આદરણીય રઘુવીરભાઈ, મનસુખભાઈ, સંજય અને વાર્તાકારમિત્રો :
બહુ જ પ્રસન્ન થવાય એવી વાતો છે. એટલો સરસ યોગ છે કે મને એવું લાગે છે કે આપણે કોઈ અમેરિકન યુનિવર્સિટીના હૉલમાં બેઠાં હોઈએ. અને બીજો મોટો યોગ એ છે કે રઘુવીરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને દર્શક ફાઉન્ડેશનને કારણે, મનસુખભાઈ, (સદ્ગત) દર્શક પણ ‘ઉપસ્થિત’ છે એમ માનું છું. આપણી ભાષાના એ બે મહાન કથાસ્વામી અને “સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ”-નો આ ઉપક્રમ, એનો આ ૫૦-મો શિબિર, આ બધું સંયોજન આનન્દદાયક છે.
૫૦-મો શિબિર છે એટલે મને થોડી મૂળથી વાત કરવાનું મન થાય છે. ૯૦-૯૧માં, રઘુવીરભાઈ, આની સ્થાપના કરી અને ત્યારે ચિન્તા એ હતી કે સુરેશ જોષી તો સંસ્થાઓમાં માનતા ન્હૉતા ને આપણે સંસ્થા ઊભી કરી રહ્યા છે કે શું કરી રહ્યા છે. અમે એ ચાર-પાંચ મિત્રોએ નક્કી કર્યું કે એને સંસ્થાનું રૂપ નહીં આપીએ, એને ‘અ કાઇન્ડ ઑફ ઇન્ફૉર્મલ સંગઠન’ રાખીશું, સમજો કે ‘સુજોસાફો’ એવું એક, નામનું માત્ર પાટિયું. આ સંગઠનમાં કોઈ પ્રમુખ નથી, મન્ત્રી નથી, હું સંયોજક છું એટલું કહી શકાય.
‘સુજોસાફો’માં સંજય ચૌધરીનો જે પ્રવેશ થયો એ વાત જાણવા જેવી છે. સંજય ચૌહાણ નામના એક વાર્તાકારમિત્ર છે, એમના નામને બદલે, રાજેન્દ્ર પટેલે એ શિબિરમાં આવવા માટે સંજય ચૌધરી નામ લખી દીધેલું. સંજય મને કહે, હવે શું કરું? મેં કહેલું, સરસ વાત છે, એથી રૂડું શું ! તે દિવસથી સંજય સુજોસાફો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. બધું જ મૅનેજમૅન્ટ કરે અને આજે આ શિબિર પણ યોજ્યો છે. એટલે, આપણે સૌએ સંજયનો આભાર માનવો જોઈશે.
એટલે, વાત એવી હતી કે સંસ્થા કરીશું પણ કશા વાવટા નહીં ફરકાવીએ, ઇન્શ્ટીટ્યુશનલ પોલિટિક્સ જેને કહીએ છીએ, સંસ્થાકીય રાજકારણ, તેને અંદર નહીં આવવા દઈએ, અને, માત્ર સાહિત્યપદાર્થનું જ ધ્યાન રાખીશું. આવી માનસિકતાને કારણે, પહેલાં તો ત્રણ પરિ સંવાદ કર્યા : સૌથી પહેલો પરિ સંવાદ નીતિન મહેતાની યુનિવર્સિટીમાં, બૉમ્બે યુનિવર્સિટીમાં, કર્યો, “સર્જકતા” વિશે. અઘરો વિષય ! પણ જરૂરી. બીજા બે પરિ સંવાદ કર્યા અમદાવાદમાં; એકનો વિષય હતો, ‘માય કન્સેપ્ટ ઑફ આર્ટ’ – ‘કળાને વિશેની મારી વિભાવના’. બીજો બે-દિવસીય શિબિર કરેલો, પ્રથમ આધુનિક કવિ બૉદ્લેર વિશે. બધા જ ઉત્તમ અને જાણીતા વક્તાઓ હતા.
અમે અમારા ભાષા-સાહિત્ય ભવનમાં ચા-પાણી માટે બેસીએ એ હૉલમાં હસી-મજાક પણ બહુ ચાલે. એક-બે જણે હસતાં હસતાં કહ્યું, સુજોસાફોમાં નિ રંજન ભગત ન આવે. મેં કહ્યું, શું કામ ન આવે? તો કહે, ન આવે ! મેં બીજે દિવસે સવારે નિ રંજનભાઈને ફોન કર્યો ને કહ્યું કે મારા કેટલાક મિત્રોનું માનવું છે કે સુજોસાફોમાં તમે ન આવો, જ્યારે મારું માનવું છે કે બૉદ્લેર વિશે પરિ સંવાદ ગુજરાતમાં કે ભારતમાં ક્યાં ય પણ હોય ત્યાં નિ રંજન ભગત હોય હોય ને હોય જ. હવે, એમણે જે શબ્દ વાપરેલો તે હું આ સભામાં નથી વાપરી શકતો, કહે કે એ બધા તો … છે ! હું જરૂર આવીશ. મને કહે – સુરેશભાઈ કંઈ મારા દુશ્મન થોડા છે ! હું જરૂર આવીશ, મારે લન્ડન જવાનું છે એટલે વ્યાખ્યાન કરીને નીકળી જઈશ. આવ્યા, અને સરસ વ્યાખ્યાન આપ્યું. એ પરિસંવાદ બહુ સારો થયો, એ વ્યાખ્યાનોની નૉધો પણ થઈ છે, જો કે એનું પુસ્તક નથી થઈ શક્યું.
આ ત્રણ ગમ્ભીર અને અઘરા કહી શકાય એવા વિષયના પરિસંવાદ હતા. પણ વાતાવરણ જેમ જેમ બદલાતું ગયું, અને વાતાવરણ બદલાય છે તેમ તેમ એની અસર આપણા પર પણ પડતી હોય છે, તે અમારા પર પણ પડી. અમને સમજાયું કે સારા વક્તાઓ નથી મળતા, મળે છે, તો શ્રોતાઓ નથી મળતા. એ પરથી મને વિચાર આવ્યો કે સુરેશભાઈને બહુ જ પસંદ છે એ વસ્તુ ટૂંકીવાર્તા, એનું આપણે કંઈક કેમ ન કરીએ ! એટલે મેં મારા મિત્ર મણિલાલ હ. પટેલ સાથે વાત કરી. તો મણિલાલ કહે કે કંઈક કરીએ, તમે વિચારો શું કરી શકાય. મેં કહ્યું – આપણે વર્કશોપ કરીએ જ્યાં વાર્તા લખવાનું શીખી શકાય; ભાષણો નહીં કરવાનાં, બધાંએ વાર્તા લઈને જ આવવાનું અને ચર્ચાઓ કરવાની, કેમ કે, મનસુખભાઈ, સુરેશ જોષીનો એક એવો પણ કન્સેપ્ટ હતો કે – યુનિવર્સિટી વિધાઉટ વૉલ્સ, હોવી જોઈએ.
દીવાલો વિનાની યુનિવર્સિટી કેવી હોઈ શકે? સંસ્થાઓ વિનાની ચર્ચાઓ કેવી હોઈ શકે? કૉલેજોમાં વ્યાખ્યાનો કે પરિસંવાદો થાય તે સિવાયનું શું થઈ શકે? તો આ વસ્તુ, કે મૌલિક વાર્તાઓ અને દરેક વાર્તાની અન્ય વાર્તાકારો દ્વારા ભરપૂર ચર્ચાઓ.
એનાં મૂળ આમ હતાં —ચન્દ્રકાન્ત ટોપીવાળા અને હું એ વર્ષોમાં નસીબજોગે પ્રિન્સિપાલ હતા. તે અમદાવાદ આવવાનું થતું’તું, મીટિન્ગોમાં; રાધેશ્યામ શર્માને ત્યાં ઊતરીએ. અમે દરેકે જે લખ્યું હોય એ વાંચવાનું અને એની ચર્ચાઓ કરવાની. રાતના બે-બે વાગી જતા, એમની અગાશીમાં, મોઓટ્ટી અગાશી હતી. તો એ બધું હતું મારા મનમાં કે જો આવં કંઈક કરીએ જેમાં રૂ-બ-રૂ થઈ શકાય, સાહિત્યપદાર્થની રૂ-બ-રૂ થઈ શકાય, સમજણની આપ-લે થઈ શકે, મર્યાદાઓની આપ-લે થઇ શકે. તો ઘણું સારું કામ થાય.
તો એવો પ્હૅલ્લો શિબિર કર્યો દાંતીવાડાના સણાલીમાં; ત્યાં પણ અમારો કોઈ સ્ટુડન્ટ જ હતો, હું નામ ભૂલી ગયો છું, વરસો થઈ ગયાં. પછી તો અમે ખડસલી અને એવી બધી જગ્યાઓએ ગયા છીએ, દર્શક ફાઉન્ડેશનને આનન્દ થાય એવી જગ્યાઓએ ગયા છીએ, કે જેનાં નામો મને યાદ નથી, સાવરકૂંડલા ગયા છીએ, નિમન્ત્રણપત્રમાં તમામ શિબિરસ્થળોનું હું હમેશાં મોટું લિસ્ટ આપતો હોઉં છું.
એવો કોઈ ઉપક્રમ રાખ્યો નહીં કે આમ જ હોવું જોઈશે ને તેમ જ હોવું જોઈશે. શરૂઆતમાં મિત્રો પૂછે, રઘુવીરભાઈ, કે અમારે સુરેશ જોષીના જેવી વાર્તા લખવી પડશે -? મેં કહેલું કે ના ભઈ, તમારે વાર્તા જ લખવાની, વાર્તા લઈને આવવાનું, બીજું કંઈ જ નહીં કરવાનું. કેટલાક મિત્રો આવીને ચાલ્યા ગયા કેમ કે કહેવાયું કે – અહીં તો બહુ કડક ટીકાઓ થાય છે, શું મળવાનું આપણને…? તો હું એને સુજોસાફોની સિદ્ધિ ગણું છું. સિદ્ધિ એ રીતે કે એ લોકો સમજી ગયા કે આપણાથી સારી વાર્તા નહીં લખી શકાય, લખતા પણ બંધ થઈ ગયા. તો એ પણ એક સારી વસ્તુ છે ને … આમાં અમે કોરું વિવેચન નથી કરતા, વિેવેચકને પણ આવવા દઈએ છીએ, કોઈને પણ આવવા દઈએ છીએ, પણ એણે વાર્તા લઈને આવવું જોઈશે. જો સિદ્ધાન્તો અને શાસ્ત્રોની ચર્ચાઓ કરવા ભેગા થવાનું હોય, તો એનો કોઈ મતલબ નથી. કૃતિ અને કૃતિની જ વાત; અને સૌની જાતે લખાયેલી, મૌલિક, અપ્રકાશિત વગેરે તો શરતો કરી છે, ઠીક છે; પણ ચર્ચા કરે છે કોણ? વાર્તાકારો ! વાર્તાકારો જ ચર્ચા કરે છે, સર્જકો જ ચર્ચા કરે છે. સર્જકો દ્વારા થતું આ જે વિવેચન છે કે સમીક્ષા છે, એને હું પહેલું સ્થાન આપીશ, પછી શાસ્ત્રકારો અને પછી સિદ્ધાન્તકારો …
સુરેશ જોષી સૌ પહેલાં મોટા સહૃદય હતા. એમણે એટલું બધું વાચ્યું, એમણે કલાનો એટલો બધો અનુભવ મેળવ્યો, જેમાંથી એમનું વિવેચન પ્રગટ્યું. નો ડાઉટ, બહુ સારા વિવેચકો પાસે પણ ગયા છે, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરમ્પરા, પશ્ચિમની પરમ્પરા, બધું એમને આત્મસાત્ હતું, પણ મૂળમાં, એમની જમીનમાં, જો કંઈ હોય, તો તે હતો સ્વાનુભવ, કલાનો અનુભવ. (દરમ્યાન ચા-નાસ્તો આવી ગયેલાં, સંજય પૂછે – પીરસાવી દઉં? મે કહ્યું – હા, અફકોર્સ, જરૂર.) એટલે એવી પણ કલ્પના સુરેશભાઈ કરતા કે ચર્ચાઓ દરમ્યાન જમતા હોઈએ, ખાતા-પીતા હોઈએ, સંજયે પૂછ્યું એટલે મને યાદ આવ્યું. આપણે લોકો ફૉર્માલિટીમાં ક્યાં સુધી રહીશું? આપણે સાહિત્યકારજીવો થઈને કેમ મુક્ત નથી? સંસ્થાઓ આપણને બાંધે છે, સંસ્થાઓ સાહિત્યપદાર્થનું સંસ્થાકરણ કરી નાખે છે, વગેરે બધી એમની વિચારસરણી હતી – એમાં માનીએ ન માનીએ એ જુદી વાત છે …
બટ, હી હૅડ અ પૉઇન્ટ ! ઇન્સ્ટિટ્યુટ ઑફ લિટરેચર અને ઇન્સ્ટિટ્યુશનાલિઝેશન ઑફ લિટરેચર, એ બેમાં ફેર છે. સાહિત્યની એક સંસ્થા તરીકેની સ્થાપના પણ્ડિત યુગમાં થઈ, રઘુવીરભાઈ, સાહિત્યની કોઈપણ વિધા તમે લાવો, એના ઉપક્રમ થયા છે પણ્ડિત યુગમાં, નહિતર આપણે સાહિત્યમાં ન પ્રવેશી શક્યા હોત. નર્મદનો કે એ લોકોનો એ જમાનો હતો જેમાં તેઓ બધા જોડાયેલા હતા સમાજ સાથે. ‘લલિતા દુ:ખદર્શક’ નાટકથી કરવું’તું શું? – લલિતા નામની વિધવાને જે દુ:ખ પડ્યાં છે એ અમે તમને દર્શાવીએ છીએ. એમને ચિન્તા સમાજની હતી. પણ સાહિત્યની ચિન્તા પણ્ડિત યુગે કરી છે. નવલકથા આવી, ટૂંકીવાર્તા આવી, ઊર્મિકાવ્યો આવ્યાં, શોકપ્રશસ્તિ કાવ્યો આવ્યાં. શું નથી આવ્યું? ભાષાવિજ્ઞાન આવ્યું, આખો ઇતિહાસ તમે જુઓ પણ્ડિત યુગનો, સમૃદ્ધ ઇતિહાસ છે; એને હું એ મૂલ્ય આપ્યું છે કે એણે સાહિત્યની સંસ્થાની સ્થાપના કરી આપી ગુજરાતી ભાષામાં. સંસ્થાકરણ જુદી વસ્તુ છે…
તો આવા બધા વિચારો કોઈ-ને-કોઈ કારણે સંયોજાયા, ને આ સંગઠન આગળ વધી શક્યું. અને દીવાથી દીવો પ્રગટોત’તો, કોઈને કહેવું ન્હૉતું પડતું. જેમ કે આ સભામાં બધા મિત્રો બેઠા છે અને કોઈના મનમાં ઊગે કે – શિબિર મારે ત્યાં કરાવું; અને પછી જઈને વાત કરે ને પેલા ભાઈ હા પડે, મને ફોન કરે, પૂછે, ને હું હા પાડું. અને અમે પ્હૉંચી જઈએ. બધા વાર્તાકારોએ સ્વખર્ચે આવવું એમ રાખ્યું છે. કેમ કે એ ખર્ચ સંસ્થા પર નહીં નાખવાનું. જો કે આપણે મહેમાન થયા તો સંસ્થાએ, ખવડાવવું તો જોઈએ. તે બધા પ્રેમથી ખવડાવે. બધું સરસ જ થાય. જો કે એક જગ્યાએ તો અમને નીચે બેસાડી દીધા’તા. પતરાળાં ને એવું બધું હતું ને પતરાળામાં માત્ર વાનગીઓ જ આવે એવું નહીં, કણ પણ આવે ને તે ધૂળના ય હોય. પણ એ બધાંનો આનન્દ હતો. નળસરોવર ગયા ત્યારે એવું થયેલું પણ ત્યાં આપણો ભાઈ જયુ સરસ વાર્તા લખી શક્યો, ‘રાજકપૂરનો ટાપુ’.
એવા તો ઘણા પ્રસંગો છે કે ઉત્તમ વાર્તાઓ અહીં જ સરજાઈ છે, અલબત્ત, પોતે સરજીને લાવ્યો હોય, એની પોતાની જ વસ્તુ કહેવાય. પણ નક્કી એ હોય કે ટીકાટપ્પણી કરવા માટે જ ભેગા થવાનું છે, વખાણ કરવા માટે નહીં. અને વખાણ નથી કરવાં એવું પણ નથી, સરસ પ્રશંસાઓ થઈ છે, અને ટીકા સહન કરવાની તાકાત પણ કેળવાઈ છે, અને બધાં મિત્ર પણ થયાં છે. કદાચ બીજા કોઇ કારણે મૈત્રી થઈ જ નથી, મને એવું પણ લાગે ઘણી વાર. આપણા શેખે, ગુલામમોહોમ્મદ શેખે, એક વાર્તા લખેલી, ‘ચા ચેવડો ને ચુમ્બન’, કોઈ બહુ જૂના જમાનામાં. તો, આપણે કંઈ ચા ચેવડો ને ચુમ્બનની રીતે ભેગા નથી થયાં, આપણે ભેગા થયાં છીએ વાર્તા અને વાર્તામાં પણ કલાનું જે સૌન્દર્ય છે અને રસનો જે આન્નદ છે, એને માટે ભેગાં થયાં છીએ. કોઇને અહીં એવું કહેવામાં નથી આવતું કે આ પ્રમાણે લખતો થઈ જા, આવો થઈ જા, તું તારા જેવો જ રહે એવો આગ્રહ રાખવામાં આવે છે. સિદ્ધાન્તોની ચર્ચા નથી કરતા પણ પદાર્થની જ ચર્ચા કરીએ છીએ, પદાર્થ કયો, તો કે કલા, તો કલાનું સૌન્દર્ય કેવી રીતે નિર્મિત થાય છે, ટૂંકીવાર્તાના પ્રકારમાં; એટલે ધ્યાન કલાના સૌન્દર્ય વિશે છે, કે કઈ જગ્યાએ વાર્તામાં ઝોલ પડી ગયો, કઈ જગ્યાએ વાર્તા વગર કારણે દીર્ઘ થઈ ગઈ, લાંબી થઈ ગઈ, કઈ જગ્યાએ પાત્ર આવી રીતે ઝાંખું પડી ગયું છે, કઈ જગ્યાએ લેખક રાચે છે, ‘રાચવું’ ક્રિયાપદ મને બહુ ગમી ગયું, ચર્ચાઓમાં; અને હું પરેશને કહેતો – પરેશ યુ આર ઇન્ડલ્જિન્ગ ઇન ઇટ. તો પરેશ કહે, ના હું ઇન્ડલ્જ નથી કરતો, મારા પાત્રને એની બહુ જરૂર છે. પણ આપણે, રઘુવીરભાઈ, આપણે લખનારાઓ, રાચતા હોઈએ છીએ, આપણી કલમ ચાલી જાય છે અને આપણને સંયમ નથી રહેતો; તો એ બધી વસ્તુઓની ખબર પડવા માંડી સામસામે બેઠા એટલે, નહીં તો ન પડત. તન્ત્રીઓને ક્યાં પડે છે? તન્ત્રીઓ તો સામયિક લઈને બેઠા છે એટલે એમને તો છાપવું જ પડશે ! છાપવું એ એમની જરૂરિયાત છે.
હવે, ચર્ચાઓ નથી થતી, પત્રચર્ચાઓનો એક જમાનો હતો, અહીં ચર્ચાઓ થાય છે. આ બધો ઉપક્રમ રચાયો અને એનાથી બહુ જ સારું થયું અને ૫૦-મા શિબિર સુધી પ્હૉંચી શકાયું. હમણાં છાયા મને રસ્તામાં કહેતી’તી કે તમે અહીં હોત તો આપણે પંચોતેર સુધી પ્હૉંચી ગયા હોત. મેં કહ્યું કે આંકડાનું કોઈ મહત્ત્વ નથી, અને આમે ય મહત્ત્વ છે, નથી એમ નથી. આપણને ગમે છે પચાસ થયાં તે, એમાં શરમાવાનું શું કરવા? અને એમાં ખોટી શરમ પણ શું કરવા ભરવાની? વિદેશની વાર્તાઓને પણ શિબિરમાં યોજવી અને એવો એક ત્રણ દિવસનો શિબિર કરેલો, અને ત્યારે તેમ હમેશાં અમારી પાસે બે પ્રખર ચર્ચાકારો હતા અમારી પાસે, પરેશ નાયક અને અજિત ઠાકોર. હું પણ ચર્ચાઓ બહુ કરતો. મારી વાર્તાની પણ ચર્ચા થતી, કહેવાતું કે લાંબી લાગે છે; હું કહેતો એ લાંબી નથી, દીર્ઘ છે. કોઈ બે બાય ચારનું કૅન્વાસ વાપરે છે, હું ચાર બાય આઠનું વાપરું છું ! વાંધો શો છે?
રઘુવીરભાઈ, બહુ સાચી વાત તમે કરી કે આને, ટૂંકીવાર્તાને, કદ સાથે કશી લેવાદેવા છે જ નહીં. સંવેદન છે, મનુષ્ય છે, પાત્ર છે, પરિસ્થતિ છે, એને જેટલું ચાલવું હોય એ ચાલે ! અલબત્ત્ ઓછાં પાત્રો છે એટલે પરિસ્થિતિ ટૂંકી જ હોવાની. ચૅખવે આટલી નાની પણ લખી છે, મોટી પણ લખી છે, અને છતાં એ ટૂંકી વાર્તાઓ જ છે. અન્તે ચોટ હોવી જોઈએ એમ કહેવામાં આવ્યું, પણ અન્તે ચોટ ન પણ આવે – એ પણ એક પ્રકારની ચોટ જ છે. વાર્તા ટૂંકી હોવા છતાં વાચકના કે ભાવકના ચિત્તમાં આગળ ચાલે છે, એની વ્યંજના, એનો વિસ્તાર; એ જો તમે કહ્યું એ સિદ્ધ કરી શકાય, તો હું એને મોટી સફળતા ગણું છું. ટૂંકીવાર્તાની સફળતા જ આ છે !
આનું જે વાતાવરણ બને છે અને આ બે દિવસ દરમ્યાન જે વાતાવરણ રચાશે તેનો ઘણો મહિમા છે. સર્જકતાને જો કશ્શાની જરૂર હોય તો ક્રીએટિવ ઍટમોસ્ફીયરની છે, બીજા નમ્બરમાં જરૂર છે તે ક્રિટિકલ ઍટમોસ્ફીયરની. તમે, મનસુખભાઈ, બહુ સરસ વાત કરી કે મોટામાં મોટા લેખને પણ પ્રતિભાવની જરૂર હોય છે. કેમ કે સરજ્યું છે તો બીજાને માટે, બીજા મનુષ્યને માટે સરજ્યું છે. આપણે વાત કરનારું પ્રાણી છીએ, વાર્તા સાથે આપણો સમ્બન્ધ છે, આપણે વાત કર્યા વિના રહી શકતા જ નથી, વાતો કરીએ છીએ ત્યારે વાર્તા રચાઈ જ જાય છે, આપોઆપ. સાહિત્યધરાના મેં ત્રણ ઉપખણ્ડ કલ્પ્યા છે – ઊર્મિકવિતા, કથાકવિતા, નાટ્યકવિતા. ત્રણે ત્રણ રોજે રોજ બને છે. સવારમાં ઊર્મિ હોય છે, બપોરે કથા હોય છે, રાતે નાટક રચાય છે. તો, જીવનની સાથે જોડાયેલું આ તત્ત્વ છે, એની આપણે કલા કરવી છે અને કલા કરવી છે એટલે શું કરવું છે એટલું જ વિચારવાનું છે. એનાં શાસ્ત્રો અપાર છે, એના સિદ્ધાન્તો અપાર છે, એની ના નથી, પણ જો એની સમજ નથી, તો કશ્શું થઈ શકે નહીં.
મને લાગે છે મેં ઘણી વાતો કરી. રઘુવીરભાઈની વાતોથી ટૂંકીવાર્તાના ઇતિહાસની લગીર ઝાંખી થઈ. વી શૂડ નૉટ ફરગેટ વૉટ ઈઝ ધ હિસ્ટરી. બાકી, ખબર નહીં પડે કે તમારાથી સારું કે ખરાબ લોકો લખી ગયા છે. યુ આર સપોઝ્ડ ટુ નો ઇટ ! તમે એની દરકાર જ ન રાખો એ તો કેમ ચાલે? અને, જો કે માત્ર મહાનને જ વાંચો, ઘાસફુસમાં પડવાનું જ નહીં. બાકી, કેટલું બધું લખાય છે? માણસને તમે લખતો નહીં રોકી શકો, જેને લખતાં આવડે છે. એને કેવી રીતે લખવું કેવી રીતે નહીં એ જુદી વાત છે, બાકી લખવું અને સરજવું એ માણસ માટે પાયાની વસ્તુ છે; એ વ્યક્ત થયા વિના રહી શકતો નથી. તો આપણે એવી વ્યક્તિ માટે, અભિવ્યક્તિ માટે, ભેગાં થયાં છીએ, એનો મને તેમ તમને સૌને આનન્દ છે.
હવે, શિબિરનો ઉપક્રમ શરૂ કરીશું. આભાર.
(06/23/23 to 07/08/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર