એસ.ટી.બસ ડેપોના વર્કશોપના બિલ્ડીંગમાં, છેક જમણી બાજુના છેડે, ઉપલી છત અને પાળી વચ્ચે ખુલ્લી જગ્યામાં ફૂલનું કુંડું ! અહીં વળી કોને સૂઝ્યું ? હા, સીડી લઈ વારંવાર કામસર ઉપર ચડતા ધૂની કારીગર રઘુએ પાળી ઉપર કુંડું મુક્યું હતું. બસની સફાઈ વખતે નળી વડે પાણી છંટાય,ત્યારે એક સેર આ કુંડામાં ય સમયાંતરે છોડાતી. મંદ મંદ પવન, ઝાકળ અને સૂરજનો મૃદુ મીઠો તડકો.. આ બધાથી પેટ ભરીને ખીલેલા ગુલાબના બે ફૂલના ચહેરા આજે ખીલી ઊઠ્યા હતા ! કોઈ એની સામે જૂએ કે નહીં, પોતાનામાં મસ્ત એ બે ય તો કોઈ જાતની ચિંતા કે પરવા કર્યા વિના પરસ્પર તાળી દઈ ડોલતાં હતાં. આમ જૂઓ તો જુના ટાયર, ભંગાર, બસની સાફ-સફાઈનો ઘોંઘાટ વગેરેથી વર્કશોપનું વાતાવરણ બોઝિલ લાગતું, પણ યંત્રવત્ કામ કરનાર કારીગર બે ઘડી આ ફૂલ સામે જોઈ લેતો ને તેનો કંટાળો કે થાક ફૂલસ્પીડમાં ભાગી છૂટતો. ફૂલની જાત જ એવી હોય છે ને ?
અમદાવાદ જનારી બસ હજી વર્કશોપની અંદર જ પડેલી. ઉપડતા પહેલાં એને જરાક ઠીકઠાક કરવામાં આવી રહી હતી. હમીદ મિયાંને અચાનક યાદ આવ્યું. ‘અરે આ બસ લઈને તો આપણા રામભાઈ જાય છે ! સમજો કામ હો ગયા.’ એમણે રામભાઈને વિનંતી કરી. ‘હું, અમજદ ને આયેશા, અમારે અમદાવાદ જવું છે, પણ પ્લેટફોર્મ પર ભારે ગિરદી છે. અલ્લાહ તોબા ! ઈસ બસમેં ચડના હમારે બસકી બાત નહી હૈ. જો તમે અહીંથી જ અમને બસમાં બેસાડી …. ’
પણ રામભાઈ આ રીતે કોઈને આગળથી બસમાં ચડાવી જાતને નીચી ઉતારવા માંગતા નહોતા. ‘હમીદ મિયાં, આપણી ઓળખાણ સાચી, પણ આ વાત ખોટી. આ રીતે બધાને આગળથી બસમાં બેસાડી દઉં એ ઠીક ન કહેવાય, અત્યારે આ બસ ધોવાય છે, પણ પછી મારા પર માછલાં ધોવાય. પછી પાછા આપણે જ ફરિયાદ કરતા હોઈએ છીએ કે ‘જગ્યા ન મળી. બધાં આગળથી ચડી જાય છે !’ અધૂરામાં પૂરું ‘બહુ અરજન્ટ કામ છે’, કહી આવેલા સાહેબના એક ઓળખીતાને આ બસમાં આમ જ આગળથી બેસાડવાનો છે. ત્યાં વળી તમે … !’
હમીદ મિયાં બે ઘડી ચુપ. એ ચિંતામાં પડી ગયા. એમની દીકરી આયેશાને કોઈ ગંભીર બિમારી વળગી હતી. નબળાઈનો ઘેરો ઘેરો હતો. વધુને વધુ બગડતી જતી તબિયત .. એટલે એના ખાસ ડોક્ટરને બતાવવા જવાનું હતું. માંડમાંડ એપોઈન્ટમેન્ટ મળી હતી. તહેવારોને હિસાબે પ્રાઇવેટ બસોમાં જગ્યા મળી ન હતી. એમણે રામભાઈને આ બધી વાત કરતા ફરી અરજ કરી, ‘મારો ઈમાન પણ મને આવું કરવાની ના પાડે છે. પણ રામભાઈ, જો એક સીટની જગ્યા કરી આપો તો ય મહેરબાની. ઈશ્વર-અલ્લાહ આપકો સલામત રાખે. મેં તો બસમેં ખડે ખડે સફર કર લુંગા. ’
માંદગીની વાત આવતાં જ રામભાઈના મનમાં રામ વસ્યા. ‘એક કામ કરો. તમે બધાં અહીં ન આવતા. અમજદને અહીં મોકલો. એને અહીંથી બેસાડી દઈશ. આયેશા બેટીની જગ્યા એ રોકી લેશે, બસ ? હવે ગમે તેવો લાટસાહેબ પણ ચેકિંગ કરવા કેમ ન આવે ? હું એને પહોંચી વળીશ. ઈશ્વર-અલ્લાહ આપણી આયેશા બેટીને જલદી સાજી કરી દેશે. લ્યો, આ બસ પણ તૈયાર થઇ ગઈ. હવે ઝટ અમજદને મોકલી દયો.’
…. થોડીવાર પછી રાજુને સાથે લઈ અમજદ બસ આગળ આવી પહોચ્યો. રાજુ અમજદને બસસ્ટેન્ડે મુકવા આવેલો. બે ય પાકા ભાઈબંધ. ‘અજુ-રાજુની જોડી’ આખા ગામમાં જાણીતી. અમજદે બહારથી જ બસની બારીમાંથી થેલો અંદર સરકાવ્યો ને રાજુને કહ્યું, ‘જેમ બારીમાંથી થેલો બસની અંદર જાય તેમ ચાલ, આપણે પણ એમ જ … ’ રાજુ ‘ના ના’ કરતો રહ્યો, પણ અમજદ અવાજ ન થાય એમ બારી વાટે બસમાં ઘૂસ્યો ને રાજુને પણ એ જ રીતે .. ! એ સીટની બારીના કાચ, સળિયા .. બધું જ ગાયબ હતું ! બેય આમ બસની છેલ્લેથી બીજી ડાબી બાજુની સીટમાં બેસી ગયા. જો કે એની પહેલાં જ એક માણસ બસની મધ્યમાં ડાબી બાજુએ ગોઠવાઈ ગયો હતો, જે સિગારેટના કસ લઈ ધૂમાડાના ગોટેગોટા છોડી રહ્યો હતો. એણે સિગારેટ બુઝાવી દીધી, ને મોબાઈલ પર જામી પડ્યો. એ તો બસ પોતાનામાં જ મસ્ત હતો. વળી બાજુમાં ઊભેલી બીજી એક બસ પણ પ્લેટફોર્મ પર જવાની તૈયારીમાં હોઈ તેની જોરદાર ઘરઘરાટી કાનમાં વાગતી હતી. આ કારણોસર આ બંને છોકરા બસમાં આમ ચડ્યા તેની એને ખબર પણ નહોતી. એણે માથે લીલો પટકો પહેરેલો. અમજદને આ જોઈ ટીખળ કરવાનું મન થયું.
હા … હમીદ મિયાંના શબ્દોમાં કહીએ તો ‘અમજદ એટલે અટકચાળો વાંદરો.’ કંઈક નવું જોયું નથી ને ભાઈએ પરાક્રમ કર્યું નથી ! હજી તો તે હતો બાર વર્ષનો છોકરો, પણ કંઈકના બાર વગાડી દે તેવો ! પોતાને ઓળખતા લગભગ બધાં લોકો પાસેથી ‘ટીખળી’ ને ‘તોફાની’ જેવા અનેક ‘એવોર્ડ્સ’ તે અત્યાર સુધીમાં મેળવી ચુક્યો હતો. રાજુએ તેને ટોક્યો, ‘અજુ, હવે અહીં તો રહેવા દે ! એ અજાણ્યા પાસે ન જા. નકામું કંઈક આડુંઅવળું થાશે તો …’ પણ રોકાય તો તે અમજદ શાનો ? દબાતા પગલે અમજદ પેલા અજાણ્યા માણસ પાસે ગયો ને એની પાછળ શાંતિથી ઊભો રહી ગયો .. પણ એ માણસ તો મોબાઈલમાં કોઈની સાથે ધીમા અવાજમાં મંડી પડ્યો હતો. ત્રણ મિનિટ, ચાર મિનિટ … અમજદ કાન માંડી રહ્યો. રાજુ સામે ડોકું હલાવી, લટકાંમટકા કરી રહ્યો. ને રાજુ તો જાણે ગભરાટનું પોટલું ! એણે પાછા ફરવા ઈશારો કર્યો, ને અમજદે કશુંક વિચારી થોડી વાર પછી એની વાત માની લીધી!
થોડીવાર પછી અમજદે કશુંક વિચારી, ફરી એ અજાણ્યા મુસાફર પાસે જવાનું નક્કી કરતા ધીરેથી રાજુને કહ્યું, ‘જોજે, હમણાં આ બાઘાને કેવો ઘાંઘો કરી દઉં છું તે ! મારી બૂમ સાંભળી એ ચમકી જાશે. અબ દેખો મજા.’ રાજુએ મિત્રનો હાથ પકડી હાવભાવ વડે જ ત્યાં ન જવાની આજીજી કરી, પણ આજીજી નાપાસ ! અમજદ કહે, ‘ચિંતા ન કર. એ અમારી કોમનો છે. મને ખબર પડી ગઈ.’ અમજદ તો ગયો. પેલો હજી મોબાઈલને ચોંટ્યો’તો. આજુબાજુ દુનિયામાં શું બની રહ્યું છે, તેનું એને ભાન નહોતું કે નહોતી એને તેની પરવા. અમજદે સાવ એના કાન પાસે પોતાનો ચહેરો ધરી પ્રચંડ અવાજે ઘાંટો પાડ્યો. ‘સલામ આલેકૂમ ….’ ને પેલો સફાળો ચોંકી ઊઠ્યો.
ધરતીકંપ થયો હોય એમ એ થોડીવાર પુરતો તો હલબલી જ ગયો ! એના હાથમાંથી મોબાઈલ પડતો પડતો રહી ગયો. સલામનો પ્રતિભાવ સલામથી આપવાને બદલે એણે સીધી કરડાકીથી પ્રભાવ જમાવવાની કોશિશ આદરી. ‘ક્યા હૈ ? આટલા જોરથી બોલાય ? ને તું આ બસમાં ચડ્યો કેમ ને કઈ રીતે ? યહાંસે ચડના ગલત હૈ. નિયમ નહીં જાનતા ક્યાં ? ઊતર જાઓ,વરના …’
‘વરના ક્યાં કર લેંગે ? અમને કહો છો, પણ તમે કેમ ગેરકાયદે ચડી બેઠા ? ને બસમાં સિગારેટ પીવાની ય મનાઈ છે. નિયમની ક્યાં માંડો છો ? ખુદ ગલત કરતે હો ઔર હમકો વગર મફતકી શિખામણ દેતે હો ! ચોર કોટવાલને દંડે લે બોલ !’ રાજુ અમજદની વહારે ધસી આવ્યો.
‘અચ્છા, તો એક નહીં, દો દો બંદર બસકે અંદર ! અંદર કર દુંગા સાલો !’ કહી એણે અમજદ સામે જોઈ રોફભેર પૂછ્યું, ’ ક્યાં નામ હૈ તેરા ?’
‘અમજદ’ તેની બદલે રાજુએ જ એંટમાં જવાબ વાળ્યો એટલે અમજદે એને શાંત થઈ જવાનો ઈશારો કરી બાજી હાથમાં લીધી ને શાંતિથી બધી વાત કરી, અહીંથી ચડવાનું કારણ સ્પષ્ટ કર્યું. ને પછી પોતે પૂછી લીધું, ‘આપકી તારીફ ? ને તમે કેમ અમારી જેમ આગળથી ચડ્યા ચાચા ?’ ને એ બગડ્યો. ‘ચાચા હોગા તેરા બાપ. હું તને ‘ચાચો’ લાગું છું ?’ ને પછી નરમાશથી કહે, ‘મારું નામ કાસમ છે. કામ ઐસા જરૂરી હૈ કી મુજે ઈસ તરહ બેઠના પડા. પર યે ફટીચર બસ આખરી મુકામ તક પહોચેગી ક્યાં ?! અલ્લાહ અલ્લાહ કરો, મિયાં ! તારા આ દોસ્તને જવું હોય તો ભલે એ હેરાન થાતો. તુમ તો રહેને હી દો. તુમ તો સાથમેં બિમારકુ લેકે આયે હો. ખુદા ન કરે ઔર બીચમે હી બસને કુછ ગરબડ કી તો … ? બીચ રાસ્તેમેં બેટીકી તબિયત બિગડ ગઈ તો ફિર કરોગે ક્યાં ? હેરાન-પરેશાન થઈ જશો. યે બસ રાસ્તેમેં જરૂર દગા દેંગી. આપકી વાટ લગા દેંગી. ’
‘તો પછી તમે આવી બસમાં શું કામ જાવ છો, ચાચાજી ?’ અમજદે વળતો ઘા માર્યો.
ગુસ્સાને ખાળતા એ બોલી ઊઠ્યો, ‘તુમ મજાક અચ્છી કર લેતે હો ! મારે તો રસ્તામાં જ ઊતરી જવું છે. ને હું તો હટ્ટોકટ્ટો છું. જયારે તમારી હારે બિમાર આયેશા બેટી છે. જરા અક્કલસે તો કામ લો મિયાં !’ વ્યસનના ગુલામ એવા કાસમને અચાનક યાદ આવ્યું. ‘અરે મેરી ફાકી ઔર મેરા પાન-મસાલા ? હત તેરેકી. યે તો મૈ ભૂલ હી ગયા !’ હજી પંદર મિનિટ પછી પ્લેટફોર્મ પર બસ આવવાની હતી. જગ્યા રોકવાની ને સામાનનું ધ્યાન રાખવાની સૂચના આપતાં એણે ઊમેર્યું. ‘મેં અભી આયા સમજો. ઔર શૈતાની મત કરના ક્યાં સમજે ?’
‘શૈતાની તો તમે કરો છો ! જે ખાય ગુટકા-ફાકી, એની તબિયત વાંકી. વહેલા મરી જવાય ‘ચાચાજી.’ રાજુએ ‘ચાચાજી’ શબ્દ પર ભાર મૂકતા વણમાગી સલાહ ચોપડાવી, ને પેલો ગુસ્સે થવાને બદલે હવે ખડખડાટ હસી પડ્યો. ‘જીના-મરના હમારે હાથમે નહીં હૈ. સબ કુછ ઉસીકે હાથમે હૈ. યે સબ ખુદાકી ફિતરત ! પણ તારી જબાન બહુ તેજ ચાલે છે. કાશ આ બસ પણ એમ જ ચાલવાની હોત તો ? સલામ અમજદમિયાં !’ એ માણસ બસમાંથી ઊતર્યો – ન ઊતર્યો ત્યાં તો અમજદ ફરી એની સીટ પાસે જઈ સીટ નીચે પડેલો એનો થેલો ખોલીને ફેંદવા લાગ્યો.
ને રાજુ ફફડી ઊઠ્યો, ‘અજુ, હવે હદ થાય છે. કોઈના સામાનને ન અડાય. ખરાબ કે’વાય. ને એણે આપણા પર વિશ્વાસ રાખીને …..’
‘આ તો શું થેલામાં મીઠાઈ – બીઠાઈ હોય તો પેટમાં પધરાવી દઈએ. પૂછે તો કહેવાનું કે ઉંદરડા આવીને ખાઈ ગયા. માલ હજમ, કામ ખતમ.’ અમજદ આમ કહેતાં હસી પડ્યો ને પછી .. ! ‘અરે આ કાસમચાચો તો એનો મોબાઈલ સીટ પર જ ભૂલી ગયો .. ! ‘તેણે જોયું, એના મોબાઈલમાં સલીમ નામના કોઈ શખ્સના એક જ નંબરના પાંચ-પાંચ મિસકોલ હતાં. તેણે એ નંબર યાદ રાખી પછી એ પાંચે ય મિસકોલ ઉડાડી દીધા ને કહે, ‘રાજુ, ચાલ થોડી ગમ્મત કરીએ. મારા અબ્બાજાને તને એનો બીજો મોબાઈલ આપ્યો છે ને ?’ અમજદે કાસમના મોબાઈલમાંથી આ બીજા મોબાઈલમાં રીંગ મારી. ને રીંગટોન વાગતા જ રાજુ કહે ‘તેના મોબાઈલમાં આપણો આ નંબર આવી ગયો. એને ખબર પડી જાય કે તે મિસકોલ કર્યો છે ને એના જાણીતાના નંબર કાઢી નાખ્યા તો એ આપણી ખબર લઈ નાખશે.’
જવાબમાં અમજદ હસી પડ્યો. તેણે પોતાના મોબાઈલમાંથી સલીમના નામે કાસમને મેસેજ કર્યો. ‘મેં યે દુસરે નંબરસે સંદેશ ભેજ રહા હું. અબસે દો ઘંટેકે લીયે મુજે યા કીસીકો ભી ભુલેસે ભી કોલ યા મેસેજ મત કરના. મેં સામનેસે તુજે પુરાને નંબરસે ફોન કરુંગા. – સલીમ.’ ને પછી આવો જ કંઈક મેસેજ કાસમના મોબાઇલમાંથી કાસમના નામે સલીમને મોકલ્યો, ને ત્યાર બાદ રાજુને આ પરાક્રમની જાણ કરતા તે કહી રહ્યો. ‘રાજુ, જો, હવે હું કાસમના મોબાઇલમાંથી સલીમને મોકલેલો આ મેસેજ ને આપણને કરેલો મિસકોલ કાઢી નાખું એટલે આ ટીખળની એને ખબર જ નહીં પડે. સલીમના નામે આવેલો મેસેજ વાંચી, આ કાસમચાચો છાનોમાનો બેસી જશે. મોબાઈલ પર ચોટી પડતો બંધ થશે.’ રાજુ કહે, ‘વાત તો તારી સાવ સાચી. મોબાઈલ હારે આ ચાચાએ શાદી ન કરી લેવી જોઈએ !? સાવ જામી જ પડ્યો’તો લે તેમાં ! તારો આઈડિયા છે તો ભારી ફક્કડ ! પણ આવી મસ્તી તેં શું કામ કરી ? નકામું ક્યાંક ….જો જો એ દોડતો દોડતો આવે છે. મોબાઈલ લેવા જ આવતો લાગે છે. ઝટ મૂકી દે.’ ને બે ય જાણે કાંઈ કર્યું જ નથી એમ ડાહ્યાડમરા થઈ પોતાની સીટ પર બેસી ગયા. પેલાએ મોબાઈલ માગ્યો ને …
‘બસમેંસે ઊતરતે વક્ત તો મોબાઈલ આપકે હાથમેં હી થા ! આપ શાયદ ભૂલ ગયે. કહી રાસ્તેમેં તો ગિર નહીં ગયા ના ?’
‘નહીં અમજદ, મૈ ઐસા ભી ભૂલક્કડ નહીં. જા વહાં સીટ પર હી પડા હોગા. ’ કાસમે વિનંતી કરી. અમજદે શોધવાનો ડોળ કર્યો, થોડી વાર લગાડી ને પછી મોબાઈલ આપ્યો. ‘લ્યો ચાચાજી.’ આ વખતે કાસમ જોરથી હસી પડ્યો ને પાનની દુકાન તરફ ભાગ્યો. અમજદે જગ્યા બદલીને બરાબર કાસમની પાછલી સીટ પર સૂચના મુજબ માત્ર એક જ જગ્યા રોકી લીધી.
…… બસ પ્લેટફોર્મ પર આવી ગઈ હતી. અમજદે રાજુ સાથે થોડી કાનાફૂસી કરી તેને બસમાંથી નીચે ઉતાર્યો. રાજુનો ગભરાટ પણ હવે ઊતરી ગયો હતો. ત્યાં જ પેલો કાસમ આવી પહોચ્યો. બકરાંની જેમ પુરાયેલા મુસાફરોની વચ્ચેથી રસ્તો કરી તે માંડમાંડ પોતાની સીટ પર આવ્યો, હમીદમિયાંને એક જ સીટ મળી હતી. અમજદે કાસમ સાથે અબ્બાજાનની ઓળખાણ કરાવી. કાસમે આધેડ હમીદ મિયાં સામે નજર કરી એમને ભંગાર બસમાંથી ઊતરી જવાની સલાહ આપી, પણ હમીદ મિયાં ઊતર્યા નહીં, પોતાની વાત તેમ જ સીટ પર અડગ ઊભા રહ્યા એટલે કાસમે કશુંક વિચાર્યું ને પછી અચાનક ઊભા થઈ પોતાની સીટ પર બેસી જવાનો એમને આગ્રહ કર્યો. એમનો હાથ પકડી પોતાની સીટ પર એમને ધરાર બેસાડતા એ બોલ્યો. ‘તો તમે જાણો ને ખુદા જાણે. હું તો .. ઊતરી જાઉં છું. પર મેરા એક કામ કર દેના, મિયાં.’ એણે અહીંથી ચોથું સ્ટેશન આવતાં ફારુક નામનો જે માણસ આવે એને પોતાનો થેલો સોંપી દેવાની વિનંતી કરી. મિયાંને સીટ મળી ગઈ ને કાસમનું કામ થઈ જવાનું હતુ,ં એટલે બે ય વચ્ચે શુક્રિયાની આપ-લે થઈ. કાસમે ભારપૂર્વક કહ્યું, ’ઔર હા, એક ખાસ બાત. આપકે ‘ચલતે ફિરતે તૂફાન’ કો મેરે થેલેસે દૂર હી રખના. કાચકા સામાન હૈ. જહાં હૈ વહી ઉસે રખના. અબ જબ સીટ મિલી હૈ તો આરામસે સો જાના. વો ચોથા સ્ટેશન તો દો ઘંટેકે બાદ આયેગા.’ હમીદ મિયાંએ સામાન વિશે બેફિકર રહેવાની ને તેને સહીસલામત પહોંચાડવાની ધરપત આપી. કાસમ રાહતનો શ્વાસ લેતા બસમાંથી ઊતરી ગયો.
બસ ઉપડવાને, બસ, હવે થોડી જ વાર હતી ત્યાં જ અમજદે છેલ્લી આંગળી ઊંચી કરી .. ને હમીદ મિયાંનો અવાજ ઊંચો થયો ! ‘અત્યાર સુધી શું કરતો’તો ? બરાબર બસ ઉપડવા ટાણે જ તને … ?!’ એમણે તેને જલદી આવી જવાની તાકીદ કરી યુરીનલ કંઈ તરફ છે તે ઈશારાથી બતાવ્યું ને અમજદ ભાગ્યો.
છેક પાંચ મિનિટ પછી અમજદ આવ્યો ને અબ્બાજાનનો ગુસ્સો ખાળવા મથી રહ્યો. બસની બહાર ઊભા ઊભા જ તેણે કહ્યું, ‘અબ્બાજાન, બહુ ‘લાગી’ હતી એટલે વાર લાગી.’ હમીદ મિયાંએ સહેજ મોઢું બગાડી તેને જલદી અંદર ચડી જવાનો ઈશારો કર્યો ને મોડું થઈ જવા છતાં બસ ન ઉપડી એટલે રાહત અનુભવી. જો કે ત્યારબાદ બીજી પંદર મિનિટ વીતી ગઈ, છતાં બસ ઉપડવાનું નામ જ નહોતી લેતી ! ત્યાં તો જાહેરાત થઈ. ‘બસમાં ખોટકો હોઈ તે નહીં ઉપડે. રૂટ કેન્સલ …’ બસ જોતજોતામાં ખાલીખમ ને મુસાફરો લાલઘુમ. ‘આવી જ ભંગાર બસો મુકો છો ? જવાબદારી જેવી કોઈ વસ્તુ છે કે નહીં ?’ હમીદ મિયાં ચિંતાગ્રસ્ત. ‘હવે આ બિમાર છોકરીનું શું થશે ? માંડમાંડ મેળ પડ્યો’તો ત્યાં આ … ! ’ કોઈએ આશ્વાસન આપ્યું. ‘પાડ માનો ભગવાનનો, બસ અધવચ્ચે જ દગો દેવાની હતી. બચી ગયા સમજો.’ હમીદ મિયાંને ત્યારે કાસમે કહેલી આવી જ કંઈક વાત યાદ આવી. એમણે કાસમના મનોમન વખાણ કરતા ઘેર પરત જવાની તૈયારી કરી, ત્યાં જ પોલીસવાળાએ એમને રોક્યા. ‘એક મિનિટ, તમે જ અમજદના બાપ છો ને ?’
હમીદ મિયાં કહે, ‘હા, આમ તો હું જ છું, પણ હકીકતમાં તો એ મારો ય ‘બાપ’ છે.
ઇન્સ્પેકટર વાઘેલાએ ગંભીરતાપૂર્વક કહ્યું, ‘તમારે અમારી સાથે પોલિસ-સ્ટેશને આવવું પડશે ….’
અમજદને પોલિસવાળા સાથે વાત કરતો જોઈ ચોંકી ઊઠેલા હમીદ મિયાંને થયું કે નક્કી કંઈક પરાક્રમ કર્યું લાગે છે આ ‘શહેઝાદાએ.’ ‘શું કર્યું તેં નાલાયક ? તુજે કિતની દફા બોલા કી .. ?! ’
‘મિયાં, એ બધું થાણે પહોચીને કહેજો. પહેલાં તમારી બેટીને ઘેર ઉતારી દઈએ, પછી બીજી વાત.’ ઇન્સ્પેકટર વાઘેલા સત્તાવાહી સ્વરે બોલી ઊઠ્યા … ને પોલિસવાનમાં આખે રસ્તે હમીદ મિયાં અજાણી આશંકાથી ફફડી રહ્યા, અમજદ સામે કરડી નજર નાખી રહ્યા. પોલિસે સમજીને જ અમજદને એમનાથી દૂર બેસાડ્યો હતો. આયેશાને ઘેર ઉતારી વાન પોલિસ-થાણે પહોંચી ….
….. દૂર બેઠેલા એક શખ્સ સામે ઈશારો કરતા ઉપરી અધિકારીએ પૂછ્યું, ‘હમીદ મિયાં, આને તમે ઓળખો છો ?’
‘અરે હા, આ તો કાસમ. આ ભલા માણસે તો મને બસમાં જગ્યા આપી’તી ને બસમાંથી ઊતરી જવાની નસીહત પણ ..’
‘હા,બરાબર, હવે વાત જાણે એમ છે કે તમારા અમજદે એના માલસામાન અને મોબાઈલ સાથે રમત કરી છે. બહુ મોટી મજાક કરી છે ને એને લીધે ….’
ને અત્યાર સુધી દબાયેલો હમીદ મિયાંનો ગુસ્સો પૂરજોશમાં બહાર ધસી આવ્યો જે રોકવો હવે મુશ્કેલ હતો. એમણે ત્રાડ પાડી, ‘અમજદ … ઇધર આ નિકમ્મે. આજ મારમારકે તેરી ચમડી ન ઉધેડ દું તો મેરા નામ … ! તુને આજ જો કિયા હૈ વો …!’ અધિકારીએ મહામહેનતે એમને રોકતા કહ્યું, ‘વો કામ હમારા હૈ. અમને ફક્ત એટલું કહો કે આવડાં ટાબરિયાંમાં આવી બુદ્ધિ’ આવી ક્યાંથી ! તુમને ઉસકો યે કૈસી તહેઝીબ શીખાઈ કી ઇતની છોટી સી જાન ..? ’
‘અબ ક્યાં બતાઉં, સાહબ ? પર ઉસને કિયા ક્યા હૈ યે તો કોઈ પહેલે મુજે ઠીક્સે બતાઓ !’
‘અરે, તુમ્હારી લડકેને આજ જો કિયા હૈ વો …… ! ’
ને હમીદ મિયાં ફરી ઉકળી ઊઠ્યા.’ સાહેબ, તમારે એનું જે કરવું હોય તે કરજો, પણ પહેલાં મને એની સાથેનો પૂરેપૂરો હિસાબ ચુકતે કરી લેવા દયો. મારો છોકરો નાદાન છે, શરારતી હૈ, પણ કોઈનું બુરું કરે એવો હરગીઝ નથી. લેકિન .. લેકિન ઐસી બેહુદી શરારત કરના ભી કતઈ ઠીક નહી હૈ. યા પરવરદિગાર ! … યે સબ ક્યાં હો રહા હૈ ? સાહેબ તમે એને એવું ‘ઇનામ’ આપજો કે જેથી તે એને જિંદગીભર યાદ રહી જાય ને એ બીજાને હેરાન કરવાની ખો ભૂલી જાય.’
‘મિયાં, એ તો અમે તેને આપીને જ રહેશું. અમે કોઈને ય નથી છોડતા. તમારા અમજદે ચોરીછૂપીથી બીજાની ગુપ્ત વાતો જાણી લીધી ને એને ધ્યાનમાં રાખી એક પછી એક ચિત્ર-વિચિત્ર હરકત કરવા માંડી ને એટલે અમે પણ હરકતમાં આવી ગયા. એણે છાનામાના બધી વાત સાંભળી લીધી,ને અજાણ્યા હોવાનું નાટક કરી બધો ખેલ ચોપટ કરી નાખ્યો. તો બીજી બાજુ આ રાજુએ પણ ડ્રાઈવર તેમ જ ડેપો મેનેજરને એમ કહી બસ રોકાવી દીધી કે ‘પોલિસે બસ ઉપાડવાની હમણાં ના પાડી છે. એનો ફોન હમણાં આવશે જ … !’ આ બે ય ટાબરિયાંઓએ સમજી સમજીને એક એક ડગલું આગળ … ! બસ તો ઉપડવાની જ હતી.
પણ ખોટું બહાનું કાઢી, બસની બહાર નીકળી, અમજદે તમને બરાબરના ઉલ્લુ બનાવ્યા, ને અમને ય બરાબરના દોડાવ્યા … ! એણે જે કર્યું છે એ નાનુંસૂનું નથી. એણે બહુ મોટું … ’
‘સાહેબ, મને તો આમાં કશું સમજાતું નથી. તમારે એનું જે કરવું હોય તે કરો. એણે ગુનો કર્યો હોય તો હું એને છોડાવીશ નહીં. કોઈ ભલા માણસની આટલી હદ સુધી મશ્કરી કરાય ?! નાલાયક, તેરી વજહસે આજ સબકે સામને મેરા સર નીચા હો ગયા. સારે શહેરમેં બાત ફૈલ જાયેંગી કિ આજ પોલિસથાનેમેં …. ! લે જાવ ઉસે ! અલ્લાહ ઐસા બેટા કીસીકો ન દે. ’
હમીદ મિયાંની વાત સાંભળી અત્યાર સુધી ગંભીર રહેલા જિલ્લા પોલિસ અધિકારીએ એક ઈશારો કર્યો, ને ઇન્સ્પેકટર વાઘેલાએ વાતનો દોર હાથમાં લીધો. ‘મિયાં, તમે તો અત્યાર સુધી એમ જ સમજતા હતાં ને કે આવા દીકરા ખુદા બધાને દે. અમજદનો અર્થ છે સારો, મોટો માણસ. હા .. હા .. હા ! જો તમે એમ સમજતા હો કે તમારા દીકરાને લીધે તમારું માથું આજે ફક્રથી ઊંચું થયું છે તો …. તો તમે ….! ને એટલે તો અમે પૂછતાં’તા કે આવડાં ટાબરિયાંમાં ‘આવી’ બુદ્ધિ આવી ક્યાંથી ? તુમને ઉસકો યે કૈસી તહેઝીબ શીખાઈ કી ઇતની છોટી સી જાન … ! ઇસકો ઇસકે કીયેકા ઇનામ મિલેંગા, જરૂર મિલેગા. હમ ઐસે નહીં છોડેંગે. આ બે ય નન્હીં સી જાને કેટલા ય મુસાફરોના જાન …!’
હમીદ મિયાં હવે કશું બોલી શકે એવી સ્થિતિમાં જ નહોતા. ઇન્સ્પેકટર કહેતા રહ્યા, મિયાંની આંખમાંથી એકધારા આંસુ વહેતા રહ્યા ને પોલિસ અધિકારી સહિત સર્વે ખડખડાટ હસી પડ્યા.
હા, ખોટકો બસમાં નહીં, બીજે ક્યાંક હતો. ફારુક-બારુક કોઈ કઈ લેવા આવવાનું જ નહોતું. ચોથું સ્ટેશન આવે એ પહેલાં જ બધાનું ‘છેલ્લું સ્ટેશન’ આવી જવાનું હતું. પેલા થેલામાં કાચનો નહીં પણ મોતનો સામાન હતો ! એમાં ટાઈમ-બોંબ હતો જે એક કલાક પછી ફૂટવાનો હતો. હમીદ મિયાં જેને ભલો માણસ ગણતા હતા, એ કાસમ તો ક્રૂર આતંકવાદી અફઝલનો જમણો હાથ નીકળ્યો. ઉપરી પોલિસ અધિકારી કહી રહ્યા, ‘તમારા જેવા સાચા દેશપ્રેમીઓ પર અમને સૌને નાઝ છે. ઈશ્વર-અલ્લાહ તમને સૌને આવા જ નેક, આબાદ અને ખુશહાલ રાખે. ને હા, એક ખાસ વાત .. અમજદ અને રાજુની જોડી આવા સારાં ‘તોફાન’ કરે તો કરવા દેજો. અભિનંદન. આભાર.’
અમજદ અને રાજુ બે ય હાથમાં હાથ ભેરવી, ટેસથી ચાલી રહ્યા હતા. એમની નાની આંખોમાં બહુ મોટી ચમક ઝલકતી હતી … મલકતી હતી .. આ ‘ અજુ-રાજુ ’ની જોડીએ કંઈકની જોડીને સલામત રાખી હતી .. !
સરનામું : ૧, જલારામ નગર,નરસંગ ટેકરી, હીરો હોન્ડા શો-રૂમ પાછળ, ડો. ગઢવીસાહેબની નજીક, પોરબંદર – 360 575, ભારત
ઈ-મેઈલ : durgeshoza@yahoo.co.in