આજે, ભરત મુનિ વિશે —
એમનો સમય છે, વિક્રમ-પૂર્વ બીજા શતકથી બીજા વિક્રમી શતકનો મધ્ય. એમના ગ્રન્થનું શીર્ષક છે, “નાટ્યશાસ્ત્ર”.
સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ભરત મુનિનું કેન્દ્રવર્તી સ્થાન છે.
કાવ્યશાસ્ત્રના અધ્યેતા વિદ્વાનો ભરતના વિચારોનો, સવિશેષે એમણે પ્રયોજેલા રસસૂત્રનો, વિમર્શ-પરામર્શ કરે જ કરે, કેમ કે એ વિચારોથી રસ-સમ્પ્રદાયની ભૂમિકા બની છે અને કાવ્યશાસ્ત્રમાં તેમ જ કાવ્યો અને નાટકોનાં સર્જનોમાં રસતત્ત્વ મહિમાવન્ત રહ્યું છે.
રસ તો ભારતીય પરમ્પરામાં પહેલેથી સ્પૃહણીય તત્ત્વ છે. હું “તૈતેરીય ઉપનિષદ”-ના સુખ્યાત સૂત્ર ‘રસો વૈ સ:’-ને રસપ્રદ ગણું છું, કેમ કે સમગ્ર અસ્તિત્વનો સ્રોત ગણાતા અને પરમ વાસ્તવિકતા મનાતા બ્રહ્મને વિશેની સમ્પૂર્ણ દાર્શનિકતાનો એ નીચોડ છે. એને એકપંક્તિ કાવ્ય અથવા કાવ્યશીલ પંક્તિ પણ કહી શકાય.
અને જુઓ, એનો એટલો જ કાવ્યશીલ પ્રસાર ભક્તિ-પરમ્પરા છે. રસ વિના ભક્તિ અસંભવ છે અને ભક્તિ પોતે રસસ્વરૂપ છે; તેમછતાં, એને ઉચ્ચ કોટિની આધ્યાત્મિકતા પણ કહેવી જોઈશે.
ભરત-પ્રણીત એ રસસૂત્રની ચર્ચા આ પછી કરીશું. આજે એમના “નાટ્યશાસ્ત્ર”-ની શાસ્ત્રીયતાનો કંઈક પરિચય મેળવીએ.
મને એમાં જીવવિજ્ઞાનીની શાસ્ત્રીયતા ભળાય છે :
જીવવિજ્ઞાન એકકોષી જીવોથી માંડીને પ્રાણીઓ અને છોડવાઓનું વિજ્ઞાન છે – સાયન્સ ઑફ ઑલ ઑર્ગેનિઝમ્સ.
Orgenisms —
Pic courtesy : National Geographic en Español
દરેક ઑર્ગેનિઝમ, જીવ, એક જીવન્તતા છે, એને એક નિશ્ચિત સંરચનાવાળી કાયા મળેલી છે. આપણે રસને પ્રાણ ગણીએ છીએ, તો રસપ્રાણની કાયા કૃતિરૂપે સરજાઈ જ હોય છે. સમજાય એવું છે કે કાયા જીવના જી-વ-ન માટે, એને ટકી રહેવા માટે, અનિવાર્ય છે.
પરન્તુ તે માટે એનાં અંદરનાં રસાયનોની સમતુલા સચવાવી જોઈએ, કેમ કે તો જ જીવોની બધાં કામો સારી રીતે કરવાની ક્ષમતા જળવાય. એ માટે દરેક જીવ એક આન્તરિક પ્રક્રિયા ધરાવે છે, જેને ‘પ્રોસેસ ઑફ હોમીઓસ્ટેસિસ’ કહેવાય છે. રસ પણ આપણે જોઈશું કે વિભાવ, અનુભાવ અને સ્થાયી ભાવનાં સંતુલનને આભારી છે. એથી જ રસની નિષ્પત્તિ થાય છે અને ભાવન-અનુભાવનનાં આનુષંગિક કાર્યો શક્ય બને છે. કાવ્યશાસ્ત્ર પણ એને રસનિષ્પત્તિની પ્રક્રિયાનું ગૌરવ આપે છે.
જીવો પોતાના જેવા જીવોનું પુનરુત્પાદન કરે છે. આપણે જોઈશું કે રસની ઉત્પત્તિ વિશે ભરત જણાવે છે કે કયા રસથી કયા રસ જનમ્યા છે.
પૃથ્વી પર અસંખ્ય જીવો છે તેથી જીવવિજ્ઞાનીઓ હમેશાં જીવોનાં નામોનો ઉલ્લેખ કરે, ન હોય તો નામો પાડે, જૂથો બનાવે, વર્ગો પાડે. પરિણામે, જીવો વિશે તેઓ જે કહેવા માગતા હોય તેનું આયોજન કરી શકે. એથી એમની અભિવ્યક્તિ સ્પષ્ટ બને અને સરવાળે તેઓ સફળ સંક્રમણ સાધી શકે.
આ સંશોધનગુણને ટૅક્સોનૉમિ કહેવાય છે – નામકરણ અને વર્ગીકરણ.
સમજી શકાશે કે કોઇપણ વિજ્ઞાનમાં કે શાસ્ત્રમાં એ ગુણ જરૂરી છે, અનિવાર્ય છે. ખરેખર તો એ, શાસ્ત્રીય દૃષ્ટિમતિનું પરમ લક્ષણ છે.
“નાટ્યશાસ્ત્ર”-માં, શાસ્ત્રગુણરૂપ આ સદ્ગુણ ભરત મુનિએ એક શાસ્ત્ર-રચયિતા તરીકે ભરપૂર દાખવ્યો છે.
એમણે ૮ રસ, ૮ ભાવ, ૩૩ વ્યભિચારી ભાવ, ૮ સાત્ત્વિક ભાવ, નાટકના આશ્રય ગણાતા ૪ પ્રકારના અભિનય, ૨ પ્રકારના ધર્મી, જેમાં ‘નાટ્ય’ સર્વવિદિત છે એ ૪ વૃત્તિઓ, ૫ નાટ્યપ્રવૃત્તિઓ, વગેરે દરેકની એમણે નામોલ્લેખ સહિતની વિશદ વ્યાખ્યાઓ આપી છે. એની વીગતોમાં ઊતરવું અહીં જરૂરી નથી.
પણ એમણે કરેલી કેટલીક વિશિષ્ટ વાતોની નૉંધ લઈએ :
એમણે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એમ ૮ રસ ગણાવ્યા છે. પણ એમણે,
૧ : રસોની ઉત્પત્તિ :
૨ : રસોના વર્ણ અથવા રંગ :
૩ : રસોના દેવતાઓ :
એમ ત્રણ મહત્ત્વની બાબતોની સરસ વાત કરી છે.
૧ :
રસોની ઉત્પત્તિ :
તેઓ શૃંગાર, રૌદ્ર, વીર અને બીભત્સ એ ચાર રસને બધા જ રસોની ઉત્પત્તિમાં કારણભૂત લેખે છે. કહે છે, શૃંગારથી હાસ્ય રસ જનમ્યો છે, રૌદ્રથી કરુણ જનમ્યો છે, વીરથી અદ્ભુત રસ, અને બીભત્સથી ભયાનક રસ.
કેમ કે એમ મનાયું છે, ભરત જણાવે છે, કે શૃંગારનું ‘અનુકરણ’ હાસ્ય રસ છે. રૌદ્રનું ‘કાર્ય’ કરુણ રસ છે. વીરનું ‘કર્મ’ અદ્ભુત રસ છે. બીભત્સનું ‘દર્શન’ ભયાનક રસ છે.
એમણે ‘અનુકરણ’ ‘કાર્ય’ ‘કર્મ’ અને ‘દર્શન’-ને ‘કારણ’ સાથે જોડ્યાં એમાં એમના તર્કવિષયક સામર્થ્યનો પરિચય મળે છે.
૨ :
રસોના વર્ણ અથવા રંગ :
જો રૂપે, પરમ તત્ત્વ રસ છે, એ કાયા ધરાવે છે, તો એને રંગ તો હોવો જ જોઈએ. એ અટકળને આધારે દરેક રસના રંગની આ વાત આવકાર્ય લાગશે.
શૃંગાર રસનો વર્ણ શ્યામ છે. હાસ્ય રસનો શ્વેત, કરુણનો કર્બુર, અને રૌદ્રનો લાલ છે. વીર રસનો વર્ણ ગૌર છે, ભયાનકનો કાળો, બીભત્સનો નીલો અને અદ્ભુતનો પીળો.
ભરતે ‘પ્રકીર્તિત:’ તેમ જ ‘સ્મૃત:’ કહીને સૂચવી દીધું છે કે રસ અને વર્ણ વચ્ચે કશો કાર્યકારણ સમ્બન્ધ નથી, પણ એમ કે એમ કહેવાતું આવ્યું છે, મનાતું આવ્યું છે. કરુણ કર્બુર હોય, રૌદ્ર લાલ હોય, કે ભયાનક કાળો હોય; એવી સર્વસાધારણ લોકકલ્પના એનો પુરાવો છે.
૩ :
રસોના દેવતાઓ :
જો રૂપે, પરમ તત્ત્વ રસ છે, એ દરેકને રંગ છે, એ દરેક કાયા ધરાવે છે, તો એ દરેકના કોઈ ને કોઈ દેવતા પણ હોવા જ જોઈએ. ભરત જણાવે છે કે શૃંગાર રસના દેવતા વિષ્ણુ છે, હાસ્યરસના પ્રમથ (મહાદેવના ગણ) છે. રૌદ્રના રુદ્ર, કરુણના (સમજાય એવું છે કે) યમ. બીભત્સ રસના દેવતા મહાકાલ છે, વીર રસના મહેન્દ્ર, અને અદ્ભુતના બ્રહ્મા.
રસતત્ત્વને વર્ણ અને દેવતા સાથે જોડીને શાસ્ત્રકારે વિચારકેન્દ્રને એના યથાશક્ય પરિઘ લગી વિકસાવ્યું છે, એની નૉંધ લેવી જોઈશે.
વાત કરવાની ભરતની એક શૈલી છે. કહે કે અમે આ તો વ્યાખ્યાયિત કર્યું – એવમ્ એતેષામ્ ઉત્પત્તિ વર્ણ દેવતાન્યભિવ્યાખ્યાતાનિ.
હવે, વિભાવાનુભાવવ્યભિચારિ સંયુક્તાનામ્ લક્ષણદર્શનાન્યભિવ્યાખ્યાસ્મ: સ્થાયિભાવાંશ્ચ રસત્વમ્ ઉપનેષ્યામ: એટલે કે, વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ સહિત રસોનાં લક્ષણો તેમજ સ્થાયી ભાવોના રસત્વ વિશે કહીશું …
(ક્રમશ:)
= = =
(11/13/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર