“બહુ એકલવાયું લાગે….!” — વિનોદ જોશી
ઝાડ એકલું અમથું અમથું જાગે,
બહુ એકલવાયું લાગે ….
પવન પાંદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,
બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;
બંધ પોપચાં મીઠ્ઠાં શમણાં માગે,
બહુ એકલવાયું લાગે ….
દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,
હડી કાઢતી હવા ડાળ પર બેસી ટહુકા આંજે;
એક લ્હેરખી ઊંડા તળને તાગે,
બહુ એકલવાયું લાગે ….
અંધારાને અભણ આગિયા પાડે પછી ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;
રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
બહુ એકલવાયું લાગે ….
કવિ ગીતનો ઉઘાડ કરતાં કહે છે; “ઝાડ એકલું અમથું જાગે” – અને તરત પછી કહે છે કે “બહુ એકલવાયું લાગે.” અહીં કવિ જે ખુલ્લા શબ્દોમાં નથી કહેતા એ અર્થો તો શબ્દચિત્ર થકી ભાવકના મનમાં ઘર કરી જાય છે. એક ઝાડ, એક હસ્તી, સાવ એકલાં એકલાં, કોઈ પણ સંગી કે સાથી વિના બસ, ઊભું રહે અને અમસ્તાં, અમસ્તાં જાગતું રહે છે! નીરવ એકલતા હોય ત્યાં ઊંઘ પણ કેવી? આવી સ્થિતિમાં શું રાત કે શું દિવસ, બસ, આમ જ જાગતા રહેવું, એ જ એનું નસીબ બની જાય છે. આવા ઝાડ પર ન તો હવે ફળ આવવાનાં છે, ન તો ફૂલ ખિલવાનાં છે. અરે, ઝાડની પાંખી, જીવહીન લાગતી છાયામાં હવે ભર બપોરે પણ કોઈ થાક ખાવાયે બેસવાનું નથી. જીવનના આવા મુકામ પર કોઈને કંઈ પણ કહેવાનું હોતું નથી, કોઈ માટે કંઈ પણ કરવાનું નથી, હવે કોઈ આવવાનુંયે નથી, અરે, કોઈની વિદાય વખતની વેદના પણ નથી કે કોઈની રાહ પણ જોવાની નથી. જીવિત છતાં ચેતનહીન અવસ્થા છે, એટલે હવે થાકનું નામનિશાન પણ નથી. થાક ઊતારવા માટે ઊંઘની હવે જરૂર પણ નથી. કદાચ, ઉંમરના તકાજાને લીધે પણ નિદ્રા ઓછી થઈ છે!
Philip Larakin, (An English Poet) કહે છે કે “All Solitude is Selfish.” – એકાંતમાં રહેવું એ એક સ્વાર્થીપણું છે. એમ કહેવાય છે કે એકલાં હોવું એ “By Choice” – એટલે કે સ્વયં પસંદ કરેલી અથવા “Induced by Circumsatances” – એટલે કે સંજોગો દ્વારા થયેલી Phenomena – ઘટના છે. એકલવાયાં હોવું કે બની જવું એ Organically – નૈસર્ગિક રીતે ઝાડ પરથી પાંદડાં ખરી જાય એવી ઘટના છે. એક પછી એક, સંબંધો ખરતાં જાય છે. એનાં કારણો શોધવા બેસવાની હવે હામ નથી રહી. અને અજાણતાં જ એકલવાયાપણાના વર્તુળમાં કેદ થઈને રહી જવાય છે. આ જ વાત, કવિ સાવ સીધી-સાદી લાગતી પણ ધારદાર, અણિયાળી પંક્તિમાં મૂકી દે છે જે, તીરની જેમ વાચકના દિલમાં ખૂંપે છે; “બહુ એકલવાયું લાગે!” આ એકલવાયાપણું હયાતીને અંદરથી લાગે છે? કે, પછી જોનારને એકલું, અટૂલું, કોઈનાયે સાથ વિનાનું એવું અસ્તિત્વ એકલવાયું લાગે છે? આ એકલવાયા પડી જવાની પ્રક્રિયાને આટલું કહીને કવિ અબોલ ને આંધળા મોડ પર મૂકી દે છે અને એ જ આ ગીતનું કુંવારું સૌંદર્ય છે. નિવૃત્તિની રંગહીનતા શેષ જીવનને આવરી લે છે. “સાથી ન કોઈ મંઝિલ, દીયા હૈ ન કોઈ મહેફિલ ..” એવા આ અંધ મોડ પરથી આગળ જવું તોયે ક્યાં અને કોને માટે?
કાળચક્ર તો ચાલે જ છે, સતત. પણ, છતાંયે ક્યારેક એવું લાગે છે કે સમય થંભી ગયો છે. સવાર, બપોર, સાંજ બધું જ સ્થિર, સાવ સ્થિતપ્રજ્ઞ. સવારનો પવન જરાક પાંદડું હલાવે ત્યારે જ લાગે કે ઝાડ હજી જીવંત છે. જીવનની આવી પ્રતિતી કરવી કે થવી, એ બેઉ અવસ્થા, પરાણે જીવતી કે જાગતી રહેતી નિષ્ક્રિયતાનું અંતિમ છે.
વૃદ્ધ થયેલા ઝાડની સૂની પડી ગયેલી બખોલમાં – ઘરમાં – હવે વસે છે વાંઝણો ખાલીપો. આ બખોલમાં એક વખત એવો પણ હતો કે અનેક પક્ષીઓ રેનબસેરા કરતાં હતાં. આજે એ સમય છે કે બપોર પોતે પણ આ બખોલમાં સૂનકાર ઓઢીને સૂઈ જાય છે અને આ ભેંકાર ખાલીપણામાં સપનામાં પણ સપનાં આવતાં નથી. કારણ, શમણાં આવવા માટે પણ કંઈક બનવું જરૂરી છે. અહીં સવાર, બપોર, સાંજ ને રાત, સહુમાં એક સાતત્ય છે અને એ છે દરેક અવસ્થામાં છલકાઈ રહેલું એકાંતના કામળામાંથી ડોકિયા કરતું એકલવાયાપણું! એક વખત એવો હતો કે સવારનો ઊગતો સૂરજ જેમ ખંતથી, દિવસે તડકાનું ઓરણ ઓરીને, કાર્યશીલતાનો સંદેશ લઈને વિશ્વ સમસ્તમાં ઘૂમીને, અંતે થાકીને ખીણની બખોલમાં રાતવાસો કરવા થાકીને ઢળી પડે, એવી જ ગતિથી જિંદગીની ઘટમાળમાં જીવન પણ દિનરાત ધબકતું રહેતું અને ઢળતા સૂરજની સાથે અસ્તિત્વના કણેકણમાં ધબકતું આ જીવન પણ દિવસભરની દોડધામથી થાકીને વિસામાની ક્ષણોને મ્હાલતાં વિરામ લેતું. બરાબર એ રીતે કે જેમ અચાનક, સતત રવાનીમાં વહેતી રહેતી હવા પોરો ખાવા થોડા વખત માટે ઝાડની ડાળી પર થંભીને એના પર કલરવ કરતાં પંછીઓના ટહુકાને માણે! આ એ જ બખોલ-ઘરનો વિસામો છે કે જ્યાં સાંજ પડતાં, આમાં થતી ચહેલપહેલને નવા ધબકારે ધબકતી રાખવા કોઈ ને કોઈ આગંતુકો પણ આવી ચઢતાં. ત્યારે ઊગતા-આથમતાં સૂરજની સાક્ષીએ પાંગરી રહેલા જીવનની ગતિમયતાની એ ‘ચઢતી જવાની’ હતી. હવે જિંદગીની સાંજ થઈ ગઈ છે. બધું જ સ્થિર, સાવ સ્થિર થતું જાય છે. હવાના ઝોંકાની જેમ આવનારાંઓ આજે હવે આ બાજુ રસ્તો ભૂલીને પણ આવતાં નથી. પણ, હવાની એકાદી લ્હેરખીની જેમ, કોઈક ભૂલાયેલી, વિસરાયેલી યાદોના વાયરા અચાનક વાય છે અને અંતરના એકલવાયાપણાંનો સર્વે કરીને એકલવાયાપણાં પર કાયદેસરની મ્હોર મારી જાય છે. દિવસભરના થાકને ઊતારતી રાતના અંધારાનું રેશમ, આડેધડ ભમતા સ્મરણોના આગિયા ‘તેજસ’ ન્હોરથી ખરબચડું થાય છે. અને ત્યાર પછી જિંદગી “ગૌરીવ્રતનું જાગરણ” બની જાય છે.
“પુનર્પિ જન્મમ્, પુનર્પિ મરણમ્”નું ચક્ર તો અવિરત આ બ્રહ્માંડમાં ચાલ્યા જ કરે છે. આ એકલા પડવું, અને એકલવાયાપણું સહેવું શું એ જ જીવમાત્રની નિયતિ છે? એના ઉત્તરો શોધવાનું કામ કવિ તો વાચકો પર જ છોડી દે છે. આ ગીતમાં જીવનની નશ્વરતા છે, સચ્ચાઈ છે કે પછી જિંદગીની કડવી હકીકત છે એનું પિષ્ટપેષણ પણ કવિ નથી કરતાં. “બહુ એકલવાયું લાગે!” એવું કવિ તો માત્ર નિદાન કરે છે અને એનો ઈલાજ કેવી રીતે કરવો એને જીવવાવાળાની સમજ પર છોડી દે છે.
આ ગીતમાં ન તો ઉપદેશ છે, કે, ન તો કોઈ પર જજમેન્ટ કોલ છે. બસ, માત્ર એક વરવી અને કડવી વાસ્તવિકતા પર કવિ ધ્યાન દોરીને, કવિતાના ભાવકોને ઢંઢોળવાનું કામ કરીને કવિકર્મની પરમ પૂર્તિ કરે છે. કવિશ્રી વિનોદભાઈ જોશીની આ ધરખમ કલમને સો સો સલામ!
ક્લોઝ–અપ
“The Loneliness One Dare Not Sound” માંથી બે કાવ્યખંડ
“The Horror not to be surveyed—
But skirted in the Dark—
With Consciousness suspended—
And Being under Lock—
I fear me this—is Loneliness—
The Maker of the soul
Its Caverns and its Corridors
Illuminate—or seal—”
— Emily Dickinson
“એકલતા અવાજ કરવાની હિંમત નથી કરતી” – ભાવાનુવાદ – જયશ્રી મરચંટ
“એકલવાયાપણાંની ભયાનકતાનો તો વળી સર્વે કેવો?
એ તો અંધારામાં ‘સ્કર્ટેડ’ – આવરણ હેઠળ રહે ..
સભાનતાને સાવ ખીંટીએ ટાંગી દઈને
અને હયાતીને તાળું મારી દઈને!
મને મારાથી ડર લાગે છે – આ જ તો ભેંકાર એકલવાયાપણું છે –
હે આત્માના નિર્માતા, વિધાતા
કાં તો આત્માની ગુફાઓને અને તેના કોરિડોરને
પ્રકાશિત કરો – અથવા કાયમ માટે સીલબંધ કરી દો ..!”
– એમિલી ડિકિન્સન
19 જુલાઈ 2022
e.mail : jayumerchant@gmail.com