ગયા ગુરુવારે [12 જૂન 2014] ભારતના મોટા ઉદ્યોગગૃહોએ છેલ્લાં દસ વરસમાં, કેટલી નવી રોજગારી ઊભી કરી અને એ પણ એને થયેલી આવકના વધારાની તુલનામાં એની વિગતો આપણે જોઈ. હવે આપણે ગુજરાતમાં એવી યોજનાનાં પરિણામ વિશે વિચારી રહ્યાં છીએ જેણે ભારતના ઔદ્યોગીકરણના ઇતિહાસમાં ઇતિહાસ રચ્યો છે. પશ્ચિમ બંગાળમાં તાતા જૂથે સિંગુરમાં પોતાના નેનો કાર પ્રોજેક્ટને મમતાદીદીના જમીન આંદોલનનાં કારણે બીજે ખસેડવાનો નિર્ણય કર્યો અને ચપળ રાજકારણી ગણાતા નરેન્દ્ર મોદીએ તાતા જૂથના વડા રતન તાતાને સાદા નિમંત્રણથી ગુજરાતમાં સાણંદ પાસે આ પ્લાન્ટ લાવી દીધો.
ગુજરાત સરકારે ૧લી જાન્યુઆરી ૨૦૦૯ના સરકારી ઠરાવ નંબર : ટીએમટી/૧૦/૨૦૦૮/પ૧/૧થી પ્લાન્ટ માટે ''ચટ મંગની પટ બ્યાહ’’ની જેમ જરૂરી બધી સગવડો, વિશાળ રસ્તા, ગેસની લાઇન, ૬૬ કેવીએ સબ સ્ટેશન અને ૨૦૦ કેવીએ વીજળી, ભાવિ રેલવે લાઇન માટે સગવડ આપી દીધી. અમદાવાદથી સાણંદ વિસ્તારમાં નેનો મોટરકારનાં પ્રચારપાટિયાં ઝૂલ્યા. સાણંદની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો યુવકોને નેનોના પ્લાન્ટમાં રોજગારીનાં સપનાં આવી ગયાં. ૨૦૦૯ની વાતને આજે પાંચ વરસ પૂરાં થયાં છે. ગુજરાત પાંચ વરસમાં ''ઓટોમોબાઇલ હબ’’ બનવાની વાત દૃશ્ય અને શ્રાવ્ય મીડિયામાં મહિનાઓ સુધી ચમકતી રહી. નેનો કારનું સપનું રંગીન એટલું હતું કે, સાણંદના પ્લાન્ટમાં દર વરસે અઢી લાખ ગાડીઓનું ઉત્પાદન થવાનું હતું. ગાંધીનગરમાં બેઠેલા સચિવો પણ આ ઉત્પાદનને ધ્યાનમાં રાખી વેટની આવક સામે આવનારી લોનની વસૂલાતની ગણતરી કરી મૂછોને વળ દેતા હતા.
પણ આજે પાંચ વરસ પછી ''નેનો કાર’’ જ જાણે હવાઈ ગઈ હોય એવી વાસ્તવિકતા છે. ઉત્તરાખંડમાં પણ તાતા ઉદ્યોગગૃહ નેનો કારનું ઉત્પાદન કરતી હતી. ૨૦૧૨ના જૂનમાં સાણંદના એકમનું ઉત્પાદન શરૂ થયું. આ પહેલાં ૨૦૦૯-૧૦માં ૩૦,૩પ૦ નેનો ભારતમાં વેચી શકાઈ હતી. પ્રારંભમાં તો બજારમાં નેનો કારનું જબરજસ્ત એડવાન્સ બુકિંગ થયું. ૨૦૧૧-૧૨માં વેચાણ ૭૪,પ૨૭ પર પહોંચ્યું હતું. એટલે તો સાણંદ પ્લાન્ટની ઉત્પાદનશક્તિ વરસે અઢી લાખ ગાડીને ઊભી કરાઈ હતી. પણ ૨૦૧૩-૧૪માં ''નેનો કાર’’નું સાણંદ ખાતેનું વેચાણ માત્ર ૨૧,૨૧૯ પર આવી ગયું. પ્લાન્ટ માત્ર ૨પ ટકા શક્તિ એ જ ઉત્પાદન કરી શક્યું. મૂળ પ્લાન્ટ માત્ર ૨પ ટકા ઉત્પાદનશક્તિથી ચાલે એટલે નેનોના ભાગ પૂરા પાડનાર જે એકમો વેન્ડર પાર્કમાં આવ્યા હતા એને પણ સહન કરવું પડયું. પછી પ્લાન્ટ એક પાળી કામ કરતો થઈ ગયો.
લાખેણી કારને બૂરી નજર લાગી અને ખુદ રતન તાતાને કબૂલ કરવું પડયું કે સસ્તી ગાડી તરીકે એનો પ્રચાર કરવામાં અમે થાપ ખાઈ ગયા. અત્યારે આ ઘડીએ સાણંદના પ્લાન્ટ અને એની રોજગારીની પરિસ્થિતિ કેવી હશે ? એની તો કલ્પના જ કરવી રહી નેનોનાં વેચાણની નિષ્ફળતાથી તાતા મોટર્સનું ભાવિ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું. ઓટોમોબાઇલ ક્ષેત્રમાં તાતા જૂથ જાણે બસ ચૂકી ગયું. ૨૦૧૩-૧૪માં તાતા જૂથ ભારતમાં એની બધી બ્રાન્ડ મળી કુલ ૧,૩૮,૪પપ મોટરકાર વેચી શક્યું છે. આટલું વેચાણ તો, એનું ૨૦૦૩-૦૪ના વરસમાં હતું. નોંધવાલાયક એ છે કે, આ ૧૦ વરસ દરમિયાન ભારતના કાર માર્કેટનું વેચાણ ૯ લાખમાંથી ૨પ લાખ પર પહોંચી ગયું છે. તાતા જૂથનું ૨૦૧૩-૧૪નું વેચાણ મારુતિ સુઝૂકીના બે માસનાં વેચાણ જેટલું છે અને તાતા મોટર્સની આવી દશા ઊભી થવાવી મૂળમાં 'નેનો’ છે.
છતાં ય હજુ નેનો કારમાં વિવિધ પ્રકારની સુધારણા કરવાથી તાતા મોટર્સ પાછા હટવાનું નામ લેતું નથી. ટૂંકમાં, પશ્ચિમ બંગાળના સિંગુરમાંથી નેનો પ્લાન્ટ ગુજરાતમાં લાવી રાજ્ય સરકારે ભારતભરમાં જે પ્રસિદ્ધિ મેળવી હતી એના કારણે સાણંદ વિસ્તારમાં ન મોટા ઔદ્યોગિક વિકાસ થયો છે, ન જાહેરાત કરાઈ હતી. એટલી રોજગારી ઊભી થઈ શકી છે. તાતા મોટર્સને એના આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના રૂ.૨,૯૦૦ કરોડની રોકાણ સામે, આ રોકાણના ૩૩૦ ટકા વધુ રૂ.૯,૭પ૦ની લોન અને દસ વરસ સુધી એક્સાઇઝ ડયૂટીની સો ટકા માફી અને બીજી સવલતો મેળવ્યા છતાં આવું બન્યું. મૂડીરોકાણ એ પછી દેશી હોય કે વિદેશી; આધુનિક ટેક્નોલોજીના યુગમાં મોટું રોકાણ એટલે વધુ રોજી એ તાળો બંધબેસતો નથી.
તાજેતરમાં ભારતના બેંક એમ્પ્લોઇઝ એસોસિયેશને બેંકોના ૪૦૬ એકાઉન્ટની વિગતો બહાર પાડી જણાવ્યું છે કે, જાહેર બેંકોમાંથી લેવાયેલી આ ૪૦૬ લોન ન પૂરું ઉત્પાદન કરી શકી છે કે ન રોજગારી આપી શકી છે. ઉલ્ટાનું આના કારણે રૂપિયા સિત્તેર હજાર કરોડ જેવડી રકમ અટવાઈ ગઈ છે. વધુમાં એસોસિયેશને એવી માહિતી આપી છે કે, સપ્ટેમ્બર ૨૦૧૩ સુધીમાં જાહેર બેંકોના કુલ રૂ.૨.૩૬ લાખ કરોડ અટવાઈ ગયા છે અને ટેકનિકલ ભાષામાં આવડી મોટી રકમ નોન પરર્ફોમિંગ થાપણો બની ગઈ છે. બેંકનાં નાણા ડૂબે છે પણ રોજગારી પેદા થતી નથી. બેંકની લોનની વસૂલાત ન થઈ શકે તેવી કે આમ મૃતપ્રાય બની જાય છે; વાત ત્યાંથી અટકતી નથી, પણ બેંકો આગળ વધીને પોતાની લોન માંડી વાળવાને બદલે વિવિધ માર્ગે એનું પુનર્ગઠન કરી આપે છે અને આ બહાને ઉદ્યોગગૃહોને બચાવે કે છાવરે છે.
જાણીતા ઉદ્યોગપતિ અને કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા આનું તાજું ઉદાહરણ છે. એ પણ કિંગફિશર એરલાઇનના કર્મચારીઓ નિયમિત પગાર ક્યાંથી આપી શક્યા હતા ? ટૂંકમાં, ઉદ્યોગગૃહો જે રોકાણ કરે છે એનો મોટો ભાગ બેંકોનાં નાણાનો હોય છે. એનો આવો ગેરવહીવટ થાય છે ત્યારે પણ એવા મૂડીરોકાણમાંથી જાહેર થઈ હોય એટલી રોજગારી પેદા થતી નથી. ''નેનો કાર’’માં તો પ્રતિષ્ઠિત તાતા ઉદ્યોગ જૂથ સંકળાયેલ હતું તો ય આવી સ્થિતિ જન્મી એ બતાવે છે કે, રાજ્ય સરકારોએ ઊજળું એટલું દૂધ સમજી આગળ વધતાં પહેલાં વધુ સાવધાની દાખવવી પડશે.
સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 19-06-2014