અમને એક્સરે જોતાં
આવડતું નથી
અને
જોતાં શિખવાની જરૂર નથી.
તારી પાંસળીઓ ગણી શકાય એટલી દેખાય છે.
પાંસળીઓ ગણવામાં અમને ટાઈમ નથી
ને
રસ પણ નથી.
ભૂખ્યો છે?
ભાગ અહીંથી.
પેટમાં ખાડો છે?
ભાગ અહીંથી.
અહીં તો ચાલનારાનું કામ છે …
ટહેલતાં ટહેલતાં ચાલવાનું.
તારે તો ખડબચડા ખાડામાં ભાગવાનું,
ભાગ અહીંથી!
બેકાર છે?
આ કંઈ આ પારથી પેલે પાર બેરોજગારોની લાઈન નથી કે ઊભા ઊભા થાકવાનું
ને ઊભા ઊભા ઠચુક ઠચુક લાઈનમાં ચાલ્યા કરવાનું.
બેકારોની, રાશનની, ઘંઉચોખાની, તેલની, બાજરીની, પાણીની, સરકારી મફત અનાજની લાઈન તો ફૂટપાથ પર લાગે.
ચલ ફૂટ અહીંથી !
આ ફૂટપાથ નથી,
આ ફૂટબ્રીજ છે.
આ ફૂટબ્રીજ પર તો
એક પછી એક ધીરે ધીરે
ફૂટ મૂકતાં મૂકતાં ..
ફૂટ એટલે તને સમજ નહીં પડે.
ફૂટ અહીંથી.
અહીં તો ફાંદ ના ટેકરે
આઈસ્ક્રીમનો કપ મૂકીને
ધીરે ધીરે ડાબા પછી જમણો, જમણા પછી ડાબો, એક એક પગ આગળ મૂકીને ચાલવાનું.
કેમ ઊભો છે?
‘રૂપિયા’શબ્દ લખતા આવડે છે?
હજી ઊભો છે?
બાઘાની જેમ શું જુએ છે?
બોલ,
રૂપિયામાં ‘પ’ ઉપર હ્સ્વ ઇ આવે કે દીર્ઘ ઈ?
આગળથી પાછળથી ‘ઈ’એમ નહીં !
બોલ,
રૂપિયામાં હ્સ્વ ઇ કે દીર્ધ ઈ?
ઈ નો આવડે તો
એક દો તીન હો જા!
હજી ઊભો છે?
કોઈ દિવસ ભાડું ખર્ચી રીક્ષા કે ટેક્સીમાં બેઠો છે?
મારી સામે શું જુએ છે?
ભાગ અહીંથી.
પેલા લીલા પડદા પાછળ છૂપાવીને રાખેલી
ઝૂંપડપટ્ટીના ખાડામાં સડસડાટ ઊતરી જા!
દોડી જા.
મફતમાં દોડી શકાય, મફતમાં હાંફી શકાય, મફતમાં ‘વોકી’ શકાય નહીં!
આ તો આ પારથી પેલે પાર કલરફૂલ વોકવાનો ફૂટબ્રીજ છે.
ચલ ફૂટ!
આ તો
આ પારથી પેલે પાર
વિકાસની વૈતરણી છે.
રહેવા દે, ફરી પાછી વિકાસની જોડણી પૂછીશ તો તને નહીં જ આવડે!
ચલ ફૂટ!
2 સપ્ટેમ્બર 2022
(સાબરમતી નદી પર અમદાવાદમાં અટલ નામના ફૂટબ્રીજનું ‘લોકાર્પણ’ થયું એ નિમિત્તે)