Opinion Magazine
Number of visits: 10,225,930
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિનિયર સિટીઝન્સ ઓછું જીવે એને માટે તંત્રો બહુ મહેનત કરે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 September 2021

કાગળ પર, સૂત્રોમાં, જાહેરાતોમાં વૃદ્ધો માટે ઘણી સન્માનજનક વાતો કહેવાતી હોય છે ને કેટલાંક ખરેખર સિનિયર સિટીઝન્સને માન આપે પણ છે. આજની પેઢી એમને ખભે ઊભી છે એવું પણ પ્રશંસાત્મક સૂરે કહેવાતું રહે છે ને એવા પણ છે જે ખભો આપવાની ફિરાકમાં હોય. ડોસાઓ બધા જ વખાણવા લાયક હોય છે એવું નથી, કેટલાક માથાના ફરેલા ને તામસી પણ હોય છે, પણ ઉંમરને કારણે ઘણા દયાજનક સ્થિતિમાં જીવતા હોય છે. એમાં પણ જેઓ એકલા અને આર્થિક આધાર વગરના હોય છે એ બીજાને તો ઠીક, પોતાને પણ બોજારૂપ જ લાગે છે. એવાઓને અનેક પ્રકારના ટેકાની જરૂર હોય છે, પણ એમના તરફ ધ્યાન ઓછું જ જાય છે.

એમાં ક્યારેક પડતાં પર પાટું – જેવું પણ થાય છે. નાણાં મંત્રીએ છેલ્લું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે સિનિયર્સ માટે બહુ લાગણી હોય તેમ ભાવુક રીતે જાહેર કર્યું હતું કે જે વૃદ્ધોની ઉંમર 75 વર્ષ થઈ ચૂકી છે તેમણે હવે પછી રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. એમણે તો એમની રીતે જ કહ્યું હશે, પણ સિનિયર્સ એવું સમજ્યા કે 75 ઉપરનાઓએ હવે ઇન્કમટેક્સ ભરવાનો નહીં થાય, પણ પછી એવો ખુલાસો આવ્યો કે રિટર્ન ફાઇલ કરવાનું નથી, એનો અર્થ એવો નથી કે ટેક્સ ભરવાનો નથી. સૂચવાયું તો એટલું જ હતું કે ટેક્સ લાગતો હશે તો તે કપાશે જરૂર, પણ તે સંબંધિત બેન્ક દ્વારા કપાશે. એટલે સરવાળે રાહત તો ટેક્સ કન્સલ્ટન્ટની ફી બચી એટલી જ થઈ ને ટેક્સ કાપવાની વ્યવસ્થા બદલ બેન્ક કોઈ ચાર્જ લેશે કે કેમ તે નથી ખબર. બને કે એ ચાર્જ ટેક્સ કન્સલ્ટન્ટની ફી કરતાં વધી પણ જાય. એ જે હોય તે, સિનિયર્સને છેતરાયાની લાગણી થઈ એ હકીકત છે. આવી રાહતથી ખરેખર સિનિયર્સને કેવી ને કેટલી રાહત થઈ ને ન થઈ હોય તો આવી ગમ્મત કરવાથી સરકારને કેટલી રાહત થઈ તે નાણાં મંત્રીએ જણાવવાનું રહે.

રેલવે તંત્રે પણ સિનિયર્સને છેતર્યા છે. તેમને રેલવે ભાડાંમાં ટિકિટ પર 40 ટકા રાહત અપાતી હતી કે યાત્રી માત્રને ભોજન કે અન્ય સગવડો અપાતી હતી તે કોરોના કાળમાં બંધ કરી દેવામાં આવી. ખરેખર તો મહામારીમાં આનાથી વધારે રાહતોની જરૂર હતી તે બંધ થઈ ગઈ. આમાં પણ વૃદ્ધો દંડાયા. મોંઘવારીનો માર જેમ અન્યોને પડે છે એમ જ સિનિયર્સને પણ પડે જ છે, કદાચ વધારે પડે છે, એટલે એ મરવાને વાંકે જીવે તેમાં નવાઈ નથી. માંદગી કે હોસ્પિટલાઇઝેશન કે દવા વગેરેમાં સૌથી વધુ ખર્ચ સિનિયર્સને થાય છે, તે એટલે પણ કે ઉંમરને કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહે એવું ઓછું જ બનતું હોય છે. એમાં જેમની પાસે નોકરી નથી કે જેમને પેન્શન પણ મળતું નથી કે જેમનો મેડિક્લેમ નથી એમનો નિભાવ કેમ થતો હશે તે પ્રશ્ન જ છે.

જેમને પેન્શન છે એમની સ્થિતિ પણ કૈં બહુ સારી નથી. સાધારણ રીતે બેન્કર્સ બહુ લાભ એ વાતે ખાટે છે કે તેમની જોબ વ્હાઇટ કોલર્ડ જોબ હોવા ઉપરાંત પેન્શનેબલ પણ છે. નિવૃત્તિ પછી કૈં નહિ તો પેન્શનમાં ચાલી રહેશે એટલો વિશ્વાસ તેમને હોય છે, પણ તેમની હાલત પણ સાધારણ છે. બેન્ક રિટાયરિઝની જ વાત કરીએ તો ઇંડિયન બેન્ક્સ એસોશિએશન સાથે જોડાયેલી બેંકોના નિવૃત્ત કર્મચારીઓને બેન્ક દરેક મહિને પેન્શન ચૂકવે છે, પણ આ સિનિયર્સને પેન્શન 10 કે 11 મહિના જ મળતું હોય એવી સ્થિતિ વધારે છે.

કોરોના મહામારી તો વૈશ્વિક આફત છે ને એમાં અનેક જીવોની સાથે સિનિયર સિટીઝન્સ પણ હોમાયા છે. આમ પણ ઉંમરને કારણે સિનિયર્સ અનેક નાની મોટી માંદગીનો ભોગ બનતા જ હોય છે. એકાએક મોટી માંદગીનો ખર્ચ આવી પડે તો હોસ્પિટલ ને દવાના ખર્ચમાં જ વૃદ્ધો એવા વેતરાઈ જતાં હોય છે કે મરવા પહેલાં જ તેઓ મરી રહે છે. એ જ કારણે ઘણાં પેન્શનર્સ મેડિકલ ઈન્સ્યોરન્સ લે છે જેથી સારવારનો મોટો ખર્ચ માથે ન પડે. વીમા કંપનીઓ વીમો ઉતારીને પ્રીમિયમ તો ગજવે ઘાલી જ લે છે, પણ પછી ક્લેઇમ સેટલ કરવામાં ભારે અખાડા કરતી હોય છે. એમાં જ્યારે ગ્રૂપનો મેડિકલ ઈન્સ્યોરન્સ લેવાનો હોય છે ત્યારે કંપનીઓ નોકરીમાં હોય તેને કે નોકરીમાંથી નિવૃત્ત હોય તેને દર વર્ષે પ્રીમિયમ વધારી વધારીને લૂંટે જ છે ને તેનો એવો બોજ નિવૃત્તો પર પડે છે કે પ્રીમિયમ ભરવા લોન લેવી પડે છે અથવા તો સબસિડી પર આધાર રાખવો પડે છે.

પ્રમાણમાં બેન્કનો નિવૃત્ત ક્લાર્ક કે ઓફિસર પેન્શનને કારણે એકંદરે ઠીકઠાક રહેતો હોય છે, પણ તેણે પણ વર્ષમાં ઓછામાં ઓછાં એક કે બે પેન્શન મેડિકલ ઈન્સ્યોરન્સ કંપનીને નામે જ કરી દેવાં પડે છે. ઇંડિયન બેન્ક્સ એસોશિએશન સાથે જોડાયેલી બેંકોનાં નોકરીમાં હોય તેવા કે બેંકમાંથી નિવૃત્ત થયા હોય એવા અધિકારી કે વર્કમેન સ્ટાફના મેડિકલ ઈન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ઉતારાય છે. આ કંપની સરકારની કંપની છે. પ્રમાણમાં સરકારી કંપનીનું પ્રીમિયમ ઓછું હોય છે, પણ આ અને બીજી કંપનીઓ ધીમે ધીમે એટલો વધારો વર્ષોવર્ષ લાવે છે કે માંદગી પહેલાં પ્રીમિયમ ભરવામાં જ સિનિયર્સ અધમૂઆ થઈ જાય છે. માત્ર બેન્ક ઓફિસરનો જ દાખલો જોઈએ. 2015-16માં ચાર લાખના વીમા માટે પ્રીમિયમ 6,573 અને જી.એસ.ટી. 920 મળીને 7,493 રૂપિયા હતું. આ પ્રીમિયમ 20-21માં 32,264 (27,342+4,922 જી.એસ.ટી.) થઈ ગયું જે લગભગ 5 ગણું વધ્યું. હવે 2021-22 માટે મેડિકલ ઈન્સ્યોરન્સ લેવા જઈએ તો તે 43,249 (36,652+6,597 જીએસટી) રૂપિયા ભરવા પડે. જે ગયા વર્ષ કરતાં 34 ટકા વધારે છે. આ વધારો વર્કમેન સ્ટાફમાં 40 ટકા છે. 2015માં જે પ્રીમિયમ 6,573 હતું તેનાથી વધારે 6,597 તો ખાલી જી.એસ.ટી. જ આ વર્ષે લાગે છે. આ તો વીમા કંપનીને જીવાડવા ડોસાઓએ વીમો ઉતરાવવા જેવું છે. કંપની, સરકારની, પણ નિવૃત્તો પાસેથી 18 ટકા જી.એસ.ટી. લૂંટતા શરમાતી નથી. આ નિવૃત્તો ધંધો કરે છે કે વીમો ઉતરાવવો એ શું નફાકારક ધંધો છે કે 18 ટકા જી.એસ.ટી. લેવો જ પડે? થોડી પણ શરમ હોય તો વીમા કંપનીએ તાત્કાલિક અસરથી જી.એસ.ટી. નાબૂદ કરવો જોઈએ. આજે જ જાહેરાત થઈ છે કે 50.000 રૂપિયા કોરોનામાં મૃત્યુ પામેલાના વારસોને સરકાર આપશે. આ સારી જ વાત છે, જો આ એમને એમ આપી શકાય તો નિવૃત્તોનાં પ્રિમિયમમાંથી જી.એસ.ટી. બાદ ના થઈ શકે કે કોઈ પણ મદદ, સરકાર કોઈના મર્યા પછી જ કરે છે? ઓલ ઈન્ડિયા બેન્ક એસોશિએશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમે નાણાં મંત્રી નિર્મલા સિતારામનને આ અંગે 21 સપ્ટેમ્બરે પત્ર પણ લખ્યો છે. જોઈએ, શું થાય છે તે –

34થી 40 ટકા પ્રીમિયમ વધારો એક જ વર્ષમાં કેમ થયો એનાં કારણોમાં ઇંડિયન બેન્ક્સ એસોશિએશન દ્વારા એમ જણાવાયું કે આ વર્ષે ક્લેઇમ રેશિયો 147 ટકા વધી ગયો. આમ થવા પાછળનું દેખીતું કારણ તો કોરોનાનો થયેલો વિસ્ફોટ જ છે. આ મહામારી વૈશ્વિક છે ને તેને કારણે 90 ટકા વધારો ક્લેઇમમાં થયો હોય એમ બને, પણ એ કોઈ કાવતરું નથી. આ ન ટાળી શકાય એવું અનિષ્ટ છે. બીજું, મેડિકલ ઈન્સ્યોરન્સ લેવાનું કારણ તો એ જ હોય ને કે આરોગ્યની સલામતી, એને લીધે જળવાઈ રહે. એ કોઈ શોખ ખાતર તો ના જ લે. બીજું, કે જેમણે વર્ષોથી કેવળ પ્રીમિયમ જ ભર્યું છે ને કદી રૂપિયાનો ક્લેઇમ નથી કર્યો એના કરોડો કરોડો રૂપિયા કંપનીએ ગજવે ઘાલ્યા છે એનું શું? વર્ષોથી ક્લેઇમ રેટ ઓછો રહ્યો ત્યારે નફો થયો એનો અવાજ ના કર્યો ને આ એક વર્ષ કોરોનાને કારણે ક્લેઇમ રેટ વધ્યો તો તે ગણી બતાવાય એ બરાબર નથી. સરકારની વીમા કંપની જરા પણ માણસાઈ વગર પ્રીમિયમ વધારે એનો તમામ એસોશિએશન દ્વારા વિરોધ થવો જોઈએ ને તેને પ્રીમિયમ ઘટાડવાની ફરજ પાડવી જોઈએ.

આમાં ઇંડિયન બેન્ક્સ એસોશિએશનની ભૂમિકા પણ શંકાસ્પદ છે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોશિએશનના જનરલ સેક્રેટરીએ 20 સપ્ટેમ્બરે સિનિયર એડ્વાઇઝરને લખેલ પત્રમાં આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું છે કે ઇંડિયન બેન્ક્સ એસોશિએશને કોઈ પણ ચર્ચા કર્યા વિના સીધો પ્રીમિયમમાં વધારો જાહેર કરી દીધો ! જનરલ સેક્રેટરીએ એનો વિરોધ કરીને પ્રીમિયમ ઘટાડવા અંગે તાકીદે મીટિંગ બોલાવવાની માંગ કરી છે.

આ તો બેન્ક સંદર્ભે વાત થઈ. બીજું ઘણું એવું હશે જ્યાં જેનું પણ મળે, જે પણ મળે ને અધિકાર વગર મળે તે ગજવે ઘાલી લેવાય. કોઈનું પણ લૂંટી લેવું એ માનસિકતા કોરોના કરતાં વધારે ભયંકર છે. એમાં કોઈ બાકાત નથી. એમાં ઓછું કમાનાર, ઓછું ખાનાર માટે જગ્યા જ બચતી નથી. આ બધાંમાં સિનિયર્સ ક્યાં ઊભા રહે, ઊભા રહે તો કઈ રીતે ટકે એ સારી નાખતો પ્રશ્ન છે. એને માટે પ્રાર્થના જ કરવાની રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 સપ્ટેમ્બર 2021

Loading

અહિંસા એ ચડિયાતું હથિયાર છે

આચાર્ય જીવતરામ ભ. કૃપાલાણી|Gandhiana|23 September 2021

“બે શબ્દો જેઓ પોતાને ઉદ્દામવાદીઓ કહેવડાવે છે તેમને ઉદ્દેશીને. કાઁગ્રેસના રાજકારણમાં એ શબ્દનો શો અર્થ થાય છે એની મને ખબર નથી. શબ્દોની જાળમાં ફસાવું કદી સારું નથી હોતું. જો એનો અર્થ એવો થતો હોય કે જેઓ અહિંસાની હિમાયત પૂરા દિલથી ન કરતા હોય તેઓ ઉદ્દામવાદી તો મારે કહેવું જોઈએ કે એ શબ્દનું એ ખોટું અર્થઘટન છે. અહિંસામાં માનનાર પણ હિંસામાં માનનારના જેવો જ ક્રાંતિકારી હોઈ શકે છે. આપણે શબ્દોની પાર જવું જોઈએ. હું અહિંસા ગાંધીજી પાસે શીખ્યો છું. એક વખતે હું હિંસામાં માનતો હતો અને આજે મારે કહેતાં અચકાવું ન જોઈએ કે હું 1906-1907ના ક્રાન્તિકારીઓના જૂથમાં ભળેલો હતો. પણ મેં ગાંધીજી પાસેથી અહિંસાનો સિદ્ધાન્ત સ્વીકાર્યો પછી મેં જે નિર્ભયતા, હિંમત અને બળનો અનુભવ કર્યો છે તેવો કદી કર્યો નહોતો. અને હું ફાંસીને માંચડે ચડતાં ખંચકાયો ન હોત; પણ મારે તમને કહેવું જોઈએ કે એ દિવસોમાં, હું જ્યાં પણ જતો − પછી તે ગાડીમાં હોય કે રસ્તા ઉપર હોય − મારી નજર પાછળ રહેતી − એ જોવા કે કોઈ પોલીસ કે છૂપી પોલીસ મારી પાછળ આવતો તો નથી ને ! હું કોઈ મિત્ર સાથે વાત કરતો ત્યારે મનમાં વિચારતો કે એ સાચે જ મિત્ર છે કે દુશ્મન. હું દરેક માણસ ઉપર વહેમ રાખતો અને એટલે તેનાથી ડરતો. પણ મેં અહિંસાનો સ્વીકાર કર્યો ત્યારથી મારી આગળ કે પાછળ કોણ જાય છે કે આવે છે તેની મેં પરવા કરી નથી. મેં અહિંસા સ્વીકારી ત્યારથી હું જેની સાથે વાત કરતો તે મિત્ર છે કે દુશ્મન, પોલીસ છે કે છૂપી પોલીસ, એની મેં કદી પરવા કરી નથી. જો હું બહાદુર હતો તો હવે નિર્ભય થયો છું. એને જોરે જ, નોઆખલીમાં શું બન્યું હતું અથવા મારું કે મારાં પત્નીનું ત્યાં શું થશે, એની પરવા કર્યા વગર, હું ત્યાં જઈ શક્યો હતો. જ્યારે હું ક્રાન્તિકારી ચળવળમાં હતો ત્યારે મને મારી પોતાની પણ બીક લાગતી, કે રખેને કોઈ અસાવધ ક્ષણે, પોલીસના જુલમને લીધે હું કોઈ ગુપ્ત વાત જાહેર કરી દઉં અને કોઈ મિત્રનું નામ દઈ દઉં. હવે જ્યારે હું અહિંસક છું ત્યારે પોલીસ મારા ઉપર ત્રાસ ગુજારી શકે છે,  પણ તેથી તેમને મળશે શું ? મારે છુપાવવાનું કંઈ છે જ નહીં. હું સાચું કહી દઉં છું તો એમાં કોઈનો દ્રોહ કરતો નથી. આ મારી જાતનો ભય પણ અહિંસાને કારણે રહ્યો નથી. હિંસામાં બહાદુરી હશે પણ એવી બહાદુરી હંમેશાં અહિંસાની બહાદુરી કરતાં ઊણી ઊતરે છે. અહિંસા કદી કોઈ ઉપર વહેમ લાવતી નથી. અહિંસા કદી પાછળ જોતી નથી. અહિંસા માટે કોઈ પોલીસ છે જ નહીં. અહિંસા માટે દુનિયામાં કોઈ દુશ્મન છે જ નહીં. અહિંસક સૈનિક સીધો ટટ્ટાર ઊભો રહે છે, તેને મૃત્યુનો ભય નથી. હિંસક સૈનિકને પણ મૃત્યુનો ભય ન હોય એમ બને, પણ હિંસક સૈનિકની બહાદુરીમાં હંમેશાં ભયનો થોડો પાસ હોય જ છે.

“અહીં (આ સભામાં) લોકોએ વારંવાર હિંસાની વાત કરી છે, અને તેમને તાળીથી વધાવી લેવામાં આવ્યા છે. પણ હું કહેવાની રજા લઉં છું કે જો આ દેશ ઉન્નત અને સમૃદ્ધ થવાનો હશે તો તે કેવળ અહિંસા દ્વારા જ થઈ શકશે. એ સિવાય આપણે માટે બીજો માર્ગ જ નથી. આપણે એટલાં બધાં ભૌગોલિક, રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક જૂથોમાં વહેંચાઈ ગયેલા છીએ, કે આપણે જો વિદેશી શત્રુ સામે હિંસા વાપરીએ તો આપણે એકબીજાની વિરુદ્ધ પણ જરૂર હિંસા વાપરીશું. જેઓ તલવારથી જીવે છે તેઓ તલવારથી જ નાશ પામશે. આપણી આસપાસની દુનિયામાં જે બની રહ્યું છે, તે તમે જુઓ છો. આજે (દુનિયામાં) આપણે કાલ્પનિક ઝઘડાઓ પતાવવા માટે અણુબૉમ્બ દાખલ કર્યો છે, પણ દુનિયા પોતે આજ સુધી શું કરતી આવી છે એનું સરવૈયું ન કાઢે તો કશુંક આથી પણ ભયંકર બનશે. લોકો સારા કામ માટે હિંસા વાપરે એની હું નિંદા નથી કરતો. અહિંસા એ નવી વસ્તુ છે, પણ હું એ તમારી આગળ રજૂ કરવા માગું છું, કારણ, મેં હિંસા અને અહિંસા બંનેને અજમાવી જોઈ છે અને મારા અંગત અનુભવ ઉપરથી તમને કહી શકું છું કે મને માલૂમ પડ્યું છે કે અન્યાયના નિવારણ માટેનું અહિંસા એ ચડિયાતું હથિયાર છે. દુનિયાને પણ એક દિવસ એ ચડિયાતું હથિયાર માલૂમ પડશે.

“મારા ઘણા ઉદ્દામ મિત્રો ગાંધીયુગના નથી. હું ગાંધીયુગનો માણસ છું. 1920માં, જ્યારે ગાંધીજીએ હિંદના રાજકારણમાં સત્યાગ્રહને દાખલ કર્યો, ત્યારે હું જુવાન હતો. મેં જોયું કે કેવી રીતે અહિંસાથી જનતામાં પ્રાણ આવ્યો, તેઓ કેવા બહાદુર અને નિર્ભય બન્યા; પહેલાં જેઓ પેટે ચાલ્યા હતા તેઓએ કેવી હિંમતથી લાઠી અને ગોળીઓનો પણ સામનો કર્યો; આજે, કોમી રમખાણોને કારણે અને ક્ષિતિજ અંધકારમય છે માટે આપણે ગૂંચવાડામાં પડી જઈએ છીએ અને ગૂંચવાડામાં આપણામાંના સારામાં સારા માણસો અહિંસામાં શ્રદ્ધા ગુમાવી બેસે છે. આપણે માનીએ છીએ કે અહિંસાથી કંઈ નહીં વળે. પણ મને એમ લાગે છે કે દીવો પ્રગટાવવામાં આવ્યો છે, અને તે આપણને માર્ગ બતાવશે. એ કદાચ આજે કે આવતી કાલે નહીં બને. પયગંબરો જીવીને મૃત્યુ પામે છે, પણ તેમના સિદ્ધાન્તને ઘણી વાર તેમના મૃત્યુ પછી ફળ આવે છે. બુદ્ધનું મૃત્યુ થયું ત્યારે તેમને કેટલા શિષ્યો હતા ? મહંમદને કેટલા હતા ? જ્યારે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ત્યારે તેમને માત્ર બાર શિષ્યો હતા અને તે બારેયે તેમને નાકબૂલ કર્યા હતા, જેમ આજે આપણે ગાંધીજીને નાકબૂલ કરીએ છીએ. તેમ છતાં, ખ્રિસ્તી ધર્મ જીવે છે, ખ્રિસ્ત જીવે છે; તેમનો ધર્મગ્રંથ એ વિશ્વનો ધર્મગ્રંથ છે. તેમણે બુદ્ધની પેઠે જગત ઉપર જીત મેળવી છે. અમારા તરફ ન જોશો. અમે તો કદાચ તેમને ત્રણ વાર નહીં પણ ત્રીસ વાર નાકબૂલ કરીશું, પણ એ ગુરુ અને એમનો સિદ્ધાન્ત જીવશે. એ સિદ્ધાન્ત સનાતન સત્ય ઉપર મંડાયેલો છે. અહિંસા વગર જીવન અશક્ય છે. જો આપણે આપણા પ્રશ્નોને જૂઠથી અને કુટિલ રાજનીતિથી ઉકેલવા જઈશું તો, હું કહું છું કે, આપણા પ્રશ્નો ઊકલશે નહીં. દુનિયાના પ્રશ્નો નહીં ઊકલે.

“હવે હું એક શબ્દમાં સમાજવાદ અને ગાંધીવાદ વચ્ચેનો ભેદ કહેવાની રજા લઉં છું. એ ભેદ એ છે કે ગાંધીજી એમ માને છે કે આપણું ધ્યેય જેમ ઉન્નત હોય તેમ આપણાં સાધનો પણ શુદ્ધ હોવાં જોઈએ; ઉન્નત ધ્યેય હલકાં અને કુટિલ સાધનો વડે સિદ્ધ થઈ શકતાં નથી. ટૂંકમાં કહીએ તો, પશ્ચિમના સમાજવાદમાં અને અહિંસા અને સત્યના પાયા ઉપર રચાયેલા ગાંધીજીના સમાજવાદમાં આ ભેદ છે, આ સિદ્ધાન્ત સ્વીકારાયા વગર દુનિયા યુદ્ધ, ઝઘડા, ખૂનરેજીથી મુક્ત ન થઈ શકે. પછી એ સ્વીકાર આજે થાય કે સૈકા પછી થાય. જો એ સ્વીકાર સૈકા પછી થાય તો એ સૈકો માનવજાત માટે ભારે મુશ્કેલી અને કષ્ટભર્યો થઈ પડશે. એ શાંતિમય સૈકો નહીં હોય. તેથી, હું જેમ મારા ઉદ્દામ મિત્રોને હંમેશાં અપીલ કરતો આવ્યો છું તેમ આપને અપીલ કરું છું કે ગાંધીજીની ફિલસૂફીમાં શું રહેલું છે તે સમજવાનો પ્રયત્ન કરો. મારા પ્રમુખ તરીકેના ભાષણમાં મેં એનો થોડો ખ્યાલ આપ્યો છે. ગાંધીજી લોકશાહીની તરફેણ કરે છે; તેઓ આર્થિક અને સામાજિક સમાનતાની તરફેણ કરે છે; તેઓ આંતરરાષ્ટૃીય શાંતિની તરફેણ કરે છે. એવો કોઈ સમાજવાદી છે, જેને આ ત્રણ વસ્તુ ન જોઈતી હોય? હિંદુસ્તાનના સમાજવાદીઓ વ્યવહારમાં તો રાજ્યનું નિયંત્રણ જ બની જાય એવા સમાજના સંપૂર્ણ નિયંત્રણનો પ્રશ્ન વચમાં લાવી પોતાની ફિલસૂફીને અક્કડ, બિલકુલ લવચીકતા વગરની શા માટે બનાવી દે છે? મને ચોક્કસ લાગે છે કે કોઈક જાતની આર્થિક સ્વતંત્રતા એ વ્યક્તિત્વનું સારસત્ત્વ છે. જો તમે માણસનું આર્થિક સ્વાતંત્ર્ય લઈ લો તો એના વ્યક્તિત્વનો ઘણો મોટો ભાગ તમે લઈ લેશો અને વ્યક્તિના સ્વીકાર વિના તો લોકશાહી સંભવે જ નહીં.

“હું આશા રાખું છું અને પ્રાર્થું છું કે તમે આ સભાખંડમાંથી તમારી કલ્પના પ્રમાણે જે સાચું હોય તે જ કરવાનો નિશ્ચય કરીને જશો. તમે મારા વિચારો સ્વીકારો કે ફગાવી દો, એ ગૌણ બાબત છે. પણ તમે વિચાર કરો એમ હું ઇચ્છું છું. ગાંધીજી જે છવ્વીસ વર્ષમાં નથી કરી શક્યા તે હું વીસ મિનિટમાં કરવાની અપેક્ષા ન રાખી શકું. પણ મેં મારું હૃદય તમારી આગળ ઠાલવ્યું છે. કારણ કે તમે મને તમને સલાહ આપવાનું ભારે અને જવાબદારીભર્યું કામ સોંપ્યું છે. વંદે માતરમ્‌.”

મેં હિંસા અને અહિંસક અસહકાર અથવા સત્યાગ્રહ વચ્ચે જે ભેદ કરી બતાવ્યો તે ઘણાને ખૂબ ગમ્યો હતો. કારણ, હું અંગત અનુભવ અને માહિતીને આધારે બોલતો હતો. જવાહરલાલ એ ભાષણથી એટલા બધા હલબલી ગયા હતા કે, તે પૂરું થયું ત્યારે તેઓ પોતાની જગ્યાએથી ઊઠીને મંચ ઉપર આવ્યા અને મારી સાથે હસ્તધૂનન કરી મને ભાષણ માટે અભિનંદન આપ્યાં. સરોજિની તો હર્ષવિભોર થઈ ગયાં હતાં અને તેમણે પાછળથી મારા ભાષણની એક નકલ માઉન્ટબૅટનને અને તેમના બ્રિટિશ અધિકારી મિત્રોને બતાવી હતી.

પટ્ટાભિ સીતારામય્યાએ પોતાના પુસ્તક ‘હિસ્ટરી ઑફ ધ કાઁગ્રેસ’માં મારાં બે ભાષણોને પોતાની શૈલીમાં આ રીતે વર્ણવ્યાં હતાં :

“પ્રમુખ કૃપાલાનીએ પોતાનું ભાષણ તેમની હંમેશની અનાયાસ રીતે હિંદુસ્તાનીમાં આપ્યું અને કદાચ વધારે સ્વસ્થતાથી, કારણ, એમના બે દાયકાના રચનાત્મક પરિશ્રમના સ્થળ મેરઠમાં તેમને કાઁગ્રેસના પ્રમુખનું ગૌરવપ્રદ સ્થાન મળ્યું હતું. રાજેન્દ્રબાબુ મુંબઈના અધિવેશનના પ્રમુખ થયા ત્યારથી કોઈ કટ્ટર ગાંધીવાદીએ કાઁગ્રેસની ગાદી શોભાવી નહોતી અને આચાર્ય કૃપાલાનીએ એ ખોટ યોગ્ય રીતે પૂરી કરી એથી લોકોને આનંદ થયો હતો. તેમણે વિષયવિચારિણી સમિતિમાં તેમ જ પૂરા અધિવેશનમાં કાઁગ્રેસના કામકાજનું સંચાલન ભારે સામર્થ્ય અને સફળતાપૂર્વક કર્યું હતું. સુધારાઓ પાછા ખેંચાવવાની બાબતમાં તેમ જ ભાષણો ટૂંકાવવા સમજાવવાની બાબતમાં તેમણે ભારે કુનેહ અને વિવેક બતાવ્યાં હતાં, જેથી તેમના મિત્રોને અણધાર્યો આનંદ થયો હતો. અને શ્રોતાવર્ગે મુક્તમને તેની પ્રશંસા કરી હતી. અત્યારે હવે કહેવામાં વાંધો નથી કે શરૂઆતમાં આચાર્ય કૃપાલાની પ્રત્યે કાઁગ્રેસીના એક જૂથમાં તેમ જ નેતાઓમાં પણ ઝાઝો સદ્દભાવ કે કદર નહોતાં, પણ તેઓ એ બંને એટલા મોટા પ્રમાણમાં મેળવી શક્યા કે અધિવેશનને પાર ઉતારવા માટે તે પૂરતાં હતાં, એટલું જ નહીં, તેમની મુદ્દત પૂરી થાય ત્યાં સુધી તે ચાલે એમ છે. એમનું છેવટનું દોષ વગરના અંગ્રેજીમાં આપેલું ભાષણ વકતૃત્વનો અદ્દભુત નમૂનો હતો, જેમાં એમણે અહિંસાની અને તેને મળવી જોઈતી સફળતાના પ્રમાણમાં તેને મળેલી સફળતા(કે નિષ્ફળતા)ની આવેશપૂર્ણ ચર્ચા કરી હતી. તેમનાં મેઘગર્જના કરતાં, અનેક ઉપવાક્યોવાળાં લાંબાં લાંબાં વાક્યો, ઝપાટાભેર, વણથંભ્યાં વહ્યે જતાં હતાં અને તેમના શ્રોતાઓનાં હૃદયને ત્યાં સુધીમાં કદી હલમલ્યાં ન હોય એટલાં હલમલાવી મૂકતાં હતાં. એ સાંભળતાં પૂરા અડધા કલાક સુધી શ્રોતૃવર્ગ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ખરેખર અહિંસાનો પુનર્જન્મ થયો હતો અને તેમાં કાઁગ્રેસના પ્રમુખે ફરી એક વાર સહાય કરી હતી.”

(અનુવાદક : નગીનદાસ પારેખ)

[‘કાઁગ્રેસ પ્રમુખપદે’ નામક પ્રકરણ; “આચાર્ય કૃપાલાનીની આત્મકથા’; પૃ. 621-625]

Loading

આર્થિક જવાબદારી સંતાનોની ઉપેક્ષાનું મુખ્ય કારણ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 September 2021

સામાન્ય માણસ અર્થશાસ્ત્રી હોવો જ જોઈએ એવું જરૂરી નથી. ઘણાંને અર્થશાસ્ત્ર કે અનર્થશાસ્ત્રની સમજ નથી પણ પડતી. એને તો એટલું જ સમજાય છે કે ઘર ચલાવવા પૈસા જોઈએ છે ને એ પૈસા કમાવા એ મહેનત-મજૂરી, નોકરી-ધંધો કરે છે. એક સમય હતો જ્યારે ઓછા પૈસામાં ઘર ચાલતું હતું. તે એટલે કે ત્યારે આજના જેટલું બધું મોંઘું ન હતું. જો કે કોઈ કાળે સોંઘવારી તો હતી જ નહીં. સમય જતો ગયો તેમ તેમ ભૂતકાળ બધાંને સસ્તો લાગતો હતો. 300 રૂપિયા પગાર હતો ત્યારે પણ બધું મોંઘું જ હતું ને 30,000 પેન્શન છે તો પણ બધું મોંઘું જ છે ને 3,00,000 લાખ પેન્શન હશે ત્યારે પણ બધું મોંઘું જ હશે.  જો કે, વર્તમાનકાળ તો દરેક સમયમાં બધાંને મોંઘો જ લાગ્યો  છે. 

આજના સમયમાં કરોડપતિને પણ બધું મોંઘું લાગે છે ને ચીજવસ્તુઓ ખરીદવા બધાંએ જ કમાવું પડે એ સ્થિતિ છે. ઉદ્યોગપતિ પણ કમાય છે ને મજૂર પણ કમાય છે. નોકરી કરનારાઓમાંથી કેટલાકને પગારમાં વધારો ને મોંઘવારી ભથ્થું મળે છે. મોંઘવારી ભથ્થું વધે છે તેથી મોંઘવારી વધે છે કે મોંઘવારી વધે છે તેથી ભથ્થું વધે છે તે સાધારણ નોકરિયાતને સમજાતું નથી, પણ મોંઘવારી વધે છે તેટલા પ્રમાણમાં ભથ્થાં વધતાં નથી તે હકીકત છે. મોંઘવારીનો હપ્તો છૂટે છે તો પગાર વધતાં આપણે હરખાઈએ છીએ, પણ હાથમાં ઓછું જ આવે છે, કારણ કે ભથ્થાં પર પણ ટેક્સ તો લાગે જ છે. ઘણાંને મોંઘવારી ભથ્થું મળતું નથી ને મોંઘવારી તો તેમને ય લાગે જ છે ને એ ઉપરાંત અનેક છૂપા ટેક્સ પણ તેમનું ખીસું કતરતાં જ રહે છે. એક તરફ બધું મોંઘું થતું રહે છે ને તેને પહોંચી વળવા આપણે કમાણીના ખરા ખોટા રસ્તા શોધતા રહીએ છીએ ને જેમ કમાઈએ છીએ તેમ તેમ બધું મોંઘું થતું જાય છે ને જેમ જેમ મોંઘું થાય છે તેમ તેમ વધુ કમાવાની ફરજ પડે છે ને એમ એક વિસિયસ સર્કલ ચાલ્યા કરે છે. એને સારી ભાષામાં વિકાસ પણ કહેવાય છે. આપણો વિકાસ એટલો થઈ રહ્યો છે કે પગાર વધે તે પહેલાં મોંઘવારી વધી ચૂકી હોય છે. આ બધું અટકે એવું લાગતું નથી, હા, બધું જ વધતું રહે એટલો વિકાસ તો થશે જ તે નક્કી છે.

… પણ, આમાં કુટુંબ વ્યવસ્થા ખોરવાઈ રહી હોય એવું લાગે છે. એક સમય હતો જ્યારે કુટુંબ મોટું હતું. અનેક સમસ્યાઓ વચ્ચે પણ બાળક, કુટુંબના જુદા જુદા સભ્યો વચ્ચે મોટું થઈ જતું હતું. હવે કુટુંબો નાનાં થયાં છે. એમાં ક્યારેક મા-બાપનો સમાવેશ પણ મુશ્કેલ લાગે છે. સંતાનો વધુ પરવડે એમ નથી. એક કે બે, તેથી વધુ નહીં જ ! દીકરો કે દીકરી પરણીને નોકરી અર્થે બીજે ઘર વસાવે છે, એમાં માબાપ ત્યાં સુધી પહોંચતાં નથી કે ઘણા કિસ્સાઓમાં તેઓ ઇચ્છનીય પણ નથી. માબાપ પોતાનું કૂટે છે ને સંતાનો પોતાનું. હવે માબાપ એવું કહેતાં નથી કે તેમણે દીકરા દીકરી માટે જિંદગી ખર્ચી કાઢી કે દેવું કરીને સંતાનોને ભણાવ્યા, ગણાવ્યા. એવું કહે તો તે બધાં સંતાનોને ન સંભળાય એમ બને. આ સમય પોતાનું સંભાળીને બેસી રહેવાનો છે એવું ઘણાંને લાગે છે. એમાં બીજા કોઈને અવકાશ નથી. આજનાં કુટુંબમાં પતિ, પત્ની કે એકાદ દીકરો કે દીકરી – એથી વધુનો સમાવેશ નથી. એમાં ઘણાં સામાજિક સંબંધો નાબૂદ થવા માંડ્યા છે. ભાઈ, બહેન વગર કે બહેન, ભાઈ વગર ઊછરી જાય છે ને અગાઉ સ્થપાયેલા સંબંધોમાંથી ઘણા હવે કદી ન દેખાય એમ પણ બને. ઘણા એવો બચાવ કરે છે કે વધતી વસતિ જોતાં કુટુંબ નાનું હોય એ ઇચ્છનીય છે. એ સાચું પણ છે, પણ કૌટુંબિક સંબંધો પરનો કાપ પણ કેટલો ઇચ્છનીય તે વિચારવાનું રહે.

એ જે હોય તે, પણ આજે તો નાનું કુટુંબ સ્વીકારાઈ ચૂક્યું છે. ઓછી આવકમાં એક સમયે બહોળું કુટુંબ પોષાતું હતું, આજે આવક વધી છે, પણ એક વધારાની વ્યક્તિ ન પરવડે એ વાસ્તવિક્તા છે. આવક વધી તેનાં કરતાં મોંઘવારી વધી છે એટલે નાનું કુટુંબ ચલાવવા પણ મોટી આવકની જરૂર પડે છે. આજે ભાગ્યે જ એવું કુટુંબ હશે, જેમાં પતિ-પત્ની, બંને, કમાતાં ન હોય અને કમાવું જ પડે એ અનિવાર્યતા હોય તો દિવસનો ઘણો સમય પતિ-પત્નીનો ઘરની બહાર વીતે છે. એ સ્થિતિમાં બાળકના ઉછેરનો પ્રશ્ન વધુ વિકટ બન્યો છે. એક દીકરો કે એક દીકરી પણ માબાપ ઉછેરી શકે એટલી મોકળાશ બચતી નથી. કુટુંબ મોટું હતું ત્યારે દાદાદાદી કે કાકાકાકીને હાથે બાળક મોટું થઈ જતું હતું, એ હવે મુશ્કેલ છે. બાળકને ઘરમાં એકલું મૂકી શકાય એ પણ શક્ય ન હોય ને નોકરી માબાપ માટે અનિવાર્ય જ હોય ત્યારે બાળકને બીજે મૂકવું પડે. ઘોડિયાંઘરમાં કે બીજે ક્યાંક બાળકની વ્યવસ્થા કરવી પડે. અહીં બે શક્યતાઓ છે. બાળક પર ઓછું ધ્યાન અપાય ને તેની ઉપેક્ષા થાય અથવા તો તે એટલો પ્રેમ પામે કે બાળકને માબાપ અજાણ્યા કે પારકાં લાગવા માંડે. સંતાન માબાપ પાસે રહેવા ન કરે એમ પણ બને. આજનું ઘોડિયાંઘર આવતીકાલનું ઘરડાં ઘર છે તે સમજી લેવાનું રહે. જે માબાપ સંતાનોની કાળજી ન લઈ શકતાં હોય એની કાળજી ભવિષ્યમાં બાળકો લે એવું ઓછું જ બનવાનું. જે માબાપને સંતાન માટે સમય નથી, એમને માટે સંતાનોને પછી સમય ન રહે એ સ્વીકારી લેવાનું રહે. એ પછી માબાપને ઘરડાંઘરમાં મૂકે તો તેનો આઘાત ન લાગવો જોઈએ. એવું પણ બને છે કે માબાપે સંતાનો માટે પૂરતો સમય કાઢ્યો હોય ને છતાં સંતાન એમની કાળજી, બીજી વ્યસ્તતાઓને લીધે કે સ્વાર્થને કારણે ન લે ને એમને ઘરડાંઘર બતાવે. 

વારુ, જે ઘરમાં માતાને નોકરીની જરૂર નથી તે દીકરા-દીકરીને સહેલાઇથી ઉછેરી શકશે. દીકરા-દીકરી વચ્ચે ઉંમરનો તફાવત વધારે હશે તો બંને બાળકો પ્રમાણમાં સરળતાથી મોટાં થઈ જશે, પણ બંને વચ્ચે તફાવત ઓછો હશે તો બંને પર ધ્યાન આપવામાં માતાએ વધારે મહેનત કરવી પડશે. એ ઉપરાંત ઘરની બીજી કામગીરી પણ તેનો ઘણો સમય ખાઈ જશે ને તે થાકીહારી જશે, કંટાળી જશે, ગુસ્સે થઈ જશે ને એનો ભોગ બાળકો જ બનશે. પરિણામે, બાળકો મમ્મીથી ડરશે ને એનાથી દૂર રહેશે. મમ્મી એમને ઓછી ગમશે. એમાં થશે એવું કે વધારે સમય સાથે રહેતી મમ્મી કરતાં ઓછો સમય સાથે રહેતા પપ્પા વધારે વહાલા લાગવા માંડશે, કારણ તે ધમકાવતા કે મારતા નથી, જ્યારે હકીકત એ છે કે પપ્પા પાસે મારવા-ધમકાવવાનો જ સમય નથી. બીજું, મમ્મી તો ઘરમાં જ રહે છે, જ્યારે પપ્પા તો બહારથી આવે છે ને સંતાનો માટે કૈં ને કૈં લાવતા રહે છે. એ ખાવાનું લાવે છે, કપડાં-રમકડાં લાવે છે ને બાળકોને તો એટલું મળે એટલે આનંદ આનંદ થઈ જાય છે. એમને પપ્પા વધારે વહાલા લાગે છે ને મમ્મી ઓછી ગમે છે. આ વાતે ગેરસમજ ન વધે એ માટે પપ્પાએ એ સ્પષ્ટતા કરવી જોઈએ કે મમ્મી અનેક કામોની વચ્ચે તેમની કાળજી રાખે છે અને તે કામનાં ભારણમાં ખીજવાય કે ધમકાવે તો તેનું ખોટું ન લગાડવું ને પોતે સમય આપી શકતા નથી એટલે ગુસ્સો કરવાનું પણ બનતું નથી, બાકી ગુસ્સો તો એમને ય આવે છે ને તોફાન વધે તો એ પણ હાથ ઉપાડી શકે છે. ઘણા પપ્પા, બાળકો, મમ્મીને ધિક્કારે છે તો તેનો લાભ ઉઠાવી બાળકોને પોતાની તરફ ખેંચી રાખે છે. એ બરાબર નથી. આમાં દોષી કોઈ હોય તો પપ્પા છે, કારણ નોકરી નિમિત્તે એ બહાર વધુ રહે છે ને લાલચ આપીને બાળકોને પોતાનાં કરી રાખવા મથે છે. પિતાએ બાળકોને એ સમજાવવું જોઈએ કે તેમને કૈં થાય છે તો સૌથી પહેલી તેમને મમ્મી જુએ છે ને ડોક્ટર પાસે લઈ જવાની વાત આવે તો પહેલાં મમ્મી દોડે છે. એ વખતે તો પપ્પા દૂર હોય છે ને ઘણીવાર તો એમને આખી વાતની ખબર પણ પડતી નથી.

સાચી વાત તો એ છે કે આર્થિક જવાબદારીનો બોજ જ એટલો હોય છે કે મમ્મી–પપ્પા ઇચ્છે તો પણ, સંતાનોની લેવી જોઈતી કાળજી લઈ શકતાં નથી. એમાં જો મમ્મી કેવળ ગૃહિણી હોય તો સંતાનો થોડાંકેય સચવાય છે, જ્યાં પતિ-પત્ની બંને, સંતાનોને સમય આપી શકતાં નથી, એમના ઉછેરના અનેક પ્રશ્નો આખા કુટુંબને જવાબદાર ઠેરવે છે ને એ સંતાનો આગળ જતાં અનેક સમસ્યાઓનો શિકાર પણ થતાં રહે છે. બાળકોની અસલામતી, આખા વિશ્વની અસલામતી છે એ જેટલું વહેલું સમજાય એટલો સમાજ તંદુરસ્ત રહેશે એ કહેવાની જરૂર ખરી?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,9181,9191,9201,921...1,9301,9401,950...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved