આજે નિયતિને ત્યાં અમારે જમવા જવાનું હતું. અમે અમારી ટેવ મુજબ, સમયસર પહોચી ગયાં. બારણા પરનો ‘બેલ’ દબાવતાં, હસતા મુખે બારણું ખોલી નિયતિ બોલી : ‘મને હતું જ કે તમે જ હશો ! તમારા સિવાય કોઈ મારા ત્યાં ‘ઓન ટાઈમ’ આવતું નથી !’
અમારો આભાર માની, અમને એની બેઠકરૂમ સુધી કંપની આપી, બેસવાનું કહી, પૂછ્યું : ‘ડ્રીન્કમાં શું આપું, તમને ?’ મેં કહ્યું : ‘બધાને આવવા દો, પછી લઈશ.’ ‘તો ઠંડુ પાણી તો લેશોને ?’ ‘ના, પાણી તો અમે ઘેરથી પીને નિકળ્યા છીએ.’ ટી.વી. ચાલુ કરી, એ બોલી, ‘તમે આ સીરિયલ જુઓ છો ? સરસ આવે છે. તમે જુઓ અને હું જલદી જલદી તૈયાર થઈ તમને કંપની આપવા આવી જાઉં છું.’
‘તમારા મિસ્ટર દેખાતા નથી,’ મેં પૂછ્યું.
‘એ જરા થોડી વસ્તુઓ લેવા સ્ટોરમાં ગયો છે, તે આવતો જ હશે.’ કહી નિયતિ તૈયાર થવા સરી ગઈ.
એના ગયાં પછી, મેં ધર્મપત્ની તરફ જોયું. એ બોલી : ‘મને નાહકના તમે ઉતાવળ કરાવી ! મારે સાડી બદલવી હતી, પણ જવામાં મોડું થાય, અને તમે મારી ઉપર બગડો એટલે મેં સાડી પણ ન બદલી !!’ બાકીની એની ફરિયાદ એની આંખોમાં હું વાંચી ગયો.
અમે બંને ઘડીભર ચૂપ રહ્યાં. એ દરમ્યાન નિયતિ તૈયાર થઈને આવી ગઈ, અને એના મિસ્ટર પણ આવી ગયા.
થોડા મહિનાઓ પછી, નિયતિને ત્યાં ફરીથી જમવા જવાનું થયું.
ટી.વી. ચાલુ કરી, ધર્મપત્ની તૈયાર થઈ બહાર આવે, એની રાહ જોતો ચાલુ કપડાંમાં હું સમય કાપી રહ્યો હતો.
ધર્મપત્નીનો પ્રવેશ થતાં અને મને જૂનાં કપડાંમાં જોઈ એ ભડકી, ને બોલી : ‘તમે હજુ તૈયાર નથી થયા ?!’
એને આગળ બોલતાં અટકાવી મેં કહ્યું : ‘નિયતિ આપણે ત્યાં કાયમ એક કલાક મોડી આવે છે. મારી ટકોરોથી પણ એનામાં ફેર પડ્યો નથી, એટલે મેં આજે એની આંખ ખોલવા, એક નવો કિસ્સો અજમાવવાનો નિર્ણય કર્યો છે.’
પત્નીને ખુશ કરવા મેં કહ્યું : ‘તારે બીજી સાડી બદલવી હોય તો બદલી લે. આજે આપણી પાસે ઘણો સમય છે.’
‘પણ, મને પેટ ખુલ્લી વાત કરશો કે તમે શું કરવાનું વિચાર્યું છે?’
એની પાસે જઈ, કાનમાં મેં મારો કીમિયો કહ્યો.
‘ઓકે. ઓકે. હવે તમે તૈયાર થવા જશો, પ્લીઝ?’
નિયતિને ત્યાં પહોચતાં, કાયમની જેમ, બારણાનો બેલ દબાવ્યો. બારણું ખોલતાં નિયતિ બોલી : ‘તમે આજે આટલા મોડાં !! તમે તો મારે ત્યાં કાયમ નિયમિત આવનારાં. આજે ખાસ્સો કલાક મોડા છો ?! ટ્રાફિક નડ્યો કે શું?’
એના પ્રશ્નોની ઝડીઓ પડે એ પહેલાં હું બોલ્યો : ‘ચાલો, તમારી બેઠકરૂમમાં બેસીને વાત કરું.’
બેઠકરૂમમાં દાખલ થઈ, બેઠક લીધી. પત્ની પર એક નજર નાખી લઈ, મે કહ્યું : ‘કોઈ કારણ તો નો’તું, પણ જાણી બૂઝીને અમે આજે મોડાં આવ્યાં છીએ.’
મારા આ જવાબથી નિયતિની આંખના ભવા ઊંચા થતાં મે જોયા. મેં વાતને આગળ વધારતાં કહ્યું : ‘અમને થયું કે આમે ય તમારા કોઈ મિત્રો વહેલાં તો આવતાં નથી. અને અમારા કારણે તમારે કેટલી બધી ઉતાવળ કરવી પડે છે ! એટલે, અમને આજે થયું કે તમને તૈયાર થવામાં પૂરતો સમય આપીએ. અને અમારે એકલા એકલા બેસી પણ ન રહેવું પડે.’
નિયતિના મનના ભાવોમાં થતા ફેરફારોથી, એને અમારો સંદેશ પહોચી ગયો છે, એ અમે બંને વાંચી શક્યાં.
ત્યારથી, નિયતિ અમારે ત્યાં કદી મોડી પડી નથી.
(19 અપ્રિલ 2013)
e.mail : chiman_patel@hotmail.com