નાનો હતો ત્યારથી મને જાસૂસી કથાઓનું ઘેલું. સૌ પહેલા મેં પન્નાલાલ કે ધૂમકેતુ કે ખત્રીને નહોતા વાંચ્યા, વાંચેલા કનુ ભગદેવ, ગૌતમ શર્મા, અશ્વિની ભટ્ટ અને હરકિસન મહેતાને. બક્ષીની પહેલ-વહેલી નવલકથાઓ જે વાંચેલી એ ‘આકાર’ કે ‘પેરેલિસિસ’ નહોતી, પણ હતી ‘રીફ-મરીના’, ‘દિશા-તરંગ’ અને ‘હનીમૂન’. બધી જ જાસૂસી. સમય જતા કહેવાતું સાહિત્યિક લખાણ જરૂર વાંચતો ગયો, પણ તેની સાથે જ મારો જાસૂસી કથાઓ પ્રત્યેનો પ્રેમ ઉત્તરોત્તર વધતો ચાલ્યો. હવે તો ઓબ્સેશનની કક્ષાએ પહોંચ્યો છે, શું કહું!
પણ જાસૂસી કથાઓના મારા વિહાર દરમિયાન અમુક હીરા-મોતી લાધ્યા છે, એની વાત કરું. મને અમુક ગમતા લેખકો જડ્યા. આ લેખકો ક્રાઈમ ફિક્શનના સ્વરૂપનો ઉપયોગ જરૂર કરે છે, પણ કોઈ મોટી સામાજિક કે દાર્શનિક વાત કરવા માટે. તેમના માટે જાસૂસી કથાઓ એ ચીલાચાલુ થ્રીલ આપવા માટેનું સ્વરૂપ નથી, પણ તેમની ઊંડાણભરી વાત ઝાઝાં વાચકો સુધી પહોંચાડવાનું સાધન છે.
એક અત્યંત ગમતા અને મારા પ્રિય થઈ પડેલા લેખક છે – ચેસ્ટર હાઈમ્ઝ (Chester Himes). એ વિશ્વના પ્રથમ અશ્વેત જાસૂસી લેખક છે, અને અમેરિકાના અશ્વેતોની લડત માટે જાણીતા થયેલા વિસ્તાર હાર્લેમમાં મોટાં થયેલા. ચેસ્ટર હાઈમ્ઝનો જીવનઅનુભવ એવો કે ભલભલાં થથરી જાય. સત્તર વર્ષના હતા ત્યારે જ તેમના પિતા ગુજરી ગયેલા. યુવાન થયેલા અને નાની મોટી ચોરીઓ કરવા માંડ્યા. એ સમયે એક અકસ્માત નડ્યો અને આજીવન પીઠની ઈજાથી પીડાતા રહ્યા. થોડાં સમયમાં ‘સાહિત્યિક’ લખાણો લખવા માંડ્યા, અને જેમ્સ બાલ્ડવિન અને રીચાર્ડ રાઈટ જેવા ક્રાંતિકારી અશ્વેત લેખકો સાથે તેમનું નામ લેવાતું થયેલું. વળી, એ હોમોસેકસ્યુઅલ પણ હતા.
આજે ય હોમોસેકસ્યુઅલ લોકો તરફ દુર્ભાવનાથી જોવાય છે, ત્યારે હાઈમ્ઝ તો ૧૯૫૦ના ગાળામાં અશ્વેત અને ગે. વિમાસણનો પાર નહિ! સાહિત્યમાં ગમે તેટલું નામ કરો, આર્થિક અને સામાજિક રીતે પાયમાલ હો તો શું કરવાનું? ચેસ્ટર હાઈમ્ઝ કોઈ ચોરીના ગુનામાં જેલમાં પુરાયા, અને તેમણે તેમના જીવનનો પ્રાઈમ ટાઈમ જેલમાં કાઢ્યો. ત્યાં ચોર, લૂંટારા, ખૂનીઓ સાથે રોજનું ઊઠવા-બેસવાનું. જીવનની નરી, નગ્ન વાસ્તવિકતાનો એવો સામનો થયો કે હાઈમ્ઝની લેખન કારકીર્દીમાં એક વળાંક આવ્યો. હાઈમ્ઝે ક્રાઈમ-ફિક્શન લખવું શરૂ કર્યું, જેલમાંથી જ.
પણ અમેરિકામાં એ સમયે, ૧૯૫૦ની આસપાસ, ક્રાઈમ ફિક્શનને ‘સાહિત્યિક’ લખાણથી ઓછું કે ઉતરતું ગણવામાં આવતું. આજે પણ એ વલણ પ્રવર્તે છે. આપણે ત્યાં પણ.
પણ ફ્રાંસ હંમેશાંથી સાહિત્યિક પ્રવાહો સ્થાપિત કરવામાં અગ્રેસર રહ્યું છે. ફ્રાંસના એ સમયના કોઈ પ્રકાશકે ચેસ્ટર હાઈમ્ઝની જાસૂસી નવલકથાઓ પ્રકાશિત કરવાનું બીડું ઝડપ્યું. અને એ રીતે, પહેલીવાર, હાઈમ્ઝની જાસૂસી નવલકથા ‘અ રેજ ઈન હાર્લેમ’ (હાર્લેમમાં અફરાતફરી) પ્રકાશિત થઈ. ફ્રાંસ અને યુરોપમાં તેને ખૂબ ખ્યાતિ મળી. એટલે અમેરિકન વિવેચકોએ વાંકા વળીને નવલકથાને વધાવવી પડી (આવું જ આલ્ફ્રેડ હિચકોકના કેસમાં બનેલું. બ્રિટન અને અમેરિકામાં એ ઘણા સમયથી હોરર-થ્રીલર ફિલ્મો બનાવતા, પણ ફ્રાંસના જાણીતા વિવેચક અને ફિલ્મમેકર ફ્રાન્સવા ત્રુફોએ જ્યારે હિચકોકને વધાવ્યા ત્યારે અમેરિકન ફિલ્મમેકરોને અને વિવેચકોને સમજાયું કે આપણે ત્યાં તો આવો અદ્ભુત ફિલ્મમેકર પડેલો છે!).
કેવી છે હાઈમ્ઝની આ ‘અ રેજ ઈન હાર્લેમ?’
આમ તો કોઈ લેખક ‘ઓરિજીનલ’ હોતો નથી, પણ ‘ઓરિજીનાલિટી’ કે નોખાપણું જો ખરેખર ક્યાં ય હોય તો એ ચેસ્ટર હાઈમ્ઝના લખાણમાં. એક ઓર્ગેઝમિક ગાંડપણનો અનુભવ એટલે હાઈમ્ઝનું લખાણ. વાર્તામાં આમ જુઓ તો કંઈ નહિ. એક અશ્વેત અને ખૂબ જ ધાર્મિક માણસ અકારણ ગુનાઓની શૃંખલામાં ફસાઈ જાય છે, અને તરકીબો અને નસીબથી તેમાંથી બહાર નીકળે છે—બસ આટલી જ વાત. પણ એ માણસની વાત કરવામાં હાઈમ્ઝ એવા એવા પાત્રો લઈ આવે કે મજા પડી જાય. કાર્ય-કારણના બધા જ નિયમો અહીં ધબાય નમ: થઈ જાય. સારા માણસો મર્યા કરે, એક નાનકડું વાક્ય બોલો અને એના લીધે અનેક લોકો મૃત્યુ પામે, નાની અમથી ક્રિયા કરો અને હાહાકાર થઈ જાય—આ બધું જ આ નવલકથામાં બને છે.
ચોર, લૂંટારા, ખૂની, વેશ્યાઓ, દલાલો, અને પોલીસ—આ બધા જ પાત્રો આમાં આવ્યા કરે. એકબીજા પર ગોળીઓ છોડ્યા કરે. દોઢસો પૃષ્ઠોની દુનિયા, પણ એટએટલું બની જાય કે લાગે જાણે એક આખું આયખું જીવ્યા. જાસૂસી કથા છે એટલે બની શકે કે જો વાચક જાગૃત ન હોય તો એના સામાજિક વ્યંગ ચૂકી જાય.
ખરેખર તો કથા અશ્વેતો પર સરકાર દ્વારા થતા અત્યાચારોનો એક દસ્તાવેજ બની રહે છે. દોઢ-બે વર્ષ પહેલા અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડ નામના અશ્વેત યુવક પર ત્યાંની ગોરી પોલીસે અત્યાચાર ગુજારી તેને મારી નાખેલો ત્યારે દુનિયાભરમાં ‘બ્લેક લાઈવ્ઝ મેટર’ નામે એક આખી મૂવમેન્ટ ચાલેલી. આ ઘટનાના સિત્તેર વર્ષ પહેલાં હાઈમ્ઝ પોલીસ દ્વારા અશ્વેતો પર થતા અત્યાચારોનું આલેખન કરી ચૂક્યા છે, અને એટલે જ હજી ય પ્રસ્તુત છે. નવલકથામાં એક જગ્યાએ આપણને કહેવામાં આવે છે કે અમુક લોકો ખૂન માટે ‘વોન્ટેડ’ છે અને પોલીસ તેમને શોધી રહી છે. કારણ એક જ, કે તેમણે કોઈ ગોરા માણસનું ખૂન કર્યું હોવું જોઈએ, કારણ કે ત્યાં કોઈ અશ્વેત માણસના ખૂનને ખૂન નથી ગણવામાં આવતું. (હમણાં જ આવેલી એમેઝોન પ્રાઈમની ‘દહાડ’ને ય આની સાથે લેવા-દેવા છે. કેટલી ય દલિત કે આદિવાસી યુવતીઓ ગાયબ થઈ જાય છે, પણ કોઈને એની પડી નથી. એક આખા માણસનું અસ્તિત્વ ખોવાઈ ગયું છે, પણ દુનિયા ભૂલી ગઈ છે. અરે હા! મધુ રાયની વાર્તા ‘સરલ અને શમ્પા’ને ય આની સાથે લેવા-દેવા છે. ન વાંચી હોય તો વાંચી લેવી!)
નવલકથામાં વાક્યરચનાની દૃષ્ટિએ ય અદ્ભુત કારીગરી જોવા મળે છે. હાઈમ્ઝ પાત્રના કોઈ એક શારીરિક અંગને અલગ અલગ રીતે જુએ છે, અને ઉત્તરોત્તર વધતા ક્રમમાં તેનું નિરૂપણ કરે છે. દાખલા તરીકે, “ગોલ્ડીની મોટી, કાળા ડોળાવાળી આંખો જેક્સનના ભીના, ચિંતાતુર ચહેરા પર ફરી રહી” (પૃષ્ઠ ૩૮). “ગોલ્ડીની મોટી, કાળા ડોળાવાળી આંખો જાણે દુષ્ટતાનો એકત્રિત થયેલો સમૂહ” (પૃષ્ઠ ૩૯). “ગોલ્ડીએ સીટી મારી, અને તેની આંખો છોલેલાં કેળાં માફક ઝૂલી પડી.” (પૃષ્ઠ ૫૨).
કહેવાય છે કે કોઈ પણ ક્રાઈમ ફિક્શન કે જાસૂસી નવલકથાનો પ્રાણ છે તેનું એક્શન-પેક્ડ ગદ્ય. ક્રિયાઓનો સતત ચાલતો પ્રવાહ. હાઈમ્ઝની ક્રાઈમ-ફિક્શનના સ્વરૂપ પરની દાદાગીરી જાણવી હોય તો એક નાનકડા ફકરામાં રહેલા ક્રિયાપદોની નોંધ જ બસ થઈ પડશે : Popped (ફોડવું), Turned (ફરવું), Dropped (પાડવું), Grabbed (પકડવું), Jerked (હલાવવું), Butted (માથું મારવું), Tipped (હળવો પ્રહાર કરવો), Knocked (ખખડાવવું), Fell (પડવું), Rolled (આળોટવું).
હાઈમ્ઝ યુરોપ અને ખાસ તો ફ્રાંસમાં ખૂબ જાણીતા થયા, તેમને ખ્યાતિ મળી. એ સમયના ફ્રાંસના ઘણા લેખકો, ખાસ કરીને જાસૂસી લેખકો, હાઈમ્ઝથી પ્રભાવિત થયા. તેમાંના એક એટલે ઝ્યાં પેટ્રિક માન્ચેતે (Jean-Patrick Manchette). જાસૂસી કથાઓના પ્રવાહમાં માન્ચેતેનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ ટીનેજર હતા, અને તેમણે લખવું શરૂ કર્યું. ખૂબ લખતા, ખૂબ વાંચતા, ગમતા લેખકોના અનુવાદ કરતા, શતરંજના શોખીન હતા (આ વર્ષો પહેલાં જન્મેલ કોઈ લેખક છે કે મારું પ્રતિબિંબ?). મધ્યમવર્ગીય ઘરમાં તેમનો જન્મ થયેલો. પિતા ઈલેક્ટ્રીશિયન.
શરૂઆતમાં જાસૂસી અને સાયન્સ ફિક્શન લખતા, અને પછી ધીરે ધીરે ‘ગંભીર’ સાહિત્ય તરફ વળ્યા. કંટાળ્યા, અને ફરી ક્રાઈમ ફિક્શન લખવા માંડ્યા. જ્યોર્જ સિમેનોન પછી ફ્રેંચ જાસૂસી સાહિત્યને કોઈએ નવી દિશા આપી હોય તો એ માન્ચેતેએ. (આ સિમેનોન પાછા જોઈ લેજો. આપણા સુરેશ જોષી, આપણા મધુ રાય, આપણા કિરીટ દૂધાત આ સિમેનોનના વાચક અને ચાહક. ગુજરાતીમાં તેમની એક કૃતિ “ધ ડોર”નો “અસૂયા” નામે અનુવાદ પણ થયો છે.)
તેમની એક નવલકથા વાંચી—‘ધ મેડ એન્ડ ધ બેડ’ (એક ગાંડો, અને એક દુષ્ઠ). ૧૯૭૨માં પ્રકાશિત. માન્ચેતેએ જાસૂસી નવલકથાઓ થકી એ સમયની ફ્રેંચ સરકારની અનેક નીતિઓનું ખંડન કર્યું છે. આ રાજકીય-સામાજિક સંદર્ભ વગર પણ કૃતિ મજા જ કરાવે છે.
એક હીટમેન—જેને એક યુવતીના જીવની સોપારી આપવામાં આવી છે—એ તે યુવતીની પાછળ પડે છે. પણ એ હિટમેનને પેટમાં ચાંદા પડેલાં છે, અને તેના લીધે તે યુવતીને પકડી શકતો નથી. શરૂ થાય છે ઉંદર-બિલાડીની રમત, અને તેમાં અનેક લોકોના જીવ જાય છે. મૃત શરીરોનો ખડકલો બનતો જાય છે. સૌથી મજાની વાત છે નવલકથામાં આ બધી જ હિંસાની વચ્ચે ઉદ્ભવતું હાસ્ય. મેં ક્યારે ય ગંભીર જાસૂસી નવલકથાઓમાં આ પ્રકારે હાસ્ય, કે હ્યુમરનો ઉપયોગ થયેલો જોયો નથી.
લેખનની એક અજાણી ટેકનીકનો ય મને પરિચય થયો. મોટેભાગે લેખકો ત્રીજી વ્યક્તિ એકવચનમાં લખતી વખતે પહેલીવાર કોઈ પાત્રનો ઉલ્લેખ કરે ત્યારે “એક યુવક” કે “એક યુવતી” તરીકે કરે, અને પછી આગળ વધતા તે યુવક કે યુવતીને તેમના નામથી જ સંબોધે. દાખલા તરીકે, કોઈ નવલકથામાં પહેલીવાર કોઈ પાત્રનો ઉલ્લેખ “એક છોકરી” તરીકે થાય, અને પછીથી “પ્રિયા” તરીકે થાય. મોટાભાગના લેખકો એકવાર કોઈ પાત્રને તેના નામથી સંબોધિત કરી દે પછી ફરી “એક છોકરી” કે “એક છોકરા” પર નથી જતા. પણ માન્ચેતે સતત દૂરતા અને નિકટતા વચ્ચે ઝોલાં ખાધા કરે છે. પહેલીવાર “એક છોકરી” તરીકે સંબોધે, પછી એ જ પાત્રને “જૂલી” તરીકે સંબોધે, અને ફરી થોડા સમયમાં “એક છોકરી”. આખી નવલકથા દરમિયાન આવું ચાલ્યા કરે. જાણે તમે જેવા કોઈ પાત્રની નજીક પહોંચો અને તેને જાણવા મથો, તે પાત્ર અજાણ્યું બની જાય. દૂર થઈ જાય. “જૂલી”માંથી “એક છોકરી” બની જાય. મારા મત મુજબ ક્રાઈમ ફિક્શનને અનુરૂપ અને યોગ્ય ટેકનીક.
ખેર, વિશ્વભરના ક્રાઈમ ફિક્શનમાં આવું આવું તો ઘણું છે. સામાજિક રીતે મહત્ત્વનું અને કળાની દૃષ્ટિએ મહત્ત્વનું. પણ ક્રાઈમ ફિક્શનની મથરાવટી મેલી. એવું જ સાયન્સ ફિક્શન કે હોરરનું. પહેલેથી જ તે બધાને “ગંભીર” સાહિત્ય નથી ગણવામાં આવતું. આપણે ત્યાં પણ પોપ્યુલર ફિક્શનને નામે મોટીવેશનલ પુસ્તકો, મેલોડ્રામેટિક કથાઓ, બની બેઠેલા સિનેમાગુરુઓના પુસ્તકો, કૃષ્ણના નામે ચાલતાં પુસ્તકો, અને ચંદ્રકાંત બક્ષીની ઝેરોક્સ કોપી જેવું લખતા લેખકોનાં પુસ્તકો જ વેચાયાં કરે છે. અશ્વિની ભટ્ટ જેવો એકાદ વીરલો કે વીરલી ફરી પાકે એની રાહમાં હાલ તો બસ આ અરુણ્યરુદન.
સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર