Opinion Magazine
Number of visits: 10,226,537
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તારા સ્વજન તને જાય મૂકી તો, તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના … !

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|13 May 2021

હૈયાને દરબાર

રવીન્દ્રનાથ ટાગોરની ૧૬૦મી જન્મજયંતી ૭મી મેએ ઉજવાઈ ત્યારે કેટલી ય નવી વાતો, નવી રચનાઓ, નવાં ગીતો વિશે જાણવા મળ્યું.‌ અમે ભાઈ-બહેન નાનાં હતાં ત્યારે મમ્મી એક ગીત ગાઈને અમને ઘણીવાર ઊંઘાડતી.‌ એ ગીત હતું ; પેલા …, પેલા પંખીને જોઇ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, તો આભલે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું. એના પછીની પંક્તિમાં અમને બહુ મજા આવતી. એ પંક્તિ એવી છે કે, ઘડિયાળમાં દસ વાગે ટન ટન ટન ટન ટન ટન ટન ટન ટન. આ ટન ટન બોલવામાં જે આનંદ આવતો! સપનાં ય પછી પંખીનાં આવતાં અને ઊંચી ઉડાનની કલ્પનાઓ પણ આવાં ગીતો આપતાં. આ ગીતના મૂળ કવિ રવીન્દ્રનાથ ટાગોર અને આ સુંદર અનુવાદ કરનાર પિનાકીન ત્રિવેદી.‌ એ વખતે તો ક્યાંથી ખબર હોય ક્યાં ગીતના કવિ કોણ! એ વખતે તો માના કંઠે સાંભળીએ એટલે એ જ કવિ ને એ જ સંગીતકાર.‌ પરંતુ, લેખક-વિવેચક દીપક મહેતાએ રવીન્દ્ર જયંતીએ કેટલાંક ગીતોનો અનોખો ખજાનો ધરી દીધો.‌

રવીન્દ્રનાથ ટાગોરની કવિતા-સાહિત્યના વિશ્વભરની ભાષાઓમાં અનુવાદ થયા છે. ગુજરાતીમાં પણ મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, નગીનદાસ પારેખ, ભોળાભાઈ પટેલ, અનિલા દલાલ, સતીષચંદ્ર વ્યાસ, નલિની મડગાવકર સહિત અનેક સાહિત્યકારોએ આ અનુવાદો કર્યા છે.‌ પરંતુ, દીપક મહેતાએ પિનાકીન ત્રિવેદીએ અનુદિત કરેલાં રવીન્દ્ર સંગીતનાં સમગેય ગીતો મોકલ્યાં એમાં આ પંખીનું ગીત સાંભળીને આખું બાળપણ તાદ્રશ્ય થઈ ગયું.‌ પિનાકીન ત્રિવેદી આમ તો મુંબઈની ન્યુ એરા સ્કૂલમાં કે ગુજરાતી અને સંગીતના શિક્ષક. પરંતુ, રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યને સંગીતમાં ખૂબ રસ-રુચિ હોવાને કારણે કેટલાં ય ગીતો ગુજરાતીમાં અનુવાદ કરીને આપણને આપ્યાં છે. દીપકભાઇએ આવાં અગિયાર ગીતોનો સંપૂટ મોકલ્યો, ત્યારે થયું કે રવીન્દ્ર સંગીતનાં સમગેય ગુજરાતી ગીતો પર આખી સિરીઝ થઈ શકે એટલું સાહિત્ય છે.‌ પરંતુ, આપણે તો ગાગરમાં સાગર સમાવવાનો એટલે કેટલાંક ઉલ્લેખનીય ગીતો વિશે જ વાત કરીશું.‌

પિનાકીન ત્રિવેદી શાંતિ નિકેતનથી શિષ્ટ તેમ જ લૌકિક સંગીતની શાસ્ત્રીય તાલીમ લઈ આવેલા હતા. એમનો ઘેરો અને ઘૂંટાયેલો અવાજ. કળાનો આત્મા પૂરેપૂરો સમજેલા. મહાદેવભાઈના અનુવાદો વિશે બેમત ન જ હોઈ શકે છતાં ઝવેરચંદ મેઘાણી પિનાકીન ત્રિવેદી વિશે એમના ત્રણ રેકોર્ડ વિશેના એક રિવ્યૂમાં સાવ જુદો અભિપ્રાય આપે છે. મેઘાણી લખે છે, "પેલા પંખીને જોઇ મને થાય શબ્દો એમના કંઠમાંથી બહાર પડે ત્યારે સાદા શબ્દો દ્વારા કેટલું ઉન્નત વાતાવરણ સર્જી શકાય તેની ખાતરી થાય છે. ચાર વર્ષના બાળકથી માંડીને સાઠ વર્ષના વૃદ્ધ બંનેને આ સરખી રીતે આકર્ષી શકે છે. એક રેકોર્ડમાં એક બાજુ રવીન્દ્રનાથના એકલો જાને રે …ને બીજી બાજુ ચિંતા કર્યે ચાલશે નહિ ગીતો છે જે મહાદેવભાઈએ કરેલા સમભાષી તરજુમા છે.

ગાનારનો કંઠ, ગાવાની હલક, સંગીતના સાજ એના એ જ છતાં પિનાકીન ત્રિવેદી રચિત ચાર ગીતો અને આ બે ગીતોના ગાવન વચ્ચે જે તફાવત છે એ જ બતાવી આપે છે કે આપણી ગુજરાતી વાણીની ખૂબીઓની પિનાકીન ત્રિવેદીને પ્રાપ્ત થયેલી પિછાન અને મહાદેવ દેસાઇને હાથ ન લાગેલી સાન. એ તફાવત ગુજરાતી ભાષાને કાન પકડી પરાણે બંગાળી વાણીના મરોડો પહેરાવવાના પ્રયત્નોમાંથી પરિણમ્યો છે." ઝવેરચંદ મેઘાણીનું કહેવું છે કે, "બંને જ્ઞાતા છે પરંતુ, પિનાકીનનાં સ્વતંત્ર ગીતોમાં ભાષાનો તરજુમો નથી કે બંગાળી સ્વરભારોનો મનોવિભ્રમ નથી. ગુજરાતી મરોડો પરની પકડ મજબૂત છે એટલે જ એમણે કર્યું છે એ રસાયણ અને મહાદેવ દેસાઈના તરજુમામાં જે નિપજ્યું છે એ બંગાળીકરણ."

https://www.youtube.com/watch?v=nqreUZohGS8

આવો બોલ્ડ રિવ્યૂ એ વખતે જન્મભૂમિમાં છપાયો હતો. એ હકીકત તો છે જ કે પિનાકીન ત્રિવેદીની સરળતા ગીતોને વધુ લોકભોગ્ય બનાવે છે.

કવિ-સંગીતકાર નિનુ મઝુમદારે પણ 'ચિત્રાંગદા' નૃત્ય નાટિકા સહિત રવીન્દ્ર સંગીતનાં કેટલાંક ગીતોનો ભાવાનુવાદ કર્યો છે. લેખિકા સોનલ શુક્લ આ વિશે કહે છે, "રવીન્દ્ર સંગીતની એક રેકર્ડ બહાર પડી હતી જેમાં એક બાજુ તારી જો હાક સૂણી ગીત હતું અને બીજી બાજુ તારા સ્વજન તને જાય મૂકી તો ચિંતા કર્યે ચાલશે નહીં .. હતું. આ બંને ગીતો ડબલ એમ.એ.‌ થયેલા અને ગોલ્ડ મેડલિસ્ટ પિનાકીન ત્રિવેદીએ ગાયાં હતાં. ટાગોરની બીજી રેકર્ડ નિનુ મઝુમદારની હતી. ટાગોરના જન્મ શતાબ્દી વર્ષે નિનુ મઝુમદાર અનુદિત નૃત્ય નાટિકા ચિત્રાંગદાના પચીસ શો થયા ‌હતા.‌"

ગાંધીજી પણ રવીન્દ્ર સંગીતથી પ્રભાવિત હતા.‌ અમર ભટ્ટે જીબન જોખોન શુકાયે જાય…ના કરેલા સમગેય અંનુવાદ; જીવન જ્યારે સુકાય ત્યારે, કરુણાધારે આવો … સંદર્ભે લખ્યું છે કે, "ગાંધીજીને ટાગોરની આ રચના પ્રિય હતી. કહે છે કે ટાગોર ગાંધીજીને પૂનાની જેલમાં મળવા માટે ખાસ શાંતિનિકેતનથી પૂના ગયેલા. 26 સપ્ટેમ્બર 1932ના દિવસે બંનેનું મિલન થયું. તે જ દિવસે અંગ્રેજ વડા પ્રધાને પૂના સમજૂતીને મંજૂરી આપી છે એવા સમાચાર મળતા ગાંધીજીના ઉપવાસ પૂર્ણ થયા. ત્યાં ગાંધીજીની ઈચ્છાથી ટાગોરે આ રચના મૂળ બંગાળીમાં ગાયેલી. કહે છે કે પછી જ્યારે પણ ઉપવાસ પૂર્ણ થાય ત્યારે આ રચના ગવાય એવો શિરસ્તો થઇ ગયેલો.

ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાના પુસ્તક 'Gandhi the years that changed the world 1914-1948'માં ગાંધી-ટાગોરના આ મિલનની આમ નોંધ છે: ‘…. on the afternoon of the 26th, the poet 'bent with age and covered with a long flowing cloak proceeded step by step very slowly to greet Gandhiji who was lying in bed. Bapuji …. affectionately embraced Tagore, and then began to comb his white beard with his shaking fingers, like a child. … To celebrate, Tagore sang a verse ….. from Gitanjali. Kasturba then offered her husband some orange juice …'

મહાદેવભાઈની ડાયરીમાં પણ આમ નોંધ છે :

'કવિએ જીવન જખન શુકાયે જાયે ગાયું. સુભાગ્યે એ મારી પાસે લખેલું હતું. એનો રાગ એ તો ભૂલી જ ગયા હતા."

આજની પરિસ્થિતિમાં ટાગોરની આ પ્રાર્થના અજબની શાતા આપે છે.

એ જ રીતે‌ 'હે નૂતન, દેખાઓ ફરી વાર જન્મની પ્રથમ શુભ ક્ષણ, તમારા પ્રકાશ થકી દૂર કરો આ આવરણ …! ગીતમાં પણ ભરપૂર સકારાત્મકતા છે.

આ ગીત કદાચ એમણે છેલ્લે લખેલાં ગીતોમાંનું એક છે. એમની 80મી વર્ષગાંઠના આગલે દિવસે એટલે કે 6 મૅ 1941ના દિવસે એમણે આ ગીત લખ્યું હોવાનું મનાય છે. એમાં આવનારા નૂતનને પ્રાર્થના છે, જન્મની પ્રથમ ક્ષણ બતાવવા માટેની. કવિને આખરી ઘડીઓનો અંદેશો આવી ગયો હશે એમ એમણે આ ગીત મહેફિલના અંતે ગવાતા રાગ ભૈરવીમાં જ સ્વરબદ્ધ કર્યું હતું.‌ આ જ ગીતનો અંગ્રેજી સમગેય અનુવાદ ફ્રાન્સેસ્કા કાસિયોએ બહુ સરસ‌ ગાયો છે.

આગુનેર પોરોશમનિ અને આનંદલોકે મંગલાલોકે રવીન્દ્રનાથ ટાગોરની અદ્ભુત-અલૌકિક પ્રાર્થનાઓ છે.‌છેલ્લે, એકલો જાને રે જેવા જ અન્ય એક સકારાત્મક ગીત સાથે લેખ સમાપ્ત કરીએ.‌ એ ગીત છે, તારાં સ્વજન તને જાય મૂકી તો, તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના …! અત્યારના કપરા કાળમાં આપણી આસપાસ ઘણી વ્યક્તિઓની વિદાય આપણે જોઈ છે. અત્યંત દુઃખજનક પરિસ્થિતિમાં ટાગોર આપણને સધિયારો આપે છે કે તારા સ્વજન તને જાય મૂકી તો ચિંતા કરવાથી કંઇ નહીં વળે. આપણે આપણું જીવન જીવવાનું છે, આનંદપૂર્વક જીવવાનું છે. આપણાં સંતાનો માટે, આપણાં માતા-પિતા માટે, મિત્રો માટે જીવવાનું છે. એટલે માર્ગમાં ભલે અંધકાર છવાયો હોય પરંતુ તું અટકી જશે તો નહીં ચાલે. તારે દીવો પ્રગટાવીને આગળ વધવાનું છે તો જ તું સ્વસ્થ જીવન જીવી શકીશ.‌

રવીન્દ્રનાથ ટાગોરની દરેક કવિતામાં ચિંતન છે, દર્શન છે.‌ આજે પણ આ ગીતો એટલાં જ પ્રસ્તુત હોવાથી ટાગોર સદાય અમર રહેશે એ નિ:શંક છે.

*****

તારા સ્વજન તને જાય મૂકી તો, 

તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના
તારી આશાલતા પડશે તૂટી ફૂલ ફળે એ ફાલશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના
માર્ગે તિમિર ઘોર ઘેરાશે એટલે શું તું અટકી જાશે
વારંવારે પેટાવે દીવો ખેર જો દીવો પેટશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના
સૂણી તારા મુખની વાણી વીંટળાશે વનવનનાં પ્રાણી
તો ય પોતાના ઘરમાં તારે પ્હાણનાં હૈયાં ગળશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના
બારણાં સામે બંધ મળે એટલે શું તું પાછો વળે
વારંવારે ઠેલવાં પડે, ખેર જો દ્વારો ખૂલશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના

કવિ : રવીન્દ્રનાથ ટાગોર    •   અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ


***

પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 13 મે 2021

Loading

પ્રાણવાયુ

દુર્ગેશ ઓઝા|Opinion - Short Stories|13 May 2021

કોરોના વાયરસની પરિસ્થિતિમાં ઠેરઠેર જોવા મળે છે કે ઓક્સિજનના મશીન, ઇન્જેક્શન વગેરેનું પ્રમાણ ઓછું .. દરદીઓથી ઊભરાતી હોસ્પિટલ્સ. ભયનો માહોલ .. એ સામે એવું લાગે છે કે માણસ પોતે પણ આ બીમારી માટે જવાબદાર નથી શું? પ્રદૂષણ, વૃક્ષોનો વાળી દેવાતો સોથ, અસ્વચ્છતા વગેરે … જો એ હટે તો રોગ ઘટે / મટે, પર્યાવરણનું જતન માણસજાતના અસ્તિત્વનો એક આધાર છે. એવો સંવાદી સંદેશ મારી આ લઘુકથામાં વણી લેવાનો પ્રયત્ન છે. આશા છે એ આપને ગમશે. 

લઘુકથા

વતનમાં કે બહારગામમાં, સરકારી હોય કે ખાનગી, એકેય દવાખાનામાં ક્યાં ય જગ્યા જ નહોતી. શહેરના અગ્રણી ને ધનવાન એવા મનોજકુમાર કોરોના વાયરસની બીમારીમાં સપડાયા હતા. એ મોં માંગ્યા પૈસા દેવા તૈયાર હતા, પરંતુ એકેય પથારી ખાલી નહીં! દરદીઓનો ધસારો ને તનને ઘસારો. સરકારી દવાખાનાની બહાર ખુલ્લામાં ખાટલાની વધારાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યાં માંડમાંડ મેળ પડ્યો. ઓક્સિજન લેવલ ઘણું નીચું. ફેફસાંમાં કફ વધારે, જેમાં ચેપનું પ્રમાણ સાઈઠ ટકા, જે ચિંતાજનક! ઇન્જેક્શનો ખૂટી પડ્યાં હતાં. ઓક્સિજન પૂરો પાડતા મશીનમાંનું એકેય ફાજલ નહોતું. જો કે તબીબો ભલા ને કુશળ. એમણે થઇ શકે એ સઘળી સારવાર તરત જ શરૂ કરી દીધી.

લીંબુનું શરબત, હળદર, સૂંઠ, આદુ, તાજાં ફળો .. વગેરેનો મારો ચાલુ. અચાનક, થોડી વારમાં જ મનોજકુમારનું ઓક્સિજનનું લેવલ સુધર્યું. એ સ્વસ્થ ને કુટુંબીજનો સ્તબ્ધ! અકલ્પ્ય ..!

બે જ દિવસમાં એ સાજા થઈ ગયા. ત્રીજા દિવસે તો એ સાજાસારા પણ થઇ ગયા. અત્યાર સુધી એણે બહુ પૈસા બનાવ્યા હતા. રસ્તા પહોળા કરવામાં જરૂર ન હોવા છતાં ..! હવે એણે પોતાના મકાનના વિશાળ ફળિયામાં રહેલી લાદીઓ ઉખડાવી માટી નખાવી અને ..! આ ફળિયા ઉપરાંત સમગ્ર શહેરમાં એ …!

પેલા સરકારી દવાખાનાના સંકુલમાં બહાર જે ખુલ્લી જગ્યાએ મનોજકુમારને રાખવામાં આવ્યા હતા, એની ઉપર ઘટાદાર કડવા લીમડાનું ઝાડ હતું, ને બાજુમાં હતો વડલો.

0 0 0 – – – 0 0 0 

(‘ફૂલછાબ’ સમાચારપત્રની તા.૨૧/૦૪/૨૦૨૧ની પંચામૃત પૂર્તિમાં પ્રકાશિત અહીં થોડા ફેરફાર સાથે)

E Mail: durgeshoza@yahoo.co.in

Loading

કટોકટીકાળમાં અગ્રદૂતોનો બોધ …

કિરણ કાપુરે|Opinion - Opinion|13 May 2021

કોરોનાએ અનેક સત્ય સપાટી પર લાવી દીધા છે. સામાન્ય સંજોગોમાં આ સત્ય આંખ સમક્ષ હોવા છતાં કોઈ જોઈ શકતું નથી. જે ચિત્ર માધ્યમો, આગેવાનો દ્વારા અને આસપાસના વિકાસના મોડલથી ઉપસાવવામાં આવે છે અને ત્યાં સુધી જ સૌની દૃષ્ટિ સીમિત થઈ જાય છે. આ સિલસિલો આજકાલનો નથી, અવિરતપણે સમાજમાં તેની ભજવણી થતી રહી છે. અને એટલે પૂર્વે સમાજના અગ્રદૂતો કહી શકાય તેવાંઓએ આ વિશે પોતાના અનુભવો શબ્દબદ્ધ કર્યાં છે. પ્રજા પ્રત્યે બેદરકારી દાખવવાની અને તેમને ખરા સમયે રઝળતી મૂકી દેવાનો ક્રમ અગાઉ પણ ચાલ્યો છે. પણ આ સ્થિતિ ક્યારે અને કેવી રીતે આવે છે તે વિશે તેમણે કરેલાં મંથન, મનનના થોડાં દાખલા જોઈએ; તો તેનાથી ભવિષ્ય અંગે બોધપાઠ જરૂર મેળવી શકાય.

જેમ કે ટૉલ્સટૉય લિખિત એક સુંદર પુસ્તક છે : ‘ત્યારે કરીશું શું?’ ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ નરહરિ પરીખ અને પાંડુરંગ વળામેએ કર્યો છે. નવલકથા હોવા છતાં તેની પ્રસ્તાવનામાં કાકાસાહેબ લખે છે તેમ, “ટૉલ્સટૉયે વર્ણવેલા પ્રસંગો કાલ્પનિક નથી, એણે કરેલી મીમાંસા ‘તાત્ત્વિક’નથી. પુસ્તકની શરૂઆત તો રસ્તા પર ભટકતા ભિખારીઓનાં સુખદુઃખથી થાય છે પણ એનો મુખ્ય વિષય તો આખા મનુષ્યસમાના કલ્યાણનો છે.” આ પુસ્તકમાં એક ઠેકાણે ટૉલ્સટૉય લખે છે તે આજની સ્થિતિનો ચિતાર આપતા હોય તેમ જોઈ શકાય છે. તેઓ લખે છે : “દાક્તરની સ્થિતિ તો એથીયે ખરાબ છે. તે આખી વિદ્યા જ એવી પાખંડ છે કે જે કશું કામ કરતાં ન હોય અ પોતાનું બધું કામ બીજા પાસે કરાવતા હોય તેવાને જ તે સાજા કરી શકે છે. તે શાસ્ત્રીય રીતે કામ કરી શકે તે માટે તેને પાર વિનાનાં ખર્ચાળ સાધનો જોઈએ, ખર્ચાળ દવાઓ જોઈએ, શાસ્ત્રીય અને સ્વચ્છ એવા મોટા ઓરડા જોઈએ, ખર્ચાળ ખોરાક જોઈએ અને ખર્ચાળ સંડાસ જોઈએ. તેની ફી ઉપરાંત આ બધું ખર્ચ ઊઠાવવું જોઈએ. એટલે એક દરદીને તે સાજો કરે તેટલામાં જેમને માથે આ બધા ખર્ચનો બોજો પડે છે તેવા સૌને તો તે ભૂખે મારે. મોટાં મોટાં શહેરોમાં નિષ્ણાતો પાસે અભ્યાસ કરીને તેણે બહુ નામના મેળવેલી હોય છે. ઇસ્પિતાલમાં ખાટલામાં પડી રહેવું જેમને પોસાય એવા જ દરદીઓની તે દવા કરી શકે છે. અથવા સાજા થયા પછી, સાજા રહેવા માટે જરૂરી સાધનો ખરીદ કરી શકે એવા અને છેક ઉત્તરમાંથી દક્ષિણમાં અને દક્ષિણમાંથી ઉત્તરમાં હવાફેર માટે જઈ શકે એવા હોય તથા અમુક પાણીવાળાં સ્થળોએ રહેવા જઈ શકે એવાં હોય, તેવાઓની જ તે દવા કરી શકે છે.”

ટૉલ્સટૉયની તમામ વાતથી વાચક સહમત ન થાય, પણ આજની આપણી સ્થિતિનું કંઈક અંશે થયેલું નિરૂપણ તેમના આ લખાણમાં જોવા મળે છે. આ પુસ્તકમાં માનવજીવનની કડવી વાસ્તવિકતાની રજૂઆત છે અને એટલે જ કાકાસાહેબે પુસ્તક વિશે લખ્યું છે : “એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગ્રત કરે છે, અસ્વસ્થ કરે છે. ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી એશઆરામ અને મોજમજાનાં દૂધમાં પશ્ચાતાપનો ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન કાંઈક સુધારીએ ત્યારે જ એ મનોવ્યથા ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી મારીએ તો તો સવાલ જ નથી.”

માણસાઈને ગૂંગળાવી મારનારાં આપણા આગેવાનો છે અને અત્યારે આવેલી સ્થિતિ તેમની બેદરકારીને આભારી છે. ટૉલ્સટૉયે જેમ બજાર દ્વારા ઊભી થયેલી આપણી સ્થિતિને આલેખી છે, તેવી જ રીતે એરિક ફ્રોમે ‘શાણો સમાજ’ પુસ્તકમાં સત્તાવાદી મૂર્તિપૂજા નામના પ્રકરણમાં આગેવાનો વિશે લખ્યું છે. એરિક ફ્રોમનું આ પુસ્તક કાંતિ શાહ દ્વારા અનુવાદિત થયું છે. અહીં એરિક લખે છે : “ફાસીવાદ, નાઝીવાદ અને સ્ટાલિનવાદમાં સામ્ય એ છે કે તેઓએ વામણા ને વિચ્છિન્ન થઈ ગયેલ માણને એક નવો આશરો ને સહીસલામતી બક્ષ્યાં. આ સમાજવ્યવસ્થાઓમાં માનવીનું પરાયાપણું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વ્યક્તિને એવો અનુભવ કરાવાઈ રહ્યો છે કે તે શક્તિહીન અને તુચ્છ છે, પણ સાથે તેને એવું શીખવવામાં છે કે તેની બધી જ માનવીય શક્તિઓનું નેતામાં, રાજ્યમાં, પિતૃભૂમિતામાં આરોપણ કરવાનું. અ પોતે તેમને શરણે જવાનું છે તેમ જ તેમની પૂજા કરવાની છે. તે પોતાની સ્વતંત્રતાથી ભાગી છૂટે છે, અને એક નવી મૂર્તિપૂજાનું શરણું સ્વીકારે છે. … આ નવી વ્યવસ્થાઓનું ચણતર એમના કાર્યક્રમો તેમ જ એમના નેતાઓ વિશેના અત્યંત ખુલ્લંખુલ્લાં જુઠ્ઠાણાઓ પર થયું છે. એમના કાર્યક્રમોમાં તેઓએ કો’ક પ્રકારનો સમાજવાદ સિદ્ધ કરવાનો દાવો કર્યો છે, જ્યારે વ્યવહારમાં તેમણે જે કાંઈ કર્યુ તે આ શબ્દના અર્થથી વિરુદ્ધનું હતું. એમના નેતાઓનાં વ્યક્તિત્વો પણ અત્યંત છેતરામણાં હતાં.”

એરિક ફ્રોમની આ વાતનો ઉદ્દેશ આપણા દેશના સંદર્ભમાં સમજીએ તો જાણી શકાય કે કોરોનાનું જોર જ્યારે ઓછું થયું ત્યારે તેનો શ્રેય સરકારના નુમાંઈદગી કરનારાઓએ લીધો અને આજે કોરોના વકર્યો છે ત્યારે તેઓ પોતાની સત્તા વધુ વિસ્તરે તે માટે પ્રચાર કરી રહ્યા છે. વિદેશ ચિંતકોની જેમ આપણી ભાષાના સાહિત્યમાં આવા બોધ સાંપડે છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’નું સૉક્રેટીસથી માર્ક્સ નામના પુસ્તકમાં ‘ઈશુ અને તેનો ધર્મ’ નામના પ્રકરણમાં લખે છે : “સમગ્ર રાજનીતિના કેન્દ્રમાં પ્રશ્ન એ છે કે રાજ્ય અનિવાર્ય છે, રાજ્યને દંડશક્તિ આપવી અનિવાર્ય છે. પણ તેને દંડશક્તિ કેટલી આપવી? તેના પર કેમ અંકુશ રાખવો? સત્તા એવો નશો ચડાવે છે કે, સત્તા મેળવનારા વધારે ને વધારે સત્તા પ્રાપ્ત કરવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે અને બીજું, તેમને પોતાનાં કૃત્યોનો જવાબ આપવાનું પસંદ નથી.”

આ પુસ્તકમાં જ આગળ ‘રાષ્ટ્રવાદ : દુનિયાનું દોજખ’ નામના પ્રકરણમાં મનુભાઈ પંચોળી લખે છે : “આ દુનિયામાં કોઈ પણ નિમિત્તે કે જરૂરિયાતોના સંદર્ભમાં લોકપ્રિય નેતાઓ-સરમુખત્યારોનાં પ્રજાએ અંધઅનુયાયી થવું અને તેમને સર્વસત્તા સમર્પિત કરવી તે આત્મઘાતક છે. સત્તા હંમેશાં નશો ચડાવે છે અને લૉર્ડ ઍક્ટને ધ્યાન દોર્યું છે તેમ નિરંકુશ સત્તા નિરકુંશ નશો ચડાવે છે અને પછી મનુષ્ય સર્વ ભાન ભૂલી જાય છે. જર્મનો પણ માણસ જ હતા. તેમને સંતાનો-પરિવાર હતાં છતે તેમની અંધ દેશભક્તિના ખ્યાલે નેતાઓના પ્રભાવ સાવ જડ પશુથી પણ હીણાં બનાવ્યાં. એટલે માનવજાતે કોઈ પણ અંધભક્તિ કરવી ન જોઈએ અને હંમેશાં વિવેકનો દીવો પ્રજ્વલિત રાખવો ઘટે.”

કોરોના અગાઉ આવી કટોકટીની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જો કે નાની નાની અનેક ઘટનાઓ કટોકટીના એલાર્મરૂપી તો દેશમાં બનતી જ હતી, પરંતુ તેનો બોધપાઠ ન લેવાયો અને આજે દેશ સ્વાસ્થની કટોકટીમાં આવી ચૂક્યો છે. રોજેરોજ કોરોનાનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. મૃત્યુઆંક વધી રહ્યો છે. તેમ છતાં તેનાં અનુભવને ગાંઠે બાંધીને નિર્ણય લેવાઈ રહ્યા નથી. બંગાળમાં ગત્ મહિનામાં જે ચૂંટણી પ્રચાર થયો તે તેનું ઉદાહરણ છે. અગાઉ રાજ્યમાં પણ એ જ રાહે ચૂંટણી થઈ પછી ક્રિકેટ જલસો થયો.

હવે આ સ્થિતિ કેમ આવી તે વિશે એરિક ફ્રોમ ‘શાણો સમાજ’ પુસ્તકમાં ‘સમજશક્તિ, અંતરાત્મા અને ધર્મ’ નામના પ્રકરણમાં લખે છે : “આજે માણસની બુદ્ધિનો ઘણો વિકાસ થયો છે, પણ તેની સમજશક્તિ ઘણી ઘટી છે. વાસ્તવિક પરિસ્થિતિને એ જેમની તેમ સ્વીકારી લે છે. એ તેને ખાવા માગે છે, તેનો ઉપભોગ કરવા માગે છે, તેને સ્પર્શવા માગે છે, તેને અનુકૂળ બનાવીને પોતાના માટે તેનો ઉપયોગ કરવા માગે છે, પરંતુ એ પૂછતોયે નથી કે તેની પછવાડે શું છે, આજે તે જેવી છે, તેવી શા માટે છે, અને બધું ક્યાં જઈ રહ્યું છે. ગમારપણાનો અર્થ આપણે જો સમજશક્તિપણાનો અભાવ કરતા હોઈએ, તો તે આજે પહેલાં કરતાં વધ્યું છે. આજે લગભગ દરેક માણસ ગીતા કે કુરાનની જેમ છાપું વાંચે છે, તેમ છતાં રાજકીય બનાવી સમજણનો આજે અભાવ છે. આજે આપણને એવા શસ્ત્રાસ્ત્રો બનાવી આપે છે, જેના પર આપણી સમજશક્તિ અંકુશ રાખી શકતી નથી. આપણને ‘શું છે’ તેની ખબર છે, પણ ‘શા માટે’ છે તેની ખબર નથી.”

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...2,0742,0752,0762,077...2,0802,0902,100...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved