Opinion Magazine
Number of visits: 10081078
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિવાળી, ઘરવાળી ને કામવાળી ….

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 October 2025

રવીન્દ્ર પારેખ

દિવાળીમાં દેવાળું ન ફૂંકવું હોય તો માણસ પાસે ઘરવાળી ને કામવાળી હોવી જ જોઈએ એવું હું અંગત રીતે માનું છું. એક વાર ઘરવાળી ન હોય તો ચાલે, પણ કામવાળી ન હોય તો વેન્ટિલેશન બંધ થઈ જાય ને વેન્ટિલેટર પર હોઈએ એવું લાગે. કામ છે ત્યાં સુધી કામવાળી છે. એ રીતે કામવાળી સનાતન છે. સદ્દભાગ્યે મને ઘરવાળી અને કામવાળી, એમ બંને છે. થાય છે શું કે દિવાળીમાં ઘરવાળી અને કામવાળી સાચવ્યાં સચવાતાં નથી. વારતહેવારે ઘરવાળી પિયર જવાની વેતરણમાં હોય ને કામવાળી ગામ જવાની ઉતાવળમાં હોય ! એવું કેટલી ય વખત બન્યું છે કે ધૂળેટીએ ઘરવાળીને રંગવી હોય ને એ પિયરમાં રંગાતી હોય ને કામવાળી પણ એન મોકે મોબાઈલ મારીને કહી દે કે વધારે રંગાઈ જવાને કારણે રજા પર છે. ખરે ટાણે જ આપણું કોઈ ન હોય એ ઓછી કમનસીબી નથી, પણ મૂળે હું માણસ ભલો એટલે મારી ભલમનસાઈનો લાભ એ બન્ને ઉઠાવતાં રહે છે.

જો કે, આ વખતે સરાધિયામાં જ મેં અલ્ટિમેટમ આપી દીધેલું કે જેણે જ્યાં જવું હોય ત્યાં દિવાળી પહેલાં જઈ આવવું, દિવાળી વખતે બન્ને હાજર જોઈએ. પત્નીએ તો સાંભળી લીધું, પણ કામવાળી તડૂકી, ‘દિવાળીમાં આવા કે ની આવા તે અત્તારથી કેવી રીતે કે’મ? કોઈ માંદુંચાંદું પઈડું તો ની બી અવાય.’

‘માંદી પડવાની હોય તો કાલથી જ પડી જા ! દિવાળી પર કોઈ બા’નું ના જોઈએ, સમજી?’

‘આ હારું, મરવા પે’લાં જ ખભે ધોતિયું નાખી દેવાનું !’

‘ધોતિયું કે ટુવાલ, જે નાખવું હોય તે નાખ, પણ દિવાળીમાં રજા પાડી તો બોણી, દોણી ભૂલી જજે !’

બોણીનું નામ પડતાં જ કામવાળી ઢીલી પડી ગઈ. બોલી, ‘હારુ, બાપા ! મરી જવા તો હો દિવાળીમાં આવા, પછી છે કંઇ?’

‘ના આવવું હોય તો ના આવતી, પણ આમ છેક જ ‘બાપા’ તો ના કહે ! હું તને બાપા જેવો લાગું છું?’

‘તો હું, દાદા કે’મ?’

વધારે ફજેતી ન કરાવવા હું નહાવા ભરાઈ ગયો.

૦

એક વાર વાતમાંથી વાત નીકળી તો ઘરવાળીએ પૂછ્યું પણ ખરું, ‘દિવાળીમાં શું કરવું છે તે મને પિયર નથી જવા દેતા?’

‘નથી જવા દેવાનો.’

‘ સારું, નહીં જાઉં, પણ અહીં રહીને કરવાનું શું છે, તે તો કહો.’

‘આ વખતે દિવાળીના નાસ્તા બનાવ.’

‘જે ખાવું હોય તેનું લિસ્ટ આપો. કાલે લઈ આવીશ.’

‘લાવવાનું કંઇ નથી, બધું ઘરે બનાવવાનું છે.’

‘હવે ઘરે કોણ બનાવે છે? જે જોઈએ તે મોલમાં મળી રહે -’

‘બહારનો નહીં, નાસ્તો ઘરમાં ખાવો છે.’

‘બહાર થોડો ખાઈશું? ખાઈશું તો ઘરમાં જ ને !’

‘એક વાર કહ્યું ને ! ઘરમાં બનાવ, ઘરમાં ખાઈશું.’

‘સારું. ઘરમાં બનાવીશ, પણ કામવાળીને રજાની કેમ ના પાડી?’

‘તે એટલે કે એ ન આવે તો એનું કામ તું કરે ને એમાં મારું કામ ન થાય.’

‘મહાલુચ્ચા છો -’, હું તેને રોકવા જ જતો હતો, ત્યાં મને અટકાવતાં એ જ બોલી, ‘સારું, એ કહો કે શું ખાવું છે?’

મારે તો દોડવું હતું ને ઢાળ મળ્યા જેવું થયું. મેં તેને એક પછી એક આઇટેમ ગણાવવા માંડી. ઘણાં વખતથી ખડખડિયાં, થાપડાં, મઠિયાં, ચોળાફળી, ચણાની ઘારી, રવાના ઘૂઘરા, નાનખટાઈ …. વગેરે ખાવું હતું તે કહી દીધું. ઘરવાળી થોડી ગિન્નાઈ, પછી સામે તેની આઇટેમ બનાવવાની દરખાસ્ત મૂકી. મને એની આઈટમ જરા ય ભાવતી ન હતી, પણ મારો નાસ્તો થતો હોય તો ભલે એ એની પણ વાનગી ખાઈ લેતી, મને વાંધો ન હતો. દિવાળીને અઠવાડિયું બાકી રહ્યું એટલે મેં તેને નાસ્તાનો જેન્ટલ રિમાઈન્ડર આપ્યો, તો તે બબડી, ‘આવો નાસ્તો હવે કોઈ ખાતું નથી. ‘ખડખડિયાં, હં !’ નામ જ કેવું ખરબચડું છે? બોલતાં જ જીભ છોલાઈ જાય.’

‘એવું હોય તો તું એને સુંવાળી કહેને !’

‘થાપડાં ! આવું તે નામ હોય? બોલતાં જ કોઈએ થાપડ મારી હોય એવું લાગે.’

‘થાપડા નહીં બનાવે તો થાપડ ખાવાની જ આવશે.’

‘મારે?’

‘ના, મારે !’

‘થાપડાં ખવડાવીશ, પણ મને મદદ કરવી પડશે.’

મેં હકારમાં ડોકું ધૂણાવ્યું, ત્યારે ખબર નહીં કે દિવાળી સુધીમાં મારું ડોકું ધૂણેલું જ રહેશે. સારું છે કે ઘરવાળી એક જ છે, વધારે હોત તો ડોકું જ રહ્યું ન હોત ! આમે ય પરિણીતને પછી ડોકું નથી રહેતું તેવું હું અનુભવે કહી શકું છું. એની વે, કામવાળી તો આવતી રહી નિયમિત, પણ ઘરવાળી, મારી પાસે ઘર વાળીને સાફ કરાવતી રહી. મને હતું કે આજે નહીં તો કાલે, મારો નાસ્તો બનશે, પણ એ તો મારો નાસ્તો કરતી રહી. ખબર ન પડી કે ઘર ચોખ્ખું થયું કે હું સાફ થયો ! એ પછી પણ મારો નાસ્તો તો ટલ્લે જ ચડતો ગયો. બહુ બબડ્યો તો થાપડાં થયા, ચોળાફળી થઈ, પણ ઘારી-ઘૂઘરાનું તો સૂરસૂરિયું જ થયું. એક દિવસ તો ખુદ કામવાળી બોલી, ‘ભાભી, ભાઈને માટે કંઇ કઈરું કે ની?’

ઘરવાળી બોલી, ‘આ બધું એમને માટે જ તો છે, આજે સાંજે તો પિત્ઝા કરવાની છું.’ કામવાળી તો એવી હરખાઈ કે તેનું મોં અડધો પિત્ઝા ઠૂંસ્યો હોય તેમ આખું ભરાઈ ગયું. રોટલા થાપતી હોય તેમ તાળીઓ વગાડતી એ તો ગઈ ને હું ટોપિંગ બાકી હોય તેવા પિત્ઝાના રોટલા જેવો ફેલાઈને પડી રહ્યો. પડ્યે પડ્યે મેં જોયું તો ઘર ભરાય એટલો નાસ્તો ઘરવાળીએ કર્યો હતો. મસાલાની પૂરી તળાતી હતી, પણ મને ગમતું કંઇ થતું ન હતું ને થાય એમ લાગતું ન હતું. તે એક જ કારણે કે ઘરવાળીને ગળપણ જોડે બાપે માર્યાં વેર હતાં. તેને એમ જ હતું કે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય. એ વહેમ મારા એકના એક સસરાએ તેને ભરાવેલો હતો. એ ખરું કે મને ડાયાબિટીસ હતો જ ને હવે ફરી થવાનો ન હતો ને દવાથી કાયમ ૧૦૦ની નીચે રહેતો હતો, પણ મારા સસરા સ્વયં ‘દોઢડા’યા’બિટીસ હતા એટલે મારી ઘરવાળીને ભરમાવતા રહેતા કે ઘરમાં ગળ્યું કશું કરવું જ નહીં કે ડાયાબિટીસનું જોખમ રહે.

ઘરવાળીનું ચાલે તો એ ગોળ-ખાંડમાંથી પણ ગળપણ કાઢી લે ને મારું એવું હતું કે હું નખશિખ ગળપણનો બનેલો હતો. નાનો હતો ત્યારથી મને ગળ્યું ખૂબ ભાવતું. ખૂબ એટલે ખૂબ જ ! દિવાળીમાં કોઈ ઘરે નાનખટાઈ પાડતું તો તેની સુવાસથી મારું નાક ગળ્યું ગળ્યું થઈ જતું. હું ગંભીરપણે માનતો કે ગળપણ, ઘડપણને દૂર રાખે છે. તક મળતી ત્યાં હું બોલતો ય ખરો, ‘જે ની ખાય ગળ્યું, તેનું જીવતર બળ્યું.’ ઘરવાળીને એમ જ લાગતું કે આ હું તેને સંભળાવું છું ને તેનું પરિણામ એ આવતું કે મારી વાતમાંની મીઠાશ પણ એ કાઢી લેતી. એ કાઢતી વખતે એની નજરમાં એવી મીઠાશ વધતી કે એને કોઈ જુએ તો પણ ડાયાબિટીસ થઈ જાય !

સાચું કહું તો આ વખતે મારે ચણાના દાળની ઘારી ખાવી હતી. ઘૂઘરા તો બજારમાં મળી રહે, પણ આ ઘારી દિવાળી વખતે જ ઘરમાં બનતી. માવાની ઘારી પણ મીઠાઈની દુકાનમાં મળી જાય, પણ દળનો સાંજો ભરીને મારી બા એ ઘારી બનાવતી ને ફરતે એવી ઝીણી કાંગરી કરતી કે આજે એ યાદ કરું છું તો આંખે ઝૂલ પડે છે. ખબર નહીં પણ કેમ, કાળીચૌદસે વહેલી સવારે ઘરવાળી ઘારી બનાવતી દેખાઈ. એક ઘારી મારી સામે ધરતાં એ બોલી, ‘આવી જ બનાવવાનું કહો છો ને?’

હું એને જોઈ રહ્યો.

દૂર ક્યાંક કનકતારાનું સોનેરી અજવાળું થયું ને તે ઘરવાળી પર પડ્યું ને પડેલું જ રહ્યું ….

000

e.mail : ravindra21111946@gmail.com
“અભિયાન” સાપ્તાહિકના દીપોત્સવી અંકમાં પ્રગટ હાસ્યલેખ

Loading

રૈહાના તૈયબજી

રાજુ સોલંકી|Opinion - Opinion|21 October 2025

રૈહાના તૈયબજી

આજે હિન્દુત્વની રાજનીતિ એની પરાકાષ્ઠાએ છે, ત્યારે કૃષ્ણભક્ત રૈહાના તૈયબજીનો પરિચય આપવા માંગુ છું.

1943માં બ.ક.ઠા. એટલે કે બળવંતરાય ઠાકોરે ગાંધીજીના અનુયાયી અબ્બાસ તૈયબજીની દીકરી રૈહાનાના ‘હાર્ટ ઓફ એ ગોપી’ અંગ્રેજી કાવ્ય પરથી ‘ગોપીહ્રદય’ નામનું આખ્યાન કાવ્ય પ્રગટ કર્યું. 

“આજન્મ સ્નેહી પ્રિય ભાઈશ્રી મોહનભાઈ કબા ગાંધીને અર્પણ” કરેલા આ પુસ્તકના નિવેદનમાં બ.ક.ઠા. કહે છે :

“વડોદરાને વતન ગણ્યું તે દરમિયાન મ્હને એક મોટો લાભ આ થયો કે શ્રીમતી બ્હેન રેહાના અબ્બાસ તૈયબજીની થોડી ઘણી ઓળખાણ પામ્યો. આર્થિક ભીંસ અને માનસિક વ્યગ્રતા વધતી જ જાય છે, એવા કાળમાં વસ્તીના તમામ થરમાં ધર્મો અને પંથો કટાય કજળે, ભક્તિભાવ ફટકી જાય, લોક સ્વાર્થી દુન્યવી બુદબુદજીવી મેલા મનના બનતા ભાસે, તેમાં કશી નવાઈ નથી. આવા સમયમાંયે શ્રીમતી બ્હેન ખરે ઉન્હાળે નિર્મળ શીતળ ગિરિઝરણ હોય ને એવા આદર્શ ભક્ત છે. કુદરતી બક્ષીસો અને યથાયોગ્ય પાકતા સંસ્કારોને શુભ મેળે મુસ્લિમ ક્યારામાં આ ફૂલ ઉઘડ્યું છે એ વળી વિશેષ નવાઈની વાત છે. પણ અબ્બાસ સાહેબને જે કોઈ ઓળખતું એ તો તુર્ત જ સ્વીકારશે કે એમના પુત્રી આવાં હોય એમાં કશી નવાઈ નથી. એમનું હાર્ટ ઓફ એ ગોપી (1936) મ્હારા જોવામાં આવ્યું ના હોત, એ તો એક વિરલ અને વિશ્વસનીય માનસિક વિકાસ(સાઇકલિક ગ્રોથ)નો અહેવાલ (રેકર્ડ) છે એવું એનું મૂલ્યાંકન –  સર્જક બ્હેનની અંગત પિછાન ઉપરથી હું કરી શક્યો, તેમ બનવા પામ્યું ના હોત, – તો આ ગોપીહૃદય રચાવા જ પામત નહીં, એટલી બધી આ મારી કૃતિ એ આગલીની ઋણી છે.”

‘મુસ્લિમ ક્યારામાં ઊગેલું ફૂલ જોઈને ‘ નવાઈ પામતા બ.ક.ઠા. તેમનું પુસ્તક ગાંધીજીને કેમ અર્પણ કર્યું એનો જવાબ આપતા કહે છે : 

“આનું અર્પણ ગાંધીજીને કરવામાં હું માત્ર અંગત સ્નેહે પ્રેરાયો નથી. મોહનભાઈ તપસ્વી છે અને ભક્ત છે. રુઢિચુસ્ત વર્ણાશ્રમધર્મી હિન્દુ છે અને સ્વતંત્ર ચિંતક છે; આદર્શ જૈન જેવા છે આદર્શ ખ્રિસ્તી જેવાય છે; એ હીરાને અનેક પાસા છે અને દરેક પાસો તેજ તેજનો અંબાર છે.”.

એક રૂઢિચુસ્ત વર્ણાશ્રમધર્મી હિન્દુ આદર્શ જૈન, આદર્શ ખ્રિસ્તી કઈ રીતે હોઈ શકે એ પ્રશ્ન હમણા બાજુ પર મૂકીને આ પુસ્તકના પ્રવેશકમાં શ્રી અરવિંદના અંતેવાસી અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી શું કહે છે તે વાંચો : 

“કુમારી રેહાનાએ અનુભવ્યું કે કોઈ અપૂર્વ સત્તાએ એમનો કબજો લઈને ‘હાર્ટ’ ત્રણ દિવસમાં એમની પાસે લખાવ્યું, એમણે ગોપીઓનો રાસ જોયો, શ્રી કૃષ્ણની ઘનશ્યામ જ્યોતિના દર્શન કર્યા, શ્રી કૃષ્ણના નૂપુરનો ઝંકાર સાંભળ્યો, ….. કુ. રેહાનાએ પોતે ‘હાર્ટ’ લખતી વખતે પ્રેરણાનો જે આવેશ અનુભવ્યો તેવા આવેશનો ઉલ્લેખ ગ્રીક સર્જકોએ કર્યો છે. આપણા સાહિત્યમાં પણ જન્મથી અભણ એવી વ્યક્તિઓએ કોઈ સંત મહાત્માના આશીર્વાદથી કે દેવદેવીની ઉપાસના વડે સરસ્વતીનો પ્રસાદ પ્રાપ્ત કર્યાના ઉલ્લેખો મળી આવે છે તેના મૂળમાં કુ. રેહાના અનુભવી એવી જ કોઈ શક્તિનું કાર્ય હોવું જોઈએ. આ તો ચમત્કાર !! પણ ચમત્કાર બનતા જ હોય તેમનો સ્વીકાર કરતા ડરવું શા માટે વારુ?”

પછી આગળ લખે છે:

“સને 1936ના એપ્રિલમાં કુ. રૈહાનાએ દિલીપકુમાર રાયને પોતાનાં કેટલાક પદ્યો મોકલ્યા અને કેવી રીતે લખાયા એ પ્રશ્ન ઉઠ્યો ત્યારે એ પદ્યોના જન્મ વિશે એમણે આ પ્રમાણે લખ્યું :- “થોડા વર્ષો પૂર્વે એક રાત્રે હું પ્રાર્થનામાં બેઠી’તી. ઓચિંતો સંગીત જેવો મોટો અવાજ મારે કાને પડ્યો. રાગ સારંગ હતો, અને ગાનારા ખૂબ ઝડપે ગાતા હતા – “અહો બનઠનકર આઈ હું જશોદા! બનઠનકર આઈ” – ત્યાર પછી એ ગાનારી ગોપીઓને મેં મારા તરફ આવતી જોઈ અને દિલીપભાઈ! શા રંગો! શી સુગંધ! અને એમના આભરણ અને ઘરેણાની શી ઝબક! હું તો સ્તબ્ધ થઈ ગઈ. ગોપીઓ તો ગોળ ગોળ ફરતી નાચ્યા જ કરતી હતી અને એમની મધ્યમાં ભૂરા તેજનો અંબાર ચમકાર સહિત પડ્યો.”

રૈહાનાબેન કહે છે, “મેં જાણ્યું કે એ જ્યોતિપૂંજ કૃષ્ણનો હતો. એના નૂપુરનો ઝંકાર મેં સાંભળ્યો. હું મત્ત થઈ ગઈ. બનઠનકર એ લીટી ઘૂંટતી હું નિદ્રાવશ થઈ અને મારા સમસ્ત દેહમાં એ નૃત્યુનો ભાવ વ્યાપી ગયો. જ્યારે સવારે હું ઊઠી ત્યારે ગાતી અને નાચતી ઊઠી અને તુર્ત શબ્દોની ધારા ચાલી અને મેં તે ઉતારી લીધી.”

પછી આગળ શ્રી પુરાણી લખે છે,

“કુ. રૈહાના એ કોઈ ઉર્ધ્વશક્તિના પ્રતાપે ત્રણ જ દિવસમાં હાર્ટ લખ્યું –  તેમને લખવું પડ્યું. રા. બ.ક. ઠાકોરે ગોપીહૃદય પૂરું કરતા સાત વર્ષ લીધા …. જન્મે અહિંદુ કુ. રૈહાના સાચુ હિંદુત્વ પામ્યા છે જ્યારે જન્મે હિંદુ રા. બ.ક. ઠાકોર અહિન્દુ ગણાય એવું માનસ કેળવી શક્યા છે  – એવી જીવનની અકળ ગતિ છે.”

“જન્મે અહિન્દુ કુ. રૈહાના સાચુ હિન્દુત્વ પામ્યા છે.” – ગાંધીવાદીઓ, હિન્દુત્વવાદીઓ અને મુસ્લિમો – ત્રણેય ખેમા માટે આ વાક્ય પડકારરૂપ છે. સૌને દિપાવલીની શુભેચ્છા!

સૌજન્ય : રાજુભાઈ સોલંકીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દીપદાન

કેદારનાથ સિંઘ : [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|21 October 2025

જજો, ફરી જજો,
એ કિનારે જઈને પણ દીવો પ્રગટાવજો,
પણ પહેલાં આપણું આ આંગણું કંઈક કહેવા માગે છે,
એ લહેરાતા પાલવ સાથે વારંવાર જાસૂદની ડાળ અટવાઈ જાય છે
એક દીવો ત્યાં પણ પ્રગટાવજો;
જજો, ફરી જજો,
એક દીવો જ્યાં નવી નવી ધરોની કૂંપળો ફૂટી છે,
એક દીવો જ્યાં પેલા નાના ગલગોટાએ
હાલ જ પહેલી પાંખડી ખોલી છે,
એક દીવો પેલી દૂધી નીચે
જેનો વેલો તમને સ્પર્શ કરવા વ્યાકુળ છે
એક દીવો જ્યાં ગાગર રાખી છે,
એક દીવો જ્યાં વાસણ માંજવાથી ખાડા જેવું દેખાય છે,
એક દીવો જ્યાં હમણાં જ ધોયેલા નવા ચોખાનું સુગંધભર્યું પાણી ફેલાયું છે,
એક દીવો એ ઘરમાં જ્યાં નવા પાકની અજંપાભરી સુગંધ છે,
એક દીવો પેલી બારી પર
જ્યાંથી દૂર નદીની હોડી અવારનવાર દેખાય છે
એક દીવો જ્યાં જટાળો કૂતરો બાંધીએ છે
એક દીવો જ્યાં ગાયને દોહીએ છીએ
એક દીવો જ્યાં આપણો વહાલો જટાળો કૂતરો આખો દિવસ ઉંઘ્યા કરે છે,
એક દીવો પેલી પગદંડી પર
જે અજાણી ગુફાઓની પેલે પાર ગરકાવ થઈ જાય છે,
એક દીવો પેલા ચાર રસ્તા પર
જે મનના બધાં લાચાર રસ્તા છીનવી લે છે,
એક દીવો પેલા ઉંબરે,
એક દીવો પેલા ગોખલે,
એક દીવો પેલા વડ નીચે પ્રગટાવજો,
જજો, પાછા જજો,
પેલા તટ પર પણ દીવો પ્રગટાવતા આવજો
પણ પહેલાં આપણું આ આંગણું કંઈક કહેવા માગે છે,
જજો, ફરી જજો!

ફોટો સૌજન્ય : ‘ગૂગલ’
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...213214215216...220230240...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved