‘ધનની દેવી લક્ષ્મીની કૃપા તો હતી જ પણ તેણે મને લેક્સિકોનના માધ્યમથી દેવી સરસ્વતીની સેવા કરવાની તક આપી તેને હું મારું સૌભાગ્ય સમજું છું.’
ચાર વર્ષ અગાઉ ઑક્ટોબર – 2009માં ગુજરાતી લોકકોશના લોકાર્પણ પ્રસંગે આ શબ્દોમાં પ્રતિક્રિયા આપનાર રતિલાલ ચંદરયા / Ratilal Chandaria માટે કહેવું જોઇશે કે 13 ઑક્ટોબર 2013ની રાત્રે તેઓ પરમ સૌભાગ્યને પામ્યા. તેમનું આખું નામ આ એક વાર લખ્યું તે લખ્યું, બાકી આગળ તો તેમનો ઉલ્લેખ ‘રતિકાકા’ નામે જ થવાનો.
તો જગતના એંસી / Eighty (કોઈ ભૂલચૂક નથી!) દેશોમાં વેપાર ખેડતા અને તે સંબંધિત વહીવટી કામગીરી માટે અંગ્રેજી ટાઇપરાઇટરને હાથવગું રાખતા રતિકાકાને પ્રશ્ન થયો કે આ હું જે કામકાજ કરું છું તે મારી માતૃભાષા ગુજરાતીમાં થાય કે નહીં ? અને કમ્પ્યૂટર પર થાય કે નહીં તેવો બીજો પ્રશ્ન થયો કારણ કે તેનું આગમન થઈ ચૂક્યું હતું. પ્રશ્નો હતા તો તેના ઉકેલ પણ હતા. જો કે એ સરળ નહોતા અને પ્રારંભિક તબક્કે તે ‘ખર્ચાળ’ ઉકેલની કૅટેગરીમાં આવતા હતા. આર્થિક પ્રશ્ન તો ખેર નહોતો જ પણ ઉકેલ આપવાના નામે કોઈ દોઢી – બમણીથી ય વધુ રકમની માગણી કરે તે રતિકાકાને મંજૂર નહોતું. એવા કંઈક ટ્રબલશૂટિંગને પાર પાડતા પાડતા ગુજરાતી ભાષા માટે જે અવતારી કાર્ય થયું તે આ ગુજરાતી લેક્સિકોન / Gujarati Lexicon – http://www.gujaratilexicon.com/
‘અઢળક’ શબ્દ ઓછો પડે એટલા ધનમાં આળોટતા વિશ્વના અને ભારતના ધનકુબેરોની યાદી વારે-તહેવારે ફોર્બ્સ / Forbes સામયિક પ્રકટ કરતું રહે છે. એ ધનકુબેરોએ મોજ-મસ્તી, પરિવારની સુખાકારી માટે કેવો-કેટલો ખર્ચ કર્યો અને જન્મદિને કે લગ્નદિને પત્નીને હેલિકૉપ્ટર, હોડી કે હલેસું – શેની ભેટ ધરી તેના સંખ્યાબંધ તસવીરી અહેવાલો દૈનિક અખબારોમાં પ્રકાશિત થતાં રહે છે. ખુદના માટે આ કે આવા તમામ પ્રકારના શોખ પાળી-પોષી શકે તેટલા શ્રીમંત એવા રતિકાકા આ બધાથી દૂર રહ્યા. કેમ? એવો પ્રશ્ન થાય તો એનો દાખલો પણ તેમના જીવનમાંથી જ મળે તેમ છે.
લોકકોશનું લોકાર્પણ : (ડાબેથી) રતિલાલ ચંદરયા, નીતાબહેન શાહ અને પ્રદીપ ખાંડવાળા (છબિ સૌજન્ય : બિનીત મોદી)
આગળ ઉલ્લેખ કર્યો છે તે લોકકોશના લોકાર્પણનો કાર્યક્રમ અમદાવાદની પંચતારક (ફાઈવસ્ટાર!) ગણી શકાય એવી હોટેલમાં આયોજિત થયો હતો. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના / Gujarat Informatics Limited / http://www.gil.gujarat.gov.in/ ડિરેક્ટર નીતાબહેન શાહની / Nita Shah ઉપસ્થિતિમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ-અમદાવાદના પૂર્વ નિયામક પ્રદીપ ખાંડવાળાએ / Pradip Khandwala લોકાર્પણની વિધિ સંપન્ન કરી. એ પછી આમંત્રિત મહેમાનો – પત્રકારો માટે જમવાની વ્યવસ્થા હતી. વાનગીઓના ટેબલ પર ગોઠવાયેલા પકવાન – ફરસાણ સામે આંગળી ચીંધીને કોઇએ તેમને પૂછ્યું … ‘તમારા માટે જમવામાં શું પીરસી લાવીએ?’… રતિકાકાનો જવાબ હતો … ‘મને એક સૅન્ડવિચ બનાવી આપો અને સાથે થોડા દાળ-ભાત.’ આ મૂળભૂત સાદગીએ જ તેમને શબ્દ-સાહિત્યની સેવા કરવા તરફ વાળ્યા હોવા જોઇએ એમ ચોક્કસ કહી શકાય.
ગુજરાતી ભાષા – સાહિત્ય પર સરસ્વતી દેવીની કૃપા વરસતી રહે અને લક્ષ્મી દેવી ક્યાં ય અંતરાયરૂપ ન બને તે જોવાની જેમણે નૈતિક જવાબદારી સ્વીકારી હતી તેવા બે નામ આપણને ઉદ્યોગ જગતમાંથી તાજેતરના વર્ષોમાં મળ્યા. એક રતિલાલ ચંદરયા અને બીજા બળવંતરાય પારેખ. (બળવંતરાય પારેખ : સાહિત્યના પારખુ / http://www.binitmodi.blogspot.in/2013/01/blog-post.html) બન્નેને 2013ના એક જ વર્ષમાં ગુમાવ્યા તે મોટી ખોટ. એવી ખોટ કે જેઓએ આ કામ માટે કદી નફા-નુકસાનનો હિસાબ માંડ્યો નહોતો.
સૌજન્ય : http://binitmodi.blogspot.in/ 19 October 2013