આનંદયાત્રા: ‘ગુર્જરી ડાયજેસ્ટ’નાં પચીસ વર્ષ / સં. કિશોર દેસાઈ. મુખ્ય વિક્રેતા રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ. ૧ આવૃત્તિ, ૨૦૧૨. ૩૫ + ૫૯૩ પાનાં, રૂ. ૨૦૦
નારીવાદી સાહિત્ય અને દલિત સાહિત્ય પછી આપણી ભાષામાં આગળ આવેલી ત્રીજી ધારા તે વિદેશવાસી લેખકોના સાહિત્યની ધારા, જેને માટે સાચી-ખોટી રીતે ‘ડાયસ્પોરા સાહિત્ય’ સંજ્ઞા રૂઢ થતી જાય છે. આ ત્રણે નવી ધારાઓને પહેલાં તો સ્થાપિત સાહિત્યના સર્જકો-વિવેચકોની અવગણનાનો, અને પછી ઉપહાસનો સામનો કરવો પડ્યો. પણ પછી આપબળે – અને થોડી આપકળે – તેમનો સ્વીકાર થયો. અમેરિકાવાસી ગુજરાતીઓનાં લખાણો પ્રગટ કરવા માટે ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રિમાસિક પ્રગટ થાય છે. સહેલું નહીં એવું આ કામ કિશોર દેસાઈ છેલ્લાં પચ્ચીસ વર્ષથી કરતા રહ્યા છે. અહીંનાં સામયિકોના સંપાદકોને પણ સતત એક સરખી ઊંચી ગુણવત્તાવાળાં લખાણો મેળવવામાં મુશ્કેલી પડે છે, અને તેમણે બાંધછોડ કરવી પડે છે. તો અમેરિકામાં રહીને આવું સામયિક પ્રગટ કરવાનું તો વધારે મુશ્કેલ હોય. પણ એવી મુશ્કેલીઓ વટાવીને જ્યારે ગુર્જરી ડાયજેસ્ટે પચ્ચીસ વર્ષ પૂરાં કર્યાં ત્યારે તેના બધા અંકોમાંથી ચૂંટેલાં લખાણો પુસ્તકરૂપે પ્રગટ થયાં છે. ‘આનંદયાત્રા’ નામના આ પુસ્તકનાં ૫૯૩ પાનાંમાં આ સામયિકમાંથી સારવેલું નવનીત મળી રહે છે. સામયિકનું સંપાદન ભલે એક હાથે થતું હોય, પણ પુસ્તક અંગે એક સારી વાત એ થઈ છે કે કિશોરભાઈએ સંપાદનના કાર્યમાં બીજાઓનો સાથ પણ લીધો છે. વાર્તા વિભાગમાં રજની પી. શાહ અને હરનિશ જાનીનો, કવિતા વિભાગમાં નવીન શાહ અને પન્ના નાયકનો, નિબંધ વિભાગમાં અશોક વિદ્વાંસ, નિયતિ પંડ્યા, નીતા દવે, અને જયંત મહેતાનો સાથ-સહકાર લીધો છે. અલબત્ત, છેવટની પસંદગીમાં પોતાનો અવાજ રાખ્યો છે. પહેલા વિભાગમાં ૩૬ વાર્તાઓ છે. કવિતા વિભાગમાં સૌથી વધુ કૃતિઓ છે – બાવન ગીત-ગઝલ, સાત છંદોબદ્ધ કાવ્યો, ૩૨ અછાંદસ કાવ્યો, અને નવ હાઈકુ/મુક્તક. નિબંધ વિભાગમાં ૩૧ લખાણો છે, જેમાંના કેટલાક નિબંધો છે તો કેટલાક લેખો છે. આ ઉપરાંત ‘અભ્યાસીલેખો’ એવા મથાળા નીચે છપાયેલા આઠ લેખોમાં ઉમાશંકર જોશી, ધવલ મહેતા, નિરંજન ભગત, અને રઘુવીર ચૌધરી જેવા વિદેશવાસી નહીં તેવા લેખકોના લેખો પણ સમાવ્યા છે. છેલ્લા ‘પ્રતિભાવ વિભાગ’ માટેની પસંદગી કિશોર દેસાઈ ઉપરાંત મનુ નાયક અને શૈલેશ દેસાઈએ કરી છે. તેમાં પણ વિદેશવાસી નહીં એવા પંદરેક લેખકોનાં લખાણો જોવા મળે છે.
આખું પુસ્તક વાંચતાં પહેલી વાત એ ધ્યાનમાં આવે છે કે વિદેશમાં વસવાટ કરતા હોવા છતાં એકંદરે આ લેખકોનાં લખાણોનાં પોત અને ભાત સ્વદેશવાસી લેખકોનાં લખાણોનાં પોત અને ભાત કરતાં બહુ જૂદાં નથી. ગીત, ગઝલ, અછાંદસ કવિતાની જેમ સ્વદેશમાં અતિરેકી બોલબાલા છે તેમ ત્યાં પણ છે. વાર્તાને નામે કિસ્સાઓને હુલાવીફુલાવીને રજૂ કરવાનું વલણ ત્યાં પણ જોવા મળે છે. અહીંના ઘણા લેખકો જેમ સ્વેચ્છાએ પાછળ છોડેલા ગામડાનાં ગુણગાન ગાવામાંથી ઊંચા આવતા નથી તેમ આ લેખકો સ્વેચ્છાએ પાછળ છોડેલા દેશનાં ગુણગાન ગાવામાંથી ઊંચા આવતા નથી. મોટે ભાગે આ લેખકો અમેરિકન જીવનથી અળગા રહે છે અને પોતાના ન્યાત-જાતના વાડાઓમાં જ સલામતી શોધે છે એટલે અમેરિકન જીવનનો હાડોહાડનો અનુભવ તેમના લખાણોમાં ભાગ્યે જ જોવા મળે છે. તેવું જ ભાષાનું.
આટલાં બધાં વર્ષોના અંકોમાંથી પસંદગી કરતાં નડેલી પાનાંની મર્યાદાનો પુસ્તકમાં એક કરતાં વધારે વાર ઉલ્લેખ થયો છે. આખું પુસ્તક વાંચ્યા પછી લાગે છે કે ધાર્યું હોત તો આ સંપાદનને વધારે ચુસ્ત બનાવી શકાયું હોત. પહેલું તો, અનુવાદિત વાર્તાઓ અને કાવ્યો લેવાનું ટાળી શકાયું હોત. બીજું, એક વિભાગમાં એક લેખકની એક કરતાં વધારે કૃતિ ન જ લેવી એવું ધોરણ અપનાવી શકાયું હોત. ભલભલાં સંપાદનોમાં આમ કરવું પડતું હોય જ છે. ‘અભ્યાસીલેખો’ વિભાગમાં સ્વદેશવાસી ચાર લેખકોના લેખો સમાવવાનો મોહ ટાળી શકાયો હોત – અલબત્ત એમ કરવા જતાં સાહિત્યનાં ચાર મોટાં માથાંનાં નામ પુસ્તકમાંથી બાદ થયાં હોત. છેલ્લા ‘પ્રતિભાવ વિભાગ’ને સમાવવા વિષે તો ફરીથી વિચારણા કરવા જેવું હતું. કંઈ નહીં તો તેમાંથી પણ સ્વદેશવાસી લેખકોનાં અભિનંદન કે શુભેચ્છાના સંદેશા જેવાં લખાણો દૂર રાખી શકાયાં હોત. કોઈ સામયિક પચ્ચીસ વર્ષનો વિશેષાંક કાઢે ત્યારે તેમાં આવી બધી સામગ્રી સમાવવી પડે. પણ જ્યારે કાયમી મૂલ્ય ધરાવતું પુસ્તક તૈયાર કરવાનું હોય ત્યારે આવું કેટલુંક ભારે હૈયે પણ જતું કરવું પડે. સંપાદકીયમાં જણાવ્યું છે કે પચ્ચીસ વર્ષમાં પ્રગટ થયેલાં લખાણોની સૂચિનાં જ ૧૨૫ પાનાં થયાં છે. આ સૂચિ પણ પ્રગટ કરવાનું વિચારી શકાય. પુસ્તકનું મુદ્રણ અને નિર્માણ સ્વચ્છ અને સુઘડ છે.
(સૌજન્ય : 'અક્ષરની અારાધના', "ગુજરાતમિત્ર", 13 મે 2013)
e.mail : deepakbmehta@gmail.com