કર્ણને દ્વારે યાચક આવી, કનકકુંડળ અને કવચની યાચના કરે છે. સાપ કાંચળી ઉતારી વિસરી જાય, તેમ કર્ણ પોતાના દાનેશ્વરીપણાને સિદ્ધ કરે છે. કેટલી સરળ અને સહજ ક્રિયા. તેના મનમાં સહેજ પણ ક્લેશ નથી. મુખ પર સંતોષની લહેરખી પ્રસરી ગઈ છે. યાચકને ખુશ કર્યાનો સંતોષ છે.
કાંઈક એવો જ આનંદ અને સંતોષ અવનિશ આજે પમીના મુખ પર નિહાળી રહ્યો છે. જ્યારે વીસ વર્ષ પૂર્વે, મુંબઈની જાહોજલાલીભર્યું જીવન છોડી, અમેરિકા તેની સાથે આવી હતી. પમી એ કહ્યું, ‘હું મહમદ તઘલખ નથી, જેણે દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી રાજધાની કરી હતી.’
અવનિશે અટ્ટાહાસ્ય કર્યું હતું, ’અરે, તને અને બાળકોને દુનિયા ફરવાનો લહાવો મળશે.’ મોહમયી મુંબઈનો મોહ ત્યજી અવનિશની અભિસારિકા અમેરિકા આવી વસી, મુખમાંથી હરફ ઉચ્ચાર્યા વગર.
આજે આ સંવાદ યાદ આવ્યો ત્યારે સારા બદનમાં એક લખલખું ફરી વળ્યું. અવનિશની હયાતી ન હતી. જાણે અવનિશ તેને નજર સમક્ષ નિહાળી રહ્યો હોય તેવી ભાવના થઈ. મ્હોં પર શરમના શેરડા ફરી વળ્યા. આજે મનોમન નક્કી કરી, બાળકો સમક્ષ પ્રસ્તાવ મૂકવાનો હતો. પ્રત્યાઘાતો કેવા આવશે કાંઈ ખબર નહતી. કર્ણની વાત વારંવાર યાદ આવતી હતી.
ગૌતમ બુદ્ધ પત્ની તથા દીકરાને પલભરમાં ત્યજી નિકળી ગયા હતાં. રાજા જનક વિદેહી કહેવાય છે. રાજપાટ તેમનું હતું. છતાં આસક્તિ ન હતી. પમી આ બધા દૃષ્ટાંતોથી પરિચિત હતી. બસ તેને હવે કશી રોકટોક ન હતી. કામોની ઝંઝાળમાંથી ધીરે ધીરે નિવૃત્તિ લઈને ખુદની ઓળખ કરવી હતી. સાપ કાંચળી ઉતાર્યા પછી તેના તરફ એક નજર પણ નાખતો નથી. પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે.
જીવનનાં બંધનો, માનો તો બંધન છે વરના કશી મહત્ત્વતા ધરાવતાં નથી. હા અમુક પ્રવૃત્તિ જીવનને નિયમિતતા આપે છે પણ તે સિવાયનો રાહ વધુ સરળ છે. નિઃસ્વાથ વૃત્તિથી કરેલાં કર્મો પણ ઘણી વખત નિરાશા આપે તો પછી શા માટે એ કર્મના બંધનમાંથી મુક્તિ ન મેળવવી ? જો કોઈ પણ ઘટમાળ સંતોષ યા આનંદ પ્રદાન ન કરે તો બહેતર છે તેમાંથી મુક્તિ મેળવવી. પાછું વળીને જોવાનું ભૂલી જાવ. ગાજરની પિપૂડી વાગે ત્યાં સુધી વગાડી પછી ચાવી જવી. કોઈ પણ પ્રવૃત્તિ જીવનને રુંધે, વિકાસને બદલે અવરોધે તો પછી કાંચળીની તરહ ત્યજી પ્રસ્થાન કરવું હિતાવહ છે.
તું ભાવે ભજી લે ભગવાન જીવન થોડું રહ્યું.
કદી કરશો ના ખોટું ગુમાન જીવન થોડું રહ્યું
આ દુનિયાનો મોહ જુઠ્ઠો છે. એ જ દુનિયામાં જીવવાનું છે. માણસની અસલિયત પરખાય ત્યારે કદી નારાજ ન થવું. એ તો એમ જ થાય, કહી મન વાળવું. સ્વાર્થ વગરના કર્મના ફળ મીઠાં જ આવશે તેને કોઈ ખાતરી નથી. તેથી તો ‘ગીતા’ વારંવાર કહે છે, કર્મ કરવામાં તારો અધિકાર છે. ફળ પર નહીં. કર્મ ફળ આપ્યા વગર રહેતું નથી પણ કેવું ફળ પામશો તેનો કોઈ ભરોસો નથી. ‘ગીતા’માં ગુરુ ભાળી તેની આજ્ઞા શિરોમાન્ય. નિત્ય અવનવા અનુભવમાંથી પસાર થવું તેનું નામ જીવન. મીઠા યા કડવા અનુભવોને સમતા ભરી દૃષ્ટિથી જોઈ પસાર થવા દેવા.
સાપ કાંચળી ઉતાર્યા પછી કદી પાછું વળી જોતો નથી. કૃષ્ણએ ગોકુળ છોડી મથુરા જવા પ્રયાણ કર્યું. જશોદા માવડી, નંદબાબા, રાધા, મિત્રવૃંદ સઘળાં પળ ભરમાં ત્યજ્યાં. જીવનમાં આવા પ્રસંગો બને છે, બનતા રહેશે. બસ મુસાફરી ચાલુ રાખવી. કશું જ અટકતું નથી. અવનિશના ગયા પછી જિંદગી ચાલે છે. એ તો જ્યારે સંદેશો આવશે ત્યારે પળભર પણ થોભશે નહીં.
કવચ, કનકકુંડળ, કાંચળી એ આના પ્રત્યક્ષ ઉદાહરણ છે. કર્ણ કે એકલવ્ય ક્ષણભર પણ વિચાર કરવા માટે રોકાયા ન હતા. હવે પછી શું ? એ વિચાર યોગ્ય નથી. ————
http://pravinash.wordpress.com/2013/06/06/કાંચળી-કનકકુંડળ-કવચ/