Opinion Magazine
Number of visits: 10,226,255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસંત-રજબ શહાદત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 July 2021

આ વખતે પહેલી જુલાઈનો વસંત-રજબ શહાદત દિવસ, ‘ગુજરાત ટુડે’ના આગોતરા અહેવાલને પગલે એક સરસ સમાચાર લઈને આવ્યો કે ચારતોડા કબ્રસ્તાન(ગોમતીપર)માં ઉપેક્ષિત શી પડેલી ને વળી દબાણ’નો ભોગ બનેલી રજબઅલીની મજાર હવે નવાં રૂપરંગ સાથે આપણ સૌની સમક્ષ કોમી સૌહાર્દની મશાલ અને મિસાલ રૂપે આવશે. અખબારી અહેવાલને પગલે ધારાસભ્ય ખેડાવાલા તેમ જ કૉર્પોરેટરો ઇકબાલ શેખ અને ઝુલ્ફીખાન પઠાણે મજારને એનું નૂર ફેર અપાવવા જે કોશિશ શરૂ કરી છે, તે પ્રજાકીય કૃતજ્ઞતાની દૃષ્ટિએ ભલે મોડું પણ રૂડું પગલું લેખાશે.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરની ઘટનાને પગલે ગાંધી-માર્ક્સ એમ સઘળે છેડેથી કર્મશીલ બૌદ્ધિકોને જાગૃત નાગરિકો એકત્ર આવ્યા અને એમણે અમદાવાદમાં રાજ્યસ્તરના વિશાળ અધિવેશન વાટે મૂવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રસી(એમએસડી : સેક્યુલર લોકશાહી આંદોલન)નો સૂત્રપાત કર્યો તે પછી તરતનાં વર્ષોમાં સૂઝી રહેલો એક વિગતમુદ્દો એ હતો કે વસંત-રજબની શહાદત જેવી ઇતિહાસ ઘટનાઓની સ્મૃતિ તાજી રાખવી જોઈએ. ત્યારથી પ્રતિવર્ષ જમાલપુર ખાંડની શેરીએ પહેલી જુલાઈએ એકત્ર મળવાનું શરૂ થયું. અલબત્ત, અમે કંઈ પહેલા હતા એમ તો નહોતું. વસંતરાવ અને રજબઅલી બેઉ આઝાદીપૂર્વે કૉઁગ્રેસ સેવાદળના સમર્પિત સૈનિકો હતા, એ કર્તવ્યનો સાદ સુણી એમણે જીવનની આહુતિ આપી જાણી હતી. એટલે સેવાદળે ખાંડની શેરીએ પ્રતિવર્ષની માનવંદના મુલાકાતનો એક સિલસિલો જરૂર ચાલુ રાખ્યો હતો, અને એ માટે એને સલામ ઘટે છે. માત્ર, વર્ષો વીતતાં ગયા તેમ સેવાદળનું બળ સહજક્રમે ઓસરતું ગયું અને ધીરે-ધીરે રસમ ચાલુ રહી પણ ફરતેનું ભામંડળ જાણે કે ઓજપાઈ ગયું. દરમિયાન, સેક્યુલર લોકશાહી આંદોલનના પ્રવેશ સાથે સેવાદળને ય સોબતી અને સધિયારો મળ્યો અને ખાંડની શેરીનું આ સંગમતીર્થ એકદમ જાગતું ને ગાજતું થઈ ગયું. કૉર્પોરેશન પણ સફાળું જાગ્યું અને સ્મારકવત્‌ કશુંક ખડું પણ થઈ ગયું.

વસંતરાવનાં બહેન હેમલતા હેગિષ્ટે જે પછીથી, જાહેરજીવનમાં, જ્યોતિસંઘના અગ્રણી લેખે ઝળક્યાં હતાં, એમણે નોંધ્યું છે કે ખાંડની શેરીએથી બેઉ બંધુઓનાં મૃતદેહ ખસેડાઈ રહ્યાં હતાં ત્યારે જ એક ગણગણાટ સહેજ ઊઠ્યો ન ઊઠ્યો ને શમી ગયો હતો કે બંનેના અંતિમ સંસ્કાર સાથે જ કરવા જોઈએ. અલબત્ત, સહજ હતું તેમ એ શક્ય ન બન્યું અને એકને સારુ સ્મશાન તો બીજાને સારુ કબ્રસ્તાન એ રૂઢિગત નિયતિ બની રહી. શહાદતને સ્થળે સ્મારક બન્યું ખરું, પણ રજબઅલીની મજાર બિલકુલ વિસ્મૃતવત્‌ બની ગઈ. રજબઅલીના પરિવારના મોટા ભાગના સભ્યો ઉત્તરોત્તર વકરતા કોમવાદ વચ્ચે આશંકિત ને આતંકિત શા બની રહ્યા, અને એમણે લગભગ ખૂણો પાળ્યો. નવી ઓળખમાં એમણે સલામતી શોધી, એ આપણા સામાજિક વાસ્તવની એક દુર્દૈવ સાહેદી છે.

જેટલું આપણે વસંતરાવના જીવન વિશે જાણીએ છીએ, એના પ્રમાણમાં રજબઅલી વિશે આપણી જાણકારી ખરે જ ઓછી છે. મહારાષ્ટ્રથી અહીં વસી ગયેલા હેગિષ્ટે પરિવારને સારુ અમદાવાદ એ પેઢાનપેઢી વતન જ બની રહ્યું હતું. એથી ઊલટું, રજબઅલી શહાદતનાં છેલ્લાં થોડાં સમય પર જ અમદાવાદ આવી વસ્યા હતા. હેગિષ્ટે પરિવાર જેવાં મૂળિયાં ને વ્યાપ એમનાં નહોતા .. બંનેની અભિન્ન મિત્રતા બલકે કર્મબાંધવી એક મિસાલરૂપ હતી એ જુદી વાત છે.

રજબઅલી સૌરાષ્ટ્રના. લીંબડીનું કુટુંબ. ભાવનગરમાં અને કરાચીમાં ભણતર. – રવિશંકર મહારાજની પરંપરામાં આવેલા ગ્રામસેવક બબલભાઈએ લખ્યું છે કે એમને યુવા રજબનો પ્રથમ પરિચય કરાંચીમાં થયો હતો. દાંડીકૂચ પછી જેલમાંથી બહાર આવ્યા બાદ બબલભાઈ કોઈ ગામડું શોધી એમાં રચનાકાર્યમાં ખૂંપી જવાનું વિચારતા હતા, તે પૂર્વે કરાંચીમાં પરિવારને મળી લેવું જોઈએ એ ખ્યાલે તે કરાંચી ગયા ત્યારે ત્યાંની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શિક્ષણસંસ્થા શારદામંદિરમાં જનજાગૃતિ માટેના એક પ્રદર્શનમાં એ હાથ બટાવવા ગયા, તે વખતે હજુ છાત્ર એવા રજબનો, એની હોંશીલી ભાવનામૂર્તિનો હૃદ્ય પરિચય થયાનું એમણે નોંધ્યું છે.

ભાવનગર દિવસોમાં પ્રિ. શહાણીએ, વલ્લભભાઈની કૉલેજ-મુલાકાત વખતે રજબઅલીને એક હોનહાર વિદ્યાર્થી તરીકે ઓળખાવ્યા હતા. વજુભાઈ શાહ, મનુભાઈ પંચોળી, જયાબહેન શાહ એ સૌ તરુણ કાર્યકરો તેમ પછીથી ‘સમય’ થકી પત્રકાર તરીકે ઝળકેલા સહપાઠી ભાનુભાઈ શુકલ વગેરે સાથેનો રજબનો કાર્યપરિચય ત્યારે જામ્યો. ધીમેધીમે, કેન્દ્ર અમદાવાદ ખસેડવું એવું એમને થયું અને રજબઅલીની પ્રતિભા જોતાં સાથીઓને તો એમ પણ લાગતું કે જે રીતે કૉંગ્રેસપ્રમુખ જવાહરલાલ નહેરુએ જયપ્રકાશ અને લોહિયા જેવા યુવાનોને સ્વરાજલડતની કેન્દ્રીય કચેરીમાં જોતર્યા હતા, એ જ રીતે રજબ જેવા પણ આગળ જતાં ઝળકી ઊઠશે.

ખેર, અહીં આખી દાસ્તાંમાં જવાનો ખ્યાલ નથી. ૨૦૦૬માં ૧૯૪૬ની વસંત-રજબ શહાદતને સાઠ વરસ થયાં, ત્યારે પરિચય પુસ્તિકામાં મેં વસંતરાવની જોડાજોડ રજબઅલીનીયે કંઈક જીવનરેખા આલેખી હતી. ઓણ, પહેલી જુલાઈએ એમની શહાદતને પંચોતેરમું વરસ બેઠું. હવે એ પુસ્તિકાનું સંવર્ધિત સંસ્કરણ, ૨૦૨૨ના જુલાઈમાં પંચોતેર વરસ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે આવે એવો મનસૂબો છે. દરમિયાન જો કે જયંતી દલાલ ને ઇન્દ્રવદન ઠાકોર આદિ વસંત-રજબ સમકાલીનોની આરંભિક પહેલ બાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ શરૂનાં વર્ષોમાં બહાર પાડેલ સ્મૃતિગ્રંથ અલભ્ય હતો, તે રિઝવાન કાદરીની કોશિશથી પુનઃપ્રાપ્ય બન્યો છે, એ અહીં સાનંદ સંભારવું જોઈએ.

પ્રશ્ન એ પડને જાગતું રાખવાનો છે, જેમાં સંચિત મૂલ્યો સારુ આ મિત્રોએ સર્વોચ્ચ કુરબાની આપી. આપણે એમને કોમી એકતાના બલિદાની વીરો તરીકે બિરદાવીએ છીએ અને એ વાત ખોટી અલબત્ત નથી, પણ જે સમજવાનું છે તે એ કે એમની કુરબાની કોઈ ક્ષણાવેશનો મામલો નહોતી. કોમી એકતા એમના સ્વરાજદર્શનનો અંગભૂત હિસ્સો હતી એ સાચું; પણ જેમાં સ્વતંત્રતા અને સમાનતા એકબીજાને શોધિત-વર્ધિત કરતાં રહે એવું સંપોષિત સ્વરાજદર્શન એમનું હતું. વિકાસની જે તરાહ આપણે પકડી છે, એમાં એ ક્યાં છે? રાષ્ટ્રની જે વ્યાખ્યા સત્તાપક્ષ દ્વારા કરાઈ રહી છે, એમાં એ ક્યાં છે? સ્વરાજનું પંચોતેરમું વરસ, વસંત-રજબની શહાદતને પંચોતેરમે વરસે જાગતા આ સવાલોનો જવાબ માગે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 05

Loading

‘તને બક્ષવામાં નહીં આવે, મંજુલ!’

બીરેન કોઠારી|Opinion - Opinion|15 July 2021

એક દૃશ્ય.

“બહેતર શું? આયુર્વેદિક કે ઍલોપથી?”

“ખબર નથી … આપણને બચાવવા માટે બેમાંથી એકે સુલભ નહોતું.”

આ સંવાદ કોઈ જીવિત વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ રેતમાં દફન થયેલાં બે શબ વચ્ચેનો છે.

બીજું દૃશ્ય.

દીવાલે પોસ્ટર લગાવતા એક માણસને પોલીસ બોચીએથી પકડીને લઈ જાય છે. પોસ્ટર માત્ર કાળા રંગનું છે. તેની પર કશું લખાણ નથી. માણસ કહે છે, “પણ આ તો કોરું પોસ્ટર છે!” પોલીસ કહે છે, “પણ તારા ‘મન કી બાત’ હું જાણું છું.”

ત્રીજું દૃશ્ય.

કોવિડ માટેની રસી લેવા આવનાર એક નાગરિકને એક ડૉક્ટર જણાવે છે : ‘બીજો ડોઝ ચાર સપ્તાહ પછી.’ બીજા ચિત્રમાં ડૉક્ટર કહે છે : ‘કે પછી, એ આઠ સપ્તાહ પછી લેજો.’ ત્રીજા ચિત્રમાં ડૉક્ટર કહે છે : ‘મને લાગે છે કે સોળ સપ્તાહ પછી એ લેશો તો બહેતર રહેશે.’ અને ચોથા ચિત્રમાં ડૉક્ટર જણાવે છે : ‘કે પછી, અદર પૂનાવાલા ભારત પાછા ફરે એ પછી લેજો.’

અહીં વર્ણવેલાં આ ત્રણે દૃશ્યો ત્રણ અલગ-અલગ કાર્ટૂનમાં ચીતરાયેલાં છે. એ ચીતરનાર કાર્ટૂનિસ્ટ છે મંજુલ.

મંજુલ આજકાલ સમાચારમાં ચમકી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો વધુ એક કાર્ટૂનિસ્ટ એના એ જ કારણસર વધુ એક વાર સમાચારમાં ચમક્યા છે. ‘નેટવ ર્ક૧૮’ નામે મીડિયા કંપની સાથે છેલ્લાં છ વર્ષથી કરારબદ્ધ રહેલા મંજુલના કરારનો અંત લાવવામાં આવ્યો છે. આ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે. મંજુલ પોતાનાં કાર્ટૂન ટ્‌વિટર પર પણ મૂકતા હતા. થોડા સમય અગાઉ ભારત સરકારે ટ્‌વિટરને પાઠવેલા એક પત્રમાં મંજુલના કોઈ ચોક્કસ કાર્ટૂનને બદલે તેમના આખા પ્રોફાઇલ સામે વાંધો પાડવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે એ ભારતીય કાનૂનનો ભંગ કરે છે. મંજુલે અલબત્ત, આ પત્રને હળવાશમાં લેતાં લખ્યું હતું કે સરકારે કમ સે કમ એટલું કહ્યું હોત કે તેમને કયા ટ્‌વિટ સામે વાંધો છે!

સરકાર કોઈ પણ હોય, એ હંમેશાં કાર્ટૂનિસ્ટોનાં નિશાન પર જ હોય છે અને હોવી જ જોઈએ. આ કારણથી જ કાર્ટૂનિસ્ટો સરકારને ખાસ પસંદ હોતા નથી. દેશના પહેલવહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ વડા પ્રધાનો કાર્ટૂનિસ્ટોનો પ્રિય વિષય બની રહ્યા છે જે સાવ સ્વાભાવિક છે. એની સામે, એક જવાહરલાલ નહેરુને બાદ કરતાં ભાગ્યે જ કોઈ વડા પ્રધાને પોતાની પરના વ્યંગ્યને બરાબર માણ્યો છે. ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ કે. શંકર પિલ્લાઈને તેમણે કહેલા શબ્દો ‘ડૉન્ટ સ્પેર મી, શંકર’ (‘મને બક્ષતા નહીં, શંકર’) યાદગાર બની રહ્યા છે.

પોતાના પક્ષના યા વિપક્ષના સાથીદારો ઘણી વાર ઘણા મુદ્દા અંગે વડા પ્રધાનને યા સરકારને કહી ન શકે એવી ઘણી બાબતો કાર્ટૂનિસ્ટ પોતાના કાર્ટૂનમાં હસતાંરમતાં કહી દે છે. જવાહરલાલ નહેરુનાં જૈવિક વારસદાર એવાં ઇન્દિરા ગાંધીએ પણ આર.કે. લક્ષ્મણના કાર્ટૂનને પ્રતિબંધિત કર્યું હતું. ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા એ પછી તેમણે કાર્ટૂનિસ્ટોને ભરપૂર સામગ્રી પૂરી પાડી હતી. એ સમયે લોકસભાની ચૂંટણી દરમિયાન કૉઁગ્રેસ (આઈ) દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ ‘માય હાર્ટ બીટ્‌સ ફોર ઇન્ડિયા’માં વિવિધ ચિત્રો થકી વિપક્ષને ભૂંડો ચીતરવાનું શરૂ થયું હતું. તેની સામે ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ રાજિન્દર પુરીએ, બિલકુલ એનાં એ જ ચિત્રોમાં સાવ જુદું લખાણ મૂકીને એક સમાંતર ઝુંબેશ ચલાવી હતી.

ભારતીય જનતા પક્ષના અનેક નેતાઓ પોતાના પરના વ્યંગ્યને માણતા હતા. વિદેશ પ્રધાન જશવંતસિંઘના કાર્યકાળ દરમિયાન બનેલો કંદહાર અપહરણકાંડ સૌને યાદ હશે. એ સમયે કાર્ટૂનિસ્ટ સુધીર તેલંગે જશવંતસિંઘને તાલિબાની પોષાકમાં ચીતર્યા હતા. આ કાર્ટૂન પ્રકાશિત થયું કે સવારે જ જશવંતસિંઘે સુધીરને અભિનંદન પાઠવવા ફોન કર્યો અને એ અસલ કાર્ટૂનની માંગણી કરી. સુધીરને નવાઈ લાગી. તેમણે પૂછ્યું કે એ કાર્ટૂનમાં તો પોતે એમને તાલિબાન તરીકે ચીતર્યા છે. જશવંતસિંઘે જણાવ્યું કે પોતે એમાં બહુ ‘ક્યૂટ’ દેખાય છે. સુધીરે તેમને એ અસલ કાર્ટૂન ભેટ આપ્યું, જેને જશવંતસિંઘે પોતાના ખંડની દીવાલ પર ગોઠવ્યું હતું. ભા.જ.પ.ના નેતા મુરલી મનોહર જોશી પાંચ-છ મહિના સુધી પોતાને કોઈ કાર્ટૂનમાં ચિતરાયેલા ન જુએ તો સુધીર તેલંગને ફોન કરતા અને સહેજ ગુસ્સે પણ થતા. સુધીરે એ વખતે કહેલું, ‘કોઈ નેતા કાર્ટૂનમાં ચિતરાયેલો જોવા ન મળે, તો સમજવું કે તેનો પ્રભાવ ઓસરી રહ્યો છે.’

પશ્ચિમ બંગાળનાં મમતા બેનરજી પોતાના પર બનાવાયેલાં કાર્ટૂન માણી શકતાં નથી. તેમણે કાર્ટૂનિસ્ટોને હેરાન કર્યાના દાખલા તાજા છે.

કાર્ટૂનિસ્ટો પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવે એના જેવી હાસ્યાસ્પદ બાબત બીજી એકે નથી અને આવા કિસ્સા હવે વધુ ને વધુ બની રહ્યા છે. સત્તાધીશો ગમે એવી હાસ્યાસ્પદ અને ચિત્રવિચિત્ર હરકતો કરે એ સમાચાર બને, પણ એ જ બાબત પર કોઈ કાર્ટૂનિસ્ટનું બનાવેલું કાર્ટૂન એ સહન ન કરી શકે, એ વાત જ કેવી વિચિત્ર છે! એ હકીકત છે કે રમૂજવૃત્તિ ક્યાંયથી લાવી કે મેળવી શકાતી નથી. એ વાતાવરણ મુજબ આપમેળે ખીલતી હોય છે. જે રીતે રાજકારણ હવે છેક ઘરના આંગણે ટકોરા મારતું પહોંચી ગયું છે, એ જોતાં રાજકારણમાં રમૂજ બહુ ઝડપથી ‘લુપ્ત થયેલા લક્ષણ’ની શ્રેણીમાં આવી જશે, એવા અણસાર જણાઈ રહ્યા છે. રાજ્યસત્તા પર હસવું રાજદ્રોહ હોય તો, રાજ્યસત્તાને હાસ્યાસ્પદ બનાવી મૂકવી એ પ્રજાદ્રોહ નથી ? પ્રજાદ્રોહ કરવા બદલ કોની પર કામ ચલાવવું?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 08

Loading

તન અથવા મન કે તનમન બંને ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 July 2021

સિંહને જંગલનો રાજા કહ્યો છે. તેને બાદશાહી ઠાઠથી જંગલમાં ફરતો જોવાનું બધાંને નસીબ થતું નથી. તેનો ફોટો જોઈએ તો પણ તેની ગર્વિષ્ઠ મુદ્રા જોઈને અહોભાવ થયા વગર રહેતો નથી. તેને કેવું મસ્ત શરીર મળેલું છે ! એવું જ હાથીનું પણ ખરું. તેને રંગ કાળો છે, પણ તેનું મદમસ્ત શરીર જોવાનું આપણને ગમતું હોય છે. કીડીની એકની પાછળ એક હાર થાય છે તે પણ જોઈ રહેવાનું ગમે છે. તેનું નાનકડું શરીર સરકે છે ત્યારે થાય છે કે આટલી અમથી કીડી ખાતી શું હશે ને ડાયેટિંગ શું કરતી હશે? તેને જરા અમથી ઝાપટ મારીને આપણે કેવી વેરવિખેર કરી નાખતાં હોઈએ છીએ ! એમાં સિંહણ, કે હાથણી કે કીડીબાઈ એ માદા જાતિ છે. એની જાતિગત વિશેષતાની આપણને છે એટલી માહિતી એમને નથી ને છતાં સિંહ, સિંહણને કે હાથી, હાથણીને ઓળખી લે છે. નર અને માદા વચ્ચેનો ભેદ પશુપંખીને ભણાવવાની જરૂર પડતી નથી, એ ભેદ મનુષ્યને ભણાવવો પડે છે. મનુષ્ય વિષેનું જ્ઞાન સૌથી વધારે મનુષ્યને છે ને એટલે જ કદાચ એની સમસ્યાઓ પણ સૌથી વધુ છે. પ્રાણીઓમાં સિંહ-સિંહ કે હાથણી-હાથણી વચ્ચે સંબંધો બંધાતા નથી, પણ પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી વચ્ચે સંબંધો શક્ય બન્યા છે. આ સારું છે કે ખરાબ તેમાં ન પડીએ તો પણ તે કુદરતી નથી એવું ઘણાંને લાગે છે.

એ અકુદરતી એટલે પણ લાગે છે, કારણ કે પશુપંખીમાં પ્રજોત્પત્તિ નર-માદાના સહયોગથી થતી આવી છે. સહયોગ શક્ય બને એટલા માટે પણ નર-માદાનો ભેદ પરાપૂર્વથી ચાલી આવે છે. મનુષ્યમાં પણ સ્ત્રી-પુરુષનો સંયોગ, સંતાન પ્રાપ્તિ માટે જરૂરી મનાયો છે. સ્ત્રી-પુરુષનો શારીરિક ભેદ પણ એ માટે જ કુદરતે રાખ્યો છે, ત્યારે પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી વચ્ચેનો સંબંધ પેલા કુદરતી ભેદની ઉપરવટ જાય છે એવું નથી લાગતું? વિજ્ઞાન કુદરતને ખોટી પડે અને આવનારા સમયમાં પુરુષ-પુરુષ દ્વારા કે સ્ત્રી-સ્ત્રી દ્વારા બાળક પ્રાપ્ત કરે એ શક્ય છે. એ જે હોય તે, પણ વસ્તી વિસ્ફોટ થયો હોય તો પણ બાળકના જન્મ પર હજી સુધી તો પૂર્ણવિરામ મૂકાયું નથી, મતલબ કે બાળક હજી આ પૃથ્વીને ખપે છે ને તે કોઈ પણ દેશ, જાતિ કે ધર્મ માટે સાચું છે ને અત્યાર સુધી તો માતૃત્વ, સ્ત્રી જ ધારણ કરતી આવી છે એટલે તે જ માતા બને એવી અપેક્ષા રહે તે પણ સ્વાભાવિક છે.

હવે જે વિચિત્રતા કે વિશેષતા સ્ત્રી-પુરુષ સંદર્ભે કુદરતે આપી છે તે સંદર્ભે થોડી વાત કરીએ. ગમે એટલો અધર્મ ચાલતો હોય તો પણ વિશ્વમાં ધર્મનું ચલણ હજી રહ્યું છે. ધર્મ છે એટલે ઈશ્વર છે. બધા ધર્મમાં શરીર અને આત્માની વાત છે. બધા ધર્મમાં સ્ત્રી અને પુરુષ છે. બંનેને શરીર છે, શરીરનો ભેદ છે, પણ આત્મા એક જ છે. એમાં કોઈ ભેદ નથી. સ્ત્રીને કે પુરુષને જુદું શરીર છે, પણ આત્મા જુદો નથી. તે બંનેમાં એક જ છે. શરીર તો દેખાય છે, પણ આત્મા દેખાતો નથી. એ શરીરની જીવંતતાને લીધે અનુભવાય છે. શરીર ચોક્કસ નામે ઓળખાય છે, જ્યારે આત્માની સીધી કોઈ ઓળખ નથી એટલે તે જુદા જુદા નામે પણ ઓળખાય છે. શરીર દેખાય છે એટલે સ્ત્રીનું કે પુરુષનું કે બાળકનું શરીર દેખાય છે, તે સ્પર્શી શકાય છે, અનુભવી શકાય છે. આત્માનું એવું નથી. તે સ્પર્શી કે જાણી શકાતો નથી. હા, તે શરીર દ્વારા અનુભવી શકાય છે. શરીર જીવંત છે તે આત્માને કારણે. શરીર મૃત હશે તો આત્મા અનુભવી શકાશે નહીં. વારુ, પશુપંખીને શરીર કેટલું અનુભવાતું હશે તે તો તેઓ જાણે, પણ આત્માનું ચિંતન તેમની પાસે નહીં જ હોય, કારણ તેમની પાસે ધર્મ નથી, ધર્મની સ્થાપના નથી એટલે તેનો સ્થાપક પણ નથી. એ લાભ મનુષ્યને જ મળ્યો છે. પ્રાણી પાસે લાગણી હશે, સમજ હશે, પણ જ્ઞાન નથી. જ્ઞાન મનુષ્ય પાસે જ  છે. જ્ઞાનને કારણે જ અજ્ઞાન પણ પ્રગટ થયું છે. અજ્ઞાન અને વિજ્ઞાન, જ્ઞાનને કારણે પ્રગટ થયાં છે તે મનુષ્યની જ વિશેષ ઉપલબ્ધિ છે.

સામાન્ય માણસને શરીરની જેટલી સમજ પડે છે એટલી કદાચ આત્માની પડતી નથી. હા, શરીરની અવગણનાનો બોધ સાધારણ માણસને અપાતો રહે છે ને એને લીધે એ સતત મૂંઝાતો પણ રહે છે. જે સ્ત્રીનું રૂપ જોઈને કે તેનો દેહ જોઈને પુરુષ આકર્ષાતો હોય તે શરીરનો મોહ ન રાખવાનું માણસને કહેવાય તો તે મૂંઝાય તેમાં નવાઈ નથી. સ્ત્રીનું લાવણ્ય, તેની કમનીય કાયા જો ઋષિમુનિઓના તપ ચળાવી શકે તો સાધારણ માણસને તેનું ખેંચાણ કેમ ન હોય? એવું જ સ્ત્રીઓને પક્ષે પણ ખરું. પુરુષનું કસાયેલું મજબૂત શરીર, તેની બુદ્ધિ વગેરે સ્ત્રીને પણ આકર્ષે છે. હવે તો સ્ત્રીઓ, પુરુષોને સ્પષ્ટ રીતે સ્વીકારતી કે નકારતી થઈ છે. ન ગમતા પુરુષ જોડે તે હવે જિંદગી કાઢવા તૈયાર થતી નથી, છતાં સ્ત્રી આજે પણ પુરુષોથી છેતરાય છે ને પુરુષ પણ સ્ત્રીનું આકર્ષણ ખાળી શકતો નથી ને તે પણ છેતરાય છે. ટૂંકમાં, શરીર, સ્ત્રી કે પુરુષ માટે અવગણી શકાય તેવી સ્થિતિ જ નથી, એ શરીરનો મોહ છોડવાના ઉપદેશો સાધુસંતો છાશવારે આપતા રહે છે, જ્યારે વાસ્તવિક્તા એ છે કે એવા ઉપદેશકો પણ સ્ત્રી કે પુરુષના દેહને અવગણી શકતા નથી. શરીર નાશવંત છે ને એનો મોહ છોડવા જેવો છે એવું પરાપૂર્વથી કહેવાતું આવ્યું છે ને હકીકત એ છે કે શરીરનો મોહ છોડવાનું ઓછું જ બન્યું છે. સવાલ તો એ પણ છે કે જે શરીર, જન્મથી વગર માંગ્યે મળ્યું છે ને એ પણ બે વિજાતીય શરીરનાં મિલનનું જ પરિણામ છે એનો મોહ શું કામ ન હોવો જોઈએ?

એના જવાબમાં એમ કહેવાય છે કે શરીર તો નાશ પામવાનું છે, જ્યારે અમર છે તે તો આત્મા, તો એનું  ચિંતન કરવું. સાચી વાત, પણ એ પણ છે તો શરીરમાં જ ને ! તો જે આત્માને શરીર સાચવે છે એની ચિંતા માણસે કેમ ન કરવી? શરીરનો નાશ થાય છે, પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે, એ સાચું હોય તો પણ, જે નાશ પામ્યું છે એ શરીરને એની ખબર કેમ પડે ને કોણ પાડે કે એનો આત્મા બીજું શરીર ધારણ કરે છે? જે આત્માની શરીરની બહાર કશી ખાતરી નથી એને માટે શરીરનો મોહ શું કામ છોડવો? જો આત્મા હોય તો તે શરીરમાં જ છે, શરીરની બહાર તેનું કોઈ અસ્તિત્વ નથી. કોઈ માણસે આજ સુધી શરીરની બહાર એકલો આત્મા જોયો, જાણ્યો નથી ને જે કૈં ચૈતન્ય અનુભવાય છે તે શરીરને અનુભવાય છે, તો તે શરીરને અવગણીને તો કેમ ચલાય?

એકલું તન આત્મા વગર, ચૈતન્ય વગર મૃત છે. તન નથી, તો કૈં નથી. હવે શરીરની બહાર ચૈતન્ય હોય તો શું ને ન હોય તો શું? ગમે એટલી સ્વરૂપવાન સ્ત્રી રાજરાણી જ કેમ ન હોય, પણ તે જીવતી નથી તો તેનું શરીર કશા ખપનું નથી. આખા ય દેશનો અધિપતિ પુરુષ જો મૃત હશે તો કોઈ અદ્દભુત રૂપવતી તેને પરણવા તો શું, જોવા પણ તૈયાર નહીં થાય. જગતમાં ખપે છે તે ચૈતન્ય. તેને લીધે દેહ હાલે છે, ચાલે છે, ઊડે છે. એકલી પાંખ ઊડતી નથી. એકલી આંખ જોતી નથી, એ શરીરને છે તો ઊડે છે કે જુએ છે.

હવે શરીર વગરના આત્માની વાત કરીએ તો શરીરભેદ સ્ત્રી-પુરુષમાં છે, પણ આ સ્ત્રીનો કે પુરુષનો આત્મા એમ જુદા જુદા આત્મા નથી. આત્માને એક કહ્યો છે એટલે પણ સ્ત્રી અને પુરુષના આત્મામાં ભેદ ન હોય એ સમજી શકાય એમ છે. વારુ, એકલું ચૈતન્ય પણ ક્યાં ય નથી. શરીર વગરનો આત્મા કૈં કામનો ખરો? એ અમર હોય તો પણ તે શરીરમાં હોવાને લીધે અમર છે. તે શરીર બદલે છે, પણ બદલે છે તેથી તે છે. એકલો આત્મા શરીર વગર તો દરિયો છે ને જળ નથી, એના જેવો છે. એટલે એકલું તન કૈં નથી, જેમ એકલું મન કૈં નથી. જે છે તે તનમન સાથે છે, એકબીજા સાથે સંલગ્ન છે, અભિન્ન છે તેને લીધે છે. જીવંત, ધબકતું શરીર જ બધું છે. એ શરીર દ્વારા સ્ત્રી, પુરુષને ચાહે છે ને એના દ્વારા એના મનને, એના સમગ્ર અસ્તિત્વને પામે છે, એવું જ પુરુષનું પણ છે, એ પણ દેહ દ્વારા સ્ત્રીનાં મનને એનાં સમગ્રને પામે છે. જ્યાં એવું છે ત્યાં પ્રશ્નો નથી. પ્રશ્નો આમાં કૈં ખૂટે ત્યારે જન્મે છે. એકલા આત્માને તો કોઈ ચાહતું નથી, હા, એકલાં શરીરને કોઈ ચાહે એમ બને, પણ ત્યાં પછી એકલું શરીર જ હાથમાં આવે છે, પેલું શરીરને ધબકાવતું ચૈતન્ય તો છેટું જ રહે છે ને પામવા જેવું તો એ જ છે ને ! કોઈ લાશને તો શું કામ ચાહે, જ્યાં મરેલી ધરતી પણ ઘાસ ફોડવાનું ચૂકતી ન હોય …?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,9931,9941,9951,996...2,0002,0102,020...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved