Opinion Magazine
Number of visits: 10,225,468
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરાજકતા અને વિકાસનું સહઅસ્તિત્વ શક્ય જ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|1 May 2022

દિવંગત અને હયાત અરુણ શૌરીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ઓળખવામાં થાપ ખાધી છે તો એનું કારણ બૌદ્ધિક આળસ નથી, પણ વિધર્મીઓ સામે સંઘનો ખાસ પ્રકારનો ખપ હતો. વાંકી આંગળીએ ઘી કાઢવામાં કામ લાગશે એમ તેઓ માનતા હતા. ઉદાહરણ આપવું હોય તો સિત્તેરના દાયકામાં કાઁગ્રેસ અને ઉદ્યોગપતિઓએ મળીને સામ્યવાદીઓ સામે બાળ ઠાકરેને પેદા કર્યા હતા એનું આપી શકાય. આ સિવાય તેઓ હિંદુ હોવાનું અસ્મિતાભાન જગાડે છે, હિંદુસંસ્કૃતિસંરક્ષણ કરે છે, હિંદુઓની એકતા માટે કામ કરે છે અને ક્વચિત વિધર્મીઓ સામે હિંદુ લોંઠકાપણાનું પ્રદર્શન કરે છે જેનો પરાજીત અને કાયર હિંદુઓને ખપ છે. ટૂંકમાં ખ્રિસ્તી મિશનરીઓ અને મુસલમાનોને અંકુશમાં રાખવાનો ખપ હતો. અહીં એક હકીકત નોંધી લેવી જોઈએ કે સંઘની તાકાત વધારવામાં સંઘના સંચાલકો અને સ્વયંસેવકોનું જેટલું યોગદાન છે એટલું જ યોગદાન દિવંગત અને હયાત અરુણ શૌરીઓનું પણ છે. બંધારણીય મર્યાદાઓને ઓળંગીને માથાભારેપણું બતાવનારા હિંદુઓને તેમણે પાછળ રહીને મદદ કરી હતી અને સૌથી વધુ તો પ્રતિષ્ઠા અપાવી હતી.

પણ અહીં સવાલ પેદા થાય કે તો પછી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કેમ નહીં જોડાયા? ઊલટું સંઘને વધુ તાકાત મળત. એવું શું હતું કે તેઓ સંઘથી દૂર રહ્યા? શા માટે તેમણે સંઘને જે માણસ ગમતો નથી એ ગાંધીજીની આંગળી પકડી? શા માટે સંઘને જે પક્ષની વિચારધારા સ્વીકાર્ય નથી એ પક્ષમાં જોડાયા? શા માટે તેમણે સંઘને જે બંધારણ કબૂલ નથી એ બંધારણ ઘડ્યું? બંધારણ ઘડવામાં આ લોકોનો એટલે કે હળવા હિંદુવાદીઓનો ફાળો ઘણો મોટો હતો. વળી આવું બંધારણ એ સમયે તેમણે ઘડ્યું હતું જ્યારે ભારતનું વિભાજન થયું હતું, મુસલમાનો માટે અલગ ભૂમિરૂપે પાકિસ્તાન સ્થપાયું હતું, પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું હતું અને હિંદુઓએ ઘરબાર છોડીને અત્યારના પાકિસ્તાન બંગલાદેશમાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. તેમણે બંધારણ દ્વારા હિંદુ ભારતની રચના કરવાની જગ્યાએ સહિયારા ભારતની રચના કરી હતી. શા માટે? હવે શા માટે અરુણ શૌરીઓ એ સહિયારા બંધારણીય ભારતને બચાવવાની ચિંતા કરી રહ્યા છે? કાંઈક તો કારણ હશે જ. આ લોકો તો મેધાવી અને કર્તુત્વવાન લોકો હતા અને છે. તો પછી શા માટે તેઓ સંઘને પાછળથી છૂપો ટેકો આપતા હોવા છતાં તેમણે સંઘને જે ભારત ખપતું નથી એવા ભારતની બંધારણીય રચના કરી હતી અને અત્યારે તે તૂટે નહીં એ માટે ઊહાપોહ કરી રહ્યા છે? શા માટે?

કારણ એ છે કે તેમને ખબર છે કે બહુમતી હિંદુઓનું હિત બંધારણીય ભારતમાં છે અને જવાબદાર કાયદાના રાજમાં છે. તેઓ હિંદુહિતને વરેલા હતા અને હિંદુ તરીકે તેમણે જોયું હતું કે હિંદુહિત આમાં છે. અરાજકતાની સૌથી મોટી કિંમત બહુમતી કોમને જ ચૂકવવી પડતી હોય છે તેની તેમને જાણ હતી અને છે. લોંઠકાપણાની-માથાભારેપણાની શરૂઆત ભલે વિધર્મી સાથે થતી હોય, એ છેવટે પોતાનાઓ સુધી પહોંચતી હોય છે. આ એક પ્રકારની વૃત્તિ છે અને એ વૃત્તિ જેમજેમ પ્રબળ બનતી જાય, નિરંકુશ થતી જાય, માન્યતા મેળવતી જાય, સ્વીકાર થતો જાય, રાજ્યનું રક્ષણ મેળવતી જાય એમએમ તે આત્મઘાતક બનતી જાય. આત્મરક્ષણના નામે જેટલા લોકો રિવોલ્વરનું લાયસન્સ લઈને ઘરમાં રિવોલ્વર રાખે છે એમાં તમે જોયું હશે કે ૯૦ ટકા કિસ્સાઓમાં એ રિવોલ્વર પોતાની જ સામે કે પછી પોતાનાઓની જ સામે વપરાઈ છે. સાચું રક્ષણ કાયદાના રાજમાં મળે છે જ્યાં સામાન્ય માણસના અવાજને સાંભળવામાં આવતો હોય અને ન્યાય મળતો હોય, માથાભારેપણામાં નથી અને હિંદુ બહુમતી દેશમાં સૌથી વધુ સામાન્ય માણસ તો હિંદુ જ હોવાનો.

બીજું જવાબદાર રાજ્યતંત્ર અથવા કાયદાનું રાજ ન હોય તો કોઈ દેશ વિકાસ સાધી ન શકે.  અરાજકતા અને વિકાસનું સહઅસ્તિત્વ શક્ય જ નથી. વિકાસને અને સ્થિરતાને અનિવાર્ય સંબંધ છે. વિકાસ સાધવો હોય તો સ્થિરતા જોઈએ, જો સ્થિરતા જોઈતી હોય તો શાંતિ જોઈએ અને જો શાંતિ જોઈતી હોય તો સાથે જીવતાં શીખવું પડે. આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પણ આ માર્ગે જ મળે છે અને પ્રતિષ્ઠા સાથે સહયોગ પણ મળે.

ઇતિહાસ આ બન્ને હકીકત સિદ્ધ કરે છે. કાયદાના રાજમાં જ બહુમતી પ્રજાનું હિત છે એ પહેલી વાસ્તવિકતા અને માત્ર કાયદાનું રાજ જ સ્થિરતાની ગેરંટી આપી શકે અને સ્થિરતા વિના વિકાસ શક્ય નથી એ બીજી વાસ્તવિકતા. માટે હિંદુ હોવા માટે ગર્વ અનુભવનારાઓએ અને પાશ્ચાત્ય ધર્મો માટે એક પ્રકારનો અણગમો કે ભય અનુભવનારાઓએ આખરે એવા ભારતના પડખે ઊભા રહ્યા હતા જે સંઘને સ્વીકાર્ય નથી. એ લોકો હિંદુવાદી કે થોડાક હિંદુ પક્ષપાતી હોવા છતાં દૂરનું વિચારી શકતા હતા. વિદ્વાન હતા, ગોઠણબુદ્ધિ નહોતા.

પણ આખરે બાવળિયા વાવો તો આંબા ન પાકે, કાંટા જ ઊગે. ગાંધીજીએ સાધનશુદ્ધિની વાત કરી છે. આ ડોસો ન હોય ત્યાંથી પ્રાસંગિક બનીને આવી જાય છે. સાધ્ય ગમે તેટલું મહાન હોય જો સાધન અશુદ્ધ હોય અને તેમાં બાંધછોડ કરી હોય તો તેની કિંમત ચૂકવવી પડે છે અને કેટલીકવાર તો ઈચ્છિત સાધ્ય કરતાં પણ ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે. હિટલર અને મુસોલિનીના રાજકારણને શરૂઆતમાં તેમને ત્યાંના અરુણ શૌરીઓનો ટેકો હતો. તેમણે પણ એમ માન્યું હતું કે વાંકી આંગળીએ ઘી કાઢવામાં આ લોકોનો ખપ છે. પણ છેવટે શું થયું? તમે જાણો છો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 મે 2022

Loading

વૈશ્વિક રાજનીતિનો નવો ચહેરોઃ લોકશાહી રાષ્ટ્રોનું જોર વૈશ્વિક રાજકારણમાં પાંખું થતું જશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 May 2022

વૈશ્વિક રાજકારણના બદલાયેલા ગણિતને પગલે પુતિનના અહમે ચીનને ગુંચવ્યો. ભારત પણ ત્રિભેટે કે યુ.કે. અને યુ.એસ. સાથેની મૈત્રી કેટલી ગાઢ રાખવી?

અત્યારે આપણે એક રાષ્ટ્ર તરીકે બહુ જટિલ સંજોગોમાં છીએ. દેશમાં અંદર જે સમસ્યાઓ છે એ તો છે જ પણ ભૌગોલિક રાજનીતિને મામલે ભારત, રશિયા અને યુક્રેઇન વચ્ચે જાણે કળણમાં ખૂંપ્યો છે.  એક તરફ ભારતને રશિયા સાથે લાંબા સમયથી સારી દોસ્તી છે. આ સબંધ ટક્યો છે સુરક્ષા અને બાયલેટરલ ટ્રેડને કારણે. બીજી તરફ આપણને ચીનના વધતા પ્રભાવ સામે સંતુલન જાળવવા માટે યુ.એસ.એ. જેવા મિત્ર રાષ્ટ્રો અને વ્યાપાર-વાણિજ્યના ભાગીદારોની પણ જરૂર છે. વળી પાકિસ્તાન અને ચીનને સહકાર આપતા રાષ્ટ્રો પર પણ ભારતે ચાંપતી નજર રાખવી પડે કારણ કે આ બન્ને દેશોને કારણે સરહદ પર સતત તણાવ રહે છે.

રશિયાએ યુક્રેઇન પર જે રીતે કેર વર્તાવ્યો છે, એ જોતા વૈશ્વિક સ્તરે રશિયાની સાથે સબંધો કાપી નાખનારા ઘણાં રાષ્ટ્રો હશે. આવામાં ભારત પોતાની સુરક્ષાની અને વ્યાપારની જરૂરિયાતોને અગ્રિમતા આપીને રશિયા સાથેના સંબંધો સાચવી રાખે કે પછી પોતાની નજર બીજા રાષ્ટ્રો ભણી દોડાવે અને રશિયાને પડતો મૂકે? આ તરફ બીજા ઘણા રાષ્ટ્રોએ રશિયા પર આકરા પ્રતિબંધો મૂકી દીધા છે. હવે ભારત જો રશિયા સાથેના સંબંધો અટકાવે અથવા તે સમીકરણોમાં ફેરફાર લાવે તો સૌથી મોટા શત્રુ ચીનનું શું કરવું એ પ્રશ્ન ખડો થાય. રશિયા પાસેથી આપણે જે શસ્ત્રો લઇએ છીએ તે જ તો ચીન સામે સુરક્ષા મેળવવામાં કામ લાગે છે. ભારત રશિયા સાથે સંબંધ ન રાખવાનું વિચાર કરે પણ આપણને ત્યાંના શસ્ત્રોની જરૂર તો પડવાની જ છે. એક ધારણા એવી છે કે જ્યા સુધી ચીન મોટું જોખમ છે ત્યા સુધી ભારત બીજા ક્વૉડ સભ્યો એટલે કે ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુ.એસ.એ. – જે પરસ્પર સુરક્ષાને લગતો સંવાદમાં એકબીજા સાથે જોડાયેલા છે તેમની સાથેના સંબંધોમાં કોઇ ફેરફાર નહીં કરે.

ગણતરીના દિવસો પહેલાં ડેપ્યુટી યુ.એસ. નેશલન સિક્યોરિટી એડવાઇઝર દિલ્હીના મહેમાન બન્યા હતા. તેમનો ભારતની મુલાકાતનો એક જ હેતુ હતો કે ભારતને રશિયા વિરુદ્ધ વલણ લેવા માટે દબાણ કરવું. ભારતીય વિદેશ સચિવ સાથેની તેમની મીટિંગમાં તેમણે વૉશિંગ્ટન ડી.સી. અને ન્યુ દિલ્હી વચ્ચેના મજબૂત સંબંધો વિશે વાત કરી. મોસ્કોને એકલું પાડી દેવાની યુ.એસ.એ.ની જહેમતને ભારતે પ્રતિભાવ નથી આપ્યો. ભારતને યુ.એસ.એ.ની દોસ્તી તો નિભાવવી છે પણ રશિયા – યુક્રેઇન યુદ્ધને મામલે ભારતને પોતાનું વલણ તટસ્થ રાખવું છે; કોઇ એક તરફી અભિગમ બતાવીને નવા શત્રુ નથી ખડા કરવા. ભારત સૂચક રીતે યુનાઇટેડ નેશન્સના રશિયાને વખોડવાના મતમાં પણ ગેરહાજરી જ રાખી. ભારતને મળતાં શસ્ત્રોના પુરવઠામાં રશિયાનો ભાગ સૌથી મોટો છે એ એક અગત્યનું કારણ તો છે પણ યુ.એસ.એ. પર પૂરેપૂરો વિશ્વાસ મુકવો જોઇએ કે નહીં તેની ભારતને ખાતરી નથી. આ તરફ મોસ્કો પ્રત્યે ભારતનો વિશ્વાસ છેલ્લા અમુક દાયકાઓમાં સ્થાયી થયો છે. ભૂતકાળમાં ભારત પર રશિયાનો પ્રભાવ વધતાં કેનેડીએ નહેરુ સાથે મૈત્રી ઘેરી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે યુ.એસ.એ. પર ભારતે ક્યારે ય આંખ બંધ કરીને વિશ્વાસ નથી કર્યો.

આ પહેલાં શીત યુદ્ધ ટાણે ભારતે કોઇનો પણ પક્ષ ન લેવાની નીતિ અપનાવી પણ વાસ્તવમાં રશિયા સાથે કરાર કર્યા હતા. ભારતની દોસ્તી રશિયા સાથે પાકી થતી ગઇ કારણ કે યુ.એસ.એ. પાકિસ્તાન જેવા શત્રુ દેશોની પડખે રહ્યો તથા ન્યુ દિલ્હી પર જાતભાતના પ્રતિબંધ જાહેર કર્યા. સમયાંતરે પશ્ચિમ સાથે ભારતના સંબંધો સુધર્યા છે અને ભારતીય સત્તાધીશો – અધિકારીઓને પશ્ચિમ સાથે ચાલવાથી પોતાનું ભાવિ બહેતર રહેશે તેવું લાગે પણ છે. અમેરિકા વિરોધી લાગણી ભારતીય અધિકારીઓમાં ક્યાંક કોઇ સ્તરે સતત જાગ્રત રહે છે. વળી રશિયાએ એકથી વધારે વાર ભારતને ટેકો આપ્યો છે.  પશ્ચિમ માટે ભારત એક એવો દેશ છે જે વારંવાર કહેવા છતાં પણ યુક્રેઇન પર રશિયાની ચડાઇને મામલે તટસ્થ રહ્યો છે. ભારત ઓઇલ અને બીજી ચીજોની ખરીદી રશિયા પાસેથી કરે તો રશિયાના અર્થતંત્રને પાંગળું કરવા માટે તેની પર બીજા દેશો દ્વારા જે પ્રતિબંધો મુકાયા છે તેનો હેતુ સિદ્ધ ન થાય. બીજી તરફ યુ.એસ.એ. માટે ભારત સાથેનો સંબંધ સારો રહે તે જરૂરી છે કારણ કે એશિયામાં ભાવિ સલમાતીને મામલે ભારતનો સહકાર તેમને માટે અનિવાર્ય છે.

અમેરિકન સરકાર યુક્રેનને બનતો બધો ટેકો આપે છે, પણ તે રશિયાના રાજકારણમાં સત્તા પલટો નથી ચાહતા. જો બાઇડને કહ્યા અનુસાર તેઓ યુક્રેઇનના લોકોને રક્ષણ આપવા માગે છે, પુતિન ભલે એમ કહે કે આ પશ્ચિમી દેશો અને રશિયાની સત્તા વચ્ચેનો તણાવ છે પણ એવું તો નથી જ. પણ શું ખરેખર એવું છે? યુ.એસ.ના ડિફેન્સ સેક્રેટરીએ એવી ભાવના વ્યક્ત કરી હતી કે રશિયાએ યુક્રેઇનમાં જે કર્યું તેવું ફરી ન કરે તેટલો નબળો તો તેને કરવો જ રહ્યો. પરંતુ પશ્ચિમના બધા રાષ્ટ્રોને આવી કોઇ મહત્ત્વાકાંક્ષા નથી કારણ કે તેમને એવો ડર છે કે પુતિન આખી વાતને ફેરવી તોળશે અને રશિયાને ખતમ કરી દેવા પશ્ચિમી દેશો એક થઇ ગયા એવું સાબિત કરવા મચી પડશે.

હવે આ આખા ખેલમાં ચીનનું શું વલણ છે? બેઇજિંગનો પ્રભાવ ન તો રશિયા પર પડ્યો છે ન તો પશ્ચિમી દેશોએ જે પ્રતિભાવ આપ્યો છે તેની પર રહ્યો છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ આ આખી બાબતમાં હાંસિયામાં ધકેલાઇ ગયા છે કારણ કે જે નક્કી થાય છે તે વોશિંગ્ટન, બ્રસેલ્સ અને મોસ્કોથી થાય છે. શી જિનપિંગના પ્લાનમાં આ યુદ્ધને ક્યાં ય સ્થાન નહોતું. તેમને રશિયાનો ટેકો જોઇતો હતો બેઇડિંગના રિવિઝનિસ્ટ એજન્ડા માટે. પુતિનના પ્લાન કંઇ બીજા જ હતા અને હવે ભૌગોલિક રાજનીતિને માલમે જે સુકાન ચીનને હાથમાં જોઇતું હતું તે રશિયાના હાથમાં છે. હવે ચીનના વડા રશિયાને ધૂંઆધાર મદદ કરીને પશ્ચિમ કરતાં આગળ નીકળવાનો પ્રયાસ કરે જેથી તેમની મહત્ત્વાકાંક્ષા યથાવત રહે તો એમાં ય એવું થાય કે રશિયાને જ બધું મહત્ત્વ રહે અને ચીન વૈશ્વિક સ્તરે મોખરે તો ન જ રહે. ચીન અને રશિયાની દોસ્તીનું મૂળ યુ.એસ.એ. તરફના ધિક્કારમાં રહેલું છે, તેમાં વૈશ્વિક દૃષ્ટિકોણની કોઇ વાત નથી. શીત યુદ્ધ પછી જે રીતે વિશ્વનું માળખું ઘડાયું તેને તોડી ફરી ઘડવાની જિનપિંગની યોજના લાંબા ગાળાની હતી પણ પુતિનમાં એવી કોઇ ધીરજ નહોતી. પુતિનની મદદથી ચીનને મહાસત્તા બનાવવાની યોજના પર હાલમાં તો રોક લાગી છે અને ગમે કે ન ગમે વાસ્તવિકતા એ છે કે યુક્રેઇન રશિયાના યુદ્ધમાં ચીન તો નહીં જ જીતે. વળી પુતિનના રશિયાએ ખુદને મહાસત્તા ગણવાનું ક્યારે ય અટકાવ્યું નથી.

બાય ધી વેઃ

વૈશ્વિક રાજકારણના સમીકરણનો બદલાઇ ગયાં છે. ગ્લોબલાઇઝેશનના યુગમાં એક રાષ્ટ્રએ બીજા રાષ્ટ્ર પ્રત્યે ગણતરીપૂર્વકનો અભિગમ રાખવો પડશે. પ્રતિબંધો જાહેર કરવાથી બે રાષ્ટ્રોનાં અર્થતંત્ર પર અસર પડશે.

આપણે એક વિશ્વ તરીકે હાલમાં લોકશાહી રાષ્ટ્રોનું પતન થઇ રહ્યું છે તે વખતમાં રહીએ છીએ, રાષ્ટ્રો વચ્ચેના તણાવ અર્થતંત્ર પર વૈશ્વિક ફટકો સાબિત થઇ શકે છે. રશિયા અને ચીન જેવા રાષ્ટ્રો પશ્ચિમના ઉદારમતવાદી-લોકશાહી મોડલને ખુલ્લા પડકાર આપે છે. ધ્રુવીકરણનો સમાજવાદ પણ બદલાયો છે. આ બધા અહમ્‌ના ટકરાવ છે. સુપર પાવર બનવાની રાહે ચાલવા ઇચ્છતા ભારતને યુ.કે. અને યુ.એસ. સાથે શિંગડા ભેરવવાનું પણ પોસાય તેમ નથી. આપણી લોકશાહીનું સિંહાસન સચવાય એ પણ જરૂરી છે. વૈશ્વિક રાજકારણના ફેરફારોમાં એક રાષ્ટ્ર તરીકે આપણે ત્રિભેટે છીએ. સુરક્ષા, સત્તા, લોકશાહી, વૈશ્વિક છબિ જેવું ઘણું બધું દાવ પર લાગ્યું છે અને ભારતે સાવચેતીપૂર્વક પગલાં લેવાં પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  01 મે 2022

Loading

દેશમાં ખેતીવાડીનું ગુલાબી ચિત્ર

રમેશ બી. શાહ|Opinion - Opinion|1 May 2022

દેશમાં અનાજના ઉત્પાદન અંગે કેન્દ્ર સરકારના ખેતીવાડી ખાતાએ ગયા ફેબ્રુઆરીમાં એક ગુલાબી ચિત્ર દોર્યું હતું. દેશમાં અનાજના ઉત્પાદનમાં ૧.૭ ટકાનો વધારો થશે અને અનાજનું ઉત્પાદન ૩૧.૬ કરોડ ટન થશે એવો અંદાજ મૂક્યો હતો. એ એક નોંધપાત્ર બાબત છે, કે છેલ્લાં પાંચ વર્ષોથી દેશમાં અનાજના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. ૨૦૧૫-૧૬માં ૨૫.૨ કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું જે ચાલુ વર્ષે વધીને ૩૧.૬ કરોડ ટન થવાનો અંદાજ હતો.

અનાજના ઉત્પાદનમાં એકંદરે વધારો થયો છે, પણ પ્રત્યેક અનાજના ઉત્પાદનમાં વધારો થયો નથી. જેને જાડું ધાન્ય કહેવામાં આવે છે તે જુવાર, બાજરી, રાગી અને મકાઈનાં ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. બીજી બાજુ, ચોખાના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે ત્રણ ટકાનો અને ઘઉંના ઉત્પાદનમા બે ટકાનો વધારો થવાનો અંદાજ હતો. કઠોળના ઉત્પાદનમાં છ ટકાનો વધારો થશે એવો અંદાજ હતો. જો કે, તુવેરના ઉત્પાદનમાં સાત ટકાનો ઘટાડો થશે એવો અંદાજ હતો. તેલીબિયાંના ઉત્પાદનમાં ૩.૩ ટકાનો વધારો થશે. જો કે, મગફળી ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. શેરડીના ઉત્પાદનમાં ચાર ટકાનો વધારો થશે, જ્યારે કપાસના ઉત્પાદનમાં ત્રણ ટકાનો ઘટાડો થશે.

આ ચિત્ર પરથી બે મુદ્દા ઊભા થાય છે. એક, અનાજના ઉત્પાદનને લાગુ પડે છે. ઘઉંના જથ્થાબંધ ભાવમાં ૧૦.૫ ટકાનો વધારો થયો હતો અને તેલીબિયાંના ભાવમાં ૨૩ ટકાનો વધારો થયો હતો. જ્યારે, મકાઈના ભાવમાં ૧૪.૫ ટકાનો વધારો થયો હતો. આમ, જેને અનાજનો ફુગાવો કહે છે એની શરૂઆત જાન્યુઆરી મહિનાથી જ થઈ હતી.

અનાજના ઉત્પાદનનું જે ગુલાબી ચિત્ર આલેખવામાં આવ્યું હતું. તેમાં માર્ચ મહિનામાં શરૂ થયેલા ઉનાળાએ પંચર પાડ્યું. માર્ચ મહિનામાં જ ૪૦ ડિગ્રી સેલ્શિયસ તાપમાન પહોચ્યું હતું. ઘઉંના સારા પાક માટે આ ટેમ્પરેચર ૩૦ની આજુબાજુ રહેવું જોઈએ. એ ૪૦ થતાં ઘઉંના ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે. પંજાબ અને હરિયાણામાં ઘઉંનુ વાવેતર નવેમ્બર ૧૫ની આસપાસ કરવામાં આવે છે. તો પણ એ રાજ્યોમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થશે અને ઉત્પાદન ગયા વર્ષ કરતાં પણ ઓછું થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઘઉંનું વાવેતર ૧૫મી ડિસેમ્બર સુધી કરવામાં આવે છે. તેથી એ રાજ્યોમાં ઘઉંનું ઉત્પાદન કેટલું ઘટશે એનો અંદાજ મૂકી શકાય એમ નથી. ફુગાવાની દૃષ્ટિએ ઘઉંનું ઘટેલું ઉત્પાદન નિર્ણાયક નીવડી શકે. જો કે, ફુગાવો વિશ્વ વ્યાપી છે.

સરકાર જે વિવિધ યોજનાઓ હેઠળ અનાજનું વિતરણ કરે છે. એમાં મુખ્યત્વે ઘઉં અને ચોખા ૪.૩૩ કરોડ ટન ઘઉંનો અંદાજ મુકાયો હતો. જેની સરખામણીએ ૨.૫ કરોડ ટન થવાની સંભાવના છે. આનો અર્થ એ થશે કે સરકાર પહેલાંની જેમ ઘઉંનું વિતરણ નહીં કરી શકે. ગયા વર્ષે દેશમાંથી ૭૮.૫ લાખ ટન ઘઉંની નિકાસ થઈ હતી. આ વર્ષે ઘઉંના ભાવો દેશમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઊભા રહી શકે એમ છે. ઘઉંનો મોટો અંદાજ હતો ત્યારે ગયા વર્ષ કરતાં એક કરોડ ટન ઘઉંની વધારે નિકાસ થશે એવો અંદાજ ચૂકવવામાં આવ્યો હતો. હવે દેશને ઘઉંની નિકાસ કરવાનું પરવડી શકે એમ છે કે નહીં તે જોવું પડશે.

લાંબા ગાળાના સંદર્ભમા જોઈએ તો દેશે અનાજના મોરચે સારી સિદ્ધિ હાંસલ કરી છે. ૨૦મી સદીના સાતમા દાયકામાં એક નિષ્ણાંતે કયા દેશોને ભૂખમરાથી બચાવી શકાશે અને કયા દેશોને નહીં બચાવી શકાય એની યાદી આપી હતી. એમાં ભારતનો સમાવેશ ભૂખમરાથી જેમને બચાવી શકાશે નહીં એ દેશોની યાદીમાં થતો હતો. વાસ્તવમાં ૧૯૫૧-૫૨ પછી વસ્તી ચાર ઘણી થઈ છે જ્યારે અનાજનું ઉત્પાદન છ ગણું થયું છે. આમ, કહેવાતા નિષ્ણાતો પણ ખોટી આગાહી કરી શકે છે. આમાં ટેકનોલોજી શોધવાની માણસજાતની આવડતનો ઈન્કારી રહેલી હતો. ૧૯૬૬ પછી નવી ટેકનોલોજીના આધાર ઉપર આપણે અનાજની અછત નિવારી શક્યા છીએ. જો કે એ વર્ષોમાં હરિયાળી ક્રાંતિની ટેકનોલોજીની ક્ષમતા વિશે અનુમાન કરવું મુશ્કેલ હતું પણ આ અનુભવનો બોધપાઠ એ છે કે નિષ્ણાતો એ નિરાશાવાદી આગાહી કરતાં પહેલાં માનવની ક્ષમતાનો વિચાર કરવો જોઈએ.

ખેતીવાડીના ક્ષેત્રે છેલ્લાં પાંચ વર્ષોમાં ઉત્પાદન વૃદ્ધિ થઈ રહી છે એ હકીકતને આપણે નોંધ લીધી છે. પણ આ પાંચ વર્ષોમાં ખેડૂતોની હાલત કથળી છે તેઓ આર્થિક રીતે બદ્દતર સ્થિતિમાં મૂકાયા છે. આ એક કોયડારૂપ ઘટના છે.

ખેતીના ક્ષેત્રે જ અનિશ્ચિતતા પ્રવર્તતે છે. તેનો ખ્યાલ ચાલુ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં થનાર ઘટાડો આપે છે. ખેડૂતોને બજાર પ્રવર્તતા ભાવોની અનિશ્ચિતતા સાથે વાતાવરણાં આવતા પરિવર્તનની ઉત્પાદન ઉપર પડતી અસરની અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. ઘઉંના ઉત્પાદનમાં થનાર ઘટાડો વાતાવરણમાં જે પરિવર્તનનો આવવાની દહેશત છે. તેના પરિવર્તનો થવાથી અનાજના ઉત્પાદનમાં કેવો ફેરફાર થઈ શકે એનો ખ્યાલ આપે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 03

Loading

...102030...1,6851,6861,6871,688...1,7001,7101,720...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved