Opinion Magazine
Number of visits: 9962488
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાઁગ્રેસ સામે અસ્તિત્વની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 March 2022

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ઉપર નજર કરીએ તો બે નિષ્કર્ષ કાઢી શકાય. ખરું પૂછો તો અત્યારે આને અનુમાન કહેવું જોઈએ, નિષ્કર્ષ પર આવવાને હજુ વાર છે.

એક તો એ કે જો ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા સરકારી રાહત બેંકમાં આવ્યા કરે અને જેમ તેમ બે ટંકનો રોટલો નીકળી રહે તો મુસલમાનોને સીધા કરવા માટે હિંદુ મતદાતાઓ પોતાની એક પેઢી કુરબાન કરવા તૈયાર છે. રોજગારીનો અભાવ, યુવાનોનું અંધકારમય ભવિષ્ય, પેટ્રોલના ભાવ, મોંઘવારી, કોરોનાસંકટનું જગતમાં નાક કપાય એવું મિસમેનેજમેન્ટ, વિકાસ, કાયદાનું રાજ, સહિયારું ભારત, સહિયારો પુરુષાર્થ, ગરીબ અને ખેડૂતવિરોધી નીતિઓ એમ બધું જ ભૂલવા તૈયાર છે. અન્યથા ઉત્તર પ્રદેશમાં તો કમસેકમ બી.જે.પી.ને જીતવા માટે કોઈ કારણ જ નહોતું.

ભારતમાં દરેક નાગરિક એક દુશ્મનને લઈને જીવે છે અને એ દુશ્મન ગરીબી અને અજ્ઞાન  નથી, કોઈ વ્યક્તિ પણ નથી પણ કોઈને કોઈ સમૂહ છે. છેલ્લા દાયકા સુધીનું ભારતીય રાજકારણ એક સમૂહના બીજા સમૂહ સામેના અણગમા કે દુશ્મનીના ગણિત ઉપર ચાલતું હતું. એ સમૂહ જ્ઞાતિના સ્વરૂપમાં હતા, ભાષાના સ્વરૂપમાં હતા, પ્રદેશના સ્વરૂપમાં હતા, વગેરે. આને કારણે જ્ઞાતિકીય કે ભાષાકીય અસ્મિતાઓ પર આધારિત અનેક પ્રાદેશિક પક્ષો સ્થપાયા હતા. તેમની રાજકીય જીવાદોરી એક સમૂહના બીજા સમૂહ સામેની દુશ્મનીના ગણિત અને સમીકરણો પર આધારિત હતી. ડો રામમનોહર લોહિયાએ સામાજિક સમૂહોના સશક્તિકરણના નામે સમૂહોની દુશ્મનીનું ચૂંટણીકીય ગણિત રચી આપ્યું હતું.

હવે એ દુશ્મની મુસલમાનની સામે કોમી સ્વરૂપમાં કાયમ થઈ છે અને એ ભારતીય જનતા પક્ષની અને નરેન્દ્ર મોદી – અમિત શાહની અને એકંદરે સંઘ પરિવારની ઉપલબ્ધિ છે. અત્યંત ગણતરીપૂર્વક હિંદુ માનસ ઉપર કબજો કરીને ભારતીય નાગીરિકોની દુશ્મનીની ભાવનાને એક સમૂહ ઉપર કેન્દ્રિત કરી છે. જો ગુજરાન ચાલે એટલા પૈસા ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા મળી જતા હોય તો બંદો મુસલમાનને સીધો દોર કરવા ઉપલબ્ધ છે. પાછું ડાયરેક્ટ ટ્રાન્સફરની સુવિધાને કારણે કોઈ કચેરીનાં પગથિયાં ઘસવાના નથી, કોઈ અમલદારને ઘૂસ આપવી પડતી નથી અને ઉપરથી વખત બચે છે. મહેનત કર્યા વિના અને અપમાનો સહન કર્યા વિના લહેરથી ભલે જેમતેમ પણ ગુજરાન ચાલે છે. ડેવલપમેન્ટ કેન વેઇટ. સદીઓ જૂનો મુસલમાન સામેનો પૂર્વગ્રહ આધારિત હિસાબ ચૂકતે કરવાનો મોકો મળ્યો છે.

તો વાતનો સાર એ કે ભારતીય રાજકારણમાં ‘દુશ્મન’ની કલ્પનામાં પરિવર્તન થયું છે અને એ પરિવર્તન નિર્ણાયક છે. ડૉ લોહિયાનું હિંદુ બનામ હિંદુની જગ્યા હવે હિંદુ બનામ મુસલમાને લીધી છે. હિંદુ બનામ હિંદુ, હિંદુ બનામ મુસલમાનના કોમી ધ્રુવીકરણને ખાળશે અને ભા.જ.પ.ને ક્યારે ય એકલા હાથે સત્તા સુધી પહોંચવા નહીં દે એ ધારણા ખોટી પડી છે. ભા.જ.પ.ને એકલા હાથે કેન્દ્રમાં બે મુદ્દતથી શાસન કરે છે. દેશનાં કેટલાંક મહત્ત્વનાં રાજ્યોમાં શાસન કરે છે અને હવે ઉત્તર પ્રદેશમાં બીજી મુદ્દત મળી છે જે મળવા માટે કોઈ કારણ નહોતું. ઉત્તર પ્રદેશે સાબિત કરી આપ્યું છે કે હિંદુ બનામ હિંદુની પરંપરાગત દુશ્મનીની ભલે ગમે એટલી વાતો થતી હોય, ભલે મનુવાદનો ભય બતાવવામાં આવતો હોય, ભલે બ્રાહ્મણી સાંસ્કૃતિક વર્ચસ્વ કે સાંસ્કૃતિક આક્રમણની વાતો થતી હોય; અત્યારે તાત્કાલિક દુશ્મન મુસલમાન છે. મોકો મળ્યો છે તો બધું જ બાજુએ. ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા ગુજરાન તો ચાલે જ છે. આમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાત સાચી છે કે ૨૦૨૪ની ચૂંટણી બી.જે.પી.ની છે અને એનો સ્વીકાર રાજકીય પંડિતોએ કરવો જોઈએ. મુસલમાન દુશ્મન અને ગુજરાન ચલવવાની ગેરંટી આપનારી ડાયરેક્ટ ટ્રાન્સફરની વિનિંગ ફોર્મ્યુલા હજુ કામ કરવાની છે.

અત્યારે બી.જે.પી.નો અને આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય અને ગયા મે મહિનામાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કાઁન્ગ્રેસનો ભવ્ય વિજય જોતા બીજો નિષ્કર્ષ એ છે કે દાયકાઓ જૂના રાજકીય પક્ષોને હવે તેનો અતિત નડે છે. જે તે રાજકીય પક્ષનું નામ પડતા ચોક્કસ પરિવાર, ચોક્કસ જ્ઞાતિઓની દાદાગીરી, પક્ષપાત, એકનું એક રાજકારણ વગેરેની યાદ આવે છે. તમે કહેશો કે ભારતીય જનતા પક્ષ પણ દાયકાઓ જૂનો પક્ષ છે અને એ પણ એકનું એક રાજકારણ કરે છે, પણ એક હકીકત નોંધવી જોઈએ કે નરેન્દ્ર મોદીના આગમન પછીનો ભા.જ.પ. અલગ છે અથવા અલગ ભાસે છે. નરેન્દ્ર મોદીએ ભા.જ.પ.નો ભૂતકાળ ભુલાવી દીધો છે. એ ભારતનો જયજયકાર હોય કે હિંદુરાષ્ટ્ર હોય ભારતના નાગરિકને કશુંક નવું નજરે પડી રહ્યું છે. આમ આદમી પાર્ટી અને તૃણમુલ કાઁન્ગ્રેસ અતીતના બોજાથી મુક્ત છે. બન્ને પક્ષ પરિવાર, પક્ષપાત, ચોક્કસ પ્રજાસમૂહની દાદાગીરી અને તેનાં લાંબા કટુ સંસ્મરણોથી મુક્ત છે.

આને કારણે પશ્ચિમ બંગાળમાં મુકાબલો તૃણમૂલ કાઁન્ગ્રેસ અને ભા.જ.પ. વચ્ચે હતો. કાઁન્ગ્રેસ અને ડાબેરી પક્ષો હોવા છતાં ન હોવા જેવા હતા. ઉત્તર પ્રદેશમાં મુકાબલો ભા.જ.પ. અને સમાજવાદી પક્ષ વચ્ચે હતો. બહુજન સમાજ પક્ષ અને કાઁન્ગ્રેસ હોવા છતાં ન હોવા જેવા હતા. અખિલેશ યાદવ ઠીકઠીક પ્રમાણમાં નવા સમાજવાદી પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ હજુ લોકો સમાજવાદી પક્ષનો અતીત ભૂલ્યા નથી. અખિલેશ યાદવે એ ભૂતકાળ ભૂલાવવો પડશે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ તમામ પરંપરાગત રાજકીય પક્ષોના સુપડા સાફ કર્યા છે. ટૂંકમાં અતીતબોજથી મુક્ત નવા શાસકો સામેની નાગરિકોની ફરિયાદો એક તરફ અને તેમની જગ્યા લેવા માગનારા રાજકીય પક્ષોનો ભૂતકાળ એક તરફ. નવા શાસકોની તાત્કાલિક ક્ષતિઓ મતદાતા ભૂલીને માફ કરવા તૈયાર છે, પણ દાયકાઓ જૂનો ભૂતકાળ ભૂલવા તૈયાર નથી. 

જો આ નિષ્કર્ષ કે અનુમાન સાચાં હોય તો કાઁગ્રેસે પોતાના ભવિષ્ય વિષે વિચારવું જોઈએ. રાહુલ ગાંધી કે ગાંધીપરિવારનો કોઈ સભ્ય નવી કાઁન્ગ્રેસનું પ્રતિનિધિત્વ નથી કરતો અને કાઁન્ગ્રેસને અતીત ભૂલાવે એવા નવા નેતૃત્વની જરૂર છે. કદાચ એવું પણ બને કે નરેન્દ્ર મોદી, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ કાઁન્ગ્રેસમાં સમૂળગા પરિવર્તનનું કારણ બને અને જો એમ નહીં બને તો જે સ્થિતિ બહાદુરશાહ ઝફરની અને મુઘલ સામ્રાજ્યની બની હતી એવી સ્થિતિ ગાંધી પરિવાર અને કાઁન્ગ્રેસની થશે. કાઁન્ગ્રેસ સામે અસ્તિત્વની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 માર્ચ 2022

Loading

સિરિયા, અફઘાનિસ્તાન પછી યુક્રેનઃ શરણાર્થીઓનો પ્રશ્ન વિશ્વ માટે ભડકામાંથી દાવાનળ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 March 2022

છેલ્લા એક દાયકામાં આખી દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. કાળમુખા જંગલો, હાડ થીજાવી દેતી ઠંડી, સામાન, બાળકો, પહાડો અને નદીઓ પણ આ બધું પાર કરીને જનારા શરણાર્થીઓને કોઇ ખાતરી નથી હોતી કે તેઓ સામે પાર – સલામત સ્થળે જીવતેજીવ પહોંચી શકશે કે કેમ?

યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો ત્યારથી માંડીને આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં ૧.૫ મિલિયન લોકોએ દેશની સરહદ પાર કરી છે. જીવ બચાવવા માટે બીજા રાષ્ટ્રની શરણે જનારાઓની આ સંખ્યા એક નવી કટોકટી છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શરણાર્થીઓનો પ્રશ્ન બહુ મોટો હતો અને બીજા વિશ્વ યુદ્ધના સમય પછી પહેલીવાર શરણાર્થીઓનો પ્રશ્ન યુરોપ માટે અણધારી ગતિએ ઝડપી બની રહ્યો છે. યુક્રેનના રહેવાસીઓ કિવના પરામાંથી છટકીને સરહદ પાર કરવાના પ્રયત્નમાં હતા અને તેમાં રશિયાના બોમ્બિંગને કારણે જીવવા માટે જહેમત કરી રહેલો પરિવાર મોતને ઘાટ ઉતરી ગયો. રેફ્યુજી ક્રાઇસિસ – શરણાર્થીઓનો પ્રશ્ન વૈશ્વિક છે.  પહેલાં સિરિયા, અફઘાનિસ્તાન અને હવે યુક્રેનમાં ખડી થયેલી કટોકટીને પગલે આ પ્રશ્ન વધારે ઘેરો બન્યો છે. રેફ્યુજીની સમસ્યા માત્ર એ બીજા રાષ્ટ્રો માટે નથી હોતી, જ્યાં પહોંચવા માટે આ લોકો પ્રયત્ન કરી રહ્યાં છે, પણ જે લોકો જીવ બચાવવા સરહદ પાર કરી રહ્યાં હોય છે તેમને હેમખેમ લાવવા લઇ જવા-વાળા સ્મગલર્સ – દાણચોરોનું તંત્ર પણ આ આખી ગોઠવણનો ભાગ હોય છે.

યુક્રેનની હાલત કફોડી છે. કલ્પના કરો એક તરફ તમારા ઘર પર બોમ્બમારો થયો છે, જે હાથમાં આવ્યું તે લઇને તમે સરહદ તરફ દોટ મૂકી રહ્યા છે, તમે બીજા દેશની સરહદે કે ટ્રેન સ્ટેશન પર પહોંચો છો તો બીજા રાષ્ટ્રના લોકો કાર્ડ બોર્ડ લઇને તમને તેમના ઘરમાં, તેમના દેશમાં આવકારી રહ્યાં છે. નરકમાંથી છૂટીને માણસાઇ ભણી દોડતા લોકોની વ્યાકૂળતા શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. છેલ્લા એક દાયકામાં આખી દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. કાળમુખા જંગલો, હાડ થીજાવી દેતી ઠંડી, સામાન, બાળકો, પહાડો અને નદીઓ પણ આ બધું પાર કરીને જનારા શરણાર્થીઓને કોઇ ખાતરી નથી હોતી કે તેઓ સામે પાર – સલામત સ્થળે જીવતેજીવ પહોંચી શકશે કે કેમ? જેની સાથે નીકળ્યા છે તે બધાં પણ રસ્તામાં જીવતા રહેશે કે નહીં તેનું પણ કંઇ નક્કી નથી હોતું. અફઘાનિસ્તાનમાંથી યુ.એસ.એ પોતાનું સૈન્ય ખસેડી લીધું અને તાલીબાનીઓ ફરી વળ્યા ત્યારે પણ જે દૃશ્યો સર્જાયા તે અકલ્પનિય છે. ટર્કીની પૂર્વમાં આવેલા વાન પ્રદેશમાં પહોંચેલા અફઘાની નાગરિકોમાં સ્ત્રીઓએ તો તાલીબાનીઓનો માર પણ ખાધો, ઇરાન પહોંચ્યા પછી માનવ દાણચોરી કરનારાઓને હજારો ડૉલર્સ ચુકવ્યા પછી પણ જો ટર્કીની બોર્ડરે ન પહોંચાય તો ફરી પ્રયત્ન કરવાના પૈસા પણ ચૂકવ્યા. સરહદો પરની દિવાલો પર ચઢીને કૂદી જવાય પણ પછી બીજા રાષ્ટ્રની પોલીસથી જીવ બચાવવો પડે. સિરિયાથી લાખો લોકો ટર્કી પહોંચ્યા અને અફઘાનિસ્તાનમાં સંજોગો બદલાયા એટલે ત્યાં પણ શરણાર્થીઓએ ટર્કી જવામાં સલામતી જોઇ.

૨૦૨૨માં દુનિયાએ જે દસ મોટા રેફ્યુજી ક્રાઇસિસનો સામનો કરવો પડશે તેની પર એક નજર

3,69,000 – નાઇજિરીયન્સ હોસ્ટ કોમ્યુનિટીઝમાં શરણાર્થી છે

4,92,000 – ઇરિટ્રિયાના લોકો હિંસા, રાજકીય સામાજિક અસ્થિરતાને કારણે શરણાર્થી બન્યા છે

7,13,000 –  જેટલા સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના લોકો સાંપ્રદાયિક હિંસાનો ભોગ બન્યા છે અને શરણાર્થી તરીકે રહ્યા છે

79,000 – સોમાલિયન શરણાર્થીઓ વિશ્વ આખામાં ફેલાયેલા છે – સોમાલિયા દુકાળ, વિષમ આબોહવા અને સૈન્ય સંઘર્ષોમાં ફસાયેલો દેશ છે.

8,05,000 – સુદાન શરણાર્થીઓને સમાવનારો પાંચમો સૌથી મોટો દેશ છે છતાં ય આ દેશમાંથી પેદા થનારા શરણાર્થીઓની સંખ્યા વધી રહી છે.

8,64,000 – કોંગલિઝ રેફ્યુજી પોતાના દેશમાં ચાલતી હિંસાને કારણે વિખેરાયા છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો એ વિશ્વનો સૌથી મોટો ભૂલાઇ ગયેલો પ્રશ્ન ગણાય છે.

1,10,000 – રોહિંગ્યા મુસલમાનો બાંગ્લાદેશના કોક્ઝ બાઝારના રેફ્યુજી કેમ્પ્સમાં છે.

2,60,000 – દક્ષિણ સુદાનીઓ હોસ્ટ કોમ્યુનિટીઝમાં રહ્યાં છે. ૪૦ લાખ લોકો દક્ષિણ સુદાનમાંથી વિસ્થાપન થયું છે.

2,60,000 – થી વધારે અફઘાનીઓ શરણાર્થી તરીકે જીવી રહ્યાં છે, છેલ્લા ચાર દાયકામાં અફઘાનીઓએ પોતાનું વતન છોડવાની જે તક મળે તે ઝડપી લીધી છે.

67,00,000 – સિરિયાની સંઘર્ષને કારણે પેદા થયેલા શરણાર્થીઓનો આંકડો આખા વિશ્વના શરણાર્થીઓના ૨૫ ટકા જેટલો છે. લેબનન, જોર્ડન, ઇરાક, ઇજીપ્ત અને ટર્કીમાં આ સિરિયન્સ વહેંચાયેલા છે.

**આ યાદીમાં હજી યુક્રેન છોડીને બીજા દેશોમાં શરણ માગવા ગયેલા શરણાર્થીઓનો આખરી આંકડો નથી ઉમેરાયો.

ભૌગોલિક કારણોસર ટર્કી આ બન્ને રાષ્ટ્રોના શરણાર્થીઓની પહેલી પસંદ રહી છે. પરંતુ શું ટર્કીનું તંત્ર આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓને સમાવવા માટે, તેમની રોટી – કપડાં – મકાનની મૂળભૂત જરૂરિયાતો સાચવવા માટે સક્ષમ છે ખરું? વળી આ કંઇ એક દેશની વાત નથી. મ્યાનમારમાં માનવસંહાર અને એથનિક ક્લિન્ઝિંગનને પગલે રોહિંગ્યા મુસલમાનોએ ૨૦૧૭ના ઑગસ્ટ પછી બાંગ્લાદેશની વાટ પકડી. ૧.૧ મિલિયન કરતાં વધુ રોહિગ્યાઝ બાંગ્લાદેશમાં છે અને દર વર્ષે આ સંખ્યામાં નવાં જન્મનારાં બાળકોને કારણે વધારો પણ થતો રહે છે. મ્યાનમાર માનવસંહારને પાંચ વર્ષ થવા આવ્યાં છે પણ હજી સુધી રોહિંગ્યા શરણાર્થીઓનો પ્રશ્ન નથી ઉકેલી શકાયો. જાતભાતના પ્રયાસ કરાયા છે, પ્રસ્તાવો મુકાયા છે પણ ક્યાં ય ઉકેલ દેખાયો નથી. લાખો લોકો સ્થિરતા અને સલામતી વગર, ભવિષ્ય અંગે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા વગર જીવી રહ્યાં છે.

આ તરફ પોલેન્ડની વાત કરીએ તો યુક્રેનથી પોલેન્ડ પહોંચી સરહદ પાર કરી ચૂકેલોનો આંકડો બહુ મોટો છે.  ગયા શનિવારે એક જ દિવસમાં ૧ લાખ ૨૯ હજાર લોકોએ સરહદ પાર કરી હતી. અત્યાર સુધીમાં આ આંકડો ૯ લાખ ૨૨ હજારે પહોંચ્યો છે. બોમ્બ ધડાકાના અવાજો વચ્ચે બંકરમાં બેસી રહેવા કરતાં જીવ બચાવવા બીજે ચાલ્યા જવામાં લોકોને ભલાઇ લાગે એમાં કંઇ ખોટું નથી. યુક્રેનિયન્સ સ્લોવાકિયા, હંગેરી અને ઉત્તર રોમાનિયા સુધી પણ સલામતીથી પહોંચ્યા છે.

ભાગલા, યુદ્ધ, આર્થિક અવગણના, ભૌગલિક પરિસ્થિતિ જેવું કેટલુંય શરણાર્થીઓની સમસ્યાઓ વધારે છે. જે રાષ્ટ્રમાં તેઓ આશરો લે છે તે રાષ્ટ્રને રાજનૈતિક, સામાજિક અને આર્થિક સ્તરે બેવડ વળી જવું પડતું હોય છે. સત્તાના મોહમાં જેની પર સત્તા કરવાની છે તે પ્રજાને નકરી હેરાનગતિ સિવાય સરકારો બીજું કંઇ નથી આપતી.

બાય ધી વેઃ

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાથી દુનિયા આખીના સમીકરણો અણધાર્યા બદલાયા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી કોઇ પણ યુરોપિયન દેશ પર થયેલો આ સૌથી મોટો હુમલો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આનાથી વધુ ભડકે બળતો પ્રશ્ન કોઇ જ નથી. આ ભડકાને દાવાનળ બનતા જરા ય વાર લાગે તેમ નથી અને તેની સાથે જ શરણાર્થીઓની સમસ્યા વધુને વધુ મોટી થતી જશે. આર્થિક યુદ્ધ પણ વધુ આકરું થતું જશે. મૂળિયાં સોતાં ઉખડી જઇને લાચારીમાં જીવાતી જિંદગીઓ આગામી પેઢીઓને સલામતી શું છે તે ક્યારે ય પણ સમજાવી શકશે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  13 માર્ચ 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—136

દીપક મહેતા|Opinion - Opinion|12 March 2022

મુંબઈનું મહામૂલું ઘરેણું રાજાબાઈ ટાવર

મુંબઈના બેતાજ બાદશાહ પ્રેમચંદ રાયચંદે બંધાવ્યો એ ટાવર

જ્યારે માર્ક ટ્વેને મુલાકાત લીધી પ્રેમોદ્યાન બંગલાની

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક વિચાર આવ્યો : મુંબઈમાં એવી કેટલી જાહેર ઇમારતો છે જેની સાથે એક યા બીજી સ્ત્રીનું નામ જોડાયું હોય. અને હા, એ સ્ત્રી અંગ્રેજ નહિ, પણ ‘દેશી’ હોય. જે ત્રણ-ચાર નામ યાદ આવ્યાં તેમાં પહેલું નામ યાદ આવ્યું રાજાબાઈ ટાવર. બોલ ટાવર અને બેલ ટાવર કરતાં મુંબઈમાં ઘણા વધારે જોવા મળે કલોક ટાવર. તેમાં રાજાબાઈ ટાવર એટલે મુંબઈનું ઘરેણું. પણ આ રાજાબાઈ હતાં કોણ? ઘણું ઘણું શોધો : માત્ર એક જ વાત મળશે : રાજાબાઈ તે ૧૯મી સદીના મુંબઈના પ્રખ્યાત વેપારી, શેર બ્રોકર, દાનવીર શેઠ પ્રેમચંદ રાયચંદનાં માતા. જૈન વણિક લાકડાના વેપારી દીપચંદભાઈનાં પત્ની. બીજું કશું જાણતા નથી આપણે તેમના વિષે. હા, ૧૯૧૩માં દિનશા એદલજી વાચ્છાએ પ્રેમચંદભાઈનું જીવનચરિત્ર લખ્યું છે : Premchand Roychand : His Early Life and Career. તેના છેક છેલ્લા પાના પર રાજાબાઈનો ફોટો છાપ્યો છે.

એક જમાનાના મુંબઈના બેતાજ બાદશાહ શેઠ પ્રેમચંદ રાયચંદ

રાજાબાઈના દીકરા પ્રેમચંદનો જન્મ સુરતમાં, ૧૮૩૨માં. એ જમાનાના બીજા ઘણા ગુજરાતવાસીઓની જેમ દીપચંદભાઈ પણ પોતાનું નસીબ અજમાવવા સુરત છોડી મુંબઈ આવ્યા. બે પાંદડે થયા. દીકરા પ્રેમચંદને એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન(પછીથી કોલેજ)માં ભણાવ્યો. ૧૬ વરસની ઉંમરે પ્રેમચંદભાઈ શેર બ્રોકર બન્યા. કહેવાય છે કે એ વખતે અંગ્રેજી બોલી-લખી શકે તેવા તેઓ એકમાત્ર શેર બ્રોકર હતા, મુંબઈમાં. કમાયા, ઘણું કમાયા. મુંબઈના બેતાજ બાદશાહ બન્યા. મોટા મોટા અંગ્રેજ અમલદારો જ નહિ, ખુદ ગવર્નર સર બાર્ટલ ફ્રેરે સાથે પણ ઘરોબો.

૧૯૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ ત્યારે એની પાસે પોતાનું મકાન નહોતું. એટલે શરૂઆત થયેલી ટાઉન હોલના મકાનમાં. થોડાં વરસ પછી યુનિવર્સિટી માટે અલગ મકાન બાંધવાની હિલચાલ શરૂ થઈ. આજે જે કોન્વોકેશન હોલ તરીકે ઓળખાય છે તે મકાન બાંધવા માટે સર કાવસજી જહાંગીરે એક લાખ રૂપિયાનું દાન આપ્યું. શરૂઆતમાં તેમણે એવી શરત મૂકી કે યુનિવર્સિટીનાં મકાન બાંધવા માટે બીજા કોઈ પાસેથી દાન લેવું નહિ. પણ દેખીતી રીતે જ આ રીતે યુનિવર્સિટી પોતાનાં કાંડાં કાપી આપી ન શકે. થોડી સમજાવટ પછી સરસાહેબે એ શરત પડતી મૂકી.

પ્રેમચંદ રાયચંદે યુનિવર્સિટીને લખેલો પત્ર

અને થોડા દિવસ પછી યુનિવર્સિટીને એક કાગળ મળ્યો : લાયબ્રેરીનું મકાન બાંધવા માટે બે લાખ રૂપિયાનું દાન આપવાનું જણાવ્યું હતું શેઠ પ્રેમચંદ રાયચંદે, ૧૮૬૪ના ઓગસ્ટની ૨૭મી તારીખે લખાયેલા એક પત્રમાં. પણ પ્રેમચંદભાઈને દાનની રકમથી સંતોષ નહોતો. એટલે ૧૮૬૪ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે ફરી પત્ર લખીને તેમણે બીજા બે લાખ રૂપિયાનું દાન આપ્યું, લાયબ્રેરીના મકાન સાથે કલોક ટાવર બાંધવા માટે. અને એ જ પત્રમાં વિનંતી કરી કે આ ટાવર સાથે તેમનાં માતા રાજાબાઈનું નામ જોડવામાં આવે.

આ ટાવર બંધાવવાનો વિચાર પ્રેમચંદભાઈને કેમ આવ્યો એ અંગે એક માનવી ગમે તેવી, પણ માનવાનું શક્ય નથી એવી દંતકથા પ્રચલિત છે. માતા વૃદ્ધ થયાં હતાં. આંખે લગભગ અંધાપો આવ્યો હતો. જૈન ધર્મના ક્રિયાકાંડ સમયસર કરવા માટે માતા આગ્રહી. એટલે દર પંદર મિનિટે ટાવરના ડંકા સાંભળીને માતા સમય જાણી શકે એટલા ખાતર પ્રેમચંદભાઈએ આ દાન આપ્યું! પણ આમાં ન માનવા જેવું છે શું? એ જમાનો હતો મુંબઈના શેર મેનિયાનો. અને એના મુખ્ય ખેલાડી હતા શેઠ પ્રેમચંદ. લાખો-કરોડોમાં આળોટતા હતા. માતૃભક્તિથી પ્રેરાઈને બે લાખનું દાન કરવું એ તો એ વખતે એમને માટે રમત વાત હતી.

પણ આ દંતકથા માની શકાય એમ નથી એનું કારણ રાજાબાઈ ટાવર અને પ્રેમચંદશેઠના રહેઠાણ વચ્ચેનું અંતર. રાજાબાઈ ટાવર તો જ્યાં હતો ત્યાં જ આજે પણ છે. પણ પ્રેમચંદશેઠ જે બંગલામાં રહેતા હતા એ બંગલો પણ હજી આજે ય મોજૂદ છે. એનું તે વખતનું નામ ‘પ્રેમોદ્યાન.’ યથા નામ તથા ગુણ. આજની ભાષામાં ગ્રાઉન્ડ પ્લસ વનનો બંગલો. તેના ફરતું મોટું, સુંદર ઉદ્યાન કહેતાં બગીચો. અને એ આવેલો છે ભાયખળામાં. હવે તમે જ કહો, ફોર્ટ વિસ્તારમાંના રાજાબાઈ ટાવરના ડંકા છેક ભાયખળામાં કઈ રીતે સંભળાય? માન્યું કે એ વખતે આજની જેમ મુંબઈમાં ઊંચાં ઊંચાં મકાનો નહોતાં, હવા અને અવાજનું પ્રદૂષણ નહોતું, વસ્તી ઘણી ઓછી હતી, ટ્રાફિક અને તેનો ઘોંઘાટ નહોતો. પણ તો ય ડંકા છેક ભાયખળામાં બેઠેલાં પ્રેમચંદશેઠનાં વૃદ્ધ, અશક્ત માને સંભળાય? યે બાત કુછ હજમ નહિ હોતી. માતૃપ્રેમથી પ્રેરાઈને ટાવર બંધાવ્યો એ ખરું.

પ્રખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેન ૧૮૯૬માં મુંબઈની મુલાકાતે આવેલા. ૧૮૯૫માં તેમણે બ્રિટિશ સામ્રાજ્યના દેશોની મુલાકાત લેવા માટે લેકચર ટૂર શરૂ કરેલી. કારણ? કારણ માથે ઘણું દેવું ચડી ગયું હતું. આ દેશોમાં જાહેર ભાષણો આપીને તેમાંથી જે આવક થાય તેમાંથી દેવું ચૂકવાઈ જશે એવો તેમનો ખ્યાલ. ટ્વેન ઉતરેલા એ જમાનાની પ્રખ્યાત વોટ્સન હોટેલમાં. ઘણા અંગ્રેજો અને રાજા-મહારાજાએ તેમના માનમાં ડિનર પાર્ટીઓ યોજેલી. પ્રેમચંદશેઠે પણ પોતાના ‘પ્રેમોદ્યાન’ બંગલામાં પાર્ટી રાખેલી. માર્ક ટ્વેન લખે છે કે જ્યારે અમે ભાયખળાની લવ લેનમાં આવેલા પ્રેમચંદ રાયચંદના બંગલે પહોચ્યા ત્યારે ભોંયતળિયાનો મોટો હોલ લગભગ આખો ભરાઈ ગયો હતો. અને હજી તો મહેમાનોની ઘોડા ગાડીઓ આવ્યે જતી હતી. ત્યાં હાજર લોકોને જોઈને મને લાગ્યું કે અહીં જાણે કે રંગોનો મેળો જામ્યો છે. ખાસ તો પુરુષોએ માથે પહેરેલા સાફામાં જે રંગવૈવિધ્ય હતું તે મેં બીજે ક્યાં ય ભાગ્યે જ જોયું હશે. મને કહેવામાં આવ્યું કે દરેક પ્રદેશ અને દરેક જ્ઞાતિને પોતાનો આગવો સાફો હોય છે એટલું જ નહિ, એ પહેરવાની આગવી રીત પણ હોય છે. પણ સૌથી વધુ રંગબેરંગી કપડાં કેટલાક છોકરાઓએ પહેર્યાં હતાં. એ કપડાંના રંગ એટલા તો ભડક હતા કે છોકરાઓ જાણે સળગી રહ્યા હોય એવું લાગે. મને કહેવામાં આવ્યું કે આ છોકરાઓ ધંધાદારી નાચનારા છે. એમણે કપડાં પહેર્યાં હતાં છોકરી જેવાં, પણ હકીકતમાં એ બધા હતા છોકરા. તેમાંથી બે કે ચાર છોકરા એક સાથે ઊભા થઈને ઘોંઘાટિયા સંગીત સાથે નાચતા હતા. તેમના હાવભાવ, અભિનયમાં વૈવિધ્ય હતું, પણ તેમના અવાજ મને તો કર્કશ લાગ્યા. અને સંગીતમાં એકતાનતા હતી, વૈવિધ્ય ઘણું ઓછું હતું.

ભાયખળામાં આજે ય અડીખમ ઊભેલો પ્રેમોદ્યાન બંગલો

આજે આપણને સવાલ થાય કે ભાયખળા જેવા વિસ્તારમાં બંગલો કેમ બંધાવ્યો હશે, પ્રેમચંદશેઠે? કારણ એ વખતે ભાયખળાનો વિસ્તાર, પરળનો વિસ્તાર, આજની ભાષામાં ‘અપ માર્કેટ’ કે ‘પોશ ’વિસ્તાર ગણાતો હતો. ત્યાંની ઘણી જમીન ડેવિડ સાસૂનની માલિકીની હતી. એ વખતે પણ આ વિસ્તારમાં પચરંગી વસ્તી હતી. પારસીઓના જરબાઈ બાગ અને રુસ્તમ બાગ પણ આ જ વિસ્તારમાં. જૈનોએ અહીં મોતીશા દેરાસર અને ઉપાશ્રય બાંધ્યું. ડેવિડ સાસૂને મેગન ડેવિડ સાસૂન સિનેગોગ બાંધ્યું. અને ૧૯૧૧માં ગ્લોરિયા ચર્ચને મઝગાંવથી ભાયખળા ખસેડવામાં આવી. અને ખુદ મુંબઈના ગવર્નરનો બંગલો હતો પરળમાં. ખાસ ધ્યાનપાત્ર વાત તો એ છે કે આ બધી જ ઇમારતો આજે પણ ઊભી છે.

પ્રેમચંદશેઠે બંધાવેલો બંગલો પણ આજે ય ઊભો છે, પણ ત્યાં હવે ચાલે છે આઠથી અઢાર વરસની અનાથ કન્યાઓ માટેનું છાત્રાલય! અને તે ઓળખાય છે ધ રેગીના પેસિસ કોન્વેન્ટ તરીકે. પ્રેમચંદશેઠ પાસેથી સાધ્વીઓએ આ બંગલો ખરીદી લીધો હતો. ૧૯૫૧માં ઇન્ટરનેશનલ ઓર્ગનીઝેશન ઓફ ધ કોન્ગ્રગેશન ઓફ ધ રિલીજિયસ ઓફ મેરી ઇમેક્યુલેટે આ બંગલો ખરીદ્યો. શરૂઆતમાં આ બંગલાનો ઉપયોગ સેન્ટ વિન્સેન્ટ મારિયા હોમ ફોર ડેસ્ટીટ્યૂટ ગર્લ્સ (છોકરીઓ માટેના અનાથાશ્રમ) તરીકે થયો. પછી ત્યાં રહેતી છોકરીઓને ભણાવવા માટે પ્રથમિક શાળા શરૂ થઈ. પછી તેમાં માધ્યમિક શાળા, રાત્રી શાળા, નોકરી કરતી સ્ત્રીઓ માટેની હોસ્ટેલ, વગેરે ઉમેરાતાં ગયાં. બંગલાના વિશાળ કંપાઉન્ડમાં આ માટે નવાં મકાનો બાંધવામાં આવ્યાં. પણ મૂળ બંગલામાં કશો જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને બહુ જતનપૂર્વક તેની જાળવણી કરવામાં આવે છે.

યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફોર્ટ કેમ્પસમાં આવેલા રાજાબાઈ ટાવરના ડંકાનો અવાજ ભાયખળા પહોંચે કે ન પહોંચે, આપણે તો રાજાબાઈ ટાવરની વાત કરવાને બદલે ભાયખળા જઈને, પ્રેમચંદશેઠનો બંગલો જોઈને વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેનને મળી આવ્યા. હવે પછી ફરી ભાયખળાથી રાજાબાઈ ટાવર જશું. એના બાંધકામની અવનવી વાતો તો જાણશું જ. પણ બે પારસી છોકરીઓના મોતની વાત પણ કરશું. એમનું મૃત્યુ એ આપઘાત હતું? ખૂન હતું? કે માત્ર અકસ્માત? વધુ રસિક ભાગ આવતા શનિવારે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 માર્ચ 2022

Loading

...102030...1,6841,6851,6861,687...1,6901,7001,710...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved