ધનિક દેશો સૌથી વધારે પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે અને એક મક્કમ અભિગમ એમ પણ છે કે ધનિક દેશો માટે COP28ની હા-એ-હા એક દંભથી વધારે કંઇ જ નથી

ચિરંતના ભટ્ટ
બુધવારે COP28 સમિટની પૂર્ણાહુતિ થઇ અને ત્યારથી રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જાનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. વૈશ્વિક સ્તરે ઊર્જાની બચતની દિશામાં સહિયારા પ્રયાસો અંગેની કટિબદ્ધતા આ સમિટનું તારણ છે એમ કહી શકાય. સૌથી પહેલા તો ટૂંકમાં એ સમજીએ કે COP28 છે શું? યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ પરિષદ જે નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન આ વર્ષે દુબઇમાં યોજાઇ તેને માટે COP28 – કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ શબ્દ વપરાય છે. યુનાઇટેડ નેશન્સની આ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ દર વર્ષે યોજાય છે જેમાં અલગ અલગ દેશો પર્યાવરણને બહેતર બનાવવાની દિશામાં થતા અને ભવિષ્યમાં થઇ શકે તેવા પ્રયત્નો, પર્યાવરણની કટોકટી સામે લડવા કે ટકી રહેવા શું કરવું તેની ચર્ચા અને 2050 સુધીમાં ઝીરો-એમિશન – પ્રદૂષકોનું ઉત્સર્જન સદંતર અટકે તે માટે કોણે શું બદલવું અને કેવી રીતે આ નિર્ણયો અમલમાં મુકવા તેની વાત થાય છે. 70 હજારથી વધુ પ્રતિનિધિઓએ આ વર્ષે COP28માં ભાગ લીધો જેમાં બિઝનેસ વિશ્વના અગ્રણીઓ, આવનારી કાર્યરત પેઢી, આબોહવાના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, સ્થાનિકો, પત્રકારો અને અન્ય ભાગીદારો જોડાયા.
આ વર્ષના COP28માં 200 જેટલા દેશોએ અશ્મિગત ઇંધણનો ઉપયોગ ઘટાડવાની નિર્ણયને સંમતિ આપી છે જેથી ભવિષ્યમાં ખડી થનારી ક્લાઇમેટ ચેન્જની મહા-આફતને ટાળી શકાય. ભલેને આ આ સંમતિ વિસ્તાર પૂર્વક એવી કોઇ ખાતરી નથી આપતી કે કોલસો, તેલ અને ગેસનો ઉપયોગ ધીમે ધીમે સાવ બંધ કરી દેવો. પણ આ સમજૂતી કરાર એવો સંકેત ચોક્કસ આપે છે કે અશ્મિગત ઇંધણથી દૂર જવાની બાબતે આખી દુનિયા એકમત છે. તેનો અર્થ એમ કે પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગમાં વધારા અને ઉત્સર્જનમાં કાપ મૂકતી તમામ પહેલને પ્રોત્સાહન પૂરું પાડવું અને એ માટેના સંસાધનો રચવાં, ભેગાં કરવાં વગેરે.
આ બધી જ સાંભળવામાં સારી લાગે, ભવિષ્ય બહેતર લાગે એવી બાબતો છે એ ચોક્કસ પણ શું COP28 અંતે જે ધારણાઓ સાથે થઇ હતી તે સિદ્ધ કરી શકે એ રીતે થઇ ખરી? કદાચ ના, પણ એક ભારતીય તરીકે આપણે એ બાબતે ખુશ થવું જોઇએ કે આપણે એક દેશ તરીકે વિકાસલક્ષી જરૂરિયાતોને પૂરી પાડવાનું લક્ષ્ય પણ પૂરું કરી શકીશું અને સાથે વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ-પર્યાવરણને લગતા જે પણ ધ્યેય છે તેને અનુસરવામાં પણ કાચા નહીં પડીએ.
ભારત અને આખા વિશ્વ માટે COP28ની અસરોની ચર્ચા કરવી જરૂરી છે. આપણે અશ્મિગત ઇંધણ, ખૂટતા કુદરતી સ્રોતો વગેરે વિશે વર્ષોથી સાંભળીએ છીએ. અશ્મિગત ઇંધણનો ઉપયોગ ટાળવાનાં કારણો અંગે આપણે સ્કૂલની સ્વાધ્યાપોથીઓનાં પાનાં ભર્યા છે. પણ આજે 2023માં પણ આપણે અશ્મિગત ઇંધણના ઉપયોગ ટાળવાની ચર્ચાઓ પર જ અટકેલા છીએ. સદ્દભાગ્યે એમ છે કે હવે વૈજ્ઞાનિક સ્તરે આગળ વધી ગયેલી દુનિયા પાસે નક્કર વિકલ્પો છે, ટૅક્નોલૉજી છે, પરિણામ આપે એવા સંશોધનો પણ કરાયા છે. છતાં પણ COP28માં થયેલી વાતો બધી જ નક્કર વાસ્તવિકતામાં ફેરવાઇ જશે એવું માની લેવાની ભૂલ ન કરી શકાય. 200 જેટલા દેશ ભેગા થયા હોય એટલે વાસણ તો ખખડવાનાં જ. અમુક દેશોને એનો વાંધો હતો કે ફોસિલ ફ્યુઅલ ફેઝ -આઉટ – એટલે કે અશ્મિગત ઇંધણને તબક્કાવાર બંધ કરવાની વાત રજૂ કરતા શબ્દપ્રયોગનો ઉપયોગ ન થયો. જો એ શબ્દ વપરાયો હોત તો એ ફેઝ-આઉટ – ધીમે ધીમે તેનો ઉપયોગ બંધ કરવાની સમય મર્યાદા બાંધી શકાઇ હોત જો કે એમ માનવું ચોક્કસ ભૂલ ભરેલું છે કારણ કે દરેક રાષ્ટ્ર માટે એ સમય મર્યાદા એક સરખી ન હોઇ શકે. વળી અત્યારે જે સ્થિતિ છે તે જોતાં નજીકના ભવિષ્યમાં અશ્મિગત ઇંધણનું ઉત્પાદન અને ઉપયોગ બન્ને અચાનકથી અટકાવી શકાય કે ઓછાં કરી શકાય એવું લાગતું નથી પણ 2050ની જે સમય મર્યાદા COP28માં બાંધવામાં આવી છે તેને માટે આ અનિવાર્ય માપદંડ છે.
હવે કોલસાની વાત આવી ત્યારે સ્ટોરેજની સગવડ અને કાર્બન કેપ્ચર ન હોય તો કોલસાથી ચાલતા નવા પાવર પ્લાન્ટ ન ખોલવાની બાબતનો ભારત સહિતના કેટલાક દેશોએ એ વાતનો વિરોધ કર્યો. હવે આ પ્રકારના વાંધા તો ઓઇલનું ઉત્પાદન કરતા દેશો પણ લેશે કારણ કે તેમનું તો આખું અર્થતંત્ર તેના ઇંધણ પર ટકેલું છે. ફેઝ-ડાઉનની વાત તો કરી પણ એ થાય છે કે કેમ, બરાબર થાય છે કે નહીં એ કેવી રીતે માપવામાં આવશે એની કોઇ ચોખવટ નથી. હવે મિથેનના ઉત્સર્જ પર કાપ મૂકવાની વાતમાં પણ ભારત સહિતના ઘણા દેશોએ વિરોધ દર્શાવ્યો કારણ કે ખેતી પ્રધાન દેશને મિથેનનું ઉત્સર્જન ઘટાડવું હોય તો ખેતી કરવાની પદ્ધતિઓ ધરમૂળથી બદલવી પડે. ભારત માટે આ સહેલું નથી કારણ કે આપણા અર્થતંત્રનો મોટો હિસ્સો ખેતી પર આધાર રાખે છે. મિથેન ઉત્સર્જન ઘટાડવાની વાત થઇ પણ તેના કોઇ માપદંડ, પ્રમાણ, કે લક્ષ્ય નક્કી નથી કરાયા.
એ ખાસ નોંધવાનું કે ચીન અને ભારત – બે દેશ જે વિશ્વના સૌથી મોટા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક છે તેમણે COP28ના કરારો પર સહી નથી કરી, એમાં બીજા 130 દેશોનો સમાવેશ થાય છે. G20માં લીડર્સ ડેક્લેરેશનમાં આ બન્ને દેશોના હસ્તાક્ષર છે અને તે પણ પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વધારવાનો કરાર છે. ભારત અને ચીન પાસે આ દિશામાં કામ કરવાની યોજનાઓ પણ છે. ભારત તો પુનઃપ્રાપ્ય ઊર્જાનું વિશાળ માર્કેટ ધરાવનારા દેશોમાં ત્રીજા ક્રમાંકે છે. પવન અને સૂર્ય ઊર્જાની માંગ વધી છે, તેના ઉત્પાદન માટે વધુને વધુ કામ પણ થઇ રહ્યું છે અને કઇ રીતે આ ઊર્જાઓ પેદા કરવી, સંઘરવી અને તેની વહેંચણી કરવાની કામગીરી વાજબી કિંમતે થાય તે માટે પણ વધુને વધુ પહેલ લેવાઇ રહી છે. પરંતુ આ તમામ પર જે-તે દેશના નિયમો, આર્થિક સધ્ધરતા અને માળખાંકીય સુવિધાઓથી માંડીને દરેક બાબતનો પ્રભાવ રહે છે.
ભંડોળ સૌથી મોટી સમસ્યા છે. વિકાસશીલ દેશોને વાજબી ઊર્જા મેળવવા માટેના સ્રોત ખડા કરવા ભંડોળની જરૂર હોય તે સ્વભાવિક છે. આ ચિંતા યુનાઇટે અરબ અમિરાત્સ કે યુ.એસ.એ. જેવા દેશોને ન હોય. ભારતની વાત કરીએ તો આપણને જ અંદાજે 293 બિલિયન ડૉલર્સની જરૂર છે. એટલું ભંડોળ હશે તો 2030 સુધીમા આપણે પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા ત્રણ ગણી કરી શકીશું. વળી જો નેટ ઝીરો એમિસનના ધ્યેયને સિદ્ધ કરવો હશે તો આપણને 101 બિલિયન ડૉલર્સ બીજા જોઇશે. આ એક સમસ્યા થઇ, આ ઉપરાંત વૈશ્વિક સ્તરે દરેક રાષ્ટ્ર જે અશ્મિગત ઇંધણનો ઉપયોગ બંધ કે ઓછો કરવાની દિશામાં વિચારે છે તે તમામ માટે ઊર્જાનું વહન – ટ્રાન્સપોર્ટેશન – કિંમતોને લગતી અચોક્કસતા, માપદંડ નિયત કરતી નીતિઓ, લેબરની અછત જેવી ઘણી બધી બાબતો આ તબક્કાવાર પરિવર્તનમાં તોતિંગ અવરોધ બની શકે છે.
આપણી પાસે એક રાષ્ટ્ર તરીકે પ્લાન ચોક્કસ છે, વળી તેને લાગુ કરવાની ક્ષમતા પણ. પરંતુ નીતિ વિષયક પરિવર્તનો, પર્યાવરણ – જે છે તેને જાળવવાની કામગીરી, પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્રોતો ખડા કરવા માટે જે વ્યવસ્થા જોઇએ તેની કિંમતોમાં સ્થિરતા જેવી ઘણી બાબતો પણ આપણે કામ કરવાની જરૂર છે. ધનિક દેશો સૌથી વધારે પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે અને એક મક્કમ અભિગમ એમ પણ છે કે ધનિક દેશો માટે COP28ની હા-એ-હા એક દંભથી વધારે કંઇ જ નથી.
બાય ધી વેઃ
સાંભળવામાં સારું લાગે એ અમલ કરવામાં એટલું જ કપરું હોય છે. વૈશ્વિક સ્તરે જે સ્પર્ધા ચાલે છે, જીઓ-પૉલિટિકલ તણાવ ચાલે છે તે જોતાં પોતાના વ્યાપાર-વાણિજ્યની રક્ષા કરવી દરે રાષ્ટ્ર માટે અગ્રિમતા બની જશે. ધનિક રાષ્ટ્રો સપ્લાય ચેન પર કાબૂ ધરાવે છે અને તેઓ ધારે તો આખું તંત્ર ખોરવાઇ જાય એ રીતે પગલાં લઇ જ શકે છે. જો આ દેશો આડા ફાટે તો વિકાસશીલ દેશો પર તેની ડોમિનો ઇફેક્ટ થાય અને તેઓ પોતાના ધ્યેય સિદ્ધ કરવામાં ઊણા ઉતરે. જો વૈશ્વિક સ્તરના રાજકીય નેતાઓ આ પર્યાવરણીય પરિવર્તનને લગતી પ્રતિજ્ઞાઓ વિશે ગંભીર હોય તે તેમણે યોગ્ય સ્થળે રોકાણ કરવાં પડશે, ખાનગી રોકાણકારોનો ઉપયોગ સાચી દિશામાં કરવો પડશે જેથી 2030 સુધીમાં 30 ટ્રિલિયન ડૉલર્સનું ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ થઇ શકે. આ પરિવર્તન સસ્તું નથી પણ આપણ કુદરતી આફતોની જે કિંમત ચૂકવવી પડે છે તેન કરતાં તો આ ઓછી જ કિંમત છે એ ચોક્કસ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ડિસેમ્બર 2023