હવામાં છૂરીની ધાર જેવી તીવ્ર ઠંડી હતી, રસ્તા પર એ ઊભી રહે તો વહેરાઈ જ જાય. પણ ભારતીના ઘરમાં હૂંફાળો ગરમાવો હતો. સવારે આંખ ખોલી, પલંગમાં ફિટ કરેલું રીમોટનું બટન દાબ્યું. ઘરમાં ધીમે ધીમે સોનેરી ઉજાસ ફેલાવા લાગ્યો. ઘરમાં જ સૂર્યોદય !
શરીર પરથી રજાઈ ખસી ને ઘડી થઈ ગઈ. બાથરૂમમાં જતાં જ ટૂથપેસ્ટ, ગરમ પાણી તૈયાર. નાહી બહાર નીકળતી કે એને ભાવતી એવા સ્વાદની કૉફી તૈયાર. ગરમ ઘૂંટ ભરતાં એ સોફામાં ગોઠવાઈ કે વૉઈસ-સેન્સરથી સામેની દીવાલ પરની સ્ક્રીનમાં મૅસેજ ફલૅશ થયો : આજે માનો બર્થ ડે હતો, એમને ગમતાં ફૂલોનો બુકે એમને ઘેર પહોંચી જશે. પછી સમાચારોની હેડલાઈન્સ અને મનપસંદ ગીતોની સુરાવલીએ એના મનને તરબતર કરી દીધું. ભારતી જવા માટે તૈયાર થઈ અને દરવાજા પાસે ઊભી રહી. ઘર પર એક નજર કરી. સાચે જ એનું ઘર એનું સ્વર્ગ હતું. સ્વચ્છ, સુંદર અને આધુનિક ઉપકરણોથી સુસજ્જ. સુખની એક છાલક ઊડી અને એ ભીંજાઈ ગઈ.
આવા કીમતી ઘરનું રખોપુંયે ક્યાં કરવાનું હતું ! સ્વ આધારિત અને સ્વયંસંચાલિત. પોતે પોતાનો બોડીગાર્ડ. એ ઘર બંધ કરીને બહાર આવી કે પૉર્ચમાં કાર ઊભી હતી. બફીર્લી વર્ષામાંય કારમાં હીટર ચાલુ થઈ ગયું હતું. કારના નાનકડા સ્ક્રીનનું બટન દાબતાં મૅસેજ ફલૅશ થઈ ગયો : ફલાઈટ સમયસર છે, ચેક ઈન થઈ ગયું છે, કલેક્ટ યોર બોર્ડિંગ પાસ. બોન વોયેજ. ઘેઘૂર વૃક્ષોની લીલેરી ઘટા વચ્ચેથી સરતો જતો રસ્તો, રંગબેરંગી ફૂલોની લચી પડેલી કમાનો, મધુર કલરવ કરતાં પંખીઓ…. ભારતીએ ઊંડો શ્વાસ લઈ સુખને છાતીમાં ભર્યું. ધીસ ઈઝ ઈટ. સ્વર્ગ પૃથ્વી પર ક્યાંય હોય તો આ ક્ષણે એ એની ભૂમિ પર વાસ કરે છે. પોપટની પાંખની જેમ એ સુખને ભરીને મા પાસે જતી હતી. જતાંવેંત મા પાસે પાંખો પહોળી કરીને સુખનો ઢગલો કરી દઈશ. પછી માંડીને કરશે સ્વર્ગની વાત.
ઘસડ ….. ઘસડ ……
ધૂળ ઊડવા માંડી. પ્લૅટફૉર્મ વાળતી બાઈ ઘસડ ઘસડ ઝાડુ કાઢતી ભારતીના પગને સપાટામાં લઈ આગળ જવા લાગી. નાકે રૂમાલ દાબતી, ખાંસતી, ભારતી દૂર જઈને ઊભી રહી. ટ્રૉલી બૅગ કચરામાં ખેંચવાને બદલે ઊંચકી જ લીધી. એના સ્વર્ગમાંથી એ ધડામ દઈને પૃથ્વી પર ફંગોળાઈ ગઈ. રેલવે પ્લૅટફૉર્મ પર ધૂળ, ગંદકી, જાતભાતના અવાજો અને તરેહ તરહેના માણસોની ભારે ભીડ. ફેરિયાઓ, મજૂરો, ભિખારીઓ, ખાવાપીવાના સ્ટોલ પર તળાતાં સમોસાનો ધુમાડો …..
એ ય ધીરિયા …..
કાનસ ઘસાય એવી તીણી ચીસ ભારતીને ભોંકાઈ. સાડલાની પાટલી બે હાથમાં પકડી લફડફફડ દોડતી બાઈ ભારતી સાથે ભટકાઈ દોડી ગઈ. ધીરિયા નામનું ગોબરું છોકરું હાથમાંથી બિસ્કિટનું પૅકેટ પડી જતાં જોર જોરથી રડતું હતું. બિસ્કિટના ભૂકા પર તૂટી પડવા સજ્જ કૂતરાએ તાર સ્વરે ભસવા માંડ્યું. રેલવે પ્લેટફૉર્મ પર ઊભાં ઊભાં ભારતી એના કાળજીપૂર્વક રચેલા સ્વર્ગના સુવર્ણમહેલને તૂટતાં જોઈ રહી. ઈશ્વરે વહાર મોકલી હોય એમ ધસમસતી ટ્રેન આવી પહોંચી. પ્લેટફોર્મ પર ધમાચકડી મચી ગઈ.
ભારતી પાસે એક હૈયાધારણ હતી, એ.સી. વર્ગની રિઝવ ટિકિટ. પરીક્ષા પહેલાં જ લઈ રાખી હતી. કમ્પાર્ટમેન્ટમાં એનો સીટ નંબર શોધી, બારી પાસે બેસતાં શીતળતાથી હાશકારો થઈ ગયો. ગરમી, ઘોંઘાટ પ્લૅટફોર્મ પર રહી ગયાં હતાં. એણે ફૂટપાથ પરથી જૂનાં પુસ્તકો, મૅગેઝીન્સ ફેંદીને ખરીદેલો ‘સાયન્સ ડાયજેસ્ટ’ નો 1993નો અંક પર્સમાંથી કાઢીને અધૂરો લેખ વાંચવા માંડ્યો, 20 વર્ષ પછીની બદલાયેલી દુનિયાનું અદ્દભુત ચિત્ર એમાં હતું. જર્મની, જાપાન વગેરે દેશોમાં સાયન્સના પ્રયોગો ચાલી રહ્યા હતા અને અનેક ઈલેક્ટ્રૉનિક સુવિધાઓવાળું ઘર કેવું હશે તેનું વૈજ્ઞાનિકોએ વર્લ્ડ સાયન્સ કૉન્ગ્રેસની કૉન્ફરન્સમાં જે પેપર રજૂ કર્યું હતું. તે આ અંકમાં છપાયું હતું.
વીસ વર્ષ.
મનુષ્યને અનેક કડાકૂટવાળાં કામોમાંથી મુક્તિ મળશે, એને વધુ સમય મળ્યે એ વધુ પ્રગતિ કરશે, વધુ સર્જનાત્મક કામો કરી શકશે. હી વીલ બી અ બેટર હ્યુમન બીઈંગ. એ સુખી થશે એટલે એનામાં ઉદાત્ત ગુણો ખીલશે…. 1993નો અંક. વીસ વર્ષનો વાયદો, અને આ 2011નું વર્ષ. ભારતીએ હળવો કંપ અનુભવ્યો. આ કોઈ ગપ્પાગોષ્ઠીનો અંક ન હતો. દુનિયાભરના વૈજ્ઞાનિકો એક સ્વપ્નને સાકાર કરવા જે પરિશ્રમ, નિષ્ઠાથી મચી પડ્યા હતા એની પૂરી વિગતો પણ એમાં હતી. એ પોતે પણ આ સુખનો થોડો હિસ્સો જરૂર ખરીદશે. ભારતમાં આવું સાયન્સસિટી ઊભું નહીં થાય તો એ જ્યાં આકાર લેશે ત્યાં જશે. મા માટે. આ સુખ ખરીદી શકે એટલું ભણતર, ડિગ્રીઓ એણે મેળવી હતી. માના પરિશ્રમ…. પરિશ્રમ ? રીતસરની ગધામજૂરીથી.
ભારતીએ અંક સાચવીને મૂક્યો. માને અવનવું વાંચવાનો શોખ. ઘરમાં પણ નાની લાઈબ્રેરી અને લાઈબ્રેરીમાં સભ્ય પણ ખરી. માનું અંગ્રેજી ફર્સ્ટકલાસ. આમ તો ઈન્ટર સુધી ભણેલી, પણ પછી ઘરે ભણી એ બી.એ. થઈ હતી. જ્ઞાનસુધા ટ્યૂશન કલાસથી મા ગામમાં જાણીતી અને પ્રતિષ્ઠિત. માના એ ટ્યૂશનનાં વર્ગોનાં પૈડાં પર તો એમનાં સંસારનો રથ ચાલ્યો. એ હૉસ્ટેલમાં રહીને શહેરની મોંઘી કૉલેજમાં ભણી. બધું માની મહેનત અને સાનસૂધ ને આભારી. નહીં તો એ આજે ગામની ગલીઓમાં રખડતી હોત. પછી નાનકડી નોકરીવાળાનું ઘર માંડીને…… ભારતી ધ્રૂજી ઊઠી. આ વિચાર આવતો, હમણાં હમણાં અવારનવાર ત્યારે એ ડરી જતી. એ કાંઈ કપોળકલ્પના નહોતી. હકીકત બનતાં બનતાં રહી ગયેલી, માની હિંમતથી જ. નહીં તો એને શી ગમ પડત ? એ માત્ર ત્રણ વર્ષની હતી, એમ જુઓ તો 2 વર્ષ 10 મહિના, જ્યારે પપ્પા ઘર છોડીને ચાલી ગયા. ક્યાં ? એની ખબર માને કદી ન પડી. દેશના કોઈ ખૂણે જીવે છે, જેલમાં હતા કે ટ્રેનના પાટા પર કપાઈ ગયા. રહસ્ય જ રહ્યું. માણસ જાતે જ પગલાં ભૂંસીને ચાલી નીકળે એને કઈ રીતે શોધી શકાય ? પપ્પાને એમનાં સ્વજનોએ કે માએ શોધ્યા કે નહીં તેની ભારતીને ખબર ન હતી. એ નાની હતી ત્યારે પપ્પા વિષે પૂછતી, ત્યારે જુદા જુદા અનેક જવાબ મળેલા, પણ સમજણી થઈ ત્યારે જે જવાબ મળ્યો પછી એણે કદી પપ્પા વિષે પૂછ્યું નથી. માએ કહેલું : ‘તારા પપ્પા જુગારનાં છંદે ચડી ગયેલા, ખૂબ પીવા માંડેલું. થઈ શકે તે બધું એ રસ્તેથી વાળવા કરી છૂટેલી, પણ એ કાદવમાં એવા ખૂંપી ગયેલા કે એમનો હાથ મેં છોડી દીધેલો.’ હવે કશું એને જાણવું નહોતું. માએ પતિની ફીંગરપ્રિન્ટ ઘરમાંથી અને જીવનમાંથી એવી ભૂંસી નાંખી હતી કે મા દીકરી બેનો જ સંસાર રચાયો હતો.
ટ્રેનનો ધક્કો વાગ્યો, ગાડીએ પ્લૅટફૉર્મ છોડ્યું અને ગતિ પકડી. ભારતીએ સંતોષથી આંખો બંધ કરી દીધી. આ એની અંતિમ મુસાફરી હતી. વિદ્યાર્થીકાળ, મુગ્ધ વર્ષો, બેફિકરાઈની મસ્તીનો સમય…… બધું પાછળ છૂટતું ગયું હતું. એક અંત, એક આરંભ. જિંદગીનો એક વળાંક અને નવી શરૂઆત. સુખની શોધની. ભારતીની બંધ આંખોમાં અનેક દશ્યો ઊભરાવા લાગ્યાં. મામા સોફામાં બેસી માને સમજાવવા મથી રહ્યા હતા એ પ્રસંગ…..
‘અવંતિકા, ભલેને દારૂડિયો પણ પ્રવીણને સાચવી લીધો હોત તો એના જોઈન્ટ ફેમિલીની પ્રોપર્ટીમાંથી તને હિસ્સો મળત ને ! પણ તું જીદનું પૂતળું ! ના ની ના. એ દુનિયાનો પહેલો પુરુષ હતો જે પત્તાં ટીચે અને પીએ ?’
માની આંખમાં ભડકો થઈ ગયેલો, ‘-એ દુનિયાનો અંતિમ પુરુષ હોય તોય મને ધોળે ધરમેય ન ખપે.’
‘અવંતિકા, માની જા. સંજોગો અવળા હોય ત્યારે વ્યાવહારિક થવાનું. સમજી ?’
‘… હું સંજોગોને સવળા કરીશ.’
‘ઓહો બહુ અભિમાન છે ને કાંઈ ! પહેલેથી જ તારો મરડાટ ભારી. ચાલ, હું આવું સાથે. પ્રવીણનાં બાપુજીને મળશું. આ બચાડી ભારતીને લઈને જાશું એટલે નક્કી દયા આવશે.’
દયા શબ્દે જામગરી ચાંપી હોય એમ માની આંખમાં ભડકો થઈ ગયેલો, ‘દયા ? દયાની ભીખ માગું ? હિંમત કેમ ચાલી તમારી એવું કહેતાં !’
‘ઓહ્હો ! પછી મારી પાસે હાથ લાંબો કરવા…..’
‘…..શટ અપ.’ માએ માત્ર મામાનું નહીં, બધાંનાં જ મોં બંધ કરી દીધાં.
નાનુંસરખું ઘર. એ જ એની મૂડી અને સહારો. ઘરમાં ટ્યૂશન શરૂ કર્યાં. જ્ઞાનસુધાનું બોર્ડ માએ જાતે ખીલીથી ખોડ્યું ત્યારે એ બાજુમાં ઊભી રહી, કૂતુહલથી જોઈ રહેલી. શરૂઆતના દિવસો વસમા હતા. ગામમાં ઘણા કોચિંગ કલાસ હતા, અને ડિગ્રીધારી પ્રોફેસરોના મૅથ્સ, સાયન્સ, ફિઝિક્સના વર્ગોમાં પ્રવેશ માટે મસમોટી ફી ચૂકવીનેય પ્રતીક્ષા યાદી લાંબી હતી. કમ્પ્યૂટર કૉર્સ કરાવનારાઓની તો જબરી માંગ. એમની સામે માએ અંગ્રેજી અને હિંદીના વર્ગો શરૂ કર્યા. માએ સીધી મધદરિયે જ નાવ ઝુકાવી હતી. છૂટાછવાયા વિદ્યાર્થીઓ આવતા. માએ નવી દિશામાં નજર દોડાવી. આજકાલ પ્રકાશકો અંગ્રેજીમાંથી ભાષાંતર કરેલાં પુસ્તકો વધુ પ્રગટ કરતા હતા. એના વાંચન શોખે તેને ભાષાસમૃદ્ધિ આપી હતી. પ્રકાશકો પાસેથી કામ મળવા માંડ્યું. પરીક્ષાના સમયમાં બેવડે દોરે કામ ચાલતું. દિવસે ભાષાના વર્ગો, ઘરકામ, રસોઈ અને સાંજથી મોડી રાત પુસ્તકોનું કામ. એને યાદ હતું – એ માના ખોળામાં સૂઈ જતી અને એની પર પેડ મૂકી લખતી રહેતી.
ઊંઘ ન આવી.
બંધ આંખોમાં, ગાડીની જેમ ઝડપથી દશ્યો પસાર થતાં હતાં. મોડી રાત્રે ટેબલ પર ઝૂકેલી માનો થાકેલો ચહેરો સ્મૃતિમાં લઈ એ ગઈ હતી. અને આજે એ પાછી ફરી રહી હતી. ભારતીના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. બસ, મા. મારી એક જ મનિષા છે. હવે એનો વારો છે. એક જ રટણ છે, સુખ, સુખ. ખોબો ભરીને મોગરાનાં સુગંધી ફૂલોથી માનો પાલવ ભરી દેશે.
સ્ટેશન આવી ગયું.
બેગ લઈ એ ઊતરી.
ઑટોરિક્ષામાં બેસતાં થયું – ઘરમાં જતાંવેંત શું કરવાનું છે ? સૌથી પહેલાં મા એને બાથમાં લઈ લેશે, પૂરણપોળીની સુગંધથી ઘર મઘમઘી ઊઠ્યું હશે. સૌથી પહેલાં માને લઈ જશે સ્પામાં. પછી નવી સાડીનું શોપિંગ. અને માના હાથમાં મૂકશે સાયન્સ ડાયજેસ્ટ, પછી તો આશ્ચર્યથી આંખો પહોળી કરી મા જોઈ રહેશે….. ઑટોરિક્ષા ઊભી રહી. બૅગ લઈ ભારતી પગથિયાં ચડતી ઘર પાસે આવી. ડોરબેલ વગાડવા જતો હાથ થંભી ગયો.
બારણાં પર તાળું હતું.
ઘર બંધ હતું ? ભારતી નવાઈ પામી ગઈ. એ આવવાની હોય ત્યારે બારણાં ખુલ્લાં હોય અને મા સવારથી તેની રાહ જોતી હોય. ક્યાં ગઈ હશે ? લાડકી ભારતીથી વધીને વળી શું કામ હોય કે મા ઘરમાં નથી ? વધુ રાહ ન જોવી પડી.
ઑટોરિક્ષા ઊભી રહી. અવંતિકા ઉતાવળે ઊતરી અને ઘર ખોલ્યું.
‘વેલકમ બેટા.’
ઘરમાં આવી, બૅગ એક તરફ મૂકતાં એ માને વળગી પડી, ‘-એટલાસ્ટ હોમ સ્વીટ હોમ.’
માથી અળગી થતાં એ બોલી પડી, ‘તું ક્યાં ગઈ હતી ?’
‘હોસ્પિટલમાં’
‘…. હોસ્પિટલમાં ?’ માની ઉદાસ આંખો …. ઝાંખો ચહેરો, ઉતાવળે વિંટાળેલી સાડી ….. ચિંતાથી ભારતીએ પૂછ્યું, ‘કોણ છે ત્યાં ? બહુ બીમાર છે ? સમવન કલોઝ ?’
‘હા. આમ નજીક, આમ નહીં.’
‘નજીક પણ છતાં કોઈ નહીં ?’ ભારતી હસી પડી, ‘-કેમ હવે ઉખાણાનાં કલાસ શરૂ કરવા છે, મા ?’
અવંતિકાએ ભારતી સામે જોયું. શું હતું એ આંખમાં ! ભારતી વિચલિત થઈ ગઈ.
‘મારાથી શું છુપાવે છે તું ?’
‘- હું પોતે જ નહોતી જાણતી તો તારાથી શું છુપાવું ? તારા પપ્પા હૉસ્પિટલમાં છે. સિરીયસ છે.’
બૅગમાંથી માની ભાવતી મીઠાઈનું પૅકેટ કાઢી લંબાવેલો હાથ આપોઆપ પાછો ખેંચાઈ ગયો. પપ્પા ? જેની તસવીર પણ કદી જોઈ ન હતી, જે વર્ષો પહેલાં ધગધગતા રણમાં શોષાયેલી નદી પેઠે અદશ્ય થઈ ગયો હતો એ માણસ આમ અચાનક હાડમાંસનાં બનેલા માણસની પેઠે ફરી એમની જિંદગીમાં અનધિકાર પ્રવેશતો હતો !
મીઠાઈ ટેબલ પર મૂકી દીધી. બોલતાં એનો સ્વર તરડાઈ ગયો.
‘- જે આપણને છોડીને ભાગી ગયો તું …. તું …. એને મળવા ગઈ હતી ? તને ક્યાંથી ખબર કે એ જીવે છે અને આ જ હૉસ્પિટલમાં છે ? કે પછી તને પહેલેથી …..’ ભારતીનો સ્વર રૂંધાયેલાં આંસુથી ભીનો થઈ ગયો. અવંતિકા જાણતી હતી ભારતી આવો પ્રશ્ન પૂછશે.
‘હું … મને …. હૉસ્પિટલમાંથી કાલે ફોન આવ્યો હતો, એટલે ….’
‘એટલે તું બબ્બે દિવસથી એ માણસને મળવા હોસ્પિટલ જાય છે ? હાઉ કુડ યુ મા ? જેણે આપણ બન્નેને રઝળાવ્યાં એની પાસે …. તું … ઓહ ગોડ !’ ભારતી બે હાથમાં મોં રાખી રડી પડી, જાણે કશીક કીમતી ચીજ છીનવાઈ ગઈ હોય એવો ઊંડો આઘાત એને લાગ્યો. માની અને એની નીજી દુનિયા. એક એક ઈંટ ગોઠવી કાળજીથી ચણતર કર્યું અને આજે કોઈને અનધિકાર પ્રવેશ આપી માએ જાણે વિશ્વાસઘાત કર્યો હોય એવું લાગ્યું. ‘તેં રીતસર મજૂરી કરી ત્યારે આપણે જીવી શક્યાં. તું દિવસરાત કામ કરતી હતી ત્યારે એ ક્યાં હતો ?’ ભારતીએ સાયન્સ ડાયજેસ્ટ કાઢ્યું, ‘-આમાં એક સુખના પ્રદેશની વાત છે, વિજ્ઞાનનો લેખ છે તોય કોઈને ગપગોળા લાગે. મારું સપનું છે મા, મારું પરિણામ આવતાં મને કૅમ્પસ પ્લેસમેન્ટમાં જ સરસ નોકરી મળશે. બસ, પછી તને ગમતું કામ કરવાનું, વૅકેશનમાં રમણીય જગ્યાઓએ ફરીશું. હું તને સુખ નામનો અલભ્ય પદાર્થ આપવા ઈચ્છું છું. અને તું ….. પેલા …. નાલાયકને …. આઈ કાન્ટ બિલીવ ધીસ.’
અવંતિકાએ ભારતીનો હાથ હાથમાં લીધો, ‘ભારતી, વેદોમાં સાત ડગલાં સાથે ચાલનારને સખા કહ્યા છે. અમે જીવનમાં થોડું સાથે ચાલ્યાં, એકમેકને ખૂબ પ્રેમ કર્યો. તું જન્મી ત્યારે થયું બસ, હવે કશું નથી જોઈતું. પૂર્વ ભવનાં સંચિત પુણ્યની તું ગઠરી. તને કલાકો જોતાં એ ધરાતા ન હતા ….’
‘તું એની તરફદારી કરે છે ? તને ખબર છે તું શું બોલે છે ?’
‘- જાણું છું. એનો સંદેશો આવ્યો ત્યારે ઘણી અવઢવ થઈ. થોડી મધુર સ્મૃિતઓ મારી પાસે સિલકમાં હતી. એના માનમાં હું ગઈ. જીવન અને મૃત્યુની સરહદ પર એ ઊભો છે. શ્વાસ ખૂટવા આવ્યા છે, ગમે ત્યારે એ સરહદ વળોટી અગોચર પ્રદેશમાં પાંખો ફફડાવી ઊડી જશે. ભૂલોનો હિસાબકિતાબ તો ક્યારનો પૂરો થઈ ગયો હતો. સંબંધોની રેશમગાંઠ પણ ક્યારની તૂટી ગઈ હતી.’
‘તો ?’
‘એક મનુષ્યની મનુષ્યને છેલ્લી વિદાય, ભારતી. થોડાં ડગલાં સાથે ચાલ્યાંનો સખાધર્મ. અજાણ્યા પ્રદેશમાં જવાના ભય વખતે એકાદ કોમળ સ્પર્શ, મધુર સ્મિત તારા જેવી સમજુ સુંદર પુત્રીની ભેટ આપવા બદલ આભારવશ મેં તેની સાથે થોડો સમય ગાળ્યો, એ કોઈ મોટો અપરાધ છે ?’ મા-દીકરી હાથ પકડી થોડો સમય મૌન રહ્યાં. અવંતિકાની આંખમાંથી ચૂપચાપ આંસુ સરતાં રહ્યાં. ભારતીએ અવંતિકાના પાલવથી આંસુ લૂછ્યાં.
‘સૉરી મા. મેં તને દૂભવી. હું તો તને ખૂબ ખૂબ સુખ આપવા ઈચ્છું અને …. આ ઘટના …..’ વાક્ય કેમ પૂરું કરવું એને સૂઝયું નહીં. અવંતિકાએ સ્નેહથી દીકરીને માથે હાથ ફેરવ્યો. મા પર શંકા કરી, એનો જીવ દુભાયો એથી ભારતી ઉદાસ થઈ ગઈ.
‘… સુખ ખૂબ છીછરું હોય છે બેટા, દુઃખ જીવનને ઊંડાણ આપે છે, અર્થ આપે છે. ચાલ કહે જોઉં, તારા વિજ્ઞાને ખૂબ પ્રગતિ કરી છે ને ! કેટકેટલાં સાધનો બનાવ્યાં !’ અવંતિકાએ ધીમુ હસતાં ભારતીના ગાલ પર સરી પડેલું આંસુ આંગળીને ટેરવે ઝીલી લઈ ભારતી સામે ધર્યું, ‘… વિજ્ઞાન આંસુનાં મોતીનું એક જલબિંદુ બનાવી શકશે ! તું માનશે જે ઘટના તને દુઃખદ લાગે છે, એ જ ઘટનાથી હું જાણે નવે અવતારે આવી હોઉં એવું મને લાગે છે.’ ભારતીએ માની છાતી પર માથું ઢાળી લીધું.
["અખંડ આનંદ" દીપોત્સવી અંક : ઓક્ટોબર-2011માંથી સાભાર.]
સૌજન્ય : http://www.readgujarati.com/2011/10/13/moti-bindu/