Opinion Magazine
Number of visits: 9843025
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

સોનલ પરીખ|Gandhiana, Profile|5 September 2025

બાલવાડીઓ, શાળાઓ, છાત્રાલયો, કૂવા, ખેતી, આડબંધો, ગ્રામસેવા – બે બે પછાત વિસ્તારોને બેઠા કરવાનું ભગીરથ કામ કરનાર ભીખુભાઈ વ્યાસ અને કોકિલાબહેન વ્યાસનું જીવન એટલે સતત પ્રજ્વલિત કર્મયજ્ઞ. 

‘સ્વતંત્રતા તો મળશે, પણ સ્વતંત્રતાને ધારણ કરી શકે એવાં નાગરિકો કયાંથી કાઢીશું?’ ગાંધીજીના આ શબ્દો સાંભળી ગામડાઓમાં શિક્ષણ અને જાગૃતિની જ્યોત જલાવનાર ગાંધીજનોની એક આખી સેના તૈયાર થઈ હતી. આ લોકોને સ્વતંત્ર ભારતના સેનાનીઓ કહી શકાય. આવા એક સેનાની છે કોકિલાબહેન વ્યાસ. સંખ્યા અને વ્યાપમાં ખૂબ મોટાં કામો એમને નામે બોલે છે. 

એમનો જન્મ 1939માં સુરતના વાલોડ ગામે. બાળપણ, કિશોરાવસ્થા અને યુવાનીનાં વર્ષો ગાંધીપ્રવૃત્તિઓમાં મગ્ન લોકો વચ્ચે વીત્યાં. શિક્ષિકા બનવું, પ્રકૃતિના સાંનિધ્યમાં જીવવું અને સેવા કરવી આ ત્રણ સ્વપ્નો સાથે તેમને સુરત કોલેજમાં જવું હતું. પિતા રજા ન આપે. ભાઈના પ્રયત્નો અને કોકિલાબહેનના સત્યાગ્રહને પરિણામે રજા મળી. ખાદીની સાડી પહેરી કોલેજ કરી. એમ.એ., બી.એડ. થઈ વાલોડની શાળામાં શિક્ષક તરીકે જોડાનાર તેઓ પ્રથમ સ્ત્રી હતાં. 

લગ્ન થયાં; પણ ન ફાવ્યું, ન ગોઠ્યું. સમાજ માટે થઈને બધું સહન કરીને જીવ્યા કરવું એવું કોકિલાબહેનની પ્રકૃતિમાં નહીં. પતિપત્ની સમજપૂર્વક છૂટાં પડ્યાં પણ આખી ઘટનાનો કોકીબહેનને ખૂબ આઘાત લાગ્યો. એવામાં ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વાંચી અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ને પત્ર લખ્યો, ‘મારે સ્વસ્થ થવું છે, શું કરું?’ જવાબ મળ્યો, ‘બેટા, લોકભારતી આવી જાઓ.’ એક પુસ્તકના પ્રભાવે જિંદગી બદલાઈ જાય એવાં કેટલાંક દૃષ્ટાંતોમાંનું એક કોકિલાબહેનનું છે. કોકિલાબહેનના જીવન પર ત્રણ વ્યક્તિઓનો ખૂબ પ્રભાવ છે. એક તો એમના પિતા, બીજા મનુદાદા અને ત્રીજા કોકિલાબહેન જેમને ‘બીજા ગાંધી’ કહે છે તે જુગતરામકાકા. 

લોકભારતીનો એ સુવર્ણકાળ. પ્રેમ, સંસ્કાર, સાહિત્ય, સંગીત, ઉત્સવોથી ધબકતા વાતાવરણમાં કોકિલાબહેને બે વર્ષ (1963-64) ભણાવ્યું. ત્યાર પછી બોરખડીના અધ્યાપન મંદિરમાં આચાર્યા તરીકે જોડાયાં અને 30 વર્ષ સુધી એ પદ શોભાવ્યું. વિદ્યાર્થિનીઓને કહેતાં, ‘ઉત્તમ મા બનો, ઉત્તમ શિક્ષક બનો. વાર્તા, ગીતો, રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવો.’ છોકરીઓ એવી તૈયાર થાય કે જ્યાં કામ કરે ત્યાં નામ કાઢે. પછીના વર્ષે ઉત્તર બુનિયાદી વિદ્યાલય શરૂ થયું, ધીરે ધીરે એ જ કેમ્પસમાં માધ્યમિક શાળા અને આશ્રમશાળા બન્યાં. આ બધાંની જવાબદારી સંભાળી. 

દરમિયાન આખા જિલ્લામાં સેવાકાર્યો કરતા ભીખુભાઈ વ્યાસ સાથે પરિચય થયો અને બંને જોડાયાં. ગરીબ, પછાત આદિવાસી વિસ્તારને બેઠો કરવા પતિપત્ની કામે લાગ્યાં. સ્વીડન અને ઓસ્ટ્રેલિયાના મિત્રોએ ધન પૂરું પાડ્યું. કોકિલાબહેનનાં સૂઝ-સમજ અને શ્રમ, ભીખુભાઈનું વ્યક્તિત્વ અને સંપર્કો અને સ્વીડનની નાણાંકીય મદદ – આમ ત્રેવડી શક્તિથી મોટાં કામો ઉપડ્યાં અને પાર પડ્યાં.

ત્યારે સુરતની શુગર ફેક્ટરીઓમાં કામ કરવા ધરમપુરના ડુંગરાઓમાંથી હજારો મજૂરો આવે અને અસ્થાયી અવ્યવસ્થિત અગવડભર્યા ગંદા પડાવોમાં રહે. માબાપ મજૂરીએ જાય, રોગિષ્ટ-કુપોષિત બાળકો રખડ્યા કરે. સ્વીડનના મિત્રોની પ્રેરણાથી કોકીબહેન થોડી વિદ્યાર્થિનીઓને લઈને ઉપડ્યાં કેમ્પોમાં. કેમ્પો સાફ કર્યાં, બહેનોને બાળઉછેર શીખવ્યો, આરોગ્ય સેવા પહોંચતી કરી. ધીરે ધીરે 65 બાલવાડીઓ ઊભી થઈ. પૌષ્ટિક નાસ્તા, રમતો-ગીતો, વાર્તાઓ. આમ પાંચેક હજાર બાળકો સચવાવા લાગ્યા. મજૂરીનો દર વધારાવ્યો હતો એટલે માબાપો પણ ખુશ હતાં. માલિકો આવીને ધમકાવે, ‘બધું બંધ કરો ને જતા રહો.’ બહેનો ગભરાય નહીં. છેવટે કમિશનર વચ્ચે પડ્યા, ‘સરકારી ભૂમિ પર ચાલતા શિક્ષણને તમે બંધ ન કરાવી શકો.’ 

પણ ખરું કામ તો આ લોકોના વિસ્થાપનને અટકાવવાનું હતું. અને કોકીબહેન ધરમપુર ગયાં. ધરમપુર ડુંગરાળ જંગલવિસ્તાર. ન પાણી, ન વીજળી, ન ખેતી, ન ડૉક્ટર, ન દુકાન. બેત્રણ ધોરણ સુધી ભણાવતી શાળાઓ બંધ પડી હોય. જંગલપેદાશો, હલકાં ધાન્ય, નાનાં પ્રાણીઓના શિકાર અને વાપીવલસાડ જઈ જે મજૂરી મળે એ પર નભતાં 180 ગામડાંના 3 લાખ લોકો. 

આમાં કામ કેવી રીતે કરવું? હિંમત ભેગી કરી કોકીબહેને અધ્યાપન મંદિરની બહેનોને લઈને કામ શરૂ કર્યું, ધીરે ધીરે વધારતાં ગયાં. ઓટલાશાળાઓ, બાલવાડીઓ, રાત્રિશાળાઓ શરૂ કરી. પાણીની ભયંકર મુશ્કેલી જોઈ કૂવા ખોદાવવા માંડ્યા. મજૂરી ગામલોકો કરે, આ લોકો ઈંટ, રેતી અને સિમેન્ટ આપે. એમ કરતાં 150 કૂવા ગળાવ્યા. પ્રશ્ન ખેતીનો પણ હતો. આ વિસ્તારમાં વરસાદ ઘણો. પાંચેક નદીઓ પણ ખરી, પણ પાણી બધું વહી જાય. જમીનો ધોવાઈ જાય. રાજસ્થાનથી જાણકારો લાવી ધોવાણ અટકાવવા ઘણા બધા પાળા બાંધ્યા, પાણીના સંગ્રહ માટે ચારસો આડબંધ કર્યા, ખેતી માટે પાંચથી છ હજાર પાડા લાવ્યાં. આજે અહીં ખૂબ ચોખા અને શાકભાજી પાકે છે. ત્યારે આપેલી આંબાની દોઢેક લાખ કલમો આજે આંબાવાડિયાંઓ બની ઉત્તમ કેરીઓ આપે છે.

શિક્ષણનું કામ પણ ચાલતું જ હતું. ખૂબ દોડધામ કરી કોકીબહેને શાળા માટે માન્યતા મેળવી. પૈસા ઊભા કર્યા. જમીન અને મજૂરી ગામનાં. આમ મકાનો બંધાયાં અને છ પ્રાથમિક અને બે માધ્યમિક શાળા ઊભી થઈ. ધરમપુરના રાજચંદ્ર આશ્રમે છાત્રાલય કર્યું, સ્કૂલ દત્તક લીધી. એમને માટે અગિયાર-બાર સાયન્સ અને પછી સાયન્સ કોલેજ કરી. છોકરાઓ બીજે પણ ભણવા ગયા. ઓનલાઈન ફોર્મ ભરવાના હોય, ફી આપવાની હોય, એડમિશન મળે ત્યાં મૂકવાના હોય કે પછી ગામમાં પાણીની મોટરો મુકાવવાની હોય કે સાધનો જોઈતાં હોય – કોકીબહેનની ટીમ હાજર. પણ એમની એક પદ્ધતિ હતી – અડધું પોતે કરે, અડધાની જવાબદારી ગામ પર મૂકે. ગામલોકો પણ પાછા ન પડે. પ્રામાણિક્તાથી પોતાના હિસ્સાની રકમ કે શ્રમ આપે જ. આરોગ્ય સેવા કરી. અનેક હોદ્દાઓ સંભાળ્યા. કડક હાથે અને સાચી રીતે કામ કર્યું અને કરાવ્યું. આ બધું કરતાં પિયર અને સાસરાના કુટુંબની જવાબદારી પણ નિભાવી. 

છેલ્લું કામ થયું 11-12ની બહેનો માટે છાત્રાલયનું. નાજુક ઉંમરની છોકરીઓને સાચવવી મુશ્કેલ, પણ એ વિસ્તારમાં છોકરીઓનું છાત્રાલય નહીં એટલે દસમા પછી દીકરીઓને માબાપ પરણાવી જ દેતા. 2006માં કરેલું આ છાત્રાલય વાડ કે દીવાલો વગર અને કોઈ પ્રશ્નો વગર આજે પણ ચાલે છે. 

87માં વર્ષે પણ કોકીબહેન સેવાક્ષેત્રે સક્રિય, પ્રસન્ન, રસોઈ-વાંચન-સંગીત-ફૂલોનાં શોખીન, મિત્રો બનાવવામાં નિપુણ, વહાલ વરસાવવામાં ઉદાર, જીવનના અઠંગ પ્રેમી અને પ્રેરણાના અખૂટ સ્રોત સમાં છે. ‘ભગવાને સારા કામમાં અમને નિમિત્ત બનાવ્યાં, તેનો સંતોષ છે.’ કહેતાં કોકીબહેન સેવા કરવા ઇચ્છનારને સલાહ આપે છે, ‘મિશનરી સ્પિરિટ, જે કરવા માગો તેનું જ્ઞાન, દિશા પકડવાની આવડત અને ખૂંપી જવાની તૈયારી – આ બધું હોય તો જ આ ક્ષેત્રમાં પડજો.’ 

સ્વતંત્ર થયેલા દેશને આવા ઘણાં ભીખુભાઈ-કોકીબહેનની જરૂર છે. જરા પગ ઉપાડીશું? 

e.mail : sonalparikh1000@gmail.com

Loading

સુપ્રીમને છે એટલી ચિંતા પણ સરકારને નથી …..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 September 2025

રવીન્દ્ર પારેખ

શિક્ષણને મામલે ગુજરાત સરકારે સર્વનાશ વહોરી લીધો હોય એવી સ્થિતિ છે.

એવામાં યોગાનુયોગ આજે શિક્ષક દિન આવ્યો છે, તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ … ગાવાનું મન થાય, પણ એ ગમે એટલા ભાવથી ગાઈએ તો પણ મજાક કરતાં હોઈએ એવું લાગે. દિન વધુ ‘દીન’ લાગે એ દશા આપણે શિક્ષકોની કરી છે.

નવી શિક્ષણ નીતિને નામે રોજ શિક્ષણ વિભાગને તઘલખી વિચારો આવે છે ને તેના અમલના તે તરત જ આદેશો આપે છે. તઘલખને સારો કહેવડાવે એવો એક નિર્ણય એ આવ્યો કે ધોરણ ૩થી 8માં એકમ કસોટી રદ્દ કરીને, 18 ઓગસ્ટથી ત્રિમાસિક કસોટી ફરજિયાત કરવામાં આવી અને ગમ્મત જુઓ કે ૩થી 8માંથી કાઢી નંખાયેલી એકમ કસોટી, ધોરણ 9થી 12માં ફરજિયાત કરવામાં આવી. આમાં લાંબો વિચાર કરવાનો નથી, એટલે તેનો અમલ પણ 11 સપ્ટેમ્બરથી જ કરવાની જાહેરાત 4 સપ્ટેમ્બરના સમાચારમાં કરવામાં આવી છે. આ એકમ કસોટીમાં એકવાક્યતા પણ નથી. એકમ કસોટીના માર્ક્સ માત્ર 9 અને 11 ધોરણની વાર્ષિક પરીક્ષામાં જ ધ્યાને લેવાશે. ટૂંકમાં, બોર્ડની પરીક્ષાઓને તેની સાથે કોઈ લેવાદેવા નથી. એકમ કસોટીના માર્ક્સ બોર્ડની પરીક્ષાઓમાં ધ્યાને લેવાના જ ન હોય, તો એ ધોરણોમાં એકમ કસોટી લેવાથી કયો હેતુ સરશે? બને કે જેમ 3થી 8માંથી ગઈ તેમ એકમ કસોટી 9થી 12માંથી પણ જાય. જરૂર તો એક પરિપત્રની જ છે ને ! એ તો કોઈ પણ તઘલખ ગમે ત્યારે બહાર પાડી શકે એમ છે. એક તરફ ભણાવવા માટે સ્કૂલોનાં, વર્ગોનાં, શિક્ષકોનાં ઠેકાણાં નથી ને છાશવારે પરીક્ષાઓ લેવાતી રહે છે. પરીક્ષા એ જ શિક્ષણ – એવું સૂત્ર હવે પ્રચલિત થયું છે.

40,000થી વધુ શિક્ષકોની કાયમી ભરતી 2017થી અટવાયા જ કરે છે ને કામચલાઉ શિક્ષકોથી ફિક્સ પગારે કામ લેવાય છે. આ હાલત સુધરતી નથી. શિક્ષકોનો દુકાળ સ્કૂલોમાં જ છે એવું નથી. યુનિવર્સિટીઓમાં પણ અધ્યાપકોની ભરતી થતી નથી, એટલે થોડી જગ્યાઓ માટે જાહેરાત આવે છે, તો હજારોની સંખ્યામાં અરજીઓ ખડકાય છે. કાલના જ સમાચાર છે કે વીર નર્મદ યુનિવર્સિટીમાં અધ્યાપકોની 75 જગ્યાઓ માટે 2,000થી વધુ અરજીઓ આવી છે. 2016થી જ નર્મદ યુનિવર્સિટીમાં ભરતી થઇ નથી, ત્યાં 75 જગ્યાઓ ભરવાનું યુનિવર્સિટીને યાદ આવ્યું એ પણ કંઇ નાનીસૂની વાત નથી. અધ્યાપકોની દરિદ્રતા તો જગજાહેર છે, પણ અધ્યાપકોની ભરતીમાં પણ દરિદ્રતા દાખવવાનું સરકાર ચૂકતી નથી. આ મામલે સરકાર એટલી રીઢી થઈ ચૂકી છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ખરાબ રીતે ઝાટકણી કાઢી છે. એથી સરકારને કેટલો ફેર પડશે, એ તો સરકાર જાણે, પણ સુપ્રીમ કોર્ટે અધ્યાપકોની ભરતી અને પગાર બાબતે ચિંતા કરવી પડે એવી સ્થિતિ તો ગુજરાત સરકારે ઊભી કરી જ છે.

હાઈકોર્ટે, સમાન કામ, સમાન વેતનને અનુલક્ષીને સમાન પગારનો નિર્દેશ આપતા, ગુજરાત સરકાર અપીલમાં ગઈ હતી, પણ સુપ્રીમે એ અપીલ ફગાવી દઈને સરકારની રીતિ-નીતિની ઝાટકણી કાઢી હતી. શિક્ષણને મામલે ગુજરાતમાં જે લાલિયાવાડી ચાલે છે, એથી સુપ્રીમે આંચકો અનુભવ્યો હતો. આમ તો આખા દેશમાં શિક્ષકોની સ્થિતિ ઠીક નથી, પણ ગુજરાતમાં તો બદથી બદતર છે. સુપ્રીમે ભારે નારાજગી સાથે જણાવ્યું કે શિક્ષકને સન્માનનીય વેતન ન મળતું હોય તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર … ગાવાનો કોઈ અર્થ નથી. ગુજરાતનાં શિક્ષણ વિષેની કેટલીક વાતો સુપ્રીમને કદાચ પહેલી વખત જાણવા મળી હોય તો નવાઈ નહીં !

જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે શિક્ષકો આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય નિર્માણ કરે છે. એવા શિક્ષકો સાથે આવો વ્યવહાર અક્ષમ્ય છે. કોઈ પણ દેશ માટે તેના શિક્ષકો શરીરની કરોડરજ્જુ સમાન છે. શિક્ષકો જ વિચારો અને નૈતિક મૂલ્યો દ્વારા ભવિષ્યનો દિશા નિર્દેશ કરે છે. એ ગંભીર ચિંતાનો વિષય છે કે શિક્ષકોનાં યોગદાનને પરખવામાં આવતું નથી કે તેની કદર કરવામાં આવતી નથી. શિક્ષકોને નોંધપાત્ર વેતન ન મળે તો જ્ઞાન કે બૌદ્ધિક સફળતાને પણ સાચું સ્થાન નહીં મળે. વધારે ઉલ્લેખનીય ને ચિંત્ય બાબત તો એ છે કે હાઇકોર્ટે તેના ચુકાદામાં સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતનું પાલન કરવાનો સ્પષ્ટ નિર્દેશ રાજ્ય સરકારને આપ્યો જ હતો, પણ તેની સામે અપીલમાં જવાનું સરકારને યોગ્ય લાગ્યું. એ કેવી રીતે શક્ય છે કે સમાન કાર્ય, સમાન વેતનના સિદ્ધાંતની વિરુદ્ધ સુપ્રીમ ચુકાદો આપે?

સુપ્રીમે રાજ્ય સરકારને સમાન કામ, સમાન વેતનને અનુરૂપ નિર્ણય આપીને, તેની મનસ્વી રીતિ-નીતિ સંદર્ભે પુનર્વિચારણાની ફરજ પાડી છે. સુપ્રીમે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે શિક્ષકો સાથેના આ પ્રકારના ખરાબ વર્તન અને અન્યાયને કારણે દેશની વિદ્વત્તા પર ભારે અસર પડે છે. સુપ્રીમે રીતસરનો બળાપો ઠાલવતાં કહ્યું છે કે સમાનતાના દાવાઓ અને ખુલાસાઓ વચ્ચે એ વાત ભારે દુ:ખ પહોંચાડે છે કે કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરને માંડ ૩૦,૦૦૦નું જ વેતન મળે છે ને રેગ્યુલર હોય તે પ્રોફેસરોને સવાથી દોઢ લાખ જેટલો પગાર ચૂકવાય છે. એ કેવળ શોષણ છે કે કરાર આધારિત શિક્ષક કે અધ્યાપક કામ તો કાયમી જેટલું જ કરે છે, પણ તેમને કાયમી કરતાં હજારો રૂપિયા ઓછો પગાર અપાય છે, જે સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતની ઠેકડી ઉડાવવા બરાબર છે. કરાર આધારિત પ્રોફેસરોને ચૂકવાતા પગાર સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં એ ચિંતા પણ સુપ્રીમે કરી કે આટલા ઓછા પગારમાં એ પ્રોફેસર પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવતો હશે? સુપ્રીમે એ અફસોસ પણ વ્યક્ત કર્યો કે કરાર આધારિત પ્રોફેસરોને બે દાયકાથી આટલો ઓછો પગાર ચૂકવાય છે.

આ જ સ્થિતિ કરાર આધારિત શિક્ષકોની પણ છે. કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકોને તો કરાર આધારિત પ્રોફેસરો કરતાં પણ ઓછો પગાર ચૂકવાય છે. એ શિક્ષકો કેવી રીતે ઘર ચલાવતા હશે એ પણ પ્રશ્ન જ છે. લાગે છે એવું કે કરાર આધારિત શિક્ષકો કે અધ્યાપકો રાખીને સરકાર એટલે કારભાર ચલાવે છે કે ઓછા પગારમાં કામ થાય અને કાયમીનો પગાર બચાવાય. શિક્ષકોની કાયમી ધોરણે ભરતી ખાસ થતી નથી, એમ જ અધ્યાપકોની પણ નિમણૂકો ટાળીને કરાર આધારિત અધ્યાપકોથી કામ કઢાય છે. એવું નથી કે શિક્ષકો, અધ્યાપકો મળતા નથી, પણ તેમની ભરતીમાં થતી કરકસર દ્વારા જગ્યાઓ ભરાય જ નહીં તેની કાળજી રખાય છે. કરાર આધારિત શિક્ષકો, અધ્યાપકો મળી રહેતા હોય તો કાયમી જગ્યા માટે ન મળે એવું બને, ખરું? સુપ્રીમે એ મુદ્દે પણ ટકોર કરી કે 2,72૦ ખાલી જગ્યામાંથી ફક્ત 923 પોસ્ટ પર જ કાયમી ભરતી થઈ છે. 158 એડહોક અને 902 કરાર આધારિત ભરતી આસિસ્ટન્ટ પ્રોફેસરોની થઈ છે, જ્યારે 737 જગ્યાઓ હજી પણ ભરવાની બાકી જ છે.

શિક્ષકો, અધ્યાપકોની ભરતી ન કરવાથી જ અસરકારક શિક્ષણ આપી શકાય, એવું સરકારને કઈ રીતે લાગે છે, તે સમજાતું નથી. એકાદ ખાલી પડેલી વિધાયક કે સાંસદની જગ્યા માટે પેટા ચૂંટણી યોજવાનું ચુકાતું નથી, તો હજારો ખાલી જગ્યાઓ રાખીને શિક્ષણની અવદશા નોતરવાનો અર્થ જ એ છે કે સરકારને શિક્ષિતોની જરૂર નથી. શિક્ષિત હશે તો વિચારશે, વાંધા પાડશે ને એકહથ્થુ શાસનમાં તડ પડશે, એટલે નાછૂટકે કામચલાઉથી સરકાર કામ કાઢે છે. સુપ્રીમની વાતો પરથી એવું લાગે છે કે આ કામચલાઉ શિક્ષકો, અધ્યાપકોની યોજના ગુજરાતમાં જ છે. સુપ્રીમની ઘણી પ્રતિક્રિયાઓ એમાંથી આવી છે કે કરાર આધારિત અધ્યાપકોને આટલો ઓછો પગાર મળે છે.

સીધો સવાલ તો એ છે કે એકસરખું કામ કરતી બે સમકક્ષ વ્યક્તિને પગાર સરખો કેમ નહીં? કોઈ વિધાયક, કોઈ સાંસદ, કોઈ મંત્રી ઓછો પગાર નથી લેતો, તો શિક્ષક કે અધ્યાપકને કરાર આધારિત રાખીને, ઓછો પગાર ચૂકવવામાં સરકાર કઈ દેશસેવા કરી રહી છે? ગુરુને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશની સાથે રાખીને પ્રાર્થના કરતાં હોઈએ, તો ઓછા પગાર દ્વારા શિક્ષકો, અધ્યાપકોનું શોષણ કરીને, આપણે કયું સન્માન કરીએ છીએ તે કોઈ કહેશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 સપ્ટેમ્બર 2025

Loading

‘ઓલ ઇન્ડિયા રેડિયો’ની અતીતમાં નજર

રાજેશ ઘોઘારી|Opinion - Opinion|4 September 2025

આજે મિત્રોના અતિ આગ્રહવશ થઈ અમદાવાદની દર રવિવારે ભરાતી ગુજરીમાં જવાનું થયું. એક જમાનામાં ગુજરીની જે રોનક અને દબદબો હતો તે લુપ્ત થઈ ગયો હોય તેવું લાગ્યું. આઠ દસ વર્ષ પહેલાં જૂનાં પુસ્તકો અને સામયિકોના અસંખ્ય વિક્ર્રેતા આવતા હતા, તેમાંના મોટા ભાગનાએ સામયિકોના પ્રકાશન બંધ થવાથી વ્યવસાય છોડી દીધો હતો. ફક્ત ત્રણ વેપારીઓ જ બજારમાં હતા અને જૂનાં પુસ્તકો રાખતા હતા.

 હું પુસ્તકોને ઉથલાવતો હતો ત્યાં અચાનક એક પુસ્તક હાથમાં આવ્યું. નામ હતું : ‘હિસ્ટરી ઑવ રેડિયો બ્રોડકાસ્ટિંગ ઇન ઇંડિયા’. પણ વિશેષ આશ્ચર્ય એ થયું કે તેના ઉપર અત્યંત મરોડદાર અક્ષરોમાં એક નામ હતું ‘દ્રિજેન મહેતા’. સ્મૃતિએ આળસ મરડી અને મને યાદ આવ્યું કે ભાવનગરની બી.એમ. કોમર્સ હાઈ સ્કૂલમાં પણ દ્રિજેન મહેતા નામના એક શિક્ષક હતા. શુદ્ધ ભાષા, ઉચ્ચારો સ્પષ્ટ, શબ્દોના એક સરખા અરોહ-અવરોહ. એક કે બે વર્ષમાં દ્રિજેનભાઈએ શિક્ષક તરીકેની નોકરી છોડી દીધી હતી અને આકાશવાણીના અમદાવાદ કેંદ્રમાં ઉદ્દઘોષક તરીકે જોડાયેલા. પુસ્તક પરના નામે મારામાં સંચાર કરી દીધો કે રેડિયો પ્રસારણ કઈ રીતે થતું હશે? એક સમય હતો કે જ્યારે રેડિયો દેશના કરોડો લોકોના દિલની ધડકન હતો!

આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાં મહાત્મા ગાંધી ફાટી નીકળેલા કોમી તોફાનોથી ગ્રસ્ત હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારમાં જવા માગતા હતા, પરંતુ કોઇ સંજોગોવસાત નિરાશ્રિતોની શિબિરની મુલાકાતે તેઓ જઇ ના શક્યા. તે પછી કોમી હુતાશની ઠારવા તેમણે રેડિયો દ્વારા તેમનો શાંતિ સંદેશ મોકલવા હા પાડી હતી, તા. ૧૨મી નવેમ્બર ૧૯૪૭ના રોજ  ‘ઓલ ઇન્ડિયા રેડિયો’એ ગાંધીજીનો પહેલો અને છેલ્લો લાઇવ મેસેજ બ્રોડકાસ્ટ કર્યો હતો.

ગાંધીજી એક જ વાર રેડિયો પર આવ્યા હતા અને તે દિવસની યાદમાં તા.૧૨મી નવેમ્બરને ‘પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટ ડે’ તરીકે ઊજવવામાં આવે છે. તે ‘જન પ્રસારણ દિન’ તરીકે પણ ઓળખાય છે. એ વખતે ગાંધીજી નહોતા તો વડા પ્રધાન કે નહોતા રાષ્ટ્રપતિ. પરંતુ તેઓ એક સામાન્ય નાગરિકની જેમ આકાશવાણીના સ્ટુડિયોમાં જઇ બોલ્યા હતા.

સમય જલદી બદલાઇ રહ્યો છે.

આઝાદી પછીનું ભારત હવે ૮૦ વર્ષની વયને વટાવી ગયું છે. વર્ષો પહેલાં ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ દેશની ધડકન હતો. રેડિયો જ મનોરંજન અને માહિતીના શ્રેષ્ઠ સ્રોત હતો. ક્રિકેટની કોમેન્ટ્રી પણ દેશના લાખો લોકો રેડિયો પર સાંભળી ઝૂમી ઉઠતા. વિજય મરચન્ટ એક જમાનાના શ્રેષ્ઠ રેડિયો કોમેન્ટટેટર હતા. પોલી ઉમરીગર, વિનુ માંકડ અને સલીમ દુર્રાની જેવા ક્રિકેટના ખેલાડીઓની દમદાર રમતની કોમેન્ટ્રી સાંભળી લોકો ભાવાવેશમાં આવી જતા.

રેડિયો પ્રસારણમાં એક નામ બહુ લોક્પ્રિય હતું. ભારતીય રેડિયો અને પત્રકારત્વના શિખર પુરુષ રહેલા જશદેવ સિંહે ૯ ઓલિમ્પિક, ૮ વર્લ્ડ કપ હોકી અને ૬ વિશ્વકપ એશિયન ગેમ્સમાં શ્રોતાઓને અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતી કોમેન્ટ્રી આપી હતી. એમણે કુલ ૪૭ વખત દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડનો પણ આંખે દેખ્યો અહેવાલ આપ્યો હતો.

અમદાવાદમાં ઓલ ઇન્ડિયા રેડિયો માટેનું રેડિયો સ્ટેશન લાવવાનો યશ સરદાર વલ્લભભાઇ પટેલને ફાળે જાય છે. એ વખતે અમદાવાદ શહેરમાં ૧૦૦ જેટલી કાપડની મિલો હતી. અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું. લગભગ એક લાખ મજૂરો આ મિલોમાં કામ કરતા હતા. આ સંદર્ભમાં આકાશવાણીના અમદાવાદ મથકેથી મજૂરભાઇઓ માટેનો એક કાર્યક્રમ પ્રસારિત થતો જેમાં શાણાભાઇ અને શકરાભાઇની જોડી લોકપ્રિય હતી. આ નામો હકીકતમાં કાલ્પનિક હતા, પરંતુ ચંદુભાઇ અને ચોખડિયા નામની બે વ્યક્તિઓ શાણાભાઇ અને શકરાભાઇના નામે રોજ લાઇવ કાર્યક્રમ આપતા.

૧૯૬૦ના દાયકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ના હોઇ, રેડિયો ચલાવવા એવરેડી કંપનીની વજનદાર બેટરી જોડવામાં આવતી હતી. શરૂઆતમાં વાલ્વ સિસ્ટમના રેડિયો હતા, પાછળથી ટ્રાન્ઝિસ્ટર્સ આવ્યા. એ જમાનામાં ફિલિપ્સ, મરફી અને નેશનલ ઇકો જેવી બ્રાન્ડના રેડિયો જાણીતા હતા. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે રોજ સવારે કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીજીના અગાઉ રેકોર્ડ થયેલા પ્રવચનોમાંથી કેટલાક અંશ ગાંધીજીના જ અવાજમાં પ્રસારિત કરવામાં આવતા. 

આકાશવાણી સાથે સંકળાયેલા જાણીતા નામોમાં ભાઇલાલભાઇ બારોટ એક જાણીતું નામ હતું. તે પછી વસુબહેન ભટ્ટ વર્ષો સુધી આકાશવાણીના વડાં રહ્યાં. એ જમાનામાં લેમ્યુઅલ હેરી નામના ઉદ્દઘોષક તેમના ઘેરા અવાજમાં ગુજરાતીમાં સમાચાર વાંચતા. તે પછી હસીના કાદરીનો અવાજ જાણીતો બન્યો હતો. મારી સાથે કામ કરી ચૂકેલા સૈફુદ્દીન કાદરીનાં એ મોટા બહેન. કવિ-સાહિત્યકાર તુષાર શુકલ પણ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના એક અભિન્ન હિસ્સો રહ્યા હતા. આ બધા જ ઉદ્દઘોષકો દ્વિજેન ભાઈના સમકાલીન હતા. 

એક સમયે એવી માન્યતા હતી કે રેડિયો સ્ટેશન પરથી ફિલ્મનાં ગીતોનું પ્રસારણ થવું ના જોઇએ એ કારણે રેડિયો સિલોન ભારતમાં લોકપ્રિય થયો. છેક કોલંબોમાં આવેલું સિલોનનું રેડિયો મથક દર બુધવારે રાત્રે ૮ વાગે બિનાકા ગીતમાલા પ્રસારિત કરતું. અમીન સયાની એક આગવા અંદાજમાં આ કાર્યક્રમનું સંચાલન કરતા. અમીન સયાનીના અવાજ દેશભરમાં જાણીતો હતો. અમીન સયાનીનો પૂર્વજો મૂળ ગુજરાત-કચ્છના હતા. વર્ષો સુધી તેમના અવાજે હિંદુસ્તાનના કરોડો શ્રોતાઓના દિલ પર રાજ કર્યું.

રેડિયો સિલોનની લોકપ્રિયતા જોઇ ભારત સરકારે ઓલ ઇન્ડિયા રેડિયોની એક વધુ શાખા ‘વિવિધ ભારતી’ શરૂ કર્યું, જે રેડિયો સિલોનની લોકપ્રિયતાને પણ આંબી ગયું. આજે પણ રેડિયોની પ્રાઇવેટ એફ.એમ. ચેનલો કરતાં વિવિધ ભારતી સાંભળવું હૃદયગંમ લાગે છે.

એ સિવાય દિલ્હી ઓલ ઇન્ડિયા રેડિયો પર જે એક નામ – અવાજ દેશભરમાં ગુંજતા રહ્યા. તેમાંનું એક નામ છે દેવકી નંદન પાંડે. એ વખતે મોટા ભાગે રેડિયો સમાચારની શરૂઆત આ વાકયથી થતી હતી : ‘નમસ્કાર, યે ઓલ ઇન્ડિયા રેડિયો’ હૈ. અબ આપ દેવકી નંદન પાંડે સે સમાચાર સુનિયે. દેવકી નંદન પાંડેને પણ ‘પદ્મ શ્રી’ સન્માન મળ્યું. પાંડેજી તેમના શુદ્ધ ઉચ્ચારણો માટે જાણીતા હતા. પ્રસંગ અનુસાર તેમના અવાજમાં આરોહ-અવરોહ જોવા મળતો. દા.ત. કોઇ શોકના સમાચાર વાંચતી વખતે તેઓ ઉદાસ અને ગંભીર સ્વરે સમાચાર રજૂ કરતા. આનંદના સમાચાર વાંચતી વખતે તેઓ શ્રોતાઓમાં જોશ ભરી દેતા. તેઓ અલ્મોડાના વતની હતા અને તેમના પહાડી અવાજ માટે જાણીતા હતા.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ફિલ્મ જગતમાં આવતાં પહેલાં એક્ટર સુનીલ દત્તે પણ રેડિયો સિલોન માટે પોતાની સેવાઓ આપી હતી અને કરોડો લોકો જે અવાજના દિવાના છે તે અમિતાભ બચ્ચનને તેના અવાજ માટે ઓલ ઈંડિયા રેડિયોએ પસંદ કર્યા ન હતા.

શહેરી જિંદગીમાંથી અસલી રેડિયો ગાયબ થઇ ગયો છે. હવે યુવા પેઢી એફ.એમ. વધુ સાંભળે છે. આ રેડિયોનો નવો અવતાર છે. અલબત્ત, શહેરના લોકો ભલે રેડિયોને ભૂલી ગયા હોય, પરંતુ દૂર દૂરનાં ગામડાંઓમાં, પહાડી વિસ્તારોમાં તથા દ્વીપોમાં આજે પણ લોકો રેડિયોને સાંભળે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર ‘મન કી બાત’ દ્વારા રેડિયોને ફરી – પુનર્જીવીત કર્યો છે.

એક સમયે રેડિયો આખાયે ભારત ઉપખંડનો આત્મા હતો. સુગમ સંગીત, સીતાર વાદન, સમાચારો, ગ્રામજનો માટેના કાર્યક્રમો, ભજનો દ્વારા રેડિયો ઘરઘરમાં ગુંજતો હતો. સાંજના ૭ વાગ્યાના સમાચારના કાર્યક્રમ પ્રાઇમ ટાઇમ ગણાતો. એ જમાનામાં બધાના ઘરમાં રેડિયો નહોતો તેથી લોકો કોઇના ઘેર, કોઇ પાનબીડીની દુકાને કે ચાની હોટલે જઇ રેડિયો સાંભળતા.

અતીતમાં નજર નાંખીએ તો ૧૯૨૬માં બ્રિટિશ શાસન વખતે અવિભાજિત ભારતમાં રેડિયો પ્રસારણનો આરંભ થયો હતો. તે વખતે એક પ્રાઇવેટ કંપની ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ’ને બે રેડિયો સ્ટેશન સ્થાપવાની મંજૂરી મળી હતી, એક મુંબઇ અને બીજી કલકત્તામાં. પરંતુ આ કંપની ૧૯૩૦ સુધી જ ચાલી શકી. તા. ૮ જૂન ૧૯૩૬ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો અસ્તિત્વમાં આવ્યો. એ પછી વર્ષો સુધી રેડિયો ખરીદનારે લાઇસન્સ લેવું પડતું. હવે લાઇસન્સ લેવું પડતું નથી.

યાદ છે ને રોજ સવારે ઓલ ઇન્ડિયા રેડિયો શરૂ થાય તે પહેલાંનો સિગ્નેચર ટયૂન !

31 ઑગસ્ટ 2025
સૌજન્ય : રાજેશભાઈ ઘોઘારીની ફેઇસબૂક દીવાલેથી સાદર 

Loading

...102030...205206207208...220230240...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved