Opinion Magazine
Number of visits: 10,226,177
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડેટા વગરની ભારતની લાકડાની તલવાર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 September 2021

એક વર્ષ પહેલાં, ભારતમાં એક નવો મંત્ર બોલતો થયો હતો, "ડેટા ઈઝ ન્યૂ ઓઈલ.' માણસે પૃથ્વીના પેટાળમાંથી તેલના ભંડારો શોધી કાઢીને જેવી રીતે પૃથ્વી પરનું જીવન ક્રાંતિકારી રીતે બદલી નાખ્યું, તેમ ૨૧મી સદીમાં ડેટાની ઉપયોગીતા જગતની અર્થવ્યવસ્થા અને ટેકનોલોજીને નવાં શિખરો પર લઇ જશે, એવી આપણને સમજ પડી હતી. ૨૦૧૭માં ‘ધ ઇકોનોમિસ્ટ’ નામની આંતરરાષ્ટ્રીય આર્થિક પત્રિકાએ એક સ્ટોરી પ્રગટ કરી હતી : ધ વર્લ્ડ્સ મોસ્ટ વેલ્યુએબલ રિસોર્સ ઈઝ નો લોંગર ઓઈલ, બટ ડેટા (દુનિયાનું સૌથી કીમતી સંશાધન ઓઈલ નહીં, પણ ડેટા છે).

ભારતમાં ઘણા બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ અને સરકાર ખુદ આ મંત્રોજાપ કરતી થઇ ગઈ હતી, પરંતુ ડેટાનો અર્થ માત્ર પૈસા કમાવાનો નથી, ડેટાનો અર્થ જીવનને બહેતર બનાવાનો છે. દાખલા તરીકે, નોકરી લેવી હોય કે રોગની સારવાર કરાવવી હોય, તો તેનો સંલગ્ન ડેટા જરૂરી છે.

ડેટા એટલે શું? સરળ ભાષામાં માહિતી કે જાણકારીને ડેટા કહેવાય. એ માહિતીમાં સંખ્યા હોય, અક્ષરો હોય, શબ્દો હોય, નિરીક્ષણો હોય, પ્રમાણ હોય. આજની તારીખે ડેટા મહત્ત્વનો એટલા માટે છે કારણ કે આપણે માહિતીના વિસ્ફોટમાં જીવીએ છીએ. ટેકનોલોજીના કારણે આપણી પાસે ચારે તરફથી વિપુલ માત્રામાં માહિતીઓ આવે છે. આપણું મગજ અમુક મર્યાદામાં જ માહિતીઓને પ્રોસેસ કરવા સક્ષમ છે, એટલે જ્યારે ખૂબ બધી માહિતીઓ આવતી હોય, ત્યારે કઈ માહિતી કામની છે અને કઈ માહિતી નકામી છે, તેનો ફર્ક કરવો અનિવાર્ય હોય છે.

ડેટા સાયન્સનું કામ માહિતીઓને પ્રોસેસ કરીને આપણને કામની માહિતીઓ જુદી તારવી આપવાનું છે, જેના આધારે આપણે નિર્ણયો લઇ શકીએ. માહિતીના મૂળમાં ડેટા હોય છે. દાખલા તરીકે, 'ભારત સૌથી યુવાન દેશ છે' એ વાક્ય માહિતી છે અથવા જાણકારી છે, પરંતુ એ માહિતીનો વ્યવહારુ ઉપયોગ કરવો હોય (દાખલા તરીકે કોઈ કંપનીને નવી મોટરસાઇકલ બનાવવી હોય), તો દેશના યુવાનોનોની ઉંમર, આવક, શહેરમાં કેટલા છે, ગ્રામીણ કેટલા છે, ભણતર કેટલું છે, રોજગારી કેવી છે વગેરે અગંત ડેટા જોઈએ.

કોઈ પણ વૈજ્ઞાનિક અનુમાન કરવા માટે ડેટા સૌથી અગત્યની બાબત છે. આ વર્ષે કેટલો વરસાદ પડશે તેની સફળ આગાહી કરવાનો આધાર દાયકાઓથી કોમ્પ્યુટરમાં એકઠો થતો વરસાદની પેટર્નનો ડેટા છે. રેમડેસિવિર ઇન્જેક્શનનો કેટલો સ્ટોક રાખવો તેનો નિર્યણ મહામારીના કેસ કેટલા વધે છે તેના ડેટા પરથી નક્કી થાય. ડેટાથી બેઝલાઈન (આધાર), બેન્ચમાર્ક અને લક્ષ્ય નક્કી થાય.

આટલી વાત સમજ્યા પછી, હવે પાયાનો પ્રશ્ન. ભારતમાં ડેટા સાયન્સને ગંભીરતાથી લેવામાં આવે છે? આપણે જે રીતે મહામારી સામે લડી રહ્યા છે, તે જોતાં તો એવું લાગે છે કે આપણે લાકડાની તલવાર લઈને કોરોનાનો ખાત્મો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોરોનાની પહેલી લહેર આવી, ત્યારે જ ડેટામાં ઘાલમેલ થઈ હતી, જેથી બીજી લહેરનું અનુમાન થઈ ન શક્યું. અથવા, ડેટા હતો પણ યોગ્ય વિશ્લેષણ ન થયું અથવા વિશ્લેષણ હતું પણ તેને નજર અંદાજ કરવામાં આવ્યું. જે હોય તે ખરું, ડેટા પ્રત્યેની આપણી વૈજ્ઞાનિક ગંભીરતાના અભાવમાં પૂરી મેડિકલ સિસ્ટમ તૂટી પડી અને લોકો કમોતે મરી ગયા.

ટ્રેજેડી એ છે કે બીજી લહેરમાં પણ ટેસ્ટિંગથી લઈને કેસો અને મૃત્યુનાં આંકડાઓમાં ઘાલમેલ થઈ હતી. સરકાર હવે એવું કહે છે કે ઓક્સિજનના અભાવમાં એક પણ મોત થયું નથી, કારણ કે અમારી પાસે એવો કોઈ ડેટા નથી. ડેટા નથી એટલે મોત પણ થયું નથી, સો સિમ્પલ. આપણી પાસે કોવિડ-19ની મહામારીનો સટીક ડેટા નહીં હોય, તો મેડિકલ સમુદાય ભવિષ્ય માટે બેઝલાઈન, બેન્ચમાર્ક અને લક્ષ્યનું મોડેલ કેવી રીતે બનાવશે? અને બનાવશે તો કેવું હશે?

૩૦મી એપ્રિલે દેશના વૈજ્ઞાનિકોના એક સમૂહે સરકારને પત્ર લખીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એકત્ર કરાયેલા કોરોના સંબંધી ડેટા સાર્વજનિક કરવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના સામે લડવા માટે દેશમાં શું મેડિકલ જરૂરિયાતો છે તે નક્કી કરવા માટે ડેટા અગત્યનો છે. વૈજ્ઞાનિકોએ લખ્યું હતું કે મહામારી શરૂ થઇ ત્યારથી એકત્ર કરાયેલા આ ડેટાની સરકાર સિવાય કોઈને ખબર નથી, ત્યાં સુધી કે મહામારીનાં અનુમાનનાં મોડેલ બનાવવાનું જેમનું કામ છે તે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમ જ નીતિ આયોગને પણ અ ડેટા મળતો નથી."

બેંગ્લોર સ્થિત પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયામાં એપીડેમિઓલોજીના પ્રોફેસર ગિરિધર બાબુ એક ઇન્ટરવ્યૂમાં ડેટાની સરળ વ્યાખ્યા કરતાં કહે છે, “આપણે એક્શન માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે, એક રાજ્ય પાસે દર દસ લાખે કેટલા કોરોના કેસ છે તેનો મજબૂત ડેટા છે અને બીજા રાજ્ય પાસે નથી, તો એના અર્થ એ થયો કે બીજું રાજ્ય તેની પ્રજાને સમયસર સારવાર આપીને મૃત્યુ રોકવા માટે એક્શન નહીં લે. સમુદાયોમાં ઘણી અસમાનતાઓ હોય છે, અને તમે જો ઈમાનદારીથી ડેટા ભેગો ન કરો, વિશ્લેષણ ન કરો અને તારણો ન કાઢો, તો તમે પ્રજાનું વધુ નુકશાન કરો છો.”

લંડનની મિડલેસેક્સ યુનિવર્સિટીમાંથી ગણિતમાં ડોક્ટરેટ કરનાર અને ત્યાં સિનિયર લેકચરર મુરાદ બાનાજી આ વાતનું સમર્થન કરતાં એ જ ઇન્ટરવ્યૂમાં કહે છે, “તમારી પાસે ગુણવત્તાવાળો ડેટા હોય, તો તમે શું થયું છે અને શું થઇ શકે છે તેનું સટીક અનુમાન કરતુ મોડેલ બનાવી શકો છો. દાખલા તરીકે, અલગ-અલગ વિસ્તારોમાં કોરોના કેટલો ફેલાયો છે તેનો જો ડેટા હોય, તો આપણે એ વિસ્તારોમાં બીજી લહેરની અસર કેવી હશે તેનું અનુમાન કરી શકીએ. આપણને જો એ ખબર હોય કે વાઇરસનો કયો વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે, તો આપણે તે કેટલી તેજ ગતિએ તે ફેલાશે તેનું અનુમાન કરી શકીએ. આપણને જો એ ખબર હોય કે કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે, તો આપણે તેના આધારે એ જાણી શકીએ કે તેનો ફેલાવો કેટલો વ્યાપક હતો.”

કોરોનાની બીજી લહેરે ભારતના ડેટા સિસ્ટમની પોલ ખોલી નાખી. એમાં હજારો લોકો કમોતે મર્યા, એટલું જ નહીં, જનતા તેના સ્વાસ્થ્યને લઈને નિરુત્સાહ અને નિરાશ થઇ ગઈ. એવું નથી કે દેશને ડેટા કલેક્શનનો અનુભવ નથી. ભારતનો નેશનલ સેમ્પલ સર્વે દુનિયાનો સૌથી મોટો ડેટા કલેક્શન સર્વે હતો, અને તેની તાકાતથી જ ભારત પોલીઓ, લેપ્રસી અને એચ.આઈ.વી. જેવી મહામારીઓ સામે જંગ જીતી શક્યું હતું.

છતાં, કોરોનાની મહામારીમાં આપણી આજે જે હાલત છે, તેનું એક માત્ર દેખીતું કારણ એ છે દેશમાં ઉત્તરોત્તર વૈજ્ઞાનિકો હાંસિયામાં ધકેલતા ગયા છે અને રાજકારણીઓ તેમની જગ્યાએ નિર્ણયો લેતા થઇ ગયા છે. ડેટા ન્યૂ ઓઈલ છે, પરંતુ રાજકારણીઓએ તેને દોહવા માટે તેના કલેક્શન અને વિશ્લેષણમાં રાજકારણ ઘુસાડી દીધું છે. આપણે ભલે ટેસ્ટ ઓછા કરીએ, આપણે ભલે મોતના આંકડા છુપાવીએ, આપણે ભલે રોગને નજરઅંદાજ કરીએ, દેશનાં હજારો સ્મશાનોમાં બળતી લાખો ચિતાઓ એ વાતની હતી કે ભારતે તેના સ્યુડો-સાયન્સ અને એન્ટી-ઇન્ટલેક્ચુઅલ અભિગમની કિંમત ચૂકવી છે, અને ભવિષ્યમાં પણ ચૂકવશે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, :સંદેશ”, 05 સપ્ટેમ્બર 2021

Loading

આપણી આંખો કેમ ખૂલતી નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|8 September 2021

ધાર્મિક ગુરુઓ; ભક્ત પુરુષો / મહિલાઓનું કઈ કઈ યુક્તિઓથી શોષણ કરતા હતા, તે જાણવા માટે ‘મહારાજ લાઈબલ કેસ’ તથા ‘પોલ કેસ’નો અભ્યાસ કરવો પડે. મહારાજ લાઈબલ કેસમાં ફરિયાદી હતા વૈષ્ણવ મહારાજ જદુનાથજી બ્રિજરતનજી અને આરોપી હતા પત્રકાર / સમાજ સુધારક કરસનદાસ મૂળજી [25 જુલાઈ 1832 – 28 ઓગષ્ટ 1875]. કપોળ જ્ઞાતિના કરસનદાસ ‘સત્યપ્રકાશ’ નામનું સામયિક ચલાવતા હતા. કરસનદાસે 21 ઓક્ટોબર 1860ના રોજ ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લેખ પ્રસિદ્ધ કર્યો હતો. જેના કારણે ‘મહારાજ લાઈબલ કેસ’ ઊભો થયો હતો. વલ્લભ સંપ્રદાયમાં ગુરુઓ પોતે કૃષ્ણ છે; તેમ કહીને ભક્ત મહિલાઓ સાથે વ્યભિચાર કરતા હતા; તે બાબત તેમણે ખૂલી પાડી. મહારાજોએ કપોળ જ્ઞાતિપંચ ઉપર દબાણ કરીને કરસનદાસને નાત બહાર કાઢી મૂક્યા ! એટલું જ નહીં, જે કોઈ ભાટિયા સ્ત્રી/પુરષ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તેમને નાત બહાર કરવામાં આવશે; તેવી ધમકી પણ આપી ! તે અંગે ફોજદારી કેસ થયેલ; જે ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ [1861] તરીકે જાણીતો છે. તેનો ચૂકાદો 12 ડિસેમ્બર 1861ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો હતો. મહારાજો અને તેમના ભાટિયા ભક્તોને ગુનેગાર ઠરાવીને દંડ કર્યો હતો.

મહારાજ લાઈબલ કેસ 25 જાન્યુઆરી 1862ના રોજ શરૂ થયો હતો. કેસ ચાલુ હતો તે દરમિયાન મહારાજોના ભક્તોએ કરસનદાસ ઉપર હુમલા કર્યા હતા. મહારાજો કેવી કેવી યુક્તિથી વ્યભિચાર કરતા હતા, તેની વિગતો અદાલત સમક્ષ જાહેર થઈ. ભાટિયા/વાણિયા જ્ઞાતિના ભક્તો પોતાની દીકરીઓ/પત્નીઓને સંભોગ માટે મહારાજોને સોંપતા હતા. મહારાજોના ચાવેલાં પાન-સોપારી ભક્તો ખાતા ! મહારાજોના ધોતિયાને નિચોવીને પાણી પીતા ! મહારાજોની પગની રજકણ ચાટતા ! મહારાજોનું એંઠું અન્ન ખાતા ! મહારાજો અને ભક્તાણીઓ વચ્ચેની રતિક્રીડાના ‘દર્શન’ માટે  શ્રદ્ધાળુઓ પાસેથી મોટી રકમ વસૂલ કરવામાં આવતી ! આ કેસ 40 દિવસ ચાલ્યો; 24 દિવસ સાંભળવામાં આવ્યો. વાદી તરફે 42 સાહેદો અને પ્રતિવાદી તરફે 30 સાહેદોને તપાસવામાં આવ્યા. કેસનો ચૂકાદો 22 એપ્રિલ 1862ના રોજ આપવામાં આવ્યો; [ગાંધીજીનો જન્મ થવાને 7 વરસની વાર હતી; 2 ઓક્ટોબર 1869] જેમાં કરસનદાસને નિર્દોષ ઠરાવેલ. અદાલતે કરસનદાસને રૂપિયા 11,500 જદુનાથજી પાસેથી અપાવેલ. આ કેસમાં એ સિદ્ધાન્ત સ્થાપિત કરવામાં આવ્યો કે ‘જે બાબત નીતિથી નઠારી હોય તેને ધાર્મિક રીતે માન્યતા આપી શકાય નહીં !’

‘મહારાજ લાઈબલ કેસ’ અને ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ અંગે મુંબઈની ‘દી. લખમીદાસ કંપની’એ પુસ્તક બહાર પાડ્યું હતું. આ પુસ્તકની 1911માં ચોથી આવૃતિ બહાર પડી હતી. તેની પ્રસ્તાવનામાં પ્રકાશકે લખ્યું હતું : “જાહેર પ્રજાનો એક વર્ગ સવાલ કરશે કે ‘મહારાજ લાઈબલ કેસ’ના પાને પાને વલ્લભી સંપ્રદાયના કેટલાંક આચાર્યોની અનીતિ તેના ખરાબમાં ખરાબ આકારમાં કોર્ટમાં પુરવાર થયેલી છે, તે ફરી છપાવવાની શી અગત્ય હતી; અમે કહીશું કે તેની ઘણી જ જરૂર હતી. જે સંપ્રદાયની જાળમાં લાખો વૈષ્ણવો પોતાના ધર્મથી વિમુખ થઈ, ફક્ત ટીલાં ટપકાં ખોટા આડંબર અને ‘જે જે’ કરવામાં; જૂઠણો ખાવામાં અને ગોકુળનાથજીની ટીકાવાળા બ્રહ્મસંબંધ [વ્યભિચાર] કરવામાં જ ધર્મ સમજે છે, તેમને પોતાના ગુરુઓના ગુપ્ત ચરિત્રો બતાવવાની ખાસ અગત્ય છે. હજુ પણ આ આચાર્યોમાંના કેટલાંક સુધર્યા હોય તેમ લાગતું નથી !” 1860માં ગુરુઓની કામલીલા ખૂલી પડી છતાં 51 વર્ષ બાદ 1911માં પ્રકાશકે લખ્યું કે ‘કેટલાંક ગુરુઓ હજુ સુધર્યા નથી !’ આ એ બાબત સૂચવે છે કે ધર્મની આડમાં ગમે તેવી અનીતિને પોષણ મળે છે !

ગુજરાતના લોકો ‘પોલ કેસ’ અંગે જાણતા નથી. 26 જુલાઈ 1926ના રોજ ‘પોલ કેસ’નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તક વડોદરા પાસે પુનિયાદ ગામે કબીર આશ્રમની લાઇબ્રેરીમાંથી મળ્યું હતું. તેમાં વૈષ્ણવ ધર્મગુરુઓની અનીતિ સામે સંઘર્ષની વિગતો છે. આ સંઘર્ષ કરનાર હતા, ‘પ્રવાસી પાગલ’ ! તેમનો જન્મ 1886માં વડોદરા ખાતે થયો હતો. તેઓ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિના હતા. 1926માં તેમની ઉંમર 40 વરસની હતી. 17 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડ્યું હતું; 1908-10 સુધી ગુજરાત/કાઠિયાવાડમાં ખૂબ ભટક્યા બાદ મુંબઈ રહેતા હતા, અને મોતીનો ધંધો કરતા હતા. 1917માં તેઓ સિંધ તરફ ગયા. કરાંચીમાં રહેતા હતા. તેઓ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેતા હતા. 1920માં પૂર્વ બંગાળમાં ગયા. અસહકાર/સ્વદેશી/ગૌરક્ષા ઉપર 5થી 6 હજાર ભાષણો તેમણે આપ્યા હતા. નાગપુર કૉન્ગ્રેસમાં, નાસિકથી નીકળી, ગુજરાત થઈ 67 દિવસે પગે ચાલીને નાગપુર પહોંચ્યા હતા. પગની મુસાફરીના કારણે તેઓને ‘પ્રવાસી પાગલ’ તરીકે ઓળખવામાં આવતા હતા ! તેમનું મૂળ નામ હીરાલાલ મંગળદાસ હતું ! અસહકારની ચળવળ વેળાએ, સરકારે તેમને IPC કલમ-124A હેઠળ એક વર્ષ જેલમાં રાખ્યા હતા. પ્રવાસી પાગલે જોયું કે મહારાજ લાઈબલ કેસ પછી પણ પુષ્ટિમાર્ગના ધર્મગુરુઓમાં અતિશય વ્યભિચારનો સડો છે, વળી એ પંથના કેટલાંક પુસ્તકોમાં વ્યભિચાર સેવવા ઉપદેશ આપેલો છે ! તેમણે પુષ્ટિ પંથ વિરુદ્ધ ‘પોલ’ નામનું છાપું કાઢ્યું. બ્લાક્ટાનંદ સ્વામીના પુસ્તક ઉપરથી મહારાજ દેવકીનંદન ઉપર આક્ષેપો મૂક્યા. શેઠ પ્રાગજી સૂરજીએ ફરિયાદ કરી. ‘પોલ કેસ’ 1925માં થયો હતો; 65 વરસ પછી પણ વૈષ્ણવ ગુરુઓનો ધર્મના ઓઠા હેઠળ વ્યભિચાર ચાલુ રહ્યો હતો. પ્રવાસી પાગલે જુદા જુદા 13 પુસ્તકો લખ્યા હતા. તેમની સામે કુલ 14 કેસો થયા હતા; જેની વિગતો મળતી નથી. ‘પોલ કેસ’માં પ્રવાસી પાગલની હાર શા માટે થઈ હતી, તે જાણવું જરૂરી છે. સવાલ એ છે કે લોકોની આંખો કેમ ખૂલતી નથી? ધર્મશ્રદ્ધા માણસની વિવેક શક્તિ છીનવી લે છે. ‘લોભી ગુરુ, લાલચી ચેલા’ના કારણે વ્યભિચાર અટકતો નથી. કોર્પોરેટ કથાકારો/ધર્મ ગુરુઓનો ઇતિહાસ વ્યભિચાર/અનીતિ/હત્યાથી ખરડાયેલો હોય છે. 2021માં પણ આ સ્થિતિ છે.

આ બન્ને કેસોમાંથી એ બોધપાઠ લેવાનો કે ધર્મશ્રદ્ધા માણસને આંધળો કરી મૂકે છે. ધર્મગુરુઓ ઈશ્વર નથી કે ઈશ્વરના એજન્ટ પણ નથી. પોતે કૃષ્ણ છે, તેમ કહેનાર પાક્કો ઠગ હોય છે. ફેસબૂક ઉપર લખેલા આ લેખો બિલકુલ ટૂંકા; સરળ શૈલીમાં લખેલા હતા. ભવિષ્યની પેઢીને મદદરૂપ થાય તે માટે ‘લોભી ગુરુ, લાલચી ચેલા’ ઈ.બૂક; ‘અભિવ્યક્તિ બ્લોગ’ના ગોવિંદભાઈ મારુએ ભારે જહેમત ઊઠાવીને તૈયાર કરી છે; તેમનો આભાર માનું છું. આ બન્ને કેસો આપણી આંખો ખોલશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાભાર

Loading

તાલિબાન તાલી પાકિસ્તાનને આપે છે ને બાન ભારતને રાખે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 September 2021

હવે રાક્ષસો જન્મતા નથી, કારણ એને શરમાવે એવા માણસો જન્મે છે ને તે એની ખોટ લાગવા દે એમ નથી. જે તાલિબાનો લાદેનના મોત પછી બહુ પ્રગટ થયા ન હતા તેમણે, અફઘાનિસ્તાનમાં તાલિબાની સત્તા સ્થાપવાની ને સરકાર રચવાની શરૂઆત કરી છે. શરૂઆતમાં સારા દેખાવાનું નાટક તાલિબાને કર્યું છે, પણ તાલિબાન અને સારાઈ એક બીજાના વિરોધી છે તે જગતે સમજી લેવાનું રહે. એ જગ જાહેર વાત છે કે જગતની આતંકી પ્રવૃત્તિઓનાં મૂળમાં પાકિસ્તાન છે, પણ કોઈ દેશ તેને પૂરેપૂરું દંડી શકતું નથી, તેનું એક કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે શસ્ત્રોની ખરીદ-વેચાણ નીતિ છે. આખું જગત શસ્ત્રોનાં ખરીદ-વેચાણમાં સંડોવાયેલું છે. પાકિસ્તાન પરાવલંબી છે એટલે કોઈ દેશ તેને નિ:શસ્ત્ર રાખીને ખોટ ખાવા તૈયાર ન થાય એ શક્ય છે.

ભારત ધારે તો એક દિવસમાં પાકિસ્તાનનો સફાયો કરી શકે એમ છે, પણ તેને ક્યાંક માણસાઈ નડે છે ને આંતરરાષ્ટ્રીય શરમને કારણે તે 75 વર્ષથી પાકિસ્તાનને વેઠતું આવ્યું છે. પાકિસ્તાન પરોપજીવી રાષ્ટ્ર છે ને તેને ખોળા બદલવાની ટેવ છે. એક સમયે તે અમેરિકાના ખોળામાં હતું તો આજે ચીનનાં આંગળાં ચાટીને પેટ ભરી રહ્યું છે. બાકી હતું તે જેનાં પોતાનાં ટાંટિયાં ભાર નથી ઝીલતાં તે તાલિબાનની સરકારની રચનામાં પાકિસ્તાનની દખલ વધી છે. હક્કાની નેટવર્કને નામે આઈ.એસ.આઈ.ના વડા અને તેમની ટીમ કાબુલમાં ઊતરી પડી છે ને પરિણામ એ આવ્યું છે કે તાલિબાને સરકારની રચના એક અઠવાડિયા સુધી મોકૂફ રાખી છે. તાલિબાન સાથેની ભારતની નીતિ સ્પષ્ટ છે. તે તાલિબાનના ટેકામાં નથી, તો વિરોધમાં પણ નથી. વેપારની નીતિ સંદર્ભે બંનેની એકબીજાની સાથે રહેવાની વાત છે તો પણ તાલિબાનની વાતો તેની પોતાની સગવડ ખાતર બદલાતી રહી છે. તેણે 16 ઓગસ્ટે સત્તા મેળવતાંની સાથે જ એવી જાહેરાત કરી કે ભારત સાથે અમે સારા અને મજબૂત સંબંધો ઇચ્છીએ છીએ. તેણે એમ પણ કહ્યું કે ભારત – પાકિસ્તાન વિવાદમાં તાલિબાનની કોઈ ભૂમિકા નહીં હોય, તો 17 તારીખે તે અપીલ કરે છે કે ભારત અફઘાનમાં અધૂરા પ્રોજેકટ પૂરા કરે ને એમ પણ જાહેર કરે છે કે તાલિબાનથી કોઈ દેશને ખતરો નહીં થાય. 18મીએ વાત બદલાય છે. અફઘાનમાં તાલિબાનોનો વિરોધ કરનારા પર ગોળીબાર થાય છે ને બલ્ખના મહિલા ગવર્નરને બંદી બનાવાય છે. અંધાધૂંધી વધે છે ને 19મીએ કાબુલ એરપોર્ટ બહાર લોકો પર ગોળીબાર થાય છે. એ જ દિવસે આઇ.એમ.એફ. તાલિબાન પર સંસાધનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. બીજી તરફ તાલિબાનોનું જોર વધતાં જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી ગેલમાં આવી જઈને કેન્દ્રને કહે છે કે તાલિબાને અમેરિકાને ભગાડ્યું ને પોતાનો દરજ્જો હાંસલ કર્યો છે તો તમે પણ અમારી ધીરજની કસોટી ન કરો ને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો પાછો આપો. તેમ નહીં થશે તો તમે પણ નહીં બચો. એની સામે પહેલી સપ્ટેમ્બરે તાલિબાન ફરી ભારતને કહે છે કે કાશ્મીર મામલે અમે કોઈ હસ્તક્ષેપ નહીં કરીએ. અમે બીજા દેશના મામલામાં દખલ કરતા નથી ને 3 તારીખે એ જ તાલિબાનના પ્રવકતા પૂરી નાલાયકીથી કહે છે કે કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો તાલિબાનને અધિકાર છે. 5મીએ તાલિબાન દાવો કરે છે કે તેણે પુંજશીર ઘાટી પર વિજય મેળવી લીધો છે ને વિજયના ઉન્માદમાં હવામાં ગોળીબાર કરે છે, જેમાં 17થી વધુ લોકોનાં મોત થઈ જાય છે. તાલિબાન પ્રજા નથી, તે કેવળ હિંસક ને ઘાતકી માનસ છે. તેનું ટાર્ગેટ માણસ છે. માણસ એટલે મોત, આટલી જ તેની સમજ છે. તેવું ન હોય તો તે જીતની ખુશીમાં આડેધડ 17, 17 માણસોને મારી કઈ રીતે શકે? તાલિબાન જંગાલિયતનું જ બીજું નામ છે. એનું કેવળ આશ્ચર્ય છે કે તેનું માનસ 18મી સદીનું છે ને તેનાં હાથમાં શસ્ત્રો 21મી સદીના છે. તે કોઈ પણ રીતનો વિકાસ કરી શકે એમ જ નથી, કારણ તેને માત્ર વિનાશની જ ખબર છે.

તાલિબાનના સરકાર રચવાના હાલ તુરત તો કોઈ ઠેકાણાં નથી. અત્યારે તો તારીખ પે તારીખનો માહોલ છે. તેના સત્તાધીશો વચ્ચે સમજૂતી સધાય તો વાત આગળ વધે એમ બને, અત્યારે તો આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂર હોય એવી સરકાર રચવાનું તાલિબાનને મુશ્કેલ લાગે છે. અમેરિકાએ પોતાનું વર્ચસ્વ અફઘાનિસ્તાન પરથી ઉઠાવી લીધું છે ને જો તાલિબાન સરખું નહીં ચાલે તો અમેરિકા ફરી દમદાટી આપે એમ બને. તાલિબાને પોતે ચીનને મિત્ર બનાવ્યાની વાત જાહેર કરી છે. એક તબક્કે રશિયા, બ્રિટન ચાંચ મારવાની દાનત રાખતું હતું ને એ ઇચ્છા મરી પરવારી હોય એવું પણ કહી શકાય એમ નથી. ટૂંકમાં, બોડી બામણીનું ખેતર કોઈ પણ ખેડવા માંગે તેવી સ્થિતિ અત્યારે તાલિબાનની છે.

સાચું તો એ છે કે તાલિબાનોની વાતો ભરોસાપાત્ર નથી. બીજા બધા દેશોના સંબંધોમાં ફેર પડે તો પણ તાલિબાનની પાકિસ્તાન સાથેની સાંઠગાંઠ રહેવાની છે. પાકિસ્તાનને પોતાનાં અસ્તિત્વ જેવું ખાસ નથી. તેને તો જ્યાં પણ આતંકી પ્રવૃત્તિઓની બોલબાલા રહે તેની ભક્તિ કરવાનો વાંધો નથી. પાકિસ્તાન હશે ત્યાં સુધી તેનો ઉપદ્રવ રહેવાનો છે, એટલું જ નહીં, તાલિબાને પણ પાકિસ્તાનની ભાષામાં ભારત સાથે વાત કરવા માંડી છે તે ચિંત્ય છે. એક તરફ તે કહે છે કે કાશ્મીરને મામલે તે દખલ નહીં કરે ને હવે કહે છે કે કાશ્મીરના મુસ્લિમોને મામલે તે અવાજ ઉઠાવશે, એટલું જ નહીં, દુનિયાના કોઈ પણ મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો તેને અધિકાર છે. તેણે મુસ્લિમોને આપવાના અધિકારો અંગે પણ વિશ્વને નુકતેચીની કરી છે. દુનિયાના કાજી થઈ જવાની તાલિબાનની હિંમતમાં શરમ સિવાય બધું જ છે, ભલે એ સાહસ તે કરે, પણ ભારતને કાશ્મીર મુદ્દે કે તેના મુસ્લિમો મુદ્દે કોઈ પણ સલાહ આપવાનો તેને કોઈ અધિકાર નથી. આ દોઢ ડહાપણ છે અને ભારતે આ મામલે સાવધ થઈ જવાની જરૂર છે. આમાં સૌથી દુ:ખદ વાત તો આ જ દેશના રાજનેતાઓ કરે છે. મહેબૂબા મુફ્તી જેવી બાઈ તો કેન્દ્ર સરકારને શાપ આપતાં સર્વનાશની ધમકી ઉચ્ચારે છે. તેમને પૂછી શકાય કે અમરત્વનું લાઇસન્સ તેમને કોણે આપ્યું છે? તાલિબાને કારણ વગર ભારતને છેડવાનો – છંછેડવાનો નાપાક પ્રયત્ન કર્યો છે તે શરમજનક છે. તેની પોતાની બાબરી ઊતરતી નથી ને ભારતને ટાલ પાડવાની વાહિયાત વાત તે કરી રહ્યું છે. આમ કરીને તે કુહાડી પર જ પગ મારશે તે તેણે સમજી લેવાનું રહે.

એ પણ છે કે સત્તા મેળવતી વખતે તેણે સ્ત્રીઓ સંદર્ભે જે વાતો કરી છે એમાં પણ તાલિબાને યુ-ટર્ન લીધો છે. તેણે પોતે શરૂઆતમાં સ્ત્રીની મોકળાશ અંગે વાતો કરી છે ને હવે તે પીછેહઠ કરી રહ્યું છે. અફઘાન પ્રજા સાથેની તેની વર્તણૂક અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. હિંસાનો આશરો તેણે લીધો છે ને અનેકોને તેણે ઠાર માર્યા છે, તેમાં સ્ત્રીઓ ને બાળકો પણ બાકાત નથી. સ્ત્રીઓને મામલે તાલિબાનો કેટલા નિષ્ઠુર અને નિર્લજ્જ છે તે કહેવાની જરૂર નથી. તેનો સીધો ઇરાદો સ્ત્રીઓને ગુલામ રાખવાનો જ છે. એની સામે સ્ત્રીઓ પડી છે પણ તે સફળ ન થાય એ માટે તાલિબાને મોકળાશને નામે પ્રતિબંધો લાદીને સ્ત્રીઓની તકો પર તરાપ મારવા માંડી છે. તેણે સ્ત્રીઓને શિક્ષણ અને નોકરીની છૂટ આપી છે, પણ શરત મૂકી છે કે નોકરી કરવી હોય તો બુરખો પહેરવાનું ફરજિયાત છે. એ સાથે જ તેણે અમેરિકાને પોતાની સંસ્કૃતિમાં દખલ ન કરવાની તાકીદ કરી છે. બીજી તરફ 20 વર્ષ સુધી મળેલા અધિકારો સ્ત્રીઓ ગુમાવવા તૈયાર નથી ને તે સડકો પર ઊતરી છે. તેમને સફળ ન થવા દેવા શાસકો તૈયાર છે એટલે ગોળીઓ છોડીને પણ તેમને કાબૂ કરવા મથશે, પણ દમન લાંબો સમય સુધી કોઈને સફળ થવા દેતું નથી. તાલિબાને તેનાં સિવાય જગતમાં બીજું કોઈ નથી એમ માનીને સ્ત્રીઓ સાથે વર્તવાનું રાખ્યું છે, પણ તેણે આજુબાજુનું જગત જોઈને જ ચાલવાનું રહે છે. તે જો પછાત રહેવાનું જ ગૌરવ લેવા માંગતું હોય તો તેણે પોતાને પૂછવાનું રહે કે તેના હાથમાં તીરકામઠાને બદલે એ કે 47 કેમ છે? તે પોતે શસ્ત્રો આધુનિક વાપરે છે ને સ્ત્રીઓને બુરખામાં રાખવા માંગે છે, એમાં જ તેનું સ્વાર્થી અને તકવાદી માનસ પ્રગટ થઈ જાય છે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે દેશમાં કે દુનિયામાં તાલિબાનોએ વિશ્વાસ ઊભો કરવાનું બાકી છે ને તાલિબાન અત્યારે કોઇની ગરજ ન હોય તેમ દુનિયા સાથે વર્તી રહ્યું છે, કાશ્મીરનો મુદ્દો છેડીને તેણે ભારતને નારાજ કર્યું છે, વેપારની વાત કરીને ભારત પર પ્રતિબંધો મૂકવા જેવું પણ કર્યું છે, અમેરિકા સામેનો તેનો અણગમો પણ જગજાહેર છે એટલે છેવટે તો તેણે પાકિસ્તાન અને ચીનની દખલ સહન કર્યે જ છૂટકો છે. પોતાની જ મહિલાઓ નારાજ છે ને તેમની સાથેનું તેનું વલણ માનવીય નથી. આ પરિસ્થિતિમાં તે કેટલું ને ક્યાં સુધી ટકશે તે વિચારવાનું રહે. તે પોતે શાસન કરી શકે એવી શક્યતાઓ જણાતી નથી. એવી પૂરી શક્યતા છે અમેરિકાએ ફરી માથું મારવું પડે ને તેણે ફરી ખૂણો પાળવાનો આવે. વધારે સારું તો એ જ હોય કે તે વધુ માનવીય અભિગમ અપનાવે ને પ્રજાને વિશ્વાસમાં લઈને આગળ વધે, મગર વો દિન કહાં કિ …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,9361,9371,9381,939...1,9501,9601,970...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved