– અંદાજપત્ર : એની એ મોઈ અને એના એ ડાંડિયા, એ જ ચિદમ્બરમ્ અને એ જ જેટલી, ક્યાં સુધી ..
છેવટે, ભલે મીડિયાકૃપાએ પણ કેજરીવાલે હયાતીનું સર્ટિફિકેટ આપ્યુ ખરું ! તાજેતરના કલાકોમાં જે બધી આડીઅવળી એકપંક્તિકાઓ (વનલાઇનર્સ) સાંભળવા મળી, અંદાજપત્ર અંગે, એમાં કેજરીવાલ સચોટ કહ્યું કે આંખો મીંચીને સાંભળીએ તો એમ જ લાગે કે માળું આ તો ચિદમ્બરમ્ જ બોલે છે !
કેજરીવાલની વાત જરી રહીને કરીશું, પણ અરુણ જેટલીની બજેટ રજૂઆત વિશેની આ નિરીક્ષા અને નુકતેચીનીના સગડ દબાવતા ચાલીએ તો શું સમજાય છે? કદાચ, મોદી સરકારનું પ્રથમ અંદાજપત્ર યુ.પી.એ.ની પરંપરામાં છે. એમાં કશું નવું કે જૂદું મુદ્દલ નથી એમ નહીં, પણ સાતત્ય ખાસું બધું છે. બલકે, અા સાતત્યકથા યુ.પી.એ.ના દસકા કરતાં પણ પાછળ જાય છે. નરસિંહરાવ અને મનમોહનસિંહે જે ઉઘાડ કર્યો હતો, કંઇક એવો જ અનુભવ કેટલાકે આમાં પણ કર્યો છે.
જે ઉઘાડ કર્યો હતો, કંઇક એવો જ અનુભવ કેટલાકે આમાં પણ કર્યો છે. આનો અર્થ કંઇ નહીં તો પણ એટલો તો થઈ જ શકે કે દેશે વૈશ્વિકીકરણકરણ કહેતાં નિયોલબિરલ એવો જે રાહ કોંગ્રેસ નેતૃત્વ તળે પકડ્યો એના કરતાં ભાજપી રાહ અને તરાહ ન્યારાં નથી. વસ્તુત: ઇન્દિરા ગાંધી પુન: સત્તારૂઢ થયાં ત્યારે એમના (પ્રણવ મુખરજીના) પહેલાબીજાં અંદાજપત્રોના વારાથી આનાં ચિહ્નો દેખાવા જ લાગ્યાં હતાં, પણ નરસિંહરાવ-મનમોહનસિંહ સાથે તે એકદમ સ્ફૂટ થઈને રહ્યું અને વાજપેયીનાં છ વરસ પણ એમાં અપવાદ નહોતાં.
જો આ રીતે જોઈએ તો ખ્યાલ આવે છે કે, નમોજેટલી સ્કૂલ તાજેતરનાં વરસોમાં આર્થિક નીતિઓ સબબ કેન્દ્ર સરકારની જે બધી ટીકાઓ કરતી હતી તે વસ્તુત: અગાઉની એન.ડી.એ. સરકારની જ પરંપરામાં હોઈ એમની ખુદની પણ ટીકા હતી. બેલાશક, ભ્રષ્ટાચારના કે બીજા કિસ્સાઓમાં કોંગ્રેસ અને ભાજપનાં સામસામા નિશાન વાજબી હોઈ શકે; પણ આર્થિક નીતિ તત્ત્વત: એક જ હતી.
મતલબ, ભલે પોતીકી માવજત અને નજાકતથી પણ અરુણ જેટલીએ અત્યારે કરેલી રજૂઆત કોઈ વિકલ્પની નથી, પણ ચિદમ્બરમના સબસ્ટિટયૂટ તરીકેની એટલે કે બદલી ભરનાર તરીકેની છે. વસ્તુ સ્થિતિની રીતે નોંધતી વેળાએ તેવીસ ચોવીસ વરસ પરની એક ચર્ચા સાંભરે છે. નરસિંહરાવ -મનમોહનસિંહના એ દિવસોમાં અડવાણી સાથે વાત કરવાનું બન્યું ત્યારે એ જરી વહી ગયા હતા કે આ તો અમે જેની હિમાયત કરતા હતા તે જ આર્થિક અભિગમ છે. એ સંજોગોમાં, કોઇકે પૂછ્યું, તમે અને કોંગ્રેસ હવે જુદા શા માટે રહો ? અડવાણીએ કહ્યું કે અમારું જુદા હોવું રહેવું સ્વાભાવિક છે. કારણ, આ આર્થિક નીતિ તે કંઈ ‘હમારી પહેચાન’ નથી.
અમારી ઓળખ તો હિંદુત્વ છે. તેમ છતાં ૨૦૧૪ની ચૂંટણીમાં કોમી ધ્રુવીકરણથી માંડી ઓ.બી.સી. ઓળખ ઉછાળાની કોશિશ નહોતી એમ તો નહીં કહી શકાય, પણ સર્વાધિક શોર અને આગળ કરાયેલ બાબત તો કથિત ગુજરાત મોડલ અને ‘વિકાસ’ની હતી. પણ જોવાનું એ છે કે આર્થિક નીતિવ્યૂહમાં યુ.પી.એ.-એન.ડી.એ. લગભગ સરખાં છે. ગાંધી, નહેરુ પટેલની કોંગ્રેસે અવાડી અધિવેશન સાથે લીધેલો સમાજવાદી રાહ કે પછી જનતા અવતારના સંસ્કાર સમેત છૂટા પડેલા જનસંઘે (ભાજપે) શરૂમાં ઘોષિત કરેલો ગાંધીવાદી સમાજવાદ, આજના યુ.પી.એ.-એન.ડી.એ.માં શોધ્યાં જડે એમ નથી.
કોંગ્રેસે જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં લોકશાહી સમાજવાદનો જે રાહ લીધો એ કોઈ એકદમ આવી પડેલી આકસ્મિક ઘટના નહોતી. સ્વરાજની લડત દરમિયાન ‘કોંગ્રેસ સમાજવાદી પક્ષ’ સાથે શરૂ થયેલી એ એક પ્રક્રિયા હતી. નરસિંહરાવ-મનમોહનસિંહના દોરમાં લેવાયેલો ‘યુ ટર્ન’ કોઈ જ લાંબી બહસ અને રાષ્ટ્રીય એકંદરમતી વગરનો બનાવ હતો.
વસ્તુત:, જ્યાં સુધી વિકલ્પ ચર્ચાનો સવાલ છે, દેશને ૧૯૪૫માં ગાંધીએ નહેરુ જોગ પત્રમાં છેડેલા મુદ્દાઓથી માંડીને લોહિયા-જયપ્રકાશનાં સપ્તક્રાંતિ અને સંપૂર્ણક્રાંતિનાં એલાનોમાં રહેલી વિષમતા નિર્મૂલનકારી આર્થિક નીતિઓની ચર્ચાની જરૂર છે. ચિદમ્બરમ્ અને અરુણ જેટલીના ડાહ્યા ડમરા બદલીદાવમાં નહીં ગંઠાતાં અભીપ્સુ મધ્યમવર્ગો સમાનતાના ઉફાન અને તોફાનનો નવો પથ પ્રશસ્ત કરવાપણું છે. જટા-જંઘાનું રાજકારણ બહુ ચાલ્યું, સવાલ સગરપુત્રોના નવ્ય રાજકારણનો છે. એક સ્થૂળ પક્ષ તરીકે નહીં પણ યુગબળ અને ઘટનારૂપે અહીં ‘આપ’ જેવાઓની ભૂમિકા બને છે જે સગરપુત્રો કહેતાં વિશાળ આમજનતાના નવા રાજકારણનો સંચાર કરી શકે.
ચૂંટણીજંગ પૂર્વે ચમત્કારિક પ્રવેશ પછી આ ઘટના ચોમાસાની પેઠે ખેંચાઈ ગઈ છે એ સાચું; પરંતુ એટલું જ સાચું એ પણ છે કે જે ગરવીનરવી ચર્ચા આપસી મતભેદો સબબ યોગેન્દ્ર યાદવ અને અરવિંદ કેજરીવાલે કરી તે આપણા હાલના બદલીબહાદુરોના કિસ્સામાં શક્ય નથી. મુદ્દે, નવા રાજકારણની જે શક્યતા લોકપહેલ અને ભાગીદારથી વરતાઈ છે એણે નિયોલબિરલ ગંઠાપાથી ઉફારી નવ્ય આર્થિક નીતિની પણ ભોં ભાંગવાની છે. પ્રશાન્ત ભૂષણની સ્વરાજ વિદ્યાપીઠ અને એ ઘાટીએ ચાલતાં બીજા નાના-મોટા વિચારથાણાં નથી એમ તો નથી …
એની એ મોઈ અને એના એ ડાંડિયા, એ જ ચિદમ્બરમ્ અને એ જ જેટલી, ક્યાં સુધી, ક્યાં સુધી …
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 12 જુલાઈ 2014