ચૂંટણીઓથી કયો હેતુ પાર પડે છે?
ચૂંટણીઓ ઉત્તરદાયી કે જવાબદેહી સરકાર કેમ નથી નીપજાવતી?
ચૂંટણીઓ કઈ કઇ વાતે સારી છે?
૨૫ નવેમ્બરના લેખમાં જણાવ્યું હતું કે –
રાજકારણીઓને તેમ જ સરકારને ઉત્તરદાયી બનાવવા બાબતે ચૂંટણીઓનું મિકેનિઝમ કામયાબ નથી નીવડતું. કેમ? ત્રણ કારણો દર્શાવેલાં. એ ત્રણેય કારણો વિશે થોડા વધુ વિચારો આ પ્રમાણે છે:
પહેલું કારણ દર્શાવ્યું હતું, લિમિટેડ એજન્સી : એટલે કે, એજન્સી રૂપે વ્યક્તિ મર્યાદિત હોય છે.
એજન્સીનો અર્થ એ કે હરેક મનુષ્ય પાસે એની પોતીકી, આગવી, ક્ષમતા હોય છે. એને પરિણામે એ કોઈપણ કાર્યનો કર્તા બની શકે, કોઈપણ કાર્યનું માધ્યમ બની શકે, એજન્ટ બની શકે. દાખલા તરીકે, એવી ક્ષમતાને કારણે અમેરિકન નાગરિક પોતાના 'અમેરિકન ડ્રીમ'-ને સાકાર કરી શકે છે.
'અમેરિકન ડ્રીમ' એક આદર્શ છે. એ માટે એને સમાન તકો અપાય છે. સખત શ્રમ, દૃઢ નિશ્ચય અને પહેલ કરવાની ધગશથી અમેરિકન નાગરિક સફળ અને આબાદ થઇ શકે છે. એના એવા શ્રમનું મૂલ્ય સ્વીકારાય છે અને એ શ્રમનાં એને ફળ પણ મળે છે.
કહેવાનો મતલબ એ છે કે દરેક નહીં પણ ગુણવત્તાની ભૂમિકાએ લાયક હોય તે વ્યક્તિ સફળ થાય છે, માનઅકરામ પામે છે. એ માટે ગુણવત્તાલક્ષી શબ્દ 'મૅરીટોક્રસી' પ્રયોજાય છે. એવું સમજાય છે કે ડૅમોક્રસીનો આધાર મૅરીટોક્રસી છે.
પરન્તુ આપણે એ ભૂલી જઈએ છીએ કે ગુણવત્તાના મામલામાં વ્યક્તિ નહીં પણ એનો સામાજિક દરજ્જો નિર્ણાયક ભાગ ભજવે છે. ઉચ્ચ દરજ્જાની વ્યક્તિ મત આપે અને નિમ્ન દરજ્જાની આપે, એ બેમાં મોટો ફર્ક હોય છે.
ભારતમાં તો સાવ જ ગરીબ અને બરબાદથી માંડીને મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને આબાદ ધનવાન અતિ ધનવાન જેવા સામાજિક દરજ્જા છે. આપણે ત્યાં એક અદના આદમીનું મતદાન અને એક ધનવાનનું મતદાન – બન્ને સાવ જુદાં હોય છે. આ એક અંદરની હકીકત છે, પણ એ પર આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે.
ભારતીય નાગરિક પાસે 'ઇન્ડિયન ડ્રીમ' કહેવાય એવું કશું છે જ નહીં. એને ઘણી બધી સમાન તકો અપાઈ છે પણ એક એજન્સી તરીકે એ ભાગ્યે જ સફળ થાય છે. એટલું જ નહીં, એની ક્ષમતાનો દુરુપયોગ થાય છે. નિમ્ન સામાજિક સ્તરના મતદારો પોતાની ક્ષમતા અનુસારનું વર્તન કરી શકે એ પહેલાં જ એમને ખરીદી લેવાય છે અથવા એઓ પોતાની ક્ષમતાને સામે ચાલીને વેચી દે છે.
આ લેખકોનું મન્તવ્ય છે કે સામાજિક દરજ્જાને પરિણામે લાધેલી ગુણવત્તાને વ્યક્તિની ગુણવત્તા ન કહેવાય.
બીજું, આપણે જાતને એ પૂછવાની જરૂર છે કે રાજકારણ જોડે આપણી લૅણાદેણી કેટલી છે. રાજકારણમાં આપણે હિસ્સેદાર કઇ રીતે થઇએ છીએ. ભલે; આપણા સાથી-સંગાથી મત આપવા જાય છે ખરા? આપણા સહકાર્યકરો કઈ રીતે મત આપે છે? ભલે; આપણને રાજકારણ વિશેની રોજિંદી જાણકારી મળે છે કઈ રીતે?
સરેરાશ ભારતીય શિક્ષિત નાગરિક પાસે 'તહેલકા' શૈલીના મીડિયા-મિક્સ સિવાયનું કોઇ સાધન ભાગ્યે જ હોય છે. યાદ કરો, ટી.વી. પર દર્શાવાતી કોઇ સનસનીખેજ ઇસ્યુ વિશેની ફોન-કૉન્ફરન્સ. એમાં નરી ઝીંકાઝીંક ચાલતી હોય છે. કોણ કોને શું કહે છે એ સમજવાની દર્શકને કશી તક જ નથી મળતી. મીડિયા-વિઝર્ડ્ઝ એમ સમજાવે છે કે અમે એ રીતે જ લોક સુધી પ્હૉંચી શકીએ, એ અમારી શૈલી છે. હા, કાગારોળ એક શૈલી જરૂર છે. બાકી, સામાન્યજનની કારકિર્દીમાં એ અવસર આવતો જ નથી કે એ રાજકારણવિષયક અધ્યયનો કે સંશોધનો સુધી પ્હૉંચે ને એને આધારે પોતાનો મત બાંધે. આપણી વૈયક્તિક પસંદગીઓ તેમ જ વિકલ્પો જો એ રાહે ઘડાયાં હોય, તો દેખીતું છે કે એ સીમિત-મર્યાદિત હોય, બલકે વિકૃત હોય.
મત આપવો કે કેમ, કોને આપવો, એ જો વૈયક્તિક એજન્સી પર નિર્ભર રહે તો એ તો સારી વાત છે, પણ આમ, વાસ્તવિકતા જુદી છે. ચૂંટણીઓ વખતે આપણે વ્યક્તિ પર બધો દારોમદાર રાખીને બેઠા હોઇએ છીએ પણ ભૂલી જઇએ છીએ કે વ્યક્તિમાત્ર સોશ્યલ સિસ્ટમની પેદાશ છે. આપણને લાગે કે રાજકારણવિષયક નિર્ણયો આપણા પોતાના છે, પણ આપણે ખોટા હોઈએ છીએ. સમાજવિજ્ઞાનીય સંશોધકો મૅરેડિથ રૉલ્ફ (ઑક્સફર્ડ યુનિવર્સિટી) બેટ્સિ સિન્કલૅર (વૉશિન્ગટન યુનિવર્સિટી) ડેવિડ નિકરસન (યૅલ યુનિવર્સિટી) એમ દર્શાવે છે કે મત કઇ રીતે કોને આપવો એ તમારો નિર્ણય તમે કેવા સંદર્ભોમાં જીવો છો તેનું પરિણામ હોય છે. માતાપિતા બાળકો મિત્રો પડોશીઓ સહકાર્યકરો શિક્ષકો અને જૂથપરસ્ત સાથીઓની રાજકારણી રીતરસમોનો, એટલે કે સંલગ્ન તમામ સોશ્યલ નેટવર્ક્સનો, એ પર ઘણો જ પ્રભાવ હોય છે.
મતલબ, એજન્સી તરીકે વ્યક્તિ સફળ થાય છે એ વાતમાં દમ નથી. ખરેખર તો, એ એક મિથ છે. આ લેખકો એવો દિલાસો આપે છે ખરા કે – આમાં કંઇ શરમાવા જેવું નથી કેમ કે એથી તો એટલું જ સ્પષ્ટ થાય છે કે આપણે માણસ છીએ.
ટૂંકમાં, વ્યક્તિઓના મતથી ચૂંટણીઓ ઉત્તરદાયી સરકાર રચી આપે એ વિચારને આપણે ભૂલી જવો જોઇશે. સાર એ છે કે દાયીત્વ સંદર્ભે લિમિટેડ એજન્સીનું પહેલું કારણ સાચું છે.
બીજું કારણ દર્શાવ્યું હતું, લિમિટેડ કૉગ્નિશન : એટલે કે, આપણું રાજકારણવિષયક જ્ઞાન સીમિત હોય છે.
રાજકારણ વિશેની માહિતી શી રીતે પ્રોસેસ થાય છે તેનું આપણને જ્ઞાન કેટલું? એ જ્ઞાનને માટેની આપણી તત્પરતા કેટલી? ઉત્તર સ્પષ્ટ છે – સાવ જ મર્યાદિત.
રાજકારણ વિશે વ્યક્તિઓ પાસે ગૂંચવાડિયા દૃષ્ટિકોણ હોય છે અને તેને તેઓ તર્કબદ્ધ કરવા મથે છે ખરા, પણ ભૂલો કરી બેસે છે. ઘણા તો મત આપવા ટાણે શૉર્ટકટ શોધી લે છે. વિદ્વાનોને મૂંઝવણ થાય છે કે લોકશાહી બાબતે લોકો ડફોળ છે કે શું. અથવા શું લોકશાહી ઉચ્ચ કેળવણી પામેલા તર્કનિપુણ અને જાણતલ નાગરિકો માગે છે? ના. લોકશાહીની એવી વ્યાખ્યા કોઇએ પણ કરી નથી કે લોકો ચતુર સુ-જાણ હોવા જોઇએ.
આજની દુનિયાના પ્રશ્નો એટલા બધા સંકુલ છે કે પોલિટિક્સ, પૉલિસી અને ગવર્નમૅન્ટને જાણવા-સમજવાનું કોઇને ય માટે અશક્ય બની ગયું છે. સામાન્ય માહિતી, કેળવણી, તાર્કિકતા અને હકીકતોની જાણકારી સુધી વાત બરાબર છે બાકી વિવિધ પ્રશ્નો અને ઉમેદવારો વિશે બધાં પાસે બધી જ વખતે જ્ઞાન હોય જ હોય એમ વિચારવું ગેરવાજબી છે, અ-યોગ્ય છે. એટલું જ નહીં, આપણાં મગજ એ રીતે ડિઝાઇન થયાં જ નથી કે એમાં એ જાતનો એટલો બધો ડેટા સ્ટોર થઇ શકે. કદાચ એ કારણે જ આમપ્રજા રાજકારણથી દૂર ને દૂર ભાગે છે. પરન્તુ વિચિત્રતા એ છે કે એ જ લોકો મતદાતા હોય છે!
તેમ છતાં, કેટલાક નાગરિકોને પક્ષ-કાર થવું હોય છે – એમ કે હું તો ભઇ, ભા.જ.પ.માં માનું છું, ભા.જ.પ.નો છું. હું તો કૉન્ગ્રેસમાં માનું છું, કૉન્ગ્રેસનો છું. પોતાની ઓળખ માટે વ્યક્તિને એ જાતની પાર્ટિશનશિપ – પક્ષકારી – જરૂરી બલકે અનિવાર્ય લાગતી હોય છે. નહિતર, એને એમ લાગ્યા કરે છે કે પોતે તુચ્છ છે – કંઇ છે જ નહીં ! રાજકીય પક્ષો એની એ લાગણીને સંતોષવા એની મદદે દોડી જતા હોય છે. દેશના પ્રશ્નો વિશે તેમ જ ઉમેદવારો વિશે એને કેટલુંક 'જ્ઞાન' આપે છે – એટલે કે, ચતુરાઈથી તૈયાર કરવામાં આવેલા એકદમના કેટલાક કારગત સંકેતો.
પરન્તુ પક્ષથી મળેલી ઓળખ એટલી તો સજ્જડ હોય છે કે એને એ જ્ઞાનની ચકાસણી કરવાની જરૂર નથી લાગતી. એને તો એમ થાય છે કે સંકેતોમાં વિશ્વાસ રાખું કેમ કે પાર્ટીનો છું, પાર્ટનર છું; સાચું જજમૅન્ટ હવે ખુશીથી લઇ શકીશ. એ જો ચકાસણી કરવા જાય તો નિષ્ફળ જાય છે. અને, જો સફળ થાય તો આખ્ખું એને ડેન્જરસ ભાસે છે. અને, નિષ્ણાતો જણાવે છે કે એ જણ ઍક્સ્ટ્રીમ પોલરાઈઝેશનના પ્રૉબ્લેમ્સમાં ફસાઈ જાય છે. બીજું, પક્ષોને પણ લાગે કે જેને નૉમિનેટ કર્યા છે એ બાબત પર પોતાનો જો કંટ્રોલ નથી રહ્યો, પક્ષ તરીકેનું જો કશું વજૂદ નથી રહ્યું, તો પક્ષો પણ લોકશાહી માટે આયોજનપરક સગવડ નહીં પણ બોજ, બાધા કે અડચણ બની રહે છે -ઑર્ગેનાઈઝિન્ગ ફીચર નહીં પણ એક લાયાબિલિટી.
આમ, પક્ષોથી મળેલી ઓળખ અને એમના તરફથી મળેલું જ્ઞાન પણ રાજકારણીઓના ઉત્તરદાયીત્વ અંગે એક અંતરાય છે. સાર એ છે કે લિમિટેડ કૉગ્નિશનનું બીજું કારણ પણ સાચું છે.
ત્રીજું કારણ દર્શાવ્યું હતું, ઓવરસૅન્સિટિવિટી : એટલે કે, એજન્સી રૂપે વ્યક્તિ વધારે પડતી સંવેદનશીલ હોય છે.
મતદાર સંવેદનશીલ હોય એ તો સારી વાત છે પણ વધારે પડતો સંવેદનશીલ હોય એ વાત સારી નથી.
મતદારને એમ લાગ્યા કરતું હોય છે કે – કયો ઉમેદવાર યોગ્ય છે એ અંગેની માહિતી મારી પાસે હાલ ભલે નથી પણ વખત આવ્યે મેળવી લઈશ – પોતાને પૂરતો સ્માર્ટ સમજે છે. ધારો કે કોઇ મતદાર પૂર્વોક્ત બન્ને મર્યાદાઓને વટાવી ગયો છે; એ સંજોગોમાં એને એમ પણ લાગ્યા કરતું હોય છે કે આ મારો ઉમેદવાર છે, હું એને જ ચૂંટીશ. પણ એ એમ પણ વિચારે છે કે એ પસંદગી કરનારો હું એકલો નથી, મારા જેવા બીજાઓ પણ છે. એ લોકો પણ એને જ ચૂંટશે. ઉમેદવાર હારશે તો એમાં મારા એકલાનો વાંક નહીં ગણાય અને જીતશે તો હું ખોટો નહીં પડું. એટલું જ નહીં, સૌને કહી શકીશ કે એમને મેં પણ મત આપેલો.
સુખ્યાત રાજનીતિવિજ્ઞાની મોરિસ ફિઓરિના (યુનિવર્સિટી ઑફ રોચેસ્ટર) આ સંદર્ભમાં એમ જણાવે છે કે મતદારો ઉમેદવારોનાં પાછલાં, ભૂતકાલીન, કામોને ધ્યાનમાં લે છે ને તદનુસાર મન બનાવીને મત આપે છે. પરન્તુ, ઉમેદવારોના એ જાતના રીટ્રોસ્પૅક્ટિવ ઈવૅલ્યુએશન – પૂર્વપ્રભાવી મૂલ્યાંકન – વિશે આહન અને બાર્ટલ્સને પ્રશ્ન છે. તેઓ એમ પૂછે છે કે પોતાના ઉમેદવાર વિશે ગઇ કાલે કે તાજેતરમાં સાંભળેલા સમાચારથી મતદાર પ્રભાવિત થયો હોય એ સંજોગોમાં એ પાછલાં મૂલ્યાંકનોનું વજૂદ કેટલું બચવાનું હતું?
તેઓ જણાવે છે કે ચૂંટણીઓ બહુ ભંગુર વસ્તુ છે – ઝટ પડી ભાંગે. એને હવામાનની અસર થાય, અનપેક્ષિત બનાવોની અસર થાય, ઘણું અડે અને નડે. ચૂંટણીને દિવસે જ મતદારનો મૂડ ખરાબ હોય; મતદાન માટે નક્કી રાખેલા ઉમેદવાર વિશે ચૂંટણીને આગલે દિવસે કશું ઈદમ્ તૃતીયમ્ સાંભળવા મળે; તો એનો વિવેક સાવ ડ્હૉળાઈ જતો હોય છે.
આપણે ત્યાં આપણે જોતા આવ્યા છીએ કે આવેશમાં આવી જઇને ભાડૂતી ટોળાંઓ મતદારોને બાનમાં લઇ લેતાં હોય છે. બૂથ-કૅપ્ચરિન્ગ થતાં હોય છે. ઇલેક્શનની મશીનરી જોડે ચૅડાં થતાં હોય છે. ખૂનખરાબા લગીની મારામારી પણ ખરી. એવી દુર્ઘટનાઓનો સામનો કરવા બાબતે મતદાર 'લેસ એજન્સી' પુરવાર થાય છે. ચૂંટણીટાણે ઉછાળાયેલી માહિતીથી એ મ્હાત્ થઇ જાય છે. એવા બધા વિપરીત સંજોગો વચ્ચે એ એક જ દબાણથી દોરવાતો હોય છે – આંધળુકિયાં. વ્હિમઝિકલિ, જેના નિશાન પર ટિક્ થઇ તે ખરી ! મત કોને આપ્યો તેનો નહીં પણ મતનું દાન કરી આવ્યાનો સંતોષ અંકે કરે છે. 'હું તો મત આપી આવ્યો છું, હૉં' એમ કર્તવ્ય(!)પૂર્તિ દર્શાવવા હવે તો આપણે ત્યાં શાહીનાં નિશાનવાળી આંગળીનાં પિક્ચર વાઈરલ કરાય છે.
ટૂંકમાં, મત માટેની આપણી પસંદગીઓ અનેક પરિબળોથી ગૂંચવાયેલી હોય છે – ઓવર-ડિટરમિન્ડ. મત ફલાણાને જ આપ્યો તે કેમ એનું આપણે કોઇ એક કારણ નથી આપી શકતા. આખી વાત 'રીસન્સી બાયસ' છે – એટલે કે, રીસન્ટલિ, મતદાન આસપાસના દિવસોમાં, તાજેતરમાં, જે ઘટ્યું હોય છે તેનાથી મતદારનું મન ચલિત થતું હોય છે.
આમ, રાજકારણીઓના ઉત્તરદાયીત્વ પરત્વે મતદારની ઓવરસૅન્સિટિવિટી પણ એક અંતરાય બની રહે છે.
સમજવાલાયક વાત આ લેખકો જણાવે છે તે એ છે કે મતદાનથી લેજિટિમસી નથી સરજાતી, બધું કાયદેસરનું અને ન્યાય્ય નથી દીસતું.
જો કે, વધારે સમજવાલાયક વાત આ લેખકો એ જણાવે છે કે મત ન આપવાથી ઇલ્લેજિટિમસી સરજાવાની ગૅરન્ટી હોય છે, બધું ગેરકાયદેસરનું લાગે ને નાસીપાસી અનુભવાય.
ચૂંટણીઓ આમ, ઉત્તરદાયી કે જવાબદેહી સરકાર નીપજાવવામાં કામયાબ નથી નીવડતી. ભલે.
ચૂંટણીઓથી બીજા કયા હેતુઓ સિદ્ધ થાય છે? એ કઇ રીતે સારી છે? આ સવાલોના જવાબ મેળવીશું, હવે પછીના આ વિષયના છેલ્લા લેખથી …
= = =
પહેલા ચિત્ર માટે : સૌજન્ય : “ઈન્ડિયા ટુડે”
લેખ-ક્રમાંક : ૨ : તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૧૮