થીજી ગયેલા કોઈ અતિ વિદ્વાન સાહિત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી. વિચારકેન્દ્રી બેઠકોમાં લોકરંજન ન હોય તે યોગ્ય છે, પરંતુ એમાં વક્તા તરફથી ઠલવાતાં ક્લષ્ટિ વાક્યોનો આતંકવાદ પણ અક્ષમ્ય ગણાવો જોઈએ. વિવેચકોને પણ નિર્જીવ અને દુર્બોધ લખાણો કે પ્રવચનો માથે મારવાનો અધિકાર નથી.
કોઈ માને કે ન માને, પરંતુ કવિતા બે પ્રકારની હોય છે : જીવતી કવિતા અને મરેલી કવિતા. જીવતી કવિતા એટલે એવી કવિતા, જે વાચનારને ઝંકૃત કરે. મરેલી કવિતા એટલે એવી કવિતા, જે વાંચનારને ઊર્મિની એક લહેરખી પણ ન પહોંચાડે. મરેલી કવિતાને ગુજરાતી પાઠયપુસ્તકોમાં સહેલાઈથી સ્થાન મળે છે. એ જ વાત મરેલા ગદ્યને પણ લાગુ પડે છે. પાઠયપુસ્તકની રચનામાં નિર્જીવ સાહિત્યકાર હોવું, એ પૂર્વશરત ગણાય.
આ તર્ક આગળ ચલાવીએ તો સાહિત્યકારો પણ બે પ્રકારના હોય છે : ચેતનવંતા અને થીજી ગયેલા. કેટલાક સાહિત્યકારો તો બ. ક. ઠાકોર સુધી આવીને ત્યાં જ અટકી ગયા છે. આવા કેટલાક સાહિત્યકારોનું વિશ્વદર્શન ગુજરાતની સરહદ વટાવી શકતું નથી.
ઉમદા અપવાદો જરૂર છે. આ વાત ન સમજાય તો ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં જઈ પહોંચવું તા. ૨૧-૧૨-૨૦૦૭ને દિવસે ગાંધીનગરમાં પરિષદનું ૪૪મું અધિવેશન અતિથિવિશેષ તરીકે મારા પ્રવચનથી શરૂ થયેલું. ત્યાં યજમાન હતા સહસ્ત્રબાહુ એવા કૃષ્ણકાંત જહા. તેઓ યોગ્ય રીતે વક્તાને જાળવી જાણે છે. આદરણીય મોરારિબાપુની કથામાં સૌથી મહત્ત્વનું સ્થાન કોનું? બાપુ સિવાય બીજા કોનું? કોઈ પણ પ્રવચનમાં મુખ્ય વક્તા કરતાં ય મહત્ત્વનું સ્થાન અન્ય કોઈનું ન જ હોઈ શકે. જે આયોજકો આટલું ય ન સમજે, તેઓ પોતાના માનવસંબંધો જાળવવા માટે વક્તાને વાપરે છે અને મંચ પર ૬-૭ ખુરસીઓ અન્ય (ખપ લાગે તેવા) અર્ધ મૂર્ખો માટે ગોઠવે છે.
થીજી ગયેલા સાહિત્યકારોને આ વાત ન ખૂંચે કારણ કે તેઓ ત્યાં કોઈ પણ જાતના પુરસ્કાર વિના પહેરેલે કપડે થોડાક વહેલા ગોઠવાઈ ગયા હોય છે. સસ્તું ભાડું અને સાહિત્યજગતની યાત્રા ગાંધીનગરના અધિવેશનમાં જતી વખતે મનોમન સંકલ્પ કર્યો હતો કે બધી જ બેઠકોમાં બધો સમય બેસવું અને જ્ઞાનવૃદ્ધિ કરવી. બીજે દિવસે એક બેઠક બે કલાક ચાલી તેમાં પ્રથમ વક્તાએ જ પ્રથમ કલાક (પ્લસ) વેડફી માર્યો. વચ્ચે વચ્ચે એ ગુનેગાર વિદ્વાને અધ્યક્ષને કહ્યું : 'સમય થાય ત્યારે મને રોકજો.’ બીજા બે વક્તાઓની આંખોમાં ખીલે બાંધેલી ગાયની આંખોમાં હોય એવી લાચારી હતી. અધ્યક્ષ બે વાર બોલ્યા, પ્રારંભે અને અંતે. ટૂંકમાં પેલા બે દયનીય-માનનીય-શ્રવણીય વક્તાઓને ભાગે ૧૦-૧૦ મિનિટ માંડ આવી પ્રથમ ગુનેગાર વક્તાનું પ્રવચન લંબાયે ગયું, લંબાયે ગયું અને કંટાળાના વેરાન રણમાં જઇને લુપ્ત થયું બેઠકના (ગુનેગાર) અધ્યક્ષ અવિદ્વાન ન હતા, પરંતુ સામે ટેબલ પર પડેલી ઘડિયાળના પ્રખર શત્રુ હતા.
સભામાં કેટલાં ય યુવક-યુવતીઓ બેઠાં હતાં. તેઓને મારે ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરવી છે : આવા થીજી ગયેલા કોઈ અતિ વિદ્વાન સાહિત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી. વિચારકેન્દ્રી બેઠકોમાં લોકરંજન ન હોય તે યોગ્ય છે, પરંતુ એમાં વક્તા તરફથી ઠલવાતાં ક્લષ્ટિ વાક્યોનો આતંકવાદ પણ અક્ષમ્ય ગણાવો જોઈએ. વિવેચકોને પણ નિર્જીવ અને દુર્બોધ લખાણો કે પ્રવચનો માથે મારવાનો અધિકાર નથી. જો તમને ક્યાંક સ્મિતથી શોભતો અને છિદ્રાન્વેષણની પરપીડનવૃત્તિથી મુક્ત એવા મહાન વિવેચક મળી જાય તો એમને વંદન કરજો. આ તક વારંવાર નહીં મળે. ચીમળાઈ ગયેલી પર્સનાલિટી ધરાવનાર વિવેચક લોકોને શા માટે ગમે? અંગત અનુભવ કહું? મારા પર વાચકો અને ભાવકો(fans)ના પત્રો અને ટેલિફોન આવે તેમાં સૌથી મોટો હિસ્સો સૌરાષ્ટ્રનો જ કેમ હોય છે? મને આ પ્રશ્નનો જવાબ જડયો છે.
સૌરાષ્ટ્રના લોકો પ્રમાણમાં વધારે responsive (પ્રતિસાદપ્રિય) છે કારણ કે સૌરાષ્ટ્ર ખરા અર્થમાં 'હૃદયપ્રદેશ’ છે. આવો હૃદયપ્રદેશ દુનિયામાં કદાચ એક જ છે : સ્કોટલેન્ડ. સૌરાષ્ટ્ર તરફથી આપણને 'જીવતા’ કવિઓ મળ્યા : કલાપી, મેઘાણી, બોટાદકર, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, અનિલ જોષી, જવાહર બક્ષી (જૂનાગઢના મૂળ) વિનોદ જોશી ઇત્યાદિ ઇત્યાદિ. સૌરાષ્ટ્રની ધરતીના કણકણમાં પડેલી સહજ સહૃદયતા અને અઢળક ઊર્મિશીલતાનો હું કેટલો મોટો પ્રશંસક છું એનો ખરો ખ્યાલ કેવળ મને જ છે. મેઘાણીભાઈ બીજે ક્યાં પાકે? કલાપી ૨૬ વર્ષની ઉંમરે ગયા બાકી તો …
આવું લખતી વખતે મારું મન એકાએક વારાણસી પહોંચી ગયું ત્યાંના સાહિત્યકાર સદ્દગત ભારતેન્દુ હરિશ્ચંદ્ર ૩૪ વર્ષની નાની ઉંમરે ૧૮૮પમાં મૃત્યુ પામ્યા. તેઓ નાની ઉંમરે પણ ગદ્યમાં, પદ્યમાં અને નાટયલેખનમાં અમૂલ્ય વારસો છોડતા ગયા. તેઓ બ્રાહ્મણ નહીં અગ્રવાલ વણિક હતા. (આ ચોખવટ એટલા માટે કરવી પડી કે એમની અટક બ્રાહ્મણની હોય એવી છાપ પડે છે.) વર્ષો પહેલાં એમણે માતૃભાષાની હિમાયત માટે એક કવિતા લખી હતી. કેવું પીડાકારક? બરાબર યાદ છે. આપણા પ્રિય હાસ્ય અભિનેતા જ્હોની વોકરે એક વાર ટીવી પર કહેલું : 'અબ સમાચારમેં હિન્દી સુનીએ.’ માતૃભાષાના પ્રચાર માટે પણ ગુજરાતમાં વંદનાયાત્રા કાઢવી પડે અંગ્રેજી તો ભણવું જ જોઈએ. હા, ગુજરાતીઓ સામે પ્રશ્ન એટલો જ કે 'ચામડી કરતાં ય વસ્ત્રનું મહત્ત્વ વધારે? હવે ભારતેન્દુ હરિશ્ચંદ્રની ૧૨૯ વર્ષ પહેલાં લખાયેલી પંક્તિઓનો અનુવાદ હિંમત હોય તો પાંચ ઊંડા શ્વાસ લઇને વાંચો :
પ્રગતિ પોતાની માતૃભાષામાં રહેલી છે.
બધી પ્રગતિનો પાયો માતૃભાષા છે.
તમારી પોતાની ભાષા
જાણ્યા વિના તો
હૃદયની પીડાનો કોઇ ઉપાય નથી.
(સબા નક્વીએ કરેલા અંગ્રેજી અનુવાદનો ગુજરાતી અનુવાદ)
માતૃભાષાના માધ્યમની અને ઉત્તમ કક્ષાના અંગ્રેજીની વકીલાત કરતો કરતો સ્મિત જાળવીને જીવતો હોઉં ત્યારે એક એવી આબોહવા ગુજરાતમાં તૈયાર થવાની છે, જેમાં પ્રાઇવેટ અને મોંઘીદાટ સ્કૂલોમાં પણ ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં ભણાવાશે અને બાકીના બધા વિષયો માતૃભાષામાં ભણાવાશે. આવું સમાધાન જરૂરી છે. માનશો? પ્રાઇવેટ ભવ્ય નિશાળોમાં ગુજરાતી પણ ગુજરાતીમાં ભણાવાશે. લોકો સિન્થેટિક અને નિર્જીવ માધ્યમથી કંટાળશે. કંટાળામાં ક્રાંતિ આણવાની અપાર શક્યતા પડેલી છે. માણસ જ્યારે જ્યારે કંટાળે છે ત્યારે ત્યારે વિચારે છે અને ખૂબ કંટાળે ત્યારે ખૂબ વિચારે છે.
અખબારોની કોલમો પણ એ પ્રકારની હોય છે : જીવતી અને નિર્જીવ. ચંદ્રકાંત બક્ષીની કોલમ 'જીવતી’ કોલમના નમૂના જેવી હતી. તેઓ ઘરે દીકરી રિવા સાથે મળવા આવ્યા ત્યારે મીઠાઈનું મોટું બોક્સ લઇને આવેલા. ઝાંપા આગળ ઊભા રહીને મને કહ્યું : 'બોસ, આપણે બે જ વંચાઈએ છીએ’ મેં કહ્યું : 'બક્ષીબાબુ આવું તમે બીજા કોઈ લેખકને પણ કહ્યું નથી ને?’ અંગ્રેજીમાં જે કોલમ લેખકો મને ગમે તેની યાદી ટૂંકી છે : વિનોદ મહેતા, સબા નકવી, મરિયાના બાબર (પાકિસ્તાન), નિરજા ચૌધરી અને તવલીન સિંઘ. ખુશવંત સિંઘ મને ખૂબ ગમતા કારણ કે એમનાં લખાણોમાં મને નિખાલસતાના ફુવારાનો અનુભવ થતો. તેઓ સત્યવાદી ન હતા, નિખાલસતાવાદી જરૂર હતા.
વિનોદ મહેતાની શૈલીમાં એક મજેનું તુફાન જોવા મળે છે. તંત્રી પોતે જ પોતાને, 'સોનિયા ગાંધીનો ચમચો’ કહીને ફજેત કરે? એમણે સાચી વાત કહેવામાં સોનિયાજીની શરમ નથી રાખી એ પણ નોંધવું જોઈએ. વિનોદ મહેતા પોતે જ પોતાની જાતને 'સ્યૂડો સેક્યુલર’ કહીને ભાંડી શકે છે. વળી અંગત વાત કરવામાં કોઈ જ સંકોચ નહીં પ્રથમ પુરુષ એક વચનમાં લખવું એ જો ગુનો હોય, તો મહાત્મા ગાંધીની 'આત્મકથા’ પર પ્રતિબંધ મૂકવો પડે. મહાત્મા ગાંધીના ગદ્યમાં 'હું, મને, મારું’ કેટલી વાર આવે? જે મહાત્મા પોતાની જાતને પ્રજા સમક્ષ ખુલ્લી કરવા માગે તે બીજું શું કરે? શું જે સાહિત્યકારો 'અમે’ લખે કે પ્રથમ પુરુષ એકવચનથી ગભરાઈને બચતા રહે, તે બધા સાવ અહંકારમુક્ત થઈ જાય કે? મહાત્માની 'આત્મકથા’ તો આત્મવિકાસની વાર્તા છે. ખુશવંત સિંહ ઊઘડતા રહ્યા, ઊઘડતા રહ્યા અને લોકોનાં હૃદય સુધી પહોંચ્યા.
વિનોદ મહેતા તો પોતાના પાળેલા કૂતરા વિષે પણ “Outlook”માં નિરાંતે લખે છે. કૂતરાનું નામ શું? ‘Editor’ !થીજી ગયેલા સાહિત્યકારોને આવી નિખાલસતા કદી પોસાય ખરી? એક સામયિકના તંત્રી ગણતરીપૂર્વક એર્વોડ સમારંભ ગોઠવે અને એમાં ગુજરાતી સાહિત્યકારોને પણ બોલાવે. એક જણે એમને પૂછ્યું : 'ફલાણા સાહિત્યકાર તમારું આમંત્રણ સ્વીકારીને દૂરથી આવશે ખરા? તંત્રીએ કહ્યું : 'હમણાં જ એક ફોન કરું, તો તેઓ ચંપલ પહેર્યા વિના અહીં વડોદરા દોડી આવે. બોલો ફોન કરું?’ મારે વારંવાર એક જ વાત કહેવી છે. સાહિત્યકારોને સસ્તા થવાનો અધિકાર નથી. સાહિત્યકારને લવ-અફેરની માવજત કરવાનો અધિકાર છે, પરંતુ કોઈ નારીની મુગ્ધતાનો ગેરલાભ લેવાનો અધિકાર નથી. સાહિત્યકારને તગડો પુરસ્કાર લેવાનો અને પૂરતી સગવડ સાથે પ્રવચન કરવા માટે પ્રવાસ કરવાનો અધિકાર છે, પરંતુ પૂરતી તૈયારી કર્યા વિના, લઘરવઘર વસ્ત્રોમાં સભાસ્થળે જઈને ત્યાં ઉદારતાની ઉઘરાણી માટે યજમાનની ખોટી પ્રશંસા કરવાનો અધિકાર નથી. થીજી ગયેલા સાહિત્યકારોના પ્રવચનથી બચવું એ સુજ્ઞ શ્રોતાઓનો કર્ણસિદ્ધ અધિકાર છે. ગુજરાતીઓ ક્યારે જાગશે?’
પાઘડીનો વળ છેડે
વિનોદ મહેતાએ છેલ્લા અંકમાં છેલ્લે પાને જે 'દિલ્હી ડાયરી’ લખી તેમાં પ્રથમ આઠ લીટીમાં જ (માત્ર) પાંચ વાર ‘I’ આવે છે. પ્લીઝ ચેક. એ ‘I’ કોઇને ન કઠે તેવો નિર્મળ છે.
(“Outlook”, ૨૧ July ૨૦૧૪, પાન-૭૪)
Blog:http://gunvantshah.wordpress.com
સૌજન્ય : ‘સન્નડે પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 અૉગસ્ટ 2014