2014ની ભારતની સામાન્ય ચૂંટણી કંઈ અનોખી રીતે લડાઈ રહી છે. રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે, સત્તા પર આવ્યા પછી કઈ નીતિઓનો અમલ કરશે તેની વાત કરે અને સાંપ્રત સરકારની ભૂલો સુધારી પોતે કેવાં પરિવર્તનો લાવીને પ્રજાને તેની જરૂરિયાતો પૂરી પાડવા મદદરૂપ થશે તેવાં વચનો આપે એ દરેક લોકશાહી દેશની રસમ થઈ ગઈ છે. પણ મેરા ભારત મહાન એ સૂત્રને ચરિતાર્થ કરવા જેને કોઈ રાજકીય, આર્થિક કે સામાજિક નીતિઓનું માળખું ન હોય તેવા પક્ષો ઉમેદવારી નોંધાવી જંગમાં ઊભા રહ્યા છે અને સ્વચ્છ વહીવટ, સક્ષમ ન્યાય પદ્ધતિ કે સર્વ સમાવેશક વિકાસ યોજ્નાઓની વાત કરવાને બદલે દરેક પક્ષના એકાદ આગેવાનની બદબોઈ કરવી અને એનાં ભૂંડા કરતૂતની જપમાળા કરવા સિવાય કશું કરતા નથી.
તેમાંય ન.મો.ના બબ્બે સ્થળોએ ભરાયેલાં નામાંકન પત્રોથી તો હવામાં માત્ર ગરમી જ નહીં પણ એક પ્રકારની વા વંટોળની સ્થિતિ સર્જાઈ છે. રોજ રોજ અવનવા કહેવાતા નેતાઓના મુખેથી અકલ્પનીય આક્ષેપો-પ્રત્યાક્ષેપોની વર્ષા થતી રહે છે. તેમાં સહુથી વધુ ચર્ચાસ્પદ વિધાન, ‘મોદીને મત ન આપનારાઓ પાકિસ્તાન જતા રહે’ સાંભળતાં મારા મનમાં મોદી રાજ્યનું એક ચિત્ર ખડું કરી રહ્યું છે જે કંઇક આવું હશે :
ગુજરાતમાં મોદીના મુખ્ય પ્રધાનપદ દરમ્યાન તમામ પ્રકારની લઘુમતીના હિતો જોખમાયાં છે એટલે મુસ્લિમો, સ્ત્રીઓ, આદિવાસીઓ, બાળકો અને નીચલી જ્ઞાતિના સહુ નાગરિકો એમના પક્ષને અને ખરું જોતાં નરેન્દ્ર મોદીને પોતાનો અમૂલ્ય મત નહીં આપે તેથી તેઓ બધાંને ઉચાળા ભરીને પાકિસ્તાન જવાનું કહેવામાં આવશે. એમ તો બહુમતી હિંદુ કોમના કેટલાક શુદ્ધ બુદ્ધિ અને નૈતિક મૂલ્યો ધરાવનાર સંવેદનશીલ લોકો પણ હશે જે એ નામ સામે ચોકડી કરવાને બદલે તેનાં નામ પર ચોકડી મૂકી દેશે અને એવાઓને શોધી શકાશે તો એમને ય પોટલાં બાંધવાનું કહેવામાં આવશે. ઘડીભર માની લઈએ કે માત્ર મુસ્લિમ લઘુમતીને જ તડીપાર કરવામાં આવે તો ભારતની શી હાલત થાય? ક્યાંથી શરૂ કરું? અત્યારે ભારતમાં ઉચ્ચ કોટીના વૈજ્ઞાનિકો, રાજ્કારણીઅો, લશ્કરની ત્રણે ય પાંખમાં સર્વોચ્ચ સ્થાન ધરાવનારાઓ અને કેન્દ્ર તથા રાજ્ય કક્ષાએ વહીવટી વડાઓના સ્થાનને શોભાવનાર અસંખ્ય સન્માનનીય નાગરિકો છે જેઓનો ધર્મ ઇસ્લામ છે. તેમને અલવિદા કરવાથી એ બધાં ક્ષેત્રો કેવાં ગરીબ બની જશે? તો વળી ભારતની અનેક વિશ્વવિદ્યાલયો, શાળા-મહાશાળાઓમાં પ્રોફેસર, લેકચરર અને ઉત્તમ શિક્ષકની પદવી પર કામ કરનારા મુસ્લિમોની સંખ્યા ઘણી મોટી છે. તેમના વિના નવી પેઢીના શિક્ષણ અને ઘડતરનો ફાલ કેવો ઉપજશે?
ચાલો, હવે નજર માંડીએ આપણા સંગીત-નાટ્યના ફલક પર. કંઠ્ય સંગીત હોય કે વાદ્ય સંગીત, તમામ પ્રકારના શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને સુગમ સંગીતની ધરોહરને સાચવનાર, વધારનાર અને પેઢી દર પેઢી તેનું સિચન કરવામાં તો મુસ્લિમ કોમના કલાકારોની તોલે કોઈ ન આવે. ભલા મહેફિલોમાંથી તેમની બેઠક ઊઠી જાય તો શમિયાણો પોણા ભાગનો ખાલી થઈ જાય. કરી જુઓ એક પ્રયોગ અને વાંસળીથી માંડીને પિયાનો સુધીનાં તમામ વાજિંત્રો સૂનાં પડી જશે. એવું જ ફિલ્મ જગતમાં જોવા મળશે. ઉત્તમ અદાકારો આપણને મુસ્લિમ કોમમાંથી જડ્યા છે, જેમને વિદેશ મોકલી દેવા પોસાય તેમ નથી. આમ પ્રજા એમની અદાકારી પર કંડારાયેલી ફિલ્મોને આધારે પોતાના જીવનનાં સુખનાં સ્વપ્ના જુએ અને દુ:ખના દહાડા વિસારે પાડે છે, એમની પાસેથી એ અદાકારો છીનવી લેશું તો પ્રજા સાવ નિરસ અને હતાશ થઈ જશે.
જરા રોજ બ રોજના જીવનને તપાસીએ. કપડાં પરની છપાઈ, કઢાઈ-બુનાઈ, ભરતકામ, બાંધણી અને અજરખ પ્રિન્ટ જેવી અત્યંત કુશળ કળા-કારીગરીનો ઇજારો તો જાણે જેને આપણે ‘નીચલા વર્ગના’ અને ‘મસલામાન’ જેવા અપમાનિત શબ્દોથી ઉલ્લેખીએ છીએ એવા એમના જ હાથમાં છે. ભારતની નારીઓના હાથની શોભા વધારતી ચૂડીઓ હોય કે તેમના તનને લાડ કરતી ચુંદડીઓ હોય એ બનાવનાર તો છે આપણાં મુસ્લિમ ભાઈબહેનો, જેમના આ કસબ વિના બાકી રહેલાં લોક સાવ લોક-કલા વિહીન કપડાં-ઘરેણાં પહેરતાં જોવા મળશે કે શું? જે વૈદક શાસ્ત્ર માટે હિંદુ પ્રજા પોતાના વેદ-ઉપનિષદ સમયના મહાન ચિકિત્સકો ચરક અને સુશ્રુતની ગૌરવ ગાથા ગાય છે એમના શીખવેલા વસાણાં, આયુર્વેદિક દવાઓ અને જાત જાતના ઉકાળાઓ-ફાકીઓ સામાન્ય જનતાને પોસાય એવા ભાવે પૂરી પડવાનું કામ આપણા પડોશ કે શેરીઓમાં રહેતા વોરા ભાઈઓ સદીઓથી કરતા આવ્યા છે તેની કેટલાને જાણ હશે?
આવાં આવાં તો અગણિત કાર્યક્ષેત્રો અને સેવાઓ છે જે આપણા અર્ધા અંગ જેવાં મુસ્લિમ ભાઈ-બહેનોના પ્રતાપે ટકી રહ્યાં છે. એમને જાકારો આપવાથી કે એમના પ્રત્યે અન્યાય ભર્યું વર્તન કરી તેમને ઉતરતી કક્ષાના નાગરિક ગણવાથી કોને ફાયદો થશે? સાચું કહું તો ભારતમાંની મુસ્લિમ પ્રજા દરેક પ્રાંત અને રાજ્યના પોતમાં એવા તો તાણા વાણાની પેઠે વણાઈ ગઈ છે કે ભારતની 125 કરોડ પ્રજામાંથી, 13% મુસ્લિમ લોકોને બાદ કરશું તો આપણી ભાતીગળ ચૂંદડીના તાણામાંથી વાણો નીકળી જશે અને એ પોત ઘડીના છઠ્ઠા ભાગમાં જ્ળીને ફાટી જશે. ત્યારે કોનું તન ઉઘાડું પડશે? આવો કનિષ્ટ વિચાર પણ જેને આવતો હોય તેમણે વિશ્વ ભરમાં મૂળ ભારતના લોકોને પણ અન્ય દેશના લોકો જાકારો આપે ત્યારે એ લાખો-કરોડો લોકોને પોતાના ઘરમાં સમાવી લેવાની તૈયારી રાખવી રહી.
સ્વતંત્ર ભારતની 16મી ચૂંટણી જે કોઈ પણ રાજકીય પક્ષને સત્તા પર લાવે, જનતાની માંગણી તો એ જ રહેશે કે રાજ્ય અને કેન્દ્ર સરકારો હવે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, આવાસ અને પોષક આહાર જેવી મૂળભૂત જરૂરિયાતો માનવતાના ધોરણે પૂરી પાડે અને ધનિક-તવંગર વચ્ચેનો ફાસલો ઓછો કરે. બી.જે.પી.ને પોતાના મતની નવાજેશ ન કરનારી પ્રજાની આ વિનંતી જરૂર રાજ્યકર્તા પક્ષો સુધી પહોચશે અને સુ-રાજ્યનો સૂરજ ઊગશે તેવી શ્રદ્ધા રાખીએ.
e.mail : 71abuch@gmail.com