કે. આર. નારાયણન પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે નાગરિક-ધર્મ બજાવીને પોતાની પસંદગીના ઉમેદવારને અને પક્ષને મત આપ્યો હતો. ભારતના સૌથી શ્રેષ્ઠ અને સૌથી તટસ્થ રાષ્ટ્રપતિ મત આપવાને કારણે પક્ષપાતી નહોતા થઈ ગયા. એનાથી ઊલટું મત નહીં આપનારા તેમના પુરોગામી રાષ્ટ્રપતિઓમાંના કેટલાક તટસ્થ નહોતા
૧૬ મેએ લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી સરકાર રચવા માટે કોને આમંત્રણ આપવું એનો નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. રાષ્ટ્રપતિએ એ નિર્ણય કઈ રીતે લેવો એ વિશે બંધારણમાં ફોડ પાડીને કંઈ કહેવામાં આવ્યું નથી. માત્ર બે વાત કહેવાઈ છે : એવી વ્યક્તિને આમંત્રણ આપવું જે સ્થિર સરકાર આપી શકે અને પ્રાપ્ત પરિસ્થિતિમાં સ્થિર સરકાર કોણ આપી શકે એમ છે એનો નિર્ણય રાષ્ટ્રપતિ પોતાના વિવેકના આધારે લઈ શકે છે. આમ બંધારણે રાષ્ટ્રપતિના વિવેક પર અને આકલનશક્તિ પર ભરોસો મૂક્યો છે.
એવું ન બને કે રાષ્ટ્રપતિ આકલન કરવામાં થાપ ખાય અથવા વિવેક ચૂકી જાય? આવું બની શકે છે અને આવું ભૂતકાળમાં બન્યું પણ છે. બંધારણે વિવેક કરવાનું કહ્યું છે અને વિવેકપૂર્વક નિર્ણય કરવામાં જોખમ છે. છાપેલા નિયમને કે પેઢીઓ જૂની પરિપાટીઓને અનુસરવામાં જરા ય જોખમ નથી, પણ વિવેકને અનુસરવામાં જોખમ છે. સૌથી પહેલાં તો રાષ્ટ્રપતિએ પોતાના અંતરાત્માને જવાબ આપવાનો હોય છે અને એ પછી દાયકાઓ સુધી રાષ્ટ્રપતિએ લીધેલા સાચા કે ખોટા નિર્ણયનું મૂલ્યાંકન થતું રહેતું હોય છે.
બીજો સવાલ અહીં એ ઉપસ્થિત થાય છે કે રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક છે અને નાગરિક તરીકે મતદાતા પણ છે અને તેઓ પોતાની પસંદગીના ઉમેદવારને કે પક્ષને મત આપે તો એ શું વિવેક માટે બાધારૂપ બને છે? મત આપવાથી શું તટસ્થતા જતી રહે છે? એક જ વ્યક્તિ પોતાના નાગરિક-ધર્મ અને બંધારણીય હોદ્દેદાર હોવાના ધર્મ વચ્ચે વિવેક ન કરી શકે? ટૂંકમાં, રાષ્ટ્રપતિએ મત આપીને નાગરિક-ધર્મ બજાવવો જોઈએ કે પછી તટસ્થ રહેવા અને તટસ્થ દેખાવા નાગરિક-ધર્મ છોડવો જોઈએ?
બન્ને સવાલ બહુ રસપ્રદ છે અને રાષ્ટ્રપતિઓ માટે પડકારરૂપ પણ છે. વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની સંભવત: આવતા અઠવાડિયે કસોટી થવાની છે. તેમણે તટસ્થતા જાળવવા અને તટસ્થતા દેખાડવા ભારતના નાગરિક તરીકે મત નહીં આપવાનો નિર્ણય લીધો છે. ૧૯૫૦માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી આજ સુધીમાં ત્રણ પ્રકારના રાષ્ટ્રપતિ આપણને મળ્યા છે અને ભવિષ્યમાં મળતા રહેશે. એક એવા રાષ્ટ્રપતિ જે પોતાને મળેલા બંધારણીય હોદ્દાની ગંભીરતા અને ગરિમા સમજતા હોય. તેઓ બંધારણની મર્યાદામાં રહીને બંધારણના પ્રકાશમાં પરિસ્થિતિનું આકલન કરે છે અને વિવેકને અનુસરીને નિર્ણય લે છે. બીજા એવા રાષ્ટ્રપતિ જે બંધારણ તેમ જ વિવેક કરતાં શાસકોને અનુકૂળ રહેવામાં અને રાજી રાખવામાં માને છે. તેમની અંદર અંતરાત્મા હોતો નથી એટલે આકલનશક્તિ હોય તો પણ એનો કોઈ અર્થ રહેતો નથી. ત્રીજા એવા પ્રકારના રાષ્ટ્રપતિ જે ડરપોક અને અંગ્રેજીમાં કહીએ તો મિડિયોકર હોય. ડરપોક લોકો અન્યત્ર અવલંબન શોધતા હોય છે અને જોખમ લેવાનું ટાળતા હોય છે.
આવા ત્રણેય પ્રકારના રાષ્ટ્રપતિઓ આપણને મળી ચૂક્યા છે અને તેમની ખૂબી તથા મર્યાદાનો આપણને પરિચય થઈ ચૂક્યો છે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવા મુઠ્ઠી ઊંચેરા રાષ્ટ્રપતિ બે વાર વિવેક ચૂકી ગયા હતા. પહેલી વાર તેમણે સોમનાથના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી ત્યારે તેઓ ભૂલ કરી બેઠા હતા. સેક્યુલર દેશનો વડો (વડા પ્રધાન સરકારના વડા છે અને રાષ્ટ્રપતિ દેશના- Head of the State ના વડા છે) મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવા જાય એ બરાબર નથી એમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ત્યારે તેમને કહ્યું હતું, પરંતુ રાજેન્દ્ર પ્રસાદ માન્યા નહોતા. બીજી ભૂલ કેરળના રાજ્યપાલે કેરળની ઈ.એમ.એસ. નાબુદ્રિપાદની ચૂંટાયેલી સામ્યવાદી સરકારને બરતરફ કરવાની હતી. તેઓ ત્યારે કેન્દ્ર સરકાર સમક્ષ વિરોધ નોંધાવી શક્યા હોત કે કેન્દ્ર સરકારનો નિર્ણય અનૈતિક અને ગેરબંધારણીય બન્ને છે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હિન્દુ પક્ષપાત અને સામ્યવાદ માટેના અણગમાને કારણે વિવેક ચૂકી ગયા હતા.
તો જે ત્રણ પ્રકારના રાષ્ટ્રપતિઓ આપણને મળ્યા છે એમાં શાસકોને અનુકૂળ (કે મોકો મળ્યે પ્રતિકૂળ) થઈને રહેનારા રાજકારણી રાષ્ટ્રપતિઓમાં વી. વી. ગિરિ, ફખરુદ્દીન અલી અહમદ, બી. ડી. જત્તી (હંગામી), નીલમ સંજીવ રેડ્ડી, જ્ઞાની ઝૈલ સિંહ(પહેલાં અનુકૂળ અને પછી પ્રતિકૂળ)નો સમાવેશ થાય છે. ડરપોક કે મિડિયોકર રાષ્ટ્રપતિઓમાં આર. વેન્કટરામન, શંકર દયાળ શર્મા અને ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામનો સમાવેશ થાય છે. બંધારણ અને વિવેકને વફાદાર રહીને રાષ્ટ્રપતિના હોદાને ન્યાય આપનારા રાષ્ટ્રપતિઓમાં સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કોણ એવો જો સવાલ પૂછવામાં આવે તો હું ડૉ. કે. આર. નારાયણન(૧૯૯૭-૨૦૦૨)નું નામ આપું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ નહીં, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નહીં; પણ કે. આર નારાયણન. ડૉ. ઝાકિર હુસેનનું નામ એટલા માટે ગણતરીમાં નથી લીધું કે તેઓ માંડ બે વર્ષ રાષ્ટ્રપતિપદે રહ્યા હતા અને તેમના કાર્યકાળ દરમ્યાન તેમની કસોટી થાય એવી કોઈ ઘટના નહોતી બની.
ડૉ. કલામનું નામ મિડિયોકરમાં અને કે. આર. નારાયણનનું નામ અત્યાર સુધીમાંના શ્રેષ્ઠમાં જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થશે, પણ એને માટે મજબૂત કારણ છે. ડૉ. કલામ લોકોના રાષ્ટ્રપતિ હતા અને લોકકલ્યાણની મીઠી-મધુર વાતો કરતા હતા, પણ રાષ્ટ્રપતિ તરીકે બંધારણીય ફરજોને અનુસરવાની વાત આવે અને એ જો તેમના ટેમ્પરામેન્ટ કે ઇમેજને અનુકૂળ ન હોય તો તેઓ નિર્ણય લેવાનું ટાળતા હતા. ફાંસીની સજા પામેલા આતંકવાદીઓની દયાની અરજીને ફગાવવાનું તેમણે ટાળ્યું હતું એ આનું પ્રમાણ છે. બીજી બાજુ કે. આર. નારાયણને મિડિયોકર રાષ્ટ્રપતિઓની ખોટી પરિપાટી સુધારી હતી અને દિગ્ગજ રાષ્ટ્રપતિઓની પરિપાટી તોડીને નવી પરિપાટી વિકસાવી હતી. એ કઈ રીતે એ જોઈએ.
૧૯૮૯માં કેન્દ્રમાં મિશ્ર સરકારનો યુગ શરૂ થયો ત્યારે જેમને મેં મિડિયોકરની યાદીમાં મૂક્યા છે એ આર. વેન્કટરામન રાષ્ટ્રપતિ હતા. તેમણે કોણ સ્થિર સરકાર આપી શકે છે એનું આકલન કરવાની જગ્યાએ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની જગ્યાએ સંખ્યાના આધારે રાજકીય નેતાઓને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. સૌથી મોટા પક્ષના નેતા તરીકે કૉન્ગ્રેસના રાજીવ ગાંધીએ સરકાર રચવાની ના પાડી દીધી એ પછી તેમણે બીજા ક્રમના મોટા પક્ષના નેતા વી. પી. સિંહને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. વી. પી. સિંહની સરકાર કાચા ટેકાવાળી અસ્થિર સરકાર હતી જે વરસ દિવસમાં તૂટી પડી હતી. ડરપોક આર. વેન્કટરામન જોખમ ઉઠાવવા નહોતા માગતા એટલે કયા પક્ષને કેટલી બેઠકો મળી છે એની યાદી લઈને બેસી ગયા હતા. સરકારની સ્થિરતાની તેમણે ચિંતા નહોતી કરી. તેમના અનુગામી શંકર દયાળ શર્મા પણ ડરપોક અને મિડિયોકર હતા. ૧૯૯૬માં લોકસભાની ચૂટણીમાં ફરી ત્રિશંકુ અવસ્થા હતી. તેમણે પણ તેમના પુરોગામી આર. વેન્કટરામનનું અનુસરણ કર્યું હતું અને સંખ્યાના આધારે અટલ બિહારી વાજપેયીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. વાજપેયી સરકાર ૧૩ દિવસ ટકી હતી. એ સમયે બંધારણવિદોએ આર. વેન્કટરામન અને શંકર દયાળ શર્માની ટીકા કરતાં કહ્યું હતું કે સરકાર રચવામાં રાષ્ટ્રપતિ જો રાજકીય આકલન કરવા ન માગતા હોય, વિવેકબુદ્ધિ વાપરવા ન માગતા હોય, જોખમ લેવા ન માગતા હોય તો તેમની રાષ્ટ્રપતિભવનમાં જરૂર શું છે? સંખ્યાના આધારે ક્રમવાર સરકાર રચવાનું આમંત્રણ તો ચૂંટણીપંચ પણ આપી શકે છે.
ડૉ. શંકર દયાળ શર્મા પછી રાષ્ટ્રપતિ બનનારા કે. આર. નારાયણને ખોટી પરિપાટી સુધારી હતી. ૧૯૯૮ની લોકસભાની ચૂંટણી પછી તેમણે સંખ્યાના આધારે ક્રમવાર સરકાર રચવા આમંત્રણો નહોતાં આપ્યાં. તેમણે વડા પ્રધાનપદ માટેનો દાવો કરનારા અટલ બિહારી વાજપેયીને પૂછ્યું હતું કે તેઓ બહુમતી સરકાર રચી શકે એમ છે કે લઘુમતી સરકાર? બહુમતી સરકાર રચવાની સ્થિતિમાં હો તો સમર્થકોના સમર્થનના પત્રો લઈ આવવાનું વાજપેયીને કહેવામાં આવ્યું હતું. બીજા રાજકીય મોરચાઓ બહુમતી સરકાર રચવા જરૂરી સમર્થન ધરાવતા હોય અને પત્રો લાવી શકતા હોય તો તેમના માટે પણ વિકલ્પ ખુલ્લો હતો. વાજપેયીનો મોરચા સરકાર રચવાનો પહેલો પ્રયોગ જયલલિતાને કારણે નિષ્ફળ નીવડ્યો હતો, પરંતુ ૧૯૯૯ની સામાન્ય ચૂંટણી પછીથી મોરચા સરકારનો પ્રયોગ સફળ નીવડ્યો હતો. આજે ત્રણ સરકાર મિશ્ર સરકાર હોવા છતાં કેન્દ્રમાં પૂરી મુદત પૂરી કરી શકી છે એનું શ્રેય કે. આર. નારાયણનને જાય છે. તેમણે રાજકીય પરિસ્થિતિનું આકલન કર્યું હતું, વિવેકબુદ્ધિ વાપરી હતી અને જોખમ ઉઠાવ્યું હતું. બંધારણની અપેક્ષાને તેઓ વફાદાર રહ્યા હતા. લોકો કેવો આક્ષેપ કરશે એની તેમણે ચિંતા નહોતી કરી.
કે. આર. નારાયણનને રાષ્ટ્રપતિ બનાવનાર રાષ્ટ્રીય મોરચાની સરકારે ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની કલ્યાણ સિંહની સરકારને બરતરફ કરવાનો પ્રસ્તાવ સહી કરવા માટે મોકલ્યો ત્યારે નારાયણને એ પાછો મોકલ્યો હતો અને સહી કરવાની ના પાડી દીધી હતી. એવી જ રીતે અટલ બિહારી વાજપેયીની સરકારે બિહારની રાબડી દેવીની સરકારને બરતરફ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો તો એ પણ તેમણે પાછો કર્યો હતો. જે વિવેક ડૉ. રાજેન્દ્ર પ્રસાદ નહોતા દાખવી શક્યા એ વિવેક કે. આર. નારાયણન દાખવી શક્યા હતા.
આગળ કહ્યું એમ કે. આર. નારાયણને મિડિયોકર રાષ્ટ્રપતિઓની ખોટી પરિપાટી સુધારી હતી તો દિગ્ગજ રાષ્ટ્રપતિઓની પરિપાટી તોડીને નવી પરિપાટી વિકસાવી પણ હતી. તેઓ પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે નાગરિક-ધર્મ બજાવીને પોતાની પસંદગીના ઉમેદવારને અને પક્ષને મત આપ્યો હતો. ભારતના સૌથી શ્રેષ્ઠ અને સૌથી તટસ્થ રાષ્ટ્રપતિ મત આપવાને કારણે પક્ષપાતી નહોતા થઈ ગયા. એનાથી ઊલટું મત નહીં આપનારા તેમના પુરોગામી રાષ્ટ્રપતિઓમાંના કેટલાક તટસ્થ નહોતા. એમ તો લોકસભાના અને રાજ્યોની વિધાનસભાઓના સ્પીકર રાજકીય પક્ષના સભ્યપદેથી રાજીનામાં આપે છે, પણ એમાંથી તટસ્થતા કેટલા જાળવે છે? લોકસભાના શ્રેષ્ઠ સ્પીકરોની યાદી બનાવો તો પાંચ નામ પણ નહીં મળે. નાગરિક તરીકેનું હોવાપણું પોતાની જગ્યાએ છે અને બંધારણીય હોદ્દો પોતાની જગ્યાએ છે. આ બન્ને વચ્ચે ભેળસેળ કર્યા વિના પણ જીવી શકાય છે. અદાલતોના ન્યાયમૂર્તિઓ જે-તે પક્ષના મતદાતા હોઈ શકે છે એનો અર્થ એવો નથી કે ન્યાય તોળવામાં પક્ષીય પસંદગી વચ્ચે આવશે. રાષ્ટ્રપતિએ મત આપવો જોઈએ એની શરૂઆત કરનાર કે. આર. નારાયણન પોતે જ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની સાપ્તાહિકી કટાર, “ગુજરાતી મિડ-ડે”, 11 MAY 2014
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-11052014-22