Opinion Magazine
Number of visits: 10,226,104
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશપ્રેમ ભૌગોલિકતામાં નથી, માનવતામાં છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 August 2021

અંગ્રેજી ભાષાનો શબ્દકોશ તૈયાર કરનાર બ્રિટિશ વિદ્વાન સેમ્યુઅલ જોહ્ન્સને ૧૭૭૫માં કહ્યું હતું કે, પેટ્રીઓટિઝમ ઈઝ ધ લાસ્ટ રેફ્યુઝ ઓફ ધ સ્કૈઉન્ડ્રલ – દેશપ્રેમ બદમાશ લોકોનું છેલ્લું આશ્રયસ્થાન છે. એનો અર્થ એ થાય કે દેશપ્રેમના નામે કોઈ પણ અપરાધ કે ગેરવર્તન ચલાવી લેવામાં આવે છે. એક વર્ષ પહેલાં, ૧૭૭૪માં, જોહ્ન્સને બ્રિટિશ મતદારો સામે આપેલા એક ભાષણમાં સરકારમાં બેઠેલા લોકોના ખોટા દેશપ્રેમની ટીકા કરી હતી. એ ભાષણ પછી ‘ધ પેટ્રીઓટ’ તરીકે પ્રગટ થયું હતું. તેમાં તેણે કહ્યું હતું : “દેશપ્રેમી એ છે જેનો સાર્વજનિક વ્યવહાર તેના દેશ માટેના પ્રેમથી નિયંત્રિત હોય. સંસદના પ્રતિનિધિ તરીકે તેનામાં પોતાના માટે ન કોઈ આશા કે ડર હોય, ન દયા કે ઘૃણા હોય, પણ તેની દરેક બાબતમાં આમ જનતાનું હિત હોય.”

જોહ્ન્સને આ કહ્યું તેના ૨૦૦ વર્ષ પછી, ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પરની ચર્ચામાં વાજપેયીએ કહ્યું હતું, “આ લોકશાહી છે અને લોકશાહીમાં જવાબદારી હોય છે. આપસી હોડમાં આપણે એકબીજાના દેશપ્રેમ પર દબાવ નાખવો ન જોઇએ, એકબીજાના દેશપ્રેમને પડકાર ફેંકવો ન જોઇએ અને એકબીજાના દેશપ્રેમ પર સંદેહ કરવો ન જોઇએ. મૂળભૂત સર્વસંમતી જેવું હોવું જોઈએ તે પણ નથી.”

જોહ્ન્સનની વાતને થોડા જુદા શબ્દોમાં કવિ રવીન્દ્રનાથ ટાગોરે પણ કહી હતી. ૧૯૦૮માં, વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝની પત્ની અબલા બોઝની ટીકાનો જવાબ આપતાં ટાગોરે એક જગ્યાએ લખ્યું હતું કે, “દેશભક્તિ આપણો અંતિમ આધ્યાત્મિક સહારો ન બનવી જોઈએ. મારો આશ્રય માનવતા છે. હું હીરાની કિંમતે કાચ નહીં ખરીદું. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી માનવતા ઉપર દેશભક્તિની જીત નહીં થવા દઉં.”

આજે આપણે ૭૫મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે દેશપ્રેમ કોને કહેવાય તે પ્રશ્ન એટલો જ પ્રાસંગિક છે, જેટલો તે જોહ્ન્સના સમયમાં હતો. દેશને પ્રેમ કરવો એટલે શું? મોટા ભાગના લોકો દેશને પ્રેમ કરવાનો મતલબ ભારતની જમીનને પ્રેમ કરવાનો કરે છે, અને દેશની બહાર છે તેને નફરત કરે છે. આ પ્રતીકાત્મક પ્રેમ છે. આવા પ્રતીક તરીકે રાષ્ટ્રધ્વજ પણ છે. બહુ બધા લોકો માટે રાષ્ટ્રધ્વજ સામે ઊભા રહી છાતી ફુલાવવી એ દેશનો પ્રેમ ગણાય છે. કેટલાક લોકો માટે બંદૂકો અને તોપો એ દેશપ્રેમ છે. ટાગોરે એટલે માનવતાનો પ્રેમ એ દેશપ્રેમ છે એમ કહ્યું હતું.

દેશને પ્રેમ કરવો એટલે એની ભૌગોલિકતા અને એના ઇતિહાસને પ્રેમ કરવો એ ખાસ્સો સંકુચિત અભિગમ છે. આ સૌથી સરળ રસ્તો પણ છે. આમાં કોઇ કર્તવ્યપાલન નથી આવતું. વાજપેયીના શબ્દોમાં, ‘જવાબદારી નથી આવતી.’ તમે વગર ટિકિટે ટ્રેનમાં બેસીને કે રસ્તામાં પાનની પિચકારી મારીને કે લાંચ-રુશ્વત લઇને કે કોઈનું શોષણ કરીને પણ 15મી ઑગસ્ટે દેશપ્રેમનાં ગીત ગાઈને દેશપ્રેમ બતાવી શકો છો.

ભારતીય તરીકે મારી કોઈ વિશેષ યોગ્યતા હોવી જોઈએ? મારી કોઈ ચોક્કસ સંસ્કૃતિ હોવી જોઈએ જે મને ભારતીય તરીકે વ્યાખ્યાઇત કરે? ભારતીય હોવાની કેટલીક ઓળખો છે – જેમ કે પારિવારિક મૂલ્યો, સામાજિક પરંપરા અને દાયિત્વ, સાંસ્કૃતિક પસંદ-નાપસંદ, ભાષા અને ધાર્મિક અભિવ્યક્તિ, પરંતુ આ બધું મને દેશપ્રેમી બનાવે છે?

દેશનો અર્થ નકશા અને પ્રતીકોને પ્રેમ કરવાનો નથી. દેશ સરહદોથી બનતો નથી. દેશની રચના અને ઓળખ લોકોના સમૂહથી બને છે. થોડાં વર્ષો પહેલાં આવેલી ‘એરલિફ્ટ’ ફિલ્મમાં રણજિત (અક્ષયકુમાર) કુવેતના યુદ્ધમાં ફસાયેલા લોકોની જે મદદ કરે છે એ દેશપ્રેમ છે. તેમાં જ્યોર્જ કુટ્ટી (પ્રકાશ વેલાવાડી), જે રીતે રણજિતને પરેશાન કરતો રહે છે અને ‘અમે અને તમે’નો ભેદભાવ કરતો રહે છે, તે રાષ્ટ્રવાદથી પ્રભાવિત છે. દેશપ્રેમ એ છે જેમાં તમને એક સુંદર દેશના નાગરિક હોવાનો આનંદ છે. રાષ્ટ્રવાદ એ છે જ્યાં તમારી સંસ્કૃતિ, ભાષા કે ધર્મમાં માનતા ન હોય તેવા તમામ લોકો તમારા માટે ઘટિયા છે.

ભૌગોલિક રૂપમાં દેશની રચના ખાસ્સી નવી છે. રામના સમયમાં અયોધ્યા જન્મભૂમિ હતી, ભારત નહીં. ગામડામાં આજે પણ લોકો પોતાના ઇલાકાને ‘દેશ’ કહે છે. મુંબઈના કચ્છીઓ વતન જાય તો ‘દેશ ગયા છે’ એવું કહે છે. હજુ થોડાં વર્ષો પહેલાં બાંગ્લાદેશનાં અમુક ગામો ભારતમાં આવ્યાં હતાં અને ભારતનાં અમુક ગામો બાંગ્લાદેશમાં ગયાં હતાં. યુરોપમાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં પણ લોકો દેશ બદલતા રહેતા હતા. બાંગ્લાદેશમાં એવા વયોવૃદ્ધ લોકો પણ છે, જે જન્મ્યા હતા ભારતમાં, પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા અને બાંગ્લાદેશના નાગરિક બન્યા હતા. એક સમયે કાશ્મીરના મહારાજાથી લઇને જૂનાગઢના નવાબ સુધીના સામંતી રાજાઓ ભારતથી અલગ રહેવા માગતા હતા.

ટૂંકમાં, સીમાઓના રૂપમાં દેશની ભૂગોળ બદલાતી રહે છે. એટલે જરૂરી એ છે કે દેશ પ્રત્યેનો પ્રેમ સીમાઓમાં બંધાયેલો રહેવાને બદલે માણસો પર કેન્દ્રિત થાય. દેશમાં રહેતા લોકોને પ્રેમ કર્યા વગર દેશને પ્રેમ કરી શકાય? તમે એક સમુદાય અથવા વર્ગને પ્રેમ કરો પણ બીજા સમૂહને નફરત કરો તો એ દેશપ્રેમ ગણાય? એટલા માટે જ, કાશ્મીરની જમીન માટે આપણો દેશપ્રેમ ઉભરાય છે, પણ એમાં રહેતા કાશ્મીરીઓ માટે તે પ્રેમ ગાયબ છે.

વધતા ઓછા અંશે ભારતના બાકીના પ્રદેશોમાં પણ આપણી ભાવના જમીન સાથે તો જોડાયેલી છે, પરંતુ એની પર રહેતા (અને આપણાથી જુદા) લોકો એ ભાવના માટે કાબેલ નથી. ભારતમાં જાત-ભાતના તિરસ્કાર છે. દલિતો અને હરિજનોને હજુ ય પશુ સ્તરે ગણવામાં આવે છે. સ્ત્રી હજુ ય પાપનું મૂળ ગણાય છે. ઇશાન ભારતના નાગરિકો હજુ ય મુખ્ય ભારતથી વંચિત મહેસૂસ કરે છે.

ટોકિયો ઓલેમ્પિકમાં આર્જેન્ટીના સામે સેમીફાઈનલ મેચ હારી ગયેલી ભારતીય મહિલા હોકી ટીમની સભ્ય વંદના કટારિયાના ઉત્તરાખંડ સ્થિત ઘર સામે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. કેમ? વંદના દલિત છે અને ગામ લોકોને એવું લાગ્યું હતું કે ટીમમાં ‘વધારે પડતા’ દલિતો હતા એટલે ભારત હારી ગયું. તેનું મહેણું મારવા માટે તેમણે ફટાકડા ફોડ્યા હતા. પાકિસ્તાન સામે ફટાકડા ફોડો કે દેશના લોકો સામે, આમાં ક્યાં દેશપ્રેમ આવ્યો?

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 ઑગસ્ટ 2021

Loading

આ વાત છે ૧૯૪૨ના કૉન્ગ્રેસ રેડિયોની અને તેની પાછળ રહેલી બાવીસ વરસની છોકરીની દેશદાઝની

દીપક મહેતા|Opinion - Opinion|15 August 2021

૧૯૪૨ના ઓગસ્ટ મહિનાની એક સાંજ. મુંબઈનાં ઘણાં ઘરોમાં લોકો રેડિયોનું ચકરડું ઘૂમાવીને એક નવું સ્ટેશન શોધી રહ્યા છે. સ્ટેશન પકડાય છે. પણ હજી કાર્યક્રમ શરૂ થયો નથી. આ સ્ટેશન પરથી આજે પહેલવહેલો કાર્યક્રમ રજૂ થવાનો છે. ઘરઘરાટી બંધ થાય છે અને બાવીસ વરસની એક છોકરીનો અવાજ ગૂંજી ઊઠે છે : “This is the Congress Radio calling on 42.34 meters from somewhere in India.” એ અવાજ હતો ઉષા મહેતાનો. પછી તો રોજ સાંજે કેટલા ય લોકો આ અવાજની રાહ જોતા. દરરોજના કાર્યક્રમની શરૂઆત થતી ‘સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા’ એ ગીતથી, અને છેલ્લે ‘વંદેમાતરમ્.’ વચમાં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ વિશેના સમાચાર, નેતાઓનાં ભાષણ, મુલાકાત, વગેરે. ૧૯૪૨ની ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એ જો એક નવલકથા હોય, તો આ કૉન્ગ્રેસ રેડિયો એ તેનું એક ટૂંકું પણ ઝળહળતું પ્રકરણ છે.

આ પ્રકરણની પ્રમાણભૂત, દસ્તાવેજી વિગતો, ફોટા, માહિતી વગેરેને પહેલી વાર રજૂ કરતું અંગ્રેજી પુસ્તક તાજેતરમાં જ પ્રગટ થયું છે. Congress Radio : Usha Mehta and the Underground Radio Station of 1942 નામનું આ પુસ્તક લખ્યું છે વિદૂષી ઉષાબહેન ઠક્કરે. એમની એક ઓળખાણ ડો. ઉષા મહેતાનાં વિદ્યાર્થી તરીકેની. બીજી ઓળખાણ મુંબઈના મણિભવન ગાંધી સંગ્રહાલયનાં માનદ્દ નિયામક તરીકેની. અગાઉ મુંબઈમાં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક હતાં. ગાંધીજીના રંગે પૂરાં રંગાયેલાં, પણ ચોખલિયા ગાંધીવાદી નહિ. મન અને વિચારો બંધિયાર નહિ, મુક્ત. પણ મક્કમ.

ડો. ઉષાબહેન ઠક્કર                                                 ડો. ઉષાબહેન મહેતા

આ વિષય પર પુસ્તક લખવાનું કેમ સૂઝ્યું એવા સવાલના જવાબમાં ઉષાબહેન ઠક્કર કહે છે કે આપણી આઝાદી માટેની લડતનું આ એક ઉજ્જવળ પ્રકરણ છે, પણ તેને અંગે લખાયું છે બહુ ઓછું. એનું એક કારણ એ કે આ પ્રકરણનાં નાયિકા ડો. ઉષાબહેન મહેતા સ્વભાવે જાતને ભૂંસી નાખનારાં. બીજું કોઈ વાત કાઢે તો પણ હસીને કહે કે ‘એમાં કોઈ મોટું કામ મેં ક્યાં કરેલું? મને આવડ્યું એ રીતે મેં તો મારી ફરજ બજાવેલી.’ એટલે આ રેડિયો સ્ટેશન વિષે પુસ્તક લખવા માટે અનેક જગ્યાએ ખાંખાખોળાં કરવાં પડે. લેખિકાએ એ કર્યાં. જે માહિતી મળી એને એકઠી કરી, ચકાસી. મળ્યા તેટલા દસ્તાવેજી પુરાવા ભેગા કર્યા. જે કથા ઉઘડતી ગઈ તેમાં સાહસ હતું, ભેદભરમ હતો, પોલીસ સાથેની સંતાકૂકડી હતી. દેશદાઝ હતી, સર ફરોસી કી તમન્ના હતી. અને આ પુસ્તકનાં લેખિકાએ એ વાતને રજૂ પણ એવી જ રીતે કરી છે. સાચને આંચ ન આવે એ રીતે વાતને રોચક બનાવીને રજૂ કરી છે.

આ રેડિયો પ્રસારણ ક્યાંથી થાય છે એ જાણવા બ્રિટિશ સરકારે ઘણા ધમપછાડા મારેલા. પણ થોડે થોડે દિવસે ઉષાબહેન મહેતા અને સાથીઓ રેડિયોનું ટ્રાન્સમિટર જૂદી જૂદી જગ્યાએ ફેરવતાં. એટલે સરકારને માહિતી મળે અને પોલીસ ત્યાં જાય ત્યાં સુધીમાં તો ટ્રાન્સમિટર બીજે ખસેડાઈ ગયું હોય! પણ છેવટે કૉન્ગ્રેસ રેડિયો માટે કામ કરતો એક ટેકનીશિયન જ ફૂટી ગયો. તે જાતે પોલીસને રેડિયો સ્ટેશન પર લઈ આવ્યો. સાંજનો કાર્યક્રમ શરૂ થવામાં હતો અને ઉષાબહેન મહેતા અને કેટલાંક સાથીઓ પકડાઈ ગયાં.

અદાલતમાં કેસ ચાલ્યો ત્યારે ક્રાંતિકારીઓનો બચાવ કરવા મોતીલાલ સેતલવાડ, કનૈયાલાલ મુનશી, અને જસ્ટિસ (નિવૃત્ત) તેંદુલકર જેવા નામી વકીલો કોર્ટમાં ઊભા રહ્યા. ઉષાબહેન મહેતાને સખત મજૂરી સાથેની ચાર વરસની સજા થઈ. તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યાં. બીજા સાથીઓને પણ વધતી-ઓછી સજા થઈ. રેડિયો સ્ટેશન ખાતર અભ્યાસ અધૂરો મૂકનાર ઉષાબહેન મહેતાએ ૧૯૪૭ પછી ફરી અભ્યાસ શરૂ કર્યો. પીએચ.ડી. થયાં, વિલ્સન કોલેજ અને મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યાં. ૧૯૮૦માં નિવૃત્ત થયાં. જો ધાર્યું હોત તો આઝાદી પછી રાજકારણમાં પડીને પદ, પૈસા, પ્રતિષ્ઠા સહેલાઈથી મેળવી શક્યાં હોત. પણ ગાંધીજીના એક સાચા અનુયાયી તરીકે આવાં બધાં જ પ્રલોભનોથી દૂર રહ્યાં. ૧૯૯૮માં ભારત સરકારે પદ્મભૂષણનું સન્માન આપીને તેમના ફાળાનો ઋણસ્વીકાર કર્યો. ઈ.સ. ૨૦૦૦ના ઓગસ્ટની ૧૧મીએ તેમનું અવસાન થયું.

ઉષાબહેન ઠક્કરે અગાઉ Gandhi in Bombay : Towards Swaraj નામના પુસ્તકમાં ગાંધીજી અને મુંબઈ શહેર વચ્ચેના સંબંધને પણ ઝીણવટપૂર્વક તપાસીને એ વિષયનું મહત્ત્વનું દસ્તાવેજીકરણ કર્યું છે. તેનો ગુજરાતી અનુવાદ ‘ગાંધી અને મુંબઈ : સ્વરાજ્યના પંથે’ નામથી પ્રગટ થયો છે. આ ઉપરાંત તેમનાં બીજાં સાતેક પુસ્તકો અંગ્રેજીમાં પ્રગટ થયાં છે, જેમાંનાં કેટલાંક તેમણે અન્યોની સાથે મળીને લખ્યાં છે.

આજે જ્યારે આપણો દેશ આઝાદીના ૭૫મા વરસમાં પ્રવેશી રહ્યો છે ત્યારે આ પુસ્તક એક અનોખા સ્વાતંત્ર્ય સેનાનીની સાચી ઓળખ કરાવીને તેમના કાર્યનો સાંગોપાંગ પરિચય કરાવે છે. પેન્ગ્વિન જેવી પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાએ આ પુસ્તક પ્રગટ કર્યું છે.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

Loading

સૂચિત ગાંધી આશ્રમ પ્રોજેક્ટ : સરકાર થકી ગાંધીજીની ફરી એક વાર હત્યા

રામચન્દ્ર ગુહા|Opinion - Opinion|14 August 2021

૧૯૭૯માં હું પહેલી વાર અમદાવાદ ગયો અને તેના પછીના દાયકામાં વ્યાવસાયિક અને  વ્યક્તિગત બંને કારણોસર ત્યાં ઘણી વખત જવાનું થતું રહ્યું. ત્યાર બાદ મેં ગાંધી પરનું મારું સંશોધન શરૂ કર્યું અને આ શહેર સાથેનું મારું જોડાણ વધ્યું. ૨૦૦૨ના આરંભે ગુજરાતમાં ભીષણ રમખાણો થયાં, તેના તરત પછીના ઉનાળામાં હું અમદાવાદ ગયો, ત્યારે સ્વાભાવિક રીતે જ મેં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ત્યાં મેં આશ્રમના એક ટ્રસ્ટી સાથે કેટલોક સમય વાત કરી. ખુદ વિશે બોલવામાં સંકોચશીલ અને નમ્ર એવા આ ટ્રસ્ટીએ ગાંધીની સેવામાં ત્રીસ વર્ષ ગાળ્યાં હતાં. વાતચીત દરમિયાન એમણે મને કહ્યું કે ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો ‘બીજી વારની ગાંધીહત્યા’ હતી.

૨૦૦૨નાં રમખાણો તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની રહેમનજર હેઠળ થયાં હતાં. મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારામાં કેળવાયેલા છે. સંઘની સાંપ્રદાયિક અને વિદેશીઓને તિરસ્કારવાની (xenophobic) વિચારધારા ગાંધીના વિશાળ અને ઉદાર વિશ્વદર્શનની તદ્દન વિરુદ્ધ છે. મોદી સંઘના સરસંઘચાલક મ.સ. ગોળવલકરની આભામાં મોટા થયા છે. ગોળવલકરનો ગાંધી માટેનો જાણીતો  અણગમો નોંધાયેલો છે. ૧૯૪૭ના એક જાહેર ભાષણમાં ગોળવલકરે કહ્યું હતું : ‘મહાત્મા ગાંધી લોકોને લાંબા સમય માટે ગેરમાર્ગે દોરી ન શકે. આપણી પાસે એવા રસ્તા છે કે જેના થકી આવા લોકોને તરત જ ચૂપ કરી શકીએ, પણ આપણી એ પરંપરા છે કે આપણે હિન્દુઓ તરફ વેરભાવ ન રાખીએ. પણ જો આપણને ફરજ પાડવામાં  તો આપણે એ રસ્તો પણ અપનાવવો પડે.’

મોદી માટે ગોળવલકર ‘પૂજ્યશ્રી ગુરુજી’ હતા. મોદીએ એમની કારકિર્દીમાં ગોળવલકરનો ખૂબ આદર કરતા રહ્યા છે, પણ ગાંધી વિશે તેમણે ભાગ્યે જ કંઈ વિચાર્યું હશે. ગુજરાતના મુખ્ય મંત્રીપદના વર્ષોમાં તેઓ ગાંધી આશ્રમ બહુ વખત ગયા નથી.  જો કે વડા પ્રધાન બન્યા બાદ તેમને આ સ્થળમાં ઊંડો રસ જાગ્યો છે. જાપાન અને ઇઝરાયેલના વડા પ્રધાનો તેમ જ ચીન અને અમેરિકાના પ્રમુખોએ જ્યારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી, ત્યારે મોદીએ બિલકુલ વ્યક્તિગત રીતે એસ્કૉર્ટ બનીને તેમને આશ્રમ બતાવ્યો.

ગાંધી આશ્રમના ઘણા ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ગાંધી વિશે ઊંડી જાણકારી ધરાવે છે. પણ તેમનામાંથી કોઈને વિદેશી મહાનુભાવોના એસ્કૉર્ટ બનવાનું કહેવાને બદલે, ગાંધીજીની નિંદા અને તેમના તિરસ્કારમાં માનનારી વિચારધારામાં ઘડાયેલ વ્યક્તિ એવા મોદીએ પોતે વિદેશી મહેમાનોને આશ્રમ બતાવવાનો આગ્રહ રાખ્યો. એ વખતે કૅમેરામૅનને સૂચના આપવામાં આવી હતી કે ફ્રેમમાં માત્ર ભારતના વડાપ્રધાન અને મુલાકાત લેવા આવેલા રાષ્ટ્રપ્રમુખ જ આવવા જેઈએ. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ગાંધી રહ્યા હતા તે બાપુ કુટિર, ગાંધીજીની પ્રાર્થનાની જગ્યા અને તેમના ચરખા જેવી, આશ્રમની વિશિષ્ટતાઓ હાવભાવ અને હસ્તનિર્દેશ દ્વારા મુલાકાતીઓને બતાવી રહેલાં મોદીનું દૃશ્યાંકન કરવું, જેને કારણે ગાંધીનાં જીવન અને સંદેશ વિષય પરની અધિકારી વ્યક્તિ તરીકેના મોદીની છાપ ઊભી થાય.

ગાંધી માટેનો લગાવ જાહેરમાં બતાવવા માટેની વડા પ્રધાનની ઇચ્છાને શી રીતે સમજાવી શકાય ? એમ જણાય છે કે પોતાની મહત્તા વધારવા માટેની મોદીની ઇચ્છાએ તેમની પહેલાંની  રાજકીય નિષ્ઠા અને વૈચારિક જોડાણોને પાછળ ધકેલી દીધાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ગાંધી વિશે ભારે સંદિગ્ધતા છે. મોદીભક્તો સોશિયલ મીડિયામાં ગાંધીનો ખુલ્લેખુલ્લો વિરોધ કરે છે. પણ મોદી જાણે છે કે ગાંધી – આજકાલની ભાષામાં કહીએ તો – એવી ભારતીય ‘બ્રાન્ડ’ છે કે જેને આખી દુનિયા જુએ છે અને પસંદ પણ કરે છે. એટલે જાપાન, ચીન, ઇઝરાયેલ, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, જર્મની – ગમે ત્યાં હોય, મોદીએ ગાંધીને પોતાના નિંદાભાવ છતાં પણ સાધન તરીકે સાથે રાખવા પડે.

મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી તેમણે ગાંધીમાં બતાવેલા રસ છતાં નૈતિક અને વૈચારિક રીતે તેમની અને ગાંધીજીની વચ્ચે જે ખાઈ છે, તે ક્યારે ય ન પુરાય તેવી રહેવાની. વડા પ્રધાન જે પક્ષના છે, તેના ત્રણસો જેટલા લોકસભા સાંસદોમાં એક પણ મુસ્લિમ સાંસદ નથી. આ પક્ષની બનેલી સરકારે મુસ્લિમોને બદનામ કરનારા અને તેમની તરફ ભેદભાવ રાખનાર સંખ્યાબંધ વિધેયકો પસાર કર્યાં છે. આ એવું રાજકારણ છે કે જેનો કોમી સંવાદિતાના પેગંબર એવા ગાંધીએ આખી જિંદગી વિરોધ કર્યો હતો. જે માણસે પોતાના ભૂતકાળને કલ્પનાનો બેસુમાર ઉપયોગ કરીને સજાવ્યો હોય; અને જેના શાસનમાં અર્થવ્યવસ્થા, આરોગ્ય અને બીજી બધી જ બાબતોને લગતા આંકડા સાથે પદ્ધતિસર ચેડાં કરવામાં આવ્યાં હોય તે માણસ સત્યમેવ જયતે કહેનાર વ્યક્તિથી જોજનો દૂર છે. ખરેખર તો આ શાસનનાં જૂઠાણાં અને દેખાડા એટલાં બધાં સર્વવ્યાપી છે કે મારા ઓળખીતા એક લેખક કહે છે કે આ શાસકપક્ષનો મુદ્રાલેખ ‘અસત્યમેવ જયતે’ હોવો જોઈએ.

ગાંધી એટલે સત્ય, પારદર્શિતા અને બહુધાર્મિકતા (religious pluralism). મોદી એટલે કપટ, ગુપ્તતા અને બહુમતવાદ (majoritarianism). આમ હોય ત્યારે મોદી ગાંધી સાથે કોઈ સંબંધ હોવાનો દાવો શી રીતે કરી શકે ? તર્ક અને નૈતિકતા બતાવે છે કે આવો સંબંધ હોઈ ન શકે, પણ સત્તા અને મહાત્ત્વાકાંક્ષાની માંગ આ સંબંધને અનિવાર્ય બનાવે છે. એટલા માટે સાબરમતી આશ્રમને ‘વર્લ્ડક્લાસ’ અર્થાત્ ‌વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠતા ધરાવતું સ્મારક બનાવવાના બહાના હેઠળ આ પ્રકલ્પ સૂચવવામાં આવ્યો છે. કેન્દ્ર દ્વારા પુષ્કળ પૈસાની ફાળવણી સાથેનો રાજ્યસરકાર હસ્તકનો આ પ્રોજેક્ટ સાબરમતી આશ્રમને ધરમૂળથી નવો ઘાટ આપવા માગે છે. પણ ખરેખર તો મોદીના નામને ગાંધી સાથે જોડીને મોદીનાં કાળાં કૃત્યોની તવારીખને ઊજળી બતાવવાનો  આ સહુથી નવો અને અતિશય ખરાબ પ્રયત્ન છે.

‘મારું જીવન એ જ મારો સંદેશ છે’ – એમ ગાંધી કહેતા. મોદીની જેમ એમને સ્ટેડિયમ સાથે પોતાનું નામ જોડવાની જરૂર ન પડી. તેમને ઇતિહાસમાં સ્થાન પામવા માટે પાટનગરોને નવો ઘાટ આપીને ભૂતકાળના શાસકોની મુદ્રા ભૂંસીને પોતાની છાપ ઉપસાવવાની જરૂર ન પડી. પણ સાબરમતી આશ્રમ આજે જેવો છે, તે ગાંધી અને તેમણે જે મૂલ્યો બતાવ્યાં તેના માટેનું પરિપૂર્ણ  પ્રતીક છે. આશ્રમ-પરિસરનાં મજાનાં બેઠાં મકાનો ગાંધીના સમયથી અસ્તિત્વમાં છે. વૃક્ષો અને પક્ષીઓ, પરિસર પછવાડે નદી, આશ્રમ સંકુલમાં પ્રવેશની પૂરેપૂરી છૂટ, ટિકિટ નહીં, ચોકીદાર નહીં,  બંદૂક તો જવા દો, દંડાવાળી પોલીસ પણ નહીં :  આ બધું આશ્રમની વસ્તુને — આજના ભારતનાં બીજાં કોઈ પણ સ્મારક કે મ્યૂઝિયમમાં ન હોય તેવું — એક વિશિષ્ટ, આવકારોત્સુક રૂપ આપે છે.

ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં બે અને ભારતમાં ત્રણ એમ પાંચ આશ્રમો સ્થાપ્યા. તેમાંથી સાબરમતી આશ્રમ સહુથી મહત્ત્વનો છે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. વર્ષોથી દેશ અને દુનિયાનાં લાખો લોકો આશ્રમની મુલાકાત લેતાં રહ્યાં છે. મુલાકાતીને આશ્રમની સાથે જોડાયેલી ઐતિહાસિક હકીકતો જેટલી જ તેના માહોલની સાદગી અને સુંદરતા પણ સ્પર્શવા વિના રહેતી નથી. 

સૌંદર્યની બાબતમાં બર્બરતા માટે અને સ્મારકવાદ (monumentalism) માટે જાણીતું શાસનતંત્ર જ્યારે સાબરમતી આશ્રમની બાબતમાં ‘વર્લ્ડક્લાસ’ શબ્દ વાપરે છે, ત્યારે ધ્રૂજી જવાય છે. વળી, આ ‘અપગ્રેડેશન’ માટે પસંદ કરવામાં આવેલ સાધન-સ્થપતિ (architect) બિમલ પટેલ છે, એ વાત વધુ બેચેન બનાવનારી છે. પટેલે કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી. એમણે કરેલાં સિમેન્ટ કોંક્રિટનાં, હૂંફ વિનાનાં બાંધકામોનો સાબરમતી અને સેવાગ્રામ આશ્રમોમાંનાં ઘરો અને નિવાસો સાથે મેળ ખાતો નથી.

મોદીએ આર્કિટેક્ટ્‌સમાં માત્ર બિમલ પટેલનું જ નામ સાંભળેલું લાગે છે. દિલ્હી, વારાણસી અને અમદાવાદના બીજા સરકારી પ્રોજેક્ટોની જેમ સાબરમતી આશ્રમનો પ્રોજેક્ટ પણ લગભગ એની મેળે જ બિમલ પટેલના ખોળામાં આવીને પડ્યો લાગે છે. પ્રોજેક્ટના કામ માટે મોદીએ તેમના અંગત રીતે વિશ્વાસુ ગણાતા ગુજરાતના કેટલાક સનદી અધિકારીઓની નિમણૂક કરી છે. ‘રિડેવલપમેન્ટ’ની યોજના મોદીનાં અંદરનાં વર્તુળોએ ઘડી છે. તે ઘડતી વખતે સ્મારકો અને વારસાની જાળવણીનું જ્ઞાન ધરાવનાર સ્થપતિઓને તેમ જ ગાંધીવાદીઓ અને અભ્યાસીઓનાં સલાહ-સૂચન લેવામાં આવ્યાં નથી. આશ્રમના ટ્રસ્ટીઓને સુધ્ધાં આ યોજના અને તેની વિગતો અંગે પૂરેપૂરા અંધારામાં રાખવામાં આવ્યા હતા.

સાબરમતી આશ્રમ માટેની મોદી-યોજના ગુપ્તતાથી ઘેરાયેલી અને મળતિયાવાદ (architect)થી  અંકાયેલી છે. આ પહેલાં ૧૯૬૦ના દાયકામાં પણ આશ્રમ સંકુલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, પણ તે ધોરણસરનું  ઉમેરણ હતું. ટ્રસ્ટીઓને આશ્રમના પરિસરમાં એક નાના સંગ્રહાલયની જરૂર જણાઈ હતી, ત્યારે તેમણે સ્થપતિ તરીકે પોતાના  ગુજરાતના નહીં પણ મુંબઈના ચાર્લ્સ કોરીઆની પસંદગી કરી હતી. સ્થપતિ અલગ ધર્મના અને ભારતના જુદા પ્રદેશના હોય એ બાબત, ગાંધીના સંકુચિતતાથી દૂર રહેવાના અભિગમ સાથે બંધબેસતી હતી. વળી, કોરીઆનું કામ બધે ખૂબ વખણાયું હતું. તેમણે ડિઝાઇન કરે સંગ્રહાલયનું કદ પ્રચંડ નહીં, પણ માનવીય છે. તેની મોકળાશવાળી પરસાળને આકાશ, પ્રકાશ, જમીન, નદી એવાં તત્ત્વો (the elements) અને આજુબાજુનાં ઝાડ સાથે સંવાદ છે. વળી, મ્યૂઝિયમનું બાંધકામ આશ્રમ પરિસરમાં ગાંધીના સમયમાં કરવામાં આવેલાં  બાંધકામો સાથે ભળી જનારું છે.

અમદાવાદના એક સાથી એવી રમૂજ કરે છે કે આપણે ત્યાં ‘એક દેશ, એક પક્ષ’ એવું સદ્‌ભાગ્યે ક્યારે ય નહીં બને, પણ આપણે ‘એક દેશ’ એક સ્થપતિ’ની દિશામાં તો આગળ વધી જ રહ્યા છીએ. જો કોઈ કરોડપતિ પોતાનાં જુદાં જુદાં પ્રકારનાં ઘર-દરિયાકાંઠાનું ઘર, કસબાનું ઘર, ડુંગર પરનું ઘર અને રણનું ઘર – એના પોતાના પૈસે એક જ સ્થપતિ પાસે બનાવડાવે તો તેના માટે કોઈ નૈતિક વાંધો લઈ ન શકાય. પણ કરદાતાના પૈસે તૈયાર થનારા બધા જ મોભાદાર સરકારી પ્રોજેક્ટ્‌સનું કામ જો એક જ સ્થપતિને સોંપવામાં આવે, તો તેમાં સવાલ થાય. કોઈ એક સ્થપતિ કોઈ એક નેતા અને તેના મહિમામંડન સાથે જોડાયા હોય, એવું માત્ર સરમુખત્યારશાહી શાસનમાં જોવા મળે છે. એક જ વ્યક્તિ મંદિરો માટે જાણીતાં પ્રાચીન શહેર, આધુનિક રાજધાની અને ગાંધીનો આશ્રમ ત્રણેયને ફરીથી ડિઝાઇન કરવાની પાત્રતા ધરાવતી હોય, તે મોદીશાસનના મળતિયાવાદ અને લાગવગશાહી પર પ્રકાશ ફેંકે છે. ભારતના સ્થાપત્ય ક્ષેત્રે અને ભારતમાં આ કરતાં ઘણી સારી પરિસ્થિતિ હોય તે જરૂરી છે.

વધારે સારો અને વધુ નીડર સમાજ મોદી અને તેમના સાથીદારોની વિદ્વંસકતા ચલાવી ન લે. ખેદની વાત છે કે સાબરમતી આશ્રમનાં ટ્રસ્ટીઓ ગુજરાતનાં હોવાને કારણે વિરોધ કરતાં નથી.  તેમને કદાચ ભીતિ હશે તે બદલો લેવામાં નામચીન એવી સરકાર તેમને કે તેમનાં પરિવારજનોને  નિશાન બનાવે. મોદી અને તેમના મળતિયાઓએ રચેલી યોજનાઓ આગળ વધશે. હવે આ માણસને (મોદીને) આપણે ઓળખી ગયા છીએ, એટલે એમની યોજનાઓમાં એવું કશું જ નથી હોતું કે જેમાં એમનો સ્વાર્થ ન હોય. મોદી સાબરમતી આશ્રમને મહાત્મા માટેનાં પ્રેમ કે આદર ખાતર રિડેવલપ કરી રહ્યા નથી. તેઓ આ કરી રહ્યા છે, તે પોતાની છબીને ચમકાવવા અને પોતાના ભૂતકાળને ફરીથી લખવા માટે.

નવી દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટામાં જે લૂંટ અને વિનાશ ચાલી રહ્યાં છે તેની ચોમેર ટીકા થઈ છે. પણ સાબરમતી આશ્રમનો સૂચિત વિનાશ આચરણની દૃષ્ટિએ વધુ ચિંતાજનક છે. મોદી દેશના પાટનગરની જમીન પર ગમે તેટલાં બેહૂદાં અને મોંઘાં બાંધકામો કરે તો પણ તેની કંઈક કાનૂની વૈધતા (legitimacy) છે એમ ગણી શકાય, કેમ કે એ જાહેર જમીન છે અને તેઓ દેશના ચૂંટાયેલા વડા પ્રધાન છે. ગાંધી આશ્રમની વાત સાવ જુદી છે. સાબરમતી આશ્રમ અને ગાંધી અમદાવાદના નથી, ગુજરાતના નથી, એ ભારતના સુધ્ધાં નથી : તે જન્મેલા અને નહીં જન્મેલા, અત્યારના આવતી પેઢીઓના દરેક માણસના છે. જેમની આખી જિંદગીનું કામ ગાંધીના કાર્યનું વિરોધી રહ્યું હોય તેવા રાજકારણી, અને એ રાજકારણી સાથેના મળતિયાપણાની મુખ્ય લાયકાત ધરાવતા એક સ્થપતિ – આ બંનેને મહાત્મા સાથે જોડાયેલી એક સહુથી પવિત્ર જગ્યાને બગાડી નાખવાનો કોઈ અધિકાર નથી.

[અનુવાદ : સંજય સ્વાતિ ભાવે, ‘ધ ટેલિગ્રાફ’, 17 જુલાઈ, 2021]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 04-06

Loading

...102030...1,9611,9621,9631,964...1,9701,9801,990...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved