Opinion Magazine
Number of visits: 10,225,349
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિગ્નેશ મેવાણીને એરેસ્ટ કરનાર આસામ પોલીસને સજા થઈ શકે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|28 April 2022

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે બે કેસમાં એરેસ્ટ કરેલ છે. પ્રથમ કેસ IPC કલમ-120 B (ગુનાનું કાવતરું. સજા – જે તે ગુનાની મુજબ.) / 153 (A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું. સજા – 3 વરસ કેદ.) / 295 (A), (બદઈરાદાથી ધાર્મિક અપમાન કરવું. સજા – 3 વરસ કેદ.) 504 (શાંતિ ભંગ કરવા જાણીજોઈને અપમાન કરવું. સજા – 2 વરસ કેદ.) તથા IT એક્ટ કલમ-66 હેઠળ દાખલ કરેલ છે. બીજો કેસ IPC કલમ-IPC 294 (જાહેરમાં અભદ્ર શબ્દો બોલવા. સજા – 3 મહિના કેદ.); 323 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી. સજા – 1 વરસ કેદ.); 353 (ફરજ પરના જાહેર સેવક પર હુમલો કરવો. સજા – 2 વરસ કેદ.); 354 (સ્ત્રીના શીલભંગ માટે ગુનાઈત બળનો પ્રયોગ કરવો. સજા – 3 વરસ કેદ.) હેઠળ દાખલ થયેલ છે. આ બન્ને કેસમાં આસામ પોલીસે શું ગેરકાયદેસર કાર્યવાહી કરી છે, તેની ચર્ચા દરેક નાગરિકે સમજવી જરૂરી છે.

થોડા મુદ્દાઓ :

[1] કલમ-120B કાવતરું રચવાની છે. કાવતરા માટે બે કે તેથી વધુ વ્યક્તિ હોય તો જ આ કલમ હેઠળ ગુનો બને. આસામ પોલીસે બીજા કોઈને એરેસ્ટ કરેલ નથી; એટલે આ કલમનો કોઈ અર્થ નથી ! ટ્વિટ કરવામાં કાવતરું શું હોઈ શકે? 18 એપ્રિલના રોજ ટ્વિટ થાય છે / 19 એપ્રિલે FIR નોંધાય છે અને 20 એપ્રિલે એરેસ્ટ કરવામાં આવે છે ! રેપ / હત્યા / બોમ્બબાસ્ટના કિસ્સામાં આટલી ઝડપી કાર્યવાહી થાય છે? શું ‘ઉપરની સૂચના’ વિના આ શક્ય છે?

[2] બન્ને ગુનામાં જિગ્નેશ મેવાણીની અટકાયતમાં આસામ પોલીસે કાયદાની સ્થાપિત કાર્યરીતિનો ભંગ કરેલ છે. બંધારણના આર્ટિકલ-21 (કાયદાથી સ્થાપિત કાર્યરીતિ સિવાય કોઈ વ્યક્તિનું શરીર-સ્વાતંત્ર્ય છીનવી શકાય નહીં.)નો ભંગ થયેલ છે. સુપ્રિમ કોર્ટે 2014માં અરનેશ કુમાર વિરુદ્ધ બિહાર રાજ્ય કેસમાં ગાઈડલાઈન આપી છે, તેનો ભંગ થયેલ છે.

[3] અરનેશ કુમારના કેસમાં સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે કે એવા ગુનાઓ જેમાં 7 વરસ કે તેથી ઓછી સજા ઠરાવેલ છે, તેવા કેસમાં ‘ઓટોમેટિક એરેસ્ટ’ કરી શકાય નહીં. CrPC કલમ-41A  હેઠળ નોટિસ આપવી પડે. આ જોગવાઈ 1 નવેમ્બર 2010થી અમલી બની છે. શા માટે કલમ-41Aનો ઉમેરો થયો? પોલીસ કોઈને શંકાના આધારે કોઈ વ્યક્તિને એરેસ્ટ કરી લેતી હતી, જેથી તેની પ્રતિષ્ઠા / માનસન્માન / માનસિક ભાવનાઓને અને પરિવારને ઠેસ પહોંચતી હતી. એટલે 7 વરસ સુધીની સજા વાળા ગુનાઓ; ભલે તે નોન-બેઈલેબલ હોય / નોન કમ્પાઉન્ડેબલ હોય તો પણ આરોપીને નોટિસ આપવી જરૂરી છે. આરોપીનો પક્ષ સાંભળ્યા વિના તેને એરેસ્ટ કરી શકાય નહીં. કોઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે ત્યારે તેની સાથે લાંછન જોડાયેલું છે. ખોટી ધરપકડથી અપમાન અને પ્રતિષ્ઠા ભંગ થાય છે જેની ભરપાઈ ન થઈ શકે ! આરોપી સામે પૂરતા પુરાવા એકત્ર કરવા પડે. 41Aની જોગવાઈનો હેતુ ખોટી FIRથી રક્ષણ આપવાનો છે. ઉપરાંત નોટિસ મળવાથી આરોપી આર્ટિકલ-22 મુજબ વકીલની સલાહ પણ લઈ શકે !

[4] કોઈ વ્યક્તિને પોલીસ ક્યારે એરેસ્ટ કરી શકે તેની જોગવાઈ CrPC કલમ-41 (1)માં કરવામાં આવી છે; જેમાં પોલીસની હાજરીમાં કોઈ વ્યક્તિ કોગ્નિઝેબલ ગુનો કરે / બીજો ગુનો કરે તેમ હોય / ગુનાની તપાસ માટે જરૂરી હોય / સાક્ષી-પુરાવાઓને ફોડે તેમ હોય / આરોપી નાસી જાય તેમ હોય વગેરે કારણોસર લેખિત કારણો નોંધીને પોલીસ આરોપીને એરેસ્ટ કરી શકે અને પોલીસ જામીન ઉપર છોડી શકે. જિગ્નેશ મેવાણીના કેસમાં જે કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેમાં 7 વરસ કરતાં ઓછી સજાની જોગવાઈ છે, જેથી પોલીસે તેમને જામીનમુક્ત કરવા જોઈએ. પરંતુ પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવી. આવા કિસ્સામાં રીમાન્ડ આપનાર મેજિસ્ટ્રેટ સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે ! જિગ્નેશ મેવાણી ચૂંટાયેલા ધારાસભ્ય છે, તેથી ફરાર થવાની શક્યતા ઓછી છે. ગુનો તેમણે કરેલ ટ્વિટ સાથે સંબંધિત છે, તેથી સાક્ષીઓને ધમકાવવા /પ્રભાવિત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ટ્વિટને સંપાદિત કરી શકાતી નથી, તેથી સાક્ષીઓ સાથે ચેડા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મેજિસ્ટ્રેટે આ બાબતો કેમ જોઈ નહીં?

[5] જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરેલ કે “વડા પ્રધાન ગોડસેને ભગવાન માને છે, એમણે ગુજરાતના સાંપ્રદાયિક દંગાઓની સામે શાંતિ અને સદ્દભાવની અપીલ કરવી જોઈએ !” આ ટ્વિટમાં બે ભાગ છે. ‘ગુજરાતના સાંપ્રદાયિક દંગાઓની સામે શાંતિ અને સદ્દભાવની અપીલ કરવી જોઈએ’ તેમ કહેવું તે ગુનો બને નહીં. વળી આ બાબત ગુજરાતની છે, ગુજરાતમાંથી ટ્વિટ કરેલ છે, તો ગુનો CrPC કલમ-179 મુજબ ગુજરાતમાં બને; આસામમાં બને નહીં. “વડા પ્રધાન ગોડસેને ભગવાન માને છે” તેમ કહેવામાં જેની બદનામી થઈ હોય તે વ્યક્તિ જ બદનક્ષીનો કેસ કરી શકે, જે નોન-કોગ્નિઝેબલ ગુનો છે; તેથી પોલીસ એરેસ્ટ કરી શકે નહીં. આ કિસ્સામાં આસામના સત્તા પક્ષના નેતાએ જિગ્નેશ મેવાણી સામે FIR દાખલ કરાવી છે, જે તદ્દન ગેરકાનૂની છે. IPC કલમ-120 B / 153 (A)/295 (A)/504 તથા IT એક્ટ કલમ-66 હેઠળ ગુનો નોંધવો તે કાયદાનો દુરુપયોગ છે. જ્યારે IPC કલમ-IPC 294 / 323 / 353 / 354 હેઠળના બીજા ગુનામાં એરેસ્ટ કરવાનું કૃત્ય અને જામીન ઉપર નહીં છોડવાનું પગલું પણ ગેરકાનૂની છે. ઉપરાંત જિગ્નેશ મેવાણી જે ટ્વિટ કરેલ તેને IPC કલમ-153 (A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું.); 295 (A) (બદઈરાદાથી ધાર્મિક અપમાન કરવું.); 504 (શાંતિ ભંગ કરવા જાણીજોઈને અપમાન કરવું.) સાથે કોઈ સંબંધ નથી; એવું કાયદા શાખાનો કોઈ પણ વિદ્યાર્થી સમજી શકે તેમ છે !

આસામ પોલીસનું આ પગલું અરનેશ કુમારના જજમેન્ટનો અનાદર કરનારું છે. ab-initio-illegal-શરૂઆતથી જ ગેરકાનૂની છે. જેથી ‘contempt of court – સુપ્રિમકોર્ટના તિરસ્કાર’ માટે આસામ પોલીસ જવાબદાર ઠરે છે. કેમ કે એરેસ્ટ કરનાર પોલીસ અધિકારીને નાગરિકના અધિકારો અને કાયદાની નિર્ધારિત પ્રક્રિયાની યોગ્ય જાણકારી હોવાનું કોર્ટ માને છે. 7 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હી હાઈકોર્ટે રાકેશકુમાર વિરુદ્ધ વિજયંતા આર્યના કેસમાં; સુપ્રિમ કોર્ટે અરનેશ કુમારના કેસમાં CrPC કલમ-41A હેઠળ નોટિસ આપવાની ગાઈડલાઈનના ભંગ સબબ રાકેશકુમારને એરેસ્ટ કરનાર પોલીસ અધિકારીને એક દિવસની સજા સાથે 2,000નો દંડ કર્યો હતો ! આસામ પોલીસને પણ સજા થઈ શકે છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

જો કેવું રૂપાળું અંધારું છે!

રમજાન હસણિયા|Opinion - Literature|28 April 2022

(લલિત નિબંધ) 

[લોકડાઉન દરિમયાન, 'આપણું આંગણું' બ્લોગ દ્વારા, ત્રણ દિવસીય ઓનલાઈન નિબંધ લેખન શિબિર સ્નેહી કવિ હિતેનભાઈ આનંદપરાએ ગોઠવેલી. એમાં તજ્જ્ઞ હતા ડૉ. મણિલાલ હ. પટેલ. એમણે જે રીતે તાલીમ આપી ને પાણી ચઢાવ્યું કે મને થયું કે હુયે નિબંધ લખી શકું. લખ્યું. હિતેનભાઈએ આજે એને ‘આપણું આંગણું’ના બ્લોગ પર મૂક્યું, ત્યારે બહુ જ રાજી થયો. — રમજાન હસણિયા]

•••

અંધારાને તે કંઈ આકાર હોતાં હશે? ના રે ના! એ તો આપણી અંદર સળવળતાં ભયનાં નિત નવાં મહોરાં પહેરીને આવે છે આપણી સામે.

નાનો હતો ત્યારે તો અંધારું દીઠું ય ન ગમતું ને તોયે એ રોજ રાતે ચાલાક શત્રુની જેમ કોણ જાણે ક્યાંથી આવી ચડતું ને મારી બાલ પરીસૃષ્ટિમાં આસુરી સામ્રાજ્ય ફેલાવી દેતું. ગામના છેડે ને કબ્રસ્તાનની સાવ સામે જ આવેલું અમારું એ સમયનું ઘર, એટલે જ્યાં દિવસે પણ બીક લાગતી હોય ત્યાં રાતે શું હાલત થાય એ તો અનુભવે જ સમજાય.

વીજળી વિહોણા બે ઓરડામાં નાનકડા ગાડામાં સમાઈ જાય એટલા અસબાબથી દિવસે ખાલીખમ લાગતું ઘર રાતે અંધારાથી છલોછલ ભરાઈ જતું. દવા પીવાઈ ગયા પછી ખાલી થયેલી કાચની શીશીમાં કેરોસીન ભરીને બનાવેલી ચીમની તો નાનકડા સિપાહી જેવી, એનું તે કેટલું જોર! કે આવડા મોટા યોદ્ધા સામે ટકી શકે? સાવ ઝાંખા પીળાં ભયથી ધ્રુજતા પ્રકાશમાં જ્યાં અડો ત્યાં અંધારું વીંછીની જેમ ડંખી જવા દોડી આવતું.

આવું ઘર શિયાળામાં દિનદુઃખિયાને આશરો આપતા કોઈ દયાળુ પાદરી જેવું તો ઉનાળામાં એ જ ઘર ફિલ્મોમાં આવતા ને બાળકો સહિત કોઈ અબળાને ઘરની બા’ર કાઢી મુકતા દયાહીન મકાન માલિક જેવું લાગતું. તો વળી, ચોમાસામાં એ અડધા દિવસ સાધુ તો અડધા દિવસ શેતાનની જેમ વર્તતું, સામાન્ય માણસની જેમ.

ઉનાળાના દિવસોમાં ઘરમાં સૂઈએ તો ગરમી ને મચ્છર બે ય ભેગાં થઈને ભાગીદારીમાં ત્રાસ આપવાની સર્વિસ ચાલુ કરી દેતાં, એટલે નાછૂટકે બહાર શેરીમાં જ સૂવું પડતું. કતારબંધ છ ખાટલા શેરીના છેડે આવેલા ઘરની બહાર અડોઅડ મુક્યા હોય, એક છેડે બાપા સુએ ને બીજે છેડે ક્યારેક મા તો ક્યારેક મોટીબે’ન સુએ બહાદુર પહેરેગીરની જેમ, ને વચ્ચે અમે ચાર ભાઈ-ભાંડું.

બે ભાઈ-બહેનની વચ્ચે સુતેલી મા માટે રોજ રાતે મીઠી તકરાર ચાલે. ‘મા, તું મારી બાજુ મોં કરીને સુને !’ એવું મોટીબે’નને બાદ કરતાં અમે ત્રણેય ભાંડરું જીદ કરીને કહીએ. મા એક ને અમે ત્રણ, એટલે ક્યારેક તો એકલા સુવાનું આવે જ. એવી રાતે બાજુના ખાટલામાં જ બે’ન સાથે સુતેલી મા પણ જોજનો દૂર લાગતી.

માને બાથ ભરીને સુવા મળે ત્યારે તો અંધારું સામે જ ઊભું હોય તોયે સિંહથીયે ભડવીર એવી માની ઓથમાં બીજાની શેરીમાં આવી ચડેલા ગલુડિયાની જેમ ઊંકાંટા કરતું માના ભયથી ધ્રુજતું અંધારું કાંઈ કરી શકતું નહિ. પણ ફિલ્મોમાં જેમ હીરોનું બાળક જરીક એકલું પડે કે તરત વિલન એને દબોચી લઈ બાજી પોતાના હાથમાં લઈ લે તેમ મા બે’નને સુવડાવવા એનાં ખાટલા પર જાય કે તરત જ લાગ જોઈને અંધારું તૂટી પડતું મારા ઉપર.

દૂર સુધી લંબાતી ઊભી શેરીમાં ઓનાઈ કરતાં (રોવા જેવો અવાજ કરતાં) કૂતરાં જાણે અંધારાના વિજયનો શંખનાદ કરતાં હોય તેવાં લાગતાં. ઘરની સામેના વાડામાં આવેલું દિવસે દેવદૂત જેવું લાગતું લીમડાનું ઝાડ રાતે અંધારામાં કોઈ હજાર હાથવાળા અસુર જેવું લાગતું,

શાળામાં કિરીટસાહેબે સફારી મેગેઝીનમાં આવેલી આફ્રિકાના નરભક્ષી ઝાડની વાત કરેલી તે યાદ આવી જતી ને મનમાં ધ્રાસકો પડતો કે આ લીમડો પે’લા માણસખાઉ ઝાડમાં તો નહિ ફેરવાઈ જાય ને? ત્યાં અચાનક બાજુના ખાટલા પર સુતેલી માનો હાથ લંબાતો મારા હાથને અડતો ને એ સ્પર્શ મારું સુરક્ષા કવચ બની જઈ મને નિર્ભય કરી દેતું! આજે પણ જીવન ક્યારેક ભયાવહ રૂપ લઈ બીવડાવે ત્યારે માના ખોળામાં માથું મૂકી સુઈ જાઉં છું ને જીવનભર અમારાં તડકાને પોતાના માથે ઓઢી લેનારી મા એ  ક્ષણે પણ મારી બધી જ વ્યથાઓને ઓગળી દે છે એનાં પ્રેમાળ સ્પર્શથી …

ખબર નહિ કેમ પણ હવે એ ભયાવહ લાગતું અંધારું ગમવા માંડ્યું છે. સતત સાથે રહેતા પ્રભાવશાળી શત્રુની સાથે પ્રેમ થઈ જાય તેમ હું એનાં સ્નેહનાં કાચા તાંતણે ધીરે ધીરે બંધાતો જાઉં છું. ભાઈબંધ જાણીને એ પણ હવે પોતાનાં વિકરાળ રૂપનો અંચળો ઊતારી જાણે મારી સાથે સૌમ્ય સ્વરૂપે આવીને ઊભું રહી જાય છે ને મને તાણી જાય છે એનાં શ્યામલ સૌન્દર્યલોકમાં.

કાનુડાની જેમ આ અંધાર પણ કાળો ને છતાં કામણગારો લાગી રહ્યો છે મને. પ્રહ્લાદ પારેખને લાગતો તેવો ક્યારેક ખૂશ્બોભર્યો પણ લાગે છે. તો વળી, ક્યારેક ચોતરફ અંધારાથી વીંટળાઈ વળું ત્યારે તો એમ થાય કે જાણે શામળો જ અરૂપ બનીને મને આલિંગન ન આપી રહ્યો હોય! આહા! કેવો સુંવાળો સ્પર્શ! આ અંધારું આપ્તજન બનીને ભેટી પડે છે તો ક્યારેક તો એ જ અંધારું મિલનવેળાએ હરી લે છે બે પ્રિયજનોની આંખોના સંકોચને. અંધારું ઓગાળી દે છે એમને એકબીજાના અસ્તિત્વમાં.

આ અંધારું મારી સ્મૃતિમાં જાણે જીવતું દટાયેલું પડ્યું છે. જાણે કોઈ પીર-ફકીરે જીવંત સમાધિ લીધી હોય ને એનાં કોઈ ભગતને ભીડ પડે એની મદદે દોડી આવે તેમ અંધારું મારી કોઈ નાજુક ક્ષણે આવી ચડે છે ઘોડે ચડીને. જે ક્યારેક ડરાવતું તે આજે પ્રિયજનની જેમ પડખે આવી ઊભું રહે છે ત્યારે થાય છે કે એ કે એ જેસલની જેમ ચોરટામાંથી પીર થયું છે કે પછી એ તો એનું એ જ છે પણ મારી આંખોનો મોતિયો ઉતર્યો છે!

ક્યારેક મને થાય કે રાત આખી આકાશ ભરીને વિસ્તરેલું અંધારું સવાર પડે ને ક્યાં સંતાઈ જતું હશે ! આટલાં મોટાં અંધકાર ને છુપાવવા જગ્યા પણ તો મોટી જોઈએ ને! કે પછી એ પણ જ્ઞાનેશ્વરના ઈશ્વર જેવો છે આવડો મોટો ને આટલા નાનકડા હૃદયમાં સમાઈ જાય એવો? લાગે તો કંઈક એવું જ છે.

આમ થોડા મોટા મનનું પણ ખરું આ અંધારું!  સૂરજ તો ઠીક પણ  નાનકડી દીવડી આવે તોયે આ ઉદાર સાધુજન તરત ખસી જઈને જગ્યા કરી આપે. બધી જ વેળા હું હું કરતું ઊભું ન હોય એ અતિ હોંશીલા નેતાની જેમ! ખસી જવાની કળા તો કોઈ અંધારા પાસેથી શીખે!

કોઈ દિવસ મારી એકલતાની ઓથમાં અગાસીએ બેઠો હોઉં ત્યારે આ અંધારું વસ્તી કરાવવા હાજર થઈ જાય પોતાની અવનવી વાતો લઈને. તમરાંને કહીને આવે કે અમે બે અમારું ગીત ગાઈએ ત્યારે તું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગાડજે પાછો… થોડી સૂચના પવનને પણ આપી દીધી હોય કે લાગે કે વાત કંઈક થોડી વધુ ગંભીર બની રહી છે, ને ભાઈ ઉદાસ થઈ રહ્યા છે, તો જરા લ્હેરખી રૂપે આવી જઈ એ વાર્તાનું પાનું ફેરવી જજે.. ને બને પણ કંઈક એવું જ.

થોડે દૂર આશ્રમમાં વાયક ચાલતી હોય ને ભજનના શબ્દો નહિ કેવળ સૂર સંભળાતાં હોય. મન એ અગમ્ય સૂરમાં તણાઈ જાય ને અંધારું હનુમાનની જેમ ઊંચકીને મને રાવણની આસુરી નગરીમાંથી આનંદના રામલોકમાં લઈ જાય ! હવે શબ્દો સંભળાતાં થાય … ’હે જી એને આઠે પહોર આનંદ રે …’ હું હાથમાં મંજીરા લઈ ડોલવા લાગું ને ડોલી ઊઠે અંદર બેઠેલું મારું અસ્તિત્વ.

આ બધું ચાલે ત્યાં સુધી અંધારું આશ્રમની વાડની પાછળ છુપાઈને ઊભું હોય, મને પાછું મારા ગંતવ્ય સુધી પહોંચાડવા. એને અંદર આવવાની રજા ન હોય, નહિતર એને ય મન તો ઘણું હોય પોતાના કાળાં મસ સ્વરૂપને ધોઈને ઊજળાં થવાનું! હું આશ્રમની બહાર પગ મુકું કે પાછો હાજર થઈ જાય મારો એ દૃશ્ય-અદૃશ્ય સાથી.

મધરાતના સૂનકાર વચ્ચે મારો હાથ પકડીને મોટેરાની જેમ કાળજીપૂર્વક એ મને ઘર સુધી મૂકી જાય. ઓસરીમાં પહોંચતાં એક નાનકડું બટન દબાવું ત્યાં તો વેતાલની જેમ હસતો હસતો ક્ષણમાં જ અદૃશ્ય થઈ જાય. ક્યાં ગયું અચાનક એવું વિચારી દૂર સુધી દેખાતાં રસ્તા પર નજર કરું તો હાથ ઊંચો કરી આવજો .. આવજો .. કરતું અંધારું સરકતું જતું ભાળું મહા અંધકારમાં .. તેજમાં તેજ સમાઈ જાય તેમ અંધારમાં અંધાર ભળી જાય !

તો વળી ક્યારેક અચાનક જ દૈવીશક્તિની જેમ અંદર ધરબાયેલો હિમાલયનો એના જેવો જ વિશાળ અંધકાર ચુંબકથી ખેંચીને મને મનાલી પાસે આવેલી કોઠી કેમ્પસાઈટ પર લઈ જાય છે. એ મારો પહેલો હિમાલય પ્રવાસ હતો. દિવસે આંખો ભરી ભરીને હિમાલયને જોતાં ન ધરાઉં તે વળી રાતે એનાં કાળા મેષ રૂપને પણ આંખે આંજી લઉં. બધાં સ્લીપિંગ બેગમાં ગરકાવ થઈ જાય તે વેળાએ પણ મારું મન ફરીફરી પરણોત્સુક કુમારિકાની જેમ બહાર ડોકિયું કરી રાતે અંધારામાં શોભતાં એનાં ટૉલ, બ્લેક એન્ડ હેન્ડસમ પ્રિયતમ હિમાલયને જોઈને રોમાંચિત થઈ જતું!

એક રાતે મારે એ કેમ્પના આયોજકનાં ટેન્ટમાં સુવાનું હતું. સાવ નાનકડા ને છતાં અંધારાથી છલોછલ ભરેલા એ તંબુમાં સૂતી વેળાએ થયેલું જાણે આખી પૃથ્વી પર અમે બે ને ત્રીજું કેવળ અંધારું જ ન હોય! તેમાં વળી સાહેબનો આદેશ થયો, ‘ચાલ, મારી સાથે તને કંઈક ખાસ દેખાડું.’

મને થયું કે આવી કાળી ડિબાંગ રાત્રિએ તે વળી શું દેખાડશે ? પણ એ બધા પ્રશ્નો ત્યાં જ ખંખેરી એમનો હાથ પકડી હું અંધારામાં ચાલતો થયો. ડુંગર પર ધામા નાખ્યાં’તા એટલે બહુ જ સાંભળીને ચાલવું પડે. આયોજક સાહેબે ટોર્ચ સાથે લીધેલી હશે કદાચ પણ વાપરેલી નહિ તે બરાબર યાદ છે. હું તો એમનો હાથ પકડી ભગવાનની જેમ વિશ્વાસ મૂકી અંધારાની અદૃશ્ય દીવાલોને બાલવીરની જેમ જાદુઈ રીતે પાર કરતો આગળ વધી રહ્યો હતો.

ધીરેધીરે ડગ સ્થિર થયાં ને આદેશ થયો કે, ‘અહીં ભોંય પર લંબાવી દે ..’ નીચે બરફની પાટ જેવી ઠંડી ભોંય ને ઉપર અંધારભર્યું આકાશ! ને પછી એ સાહેબ ધીમેથી બોલ્યાં, ‘જો કેવું રૂપાળું અંધારું છે! હું તને એ જ બતાવવા લઈ આવેલો.’

કેટલાં ય સાધુઓના અંતરમાં અજવાળાં પાથરનાર હિમાલયની ગોદમાં સૂતે સૂતે હું એનાં અંધારનું નશીલું પીણું પી રહ્યો હતો. થોડી દૂર આવેલાં જોગિની ધોધનો એકધારો અવાજ અંધારાને જીવંત બનાવી રહ્યો હતો. દેવદારનાં વૃક્ષો ભાલો લઈને ઊભેલાં સિપાહી જેવાં લાગી રહ્યાં હતાં. અચાનક આવી જતાં પવનનાં સૂસવાટાના સ્પર્શે શરીર ધ્રુજી જતું ને કોઈનાં હૂંફાળા સ્પર્શની આશ કરી બેસતું. અત્યારે તો એ હૂંફ અંધારું જ આપવાનું હતું.

રાત જાણે પોતે જ ઊભી કરેલી ચુપકીદીમાં મંદ સ્વરે કશુંક મીઠું-મધુરું ગાઈ રહી હતી. એની ભાષા તો ન્હોતો જાણતો પણ ભાવને અનુભવવા કંઈ ભાષા આડે નથી આવતી.

ગંગાસતીની જેમ આ સાધ્વી રાત્રિ અંધારાની ઓથમાં અંતરનાં સૂર રેલાવી રહી હતી. ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ, અચાનક અંધારાં આવશે રે જી …’ વીજળીનાં ચમકારાની આશાએ ગવાતું એ નિઃશબ્દ ભજન હિમાલયની અંધાર રાત્રિના કંઠવિહોણા ગાને સાંભળેલું ને અંતરમાં અજવાળાં થઈ ગયેલાં!

આ બધું વાગોળવામાં સાંજ પડવા આવી છે. વળી, અંધારાના નવલા રૂપને જોઈ રહું છું. સૂર્યના સામ્રાજ્યને પરાસ્ત કરીને ધીરે ધીરે ગર્વિલા ડગ ભરતો અંધકાર પૃથ્વી પર ચોતરફ નજર કરે કે તરત જ પોતાના પ્રિય રાજવીનો જય જયકાર કરતાં એનાં અસંખ્ય સિપાહીરૂપી તારલાઓ હર્ષોલ્લાસ કરતાં ટમટમી ઊઠે છે. ચક્રવર્તી રાજા કરતાં પણ અદકેરું તિમિરનું સામ્રાજ્ય ફરી વળે છે ચોતરફ; એયને છેક બ્રહ્માંડ લગી.

દહીંના ચક્કા જેવું જામેલું કાળું ડિબાંગ ઘટ્ટ અંધારું મને સમગ્ર સૃષ્ટિથી અળગો કરી દઈ આંગળી પકડીને લઈ જાય છે ભીતરનાં અંધકાર ભણી.

હું જોઉં છું કે મારી અંદર પણ અંધારું બેઠું છે, અડ્ડો જમાવીને. યુગોથી માંયલાંમાં ઘર કરી ગયેલો આ અંધકાર મને હવે ગૂંગળાવે છે. અત્યાર સુધી એની તરફ કોણ જાણે કેમ ધ્યાન જ ન્હોતું ગયું, પણ ઝેરનું મારણ ઝેર બને તેમ બહારનું અંધારું મને ભીતર લઈ ગયું ને જાણે મને અંધારાને ઉલેચવાની વાત કાનમાં કરી ગયું.

અમે બે ય બહાર આવ્યાં ત્યારે થોડુંક અંતરનું અંધારું પણ પગમાં ધૂળ ચોંટી જાય એમ ચોંટીને બહાર આવી ગયેલું. એનાં બહાર આવતાં જે થોડીક જગ્યા થઈ તે જગ્યા સ્વયં પ્રકાશ બની ગઈ! જાણે ભીતર પ્રગટી નાનકડી દીવડી! કેવું કહેવાય નહિ! અંધારું જ મને અંધારું ઉલેચવાની કળા શીખવી ગયું!

April 27, 2022

https://aapnuaangnu.com/2022/04/27/andharu-essay-ramjan-hasaniya/?fbclid=IwAR1C0JEX6vaeh2hkPKadNBw7GcMQV6WmRPCbpQ7aoSHwsiQDH2QC433lfzo

Loading

સ્ત્રી શંકાથી પર નથી … :

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 April 2022

સ્ત્રી સશક્તિકરણ :

અડધી વસતિ સ્ત્રીઓની છે, બાકીની વસતિ પુરુષોની છે, પણ પોણા ભાગની વસતિ સ્ત્રી પર શંકા કરતી હોય તો નવાઈ નહીં ! કહેવાનું તાત્પર્ય એ છે કે એ શંકા કરવામાં પુરુષો ઉપરાંત સ્ત્રીઓ પણ જોડાતી હોય છે. સ્ત્રી, સ્ત્રીની શંકાથી પણ પર નથી. કેમ થાય છે શંકાઓ ને શેની થાય છે? મોટા ભાગના સમાજો સ્ત્રીને કોઇની સાથે સંબંધ હશે, એ બાબતે શંકા કરતાં હોય છે. એમાં સ્ત્રી કુંવારી હોય કે પરણેલી કે વિધવા, શંકાથી પર નથી. સ્ત્રી કુંવારી હોય તો તેને કોઈ સાથે સંબંધ હશે કે પરણેલી હોય તો પતિ સિવાય કોઇની સાથે જોડાયેલી હશે કે વિધવા હોય તો કોઈ પુરુષને ચાહતી હશે – જેવું માની લેવામાં સમાજને બહુ વાંધો આવતો નથી ને એમ માની લેવામાં સ્ત્રીઓ પણ પાછળ નથી. જ્યારે વાસ્તવિકતા એ પણ છે કે નાની બાળકીથી માંડીને ડોશી સુધીની કોઈ પણ સ્ત્રી પુરુષના અત્યાચારનો ભોગ બનતી આવી છે ને પુરુષ ભાગ્યે જ એને માટે જવાબદાર ગણાતો હોય છે. સ્ત્રીનું જવું આવવું, તેનો પહેરવેશ, તેનો દેખાવ આ બધું જ પુરુષને આમંત્રણ આપે છે એવું મોટે ભાગે સમાજ માનતો હોય છે. એ વિચારીએ તો સ્ત્રીએ ઘરની બહાર જ ન નીકળવું એવો એનો અર્થ થાય, પણ ઘરની બહાર ન નીકળે તો સ્ત્રી સલામત છે એવું પણ નથી. આક્રમણ બહારથી જ થાય એવું ક્યાં છે? ઘરમાં પણ સ્ત્રીને સલામતીના પ્રશ્નો તો છે જ ! 

એ ખરું કે બધાં જ કુટુંબો આક્રમક છે એવું નથી. એ જ રીતે બહાર બધાં હુમલો કરવાની જ પેરવી કરે છે એવું પણ નથી. જેમ નબળું જગતમાં છે, એમ જ સબળું પણ આ જ જગતમાં છે. કોઈ હુમલો કરે છે તો કોઈ બચાવે પણ છે. એટલે આખું જગત નાહી નાખવા જેવું છે, એવું નથી. એ પણ છે કે સ્ત્રીનો પણ પુરુષ સાથેનો સહવાસ વધ્યો છે. તેને પણ પુરુષનો સાથ ગમે છે. તે પણ પુરુષને ઈચ્છે છે, જો કે, તેવી સ્ત્રીઓની ટકાવારી ઓછી છે. મોટે ભાગની સ્ત્રીઓ સંકોચશીલ, શરમાળ અને પુરુષથી દૂર ભાગનારી છે. નાનપણથી તેને પુરુષ જોખમી છે એવું ઠસાવાય છે. તેમાં ઘરની સ્ત્રીઓની હાલત તે જુએ જાણે છે. તે જાણે છે કે પિતા, ભાઈ કે જેઠ, દિયર … તેમની સ્ત્રીઓને શું વિતાડે છે ! ખૂણે રડતી સ્ત્રીઓથી તે અજાણ નથી. આ સ્થિતિ તેને પુરુષથી વધારે દૂર કરે છે. તે પુરુષની મૈત્રી કે પુરુષને ચાહવાનું વિચારી પણ શકતી નથી. પુરુષથી તે ડરતી, ગભરાતી રહે છે. પુરુષને માટે તેના પૂર્વગ્રહ વધતા આવે છે ને લગ્ન માત્રથી તેને નફરત થવા લાગે છે. જેમનાં લગ્ન થયાં છે તેમની હાલત તે ઘરમાં જ જોઈ ચૂકી છે. લગ્ન આનંદની નહીં, પણ દુ:ખદ ઘટના છે એવું તે માનવા લાગે છે. જો તે આર્થિક રીતે પગભર ન હોય તો નાછૂટકે પરણે છે. એ લગ્ન, પ્રેમલગ્ન હોય કે કુટુંબે ગોઠવેલાં હોય તો તે એમ માનીને પરણે છે કે તેણે પતિને માથે પડવાનું છે ને તેનાં સંતાનોને ઉછેરી આપવાનાં છે ને એના બદલામાં સાસરું તેને ઓટલો ને રોટલો પૂરું પાડવાનું છે. એમાં જો સાસરું સમજનારું મળ્યું તો આનંદ ને નહીં તો માથે હાથ દઈને જિંદગી કાઢી નાખવાની છે. એ પણ છે કે કેટલીક સ્ત્રીઓ ઈચ્છા છતાં પરણી શકતી નથી. મા ગુજરી ગઈ હોય ને પિતા બીજા લગ્ન કરી શકે એમ ન હોય એ સ્થિતિમાં, કુટુંબની મા, એ ઘરની મોટી દીકરી બનતી હોય છે. નાનાં ભાઈબહેનોને મોટાં કરવામાં તેની ઉંમર નીકળી જાય છે ને જો તે કમાતી હોય તો કોઈ ઇચ્છતું નથી કે તે પરણે. કુટુંબ એટલું સ્વાર્થી થઈ જતું હોય છે કે દીકરીની કમાણી ગુમાવવા તે તૈયાર નથી, ભલે એ નિમિત્તે દીકરી પરણ્યા વગર જ એકલી રહી જતી !   

આ તો જે ઘરેલુ સ્ત્રીઓ છે તેની વાત થઈ, પણ જે આર્થિક રીતે પગભર છે ને શિક્ષિત અને સ્વમાની છે તે સ્ત્રીઓ કેવું વિચારે છે તે જોઈએ. આવી સ્ત્રીઓનો એક વર્ગ એવો છે જે નોકરિયાત છતાં પરણે છે ને આર્થિક રીતે તે ઘરને મદદરૂપ પણ થાય છે, તો ય તે સુખી નથી, કારણ પતિ અને સાસરું તેનાં પર થાય એટલાં જુલમો કરે છે. તેને કોઈ રીતે સાસરે રહેવા જેવું લાગતું નથી, છતાં તે સાસરું છોડતી નથી, કારણ તે જાણે છે કે જો તે એકલી રહેવા તૈયાર થઈ તો આ સમાજ તેને વધારે વીતાડશે. એટલે સાસરે રહેવા જેવું ન હોવા છતાં તે ઘર છોડતી નથી, કારણ એકલી રહેતાં તે સમાજથી ડરે છે. લોકો ટીકા કરે તેનાં કરતાં તે બધું વેઠીને સાસરે પડી રહે તે તેને વધુ ડહાપણ ભરેલું લાગે છે.

બીજી તરફ એવું પણ છે કે ઘરમાં જો તે પોતાની રીતે જીવી શકે એટલું કમાતી હોય તો તે લગ્નને એકાએક સ્વીકારવા રાજી થતી નથી. તે કોઈને ચાહતી હોય કે કુટુંબ સારું ઘર શોધી આપે તો પરણે છે, પણ જે સ્વતંત્ર રીતે કોઈ સંસ્થા ચલાવતી હોય ને સારું કમાતી હોય તો લગ્ન તેને પતિની ને સાસરાની ગુલામી કરવા જેવું લાગે છે. આવામાં તે પરણવા કરતાં એકલાં રહેવાનું વધારે પસંદ કરે છે. તેને પુરુષ સામે વાંધો છે એવું નથી. તેને લગ્ન નિમિત્તે ઊભી થતી જવાબદારી અને શોષણ સામે વાંધો છે. તે પુરુષ સાથે મૈત્રી રાખે છે, પણ પરણતી નથી. આ ગર્લ ફ્રેન્ડ અને બોયફ્રેન્ડનો જમાનો છે. ઘણાંને એટલાથી જ ચાલી જાય છે. આ સગવડ હોય તો લગ્ન જરૂરી ન લાગે એમ બને. એ જ કારણે ઘણાં એકલાં રહેવાનું સ્વીકારે છે અથવા તો મોડેથી પરણે છે. આવું કૈં ન હોય તો પણ કેટલીક સ્ત્રીઓ એકલાં રહેવાનું પસંદ કરે છે. જો કે, સમાજને તો એકલી રહેતી સ્ત્રી, ઉપેક્ષા કે અપમાનનાં અનેક કારણો આપે છે. પુરુષ એકલો રહે તો તેની સામે ભાગ્યે જ આંગળી ચીંધાતી હશે, પણ સ્ત્રી એકલી રહે છે તો સમાજના ઠેકેદારોને સંભળાવવાનું બહાનું મળી જાય છે. સ્ત્રી પુરુષના છત્ર વગર જીવી જ કેવી રીતે શકે એ પ્રશ્ન સમાજને મૂંઝવે છે. આ બરાબર નથી. દરેકને પોતાની જિંદગી, પોતાની રીતે જીવવાની છૂટ હોય તો સ્ત્રી પણ તેમાંથી બાકાત ન હોવી જોઈએ. કોઈને પરણવાનું ગમે ને પરણે એમ જ કોઈને એકલાં રહેવાનું ગમે ને ન પરણે એ શક્ય છે. જો લગ્નની છૂટ છે તો એકલાં રહેવાની છૂટ પણ હોવી જોઈએ. સમાજમાં લગ્નોનાં પરિણામો જોયાં હોય ને કોઈને લગ્ન કરતાં એકલાં રહેવામાં વધારે સલામતી લાગતી હોય તો તેવી વ્યક્તિનાં એકલાં રહેવાનાં નિર્ણયનો વાંધો ન હોવો જોઈએ.

કેવી સ્ત્રીઓ એકલી રહે છે? જેનાં લગ્ન ન થયાં હોય, જેનાં છૂટાછેડા થયા હોય કે જે વિધવા હોય કે જેણે સંસાર છોડી સાધુત્વ સ્વીકાર્યું હોય, તેવી સ્ત્રીઓ ઘણુંખરું એકલી રહેતી હોય છે. સાધ્વીઓનું એકલાં રહેવું વગોવાતું હોય તો અન્ય સ્ત્રીઓનું એકલાં રહેવું ચર્ચાનો વિષય ન બને તો જ આશ્ચર્ય થાય. નોકરીને કારણે કે છૂટાછેડાને કારણે કે વૈધવ્યને કારણે કોઈ સ્ત્રી એકલી રહેતી હોય તો તેનાં તરફ માનથી બહુ જોવાતું નથી. તે કૈંક ખોટું કરતી હશે એવી નજરે જ તેને જોવાય છે. એની જિંદગીની અંગતતા જળવાતી નથી. એકલાં રહેવાનો નિર્ણય તેનો છે તો તે નિર્ણયને માન્ય રખાવો જોઈએ. તેને બદલે તે ખોટું કરે છે કે ખોટું કરશે તેવી આશંકાથી જોવાનું વલણ ફેરવિચારણાને પાત્ર છે. તેને માનની નજરે જોવાને બદલે, તેની એકલતાનો લાભ લેવાનું વિચારાતું હોય છે. આ ઠીક નથી. તેને એકલી ન રહેવા દેવી ને એકલી રહે તો તેનો લાભ લેવો એ માનસિકતા યોગ્ય નથી. 

એકલી સ્ત્રી કોઈ ઉપદ્રવ ન કરતી હોય તો તેને એકલી રહેવાનો અધિકાર હોવો જોઈએ, પણ સમાજ એકલી સ્ત્રીથી ડરે છે. ડરે છે એટલે કે તેને ભય છે કે એકલી સ્ત્રી, કોઈનો પતિ છીનવીને તે પરિણીતાનો સંસાર ભાંગશે. કોઈ કાળે એવું બન્યું પણ હશે, પણ તેથી બધી એકલી સ્ત્રીઓ એમ જ કરશે એમ માનવું ભૂલ ભરેલું છે. હવેનો સમાજ વધુ જટિલ થયો છે. એકલી સ્ત્રી જ ઘર ભાંગે છે એવું નથી. પરિણીત સ્ત્રીઓ કુંવારા પુરુષોને કે પરિણીત પુરુષોને આકર્ષે તેની નવાઈ રહી નથી. વ્યવસાય કે નોકરીને કારણે સ્ત્રીઓ ઘરથી દૂર રહેતી થઈ છે. એ ગાળા દરમિયાન તે પરિણીત હોય કે કુંવારી, કુંવારા કે પરિણીત પુરુષોની નજીક આવતી હોય છે. એવે વખતે બંને અપરિણીત હોય તો, તો પરણવાથી ઉકેલ આવી શકે, પણ બંને પરિણીત કે બેમાંથી એક પરિણીત હોય તો મુશ્કેલીઓ વધે છે. એવે વખતે સ્ત્રી એકલી હોય કે બેકલી, સમસ્યા તો ઊભી થાય જ છે.

સ્ત્રી એકલી રહે તે ઘણાંને નથી ગમતું તો તે પરણે તો ય તેને શાંતિથી રહેવા નથી દેતાં. બનવું તો એવું જોઈએ કે સ્ત્રી પરણે કે એકલી રહે તે તેનો નિર્ણય છે ને એ નિર્ણય તેણે પૂરી સમજદારીથી, વિચારીને ને સ્વસ્થતાથી લીધો હોય તો તેને શંકાથી જોવાને બદલે, આવકારવો જોઈએ. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,6891,6901,6911,692...1,7001,7101,720...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved