
રવીન્દ્ર પારેખ
એ અત્યંત દુ:ખદ છે કે 118 વર્ષ જૂનું ગુજરાતી સાહિત્ય પરિષદનું લોકશાહી માળખું ધ્વસ્ત થઈ ગયું છે ને તેમાં ઠોકશાહી દાખલ પડી ગઈ છે. આમ કહેવાનું એટલે થયું છે કે કુલ 12 સભ્યો(જેમાં ત્રણ કવયિત્રીઓ)ને પરિષદ પ્રમુખ પ્રકાશ ન. શાહે પરિષદમાંથી રુખસદ આપી દીધી છે. રુખસદ એટલે આપી કે આ સભ્યોએ ગુજરાત સાહિત્ય અકાદમીના કાર્યક્રમોનું આમંત્રણ સ્વીકારીને વક્તાની કે અન્ય ભૂમિકાઓ ભજવી. આમ તો અકાદમી અને પરિષદ સાહિત્યની અને પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિઓ કરે છે, પણ અકાદમી સ્વાયત્ત સંસ્થા નથી અને પરિષદ અત્યાર સુધી લોકશાહી ઢબે સક્રિય રહી છે, એટલો ફરક છે બંનેમાં. બંને સાહિત્યની પ્રવૃત્તિઓ કરે છે, પણ પરિષદનો હોદ્દેદાર કે મધ્યસ્થ સમિતિનો સભ્ય અકાદમીના કોઈ કાર્યક્રમમાં જઇ ન શકે એવું પરિષદે ઠરાવ્યું છે, તે એટલે કે અકાદમી સ્વાયત્ત નથી.
અકાદમી સ્વાયત્ત હોય તેનો કોઈ વાંધો નથી. પૂર્વ ઉપપ્રમુખ તરીકે આ લખનારે અન્ય ઉપપ્રમુખ રાજેન્દ્ર પટેલ સાથે તે વખતના મંત્રી નાનુ વાનાણીને, મુખ્ય મંત્રીની અકાદમી સંદર્ભે મુલાકાત ગોઠવી આપવા સંમત કરેલા, પણ તે વખતના પરિષદ પ્રમુખ ચંદ્રકાંત ટોપીવાળાએ બંને ઉપપ્રમુખોને એમ કહીને નિરાશ કરેલા કે આમ મંત્રીને મળવાની જરૂર ન હતી. સ્વાયત્તતા મુદ્દે પરિષદનું જડ વલણ એ હદે હતું કે જાણીતા સર્જક ચિનુ મોદીની શોકસભામાં પણ પરિષદ એટલે ન જોડાયેલી, કારણ, એમાં અન્ય સંસ્થાઓની જોડે અકાદમી પણ હતી. એ આયોજન ગૂજરાત વિદ્યાપીઠનું હતું, પણ પરિષદ ત્યારે પણ શોકસભામાં ન જોડાઈને મૃત્યુનો મલાજો જાળવવાનું ચૂકી હતી. કદાચ 2007માં પરિષદમાં અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો ઊઠયો અને અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એવી માંગ તે પછી તીવ્ર બની. કેટલાક પ્રમુખોના વખતમાં અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે એવી આચારસંહિતા લાગુ કરવામાં આવી કે અકાદમીના કાર્યક્રમોમાં પરિષદના પદાધિકારીઓએ કોઈ ભૂમિકા ન સ્વીકારી ને વિરોધ પ્રગટ કરવો. વળી અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો બંધારણીય મુદ્દો ન હતો એટલે એ જે તે પ્રમુખની ઈચ્છા પર જ નિર્ભર રહ્યો. એક તબક્કે એવું પણ ઠરાવાયું કે અકાદમીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારે પરિષદ કે અકાદમીમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેશે.
એક વાત સ્પષ્ટ છે કે પરિષદમાં કોઈ પણ પદ પર જે તે સાહિત્યકાર લોકશાહી ઢબે ચૂંટણી લડીને આવે છે. પદ પર આવ્યા પછી જે તે સભા વખતે સભ્યો પોતાને ખર્ચે ઉપસ્થિત રહે છે. એ સભ્યો પરિષદમાંથી કોઈ પગાર કે ભથ્થું લેતા નથી. આમાંના કેટલાંક સભ્યો પરિષદના કોલેજના અધ્યાપકો પણ છે. તેમણે કોલેજમાં મોટે પાયે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી હોય તો અકાદમીની સહાય લેવી પડે છે. એવી સહાય માટે પરિષદ અપવાદરૂપે જ આગળ આવતી હશે. એ સ્થિતિમાં અકાદમીનો બહિષ્કાર કરીને અકાદમીની સહાય મેળવવાનું મુશ્કેલ જ બને. આવે વખતે પરિષદ નમતું જોખવાની સ્થિતિમાં ન હોય તો સભ્યોએ પરિષદ છોડ્યે જ છૂટકો થાય. એ રીતે હમણાં રુખસદ અપાઈ તેમ અગાઉ પણ રુખસદ આપીને પરિષદે પોતાનો અહમ પોષ્યો છે. કેટલાક કિસ્સામાં સભ્યો પણ એવા ચતુર નીકળ્યા છે કે અકાદમીના કાર્યક્રમમાં જઇ આવે અને પરિષદમાં દિલગીરી વ્યક્ત કરીને જે તે પદ જાળવી રાખે. આ વખતે બાર સભ્યોને વર્તમાન પ્રમુખે, ગયા રવિવારે મળેલી પરિષદની મીટિંગમાં રુખસદ આપવાનું ઠરાવ્યું. એમાં સફ્ળતા મળે એટલે પરિષદે ગઈ 12 મેને રોજ પગલાં સમિતિનું આગોતરું આયોજન પણ કરી રાખેલું. જો કે, પગલાં સમિતિ રચવાનું પગલું બંધારણીય નથી, તે એટલે કે મધ્યસ્થ સમિતિ સર્વોપરી ગણાય છે ને આ સમિતિ મધ્યસ્થની જાણ બહાર રચાઈ છે. તે એટલે પણ હોય કે તરફેણ કરનાર સભ્યોને આમેજ કરીને ધાર્યું પરિણામ મેળવી શકાય.
ગમ્મત તો એ છે કે જેમને રુખસદ અપાઈ, એમના અકાદમીમાં જવાથી પરિષદને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. બીજું, અકાદમીને સ્વાયત્ત કરાવવાની પરિષદની કોઈ બંધારણીય ફરજ કે ગરજ નથી. અકાદમીની સ્વાયત્તતા પરિષદનો એક મુદ્દો સો ટકા હોઈ શકે, પણ તે જીવનમરણનો એવો મુદ્દો નથી કે સભ્યોને રુખસદ આપીને પરિષદનું જ કદ ઘટાડવું પડે. એ પણ સ્પષ્ટ નથી કે અકાદમીની સ્વાયત્તતા, સભ્યોને રુખસદ આપવાથી જ હાંસલ કરી શકાય એવું કયા આધારે પરિષદને લાગે છે? અકાદમીની સ્વાયત્તતાની જીદમાં પરિષદે પોતાના જ સભ્યોને ગુમાવીને એકાંગી ને સંકુચિત વૃત્તિનો જ પરિચય આપ્યો છે. એક તબક્કે અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે ઠરાવો કે નિયમો થયા હોય તો પણ, તે બદલી જ ન શકાય એવું નથી. નિયમો હાલના કેટલા સભ્યોને માન્ય છે એ અંગે ગુપ્ત મત મેળવીને પણ નિર્ણય બદલી કે દ્રઢાવી શકાય. હાલના જે નિયમો છે તે પણ ‘આદેશાત્મક’ નથી બલકે કેવળ સૂચનો છે અને તેના અમલનો અધિકાર દરેક વ્યક્તિના સ્વાતંત્ર્ય પર છોડાયેલો છે.’ એવું તે વખતના મહા મંત્રી પ્રફુલ્લ રાવલે 5/12/2015ના પત્રમાં સ્પષ્ટ કરેલું છે. જો આ આદેશાત્મક નથી તો પરિષદ 12 જણાંને નિર્મમ રીતે રુખસદ આપે એ માત્ર ને માત્ર લોકશાહીની વિરુદ્ધ છે.
એ પણ છે કે આ લેખનો વિરોધ કરવો હોય તો તે પરિષદ માટે અઘરી બાબત નથી, સામસામે દલીલો થઈ શકે, પણ વિનંતી એ છે કે પરિષદના પ્રમુખથી માંડીને તમામ પદાધિકારીઓ રાગદ્વેષ બાજુ પર મૂકીને આત્મનિરીક્ષણ કરે. અકાદમીનો બચાવ કરવાનું અહીં અપેક્ષિત નથી જ, પણ પરિષદ એ કઇ રીતે ભૂલી શકે કે અકાદમીની આર્થિક સહાયથી તેનાં ઘણાં લક્ષ્યો પાર પડ્યાં છે. આ સહાય મેળવી ત્યારે પણ અકાદમી સ્વાયત્ત ન હતી. એ પણ તપાસવાની જરૂર છે કે અકાદમીની સહાય વગર હવે કેટલાં ને કેવાં લક્ષ્યો પાર પડી રહ્યાં છે? એ પણ ચકાસી લેવું જોઈએ કે પરિષદે અકાદમીનો મુદ્દો હાથ પર લીધો તે પછી પરિષદની પ્રવૃત્તિઓ અગાઉ ચાલતી હતી એવી જ ગતિએ ચાલે છે કે તેમાં ફેર પડ્યો છે?
સ્વાયત્તતા સંદર્ભે પ્રયત્નો થયા હશે, પણ આજ સુધીમાં અકાદમીનો કાંગરો ય ખર્યો નથી એ સૂચક છે. ખરેખર તો પરિષદે જાહેરમાં લોકસમર્થન સાથે આગળ આવવું જોઈએ. એ દિશામાં ખરેખર કૈં થયું છે કે પોતાનાં માણસોને રુખસદ આપવાથી જ અકાદમીની સ્વાયત્તતા હાંસલ કરી શકાશે એવું પરિષદને લાગે છે? જે ગતિ પરિષદે અત્યારે પકડી છે તે પોતાની સ્વાયત્તતા દાવ પર લગાવનારી વિશેષ છે. પોતાનાં ઘર પર પાબંદીઓ લાદીને સામેનું ઘર સ્વાયત્ત ન કરાય એટલું સમજી લેવાનું રહે. પરિષદ અકાદમીનો મુદ્દો ભલે કરે, પણ પોતાનાં માણસો પર પાબંદીઓ લાદીને કુંઠિત મનોદશાનો પરિચય ન આપે એ અપેક્ષિત છે. એવું કરવાથી અકાદમી સ્વાયત્ત થઈ શકતી હોત તો આટલાં વર્ષોમાં થઈ જ હોત, કારણ પાબંદીઓ લાદવાનું તો વર્ષોથી ચાલે છે. બીજી તરફ અકાદમીએ પરિષદ માટે કે તેનાં સભ્યો માટે આજ સુધી એવી સૂગ દાખવી નથી કે અમુક તમુક સભ્ય પરિષદનો છે તો તેનો બહિષ્કાર કરવો. આ પછી પણ પરિષદને લાગતું હોય કે પોતાનું અસ્તિત્વ અકાદમીની સ્વાયત્તતા વગર શક્ય જ નથી, તો તેણે બંધારણમાં એવી જોગવાઈ કરવી કે જે અકાદમીની સ્વાયત્તતામાં નથી માનતા તે પરિષદના સભ્ય થવાને કે તેની કોઈ ચૂંટણી લડવાને પાત્ર નથી. આમ થશે તો જે અકાદમી સિવાયનું વિચારે છે એને પરિષદ તરફ ફરકવાનું કોઈ કારણ નહીં રહે.
એનું આશ્ચર્ય જ છે કે એપ્રિલ, ‘23નાં ‘પરબ’નું ટાઇટલ પેજ પણ મુદ્રાલેખ હોય તેમ અકાદમીને નામ થયું, આવી પંક્તિથી-‘ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની પુન:સ્થાપના એ જ સહુનું લક્ષ્ય’. આમ કરીને પરિષદ, અકાદમી સામેની તકરાર બહાર લઈ જવાને બદલે કુલડીમાં જ ગોળ ભાંગે છે. અકાદમી સામેની લડત પ્રભાવી નહીં નીવડે એવી પરિષદને ખાતરી હશે એટલે જ કદાચ પોતાનાં સભ્યોને પરાણે એમાં જોડવાની કોશિશ કરે છે. પગલાં સમિતિ પણ સભ્યોને રુખસદ આપવા સિવાયનો હેતુ ધરાવતી હશે તો અકાદમીની સ્વાયત્તતા માટે પ્રયત્નશીલ રહેશે. અકાદમીની સ્વાયત્તતા સિવાયના પણ ઘણાં કામો થઈ શકે એમ છે, પણ એ દિશામાં સક્રિયતા ઓછી જ છે. જેમ કે, પરિષદનાં વિસ્તરણનું કામ પરિષદને સૂઝતું જ નથી. ગુજરાતની વસતિ 6 કરોડથી વધુ છે, પણ પરિષદના સભ્યો સાડાચાર હજાર પણ નથી. એમાં પણ ચૂંટણીમાં 1,200 મતો પણ માંડ પડે છે. મતલબ કે આખું માળખું 33 ટકાથી પણ ઓછા મતે રચાય છે. આખા ગુજરાતમાંથી પાંચેક હજાર સર્જકો ને સાહિત્યરસિકો પણ પરિષદનાં સભ્ય ન હોય એનો સંકોચ પરિષદને નથી. પરિષદનું વિસ્તરણ ન થાય કે તેનાં સભ્યો ન વધે એ, એટલે પણ હોય કે અમદાવાદનું વર્ચસ્વ જળવાઈ રહે. આ લખનારે વિસ્તરણ અંગે ધ્યાન ખેંચવાની ઘણી કોશિશો કરી છે, પણ 118 વર્ષેય પરિષદને અમદાવાદની બહાર એક શાખા ખોલવાની ઈચ્છા થઈ નથી. પરિષદની માનસિકતા એ રીતે પણ સંકીર્ણ છે કે અધિવેશનો અને જ્ઞાનસત્રો નિમિત્તે તે અમદાવાદની બહાર જાય છે, પણ આસપાસના સમિતિ સભ્યો બહુમતીમાં હોવા છતાં, એક અધિવેશન 65થી વધુ વર્ષ થવા છતાં, અમદાવાદમાં યોજી શકી નથી.
માતૃભાષા દિવસ નિમિત્તે ઉજવણું થાય છે ખરું, પણ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થઈ રહી છે કે બોર્ડની પરીક્ષામાં ગુજરાતીમાં જ હજારો વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, તેની સાથે કોઈ નિસ્બત ન હોય તેમ પરિષદ નિસ્પૃહી થઈ શકે છે. પુસ્તક પ્રકાશનમાં આવેલી ઓટ અને ‘પરબ’નું સાહિત્ય અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. ટૂંકમાં, ક્યારે ય ન ખૂટી હોય એટલી તટસ્થતા ને ગુણવત્તા અત્યારે પરિષદમાં ખૂટતી અનુભવાય છે. ઈચ્છીએ કે તેની સજીવતા ગુજરાતને વ્યાપકપણે અને ઊંડાણથી સ્પર્શે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 જૂન 2023