્યાં રહેવા મળે ત્યાં રહેવું … ને ભ્રમણનો આનંદ લેવો …

કોરોનાને કારણે એ શક્ય ન બની શક્યું .. પણ હજુ કંઈ મોડું નથી થયું … આ સમય જતો રહેશે ને પાછા સપનાં પૂરાં કરવાનો સમય આવશે …

એ સમયની રાહ જોતાં જોતાં એમ થયું કે એકાદ ગામમાં તો જઈ આવીએ .. ને આજથી પંદર દિવસ પહેલાં આપણી મંડળી ઉપડી વિરાટનગરી કહેવાતાં ગેડી ગામે …

શૈલેષભાઈ, વિજયભાઈ ને અમારું વિદ્યાર્થી મંડળ સવારની ખુશનુમા ઠંડીને માણતા માણતા પહોંચ્યા ગેડી ગામે …

અમારા ભાવભીનાં સ્વાગત માટે વિદ્યાર્થી મિત્ર અબ્દુલ, મૂળજી વગેરે હૈયે હરખનાં ફૂલ લઈ ઊભાં હતાં .. જતાં વેંત અબ્દુલના ઘરે ધામા નાખ્યા .. કતારબંધ મૂકેલાં ખાટલા પર ભરત ભરેલી ગોદડીઓ પાથરેલી હતી જાણે એમણે હૈયું પાથરી મૂક્યું હતું … ભરતમાં ભરેલી ભાવના અમને પણ ભીની કરી રહી હતી. આવા વાતાવરણમાં ચાના લસરકા સાથે શરૂ થયા ગામ-ગપાટા ..

પછી અમારું મંડળ નીકળ્યું ગ્રામ દર્શન માટે … પાંડવોના ચાહક તરીકે વિરાટનગરીનું એમ પણ આકર્ષણ હતું. ગામના ચોકમાં આવેલા પાળિયા જોતાં અમને ગ્રામજનો કુતૂહલથી જોઈ રહ્યાં હતાં .. એકાદ દાદા તો પોતાનો ઉત્સાહ રોકી ન શક્યા ને સમજાવવા પણ દોડી આવ્યા .. માતાજીની ડેરી, શંકર ભગવાનનું મંદિર, તળાવ, કેટકેટલાં પાળિયા, બીજી નાની-મોટી કેટલી ય જગ્યાઓ જોઈ .. અબ્દુલ અને મૂળજી અમારા ગાઈડ .. એક એક જગ્યા ગાઈડની જેમ દેખાડતાં જાય ને એની વિગતો આપતાં જાય … અમારા માટે આગલે દિવસે બધું જોઈ-સમજી આવેલા …

જ્યાં જુઓ ત્યાં ઇતિહાસ પથ્થરોમાંથી ડોકિયું કરી રહ્યો હતો. કોઈ સંશોધકની રાહ જોતું આ ગામ ઊભું છે .. હું તો શિક્ષક રૂએ વિદ્યાર્થીઓને પાણી ચડાવતો હતો કે તમે આ વણસ્પર્શયા વિષયો પર કામ કરો … એમ … તો ભલે, સાહેબ .. કરી તેઓ પણ મારા સૂરમાં સૂર પુરાવતા હતા …

મંદિરમાંથી બાજુના ઘરમાં ડોકિયું કરી રામ રામ કરીએ ને ત્યાં બેઠેલાં વૃદ્ધ માતાઓ તરફથી ચાનું આમંત્રણ મળે … એમને મળીએ ને કોઈ પણ જાતના પરિચય વગર હેતની પરસ્પર લ્હાણી કરી લઈએ .. આ જ તો આપણું ગામડું ને એની સંસ્કૃતિ …

એક નાનકડા ગોખલામાં અમારો ફોટો સેશન ચાલે ને આજુબાજુના મરકતા ચહેરે અમને જોઈ રહે … ગાંડા દેખાવાની પણ મજા હોય છે..

અબ્દુલ કહે, સાહેબ, અમારી નિશાળ જોવા હાલશોને ? ને અમારું મંડળ નાચતું – ગાતું તળાવ, પાળિયા ને નાના-મોટાં મંદિર જોતાં જોતાં નિશાળે પહોંચે. પોતાના શાળા જીવનના ખાટા-મીઠાં સંભારણાંને વાગોળતાં મિત્રોને હું જોઈ રહું … આજનો દિવસ એમને જ સાંભળવાનો ..

પીરની દરગાહ જવા નીકળીએ ને જુદાં જુદાં પાળિયાઓની કતાર જોવા મળે .. વાંચતા કંઈ ન આવડે ને તોયે જાણે કેટલા ય મોટા વિદ્વાન હોઈએ એમ વાંચવા પ્રયત્ન કરીએ … ભીમ જે કાંકરાથી રમતા એ જોઈએ ને એમ થાય કે એ દૃશ્ય ફરી ભજવાય તો કેવું સારું !!!

પીરની દરગાહ પર સાથે મળી સૌ સલામ ભરે ને મિત્ર હુશેન ફાત્યા પઢે ત્યારે બધા ભેદ ભૂંસાઈ જાય .. એનો એક શિક્ષક તરીકે રાજીપો થાય ..

હલો સાહેબ, માની તૈયાર આય … વિદ્યાર્થી મિત્ર અબ્દુલ ફુલાતે ચહેરે બોલે ને પાછા એમના ઘરે અમારી જમાત પહોંચે જમવા .. બધા મળીને પંદરેક જણા .. શિયાળાના દિવસ .. ને ખાનારા વાગડિયા … પણ સામે ખવડાવનાર પણ વાગડના ખમીરવંતા માણસો .. મેં ભારપૂર્વક કહેલું કે માત્ર શાક ને રોટલાં જ બનાવજો … પણ અહીં તો પહેલાં જ પીરસાયા લાડવાં … સ્વાદિષ્ટ દાળભાત, વાગડના રોટલાં ને આંગળી ચાટી જઈએ એવું શાક .. છાશના છલકતા ગ્લાસ …. અમે ધરાઈને ખાધું … અબ્દુલના બાપુજી સહિત પ્રેમથી પીરસતા રહ્યા. આગ્રહ કરી કરીને સૌને જમાડ્યા … અબ્દુલને માંડ ભેગા બેસાડ્યા જમવા .. એ તો બે જ રોટલી ખાઈ અમારી સરભરામાં જ ઓતપ્રોત … મેં કહ્યું સરખું જમો તો ખરા … સાહેબ, તમે બધા આવ્યા એમાં જ મારું પેટ ભરાઈ ગયું છે !!! અમે ભોજનની સાથે અબ્દુલનો પ્રેમપ્રસાદ પણ લીધો ..

વળી અમારી મંડળી ઉપડી ફરવા … હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરી જાતજાતના ફોટા પડાવ્યા … અબ્દુલના નાના નાના ભત્રીજાને એમના ભાઈબંધ મને મુકતા જ નહોતા … એકાદ બચુ તો કહે કે હું તો અત્યારે જ કોલેજ ભણવા આવીશ … મને તો એ બધાંમાં મારા ભાવિ વિદ્યાર્થીઓ જ દેખાતાં હતાં ને હું જાડુળો વધુ ફુલાઈ રહ્યો હતો ..

ખેતરોને ખૂંદતાં અમે બાઈસર તળાવ પાસે પહોંચ્યા … કુદરતનું સૌંદર્ય ને એની વચ્ચે શોભતા અમારા યુવાન ચહેરા .. એમ થાય કે આમને જોઉં કે આ કુદરતને !!

તળાવે તો ફોટો ફંક્શન હોય જ ..

મૂળજી કહે, સાહેબ, અમારે ખેતરે હાલશો ને ? … મેં કહ્યું તમારા માટે જ તો આવ્યા છીએ .. તળાવના મીઠાં પાણી પીને અમે એથી મીઠાં મૂળજીના પરિવારને મળવા એમનાં ખેતરે ગયા. એ ખેતરમાં જ વચ્ચે બનાવેલો નાનકડો ઊતારો .. ચોખ્ખુ ચણક આંગણું ને એવાં જ ચોખ્ખાં એમાં રહેનારનાં મન .. કપડાં ભલે મેલાં હોય .. શ્રમિકની તો એ જ નિશાની …

હરખથી છલકાતી આંખે મૂળજીના બાપુજીએ અમારું સ્વાગત કર્યું .. વળી ખાટલે અમારી જમાત બેઠી ને મીઠી મીઠી વાતો ચાલુ .. હું હળવેકથી એ નાનકડાં ભૂંગાના આકાશ ઢાંકયા રસોડે ચા બનાવતાં મૂળજીના બાને મળવા સરકી ગયો .. અમારા મૂળજીના સાહેબ ને એનાં ભાઈબંધ આવ્યા છે એનો રાજીપો એમનાં ચહેરે છલકાતો હતો. મૂળજીના બાપુજી કહે કે સાહેબ, તમે અમારા છોકરાને માણસ કર્યા …. મને થયું એમનાં બધાં થકી તો હું જીવું છું .. એમનાં વગર અમારું મૂલ્ય શું ?

દસેક વખત આવજો આવજો કરી ત્યાંથી અમે સરકતા આગળ વધ્યા.

આગળનું મુકામ કાગ રામનું ખેતર .. વર્ગમાં પહેલો નમ્બર આવતા કાગ રામનું હાલનું મુકામ એટલે આ ખેતર .. જીરું એટલે વાગડની જીવાદોરી .. આ બધા મિત્રો એવા ઘરમાંથી આવે કે જેમને બહુ મજૂર રાખવા ન પોસાય .. છોકરાં જ મજૂરી કરે તો બે પૈસા બચે … એવામાં કોઈ દિવસ કોલેજ ન આવી શકતા વિદ્યાર્થીઓની સ્થિતિ અહીં આવ્યા વિના ન સમજાય … રામનાં ભાઈ-ભાભીને મળી અમે પહોંચ્યા ભીમગુડા .. પથ્થર કેવાં કેવાં સૌન્દર્યવાન હોય તે અહીં અનુભવાય … સારી જગ્યા જોઈ નથી ને ફોટા પાડ્યા નથી … આખરે અમે બધા હીરો ખરા ને .. પોતપોતાના મનથી ..

આખે રસ્તે મોટેથી ફિલ્મી ગીતો ગાતાં ગાતાં મજા કરતાં અમને જોઈ નવા જ જોડાયેલાં વિદ્યાર્થી રવીન્દ્ર આશ્ચર્યથી જોતાં જોતાં ક્યારે આ આનંદલોકમાં ક્યારે ભળી ગયા એની ખબર જ ન પડી … પ્રવાસની આ જ તો મજા … હાર્દિક, આમીન, વિક્રમ, અરવિંદ, હુશેન, રામ, અબ્દુલ, મૂળજી, નિકુંજ, ભરત ને એમાં ભળ્યા જેમલ .. બાળ મંડળ તો ખરું જ … થોડી થોડી વારે એક પછી એક વિદ્યાર્થી સાથે રહી મનની વાતો કર્યા કરીએ ….. દરેક જાણે અંગત પ્રેમીજન …

જેમલ કહે સાહેબ, સાંજે અમારા ઘરે જમીને જ જજો … અમને તો આનંદ જ હોય પણ કેટલાક મિત્રોના વાલી પાસે સાંજ સુધીની જ રજા લીધી હતી એટલે જેમલના ઘરની ચા પીને ફરી પાછા અબ્દુલના ઘરે ભેગા થઈ સૌ છૂટા પડ્યા …

આખો પરિવાર આવજો કરવા ઊભું હતું .. બધા મિત્રો એકબીજાને જે રીતે ભેટી રહ્યા હતા ને એમની આંખોમાં જે પ્રેમ છલકાતો હતો એનું તો વર્ણન કેમ કરવું  !!!

અંધારાને ઊલેચતાં અમે રાપર પહોંચ્યા .. બધાના એક પછી એક ઘરે પહોંચી ગયાના ફોન આવતા રહ્યા .. અબ્દુલનો મેસેજ આવ્યો .. સાહેબ, બધે જ તમે બધા દેખાઓ છો …. મેં કહ્યું મને પણ બધે જ તમે જ દેખાઓ છો ..

શિક્ષક વિદ્યાર્થીના હૈયે ઊગી નીકળે ને શિક્ષકને હૈયે વિદ્યાર્થી ત્યારે જીવતર સાર્થક લાગે … અરસપરસ એક સરખો ભાવ અનુભવતા અમે મનોમન હરખાઈ રહ્યા …

24 જાન્યુઆરી 2021

[લેખકની ફેઈસબૂક દિવાલેથી સૌજન્યભેર ઊંચક્યું]

Loading

...102030...2,1872,1882,1892,190...2,2002,2102,220...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved