ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા,
સાચું કહું કે એ બધા રસ્તા ઉપર મળ્યા.
એથી તો મારો રાહ સરળ થઇ ગયો બધે,
રસ્તા મને ઘણાબધા રસ્તા ઉપર મળ્યા.
ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા
— કવિ હરીન્દ્ર દવે
એવો એક મઝાનો ચહેરો : ભાણાભાઈ સાહેબ
આજે કવિશ્રી હરીન્દ્ર દવેની આ સુંદર ગઝલ વાંચીને તેને સ્વરબદ્ધ કરવા બેઠો અને તે સાથે સાથે જ મને પણ મળેલા કેટલા બધા મઝાના ચહેરાઓ આંખ સામે આવી ચડ્યા! ખરેખર, કેટલા મઝાના ચહેરાઓ હતા! … વાહ!
હરીન્દ્ર દવેની આ ગઝલને સંગીતમય કરવાનું થંભી ગયું. હાર્મોનિયમ પરનો હાથ બાજુમાં પડેલ લેપટોપ પર જઈ પહોંચ્યો … ‘ચહેરા મઝાના’ને સ્વરબદ્ધ કરવાનું બાજુ પર રાખીને મને મળેલા મઝાના ચહેરાઓને શબ્દમય કરવા બેસી ગયો. મંડી પડ્યો …. આ લખવા.
ઘણીવાર જેમ બને કે કોઈ સરસ સ્વપ્ન ચાલતું હોય અને જાગી જવાય અને પ્રયત્ન કરીએ કે પાછા એ સ્વપ્નની અંદર પેસી જઈએ તેમ, રખે આ ચહેરાઓ પાછા ક્યાંક ગરકી જાય અતીતની ખીણમાં તો? એ ચહેરાઓ એમ જલદી પાછા હાથવગા નથી આવતા માનસપટ પર, શબ્દ સ્વરૂપ પામવા.
મૂળ વાત એ છે કે જુદા જુદા સમયે જે જે ચહેરાઓ મળ્યા તે બધા તે તે સમયે ખૂબ અગત્ય ધરાવતા હતા. સમયાંતરે તે ચહેરાઓ માત્ર એક મોજભરી દન્તકથા જેવા જ બની જાય છે! જેને વાગોળવાની મઝા કંઈક ઓર છે!
ચાલો, એવા એક ‘મઝાના’ ચહેરાને શબ્દના વાઘા પહેરાવીએ!
ક્યાંથી શરૂ કરું ? હા .. આજનો ચહેરો એટલે અમારા પેલા ઇતિહાસ-ભૂગોળના શિક્ષક ભૂપેન્દ્રભાઈ પટેલનો. પણ એમને બધા જ ભાણાભાઈ કહેતા. વલ્લભ વિદ્યાનગરના સ્થાપક અને સૌથી વધુ આદરણીય એવા ભાઈકાકા મૂળ સોજીત્રા ગામના. ભૂપેન્દ્રભાઈનું મોસાળ સોજીત્રા. તેથી એ ભાઇકાકાના ભાણા થાય, એટલે આખા વલ્લભવિદ્યાનગરમાં તે ભાણાભાઈ તરીકે જ ઓળખાય. કોઈ જો એમના વિષે વાત કરવામાં “ભૂપેન્દ્રભાઈ” કહે તો અચૂક સામો સવાલ આવે “કોણ, ભાણાભાઈ?”
જીવન પર્યન્ત તેમની પહેચાન ભાણાભાઈ તરીકેની જ! અરે છેલ્લે અમેરિકામાં રહ્યા ત્યારે પણ!
ચરોતરમાં ગુજરાતી મીડિયમની શાળાઓમાં એ સમયમાં પુરુષ શિક્ષકોનાં નામ પાછળ ‘ભાઈ’ અને ‘સાહેબ’ કહેવાનો શિરસ્તો. જો કે હવે છેલ્લા કેટલા ય વર્ષોથી શિક્ષકોને ‘સર’ કહેવાની પદ્ધતિ વધુ છે. જેમ કે શિક્ષક રમેશ પટેલને વિદ્યાર્થીઓ “રમેશ ભાઈ સાહેબ” કહીને સંબોધે. પણ આપણા ભૂપેન્દ્રભાઈને ‘ભૂપેન્દ્રભાઈ સાહેબ’ કહેવાને બદલે વિદ્યાર્થીઓ ‘ભાણાભાઈ સાહેબ’ જ કહે.
પહેલી નજરમાં થોડા કડક, થોડા પ્રેક્ટિકલ, ઉત્સાહી, અને તદ્દન સરળ પારદર્શક વ્યક્તિત્વ છે તે દેખાઈ જ આવે, પણ કોઈથી અંજાય નહિ! કદાચ તેમના વતનની ધરતી અને પાણીની આ ખૂબી હશે! તેમનું અને સરદાર પટેલનું વતન એક જ, કરમસદ.
ભૂગોળ, ઇતિહાસ, કે ભાષા ભણાવતાં તેમની શૈલી તળપદી ચરોતરી થઇ જ જાય!
શિવાજીના યુદ્ધની વાત આવે કે અંગ્રેજો સામેના સત્યાગ્રહની વાત આવે, એ એવી રસપ્રદ રીતે કરે કે આખો વર્ગ એકાગ્ર થઇને સાંભળે. બધાંને માત્ર શિવાજી જ નજર સામે દેખાય, કે જાતે જ દાંડીકૂચ કરી હોય એવું ગૌરવ થાય!
ભૂગોળના વર્ગમાં ઉત્તર ધ્રુવની અને એસ્કિમોની ઠંડીની વાત કરતાં કરતાં એ પોતાના બંને હાથ ભેગા કરીને ખભા ઊંચા કરીને એવી તો વાત કરે કે વિદ્યાર્થીઓને પણ ઠંડીનો અનુભવ થઇ જાય!
ચંદ્ર અને પૃથ્વીની ગોળ ફરવાની પ્રક્રિયા એકદમ નાટકીય રીતે, એક વિદ્યાર્થીને ચંદ્ર અને બીજાને પૃથ્વી બનાવી અને ગોળ ગોળ ફેરવે. જેથી ચંદ્ર અને પૃથ્વીની ગતિ વર્ગમાં જ દેખાઈ જાય અને સમજ પડી જાય. એકદમ, પ્રેક્ટિકલ!
વર્ગમાં ચેરાપુંજીના વરસાદની વાત એવી તો અસરકારક રીતે કરી હોય કે સાંજે જો વરસાદ આવે તો બીક જ લાગે કે ચેરાપુંજી જેવો વરસાદ જો અહીં વલ્લભવિદ્યાનગરમાં પડશે તો!?
તેમના હાવભાવ, હાથ અને ખભા ઊંચા નીચા થાય, એ બોલતાં આગળ ચાલે પાછળ ચાલે, અવાજ પણ ઊંચો નીચો થાય, ક્યારેક નાકમાં આંગળી નાખે, આ બધી ટેવો સૌએ પ્રેમથી તેમના વ્યક્તિત્વના એક ભાગ રૂપે સ્વીકારી લીધેલી. કાંઈ જ જુદું લાગતું જ નહીં.
કોઈ વિદ્યાર્થી જો બેધ્યાન લાગે તો ઊભો કરીને પૂછે, ”તું અઈં ઢોરા ચરાવા આયો છું?”
ભાણાભાઈ શિસ્તના આગ્રહી.
ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ વલ્લભવિદ્યાનગરમાં ભણવા આવે. તેમાંથી ચરોતર વિસ્તારના જુદા જુદા ગામોના વિદ્યાર્થીઓની ટોળકીઓ હોય. ખાસ કરીને કરમસદ, બાકરોલ, ધર્મજ, અને નડિયાદના વિદ્યાર્થીઓની ટોળકીઓથી બીજા ગામોના બધા જ વિદ્યાર્થીઓ ડરે. એ ટોળકીઓના લીડર્સ ‘દાદાઓ’ ગણાય! તેઓ ખુલ્લે આમ દાદાગીરી કરે. શાળા કોલેજોની ચૂંટણી વખતે તો લાકડી, ધારિયા અને સાંકળો લઇને મારામારી પર આવી જાય. ઘણા ઘવાય. મોટા ભાગના સ્થાનિક વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો, અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા બીજા ગામોના વિદ્યાર્થીઓ આ ટોળકીઓ અને તેના દાદાઓથી ડરે!
પણ અમારા ભાણાભાઈ સાહેબ નિર્બલ કે બલરામ! એક નીડર લીડર અને તે પણ અજાતશત્રુ!
બધાં જ ગામોના લોકોમાં તેમનું માન અને ભાર પડે. કોઈ જો ખોટી દાદાગીરી કરીને બીજાને રંજાડતો હોય અને જો ભાણાભાઈને વાત કરીએ તો વચ્ચે પડીને પેલાને અટકાવે, વઢે, અને સમાધાન કરાવે જ.
શાળામાં જો કોઈ છોકરી જરા વધારે ફેશન કરીને આવે તો એક સ્ત્રી શિક્ષિકા દ્વારા કહેવડાવે “એ છોડીને જરા હમજાવજો, આપડે એક્ટ્રેસ નઈ પણ મેટ્રિક થવાનું છે. તો જ ઠેકાણું પડશે.”
ભાણાભાઈ બીજા શિક્ષકોની સરખામણીમાં પૈસેટકે ઘણા સુખી.
કોઈ વિદ્યાર્થી પાસે પુસ્તકો કે કંપાસનાં સાધનો માટે પૈસા ન હોય તો ભાણાભાઈ સાહેબ પોતાના ખર્ચે પણ વ્યવસ્થા કરાવી જ આપે. પ્રિન્સિપાલ અને મેન્જમેન્ટ પણ તેમનું માન રાખે. ભાણાભાઈ કહે તો વજન પડે જ!
જ્યારે તેમનો સ્કૂલમાં ફ્રી પિરિયડ હોય ત્યારે પોતાનું બજાજ સ્કૂટર લઇને નીકળી પડે, કોઈકના પ્રશ્નોનું નિવારણ કરવા કે કોઈકનું કામ પતાવવા. ભાણાભાઈ પાછા સમયસર પોતાના વર્ગના સમયે હાજર થઇ જાય. સમયનો સદુપયોગ અને પાબંદી!
કોઈને પણ લગ્ન પ્રસંગે કે બીજા અગત્યના પ્રસંગે વ્યવસ્થામાં મુશ્કેલી હોય તો ભાણાભાઈને પૂછે તો કામ થઇ જાય.
ભાણાભાઈ બી.એડ. કરતા હતા ત્યારે મારા પિતાજીના એ વિદ્યાર્થી અને એ પછીથી મારા શિક્ષક થયેલા. બીજા ઘણાને હતો તેમ મારા પિતાજીને પણ તેમની પર વિશ્વાસ.
એક વાર એવું બન્યું કે મારા પિતાજીએ પહેલીવાર એક સ્કૂટર ખરીદવાનું નક્કી કર્યું. સેકન્ડ-હેન્ડ લેમ્બ્રેટ્ટા. પૈસા અપાઈ ગયા અને સ્કૂટર ઘરની બહાર આવી ગયું. સ્કૂટર વિષે ખાસ સમજણ ઓછી. હજી ચલાવતાં ય નહતું આવડતું તેથી લાઇસન્સ પણ ન હતું. તેથી એમણે નકકી કર્યું કે ભાણાભાઈને સ્કૂટર બતાવી જોઈએ. મને ચિઠ્ઠી આપી “સ્કૂલમાં ભાણાભાઈને આપજે.” (તે વખતે વલ્લભવિદ્યાનગરમાં માત્ર કોલેજોની ઓફિસમાં અને પોસ્ટ ઓફિસમાં જ ફોન હતા, તે પણ ડાયલ થાય તેવા નહિ, ઓપરેટર પાસે નંબર જોડાવવો પડે.)
મારો ઇતિહાસનો વર્ગ પૂરો થયો એટલે મેં ભાણાભાઈ સાહેબને મારા પિતાજીની ચિઠ્ઠી આપી.
એ તરત જ બોલ્યા, “આજે શનિવાર છે, બપોરે સ્કૂલ નથી, તો ચાલ છેલ્લા પેરિએડ પછી આવીશ.”
સ્કૂલ પછી એમના જ સ્કૂટર પર મને બેસાડી સીધા અમારા ઘરે આવી ગયા. “ભટ્ટ સાહેબ, બોલો”, મારા પિતાજીને તે “ભટ્ટ સાહેબ” કહેતા. પિતાજીએ વાત કરી અને સ્કૂટર બતાવ્યું અને ચાવી આપી. ભાણાભાઈએ કિક મારી .. લેમ્બ્રેટ્ટા ચાલ્યું નહિ, બીજી કિક મારી તોયે ના ચાલ્યું, સ્કૂટરને એક તરફ વાંકુ વાળ્યું કારણ કે સ્કૂટરમાં જો પેટ્રોલ ઓછું હોય તો સહેજ વાંકુ વળે પછી જ ચાલે, તોયે ના ચાલ્યું. પછી એ સહેજ ગુસ્સે થઇ ગયા.
“ભટ્ટ સાહેબ આ લેમ્બ્રેટા અને તે પણ સેકન્ડ હેન્ડ ? ના લેવાય, કોણે પધરાયું તમને?”
“મારો એક જૂનો સ્ટુડન્ટ હતો કિરીટ પટેલ, તેનું છે” પિતાજી બોલ્યા.
“કયો પેલો બાકરોલ વારો કિરીટ?”
“ના .. ના તમે નથી ઓળખતા આ તો આણંદનો છે.”
“કેટલામાં તમને પધરાયુ?”
“૨૮૦૦”
“અરે હોય? એ માણસ કોને ઉલ્લુ બનાવે છે, ૨૮૦૦? અને તે પણ સેકન્ડ હેન્ડ લેમ્બ્રેટ્ટા?
હું બેઠો છું ને ભટ્ટ સાહેબને એ છેતરે?
ચાલો, બેસી જાવ મારા સ્કૂટર પાછળ, આપણે એને મળવા જઈએ.”
ભાણાભાઈના બજાજ સ્કૂટર પર બેસી એ બંને પહોચ્યા પેલા કિરીટ પટેલ પાસે.
બીજી કંઈ પણ વાત કરતાં પહેલાં જ ભાણાભાઈ બોલ્યા ” અલ્યા તું કિરીટ?”
“હા”
“ચાલ ભટ્ટ સાહેબ ને ૨૮૦૦ પાછા આપ. બીજી વાર અમારા સાહેબને બનાઈશ નઈ હારા પટેલ થઇ ને તારા જ સાહેબને છેતરે છે? કેટલી કીકો મારી તોય ચાલતુ નથી.”
પછી ભટ્ટ સાહેબને કહ્યું, “જુઓ આ મારું બજાજ, બજાજ સિવાય બીજું કોઈ સ્કૂટર લેવાય જ નહીં. ટોપ કોલીટી. અડધી રાતે ઊઠીને કિક મારો કે ચાલુ! નવું પેટી-પેક જ લેવાનું. ઓન આપવા પડે તો પડે. બજાજ સેકન્ડ હેન્ડ વેચવા જાવ તો ય સારા પૈસા મળે.”
અને છેલ્લે કિરીટ પટેલને કહ્યું, “ભટ્ટ સાહેબને ઘરે જઈને લઇ જજે તારું ઠગારુ લેમ્બ્રેટ્ટા પાછું. બીજા પેલા ગરાજ વારાને વેચજે.”
પછી તેમણે ભટ્ટ સાહેબને બજાજ કેવી રીતે નોંધાવવું એ સમજાવ્યું.
“અને જો થોડા વધારે ખરચવાની તૈયારી હોય તો હું ધ્યાન રાખીશ. કોઈનું નોંધેલું આવશે તો ઓન આપીને આપણે લઇ લઈશું.”
વાત પૂરી!
આવા તો કંઈ અનેક દાખલા કેટલા ય લોકો આપશે તમને અમારા ભાણાભાઈ સાહેબના.
ચરોતરમાંથી અમેરિકન કોન્સુલેટમાં વિસા લેવા જનારાની સંખ્યા ઘણી. એની બાબતમાં એ કહેતા કે “કોન્સુલેટમાં જો જૂઠુ બોલશો તો પછીથી પણ વીસા નહિ મળે, સીધી સાચી જ વાત કરવાની.”
ભાણાભાઈ સાહેબ ખાવાના અને ખવડાવવાના ખૂબ શોખીન. જાતે રાંધવાના પણ શોખીન. ઊંધિયાની સીઝનમાં માટલાના ઊંધિયાની પાર્ટીઓ રાખે અને બધાને પોતાને ત્યાં બોલાવે.
સ્કૂલના પ્રવાસમાં જો ભાણાભાઈ સાહેબ સાથે આવે તો બધે જ સરસ ખાવાનું મળે!
એકવાર ભાણાભાઈ બીજા શિક્ષકો સાથે અમારા નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ બસ કરીને રાજસ્થાનના પ્રવાસે લઈ ગયા. ભાણાભાઈનું હિન્દી ચરોતરી હિન્દી – “તુમ દોડ કે જાઓ મેં હેન્ડ કે આતા હું ..” એવું. હવે થયું એવું કે અમે એક મોટી ઢાબા જેવી રેસ્ટોરન્ટમાં ભોજન લેવા ગયા. બસ ડ્રાઈવરને પણ ખાસ જોડે જ ખવડાવે. હવે અમે જ્યારે બસ પાસે પાછા આવ્યા, ત્યારે એક મોટી ટ્રક અમારી બસની એકદમ બાજુમાં પાર્ક થયેલી હતી. તેથી બસમાં કોઈ બેસી શકે જ નહિ. બારણું જ ખૂલી ના શકે.
ભાણાભાઈએ મોટેથી બૂમો પાડી, “કોણ હે ઇસ ખટારે કે ડ્રાઈવર?” એક માણસ દોડતો આવ્યો.
ભાણાભાઈ એને કહે : “તુમને તુમ્હારા ખટારા હમારી બસ કે બોયણે કે સામને મેલા હે તો હમારી બસ કે બોયણે કૈસે ખુલેંગે?” આ સાંભળી અમે સૌ એટલા તો હસ્યાં હતાં કે આજે દસકાઓ પછી પણ જ્યારે શાળાના જૂના મિત્રો મળીએ કે ફોન પર શાળાની વાત કરીએ ત્યારે એ ડાયલોગ યાદ કરીને એટલું જ હસીએ અને ભાણાભાઈ સાહેબને પ્રેમથી યાદ કરીએ.
પાછળથી એ ટી.વી. પટેલ કોલેજમાં હાયર સેકન્ડરીમાં ભણાવતા હતા. રિટાયર થઇને એમના પત્ની, ભાનુબહેન, જે પણ એક આજીવન શિક્ષિકા હતાં, તેમની સાથે અમેરિકામાં એમના દીકરા ગૌરાંગ સાથે રહેતા હતાં. ન્યૂજર્સીમાં રહેતા વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ તેમને થોડા વારસો પહેલાં નવાજી અને બહુમાન કર્યું હતું. થોડાં વર્ષ પહેલાં જ ભાણાભાઈ સાહેબે સૌની વિદાય લીધી.
કેટલો મઝાના ચહેરો – ભાણાભાઈ સાહેબ!
આવતા અંકે બીજા મઝાના ચહેરાને મળીશું …
[ઓક્ટોબર ૫, ૨૦૨૨]
—
e.mail : vijaybhatt01@gmail.com