Opinion Magazine
Number of visits: 10,226,176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૂચિત ગાંધી આશ્રમ પ્રોજેક્ટ : સરકાર થકી ગાંધીજીની ફરી એક વાર હત્યા

રામચન્દ્ર ગુહા|Opinion - Opinion|14 August 2021

૧૯૭૯માં હું પહેલી વાર અમદાવાદ ગયો અને તેના પછીના દાયકામાં વ્યાવસાયિક અને  વ્યક્તિગત બંને કારણોસર ત્યાં ઘણી વખત જવાનું થતું રહ્યું. ત્યાર બાદ મેં ગાંધી પરનું મારું સંશોધન શરૂ કર્યું અને આ શહેર સાથેનું મારું જોડાણ વધ્યું. ૨૦૦૨ના આરંભે ગુજરાતમાં ભીષણ રમખાણો થયાં, તેના તરત પછીના ઉનાળામાં હું અમદાવાદ ગયો, ત્યારે સ્વાભાવિક રીતે જ મેં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ત્યાં મેં આશ્રમના એક ટ્રસ્ટી સાથે કેટલોક સમય વાત કરી. ખુદ વિશે બોલવામાં સંકોચશીલ અને નમ્ર એવા આ ટ્રસ્ટીએ ગાંધીની સેવામાં ત્રીસ વર્ષ ગાળ્યાં હતાં. વાતચીત દરમિયાન એમણે મને કહ્યું કે ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો ‘બીજી વારની ગાંધીહત્યા’ હતી.

૨૦૦૨નાં રમખાણો તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની રહેમનજર હેઠળ થયાં હતાં. મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારામાં કેળવાયેલા છે. સંઘની સાંપ્રદાયિક અને વિદેશીઓને તિરસ્કારવાની (xenophobic) વિચારધારા ગાંધીના વિશાળ અને ઉદાર વિશ્વદર્શનની તદ્દન વિરુદ્ધ છે. મોદી સંઘના સરસંઘચાલક મ.સ. ગોળવલકરની આભામાં મોટા થયા છે. ગોળવલકરનો ગાંધી માટેનો જાણીતો  અણગમો નોંધાયેલો છે. ૧૯૪૭ના એક જાહેર ભાષણમાં ગોળવલકરે કહ્યું હતું : ‘મહાત્મા ગાંધી લોકોને લાંબા સમય માટે ગેરમાર્ગે દોરી ન શકે. આપણી પાસે એવા રસ્તા છે કે જેના થકી આવા લોકોને તરત જ ચૂપ કરી શકીએ, પણ આપણી એ પરંપરા છે કે આપણે હિન્દુઓ તરફ વેરભાવ ન રાખીએ. પણ જો આપણને ફરજ પાડવામાં  તો આપણે એ રસ્તો પણ અપનાવવો પડે.’

મોદી માટે ગોળવલકર ‘પૂજ્યશ્રી ગુરુજી’ હતા. મોદીએ એમની કારકિર્દીમાં ગોળવલકરનો ખૂબ આદર કરતા રહ્યા છે, પણ ગાંધી વિશે તેમણે ભાગ્યે જ કંઈ વિચાર્યું હશે. ગુજરાતના મુખ્ય મંત્રીપદના વર્ષોમાં તેઓ ગાંધી આશ્રમ બહુ વખત ગયા નથી.  જો કે વડા પ્રધાન બન્યા બાદ તેમને આ સ્થળમાં ઊંડો રસ જાગ્યો છે. જાપાન અને ઇઝરાયેલના વડા પ્રધાનો તેમ જ ચીન અને અમેરિકાના પ્રમુખોએ જ્યારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી, ત્યારે મોદીએ બિલકુલ વ્યક્તિગત રીતે એસ્કૉર્ટ બનીને તેમને આશ્રમ બતાવ્યો.

ગાંધી આશ્રમના ઘણા ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ગાંધી વિશે ઊંડી જાણકારી ધરાવે છે. પણ તેમનામાંથી કોઈને વિદેશી મહાનુભાવોના એસ્કૉર્ટ બનવાનું કહેવાને બદલે, ગાંધીજીની નિંદા અને તેમના તિરસ્કારમાં માનનારી વિચારધારામાં ઘડાયેલ વ્યક્તિ એવા મોદીએ પોતે વિદેશી મહેમાનોને આશ્રમ બતાવવાનો આગ્રહ રાખ્યો. એ વખતે કૅમેરામૅનને સૂચના આપવામાં આવી હતી કે ફ્રેમમાં માત્ર ભારતના વડાપ્રધાન અને મુલાકાત લેવા આવેલા રાષ્ટ્રપ્રમુખ જ આવવા જેઈએ. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ગાંધી રહ્યા હતા તે બાપુ કુટિર, ગાંધીજીની પ્રાર્થનાની જગ્યા અને તેમના ચરખા જેવી, આશ્રમની વિશિષ્ટતાઓ હાવભાવ અને હસ્તનિર્દેશ દ્વારા મુલાકાતીઓને બતાવી રહેલાં મોદીનું દૃશ્યાંકન કરવું, જેને કારણે ગાંધીનાં જીવન અને સંદેશ વિષય પરની અધિકારી વ્યક્તિ તરીકેના મોદીની છાપ ઊભી થાય.

ગાંધી માટેનો લગાવ જાહેરમાં બતાવવા માટેની વડા પ્રધાનની ઇચ્છાને શી રીતે સમજાવી શકાય ? એમ જણાય છે કે પોતાની મહત્તા વધારવા માટેની મોદીની ઇચ્છાએ તેમની પહેલાંની  રાજકીય નિષ્ઠા અને વૈચારિક જોડાણોને પાછળ ધકેલી દીધાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ગાંધી વિશે ભારે સંદિગ્ધતા છે. મોદીભક્તો સોશિયલ મીડિયામાં ગાંધીનો ખુલ્લેખુલ્લો વિરોધ કરે છે. પણ મોદી જાણે છે કે ગાંધી – આજકાલની ભાષામાં કહીએ તો – એવી ભારતીય ‘બ્રાન્ડ’ છે કે જેને આખી દુનિયા જુએ છે અને પસંદ પણ કરે છે. એટલે જાપાન, ચીન, ઇઝરાયેલ, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, જર્મની – ગમે ત્યાં હોય, મોદીએ ગાંધીને પોતાના નિંદાભાવ છતાં પણ સાધન તરીકે સાથે રાખવા પડે.

મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી તેમણે ગાંધીમાં બતાવેલા રસ છતાં નૈતિક અને વૈચારિક રીતે તેમની અને ગાંધીજીની વચ્ચે જે ખાઈ છે, તે ક્યારે ય ન પુરાય તેવી રહેવાની. વડા પ્રધાન જે પક્ષના છે, તેના ત્રણસો જેટલા લોકસભા સાંસદોમાં એક પણ મુસ્લિમ સાંસદ નથી. આ પક્ષની બનેલી સરકારે મુસ્લિમોને બદનામ કરનારા અને તેમની તરફ ભેદભાવ રાખનાર સંખ્યાબંધ વિધેયકો પસાર કર્યાં છે. આ એવું રાજકારણ છે કે જેનો કોમી સંવાદિતાના પેગંબર એવા ગાંધીએ આખી જિંદગી વિરોધ કર્યો હતો. જે માણસે પોતાના ભૂતકાળને કલ્પનાનો બેસુમાર ઉપયોગ કરીને સજાવ્યો હોય; અને જેના શાસનમાં અર્થવ્યવસ્થા, આરોગ્ય અને બીજી બધી જ બાબતોને લગતા આંકડા સાથે પદ્ધતિસર ચેડાં કરવામાં આવ્યાં હોય તે માણસ સત્યમેવ જયતે કહેનાર વ્યક્તિથી જોજનો દૂર છે. ખરેખર તો આ શાસનનાં જૂઠાણાં અને દેખાડા એટલાં બધાં સર્વવ્યાપી છે કે મારા ઓળખીતા એક લેખક કહે છે કે આ શાસકપક્ષનો મુદ્રાલેખ ‘અસત્યમેવ જયતે’ હોવો જોઈએ.

ગાંધી એટલે સત્ય, પારદર્શિતા અને બહુધાર્મિકતા (religious pluralism). મોદી એટલે કપટ, ગુપ્તતા અને બહુમતવાદ (majoritarianism). આમ હોય ત્યારે મોદી ગાંધી સાથે કોઈ સંબંધ હોવાનો દાવો શી રીતે કરી શકે ? તર્ક અને નૈતિકતા બતાવે છે કે આવો સંબંધ હોઈ ન શકે, પણ સત્તા અને મહાત્ત્વાકાંક્ષાની માંગ આ સંબંધને અનિવાર્ય બનાવે છે. એટલા માટે સાબરમતી આશ્રમને ‘વર્લ્ડક્લાસ’ અર્થાત્ ‌વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠતા ધરાવતું સ્મારક બનાવવાના બહાના હેઠળ આ પ્રકલ્પ સૂચવવામાં આવ્યો છે. કેન્દ્ર દ્વારા પુષ્કળ પૈસાની ફાળવણી સાથેનો રાજ્યસરકાર હસ્તકનો આ પ્રોજેક્ટ સાબરમતી આશ્રમને ધરમૂળથી નવો ઘાટ આપવા માગે છે. પણ ખરેખર તો મોદીના નામને ગાંધી સાથે જોડીને મોદીનાં કાળાં કૃત્યોની તવારીખને ઊજળી બતાવવાનો  આ સહુથી નવો અને અતિશય ખરાબ પ્રયત્ન છે.

‘મારું જીવન એ જ મારો સંદેશ છે’ – એમ ગાંધી કહેતા. મોદીની જેમ એમને સ્ટેડિયમ સાથે પોતાનું નામ જોડવાની જરૂર ન પડી. તેમને ઇતિહાસમાં સ્થાન પામવા માટે પાટનગરોને નવો ઘાટ આપીને ભૂતકાળના શાસકોની મુદ્રા ભૂંસીને પોતાની છાપ ઉપસાવવાની જરૂર ન પડી. પણ સાબરમતી આશ્રમ આજે જેવો છે, તે ગાંધી અને તેમણે જે મૂલ્યો બતાવ્યાં તેના માટેનું પરિપૂર્ણ  પ્રતીક છે. આશ્રમ-પરિસરનાં મજાનાં બેઠાં મકાનો ગાંધીના સમયથી અસ્તિત્વમાં છે. વૃક્ષો અને પક્ષીઓ, પરિસર પછવાડે નદી, આશ્રમ સંકુલમાં પ્રવેશની પૂરેપૂરી છૂટ, ટિકિટ નહીં, ચોકીદાર નહીં,  બંદૂક તો જવા દો, દંડાવાળી પોલીસ પણ નહીં :  આ બધું આશ્રમની વસ્તુને — આજના ભારતનાં બીજાં કોઈ પણ સ્મારક કે મ્યૂઝિયમમાં ન હોય તેવું — એક વિશિષ્ટ, આવકારોત્સુક રૂપ આપે છે.

ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં બે અને ભારતમાં ત્રણ એમ પાંચ આશ્રમો સ્થાપ્યા. તેમાંથી સાબરમતી આશ્રમ સહુથી મહત્ત્વનો છે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. વર્ષોથી દેશ અને દુનિયાનાં લાખો લોકો આશ્રમની મુલાકાત લેતાં રહ્યાં છે. મુલાકાતીને આશ્રમની સાથે જોડાયેલી ઐતિહાસિક હકીકતો જેટલી જ તેના માહોલની સાદગી અને સુંદરતા પણ સ્પર્શવા વિના રહેતી નથી. 

સૌંદર્યની બાબતમાં બર્બરતા માટે અને સ્મારકવાદ (monumentalism) માટે જાણીતું શાસનતંત્ર જ્યારે સાબરમતી આશ્રમની બાબતમાં ‘વર્લ્ડક્લાસ’ શબ્દ વાપરે છે, ત્યારે ધ્રૂજી જવાય છે. વળી, આ ‘અપગ્રેડેશન’ માટે પસંદ કરવામાં આવેલ સાધન-સ્થપતિ (architect) બિમલ પટેલ છે, એ વાત વધુ બેચેન બનાવનારી છે. પટેલે કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી. એમણે કરેલાં સિમેન્ટ કોંક્રિટનાં, હૂંફ વિનાનાં બાંધકામોનો સાબરમતી અને સેવાગ્રામ આશ્રમોમાંનાં ઘરો અને નિવાસો સાથે મેળ ખાતો નથી.

મોદીએ આર્કિટેક્ટ્‌સમાં માત્ર બિમલ પટેલનું જ નામ સાંભળેલું લાગે છે. દિલ્હી, વારાણસી અને અમદાવાદના બીજા સરકારી પ્રોજેક્ટોની જેમ સાબરમતી આશ્રમનો પ્રોજેક્ટ પણ લગભગ એની મેળે જ બિમલ પટેલના ખોળામાં આવીને પડ્યો લાગે છે. પ્રોજેક્ટના કામ માટે મોદીએ તેમના અંગત રીતે વિશ્વાસુ ગણાતા ગુજરાતના કેટલાક સનદી અધિકારીઓની નિમણૂક કરી છે. ‘રિડેવલપમેન્ટ’ની યોજના મોદીનાં અંદરનાં વર્તુળોએ ઘડી છે. તે ઘડતી વખતે સ્મારકો અને વારસાની જાળવણીનું જ્ઞાન ધરાવનાર સ્થપતિઓને તેમ જ ગાંધીવાદીઓ અને અભ્યાસીઓનાં સલાહ-સૂચન લેવામાં આવ્યાં નથી. આશ્રમના ટ્રસ્ટીઓને સુધ્ધાં આ યોજના અને તેની વિગતો અંગે પૂરેપૂરા અંધારામાં રાખવામાં આવ્યા હતા.

સાબરમતી આશ્રમ માટેની મોદી-યોજના ગુપ્તતાથી ઘેરાયેલી અને મળતિયાવાદ (architect)થી  અંકાયેલી છે. આ પહેલાં ૧૯૬૦ના દાયકામાં પણ આશ્રમ સંકુલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, પણ તે ધોરણસરનું  ઉમેરણ હતું. ટ્રસ્ટીઓને આશ્રમના પરિસરમાં એક નાના સંગ્રહાલયની જરૂર જણાઈ હતી, ત્યારે તેમણે સ્થપતિ તરીકે પોતાના  ગુજરાતના નહીં પણ મુંબઈના ચાર્લ્સ કોરીઆની પસંદગી કરી હતી. સ્થપતિ અલગ ધર્મના અને ભારતના જુદા પ્રદેશના હોય એ બાબત, ગાંધીના સંકુચિતતાથી દૂર રહેવાના અભિગમ સાથે બંધબેસતી હતી. વળી, કોરીઆનું કામ બધે ખૂબ વખણાયું હતું. તેમણે ડિઝાઇન કરે સંગ્રહાલયનું કદ પ્રચંડ નહીં, પણ માનવીય છે. તેની મોકળાશવાળી પરસાળને આકાશ, પ્રકાશ, જમીન, નદી એવાં તત્ત્વો (the elements) અને આજુબાજુનાં ઝાડ સાથે સંવાદ છે. વળી, મ્યૂઝિયમનું બાંધકામ આશ્રમ પરિસરમાં ગાંધીના સમયમાં કરવામાં આવેલાં  બાંધકામો સાથે ભળી જનારું છે.

અમદાવાદના એક સાથી એવી રમૂજ કરે છે કે આપણે ત્યાં ‘એક દેશ, એક પક્ષ’ એવું સદ્‌ભાગ્યે ક્યારે ય નહીં બને, પણ આપણે ‘એક દેશ’ એક સ્થપતિ’ની દિશામાં તો આગળ વધી જ રહ્યા છીએ. જો કોઈ કરોડપતિ પોતાનાં જુદાં જુદાં પ્રકારનાં ઘર-દરિયાકાંઠાનું ઘર, કસબાનું ઘર, ડુંગર પરનું ઘર અને રણનું ઘર – એના પોતાના પૈસે એક જ સ્થપતિ પાસે બનાવડાવે તો તેના માટે કોઈ નૈતિક વાંધો લઈ ન શકાય. પણ કરદાતાના પૈસે તૈયાર થનારા બધા જ મોભાદાર સરકારી પ્રોજેક્ટ્‌સનું કામ જો એક જ સ્થપતિને સોંપવામાં આવે, તો તેમાં સવાલ થાય. કોઈ એક સ્થપતિ કોઈ એક નેતા અને તેના મહિમામંડન સાથે જોડાયા હોય, એવું માત્ર સરમુખત્યારશાહી શાસનમાં જોવા મળે છે. એક જ વ્યક્તિ મંદિરો માટે જાણીતાં પ્રાચીન શહેર, આધુનિક રાજધાની અને ગાંધીનો આશ્રમ ત્રણેયને ફરીથી ડિઝાઇન કરવાની પાત્રતા ધરાવતી હોય, તે મોદીશાસનના મળતિયાવાદ અને લાગવગશાહી પર પ્રકાશ ફેંકે છે. ભારતના સ્થાપત્ય ક્ષેત્રે અને ભારતમાં આ કરતાં ઘણી સારી પરિસ્થિતિ હોય તે જરૂરી છે.

વધારે સારો અને વધુ નીડર સમાજ મોદી અને તેમના સાથીદારોની વિદ્વંસકતા ચલાવી ન લે. ખેદની વાત છે કે સાબરમતી આશ્રમનાં ટ્રસ્ટીઓ ગુજરાતનાં હોવાને કારણે વિરોધ કરતાં નથી.  તેમને કદાચ ભીતિ હશે તે બદલો લેવામાં નામચીન એવી સરકાર તેમને કે તેમનાં પરિવારજનોને  નિશાન બનાવે. મોદી અને તેમના મળતિયાઓએ રચેલી યોજનાઓ આગળ વધશે. હવે આ માણસને (મોદીને) આપણે ઓળખી ગયા છીએ, એટલે એમની યોજનાઓમાં એવું કશું જ નથી હોતું કે જેમાં એમનો સ્વાર્થ ન હોય. મોદી સાબરમતી આશ્રમને મહાત્મા માટેનાં પ્રેમ કે આદર ખાતર રિડેવલપ કરી રહ્યા નથી. તેઓ આ કરી રહ્યા છે, તે પોતાની છબીને ચમકાવવા અને પોતાના ભૂતકાળને ફરીથી લખવા માટે.

નવી દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટામાં જે લૂંટ અને વિનાશ ચાલી રહ્યાં છે તેની ચોમેર ટીકા થઈ છે. પણ સાબરમતી આશ્રમનો સૂચિત વિનાશ આચરણની દૃષ્ટિએ વધુ ચિંતાજનક છે. મોદી દેશના પાટનગરની જમીન પર ગમે તેટલાં બેહૂદાં અને મોંઘાં બાંધકામો કરે તો પણ તેની કંઈક કાનૂની વૈધતા (legitimacy) છે એમ ગણી શકાય, કેમ કે એ જાહેર જમીન છે અને તેઓ દેશના ચૂંટાયેલા વડા પ્રધાન છે. ગાંધી આશ્રમની વાત સાવ જુદી છે. સાબરમતી આશ્રમ અને ગાંધી અમદાવાદના નથી, ગુજરાતના નથી, એ ભારતના સુધ્ધાં નથી : તે જન્મેલા અને નહીં જન્મેલા, અત્યારના આવતી પેઢીઓના દરેક માણસના છે. જેમની આખી જિંદગીનું કામ ગાંધીના કાર્યનું વિરોધી રહ્યું હોય તેવા રાજકારણી, અને એ રાજકારણી સાથેના મળતિયાપણાની મુખ્ય લાયકાત ધરાવતા એક સ્થપતિ – આ બંનેને મહાત્મા સાથે જોડાયેલી એક સહુથી પવિત્ર જગ્યાને બગાડી નાખવાનો કોઈ અધિકાર નથી.

[અનુવાદ : સંજય સ્વાતિ ભાવે, ‘ધ ટેલિગ્રાફ’, 17 જુલાઈ, 2021]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 04-06

Loading

વિસરાયેલી વિમુક્તિ

ગણેશ દેવી|Opinion - Opinion|14 August 2021

ઇતિહાસની તમામ મહત્ત્વપૂર્ણ ક્ષણો મૌનમાં આરંભાય છે અને અંતે મૌનમાં સમાઈ જાય છે. ઑગસ્ટ ૨૦૨૧નો મહિનો એવી ઘણી ચુપકીદીઓ વિશે – અને એક સદી પહેલાંની, ૧૯૨૦-૨૧ની એવી અનેક મહત્ત્વપૂર્ણ ક્ષણો જેણે આજનું ભારત ઘડ્યું તેના વિશે – વિચાર કરવાની ફરજ પાડે છે. ભારતના ઇતિહાસના એ સમયગાળામાં અનેક ઘટનાઓએ આકાર લીધો – એવી ઘટનાઓ જેણે ઈતિહાસમાં અમીટ છાપ છોડી અને એવી ઘટનાઓ પણ જેનું આજે ભારે મહત્ત્વ છે. ઑગસ્ટ ૧૯૨૦નો મોપલા બળવો આજે પણ ભૂલી ના શકાય. રાષ્ટ્ર હજુ પણ વૈવિધ્યપૂર્ણ સમાજના વિચારને પૂરેપૂરો અપનાવી શક્યો નથી. તે જ વરસે જમશેદપુરમાં તાતા સ્ટીલ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના સાથે ભારતમાં ઔદ્યોગિકી શહેરીકરણની શરૂઆત થઈ. પોલાદ તો આધુનિકતાની સંસ્કૃતિની કરોડરજ્જુ છે. ૧૯૨૧માં કોહિનૂર ફિલ્મ્સ કંપનીના નિર્માણ હેઠળની કાનજીભાઈ રાઠોડની ફિલ્મ ‘ભક્ત વિદુર’ પર પ્રતિબંધ મુકાયો તે પણ નોંધપાત્ર યાદગીરી છે, અને વ્હી. શાંતારામે બાબુરાવ પેન્ટરની ફિલ્મ ‘સુરેખા હરણ’માં અગ્ર અભિનેતા તરીકે કારકિર્દી આરંભી તે પણ. ભારત નામની એક સામૂહિકતાની રાષ્ટ્ર નામની એક અભિલાષાનો ઇતિહાસ આલેખવામાં આ કચકડાનાં સપનાંની કોઈ જોડ નથી. આ બે મૂક ચલચિત્રોએ – શબ્દશઃ ચુપકીદી સાથે – એ અભિલાષાની ખેંચતાણ માંડી, જે દેશને એક જ સમયે પાછળ મિથકોના યુગમાં અને આગળ આધુનિકતાના યુગમાં લઈ ગઈ.

પરંતુ, ૧૯૨૦-૨૧ની એ દુનિયા ભારત બહાર જોઈએ તો ૧૯૧૪-૧૯૧૮ના વિશ્વયુદ્ધ પછી ભયાવહ રીતે બદલાઈ ચૂકી હતી અને ભારતની અંદર જોઈએ તો અશાંતિ વધી રહી હતી, તે અરસામાં ઘણી વધારે નોંધપાત્ર ઘટના હતી ડો. ભીમરાવ આમ્બેડકરના સાપ્તાહિક ‘મૂકનાયક’નું આગમન. અગ્રણી દૈનિકો દલિતોનાં લખાણ પ્રસિદ્ધ કરવા તૈયાર નહોતાં, એટલે કોલ્હાપુરના પ્રગતિવાદી રાજકુમાર શાહુની આર્થિક સહાયથી ‘વૈકલ્પિક મીડિયા’ તરીકે મૂકનાયક શરૂ કરવામાં આવ્યું હતું. આમ તો એ પ્રકાશન લાંબો સમય ના ચાલી શક્યું, પણ હાંશિયે મુકાયેલાઓની અધિકાર માટેની લડતની શરૂઆતનું તે ચિહ્ન બન્યું.

બીજી પણ ત્રણ નિઃશબ્દ શરૂઆતો થઈ જેની સંયુક્ત અસર જોતાં તેનો ઉલ્લેખ કરવો ઘટે. ‘આશ્રમ’ એટલે પરિવર્તન માટેનું સ્થાન એવો પ્રાચીન વિચાર એ ત્રણેયે અપનાવ્યો. આ ત્રણ પ્રારંભોના કર્તા વેદકાળના ઋષિમુનિઓની યાદ અપાવે તેવા હતા, અને સૌ તેમને ગુરુદેવ, મહાત્મા અને મહર્ષિ તરીકે ઓળખતા થયા. ૧૯૨૦-૨૧નો ગાળો એ ત્રણેય વ્યક્તિઓ માટે આમૂલ પરિવર્તનનો સમય હતો. રવીન્દ્રનાથ ટાગોર (૧૮૬૧-૧૯૪૧), મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૬૯-૧૯૪૮) અને અરવિંદ ઘોષ (૧૮૭૨-૧૯૫૦) – એ ત્રણેમાં અરવિંદ ઉંમરમાં સૌથી નાના હતા. આઝાદીથી બરાબર ૭૫ વરસ પહેલાં ૧૫મી ઑગસ્ટે તેમનો જન્મ થયો હતો, અને બંગભંગ પછીનાં વરસોમાં અંગ્રેજ શાસનનો વિરોધ કરવામાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી. દેશદ્રોહના ગુના હેઠળ તેમને એક વરસની કારાવાસની સજા થઈ હતી, પછી તેમણે તેમની શક્તિઓ ‘ઈશ્વર’ વિશેના રૂઢિવાદી વિચારને પડકારવાના હેતુ સાથે ભારતીય દર્શનની વિવિધ શાખાઓના પુનરાધ્યયન કરવા તરફ વાળી. પુડુચેરી સ્થાયી થઈને તેમણે પરંપરાનાં નવાં અર્થઘટનો સર્જ્‌યાં, આ વિષય પરની દરેક નિષ્ણાત-સત્તાને પડકારી, અને અનન્ય ઊર્જા સાથે શ્રેષ્ઠ દાર્શનિક સાહિત્યનું સર્જન કર્યું. તેમના નિબંધો પહેલાં તેમના સામયિક ‘આર્ય’માં પ્રસિદ્ધ થયા અને પછી પુસ્તકાકારે એકઠા થયા – ધ લાઈફ ડિવાઈન, ધ સિન્થેસિસ ઓફ યોગ, એસેઝ ઓન ગીતા, ધ સિક્રેટ્‌સ ઓફ વેદ, હાઈમ્સ ટુ ધ મિસ્ટિક ફાયર, ધ રનેસોંસ ઓફ ઈન્ડિયા, ધ હ્યુમન સાયકલ અને ફ્યુટર પોએટ્રી. દાર્શનિક અધ્યયન તરીકે આ લખાણો અનુપમ રહેશે. ૧૯૨૦માં શ્રી અરવિંદે આર્યનું પ્રકાશન બંધ કરવાનો ર્નિણય કર્યો અને તમામ પ્રકારનું લખાણકાર્ય લગભગ અટકાવી દીધું, કારણ કે તેઓ તેમની બધી શક્તિઓ તેમના ગહન આધ્યાત્મિક મહાકાવ્ય, સાવિત્રી, માટે આપવાના હતા. તે પછીના ત્રણ દાયકા તેમણે પોતાની યૌગિક શક્તિઓ દ્વારા વિશ્વમાં ચેતનાનું સ્તર ઊંચું લઈ જઈને માનવજાતમાં પરિવર્તન આણવા માટે આપી દીધા. એ સ્વપ્ન સાકાર કરવા માટે આવશ્યક હતી સામૂહિક સાધના, જે માટે પુડુચેરીમાં તેમણે આશ્રમ સ્થાપ્યો.

ત્રણમાંથી સૌથી પહેલાં જન્મેલા, અને ૧૯૨૧માં તો નોબેલ પારિતોષિક સાથે વિશ્વભરમાં ખ્યાતિ પણ પ્રાપ્ત કરી ચૂકેલા રવીન્દ્રનાથ ટાગોરે ડિસેમ્બર ૧૯૨૧માં વિશ્વભારતીનું ઉદ્‌ઘાટન કર્યું. શિક્ષણ અને સર્જનાત્મકતા માટેની આ તદ્દન નવા જ પ્રકારની સંસ્થામાં તેઓ વિશ્વમાનવનું સર્જન કરવા માગતા હતા, એવા માનવ જે સંપૂર્ણ માનવજાતનું જતન કરે. મહર્ષિ અરવિંદની જેમ ગુરુદેવ ટાગોરે પણ જે યજ્ઞ આરંભેલો તે એક જૂથ-સમુદાય કે એક રાષ્ટ્ર માટે નહિ પણ સમગ્ર વિશ્વના હિત માટે હતો. પુડુચેરી અને શાંતિનિકેતનના આશ્રમ નવા વિશ્વ માટેના નવા વિચાર ઘડવાની પ્રયોગશાળા જેવા હતા.

ગાંધીને જે આત્મ-પરિવર્તનની એષણા હતી તે આ બંને પ્રયોગો કરતાં પણ વધુ મૂળગામી હતી. ગાંધીની જૂન ૧૯૨૧ની તસવીરો અને સપ્ટેમ્બર ૧૯૨૧ની તસવીરો સરખાવીએ તો મોટો તફાવત જોવા મળે છે. જૂનમાં તેમણે કાઠિયાવાડી પોષાક પહેર્યો છે, પણ સપ્ટેમ્બરમાં તેમણે લંગોટી પહેરી છે, માથું મુંડાવેલું છે અને ટોપી પહેરી નથી. આ પહેલાં ઑગસ્ટ ૧૯૨૦માં ટિળકના અવસાન સાથે લાલ-બાલ-પાલનો એટલે કે લાલા લજપત રાય, બાલ ગંગાધર ટિળક અને બિપિન ચન્દ્ર પાલનો યુગ આથમી ગયો હતો. એ શૂન્યાવકાશમાં ગાંધી જાણે કે ઝંઝાવાતની જેમ આવ્યા, ભારતના ખૂણેખૂણાના પ્રવાસ કર્યા, કૉન્ગ્રેસનાં વિવિધ જૂથોને એકઠા કર્યા, યુવાનોને સેવાદળ સ્થાપવાની પ્રેરણા આપી અને હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી સૌને રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસંગ્રામમાં જોતર્યા. ઑક્ટોબર ૧૯૨૦માં તેમણે ર્નિભયી સમાજસેવીઓ તૈયાર કરવા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને ડિસેમ્બર ૧૯૨૧માં કલકત્તા અધિવેશનમાં તેમણે કૉન્ગ્રેસનું સુકાન સંભાળ્યું.

એ પછી જે બન્યું તેમાં તો ઇતિહાસ રચાયો. ભારતમાં ગાંધીના આશ્રમજીવનનાં આ શરૂઆતનાં વરસો હતાં. પહેલાં તેમણે કોચરબમાં આશ્રમ સ્થાપેલો, પછીથી સાબરમતીના તીરે, શહેરથી થોડે બહાર નવો આશ્રમ સ્થાપ્યો. મૂળ નામકરણ થયેલું સત્યાગ્રહ આશ્રમ, પણ નદીના નામે તે સાબરમતી આશ્રમ તરીકે ઓળખાતો થયો. એક દાયકા પછી દાંડીકૂચ વખતે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખવાની જે શક્તિ ગાંધીમાં હતી તે આ આશ્રમના વાતાવરણમાં, તેના સિદ્ધાન્તોમાં અને તેની સાદગીમાં ઘડાયેલી.

આ ત્રણ આશ્રમોએ આપણો ઇતિહાસ સર્જ્‌યો છે, ચાહે આપણે એ યાદ રાખીએ કે પછી ભૂલવાનું પસંદ કરીએ.

૨૦૨૧માં સાબરમતી આશ્રમ પર જોખમ તોળાઈ રહ્યું છે. તેને વિશ્વ કક્ષાનું પ્રવાસી ધામ બનાવવાનું આયોજન થયું છે. તે હેતુસર સરકારે રૂ. ૧,૨૦૦ કરોડ ફાળવ્યા છે. જે સ્થપતિને દિલ્હીની ચર્ચાસ્પદ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના સોંપવામાં આવી છે, તેમને જ આશ્રમ પરિસરને આધુનિક બનાવવાની જવાબદારી સોંપાઈ છે. ગાંધી માટે સાદગીના સદ્‌ગુણનું મહત્ત્વ જરા ય ઓછું અંકાય એવું નહોતું. તેમણે એ જ સાદગીથી આ આશ્રમ ઊભો કર્યો. એ સાદગીના આધારે જ આ જગ્યા વિશ્વ કક્ષાની હતી અને આજે પણ છે. ત્યાં વી.આઈ.પી. ગેસ્ટહાઉસ અને સભાગૃહ ઊભાં કરાતાં ગાંધી ભુલાઈ જશે.

બધી રીતે જોતાં એમ લાગે છે કે સાબરમતી આશ્રમને નવો ઓપ આપવાનો હેતુ વિસ્મૃતિ પેદા કરવાનો છે, નહિ કે ગાંધીના વિચાર અને હિંમતને યાદ રાખવાનો. જે શાસન તેમના દુષ્પ્રચારનાં કારખાનાં મારફતે સતત આપણને આપણી આઝાદીની ચળવળ ભુલવાડવા મથે છે, ટાગોરે જેની વાત કરી તે મનની મુક્તિ અને શ્રી અરવિંદને જેનું દર્શન હતું તે આત્માની મુક્તિ ભુલાવવા મથે છે, તે શાસન પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખી પણ ન શકાય.                                     

અનુવાદ : આશિષ મહેતા

ગણેશ દેવી સાહિત્ય વિવેચક અને સાંસ્કૃતિક કર્મશીલ છે. (સૌજન્યઃ ‘ધ ટેલિગ્રાફ’)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 07-08

Loading

ચલ મન મુંબઈ નગરી—108

દીપક મહેતા|Opinion - Opinion|14 August 2021

પરદેશી કાપડ ભરેલો ખટારો અને બાબુ ગનુની શહાદત

ઠંડે કલેજે થયેલી હત્યા કે કમનસીબ અકસ્માત?

ટ્રક ડ્રાઈવર : નોકરી અંગ્રેજની કરું છું પણ છું હિન્દુસ્તાની 

શુક્રવાર, ૧૨ ડિસેમ્બર ૧૯૩૦. સવાર તો રોજ જેવી જ પડી હતી. વાતાવરણમાં ડિસેમ્બરની ટાઢક. દિવસ ઢળે એ પહેલાં મોટો ભડકો થવાનો છે એની તો કોઈને કલ્પના ય નહોતી. મુંબઈના કાલબાદેવી રોડ પર ભલે થોડી મોડી, પણ અવરજવર શરૂ થઈ હતી. ગાડામાં, ક્યારેક ખટારામાં, જાત જાતનો માલ ઠલવાઈ રહ્યો હતો – દેશી, અને પરદેશી પણ ખરો. હા, છેક ૧૯૨૧માં આ જ મુંબઈમાંથી પરદેશી કાપડ અને ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવાની હાકલ ગાંધીજીએ દેશને કરી હતી. જુલાઈની ૩૧મીએ પરેલમાં આવેલી એલ્ફિન્સ્ટન મિલ પાસે પહેલવહેલી વાર પરદેશી કાપડની જાહેર હોળી કરીને ગાંધીજીએ આખા દેશને રસ્તો બતાવ્યો હતો. એ દિવસે કરેલા ભાષણમાં તેમણે કહેલું : ‘સ્વદેશી વગર સ્વરાજ શક્ય જ નથી. પરદેશી કાપડનો બહિષ્કાર એ સ્વતંત્રતા તરફનું પહેલું પગલું છે. આજે આપણે જે કર્યું તે પરદેશી કાપડની હોળી નહિ, પણ સ્વતંત્રતા માટેના યજ્ઞમાં પહેલી આહુતિ આપી છે. અને આ પવિત્ર કામનો આરંભ મારે હાથે થયો એને હું મારું સદ્ભાગ્ય માનું છું.’

છતાં છેક ૧૯૩૦ સુધી પરદેશી કાપડની આયાત પૂરેપૂરી બંધ થઈ નહોતી. ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૨મી તારીખે માન્ચેસ્ટરની એક મિલના પ્રતિનિધિ જ્યોર્જ ફ્રેઝરે પોલીસ રક્ષણની માગણી કરી. કેમ? જૂની હનુમાન ગલ્લીમાં તેનું ગોડાઉન હતું, કોટ વિસ્તારમાં ઓફિસ હતી. પરદેશી કાપડની ગાંસડીઓ ગોડાઉનથી ઓફિસ લઈ જવા માગતો હતો. પ્રિન્સેસ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની એક ટુકડી તેની સાથે જૂની હનુમાન ગલ્લી ગઈ. પણ આ વાતની ગંધ આવી ગઈ હતી એટલે કોન્ગ્રેસના બારેક સ્વયંસેવકો ગોડાઉનની બહાર પિકેટિંગ કરવા ઊભા રહી ગયા હતા. ગાંસડીઓ ભરીને પહેલો ખટારો નીકળ્યો ત્યારે કેટલાક સ્વયંસેવક તેનો રસ્તો રોકીને ઊભા રહી ગયા. પોલીસે તરત જ તેમની ધરપકડ કરી, અને પહેલો ખટારો કોઈ મુશ્કેલી વગર ગોડાઉન પરથી તો નીકળી ગયો. પણ કાલાબાદેવી રોડ અને ભાંગવાડીના કોર્નર પર એક બાવીસ વરસનો લવરમૂછિયો યુવાન ખટારાને રોકવા રસ્તા પર સૂઈ ગયો. એનું નામ બાબુ ગનુ. ભણ્યો નહોતો. પણ સાચું શું અને ખોટું શું એ ગણતાં શીખેલો. હતો મિલ મજૂર. એટલે જાત અનુભવે પરદેશી અને સ્વદેશી કાપડનું ગણિત બરાબર જાણતો હતો. એણે નક્કી કર્યું કે આ ખટારાને રસ્તામાં જ રોકવો અને કંપનીની ઓફિસ સુધી પહોંચવા ન દેવો.

વીર શહીદ બાબુ ગનુ

સમજાવટનો કશો અર્થ નથી એમ જણાતાં પોલીસે ટ્રક ડ્રાઈવર બલવીર સિંહને કહ્યું કે આ માણસના શરીર પરથી ટ્રક હંકારી જા. પણ તેણે કહ્યું કે હું નોકરી ભલે અંગ્રેજની કરતો હોઉં, પણ છું તો હિન્દુસ્તાની. મારા દેશભાઈના દેહ પરથી કોઈ હિસાબે ખટારો ચલાવીશ નહિ. આ સાંભળીને પોલીસ અધિકારીનો પિત્તો ગયો. ખેંચીને ડ્રાઈવરને ટ્રકમાંથી ઊતાર્યો, મારઝૂડ કરી. પછી પોતે ટ્રકમાં બેઠો. આગળ-પાછળનો કશો ય વિચાર કર્યા વગર પૂરેપૂરી નિર્દયતાપૂર્વક એ ગોરા પોલીસ અધિકારીએ ખટારો આગળ ચલાવ્યો. બીજી જ ક્ષણે બાબુ ગનુનો દેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. જૂની હનુમાન ગલ્લી આગળ જે પોલીસ ટૂકડી ઊભી હતી તે તરત ઘટના સ્થળે પહોંચી. ટ્રકને પ્રિન્સેસ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને લઈ ગયા અને બાબુ ગનુને નજીકની જી.ટી. હોસ્પિટલ લઈ ગયા.

બાબુ ગનુ હોસ્પિટલની સ્ટ્રેચર પર

આ બનાવના સમાચાર આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા. ટપોટપ દુકાનો બંધ થવા લાગી. બાબુ ગનુને જી.ટી. હોસ્પિટલ લઈ ગયા છે એવા ખબર ફેલાતાં લોકોનાં ટોળેટોળાં હોસ્પિટલની બહાર ભેગાં થયાં. ડોક્ટરોએ બાબુ ગનુને તપાસીને ખોપરીમાં ફ્રેકચર થયું છે એવું નિદાન કર્યું. ઓપરેશન કરતી વખતે જાણવા મળ્યું કે મગજ આખું છુંદાઈ ગયું છે. છેવટે સાંજે ૪:૩૫ વાગ્યે તેનો જીવનદીપ બુઝાઈ ગયો. આ ખબર ફેલાતાં ફરી લોકોનાં ટોળાં ભાંગવાડી પાસે ભેગાં થયાં. એ જગ્યા જાણે મંદિર બની ગઈ. ફૂલ-હારના ઢગલે ઢગલા. આસપાસ બધે અગરબત્તીની સુવાસ. ક્યાંક રામનામની ધૂન, તો ક્યાંક દેશભક્તિનાં ગીતો. પણ લોકો બિલકુલ શાંત હતા. પોલીસ પણ શાંતિથી ઊભી ઊભી બધું જોતી હતી. રાતના સાડા દસ વાગ્યા, પણ લોકોની ભીડ ઓછી થવાનું નામ લેતી નહોતી. પોલીસના ગોરા અધિકારીઓ હવે અકળાયા. તેમણે લાઠી ચાર્જ કરવાનું નક્કી કર્યું. ત્યાં ફરજ પર હતા તે પોલીસોને હુકમ આપવાને બદલે તેમણે લાઠીધારી ૫૦ પોલીસની નવી ટુકડી બોલાવી. હુકમ થતાં જ તેમણે આડેધડ લાઠી ચાર્જ શરૂ કર્યો. તેમાં સાત પુરુષ અને એક સ્ત્રીને ગંભીર ઈજાઓ થઈ. તેમને પણ જી.ટી. હોસ્પિટલમાં પોલીસે દાખલ કર્યાં. ધીમે ધીમે લોકો વિખરાયા. પછી ફૂલ-હાર, ધૂપ-દીવા વગેરેને પોલીસોએ પગ નીચે કચડીને આગ ચાંપી દીધી. આ જોઈને આજુબાજુમાં રહેતા કેટલાક લોકોએ પોતાના ઘરમાંથી શોધી શોધીને પરદેશી કપડાં એ આગમાં ફેંક્યાં.

બાબુ ગનુની શહીદીના સમાચાર

ડિરેક્ટર ઓફ ઇન્ફર્મેશન તરફથી અખબારી યાદી બહાર પાડવામાં આવી જે સરકાર તરફી બધાં અખબારોએ પહેલે પાને છાપી. એ યાદીમાં આ આખા બનાવને ‘પ્યોર એક્સિડન્ટ’ ઠરાવવામાં આવ્યો હતો. તેમાં જણાવેલું કે ગોડાઉનમાંથી કાપડની ગાંસડીઓ ભરીને ખટારો રવાના થયો ત્યારે કેટલાક કોંગ્રેસી સ્વયંસેવકોએ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તરત જ પોલીસે તેમની ધરપકડ કરી અને બે ખટારા ત્યાંથી સુખરૂપ રવાના થયા. પણ ત્રીજો ખટારો મુખ્ય રસ્તા પર આવ્યો ત્યારે આસપાસથી ટ્રક પર જોરદાર પથ્થરમારો થયો. તેથી ડ્રાઈવરને સારી એવી ઇજા થઈ, છતાં તેણે બહાદુરીપૂર્વક ખટારો આગળ ચલાવ્યો. પણ પછી તે બેભાન થઈને ઢળી પડ્યો. બાબુરાવ નામનો નવા નાગપાડાનો રહેવાસી યુવાન ટ્રકની આગળ દોડતો અને બૂમો પાડતો હતો. એકાએક તે રસ્તાની વચ્ચોવચ ઠોકર લાગતાં પડી ગયો. અને કમનસીબે બેભાન થયેલા ડ્રાઈવરના ટ્રકનાં પૈડાં તળે આવીને ગંભીર રીતે ઘવાયો. એક અંગ્રેજ સાર્જન્ટ અપ્રતિમ હિંમત અને કુશળતા બતાવીને ચાલતી ટ્રકમાં ચડી ગયો અને ટ્રકને રોકી. ટ્રકની પાછળ પાછળ એક વિક્ટોરિયામાં બે સાર્જન્ટ અને એક હેડ કોન્સ્ટેબલ જઈ રહ્યા હતા. તેમને રોકીને લોકોએ હુમલો કર્યો તેમાં ત્રણે ઘવાયા હતા. પોલીસ બાબુરાવને તાબડતોબ હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરોના પૂરેપૂરા પ્રયત્નો છતાં કમનસીબે એ યુવાનને બચાવી શકાયો નહિ. બાબુરાવને જાણી જોઈને ખટારા નીચે કચડી નાખવામાં આવ્યો એમ કહેવું એ સદંતર ખોટું અને વાહિયાત છે. આ આખો બનાવ કેવળ એક કમનસીબ અકસ્માત હતો. વળી આ ખટારો એક અંગ્રેજ સાર્જન્ટ ચલાવી રહ્યો હતો એમ કહેવું એ પણ સદંતર ખોટું છે. એ તો ફક્ત ટ્રકને રોકવા માટે તેના પર બહાદુરીપૂર્વક ચડ્યો હતો. જો તેણે આમ ન કર્યું હોત તો હજી બીજા ઘણા લોકોના જાન ગયા હોત. – સરકાર ઉવાચ.

અંગ્રેજી છાપાંઓમાં એક માત્ર બોમ્બે ક્રોનિકલે આ અખાબારી યાદીની સાથોસાથ, પહેલા જ પાના પર, પોતાનો વિસ્તૃત અહેવાલ છાપ્યો જેમાં સાચી હકીકત શી હતી તે જણાવ્યું.

કાલબાદેવી રોડ, ૨૦મી સદીની પહેલી પચ્ચીસીમાં

બીજે દિવસે સવારે આઠ વાગ્યે દાણા બંદરથી વીર શહીદ બાબુ ગનુની સ્મશાનયાત્રા શરૂ થઈ. મૂળજી જેઠા માર્કેટ, મંગળદાસ માર્કેટ, કાલબાદેવી, અને ઠાકુરદ્વાર થઈને તે સોનાપુરની સ્મશાનભૂમિ પહોંચી. ‘ગિરગામ સ્વાતંત્ર્ય સંઘ’ તરફથી મૂંગું સરઘસ કાઢવામાં આવ્યું. સાંજે પાંચ વાગ્યે ગિરગામ ચોપાટીથી શરૂ થયેલું સરઘસ ગિરગામ રોડ પર થઈને આઝાદ મેદાન પહોચ્યું. ત્યાં ભરાયેલી જાહેર સભામાં શહીદ બાબુ ગનુને ભાવસભર અંજલિઓ અપાઈ. સભાના પ્રમુખસ્થાનેથી બોલતાં લીલાવતી કનૈયાલાલ મુનશીએ કાલાબાદેવી રોડનું નામ બદલીને બાબુ ગનુ રોડ રાખવાની જાહેર માગણી કરી હતી. રવિવારે સવારે કેટલાક લોકોએ ભાંગવાડી પાસે બાબુ ગનુનો ફોટો ગોઠવીને તેને હારતોરા પહેરાવ્યા હતા. ફોટા પાસે બે અખંડ દીવા અને કોંગ્રેસનો ધ્વજ રાખવામાં આવ્યા હતા. રોજ સેંકડો લોકો આ ‘મંદિર’નાં દર્શને આવતા થયા હતા.

પણ આ બાબુ ગનુ હતા કોણ? ૧૯૦૮માં પૂણે જિલ્લાના મ્હાળુંગે, પડવળ ખાતે જન્મ. બાપ ગરીબ ખેડૂત. બાબુ ગનુ માંડ બે વરસના થયા ત્યાં તો બાપનું અવસાન થયું. આજીવિકાનો બધો મદાર ખેતી પર. થોડા વખત પછી એક માત્ર બળદ પણ મરી ગયો. હવે ખેતી કરવાનું અઘરું બન્યું. બાબુનાં માએ મુંબઈ જવાનો નિર્ણય લીધો. બાબુ, અને તેમનાં મોટાં ભાઈ-બહેનને સોંપ્યાં એક પડોશણને. અને પોતે એકલાં પહોંચ્યાં મુંબઈ. ગામડાની અભણ સ્ત્રી. ઘર કામ સિવાય મુંબઈમાં બીજું શું કરી શકે? થોડા પૈસા ભેગા થયા એટલે ત્રણે બાળકોને મુંબઈ બોલાવી લીધાં. ત્રણમાંથી કોઈને નિશાળે મોકલવાનું તો પોસાય એમ જ નહોતું. બાબુએ કાપડની મિલમાં મજૂરી કરવાનું શરૂ કર્યું. સાથોસાથ સ્થાનિક રાજકારણમાં રસ લેતા થયા. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. તેમાં ય પરદેશી કાપડનો બહિષ્કાર અને સ્વદેશીનો પુરસ્કાર કરવાની વાત તો તેમના મનમાં બરાબરની ચોંટી ગઈ. અને એ વાત જ તેમને શહીદી તરફ દોરી ગઈ.

મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની નેતાગીરી નીચે બાબુ ગનુ જેવા અસંખ્ય લોકોએ શહીદી વહોરી લીધી તેને પરિણામે દેશ આઝાદ થયો. ૧૪-૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની એ રાત ક્યારે ય ભૂલાશે નહિ. મુંબઈ લગભગ આખી રાત જાગ્યું હતું. ઘરે ઘરેથી રેડિયો પરથી પંડિત નેહરુનો અવાજ મધરાતે વાતાવરણમાં ફેલાઈ ગયો હતો : “જબ તક એક એક ઇન્સાન હિન્દુસ્તાન કા આઝાદી કી હવા મે ન રહ સકે, ઔર ઉસ કી તકલીફેં દૂર ન હો, ઔર જો મુસીબતે હૈં ઉસકો હટાઈ ન જાય, તબ તક હમારા કામ પૂરા નહિ હોગા.” આજે જ્યારે દેશ આઝાદીના ૭૫માં વરસમાં પ્રવેશી રહ્યો છે ત્યારે પણ પંડિતજીનો એ અવાજ આપણા કાનમાં ગુંજી રહ્યો છે.

e.mail ; deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 14 ઑગસ્ટ 2021

Loading

...102030...1,9621,9631,9641,965...1,9701,9801,990...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved