Opinion Magazine
Number of visits: 10081154
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિવાળીના ઉજાસ અને ઉલ્લાસમય પર્વની ઉજવણીમાં અન્યોને પણ સહભાગી બનાવીએ…. 

હિતેશ રાઠોડ|Opinion - Opinion|20 October 2025

હિતેશ રાઠોડ

હજુ તો હમણાં જ પતંગોના પેચ લડાવી ઉત્તરાયણ ઉજવી હતી ને ત્યાં તો વર્ષનું અંતિમ પર્વ દિવાળી પણ આવી ગઈ. એમ લાગે કે વરસો કેટલા ઝડપથી વીતી રહ્યા છે. વરસો જાણે કે બટકણા થઈ ગયા છે, વર્ષ શરૂ થાય ન થાય એટલામાં તો બટકી જાય છે, પૂરું થઈ જાય છે! સમય ઘડિયાળમાંની રેતની જેમ એ જીવનમાંથી સરકતો રહે છે. પતંગ ચગાવવાથી લઈ ફટાકડા ફોડવા સુધીનો સમય (અર્થાત વરસ) કેટલી ઝડપથી પસાર થઈ જાય છે એનો ખ્યાલ પણ નથી રહેતો. 

દિવાળીના સપરમાં દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ બજારો અને લોકજીવનમાં એક અનેરો ઉત્સાહ, ઉલ્લાસ અને રોનક ઝળકવા લાગે છે. દિવાળીના અંતિમ દિવસોમાં વેપારીઓ બને એટલું વધુને વધુ કમાઈ લઈ વરસ સુધારવા તત્પર હોય છે. લોકો પણ પોતાની ગજાશક્તિ મુજબ ચીજવસ્તુઓ, કપડાં-લત્તા, બૂટ-ચંપલ, રાચરચીલું, ફટાકડા, રંગો, રોશની, મીઠાઈ, વાહનો, ઘર-બંગલાઓ વગેરે ખરીદીને જાણે ખુશીઓ પોતાની ઝોળીમાં એકસામટી ભરી લેવા ઉત્સુક હોય છે. વર્ષ ભરની કમાણી જાણે કે દિવાળીના તહેવારોમાં લૂંટાવી દેવા માગતા હોય એવો એક માહોલ સર્વત્ર જોવા મળે છે. 

પણ જરાક થોભો, આ બધું એ લોકોને લાગું પડે છે જેઓ ખાધે-પીધે સુખી અને સાધન-સંપન્ન છે અને જેમના માટે આર્થિક તંગી કે નાણાના અભાવ જેવી કોઈ વસ્તુ જ જીવનમાં નથી. અમુક અપવાદને બાદ કરતા સમાજનો આ સાધન-સંપન્ન વર્ગ માત્ર ને માત્ર પોતા માટે જીવે છે. એમના માટે નિજ પરિવાર સિવાયના લોકોનાં દુ:ખો, વેદનાઓ, વ્યથાઓ, અગવડો, મુશ્કેલીઓ, પરેશાનીઓ, હાડમારીઓ, વિટંબળાઓ વગેરેનું કોઈ જ મહત્ત્વ નથી. સમાજના આ વર્ગના લોકો હંમેશાં નિજાનંદમાં મસ્ત રહેતા હોય છે. તેમના જીવનનો એક જ સિદ્ધાંત હોય છે કે ‘આપ સુખી તો જગ સુખી’, જગત જાય જહન્નમમાં. આપણે આપણું કરો ને ભોગવાય એટલા સુખો ભોગવી લો અને લૂંટાય એટલી ખૂશીઓ લૂંટી લો (બીજો મનુષ્ય અવતાર આમે ય ક્યાં મળવાનો છે!). આ થિયરી પર જ આ લોકો ચાલતા હોય છે. અને જોવા જઈએ તો એમાં કંઈ ખોટું પણ નથી. પોતાની કમાણીમાંથી જેટલા સુખ-સગવડો ભોગવી લેવાય એટલા ભોગવી લેવા જોઈએ અને લ્હાવો લેવાય એટલો લઈ લેવો જોઈએ, મનુષ્ય અવતાર ક્યાં વારે વારે મળવાનો છે. 

શું મનુષ્ય જીવનનો એકમાત્ર ઉદ્દેશ સુખ-સુવિધાઓ ભોગવી લેવાનો જ છે? ના જરા ય નહીં. કેમ કે પોતાનું અને પોતાના બચ્ચાનું પેટ તો પશુ-પક્ષી અને જનાવર પણ ભરે છે જેમને ભગવાને મનુષ્ય જેટલી બૌદ્ધિક ક્ષમતા આપી નથી. તેઓ કોઈપણ બુદ્ધિ, ભણતર, આવડત, કલા-કસબ અને કૌશલ્ય વિના પણ એટલું તો કરી જ લેતા હોય છે. આ રીતે જોઈએ તો ભોગવાદી મનુષ્ય અને પશુ-પક્ષીઓમાં બહુ કંઈ ઝાઝો ફેર હોય એમ લાગતું નથી. પણ મનુષ્ય તરીકે ભગવાને આપણને કેટલીક વિશિષ્ટ શક્તિઓ અને ક્ષમતા આપી છે જેનો ઉપયોગ આપણે પોતાના ભલા માટે તો કરી શકીએ છીએ પણ જો ઇચ્છીએ તો બીજાના ભલા અને હિત માટે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ, અને આ એક જ બાબત એવી છે જે મનુષ્યને અન્ય જીવો કરતાં એક અલગ ઓળખ આપે છે અને મનુષ્ય તરીકેની આ અદ્દભુત શક્તિ અને આવડતનો ઉપયોગ કરીને જ મનુષ્ય બીજા મનુષ્યોને તેમ જ જીવસૃષ્ટિના અન્ય જીવોનું કલ્યાણ કરી શકે છે. 

વળી આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણે જે કંઈ કમાણી કરીએ છીએ તેમાંની સો ટકા કમાણી આપણી પોતાની મહેનતની જ હોય છે સાવ એવું પણ નથી હોતું. કાવા-દાવા, દાવપેચ અને હરીફાઈના આ યુગમાં ઘણી બધી કમાણી (પછી એ કોઈપણ વર્ગ હોય, મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, વેપારીઓ હોય કે સરકારી નોકરીમાં કૌભાંડો અને ગોટાળા કરી રૂપિયા સેરવવા ઉપરાંત પ્રજાની કમાણીમાંથી લાખો રૂપિયાનો પગાર મેળવતા સરકારી અધિકારીઓ હોય) આપણે “બીજા” માર્ગોથી પણ કરી હોય છે (અહીં બીજા માર્ગો ક્યા એ કહેવાની જરૂર ખરી?), અને એમાં કંઈ ખોટું નથી એમ આપણે સહજપણે વળી સ્વીકારીએ પણ છીએ! આપણે જ્યારે આ “બીજા” માર્ગોથી કમાણી કરીએ છીએ ત્યારે આપણને મનમાં એવો સહેજ પણ વિચાર નથી આવતો કે જો વધુ કમાઈ લેવા માટે આપણે આવા “બીજા” માર્ગોનો ઉપયોગ કર્યો ન હોત તો કદાચ અન્ય જરૂરિયાતમંદ લોકોને ભાગે થોડી વધુ આવક આવી શકી હોત અને તે લોકો તેમની જરૂરિયાતોને વધુ સારી રીતે સંતોષી શક્યા હોત. યાદ રહે કે આપણે જેટલા વધુ આપણી ચતુરાઈનો ઉપયોગ કરીને આવા “બીજા” માર્ગોથી જેટલા વધુ પૈસા ભેગા કરી સંગ્રહ કરતા રહીશું એટલા વધુ જરૂરિયાતમંદ લોકો તેમની પાયાની જરૂરિયાતો સંતોષવાથી વંચિત રહી જશે. કારણ કે આપણી કહેવાતી ચતુરાઈ અને બુદ્ધિનો ઉપયોગ કરીને જેટલા વધુ પૈસા ભેગા કરીશું એટલા વધુ નાણાં કોઈ એક ચોક્કસ વર્ગ સુધી કેન્દ્રિત થાય છે અને બને છે એવું કે પૈસો અનાવશ્યક રીતે અમુક એક જ જગ્યાએ ભેગો થાય છે અને જેમને ખરેખર એટલી જરૂર નથી તેવા લોકો ધનની રેલમછેલમાં આળોટે છે અને જે લોકો એક એક રૂપિયો કમાવા માટે વલખા મારતા હોય છે તેઓ તેમની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શક્તા નથી. એટલું જ નહિ એમાંના ઘણા લોકોએ તો કદાચ ભૂખ્યા પણ સૂઈ જવું પડતું હશે. બસ આ સ્થિતિ જ સૌથી વધુ ખતરનાક છે કારણ કે મોટા ભાગના અનિષ્ટો આ ભૂખ નહિ સંતોષાવાની પરિસ્થિતિમાંથી જ પેદા થાય છે. ભૂખ જે કરાવે એ બીજુ કોઈ ન કરાવે. આપણી પાસેની વધારાની સંપત્તિમાંથી આપણે  જો જરૂરિયાતમંદોને સમયસર નહિ આપીએ તો એક દિવસ એવો આવશે કે તેઓ આપણી પાસેથી છીનવી લેશે.

સમાજમાં એક બહોળો વર્ગ એવો છે જે સખત મહેનત કરવા છતાં પોતાની મહેનત પૂરતું પણ કમાઈ શકતો નથી. દિવાળી તો દૂર તેઓને બે ટંકનું ભોજન પણ પ્રાપ્ય બનતું નથી. બીજી બાજું એક વર્ગ એવો પણ છે જેમની પાસે રૂપિયા-પૈસા, સંપત્તિ-મિલકત, ધન-દોલત, સુખ-સાહ્યબી એટલા વિપુલ પ્રમાણમાં છે કે તેઓની પેઢીઓની પેઢીઓ બેઠા બેઠા ખાય તો પણ ખૂટે એમ નથી. આ વિરોધાભાસની સ્થિતિ જ સમાજ માટે ક્યારેક હાનિકારક સાબિત થઈ શકે છે. સમાજના ધનાઢ્ય વર્ગની વહેંચીને ખાવાને બદલે માત્ર પોતાનાઓ માટે જ બધું ભેગા કરતા રહેવાની ભોગવાની અને એકલપેટી વૃત્તિ જ આવકની અસમાનતાની ખાઈને વધુ પહોળી કરવા માટે જવાબદાર છે. એક કહેવત છે કે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જ્યારે અતિ પ્રબળ થશે અને તેમની પાસે ભૂખ ઠારવાનો કોઈ ઉપાય નહિ બચે ત્યારે તેઓ ભયંકર રીતે હિંસક બની બીજાનું છીનવી શકે છે. 

આ સૃષ્ટિમાં જન્મ લેતા પ્રત્યેક મનુષ્યને ભગવાને એટલી તો શક્તિ આપી જ હોય છે કે તે પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી શકે. જે લોકો પાસે કોઈ સારું ભણતર કે કોઈ વિશેષ આવડત, કારીગરી કે કલા-કસબ નથી તેવા લોકોને પણ ભગવાન તનતોડ મહેનત કરવાની શક્તિ તો આપી જ દે છે જેથી કરીને તે એટલી મહેનત કરીને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી શકે. પરંતુ આપણે જ્યારે આપણી કહેવાતી બુદ્ધિ, ચતુરાઈ અને ચાલાકીથી “બીજા” માર્ગોનો ઉપયોગ કરી માત્ર ને માત્ર ભૌતિક સુખ-સગવડો માટે આપણી જરૂરિયાત કરતાં વધુ નાણાં ભેગા કરી આવા મહેનતું અને પ્રમાણિક લોકોની કમાઈ પણ હજમ કરી જઈશું તો એક દિવસ એવો આવશે કે એ લોકો આપણી પાસેથી છીનવી લેતા વિચાર નહિ કરે અને એ સ્થિતિમાં શું થઈ શકે એ બધા આપણે સારી રીતે જાણીએ છીએ.

દિવાળીનો તહેવાર એ સામૂહિક રીતે ખુશીઓ મનાવવાનો અને ઉલ્લાસનો તહેવાર છે પણ સમાજમાં એવા લોકો પણ છે જેમના નસીબમાં કાયમ એક ટંક જમવાનું જ લખાયેલ હોય છે તેવા લોકોને તો ક્યારેક દિવસમાં બીજો ટંક જમવાનું મળે તો એ દિવાળી બની જાય છે. કહેવાનો મતલબ એ કે આપણે જે કંઈ પૈસા રળીએ એમાં આપણી જરૂરિયાતો સંતોષાય તેવા અને તેટલા ખર્ચા ચોક્કસ કરીએ પણ “બીજા” માર્ગોનો ઉપયોગ કરીને આપણી જરૂરિયાત કરતાં વધુ પૈસા ભેગા કરી બીજાઓની કમાણી ખાવાનો પ્રયાસ ક્યારે ય ના કરીએ. આપણી પાસેના રૂપિયા-પૈસા, સંપત્તિ-મિલકત,, ધન-દોલત, સુખ-સાહ્યબીમાંથી જો થોડું પણ બીજા જરૂરિયાતમંદોને નિ:સ્વાર્થ ભાવે આપીશું તો એ અનેકગણું આપણને પાછું મળી શકે છે. 

આવો, આપણે સૌ દિવાળીના આ ઉલ્લાસ, ઉત્સાહ, ઉમંગ અને ઉજાસમય પર્વને એકલપેટા થઈ ન ઉજવતા બીજાઓને પણ આપણી ખુશીઓમાં સહભાગી બનાવીએ અને સાચા અર્થમાં “સર્વે ભવન્તુ સુખિન:”ના જીવનમંત્રને ચરિતાર્થ કરીએ.

e.mail : h79.hitesh@gmail.com

Loading

અરણ્ય રૂદન

રૂપાલી બર્ક|Poetry|20 October 2025

બોઈંગની ઘરેરાટી, બુલેટ ટ્રેનની રપરપાટી
ને વાહનોની સેરસપાટીનો આ કાળ છે
આ દુનિયા કંઈ ગાંડી થઈ છે
૭૦ પછી ૯૦ ને પછી ૧૬૩ માળની ગગનચુંબી ઈમારતોની સ્પર્ધાનો આ યુગ છે
મનુષ્ય પોતાની બુદ્ધિના ભાગનું કામ
કૃત્રિમ બુદ્ધિને સોંપીને પોતે આરામ ફરમાવે
ખાઈ પીને બસ મોજ કરે
એવી આ અફલાતૂન એકવીસમી સદી છે
અલાદિનની જાદુઈ જાજમ કે
એના જાદુઈ ચિરાગના જિનને ટપી જાય
એવા 5G જિન મનગમતું બધું
ચપટી વગાડતા પ્રહર મુહૂર્તની પરવાહ વગર દરવાજે હાજર કરી દે
એવો આ અજાયબ સમય છે
વામન ઇચ્છાઓ વિરાટ બનીને
બેઠેલા શિયાળાને વૈશાખમાં ફેરવી નાખે
ને તો ય ખાણું, ગાણું ને નાચણું ચાલે જ જાય
એવું વિસ્મયકારક આ ટાણું છે
બધું સમું સૂંથરૂં ને રૂડું રૂપાળું છે
કોઈને કાંઈ નડતું નથી
કોઈને કાંઈ અડતું નથી
પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહુકો કરે
ને માંઈ તું છે કે એક અમથા પીપળાના ઢીમ ઢળવાથી રોકકળ માંડે છે.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

માતા પૂતળીબાઈની સાક્ષીએ —

કેતન રૂપેરા|Gandhiana|20 October 2025

સંપાદકીય

કેતન રુપેરા

પ્રયોગવીર ગાંધીજીના સત્યના પ્રયોગો જેવા ને જેટલા ચર્ચાયા-પોંખાયા, એવું એમના આહારના પ્રયોગો વિશે બન્યું નથી. પહેલું તો જાણે કે એમની આત્મકથાનું નામ સ્વયમેવ; એટલે એનું અગ્રગામી અને પ્રભાવી હોવું-રહેવું સ્વાભાવિક છે. વળી, “પરમેશ્વર ‘સત્ય’ છે એમ કહેવા કરતાં ‘સત્ય’ એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે”[i] તેમ કહેનાર, જગતના પ્રથમ જણને લલાટે ચળકે તો સત્યનું તેજ જ ને …

… પણ તેથી કંઈ ગાંધીજી, વધુ મૂળમાં જતાં મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન અને તેની ગતિવિધિઓને ફંફોસવામાં રસ દાખવતા અભ્યાસી માટે, એમના આહારના પ્રયોગો કે પ્રાણપોષક આહાર માટેની એમની ખોજથી અંતર જાળવવાનું સંભવી શકે ખરાં?!

વિશેષ કરીને ત્યારે, જ્યારે એમ પકડાય કે સગીર વયે એક પ્રકારનો આહાર, વધુ ચોક્કસપણે કહીએ તો ‘માંસાહાર’, જે ચોકક્સ સમયમર્યાદા સુધી ત્યાજ્ય ગણ્યો એના મૂળમાં જ સત્યનું પાલન ક્યાં ન હતું! મોહનદાસને મનોમન થયેલા આ સંકલ્પની પિંડબંધાઈ ઘટનામાં એકના છેડે બીજો એક; એવો તર્કપૂર્ણ પ્રલંબ વહેતો મૂકતાં, ‘જો’ અને ‘તો’ની સહાયથી કોઈક છેડે પહોંચવા વિચારી શકાય? આરંભીએ …

જો માતા પૂતળીબાઈએ મોહનદાસને વિલાયત જતાં પૂર્વે, સરવાળે ત્રણમાંની એક એવી માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞા ન લેવડાવી હોત, તો તેના પાલન સારુ ભૂખ્યા-અધભૂખ્યા રહીને પણ તેઓ શાકાહારની શોધમાં લંડનની ગલીઓમાં ભ્રમણ કરતા રહ્યા હોત?

શાકાહારની શોધમાં ભ્રમણ કરતાં કરતાં લંડનની સેન્ટ્રલ રેસ્ટોરાંએ ન જઈ ચઢ્યા હોત, તો પ્રથમ કેવળ સત્યને જાળવવાને ખાતર અને પછી માતાની પ્રતિજ્ઞા જાળવવાને ખાતર માંસત્યાગ કર્યો હતો, તેમાં ઉમેરણ થઈને પોતે વિચારથી પણ અન્નાહારમાં માનતા થયા એવું પુસ્તક[ii] હાથ લાગ્યું હોત?

માતાની પાસે કરેલી પ્રતિજ્ઞા પણ હવે તો વિશેષ આનંદદાયી થઈ પડી એવી એ રેસ્ટોરાં અને પુસ્તક હાથે ન લાગ્યાં હોત, તો તે વાટે અન્નાહારમાં માનનાર કેટલાક અગ્રણીઓના પરિચય-સંપર્કમાં આવવાનું ને એની અસર રૂપે આહારના અખતરા કરવાનું થયું હોત?

જો આરંભે આર્થિક અને આરોગ્યની દૃષ્ટિએ થયેલા આ અખતરા કે પ્રયોગો થયા જ ન હોત, તો શું આગળ જતાં તેમાં ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિ પણ ભળી હોત?

ધાર્મિક દૃષ્ટિએ અસ્વાદ અને ફળાહાર તથા દૂધનો ત્યાગ અને ઉપવાસ જેવા પ્રયોગો આધ્યાત્મિક દૃષ્ટિએ ન થયા હોત, તો આ સઘળા પ્રયોગોની પ્રક્રિયા અને પરિણામલક્ષી અસર રૂપે—અવિરત આત્મશુદ્ધિના માર્ગે જવા પ્રયત્નશીલ એવા—જે ગાંધીજી આ દેશ-દુનિયાને મળ્યા તે શું એ જ સ્વરૂપે મળ્યા હોત?

મોહનમાંથી ‘મહાત્મા’, મોનિયામાંથી ‘બાપુ’, મિ. ગાંધીમાંથી ‘ગાંધીજી’ અને પૂતળીબાઈના પુત્રમાંથી ‘રાષ્ટ્રપિતા’ જેવાં ગતિક્રમ સહજ ને અત્યંત આદરસૂચક માન-સન્માન પળભર બાજુ પર રાખીએ તો ય, આત્મશુદ્ધિના પ્રયત્નના કારણે આત્મદર્શન માટેની એમની ઝંખના અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની યત્ના ન રહી હોત, તો જે આભા ને જે પ્રભાવપૂર્ણતા સાથે જગત આખામાં તેઓ ઊભરી આવ્યા, એમ શું થયું હોત?

… અને આ સઘળું ન બન્યું હોત, તો કોઈ કલ્પી શકે ભલા કે શાકાહારની શોધમાં ભ્રમણ કરતો 19 વર્ષીય યુવાન, પછી એ માર્ગે વધુ આગળ વધતાં, એક પછી એક પગથિયાં ચઢતાં-પડતાં, ભૂલો કરતાં-સ્વીકારતાં-સુધારતાં જતાં સૌની નજીક રહેતાં છતાં પણ એટલો દૂ…ર નીકળી ગયો કે તે એના આધ્યાત્મિક પ્રયોગો—”જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજ્ય પ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્-ભવી છે”[iii]—બની રહ્યા અને તેના પાયામાં આહારના પ્રયોગો હતા, પ્રાણપોષક આહારની એમની ખોજ રહેલી હતી; અને એના ય પાયામાં હતી માતાની પાસે કરેલી માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞા!

1933માં અલગ મતદાર મંડળની આબોહવામાં ઉપવાસ અને આત્મશુદ્ધિ અંગેની ચર્ચા કરતાં મોહનદાસ—ગાંધીજી પોતાની માતાને સંભારે છે ને કહે છે, “નૈતિક સુધારો તપશ્વર્યા અને આત્મશુદ્ધિ જેવાં નૈતિક સાધનોથી જ થઈ શકે… હું તથા મારી મા જે કુટુંબમાં આવા વ્રત રોજની વસ્તુ હતી તેમાં જન્મેલા છીએ.”[iv]

… તો આ મોહનદાસની દૃષ્ટિ છે. એમના ઉપવાસ અને એની પ્રક્રિયા એમને બે સામસામા છેડાના કહેવાતાં ક્ષેત્રો—રાજકીય અને આધ્યાત્મિક—માંય માર્ગદર્શન રૂપ બની આવે છે. અસ્પૃશ્યતા નિવારણ સંબંધે એક તબક્કે સનાતનીઓને ઉદ્દેશીને આપેલા નિવેદનમાં આ વાત વધુ વ્યાપક સ્વરૂપે ઊભરી આવે છે. “મને ઓળખનારાઓએ સમજવું જોઈએ કે, હું રાજકીય, સામાજિક, ધાર્મિક અને બીજા સવાલો વચ્ચે ન ભૂંસાય એવો ભેદ માનતો નથી. મેં હંમેશાં માન્યું છે કે એ સવાલો એકબીજા પર આધાર રાખનારા છે, અને એકના ઉકેલથી બીજાનો ઉકેલ નજકી આપે છે.”[v] 

ગાંધીજીનું આરોગ્યની ચાવી તે આવી જ સર્વાંગી દૃષ્ટિ ધરાવતું ને પોતાના રોજેરોજ વધતા જતાં આહાર, ઉપચાર અને આરોગ્યના અનુભવનાં નિચોડ રૂપ પુસ્તક છે…, તો પ્રસ્તુત પુસ્તક ત્યાં સુધી પહોંચવામાં તેઓ કેવી કેવી કસોટીઓ ને પ્રક્રિયા-પ્રયોગોમાંથી પસાર થયા તેનો સંક્ષેપ આલેખ આપવાનો પ્રયાસ—આ સંપાદનમાં ક્યાંક ભૂલ પણ રહી ગઈ હોય એવા સ્વીકાર સાથે,

… અને વિશ્વ-ગુજરાતી વિપુલ કલ્યાણી તરફથી સતત મૂકાતા વિશ્વાસ ને સાતત્યપૂર્ણ ધીરજને સલામ સાથે,

Email: KetanRupera@gmail.com

[i] ગાંધીજી, મંગળપ્રભાત, નવજીવન (2002), પૃ. 1

[ii] A Plea For Vegetarianism And Other Essays by H. S. Salt

[iii] મો. ક. ગાંધી, સત્યના પ્રયોગો અથવા આત્મકથા, નવજીવન (1998), પૃ. ६

[iv] મહાદેવભાઈની ડાયરી, ભાગ 3 (1949), પૃ. 285

[v] મહાદેવભાઈની ડાયરી, ભાગ 2 (1949), પૃ. 459

Loading

...102030...214215216217...220230240...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved