ગુરુ રૂપી ચિંતામણિનો ચમત્કાર, સો સો જ્યોત ઝગમગી!
સાચો શિક્ષક વિચારો વહેંચતો નથી, પણ પોતાની જાતે વિચારતાં શીખવે છે
“સાચો શિક્ષક વિદ્યાર્થીઓને વિચારો વહેંચતો નથી, પણ તેમને પોતાની જાતે વિચારતાં શીખવે છે.” જેમનો જન્મ દિવસ, પાંચમી સપ્ટેમ્બર, શિક્ષક દિન તરીકે ઉજવાય છે તે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને ઓછામાં ઓછા શબ્દોમાં શિક્ષકની સાચી વ્યાખ્યા આપી છે. અને તેમની સાચી ઓળખ એટલે એક મહાન ફિલસૂફ અને શિક્ષણશાસ્ત્રી. આપણા દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ હતા, બીજા રાષ્ટ્રપતિ હતા, એ તો પ્રમાણમાં ગૌણ ઓળખ. આ લખનારનું સારું નસીબ કે એને શાળામાં આવા સાચા શિક્ષકો મળ્યા. શિક્ષક દિન નિમિત્તે મુંબઈની કેટલીક નોખી સ્કૂલો અને એક અનોખા શિક્ષક વિષે થોડી વાતો.
પોદાર સ્કૂલના સ્થાપક આચાર્ય રામપ્રસાદ બક્ષી
વીસમી સદીના ત્રીજા દાયકામાં દેશની આઝાદી માટેની લડત તેના છેલ્લા તબક્કામાં દાખલ થઈ રહી હતી ત્યારે સારે નસીબે મુંબઈને કેટલીક એવી સ્કૂલ મળી જે રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલી હતી અને શિક્ષણનાં ઊંચામાં ઊંચા ધોરણોને તાકવા મથતી હતી. આળસ મરડીને બેઠું થતું મુંબઈનું એક પરું તે સાંતાક્રુઝ. અને ત્યાં ૧૯૨૭માં શરૂ થઈ એક નાનકડા, ભાડાના મકાનમાં પોદાર સ્કૂલ. આ સ્કૂલની શરૂઆતથી દાયકાઓ સુધીના તેના વિકાસના પાયામાં રહ્યું રામભાઈ બક્ષીનું સારસ્વત તપ. આ સ્કૂલ શરૂ થઈ તે પહેલાં રામભાઈ ધોબી તળાવ નજીકની સરકારી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં શિક્ષક. માત્ર મુંબઈ શહેરની નહિ, પણ આખા મુંબઈ ઈલાકાની એ સૌથી વધુ પ્રતિષ્ઠિત સ્કૂલ. રાજીનામું લખી રામભાઈ અંગ્રેજ પ્રિન્સીપાલને આપવા ગયા. પહેલાં તો સ્કૂલ ન છોડવા સમજાવ્યા. ભવિષ્યમાં સરકારી નોકરીમાં કેવી ઉજળી તકો છે એ કહ્યું. પણ રામભાઈ એકના બે ન થયા. પ્રિન્સિપાલ કહે : મિસ્ટર બક્ષી! એક-બે વરસ પછી અહીં પાછા ફરવાની ઈચ્છા હોય તો તે પ્રમાણે કાગળિયાં કરું. જવાબ : સાહેબ, હવે તો સાંતાક્રુઝમાં બીજી એલ્ફિન્સ્ટન સ્કૂલ ઊભી કરું તે પછી જ અહીં પાછા ફરવાનો વિચાર કરી શકું. સ્કૂલ શરૂ થતાં પહેલાં શેઠ આનંદીલાલ પોદારે દરખાસ્ત મૂકી કે આ સ્કૂલમાં છોકરા-છોકરીને મફત શિક્ષણ આપવું. ત્યારે રામભાઈએ કહ્યું કે ના, ભલે ઓછી, પણ ફી તો લેવી જ જોઈએ. પોદારશેઠ : પણ કેમ? તમે જાણો છો કે આ સ્કૂલ હું કમાણી કરવા શરૂ નથી કરતો. રામભાઈ : ફી આપતા હોય તો વાલીઓ આપણી ભૂલો બતાવી શકે, આપણને સૂચનો કરી શકે. જો મફત હોય તો જે મળે તે મૂંગે મોઢે સ્વીકારી લે. અને તો આપણી સ્કૂલનો વિકાસ ન થાય. રામભાઈએ વાવેલો એ છોડ આજે તો વટવૃક્ષ બની ગયો છે.
ભરૂચ જિલ્લાના રાજપીપળાના બે યુવાનો ચંદુભાઈ અને મગનભાઈ વ્યાસ. ૧૯૨૨માં બંને ભાઈઓએ શુક્લતીર્થમાં આશ્રમ પદ્ધતિની શાળા શરૂ કરી. ડોક્ટર જ્યોર્જ અરુન્ડેલની અસર નીચે બંને આવ્યા. અરુન્ડેલનું સૂચન માનીને મગનભાઈ લંડન સ્કૂલ ઓફ એજ્યુકેશનમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા. ૧૯૨૪થી ૧૯૨૭ સુધી ત્યાં અભ્યાસ કરીને પાછા મુંબઈ આવ્યા. ત્યાં સુધી મુંબઈના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ એજ્યુકેશનના હોદ્દા પર કોઈને કોઈ અંગ્રેજની જ નિમણૂક થતી. પણ મગનભાઈને એ હોદ્દો આપવાની સરકારે દરખાસ્ત કરી, જેનો તેમણે સવિનય અસ્વીકાર કર્યો. કારણ તેમની ઈચ્છા શિક્ષણ ક્ષેત્રે સક્રિય કામ કરવાની હતી. ઇન્ગ્લન્ડમાં અભ્યાસ કરતા હતા ત્યારે મગનભાઈ ન્યૂ એજ્યુકેશન ફેલોશીપ નામની શિક્ષણની ચળવળના સંપર્કમાં આવ્યા હતા. મુંબઈ પાછા આવ્યા ત્યારે રતનલાલ મોરારજી નામના ઉદ્યોગપતિએ મુંબઈમાં એક નવી સ્કૂલ શરૂ કરવા જણાવ્યું. અને ૧૯૨૭માં શરૂ થઈ ફેલોશીપ સ્કૂલ. પણ થોડા જ વખતમાં બીજા સાથીઓ સાથે કેટલીક બાબતમાં મતભેદ થયા, અને મગનભાઈ અને તેમનાં પત્ની સરોજબહેને ફેલોશીપ છોડી. સાથે નક્કી કર્યું કે હવે જે સ્કૂલ શરૂ કરવી તે એકલે હાથે કરવી.
સ્થાપક આચાર્ય મગનભાઈ વ્યાસ અને ન્યૂ ઈરા સ્કૂલ
ગોવાળિયા તળાવના મેદાનના એક છેડે હતી ફેલોશીપ સ્કૂલ. સામે છેડે ૧૯૩૦માં વ્યાસ દંપતી અને ચંદુભાઈએ શરૂ કરી ન્યૂ ઈરા સ્કૂલ. ઇન્ગ્લન્ડના અભ્યાસ દરમ્યાન જેનો પરિચય થયો હતો તે અદ્યતન શિક્ષણ પદ્ધતિ, મહાત્મા ગાંધીની પાયાની કેળવણી, અને ગુરુદેવ ટાગોરની વિવિધ કલાઓને પ્રાધાન્ય આપતી શિક્ષણ પદ્ધતિ – આ ત્રણેનો સમન્વય કરીને એક અનોખી સ્કૂલ તેમણે ઊભી કરી.
પ્યુપિલ્સ ઓન સ્કૂલના સ્થાપક જહાંગીરજી વકીલ અને જ્યાં એ સ્કૂલની મુંબઈમાં શરૂઆત થઈ તે મોર બંગલો (ફોટો સૌજન્ય: આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. ખેવના દેસાઈ)
એક જમાનામાં ખાર નામના પરાનું અલગ અસ્તિત્ત્વ નહોતું. વાંદરા તરીકે ઓળખાતા મોટા વિસ્તારનો એક ભાગ. ૧૯૨૪માં ‘ખાર રોડ’ સ્ટેશન શરૂ થયું ત્યારથી વિકાસ ઝડપી થયો. આ ખારમાં આજે આવેલી પ્યુપિલ્સ ઓન સ્કૂલ મુંબઈની એક અગ્રણી સ્કૂલ. તેની શરૂઆત ખારમાં નહિ, પૂનામાં થઈ હતી, ૧૯૨૯માં. આ સ્કૂલ એટલે ગાંધીજી અને ગુરુદેવ ટાગોરના રંગે રંગાયેલા પારસી દંપતી જહાંગીરજી અને કુંવરબાઈ વકીલનું સપનું. અને ત્યારના એના વિદ્યાર્થીઓમાંનાં કેટલાકનાં નામ : ઇન્દિરા ગાંધી, કમલનયન બજાજ, વિજયાલક્ષ્મી પંડિતની બે દીકરી. ૧૯૩૩માં પૂણેમાં પ્લેગનો રોગ ફેલાયો ત્યારે એ સ્કૂલ પૂણેથી આવી વિલે પાર્લે ઇસ્ટમાં આવેલા ભવ્ય મોર બંગલામાં. ખાર આવી તે તો છેક ૧૯૪૬માં. અને ચોથી સ્કૂલ તે એ વખતે ગુજરાતીઓના ગઢ તરીકે ઓળખાતા ‘સી’ વોર્ડમાં સિક્કા નગર ખાતે ૧૯૩૬માં શરૂ થયેલી મોર્ડન સ્કૂલ. રમણભાઈ વકીલ અને તેમનાં પત્ની પુષ્પાબહેન વકીલ તેના પાયાના પથ્થર.
પણ આ બધી સ્કૂલોમાં આ લખનારની પોતીકી સ્કૂલ તે તો ન્યૂ ઈરા, ના, ‘ધન્ય ન્યૂ ઈરા.’ જે હવે ભૂતકાળ બની ગઈ છે. ૧૯૪૭થી ૧૯૫૭નાં દસ વરસ ત્યાં ભણવા મળ્યું તે મોટું સદ્ભાગ્ય. ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી’ એ સ્લોગન તો ઘણાં વરસ પછી પ્રચારમાં આવ્યું. પણ ન્યૂ ઈરાએ તો દાયકાઓ પહેલાં એ અમલમાં મૂકેલું. જેટલું મહત્ત્વ અભ્યાસનું, એટલું જ મહત્ત્વ અન્ય પ્રવૃત્તિઓનું. સંગીત, નૃત્ય, નાટક, વક્તૃત્ત્વ, ચિત્રકામ, કાંતણ. અને હા, રમતગમત તો ખરી જ. સ્કૂલનું વાતાવરણ મુક્ત, પણ સંયમી. અવારનવાર કોઈ ને કોઈ મહેમાન વક્તા આવે જ. સાહિત્ય, સંગીત, નૃત્ય, અને બીજી કલાઓના કેટલા ધુરંધરોને સાંભળવાની, જોવાની, જાણવાની તક મળી એ દસ વરસમાં! પહેલું લખાણ પ્રગટ થયું તે સ્કૂલના ‘ઉષા’ નામના વાર્ષિકમાં – કવિ સુન્દરમ્ની મુલાકાતનો અહેવાલ.
એ અરસામાં અહીં ભણેલા કોઈ પણ વિદ્યાર્થીને સૌથી પહેલાં યાદ આવે જરબેન ગ્યારા, પ્રાથમિક વિભાગના વડા. શિસ્તના અતિશય આગ્રહી. પણ કાળજું કપોતના જેવું. સોમભાઈ, ઈશ્વરભાઈ અને વરધભાઈ પટેલની ત્રિપુટી. દોલતભાઈ દેસાઈ અને સુશીલાબહેન વાંકાવાળા. શાસ્ત્રીય સંગીત શીખવા મળ્યું જોગળેકર સર પાસેથી તો સંસ્કૃત શીખવા મળ્યું ગાડગીળ સર પાસેથી. આજ સુધી જેમાં ગતાગમ નથી પડી એ વિજ્ઞાન શીખવે જામ્ભેકર સર. પહેલાં મધુભાઈ પટેલ અને પછી દિનેશભાઈ શાહ જેવા જાણીતા કલાકારો શીખવતા છતાં ચિત્રકામ ન જ આવડ્યું.
પિનાકિન ત્રિવેદી
પણ ન્યૂ ઇરાના શિક્ષકોમાંથી સૌથી વધુ પ્રભાવ પડ્યો તે તો પિનુભાઈનો. આ પિનુભાઈ એટલે પિનાકિન ત્રિવેદી. સાહિત્ય, સંગીત, અન્ય કળાઓનો જીવ. શાંતિનિકેતનમાં રહી ગુરુદેવ ટાગોર પાસે ભણેલા. એક વાર ટ્રેનમાં ટાગોર સાથે કલકત્તાથી મુંબઈ આવતા હતા ત્યારે આખે રસ્તે ગુરુદેવનાં ગીતો ગાઈને ગુરુદેવને સંભળાવેલાં. હંમેશ શ્વેતવસ્ત્રાવૃત – જાણે સરસ્વતીનો પુરુષદેહી અવતાર. કવિતા હોય કે નાટક, વાર્તા હોય કે નિબંધ – ભણાવતી વખતે તેમાં પોતે તલ્લીન અને વિદ્યાર્થીઓ પણ તલ્લીન. પ્રેમાનંદનું ‘સુદામાચરિત’ ભણાવતી વખતે ટેબલ પર પલાંઠી વાળીને બેસી જાય. એક પછી એક કડી ગાતા જાય અને સમજાવતા જાય. હથેળી વડે ટેબલ પર થાપ મારીને તાલ પણ શીખવે. રાગ-રાગિણી વિષે વાત કરે. કવિતા લખી, નાટક લખ્યાં, ઘણા અનુવાદો કર્યા. ગુરુદેવ ટાગોરની કવિતાના અનુવાદ તો ઘણા અનુવાદકોએ કર્યા. પણ સમગેય અનુવાદ કર્યા તે મુખ્યત્વે પિનુભાઈ-નિનુભાઈની જોડીએ. નિનુભાઈ તે નિનુ મઝુમદાર. મહાદેવભાઈ દેસાઈ અને પિનાકિનભાઈએ કરેલા ગુરુદેવના સમગેય અનુવાદોની સરખામણી કરતાં છેક ૧૯૩૯માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું : “પિનાકિન રચિત ચાર ગીતો અને આ બે ગીતો(એકલો જાને રે અને તારાં સ્વજન તને જાય મૂકી તો)નાં ગાયન વચ્ચે જે મોટો તફાવત પડી રહે છે તે જ બતાવી આપે છે – આપણી ગુજરાતી વાણીઓની ખૂબીઓની પિનાકિનને પ્રાપ્ત થયેલી પિછાન, અને મહાદેવભાઈને હાથ ન લાગેલી સાન. એ તફાવત ગુજરાતી ભાષાને કાન પકડી પરાણે બંગાળી વાણીના મરોડો પહેરાવવાના પ્રયત્નમાંથી પરિણમ્યો છે. પિનાકિન પણ ટાગોરની પાસે બેસી બંગાળી બાઉલ સંગીત તેમ જ શિષ્ટ સંગીતનું પાન કરનારા છે. મહાદેવભાઈ પણ બંગાળી ભાષાના જ્ઞાતા છે, ને એમણે કરેલા તરજૂમા મૂળ બાઉલ લયવાળાં ગીતોના છે. પિનાકિનનાં સ્વતંત્ર ગીતોમાં ભાષાનો કે સંગીતનો તરજુમો નથી, બંગાળી મરોડો ને સ્વરભારોનો મનોવિભ્રમ નથી, એથી તો ગુજરાતી મરોડો પરની પકડ મજબૂત છે. એટલે જ એમણે કર્યું છે રસાયણ, ને મહાદેવભાઈના તરજૂમાંમાં જે નિપજ્યું છે તે છે બંગાળીકરણ.”
પિનુભાઈની કાર્યનિષ્ઠા અને ધગશનું એક જ ઉદાહરણ : મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળે એક વાર ગીતો ગાવા આમંત્રણ આપેલું. તે જ દિવસે પિનુભાઈનો અવાજ સાવ બેસી ગયેલો. છતાં કાર્યક્રમ માટે ગયા. પોતાની સ્થિતિ જણાવી અને કહ્યું કે ફક્ત એક ગીત ગાઈશ. પણ પછી કોણ જાણે શું જાદુ થયો, તે પૂરા બે કલ્લાક સુધી સતત ગાતા રહ્યા. પછી મંડળના પ્રમુખે એમને વાર્યા ત્યારે કહે કે બસ, હવે આ છેલ્લું ગીત. પિનુભાઈના એ ગાયેલા ગીતની છેલ્લી પંક્તિઓ છે :
ચિંતામણિનો આ તો ચમત્કાર, સો સો જ્યોત ઝગમગી!
કરશે કથીરને કનક આકાર, સો સો જ્યોત ઝગમગી!
ગુરુ, શિક્ષક, એ એક ચિંતામણી છે જેના ચમત્કારને પ્રતાપે માત્ર સો સો જ નહિ, હજારો વિદ્યાર્થીઓનાં જીવન કથીરમાંથી કનક થાય છે, એમના જીવનની જ્યોત ઝગમગતી થાય છે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 03 સપ્ટેમ્બર 2022