સ્મરણો દરિયાપારનાં : લેખક : જયંત પંડ્યા (સંપાદન : નંદિની ત્રિવેદી) : નવભારત સાહિત્ય મંદિર, 134, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ – 400 002 : પ્રથમ આવૃત્તિ – 2010 : પૃ. 190 : મૂલ્ય – રૂ. 130
પૂર્વભૂમિકા :
છેલ્લા ચાર-પાંચ દાયકાઓથી, ખાસ કરી, પૂર્વ આફ્રિકાથી બ્રિટનમાં આવી સ્થાપી થયેલા અને વિવિધ સમાજ કે શિક્ષણ ક્ષેત્રે ગણના પાત્ર સિદ્ધિ સાથે સેવા-પ્રવૃત્ત રહેતા એવા ‘વીસ’ ગુજરાતીઓના (જયંત પંડ્યા લિખિત) સંક્ષિપ્ત જીવન રેખા-ચિત્રો, ઇ.સ. 2010માં, નવભારત સાહિત્ય મંદિર મુંબઈ દ્વારા પ્રકાશિત ‘સ્મરણો દરિયાપારનાં" પુસ્તકમાં ઉજાગર થયાં છે.
જેમ પૂર્વ આફ્રિકામાં ગુજરાતના સાહિત્ય-સર્જક લેખકો-કવિઓ સાથે આપણું પ્રસંગોપાત આદાન-પ્રદાન રહેતું, તેમ અહીં બ્રિટનમાં પણ, (ખાસ કરી, સન 1972માં થયેલા એશિયનોના નિષ્કાસન [exodus] બાદ) તેમની સાથે સંપર્ક ચાલુ રહ્યો છે. ગુજરાતી સાહિત્ય અકાદમીની, ભાનુશંકર ઓઘવજી વ્યાસના અધ્યક્ષપદે લેસ્ટર(નર્મદનગર)માં યોજાયેલી દ્વિતીય ભાષા-સાહિત્ય-પરિષદ ટાણે (27-28-29 મે, 1985) આમંત્રિત મહેમાનો તરીકે ગુજરાતથી પધારેલા ત્યાંની સાહિત્ય-પરિષદના તે સમયના પ્રમુખ મનુભાઈ પંચોળી (દર્શક) અને મંત્રી રઘુવીર ચૌધરીની હાજરી પોરસાવનારી હતી.
આ પ્રસંગ નિમિતે તેમના બ્રિટનના એકાદ માસના રોકાણ દરમ્યાન, પૂર્વ આફ્રિકાથી અત્રે આવી વસેલા અનેક ભાષા-પ્રેમી સાહિત્ય-રસિયાઓ સાથેની વિવિધ નગરોમાં તેમની વ્યક્તિગત ઓળખાણો કે મુલાકાતોથી પ્રભાવિત થતાં આપણાં વિશે વધુ જાણવાની રસવૃત્તિ અને કુતૂહલ તે દિવસોથી તેમને જાગ્રત થયાં હશે એમ માની શકાય.
અલબત્ત સન 1972ના યુગાન્ડા-વસાહતી-ઉચ્છેદની આછેરી ઝલક, ત્યારબાદ છેક સાતેક વર્ષે સન 1979માં પ્રકાશિત, અને ભાનુશંકર વ્યાસ દ્વારા સંપાદિત, 135 પાન પર પથરાયેલા નાનકડા પુસ્તક 'ધરતીના ખપ્પરમાં આભ' રૂપે પ્રકટ થઈ જ હતી. આ પુસ્તકમાં કૌટુંબિક ફરજો બજાવવા ઉપરાંત Pearl of Africa ગણાતા અને સદાય લીલાછમ રહેતા યુગાન્ડાના મૂળ આફ્રિકન વતનીઓના લાભાર્થે, બ્રિટિશ રાજ્ય દરમિયાન તેમ જ સન 1962માં દેશે પ્રાપ્ત કરેલી આઝાદી બાદ પણ બે દસકા સુધી આપણી વસાહતે નિસ્વાર્થભાવે કરેલી સેવા-તર્પણનું એક વિરલ ઐતિહાસિક શબ્દ-ચિત્ર અંકિત થયું છે, આ પુસ્તકના નવ લેખકો, જાણે અજાણ્યે સાહિત્ય સર્જન દ્વારા કોમી ભેદભાવ વિના સમાજનું ઘડતર કરનારા પ્રતિષ્ઠિત પત્રકાર-લેખકો અને ગુરૂવર્ય મોભીઓ હતા અને પુસ્તકના બે પ્રાસ્તાવિક લેખોમાં, પહેલો લેખ (પાનખરની યે હવા) બળવંત નાયકે અને બીજો લેખ (કરવટ બદલે કાળ!) ટી.પી. સૂચકે લખેલો છે. ત્યાર બાદ આઠ લેખકોએ પોતપોતાના લેખોમાં પરદેશોમાં અનાદિ કાળથી ભટકતી, આથડતી કે સ્થિર થતી એશિયન વસાહતોના (ખાસ ગુજરાતી) ભારતીય પુરુષાર્થ, ખમીર અને સંસ્કારને એશિયન વસાહતના સન 1972ના કપરા ઉન્મૂલન સંદર્ભે મૂલવીને દોરેલાં આબાદ શબ્દ-ચિત્રો, જાણે કે 'દર્શક' કે ધીરૂભાઈ ઠાકર અને જયંત પંડ્યા જેવા અનેક ગુર્જર -નિવાસી સર્જકો-લેખકો માટે વધુ જાણવા પડકાર રૂપ બનીને આકર્ષતા પાયાના પથ્થર અથવા તો તેનું ગુર્જર સમાજ-દર્શન કરાવતી વ્યાસપીઠ જેવા બની રહ્યા હોય એમ લાગે છે.
એક જ માતૃભાષા ગુજરાતીની કંઠીથી બંધાયેલી, આપણી દેશી-પરદેશી (કે ડાયસ્પોરિક) ગુજરાતી આલમનો લોહીની સગાઈ જેવો ઋણાનુબંધ, "સ્મરણો દરિયાપારનાં" પુસ્તકમાં બ્રિટનવાસી વીસ જીવંત પાત્રો દ્વારા સાચે જ પ્રથમવાર મૂતિમંત થયો છે. જયંત પંડ્યાએ પોતાની પ્રૌઢ અવસ્થા છતાં, દર્શક ફાઉન્ડેશનનાં સ્વપ્નોને સાકાર કરવા જ તેમની ત્રણ માસની બ્રિટનની સન 2000ની બીજી મુલાકાત દરમ્યાન જરૂરી પ્રાથમિક મુલાકાતોનું કામ સુપેરે પાર પાડ્યું હતું. આ સમયે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની બ્રેડફોર્ડમાં યોજાયેલી છઠ્ઠી ભાષા – સાહિત્ય -પરિષદ ટાણે તેઓ આમંત્રિત મહેમાનોમાંના એક હતા. 23 અૅપ્રિલ 1999થી શરૂ થયેલી અઢી માસની તેમની પહેલી બ્રિટન-યાત્રા “ઓપિનિયન” સામાયિકના તંત્રીના સૌજ્ન્યથી ગોઠવાઈ હતી. આ સમયગાળા દરમ્યાન પણ થયેલા કેટલાક સંપર્કો અને અનુભવોનું ભાથું તેમના ઉપરોક્ત કાર્ય માટે જમા પક્ષે હતું. જો કે તેમનો ત્રણેક વર્ષનો 60-70ના દસકા દરમ્યાન બ્રિટનમાં વસવાટ થયો હતો જ, તે અત્રે નોંધવું રહ્યું.
ગુજરાતમાં લખાયેલાં થોડાં વ્યકિતચિત્રો “નિરીક્ષક”, “અખંડ આંનદ” અંને “ઓપિનિયન”માં વખતોવખત પ્રકાશિત તો થયેલાં. પરંતુ કેટલુંક અધુરું કામ પૂરું કરવા માટે 2006ના જૂન માસમાં પંડ્યાજી તેમની દીકરી-નંદિની ત્રિવેદીના ઘરે (મુંબઈ) રહેવા ય ગયા હતા. ત્યાં કામ અાગળ વધી ન શક્યું. અને વિધાતાના અજબ-ગજબના ખેલ (man proposes, god disposes) તો જુઓ …! એક જ પુસ્તકમાં પોતે, બ્રિટનમાં રહી પ્રતિપાદિત કરેલાં વીસ સબળ જીવન-ચરિત્રોની લેખક તરીકે પોતે પ્રકાશન-વ્યવસ્થા કરી શકે તે પહેલાં જ, કમભાગ્યે જયંત પંડ્યા 10 અૉગસ્ટ 2006, રક્ષાબંધનના પવિત્ર દિને જ, અમદાવાદમાં દિવ્યગતિ પામ્યા …. હરિ ૐ તત્સત ….
નંદિની ત્રિવેદીએ આ વિષમ સંજોગોમાં, મોડા મોડા છેક સન 2010માં, બે શુભેચ્છકો(વિપુલ કલ્યાણી અને પ્રકાશ ન. શાહ)ના સહકારથી, "સ્મરણો દરિયાપારનાં" એક સંપાદક તરીકે પ્રકાશિત કરીને પિતૃઋણ અદા કરતાં તેમને યાદ કરીને પોતે 19 અૉક્ટોબર 2009ના રોજ લખેલી પ્રસ્તાવનામાં જણાવ્યું છે … ‘અનોખા વ્યક્તિચિત્રોને વૈશ્વિક સ્તરે પહોંચાડવાની તેમની ઝંખના અધૂરી રહી …..’ અને 'પપ્પા'ની આ વારસદાર સુપુત્રીએ 'સ્મરણો દરિયાપાર’નાં પ્રાગટ્યટાણે અપૂર્વ આનંદ પણ વ્યકત કર્યો છે …. પોતાના પપ્પાની અવેજીમાં સ્તો ……
સુજ્ઞ વાચકોની જાણ માટે સાથે સાથે અત્રે જણાવવું રહ્યું કે આજ પુસ્તકના બીજા ભાગ(સ્મરણિકા-પાન-130થી190)માં ગુજરાતી ખમીરની ચેતનવંતી ઝલક આપતાં ત્યાંના એકમકેથી ચઢે એવા અથવા તો ગુર્જર સમાજનાં જ પરસ્પર પૂરક ગણી શકાય એવાં ચૌદ વ્યક્તિ ચિત્રો (મુઠ્ઠી ઊંચેરા માનવી) પણ રજૂ થયાં છે. શિક્ષણ-સાહિત્ય ક્ષેત્રે મહાશાળાનાં શિક્ષક તરીકેની લાંબી કારકિર્દી દરમ્યાન આ 'પપ્પા'એ કરેલું યોગદાન પ્રકાશિત કરીને સાહિત્ય રસિક જનતાનું ઋણ પુત્રીએ અદા કર્યું છે. માટે નંદિની ત્રિવેદી ગુર્જર સમાજના હાર્દિક અભિનંદનનાં સાચે જ અધિકારી બન્યાં છે.
સાથે સાથે પડદા પાછળ અછતા રહીને સંપાદન કાર્યમાં પોતાને દૂર રહ્યા છતાં સક્રીય સાથ આપનાર સહૃદયી-સ્નેહી વિપુલ કલ્યાણીને (સંપાદક તરીકે ઋણ ચૂકવીને તેમની કદર કરતાં) આ પુસ્તક અર્પણ કરીને, નંદિનીબહેને તેટલી જ વ્યવહાર કુશળતા પણ દાખવી જાણી છે.
આ લેખમાં તો ફકત પ્રથમ વિભાગ(સ્મરણો દરિયાપારનાં)માં નિરૂપેલાં વીસ બ્રિટનવાસી વ્યક્તિઓ સાથેની લેખકની સન 2000ની રૂબરૂ મુલાકાતોથી અંકાયેલાં ચિત્રોને જ અનુલક્ષીને ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
પરંતુ આ જ પુસ્તકના બીજા વિભાગ(સ્મરણિકા-પાન 123થી190)માં સાથે સાથે જ સંપાદિત, ગુર્જર સાહિત્ય-વ્યોમમાં ઝબકતા તારલા જેવી પ્રતિભા-સંપન્ન સેવાભાવી ૧૪ વ્યક્તિઓનું પ્રેરણાદાયી પાત્રાલેખન (લેખક : જયંત પંડ્યા) તેના રસાસ્વાદ કે સમાલોચના માટે ભવિષ્યમાં કોઈ પણ જિજ્ઞાસુ વિવેચક-લેખકને પડકાર આપીને તેના દ્વારા યથાયોગ્ય મૂલ્યાંકન કરાવી શકે તેવી શકયતા તો ધરાવે છે જ. किं बहुना !
અલબત્ત, સુરેશ દલાલે, પંડ્યાજીને અા ‘કપરું કાર્ય’ સાધવા બદલ, અંતિમ પૃષ્ઠ પર બિરદાવ્યા જ છે.
વ્યક્તિ-ચિત્રો :
બ્રિટનમાં વસી રહેલી ૨૦ જેટલી વ્યક્તિઓ સાથેની રૂબરૂ મુલાકાતના ફળ સ્વરૂપ પંડ્યાજીએ આ પુસ્તકમાં 130 પાન પર અંકિત કરેલાં ચરિત્ર-ચિત્રણો જોતાં એમ ફલિત થાય છે કે દરેક વ્યક્તિને સરાસરી જે છ થી સાત જ પાન ફાળવવામાં આવ્યાં છે તેમાં આ લેખક-પત્રકારનું ઘડાયેલું વ્યક્તિત્વ અને તેની સાથે ધબકતો પ્રાણ નજરે પડે છે. સાથે સાથે મા સરસ્વતીની દેન રૂપે આ પ્રકારનું નૂતન અને ડાયસ્પોરિક પ્રકાશન કોઈ પણ જિજ્ઞાસુ વાચકના તન-મનને પોરસાવે એવું માતબર બની રહયું છે. હવે વ્યક્તિ-ચિત્રોનું મૂલ્યાંકન કે રસાસ્વાદ …….. જે ગણો તે 'સ્મરણો દરિયાપારનાં' – પુસ્તકમાં આપેલા ક્રમ અનુસાર શક્ય તેટલા સંક્ષેપમાં પ્રસ્તુત છે.
(૧) અદમ ટંકારવી :
પંડ્યાજી સુગ્રથિત વ્યક્તિત્વ ધરાવતા અદમ ટંકારવીનું તેમની પ્રથમ મુલાકાતે જ હાસ્ય-સ્પંદિત મુખડું નિહાળતા અને તેમનું ગઝલ નિષ્ણાત અને કવિ તરીકે અભિવાદન કરતાં બીજી પંદરેક ગઝલોની નોંધ લેતાં અદમની આદમિયત/માણસની માણસાઈ દર્શાવતા તેના શેઅરની નોંધ કરે છે.
કેવળ દવાથી રોગ અમારો નહીં મટે
સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં.
એકબીજાને ચાહે, કાળજી રાખી દયાભાવથી સેવા-પ્રદાન કરે તો જ મનુષ્ય જન્મ સાર્થક થાય કાવ્ય-ગઝલ સંગ્રહ-ઇતિહાસ-રેખાચિત્ર સંપાદન (એચ.એમ.પટેલનું), સામયિક સંપાદન વગેરે કાર્યો સાથે અદમ ટંકારવી સન 1969થી સન 1991 (21વર્ષ) દરમ્યાન વલ્લભવિદ્યાનગર(ગુજરાત)માં અધ્યાપકની કામગીરી સંભાળ્યા બાદ હવે 'યુ.કે.'માં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રહ્યા છે. મિત્રમંડળને આતિથ્યભાવનો પ્રેમરસ ચખાડતા રહેતા અદમ ટંકારવીનું અજાણ્યાને પોતીકા બનાવનારી જડીબુટ્ટી જેવું સાહિત્યપ્રદાન લેખકે આપણી સમક્ષ છતું કર્યું છે. જેમ કે સંબંધ (કાવ્યસંગ્રહ), 'ગુજરાતી ગઝલ’નું સ્વરૂપ, વિભાવના અને ઇતિહાસ …. વગેરે
(૨) બાબુ રામા :
જયંત પંડ્યાની બાબુ રામા (બાબુભાઈ રામભાઈ પટેલ) સાથેની સાઉથહોલ (લંડન) સ્થિત 'સનરાઇઝ રેડિયો' પર પ્રથમ મુલાકાત ઉપરાંત શ્રોતાવર્ગ સાથે વાર્તાલાપ – પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો હતો. લેખકના શબ્દોમાં સ્વદેશી નામની વિલાયતી આવૃત્તિ ધરાવતા 'બાબુ રામા'ના મોં પર સ્મિત નિરંતર ફરકે છે. એમના બોલે બોલે વિનય ઝરે છે.
વધુ પરિચય મેળવવા તા. 18 મે 1999ના રોજ તેમની વિકટોરિયા નજીકની ઓફિસમાં વિપુલભાઈ કલ્યાણીની સંગતમાં નાસ્તાપાણી કરતાં કરતાં થયેલી પૂછપરછના વલોણામાંથી નિપજેલા લેખકના શબ્દોમાં આપેલું બાબુ રામાનું ધંધાદારી પ્રગતિના પંથે ઊડતું શબ્દ-ચિત્ર આ લેખમાં આબેહૂબ ઝળહળે છે.
બાબુ રામાનો મુંબઈમાં સને 1952માં જન્મ. પચ્ચીસ વર્ષની ઉંમરે સાયન્સ ગ્રેજ્યુએટ થતાં લગ્ન કર્યા બાદ સન 1977માં લંડનમાં એક ખોજાની દુકાને અઠવાડિયાના પચ્ચીસ પાઉન્ડના પગારથી જિંદગીની મજલ શરૂ કરી …. તેમના ઘટમાં ઘોડા થનગને … આ મહેનતુ અને કોઠાસૂઝવાળા માણસે કિયોસ્ક, દુકાનો, ન્યુઝ એજન્સી, હોટેલો વગેરે દ્વારા હનુમાન કૂદકા મારતા મારતા ત્રેવીસ વર્ષોમાં, ત્રેવીસ લાખ પાઉન્ડની મિલકત જમા કરી દીધી. માંધાતા સમાજના મોભી બનવા ઉપરાંત 'સનરાઇઝ રેડિયો' સાથે પ્રીતિ પ્રફુલ્લ રાખતાં રાખતાં સાહિત્યકારો, ચિંતકો અને સાધુ સંતોને પણ તેઓ ભૂલ્યા નથી. લેખકના શબ્દમાં 'બાબુ રામા' સાથેની તેમની આ વિરલ મુલાકાત સાચે જ 'મનોરમા' બની રહી! અને તેમની દીકરી ભાવિની નૃત્યકલામાં વિશારદ છે. બાબુ રામાના કુટુંબમાં સાહિત્ય-સંગીત અને કલાનો તો આ કેવો લગાવ ?
(૩) બળવંત નાયક – ધ બિલનાઇટ :
ગુજરાત, પૂર્વ આફ્રિકા તથા યુ.કે.ના ગુજરાતી તથા અંગ્રેજી સાહિત્ય-વર્તુળમાં સર્જક તરીકે સારી પેઠે જાણીતા, 81 વર્ષની વયે પણ શારીરિક પુષ્ટિ ધરાવતા અને 'ધ બિલનાઇટ' ઉપનામ ધરાવતા બળવંત નાયકની ટૂંકી જીવનકથા લખવા માટે જયંત પંડ્યાને તેમની રૂબરૂ મુલાકાત લેવાની ખાસ જરૂર પડી નથી.
પોતાને પ્રાપ્ત થયેલી સાહિત્ય સામગ્રીમાંથી તારવીને ચારેક પાનમાં બળવંત નાયકે પોતાના જીવનની મુખ્ય સિદ્ધિઓ સાથે વિવિધ સ્થળે કરેલું સાહિત્ય-તર્પણ જયંત પંડ્યાએ જે વર્ણવ્યું છે, તે ટૂંકમાં નીચે પ્રમાણે છે.
* સન 1946માં M.A.B.ED કર્યા બાદ શ્રી નાયક મુંબઈની વિલ્સન કોલેજમાં 'ફેલો' નિમાયા.
* સન 1949થી 1953 સુધીના પાંચ વર્ષ દરમ્યાન શ્રી નાયક “હિંદુસ્તાન” દૈનિક મુંબઈના ઉપતંત્રી રહ્યા હતા.
* સન 1953થી 1971 સુધી યુગાન્ડા સરકારના શિક્ષણ ખાતામાં સેવા આપ્યા બાદ 5 ઓગસ્ટ 1972ના રોજ કુટુંબ સાથે લંડન આવી સન 1972થી 1985 સુધી શિક્ષણ કાર્ય કર્યું. લંડન આવતા પહેલાં કંપાલા(યુગાન્ડા)માં વડાપ્રધાન મિલટન ઓબોટેના પદભ્રષ્ટ થયા બાદ, સરમુખત્યાર ઇદી અમીને વર્તાવેલી ભૂતાવળનો નાયકજીના કુટુંબે કમભાગ્યે ઓથાર અનુભવ્યો હતો.
* સન 1977માં “સન્ડે ટેલીગ્રાફ”ની કાવ્યસ્પર્ધામાં (રજત જ્યંતી ટાણે) એર્વાર્ડ પ્રાપ્ત કર્યો (An ode to the seat of Her Majesty)
* ગુજરાતી-અંગ્રેજી કાવ્યસંગ્રહ-વાર્તા-વિવેચન-પત્રકારત્વ-લોકકથાઓ-નવલકથાઓ (e.g. Amin & Ninety Days) મૂંગા પડછાયા, વેડફાતાં જીવતર, ધરતીને ખોળે નરક વેરાયું … વગેરે ક્ષેત્રે માતબર સાહિત્ય-પ્રદાન કર્યું છે.
બળવંત નાયક બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીના સાતમાંના એક સ્થાપક સભ્ય હોવા સાથે કેટલોક સમય પ્રમુખ તરીકે પણ સક્રીય રહેલા.
બળવંતભાઈ હાલ કુટુંબ સાથે સાઉથહોલ(લંડન) વિસ્તારમાં હૂંફભર્યું નિવૃત્ત જીવન પસાર કરતાં કરતાં પોતાનાં જ સર્જનોના પ્રકાશમાં 'બિલ નાઇટ'ની સોબત નિભાવતા રહ્યા છે.
(૪) ચંદુભાઈ મટાણી : સાહિત્ય, સંગીત અને કલાનાં રખોયાં કરતા સજ્જન
જયંત પંડ્યાની બે દિવસ માટે (9-10 જુલાઈ 1999) લેસ્ટરમાં વનુ જીવરાજ અને ચંદુભાઈ મટાણી સાથે વિપુલ કલ્યાણીના સહકારથી મુલાકાતો ગોઠવાઈ હતી. વનુભાઈ પાસેથી પૂર્વ આફ્રિકાના ગુજરાતીઓના ઇતિહાસ સંદર્ભે જોઈતી વિગતો પ્રાપ્ત કરી.
'મટાણી' સાથે કેસેટ-સંગીતનો આનંદ માણતાં, લેસ્ટર-લફબરોની હરિયાળી ધરતીની પ્રદક્ષિણા કરતાં, અનેરો સ્વર્ગાનંદ પ્રાપ્ત થતાં પંડ્યાજી ઉમ્મર ખયામની યાદમાં ગદ્દગદ થઈ વદ્યા – "કાવ્યસંગ્રહ અને સુરા સાથે પ્રિયા મિલન થાય તો વેરાન પણ સ્વર્ગ થઈ જાય." અલબત્ત, શ્રીનાથજી મંદિરમાં પંડ્યાજીએ ગોંસાઈજી મહારાજ સાથે-‘લેસ્ટરના ચાંદ'ની ઉપાધિ પ્રાપ્ત કરનાર મટાણીની હાજરીમાં – પરસ્પર સંસ્કૃત – સ્તોત્ર – વિનોદ તો માણ્યો જ હતો. ઉપરાંત 'મેઘદૂત' કેસેટના ગુજરાતી અનુવાદ કરવાની તક મેળવનાર પંડ્યાજીને પ્રતિભાવમાં સોના-રૂપા સ્ટોર્સમાંથી 'પ્રેમના ભાર' રૂપ ૨૫ કેસેટોનો થેલો પણ પ્રાપ્ત થયો.
લતા મંગેશકર અને સુનીલ ગાવસ્કર જેવા ભારતીય કલાકારોને પ્રોત્સાહન આપનાર અને શ્રુતિ આટર્સના સંચાલક ઉષ્માસભર યજમાન મટાણીની ભાવભરી પરોણાગત માણનાર આ વિદ્વાન-મહેમાન પોતાના યજમાનને બિરદાવતાં રસ્કિનની યાદમાં સરી પડે છે અને કહે છે :
‘વધારેમાં વધારે ઉમદા અને સુખી જનોને પોષતો દેશ ધનવાન ગણી શકાય. પોતાના જીવન કાર્યો કરતાં, અને ફરજો ઉત્તમ રીતે બજાવવા ઉપરાંત જે અન્ય માટે પણ પોતાની સાધન-શક્તિ વાપરી શકે તે વ્યક્તિ સૌથી વધુ ધનવાન ગણી શકાય. પ્રેમ, આનંદ અને ઉલ્લાસભરી જિંદગી સિવાય બીજું કોઈ ધન નથી.’
જયંત પંડ્યા સાચે જ, આ મુલાકાતથી બેવડા ભાગ્યશાળી બન્યા. અનુપમ યજમાન 'ચંદુભાઈ'નો પ્રથમ પડછાયો તો મળ્યો જ હતો. પરતું બાદમાં તેમની જીવંત આકૃતિ પણ પ્રાપ્ત થઈ!
(૫) અનોખા ભાષાશાસ્ત્રી ડૉ. જગદીશ દવે
જયંત પંડ્યાને, ડૉ. જગદીશ દવેનો પ્રથમ પરિચય પોતે છેક સન 1957-1958૧ના અરસાથી ભાષા-સાહિત્ય ભવન, અમદાવાદના વડા નિશાળિયા હતા ત્યારથી શરૂ થયો હતો. જગદીશભાઈ પણ એમ.એ. થયા બાદ તે સમયે ખાસ 'ડૉક્ટરેટ'ની તૈયારી માટે ડૉ. પ્રબોધ પંડિત, ડૉ. હરિવલ્લભ ભાયાણી, ઉમાશંકર જોષી વગેરેના સંપર્કમાં રહેવા અહીં આવ્યા હતા. તલોદમાં ખંડ સમયના અંગ્રેજી અધ્યાપક તરીકે જોડાતાં એકમેકનો પરિચય દૃઢ થયો. જગદીશભાઈએ સન 1950થી ઠેઠ 1984 સુધી મુંબઈ રાજયમાં શિક્ષણ ક્ષેત્રે અધ્યાપકથી આચાર્ય સુધીના હોદ્દા ભોગવતાં જીવનની લીલી-સૂકી અનુભવી છે અને સન 1984માં લંડન આવ્યા. અહીં પણ લંડન યુનિવર્સીટી અને S.O.A.S.માં જોડાઈને ‘Socio-Linguistic Study of Gujarati in the UK’ સ્વતંત્ર સંશોધન કૃતિ-પ્રદાન નોધાવ્યું.
ભાષા-શિક્ષણ માટે 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ની પરીક્ષાઓ માટે જોઈતાં પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં. તાલીમ વર્ગો ચલાવ્યા અને અકાદમીના મહામાત્ર તરીકે પરીક્ષાઓ ચાલુ રહી તે સમય સુધી જવાબદારી નભાવી. ભારતીય વિદ્યાભવન જેવી કેટલીક અન્ય સંસ્થાઓ સાથે પણ ઓછાવત્તા જોડાયેલા રહ્યા. લેખકના શબ્દોમાં 'જગદીશ'ની જેમ એ સર્વવ્યાપી છે અને ખાસ તો જાતે રસોઈ જમાડીને પ્રીતિ સેનગુપ્તા જેવાં મહેમાનો સાથે પ્રેમથી અતિથિ ધર્મ પણ જાળવે છે.
પંડ્યાજીએ જગદીશ દવેની સંગતે અન્ય ગોઠિયાઓ (વિપુલ કલ્યાણી, પ્રીતિ સેનગુપ્તા, પ્રકાશ શાહ, નયના શાહ) સાથે લંડનમાં ધૂમવાનો લ્હાવો પણ મોજથી લીધો છે. અને 'દવે'ના, છેલ્લા હેરો વસવાટનું – કવિ બાયરનની સ્મૃિત જાગ્રત કરતી શાળા સાથે – સ્મરણ કરાવીને ઐતિહાસિક મૂલ્ય પણ આંક્યું છે. ખાસ તો પંડિત નહેરુ અને વિન્સટન ચર્ચિલની યાદ સાથે. … ભયો ભયો !
(૬) જ્ઞાન પિયાસુ ડાહ્યાભાઈ મિસ્ત્રી
સટન કોલ્ડફિલ્ડમાં વસતા ડાહ્યાભાઈ મિસ્ત્રી, કાર હંકારનાર તેમના આત્મીય સાથી ધનસુખભાઈ સાથે પોતાની જ મુલાકાત દ્વારા વધુ પરિચય મેળવવા ઇચ્છતાં લેખક જયંત પંડ્યાનું 28 મે 1999ના રોજ બર્મિંગમ સ્ટેશનેથી પોતાનાં 'આનંદભવન' પર તેમને લઈ આવી ભાવભીનું સ્વાગત કરે છે … અને પરસ્પર વાર્તાલાપના ફળસ્વરૂપ આપણને સક્રીય કૌટુંબિક જીવનના માહોલમાં પોતાના અક્ષરદેહનું રસસંપન્ન ભાથું કસબી લેખક દ્વારા આપણને સાંપડે છે.
સન 1936માં જન્મેલા ડાહ્યાભાઈ, પ્રાથમિક શિક્ષણ પોતાના વતન વડોલા (નવસારી વિસ્તાર)માં પુરું થતાં, મોમ્બાસા(કેન્યા)માં ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કર્યા બાદ, અઢાર વર્ષ (1958-1976) શિક્ષક રહેલા અને બ્રિટનમાં સરકારી નોકરી કરતાં, 1980માં ઘરભંગ થતાં, સાહિત્ય અને રાજકારણમાં લેબરપક્ષે સક્રીય રહી કામગીરી બજાવેલી. “ઓપિનિયન” માસિકમાં વાચક ઉપરાંત લેખક-વિવેચક ક્ષેત્રે બાહોશી મેળવતાં, સારા મિત્રોની સંગતે, એક ઉત્સુક યજમાન પણ બની રહ્યા છે. જ્ઞાતિમંડળોમાં પણ તેટલો જ શૈક્ષણિક રસ લઈ, પોતાના આદર્શો નિભાવીને મૂલ્યો જાળવી રાખ્યાં છે.
જયંત પંડ્યા માટે તો ડાહ્યાભાઈ સાથેની આ મુલાકાત સાચે જ એક 'આનંદયાત્રા' બની રહી !
(૭) હીરજીભાઈ શાહ : સફર ગ્રામદક્ષિણામૂર્તિથી લંડનની
હીરજીભાઈ શાહ ઇ.સ. 1923માં ડબાસંગ (જામનગર પાસે) ગામે એક સામન્ય ખેડૂત કુટુંબમાં જન્મેલા. 1936માં તેર વર્ષની ઉંમરે મોમ્બાસા(કેન્યા) જઈ, છ વર્ષ સુધી દિવસના સોળ કલાકની મજૂરી કરતાં, આપકર્મી જીવન જીવી, ર. વ. દેસાઈની નવલકથા 'ગ્રામલક્ષ્મી'ના નાયક 'અિશ્વન' થવાનાં તેમણે સ્વપ્ન સેવ્યાં. વધુ તક મળતાં ગ્રામદક્ષિણમૂર્તિ, આંબલામાં નાનાભાઈ ભટ્ટ અને 'દર્શક’ના હાથ નીચે ગ્રામસેવક તાલીમ લઈ એક વર્ષ ઘડાયા. 1947માં લગ્ન કરી વેપારમાં સ્થિર થતાં, તેમને બાળકેળવણી સંમેલન પ્રસંગે કેન્યાની મુલાકાત કરાવી. પ્રસંગોપાત પૂર્વ-પશ્ચિમના અનેક દેશોમાં પ્રવાસ કર્યો, ટાન્ઝાનિયા સરકારની વેપાર-માલ-મિલ્કતના રાષ્ટૃીયકરણની નીતિથી ખાલી હાથે પાછા 1974માં મોમ્બાસા પોતાના સદ્દગત ભાઈનો કારોબાર સંભાળવા ગયા. 1983થી બ્રિટનમાં રહીને કેન્યાનો વેપાર સાચવીને, સાથે સાથે ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને તેના સ્થાપકોને સ્મરણમાં પરિવાર સ્વરૂપે સતત વાગોળ્યા કરે છે.
યોગાનુયોગ વેમ્બલીના માંધાતા હોલમાં આ લેખકની તેમની સાથે મુલાકાત-ઓળખાણ થઈ હતી. પરંતુ ત્યારબાદ થોડા જ સમયમાં તેમના ઘરે વધુ ટોળ-ટપ્પો કરવાની તક મને મળે તે પહેલાં જ કમભાગ્યે તેઓ સદ્દગત થયા હતા !
(૮) જયાબહેન દેસાઈ – બ્રિટનના મજૂર આંદોલનનાં પહેલાં એશિયન નારી
2 એપ્રિલ 1933ના રોજ જન્મેલ જયાબહેન દેસાઈનું પ્રસ્તુત જીવન વૃત્તાંત એક સ્વમાની ગુર્જર વીરાંગનાના પ્રતીક સમું અન્ય આલેખનો મધ્યે વિરલ અને પ્રેરણાત્મક કહાની સ્વરૂપે જુદું જ તરી આવે છે.
વીસમી સદીના ખાસ કરીને છઠ્ઠાસાતમા દાયકામાં, આપણી ગુર્જર વસાહતનાં મધ્યમ વયના યુગલોને પોતાનો સંસાર નિભાવવા, બ્રિટનના નવા માહોલમાં નોકરી-ધંધા કરવાની માતા-પિતા બન્નેને ફરજ આવી પડી હતી. આમ જયાબહેન દેસાઈ પણ ગ્રનવીક ફેકટરીની ચેપ્ટર રોડની વેમ્બ્લી શાખામાં કામે જોડાયાં … અને 'ઓવરટાઇમ' કરવાની આનાકાની થતાં કંપનીના હોદ્દેદારો સાથે સંઘર્ષમાં ઉતર્યાં.
ટ્રેડ યુનિયનનો સાથ મેળવી 'એપેક્ષ'ના સભ્ય બન્યાં. પરંતુ માલિકો સાથે સફળતા ન મળતાં યુનિયનના સહકારમાં ચળવળ ઉપાડી. રેડિયો, ટેલીવિઝન, સમાચારપત્રોમાં 550 વ્યક્તિઓની ધરપકડની નોંધ લેવાઈ. 5,000 સભા-સરઘસોમાં જોડાયા. હાઉસ-ઓફ-કોમન્સમાં ચર્ચા-વિચારણા થતાં, ત્રણ સહકારી પ્રધાનોએ પણ જયાબહેનની ચળવળના સહકારમાં પિકેટ લાઇન તોડીને ધરપકડ વહોરી.
પોતાના વતન ધર્મજમાં ફકત દસમાં ધોરણ સુધીનો જ અભ્યાસ કરનારી આ ગુર્જર નારી જયાબહેન દેસાઈએ ભારતના સ્વાતંત્ર્ય-સંગ્રામના ખેડા-બોરસદ સત્યાગ્રહની યાદ અપાવી. તેમનું નામ ડોકયુમેન્ટરી ટી.વી.-ફિલ્મ-નાટકો-પ્રેસ કોન્ફરન્સોમાં ગાજતું થયું. નેતાગીરીનું અભિમાન તેમને આભડ્યું નહિ અને સમાજ સેવાના કાર્યોમાં જોતરાતાં રહ્યાં. તેમના પિતા ખાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને જુગતરામ દવેના સાથીદાર હતા. એક આગવી હલકથી પોતાની કવિતા ગાવાનો શોખ કુટુંબમાં પાંગળી શક્યો નહિ. 1955માં સૂર્યકાન્ત દેસાઈ સાથે ભારતમાં લગ્ન કર્યા. દારેસલામમાં વસવાટ કરીને 1964-1968માં દેસાઈ લંડન આવ્યા. જયાબહેન બે દીકરા સાથે બાદમાં લંડન આવી મશીન-સિલાઈ કરતાં પાર્ટટાઈમથી શરૂ કરી ગ્રનવીક પ્રોસેસીંગ ફેકટરીમાં જોડાયાં. અને ઉપર જણાવ્યા પ્રમાણે, બ્રિટનના ટ્રેડ યુનિયનના ઇતિહાસમાં નામ અંક્તિ કર્યું. B.I.A.માં પેન્સનર્શ કલબ શરૂ કરી. ભોજન વ્યવસ્થા કરીને બહેનો માટે ગુજરાતીના વર્ગો ઉપરાંત સિલાઈકામ સાથે હેરો કોલેજમાં Certified Asian Dress Making Course શરૂ કર્યો. ડેનીસ જેકસન સેન્ટરમાં વિલાસબહેન ધનાણી સાથે યોગ અને રિફલેક્સોલોજીની તાલીમમાં સહયોગ કરે છે. 'ભૌતિક સમૃદ્ધિ પ્રદાન કરતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તેટલી જ દુ:ખદાયક બની રહે છે.' આ વિધાન તેમણે ગ્રનવીક ચળવળ સમયે, લેખકના શબ્દોમાં પોતાની 'ધાણીફૂટ અંગ્રેજીમાં' પરખાવ્યું હતું.
નવાં શિખરો સર કરવા જયાબહેનને ઘણાં બધાં વર્ષોનો સધિયારો મળી રહેશે એવી મહેચ્છાઓ સાથે લેખકે અંતમાં જયાબહેનની જીવનકથાની પૂર્તિ કરી.
(૯) કેશવલાલ જે. પટેલ
પંડ્યાજીને કેશવલાલ પટેલની મુખાકૃતિ પ્રથમ દૃષ્ટિએ જ કશાય દેખાડા વિનાના, સૌમ્ય, મિતભાષી, જાણે કે ચિરપરિચિત વ્યક્તિને મળતા હોઈએ તેવી પરસ્પરને લાગી હતી. કેશવલાલે તેમને કરાવેલી સંત ઓગસ્ટિન અને શહીદ ટોમસ બેકેટની યાદ આપતા કેન્ટરબરી કેથેડ્રલની યાત્રાની યાદમાં લેખકને કવિ ક્રિસ્ટોફર માર્લો અને મધુરી હેલનને ઉદ્દેશેલી કેન્ટરબરી ટેઇલ્સની કાવ્યપંક્તિઓ તાજી થઈ હતી.
ઇ.સ.1936૧માં મટવાડ(દક્ષિણ ગુજરાત)માં જન્મેલા કેશવલાલનું ઘડતર અને ચણતર નાઇરોબી(કેન્યા)માં અભ્યાસ (O’ level) કર્યા બાદ, રેલવેમાં તથા હિસાબનીસનો અનુભવ લઈ કામ કરી 1971માં લંડન ગયા. આ મહાનગરમાં ટ્રાન્સપોર્ટ, હેલ્થ સર્વિસ તથા એકાઉન્ટન્ટ ક્ષેત્રે ચડતી-પડતીના અનુભવો લેતાં લેતાં નિવૃત્ત થયા.
સુરતી પટેલોના જ્ઞાતિ સંગઠન સ્વરૂપ માંધાતા સમાજની વેમ્બલીના યૂથ હોલમાં થતી વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓમાં તેઓ સક્રીય યોગદાન આપી રહ્યા છે. ઉપરાંત દક્ષિણ ગુજરાત (દાંડી નજીક) કાંઠા વિભાગ ફ્રેન્ડશીપના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે પણ પાંચસો ચોરસ માઇલના અવિકસિત વિસ્તારમાં ફળ-ઝાડ ઉછેર, ગાય-ભેંસ પશુ ચિકિત્સા, રોગ-નિદાન, કુટિર ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, પરિસંવાદ, સ્ત્રીઓને સિલાઈકામ, વૃક્ષ વાવેતર (નારિયેરી, દાડમ, પપૈયા-કાજુ) 58 ગામોમાં મહિલા પ્રગતિ મંડળો વગેરે પ્રવૃત્તિઓ કરવા માટે દોઢેક ડઝન સ્ત્રી પુરુષોની ‘કાયાકલ્પ ગુજરાત'ની ટુકડી કામે લગાડી છે. પંડ્યાજીને લંડનમાં કેશવલાલનો વસવાટ નજીક હોવાથી, તેમના સંપર્કનો લાભ વધુ સાંપડ્યો છે.
(૧૦) કુસુમબહેન – નિત્ય જીવંત માતૃત્વ
કુસુમબહેન સાહિત્ય પ્રેમી વિઠ્ઠલદાસ દેસાઈનાં પુત્રી અને મુંબઈમાં ઇંદિરા ગાંધીનાં સહાધ્યાયી હતાં. યુવાન વયે ગાંધીયુગમાં ઉછરતાં જ નવી પેઢી સાથે નવા ધર્મની દીક્ષા લીધી. 'ભારત છોડો' આંદોલન સમયે છ માસની જેલ સજા ભોગવી અને B.Ed.ના અભ્યાસ દરમ્યાન સન 1944માં પ્રદ્યુમ્ન ભટ્ટ સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા બાદ, અમદાવાદમાં જ્યોતિસંધમાં નોકરી કરીને બીજો મુકામ વડોદરા સયાજીગંજમાં કર્યો.
સમયાંતરે જયંત પંડ્યાને કુસુમબહેનનાં કુટુંબ સાથે દાહોદ મુકામે સાર્વજનિક સોસાયટીની શાળાઓમાં સાથે કામ કરવાના સંજોગો ઉપસ્થિત થયા. રાસેશ્વરી દેસાઈને માટે તો કુસુમબહેનનું ઘર બહેનો જેવા સંબંધે પોતાનું જ ઘર હતું. પંડ્યાજીને રામુ વર્મા સાથે પ્રમીલા શાહના આંતરજ્ઞાતિય લગ્નમાં મદદ કરવા બદલ શાળા છોડવી પડી. અને ભારત સેવક સમાજના મુખપત્રના તંત્રીપદે જોડાયા. સાથે સાથે M.A.ના વર્ગોમાં પ્રવેશ કર્યો. પ્રદ્યુમ્ન/કુસુમબહેનના ઘરે નાની બહેન મંજુ ઝવેરીના સહવાસમાં આ સૌ જીવનદાની શિક્ષકોની મંડળી ગીતસંગીત અને વ્યંગવિનોદ જમાવતી, ખડખડાટ હાસ્ય સાથે … પરંતુ સૌ પંખીઓ ઊડીને છૂટાં પડી ગયાં. અને ઘણાં ખરાંએ વડોદરામાં સામાજિક-રાજકીય વર્તુળોમાં પ્રવેશ કર્યો. કુસુમબહેને ફ્રી-લેન્સિંગ ધંધો કરતાં ત્રણ ઘર બદલ્યાં. ડૉ. ઠાકોરભાઈ પટેલ અને નાનાભાઈ ચોકસીએ કુસુમબહેનને king-maker -પરામર્શમક ગુરુ તરીકે નવાજ્યાં.
ઇ.સ.૧૯૬૦માં જયંત પંડ્યાએ રાસુબહેન (રાસેશ્વરી દેસાઈ) સાથે, વડોદરાના જયુબિલિ બાગમાં રૂ.150ના ખર્ચે ફકત 25 મિત્રોની હાજરીમાં આંતરજ્ઞાતિય લગ્ન કર્યા. રાસુબહેનનાં દશ વર્ષના વૈધવ્ય બાદ પુનર્લગ્ન હતાં. આ લગ્નમાં પ્રદ્યુમ્ન અને કુસમબહેન માતા-પિતાને સ્થાને હતાં. વિમલભાઈ અને સરલાબહેનના લગ્નમાં પણ કુસુમબહેનનું જીવંત માતૃત્વ પોતાના ઘરે જ સાકર થયું હતું. 1988માં પ્રદ્યુમ્ન વિદેહ થયા.
કુસુમબહેન દીકરા સુનીલ તથા દીકરી મેઘા તથા ચારૂ તથા પૌત્ર-પૌત્રીઓ સાથે જોડાવા અમેરિકા ગયાં. જુલાઈ 1999માં પંડ્યાજી ઘરભંગ થયા બાદ, યુ.કે. થઈને યુ.એસ.એ. ગયા, ત્યારે તેમના ત્યાંની અકાદમીના જાહેર વાર્તાલાપ(મેઘદૂત તથા ઇલિયડ)ના કાર્યક્રમમાં 80 વર્ષની વયે કુસુમબહેનની હાજરી જોતાં ભાવવિભોર બની ગયા. ઉપરાંત કાયાકલ્પ-ગુજરાત કાર્યક્રમ માટે કુસુમબહેનનું સો ડોલરનું અનુદાન પણ તેમના હૃદયને ઝબકારી ગયું ! ઘણાં વર્ષો બાદનો આ અવર્ણનીય મેળાપ ! ભયો ભયો !
(૧૧) કે.બી. પટેલ : વાસદથી વિલાયત વાયા યુગાન્ડા !
કાન્તિભાઈ બાબરભાઈ પટેલનો જન્મ 6 માર્ચ 1926ના રોજ વાસદમાં થયો હતો. પ્રાથમિક અભ્યાસ વાસદમાં કરી, માધ્યમિક શિક્ષણ વડોદરામાં લઈને H.L.College of commerce, અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A.) થઈને, મુંબઈમાં K. B. Patel & Co. નામે 1956 સુધી વ્યવસાય કરીને મબાલે (યુગાન્ડા) વિદાય થયા. દરમ્યાન 1947માં કમળાબહેન સાથે લગ્ન કર્યા.
મબાલેમાં સોળ વર્ષ (1956-1972) સુધી સ્વતંત્ર વ્યવસાય એ જ કંપનીના નામે ચાલુ રહ્યો. 1958માં લીરામાં ઓબોટેનું ભાષણ સાંભળી, તેની રાજકીય પાર્ટી Uganda peoples Congressને મિત્રવર્ગ છોટાભાઈ, શંકરભાઈ વગેરેના સહકારથી જરૂરી નાણાં ઊભાં કર્યા. ઓબોટે આભારવશ થઈ ગર્વથી કહેતા. Mbale is my cradle. શંકરભાઈ પટેલ UPCની બેઠક માટે ચૂંટાઈ અાવ્યા હતા.
બીજી ચૂંટણીમાં, કાંતિભાઈના સહકારથી, (11 મતક્ષેત્રોનો હવાલો લઈને) ઓબોટેએ બુગાન્ડા કબાકા એકકા સાથે જોડાઈને સરકાર રચી. અને મબાલેના નરેન્દ્રભાઈ પટેલ એક વર્ષ ગૃહખાતાના મંત્રી રહ્યા બાદ, યુગાન્ડાની પાર્લામેન્ટમાં SPEAKER પણ બન્યા હતા. પરંતુ પક્ષો છૂટા થયા અને ઓબોટે સરમુખત્યાર થયા ! ચીનથી વામપંથી દીક્ષા ઓબોટેને પ્રાપ્ત થઈ હતી. યુગાન્ડાના મુખ્ય એશિયનોના ઉદ્યોગોમાં 60% સ્થાનિક પ્રજાનો હિસ્સો દાખલ કર્યો.
ઓબોટેના સેનાપતિ ઇદી અમીને સત્તા ઓબોટે પાસેથી આંચકી લીધી. તેણે યહૂદીઓને થોડા સમયમાં જ હદ બહાર કર્યા બાદ 1972માં એશિયનોને ધંધા-રોજગાર, ઘરબાર મૂકીને દેશ છોડવાનો વારો આવ્યો. કે.બી.પટેલે પણ 1972માં વડોદરા જઈ ચાર વર્ષ સ્વતંત્ર વ્યવસાય કર્યો. પરંતુ ઑફિસરોની લાંચ અને ખોટા ઓર્ડરોથી વાજ આવી દેશવટો લઈ 1979થી બ્રિટનમાં સ્થાપી થયા. NCGOના 1986-1991સુધી પાંચ વર્ષ પ્રમુખપદ શોભાવી હવે નિવૃત્ત થયા છે. જયંત પંડ્યાને તેમની બે મુલાકાતો દરમ્યાન ચરોતરના પાટીદારની ખુમારી સાથે ઉદારતાનો પણ નકરો પરિચય થયો.
(૧૨) કે.પી. શાહ – ત્યાં સીમાડા ફસકી પડતા દેશ-દેશાન્તરોના
કાન્તિભાઈ શાહનો જન્મ 7 એપ્રિલ 1922ના, જામનગર મુકામે થયો. તેઓ ગુજરાતી ત્રણ ધોરણના અભ્યાસથી શરૂ કરી સૌથી પ્રથમ બીડી વાળતાં શીખેલા, ફકત માસિક રૂ.15ની આવક સાથે 1941માં 19 વર્ષની વયે નાઇરોબી (કેન્યા) જઈને સાત વર્ષ નોકરી દરમ્યાન જાતનું ઘડતર કરતાં આત્મવિશ્વાસ કેળવ્યો. ડગલે ને પગલે ઉન્નતિ સાધી ઇન્ડિયન એસોસિયેશનના મંત્રી થયા અને સન 1959માં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, નાઇરોબીના પ્રમુખ થવા ઉપરાંત ઇસ્ટ આફ્રિકન ઇન્ડિયન કૉંગ્રેસમાં પ્રતિનિધિ તરીકે જતા. રંગભેદને કારણે ગોરાઓ અગ્રતાકમે હતા.
પૂર્વ આફ્રિકામાં દેશનું વાતાવરણ, છાપાં સહિત, અન્ય નેતાગણ જેમ કે જે. બી. પંડ્યા, પ્રાણલાલ શેઠ, ત્રિકમલાલ ભટ્ટ, નંદલાલ ભટ્ટ, નાનાસાહેબ ઠાકુર, હારૂન અહમદ, ચં.ચી. મહેતા, રમણીક આચાર્ય, વિનય કવિ વગેરે સાથે સહકાર સાધી ટકાવી રાખ્યું. ગુજરાતી-અંગ્રેજી વર્તમાનપત્રો પ્રચાર સાથે ગાંધીની વિચારસરણી ધરાવતા કૃષ્ણાનંદ સરસ્વતી આપણી ગુજરાતી વસાહતના વહેમો તથા અંધશ્રદ્ધાને ખંખેરતા, ઉપરાંત ગીતા-રામાયણનાં પુસ્તકો વહેંચતા.
કાન્તિભાઈએ 1954ની સાલથી જ જોમો કેન્યાટાની જેલમાંથી મુક્તિ કરવાનો અવાજ ઉઠાવ્યો. 1961માં કેન્યાની ધારાસભામાં ચૂંટાઈને આવ્યા બાદ, બ્રિટિશ હકુમતની ઝાટકણી કરતાં રોકડું પરખાવ્યું કે વર્ણભેદી સમાજ આપણે ઊભો કર્યો નથી, કે તે આપણી પસંદગી પણ નથી. યુરોપીઅનો તેનું નિર્માણ કરી પોતાનું હિત જાળવવા આપણને વગોવ્યા કરે છે.
કે. પી. શાહ સામ્યવાદના વિરોધી અને લોકશાહીના ચાહક છે. 1963માં કેન્યાની આઝાદી બાદ 'કાનુ'માં મહામંત્રી ટોમ મ્બોયા સાથે કોષાધ્યક્ષ તરીકે સહયોગી હતા. અસ્ખલિત સ્વાહિલી ભાષામાં એશિયન-આફ્રિકનની સંયુકત સભામાં ભાષણ કરતા અને તેઓ કેન્યામાં ઇ.સ. 1941થી 1984 (43 વર્ષો) સુધી રાજકારણમાં અને સામાજિક ક્ષેત્રે સક્રીય રહ્યા હતા.
મુલાકાતી લેખક જયંત પંડ્યાને, ફળશ્રુતિમાં, વિસ્મય થાય છે કે કેન્યાની રજકણોમાં ભળી ગયેલો જીવ હવે બ્રિટનમાં શા માટે હૂંફ શોધે છે? કે પછી બીજી-ત્રીજી પેઢીની સંતતિની માયા 'દાદાજી'ને અહીં ખેંચી લાવી છે કે જ્યાં દેશદેશાન્તરોના સીમાડા બિલકુલ ઓગળી ગયા છે ! મા ભોમ, ભારત ભોમની તો હવે વાત જ શી કરવી? !
(૧૩) લોર્ડ નવનીત ધોળકિયા
જયંત પંડ્યાએ, વિપુલભાઈ કલ્યાણીના સંગમાં, બપોરના 2:30થી 3:00 વાગ્યા સુધી 26 જુલાઈ 2000ના રોજ, હાઉસ ઑફ લૉર્ડઝ(લંડન)ની પ્રશ્નોત્તરી-કાર્યવાહી નિહાળ્યા બાદ, લોર્ડ નવનીત ધોળકિયા સાથે મુલાકાત આરંભી હતી.
માતા શાંતાબહેન તથા પિતા પરમાનંદના ઘરે નવનીતભાઈનો જન્મ ટાન્ઝાનિયામાં 4-3-1937ના રોજ થયો. ગામગોત્ર ભાવનગરમાં, યુવાનવય અાફ્રિકે પસાર કરી 17 વર્ષની વયે 1954માં બ્રિટન આવ્યા. સંજોગોવસાત સાથીદાર યુવાનોએ 'પબ'માં મેળાપ દરમ્યાન લિબરલ પાર્ટીના બેઠક ખંડમાં હાજરી આપવાની દરખાસ્ત મૂકી.
એક સમયે દાદાભાઈ નવરોજી લિબરલ પાર્ટીના એમ.પી. હતા. ત્રીસ વર્ષની વયે નવનીતભાઈએ એન. મેકલસ્કી સાથે લગ્ન કર્યા. સંતાનોમાં બે દીકરીઓ, અંજલી (ધારાશાસ્ત્રી) અને એલન (ડૉ. ઓફ મેડિસીન) છે. તબક્કે તબક્કે પ્રગતિ સાધતાં અનેક સંસ્થાઓના સભ્ય – અધ્યક્ષપદે અને તંત્રી મંડળમાં હોવા સાથે લિબરલ ડેમોક્રેટ પક્ષના વ્હીપ અને હોમ અફેર્સ ટીમના સભ્ય રહ્યા. લિબરલ પાર્ટીના 46 સભ્યોની હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટણી કરાવવા નિમિત્ત બનતાં, કદરરૂપે તેમને પક્ષના નેતા પેડી એસડાઉનના પ્રસ્તાવથી 29 ઓકટોબર 1997ના રોજ 'લોર્ડશિપ' પ્રાપ્ત થઈ. વધુમાં લિબરલ ડેમોક્રેટ પાર્ટીના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાવાનો આંનંદ વ્યક્ત કર્યો. પાર્ટીની શ્રદ્ધાના કેન્દ્રમાં સમાન તકોનો સિદ્ધાંત તેમનો કાયમ રહ્યો. વર્ણવૈવિધ્ય અને સાંસ્કૃિતક વૈવિધ્ય તો બ્રિટન માટે શક્તિના સ્રોત છે. તેમના મતે અહીંની શાસન વ્યવસ્થા કોઈ પણ સામાન્ય માણસ પણ ટોચ પર બેસી શકે એવી ગુંજાસ ધરાવે છે.
લિબરલ પાર્ટીના પ્રમુખ તરીકે બ્રિટનના વિવિધવર્ણી પ્રજાસમૂહમાં, એશિયનો આ દેશને સમૃદ્ધ કરવા સકારાત્મક અને હિતકારી પ્રવૃત્તિઓ તરફ વળી 'સંવાદિતા' પ્રગટાવે એવું ઇચ્છે છે. અને તેઓ ખાસ ગુનાખોરી અને કેફી પદાર્થોથી દૂર રહે. અને આ દેશને સમૃદ્ધ કરવાની દૃષ્ટિ રાખે એ સૌના હિતમાં છે.
લોર્ડ ધોળકિયા 'લખપતિ' થવાના વિચારમાત્રથી સ્વયમ દૂર રહીને, સૌ કોઈ પોતાની જાતને ઓગાળી નાખ્યા સિવાય, ઇતિહાસ સમૃદ્ધ આ દેશમાંથી શીખવા જેવું અપનાવીને ઉત્તમ ભારતીય સંસ્કાર પરંપરા જાળવીને, આગામી પેઢીઓ માટે શ્રેષ્ઠ આચારોનો વારસો મૂકતા જઈએ તેવા ફલદાયક ભવિષ્યની કલ્પના, કાયમ ઝૂલતા લોકશાહીના પારણા જેવા અને બ્રિટિશ પાર્લોમેન્ટના પરિસરમાં આ એક વિરલ ગોષ્ટીના પ્રસંગે મુલાકાતીઓ જયંત પંડ્યા અને વિપુલ કલ્યાણી સાથે કરી રહ્યા હતા ! किं बहुना ? !
હાઉસ ઑફ લોર્ડઝમાં આ સમયે બિરાજી રહેલા પાંચ ગુજરાતીઓના સત્કર્મો દ્વારા સંપ્રદાયોથી દશ આંગળી ઊંચા, એક નૂતન, વિદ્યાભિમુખી ગુજરાતના સોનેરી ભવિષ્યના સ્વપ્નોમાં રાચી ઊઠનાર મુલાકાતી પ્રો. પંડ્યા તેટલા જ ભાવવિહોર બની રહ્યા હતા ! અસ્તુ!
(૧૪) પ્રફુલ્લિત અને કર્મઠ જોગી પ્રફુલ્લ અમીન
પ્રફુલ્લભાઈ અમીનનો જન્મ 24-07-1936ના રોજ અડાલજ થયો હતો. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ, ઉચ્ચ શિક્ષણ અમદાવાદ, મુંબઈ તથા વલ્લભવિદ્યાનગરમાં, 1960 MA (Hons.) કર્યું. 1955માં ચંદ્રિકાબહેન પટેલ સાથે લગ્ન કર્યા. 1961થી 1965 સુધી પિલવાઈ તથા સિદ્ધપુર કોલેજમાં અંગ્રેજી વિભાગના વ્યાખ્યાતા રહી, 1965માં યુ.કે.ની માધ્યમિક શાળાઓમાં અંગ્રેજીના શિક્ષક તરીકે વ્યવસાય શરૂ કર્યોં.
આ વ્યવસાય શાળાના વિદ્યાર્થીઓનાં તોફાન-મસ્તીથી કંટાળી તથા પરદેશમાં પોતાના દેશી ઉચ્ચારોથી થતા શિક્ષણથી અસંતોષ અનુભવતાં 1977માં છોડવો પડ્યો અને ઇન્સ્યોરન્સ અને મૉર્ટગેજ બ્રોકરના સ્વતંત્ર ધંધામાં પરોવાયા. 12-15 વર્ષ બર્મિંગહામમાં તેમના ડેરાતંબુ અકબંધ રહ્યા. સાથે સાથે શેક્સપિયર, વર્ડઝવર્થ અને ચાર્લ્સ ડિકન્સનો દેશ જોયો અને હસતે ચહેરે નિજાનંદી સામાજિક સેવાની પ્રવૃત્તિમાં મગ્ન બની રહી મહેમાનોને પોરસાવતા રહ્યા. મળસ્કે ચાર વાગે પણ ક્રિકેટની રમત જોવાની લગન જાળવી રાખી છે. અનેક વર્ષો શાળાઓમાં ગવર્નર અને અધ્યક્ષપદે સેવાઓ આપી સ્થાનિક પોliસ કન્સલ્ટેટીવ કમિટી અને ક્રાઇમ પ્રિવેન્શન પેનલ (બર્મિંગહામમાં) ક્ષેત્રે કાર્યરત રહ્યા છે.
સાથે સાથે ગુજરાતી સાહિત્યના ચાહક રહીને હળવા કાવ્યમાં પોતાનો અછડતો પરિચય પણ આપે છે. તેમના શબ્દોમાં તેઓ ગામના કે ઘરના ‘જોગી' છે. જોગણ નથી … વેશધારી બાવા નથી. પાપ નથી કરતા, પુણ્ય પણ નહીં … મહેનત કરી બે રોટલી કમાય છે ….
કાવ્યરૂપે પમાતા તેમના ઓ આત્મપરિચયથી જાણે અજાણ્યે તેમનું એક ગુનાહિત માનસ (Guilty Conscious) જ છતું થયું છે. જયંત પંડ્યાએ તેમનામાં 'પટેલ ભાયડા'ના આખા બોલાપણાની તથા પોતાની વાત તડફડ કહેવાની ટેવ તો વર્ણવી જ છે. સમાજસેવાના અતિશય ભારથી લદાયેલી કેટલીક વ્યક્તિઓમાં આવી ઉણપો કે મર્યાદાઓ ઉત્પન્ન થાય છે તેમની પોતાને જ ખબર પડતી નથી … અને સમાજની જાણીતી અને માનીતી વ્યક્તિ નથી રહેતી ઘરની કે ઘાટની ! મહેમાન (શ્રી પંડ્યા) તો યજમાન (શ્રી અમીન)ની તથા અન્ય મિત્રોની સરભરા પામીને 'ગછન્તિ' કરી જાય છે. રસ્કિનનાં નિવાસસ્થાનો તથા લેઈક ડિસ્ટ્રકટની રમ્ય અપ્સરા ભૂમિ નિહાળીને.
(૧૫) સંસ્કારે દ્વિજ – પોપટલાલ જરીવાળા
પોપટલાલનો જન્મ 22 જુલાઈ 1928ના રોજ સુરતમાં થયેલો. મુંબઈમાં, શાળાઓમાં વિદ્યાર્થી તરીકે રાજકારણમાં રસ લેતા રહીને M.Com ડિગ્રી ડીસ્ટિન્કશન સાથે 1952માં મેળવી. 1946માં લગ્ન થયા. 1956માં બ્રિટનમાં B.Sc Economics કર્યું. મુંબઈમાં હિંદુસ્તાની પ્રચાર સમિતિ અને ગાંધી સ્મારક નિધિમાં કામગીરી બજાવી.
શિક્ષણ ક્ષેત્રે લંડનમાં નાની મોટી નોકરીઓના અનુભવ બાદ 1987માં ઇસ્ટ લંડનમાં શિક્ષણ સલાહકારની ફરજ બજાવીને ત્રણ વર્ષ (1989-1992) co-ordinatorની ફરજો બજાવી નિવૃત્તિ લીધી. 1964થી લેબર પાર્ટીની વહીવટ સમિતિના કોષાધ્યક્ષ, રીજિયનલ કાઉન્સિલ તથા શિક્ષક સંઘમાં સક્રીય રહ્યા છે.
તેઓએ બે સ્કૂલોના ગવર્નર પદે કાર્ય કરતા રહીને 1979થી 1998 સુધી, વીસ વર્ષ સુધી, જસ્ટિસ ઑફ પીસનું પદ સંભાળ્યું. ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે 1984થી તેમનો અનુબંધ જાળવીને સતત આઠ-નવ વર્ષ સુધી પ્રમુખપદ સંભાળ્યું છે. પાઠ્યપુસ્તકો અને પરીક્ષા સંચાલનમાં સક્રીય ફાળો આપ્યો છે. કુટુંમ્બમાં તેમનાં ઘરરખુ પત્ની તારાબહેન સાથે બે પુત્રો હેમંત અને કપિલ (ચિત્રકાર) અને પુત્રીઓ દક્ષા (ચિત્રકાર) અને ભારતી (અંગ્રેજી નવલકથાકાર) છે. તેમના નાનાભાઈ સ્વરૂપચંદ, સુરત શહેરના બે વાર મેયર હતા.
1984-1985ના ગાળામાં બ્રિટિશ તથા યુરોપીય પાર્લામેન્ટના ઉમેદવાર બનીને રાજકારણમાં રસ જાળવી રાખેલો, પરંતુ તે દિશામાં સફળતા મેળવવાનાં તેમનાં સ્વપ્નો અધૂરાં રહ્યાં હોય તેમ લાગે છે. દિલદાર 'પોપટલાલ'ને તેનો કોઈ વસવસો નહિ જ રહ્યો હોય !
(૧૬) કર્મ પરાયણ પ્રાણલાલ શેઠ
20 ડિસેમ્બર 1924ના રોજ કેન્યામાં જ પોતાના જન્મથી જ બ્રિટિશ નાગરિક બની રહેલા, કર્મનિષ્ઠા અને કુશળતાના પ્રતીક સમા પ્રાણલાલ શેઠ અનેક સંસ્થાઓના મોભી, સહાયક અને સેવાભાવી સેવક બનીને કેન્યા તથા યુ.કેમાં વસતી એશિયન, આફ્રિકન તથા અંગ્રેજ પ્રજામાં એક વિશિષ્ટ પ્રાણ સ્વરૂપે સામાજિક તેમ જ ખાસ તો રાજકારણ ક્ષેત્રે જાણે કે એક અપવાદ રૂપ જીવન જીવી ગયા !
યુવાન વયથી જ તેમને કેન્યાને સ્વતંત્રતા મળી તે પહેલાં એક 'પત્રકાર' તરીકે કારકિર્દીની શરૂઆત કરેલી. “કોલોનિયલ ટાઇમ્સ”ના ઉપતંત્રી અને “ડેઇલી ક્રોનીકલ”ના તંત્રી તરીકે બહુવર્ણી પ્રજા વચ્ચે સામાજિક ન્યાય અને સંવાદિતા સાધતાં ખાસ આફ્રિકન અને એશિયન મજૂરોના શોષણ સામે અવાજ ઊઠાવીને શ્રમિક સંગઠન રચવાની વૃત્તિ જાગી. પ્રથમ તો ઇસ્ટ આફ્રિકન ટ્રેડ યુનિયન કૉંગ્રેસના મંત્રી બન્યા. બેરિસ્ટરનો અભ્યાસ કરી કેન્યાની સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી. કેન્યા સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ બોર્ડ અને ઇકોનોમિક પ્લાનીંગ ડેવેલપમેન્ટ કાઉન્સીલના સભ્ય રહીને એશિયન હોસ્પિટલ ઓથોરિટીના તથા આદિવાસી રમખાણોની તપાસ સમિતિના સભાપતિ બન્યા. કેન્યાની સ્વતંત્રતા માટે ભરાયેલી લેન્કેસ્ટર હાઉસ પરિષદ ટાણે જરૂરી સલાહ પ્રદાન કરવાની સાથે, દેશના નવા કોન્સ્ટીટ્યુશનને ઘાટ આપવાનું કામ કર્યું. આદિવાસી રમખાણો અંગે તેમણે કરેલી તપાસ સમિતિનો કેન્યાટાએ પૂરેપૂરો અમલ કર્યોં.
સન 1966થી યુ.કે.માં સ્થાયી બન્યા. જાહેર જીવનમાં પરોવાયેલા રહેતા રહેતા ચેરમેન ડેવિડ લેઇન સાથે તેમણે વાઇસ-ચેરમેન તરીકે ‘કમિશન ફોર રેસિઅલ ઇકવાલિટી’માં સક્રીય ભાગ ભજવ્યો; જેના પરિણામે સન 1976નો સુધારેલો ધારો અમલમાં આવતાં વર્ણીય સંબંધોને નવી સમુદાર દિશા મળી. છેલ્લાં 25 વર્ષ સુધી જોઈન્ટ કાઉન્સિલ ફોર ધી વેલ્ફેર ઓફ ઇમિગ્રંટસ અને રનીમીડ ટ્રસ્ટ સાથે કામ કરતાં જરૂરી નાણાં ભંડોળ વધાર્યું. રાજકુમારી એનના છત્ર નીચે ચાલતી 'સેન્સ, યુ.કે.'ના ભાગ રૂપ, સેન્સ ઇન્ટરનેશનલ(બહેરા, મૂંગા તથા વિકલાંગો માટે)ના અધ્યક્ષ હોવા, ઉપરાંત પ્રિન્સ ઓફ વેઇલ્સની પ્રેરણા હેઠળ વર્ણીય લઘુમતીઓના સ્નાતકોના હિતમાં ચાલતી 'ધ વિન્ડસર ફેલોશીપ'ના પ્રાણલાલ ટ્રસ્ટી છે. 'એશિયન બીઝનેસ ઇનિશિયેટીવ’ના અધ્યક્ષ રહીને બેકારોને કામે લગાડતાં, પ્રોજેકટ- ફુલ એમ્પલોયના અધ્યક્ષ તરીકે 180 જાહેર ક્ષેત્રની કંપનીઓનો સહકાર મેળવ્યો. સન 1977માં Who’s Whoમાં પોતાનું નામ અંકિત થયું, સાથે સાથે 1998માં C.B.E પદ પ્રતિષ્ઠા પણ થઈ. એક માનવંતી ઉપાધિ સ્તો !
તેમના પત્ની ઇંદુબહેન સ્ત્રી પ્રવૃત્તિઓમાં રસ લે છે અને તેમના એક પુત્ર તથા પુત્રી બન્નેએ સૉલિસીટરની કારકિર્દી અપનાવી છે.
પ્રાણલાલ શેઠને વૈશ્ય કુળનું શાણપણ, પરિશ્રમ અને નિષ્ઠા વારસામાં મળ્યાં છે. લેખક જયંત પંડ્યાના શબ્દોમાં સમથળ વહેતી તેમની જીવનધારામાં કોઈ મોટી ભરતી કે ઓટ નથી, એશિયનોનું સ્થાન યુ.કે.માં 'બ્રિટિશ વ્યવસાયિકો' તરીકે ખાસ ઉજ્જવળ કર્યું છે. આથી વિશેષ તેમનું 'યોગદાન' શું હોઈ શકે ?! અસ્તુ.
(૧૭) નિજાનંદે મસ્ત રમેશ પટેલ – 'પ્રેમોર્મિ'
ઇ.સ.1936માં રમેશભાઈ પટેલનો જન્મ રંગૂનમાં થયો હતો, જ્યાં તેમના પિતા ભાઈલાલભાઈની જરઝવેરાતની પેઢીનો કારભાર વિકસ્યો હતો. 1942માં છ વર્ષની વયે વતન કરમસદમાં પ્રાથમિક ધોરણનો અભ્યાસ પૂરો કરી, માધ્યમિક શિક્ષણ માટે આર.પી. વિદ્યાલય, નાસિક જઈ ત્યાં અઢાર વર્ષે (1954) S.S.C. પાસ કરી. શાળામાં વધારાની પ્રવૃત્તિમાં હિંદી કોવિદ, સંસ્કૃતની મધ્યમા તથા ડ્રોઇંગની બીજી પરીક્ષા પાસ કરી.
બર્માની નાગરિકતા ગુમાવતાં, હિજરતી મળતા થોડા પાઉન્ડની મૂડીથી યુ.કે.માં, બર્મિંગહામ નજીકના વેસ્ટ બ્રોમીચ નામે નાના 70-80 હજારની વસ્તીવાળા ગામમાં 1957માં આવ્યા. ત્યાં દસેક ભાડૂતીઓ સાથે ગમાણ જેવી હોસ્ટેલમાં કડવા અનુભવો માણીને સહિયારી ભાગીદારીમાં કાપડનો સ્ટોર-વેપાર કરતા, રાત્રે કોલેજના ભણતર સાથે સંગીતપ્રેમી માલતી જૈન દંપતીના સંગે નવકલા ડાન્સ એકેડમી શરૂ કરી ને 1960માં લંડન આવીને રસેલ સ્ટ્રીટમાં 'ઇન્ડીઆ એમ્પોરિયમ’, કોફી હાઉસ સાથે ટ્રાવેલ એજન્સી શરૂ કરી. લંડનનાં અનેક થિયેટર અને હોલમાં સંગીત, નૃત્ય તથા નૃત્ય નાટિકાના જલસાઓમાં વૈજયંતી માલા, બિરજુ મહારાજ સાથે વાદકોની શ્રેણીમાં પંડિત રવિશંકર, નિખિલ ઘોષ, અલકનંદા (ડૉ. આઇ. જી. પટેલનાં પત્ની) આશિત તથા હેમા દેસાઈ જેવાં કલાકારોએ અકાદમીની નિશ્રામાં અને ત્યાર બાદ રવિશંકર હોલમાં સાહિત્ય-સંગીતના કાર્યક્રમો આપ્યાં છે.
રમેશભાઈએ શાકાહારી રેસ્ટોરાં 1974માં શરૂ કરીને 'અન્ન એ જ બ્રહ્મ' મંત્ર સ્થાપિત કર્યો. સ્વયં પાકશાસ્ત્રી પોતે સવારે ચાર વાગ્યે અગ્નિને નૈવેદ્ય ધરાવી, સાથે જ રહેતા કસાયેલા મિત્રોના સહકારમાં રસોઈઘર ચોખ્ખું અને સત્ત્વશીલ શરૂ કરીને શહેરના શાકાહારી વર્ગને આકર્ષે. 21 ઓકટોબર 2000 સુધી ચાલુ રહેલા આ મશહૂર 'મંદિર'માં, મોરારજી દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ, ચં.ચી. મહેતા જેવા અનેક મહાનુભાવો અને મુલાકાતીઓ સાથે સાહિત્યક્ષેત્રનાં મહેન્દ્ર મેઘાણી, વર્ષા અડાલજા, વિપુલ કલ્યાણી અને લેખક જયંત પંડ્યાએ પણ પગરણ માંડેલાં.
ફલોરિડાના ગેઇનવીલ ટાઉનમાં મેયર ગેરી ગૉર્ડને 17 સપ્ટેમ્બર 1985ના રોજ ત્યાંની સ્વચ્છ શાકાહારી હોટલની કદરદાનીમાં રમેશ બી. પટેલ 'ડે' જાહેર કરેલો.
નિજાનંદે મસ્ત 'રમેશ પટેલ' કાવ્યકૃતિઓ રચે, પોતે જાહેરમાં ગાય, કેસેટ પણ ઉતારીને જમવા આવતા લોકોને અનેક ભાષામાં કવિતાનો રસથાળ પિરસે. તેમની આઠ ભાષામાં મુદ્રિત કાવ્યકૃતિ 'હૃદયગંગા' તથા 27 ભાષામાં 'કૂવો' સાથે 'ઝરમર ઝરમર' જાણીતી છે.
છેલ્લે તંદુરસ્ત સ્વાસ્થ્યને પોષતું તેમનું 'કુશલ આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર' પણ તેમના કર્મકાંડી જાહેર જીવનનું એક અગત્યનું પાસું છે !
(૧૮) સૌજન્ય મૂર્તિ – સૂચક
તુલસીદાસ પુરુષોત્તમ સૂચકનો જન્મ સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા માધવપુર ગામે વીસમી સદીના પહેલા દસકા બાદ થયેલો. સૂચકજીના જન્મ બાદ થોડે મહિને તેમના પિતા પુરુષોત્તમનો દેહાંત થયો અને પાંચ વર્ષની ઉંમર થતાં તો 'માતા' પણ વિદેહ થયાં. અનાથ બનેલા ટી. પી. સૂચકે જાણે કે જોડિયાના લોહાણા અનાથ આશ્રમમાં ઉછરીને મૃદુ બોલચાલ અને વિનમ્રતાની આજીવન દીક્ષા લીધી.
મેટ્રિક સુધીનું ભણતર પૂરું કરી સૂચકજીએ, યુગાન્ડામાં મોટાભાઈ (દામોદર) સાથે જોડાઈને કેમ્બ્રિજ મેટ્રિક, અને કાયદાનો અભ્યાસ કર્યા બાદ, જિન્જામાં વકીલાત શરૂ કરીને ધારાશાસ્ત્રીની નામના મેળવી. ગાંઘીજીના પ્રભાવ હેઠળ દોરાઈને અસીલોને સમાધાનના રાહે ચઢાવી પ્રતિષ્ઠા મેળવી. 1935-1970 દરમ્યાન વકીલાત ઉપરાંત, ખાદીધારી રહીને સામાજિક સેવાપ્રદાન કરતાં 'મહાજન'નો મોભો પામ્યા. જિન્જાની સાર્વજનિક શાળાઓ, વાલીમંડળ તથા નાનજી કા. પુસ્તકાલયમાં સાહિત્ય, શિક્ષણ અને કલાક્ષેત્રે અનુદાન આપતાં, ઇન્ડીઅન એસોસિયેશનના પ્રમુખપદે વર્ષો સુધી સક્રીય રહ્યા. સાહિત્ય સભા મંડળ, જિન્જાના ઉપક્રમે કાકા કાલેલકર, કિશનસિંહ ચાવડા તથા ઇંદુલાલ યાજ્ઞિકની મુલાકાતોનો લાભ મળ્યો. ભારતીય સા. સંધના સંચાલક ઈશ્વરલાલ દવેના રૂબરૂ સંપર્કમાં આવતાં તેમની વાર્તા-નવલકથાની લેખન પ્રવૃત્તિ વિકાસ પામી. બૉર્ડિંગમાં નાની વયે મોટાભાઈએ જગાવેલો મહારણા પ્રતાપ જેવી પરાક્રમી કથાઓનો રસ ફરી જાગ્રત થયો અને પરિણામે તેમની સાહિત્ય લેખક પ્રવૃત્તિ “નિલોત્રી”, “જાગૃતિ” દીપોત્સવી અંકો તથા “ઊર્મિ અને નવરચના”ના અંકોમાં ઝળકી ઊઠી. ગુજરાતની મુલાકાત ટાણે ઝવેરચંદ મેઘાણી, રમણલાલ વ. દેસાઈ, ઈશ્વર પેટલીકર, ક. મા. મુનશી વગેરેના પરિચય અને સાહિત્ય સંપર્કથી પણ તેમના લેખનમાં તેજી આવી. 1970ના અરસામાં બ્રિટન આવ્યા બાદ તેમની વાંચન તથા લેખન પ્રવૃત્તિ ચાલુ રહી.
લેખક પંડ્યાની મુલાકાત ટાણે બ્રિટનમાં પાંગરેલા સાહિત્યના કેટલાક કલમી આંબાઓ, જેમ કે ભાનુશંકર ઓ. વ્યાસ, ભાનુબહેન કોટેચા …વગેરે સદ્દગત થયાં છે. છતાં ઘણા બધા નાની મોટી વયના સાહિત્ય-રસિક મિત્રોએ સૂચકજીની આસપાસ તેમની આથમતી સંધ્યાએ પોતાના દીવા ટમટમતા રાખ્યા છે. જેમ કે ડાહ્યાભાઈ કવિ, બળવંત નાયક, વનુ જીવરાજ, યોગેશ પટેલ, કુસુમ પોપટ, પોપટલાલ પંચાલ, વલ્લભ નાંઢા, વિનય કવિ, રમેશ પટેલ, પ્રફુલ્લ અમીન, ભદ્રા વડગામા … લંડનની બહારના વિસ્તારોમાં ગઝલના ઉપાસકો, પ્રવીણ સાંગાણી જેવા નાટ્યરસિકો તથા ગીતોનો ગુંજારવ રેલાવનારા ચંદુભાઈ મટાણી છે.
યુ.કેના સાહિત્ય જ્યોતિ મંડળના આ ધ્રુવતારકોના કેન્દ્રમાં સૂચકજી સાથેની આ અદ્વિતીય મુલાકાતને પોરસાવતી લેખક જયંત પંડ્યાના શબ્દોમાં 'ગુજરાતી લિટરરી અકાદમી' અને માસિક “ઓપિનિયન” અગ્રસ્થાને પ્રકાશિત છે, અને આ બન્નેના સૂત્રધાર તરીકે કવિ નર્મદ જેવો જોસ્સો ધરાવનાર વિપુલ કલ્યાણી અને તેમનો પરિવાર ગુજરાતી ડાયસ્પોરા પર્વની જૂની-નવી પેઢીનું સાયુજય અંકે કરતાં સૌને પ્રતીતિ કરાવે છે. સોમનાથને ખોળે ઉછરેલા અને નવનવ દસકાના આરે ઊભેલા 'સૌજન્યમૂર્તિ' સૂચકજીનું પંડ્યાજીએ કરેલું વેધક મૂલ્યાંકન આથી વિશેષ શું હોઈ શકે?!
(૧૯) બહેનોનો વિસામો : વિલાસબહેન ધનાણી
ઇ.સ. 1972થી 'શ્રાવિકા સત્સંગમંડળ'ની અનેક સેવાભાવી બહેનો, લંડનના ઉત્તર-પશ્ચિમ વિભાગના 'ડેનીસ જેકસન સેન્ટર' મુકામે વિલાસબહેન ધનાણીનાં વડપણ હેઠળ વિવિધ ફળદાયક પ્રવૃત્તિઓ ચલાવી રહી છે.
ખાસ તો આ દેશમાં મુશ્કેલીઓ અને મૂંઝવણ અનુભવતી બહેનોને વિસામો આપી, નિર્ભય બનાવી, તંદુરસ્તી પ્રદાન કરી, બનતી સહાય આપવાનું કામ આ મંડળ કરે છે. વધુમાં રિફલેક્સોલોજીનો અભ્યાસક્રમ અને યોગના વર્ગો ચલાવી આયુર્વેદ-એક્યુપ્રેશર પદ્ધતિથી ઉપચાર કરવામા આવે છે. આરંભે ઉપચાર-સારવારની સગવડ મફત હતી. પરંતુ સંખ્યા વધતાં ત્રણ પાઉન્ડ વ્યક્તિ દીઠ ફી વસુલ કરવામાં આવે છે.
મહેમાન કવિ સુરેશ દલાલની સારવાર કર્યાના બદલામાં, મંડળે 'ફી'ને બદલે તેમની કવિતા સાંભળીને ઉકેલ કાઢ્યો, વ્યવહારુ ઢબે. મંડળમાં એકત્ર થતી રકમ અસહાય અને અભાવ-ગ્રસ્ત માણસોના શ્રેય અર્થે વપરાય છે. હિસાબ-કિતાબ, ભંડોળની લાંબી વિધિમાં પડ્યા સિવાય.
તા.12 મે 1999ના રોજ 'મંડળ'ના આમંત્રણથી જયંત પંડ્યા, જયાબહેન દેસાઈની મોટરગાડીમાં સેન્ટર પર આવ્યા અને બહેનોની પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ નિહાળી, તેમની સાથે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરીની તક મેળવી. સાથે સાથે શ્રીમંત વેપારી પરિવારનાં ગૃહિણી-સન્નારી છતાં કશા ય ભપકા વગરનાં સીધાં સાદાં વિલાસબહેન ધનાણીનો એક આદર્શ અને ભાતીગળ સમાજ-સેવિકા સ્વરૂપે વિરલ પરિચય થયો. પંડ્યાજીને મુલાકાતની તક આપ્યા બદલ, પ્રતિભાવમાં પોતાના 'મૂડીરોકાણ' સ્વરૂપે બહેનોને આ મુલાકાતી લેખક-કવિ તરફથી એકાદ-બે કાવ્યો સાંભળવાનો આનંદ પ્રાપ્ત થયો. થોડા દિવસો બાદ આ મૂડીરોકાણના ડિવિડન્ડરૂપે પંડ્યાજી વિલાસબહેનના પતિ રતિભાઈનો વેપાર-કારોબાર (કાર્યાલય અને વિશાળ વેરહાઉસ) જોવાની તક મેળવે છે. જથ્થાબંધ બજારો-સુપરમાર્કેટસને ટ્રોપિકલ ફ્રૂટસ એન્ડ વેજિટેબલ્સ પૂરા પાડે છે. નાના રજવાડા જેવા વેરહાઉસમાં યાંત્રિક કાંટા, ક્રેઇન્સ, ટ્રોલીઓ જોવા મળે. દીકરી-જમાઈ કર્મચારીઓ સાથે તંત્ર ચલાવે. યજમાન દંપતીએ પંડ્યાજીને વેરહાઉસમાં પણ ભરપૂર ચા–નાસ્તાથી તરબોળ કર્યા !
વળી પાછો 6 જૂન 2009ના રોજ પંડ્યાજીને વિલાસબહેન-રતિભાઈનાં હૂંફાળા, સગવડવાળા નિવાસસ્થાન-ઘર સાથે સત્સંગ માણવાનો અવસર સાંપડ્યો.
નાઇરોબીમાં જન્મેલ, ફકત '0' લેવલ સુધીનો જ અભ્યાસ કરી શકેલાં વિલાસબહેનનાં દાક્તર થવાનાં સ્વપ્નો અધૂરાં રહ્યા. 1955માં લગ્ન બાદ નાઇરોબીથી 50 માઇલ દૂર મુકુયુના જંગલના આફ્રિકન માહોલમાં, વસવાટ કરી રસોઈ, બાલઉછેર, ભરતકામ, હાથકારીગરી કરતાં મિશનરી હોસ્પિટલમાં માંદા માણસોની ભાળ લેતાં ગ્રામક્ષેત્રમાં શક્ય તેટલાં મદદરૂપ થયાં.
ધર્મ, અધ્યાત્મ, શરીર વિજ્ઞાનને લગતાં પુસ્તકોના વાંચનથી તેમની મુખાકૃતિનું સૌમ્ય તેજ ઝળહળે અને ચિત્તની શાંતિએ તેમના હોઠો ઉપર અવિરામ સ્મિત ફરકતું રહે. મહેન્દ્ર મેઘાણી, ફાધર વાલેસ અને મનુભાઈ પંચોળી જેવા મહેમાનોએ તેમના ઉદાર હૃદયની ઉષ્મા માણી છે.
ડાઈનીંગ ટેબલ પર વિવિધ વાનગી (બાજરીના રોટલા … ગોળ …. જલેબી) જમતા પંડ્યાજીને જોતાં … વાત કરે છે … "તમને જોતાં મારા બાપુજી યાદ આવે છે." ફરી વાત દોહરાવતા પંડ્યાજી પ્રત્યુત્તરમાં કહે – "તમારા જેવી દીકરી મળે એ તો વરદાન જ" દીકરી 'વિલાસબહેન'ને પિતાની ફરજે કરિયાવર કરવાનાં સ્વપ્નો જોતાં પંડ્યાજી …. સંસારત્યાગી સાધુ બનીને જાણે કે …. શૂન્યમનરક બનીને પુત્રી સમાં વિલાસબહેન તરફથી સામેથી અપાતા કરિયાવરના પ્રતિક તરીકે ગાંઘીજી વિશે રોબર્ટ પેઇનનું દળદાર પુસ્તક, ખજૂર, મુખવાસ માટે આદુની ગોળીઓ અને હળદળના ટુકડાની શીશી પ્રાપ્ત કરે છે. વિધિની વકતા કે નસીબની બલિહારી ? રતિલાલ તો તટસ્થ રહીને સરખે સરખા મિત્ર જેવો જ સંબંધ જાળવી રાખે છે.
જન્માંતરોના પ્રેમાળ ઋણાનુંબંધે આત્મનંદિની સ્વરૂપે સાક્ષાત પ્રગટમૂર્તિ વિલાસબહેન ધનાણી વિદાયની ઘડીએ ટહુકો કરે છે – 'ફરી વાર તમારે આવવું પડશે'.
પંડ્યાજીનો કવિ જીવ મહાકવિ કાલિદાસના શાકુન્તલમાં ભાવવિભોર બની ખોવાઈ જાય છે ! કારણ કે લંડનની બહેનોનો વિસામો બનેલી આ વ્યક્તિ – વિલાસબહેન જીવનસંધ્યાના આખરી દિનોમાં જાણે કે એકલવાયા 'દિલનો દિલાસો' બનીને આપ્તજન સમી કવિના હૃદયમાં પણ ઉભરી રહી છે !
(૨૦) 'સર' વિપુલ કલ્યાણી
તા. 26-11-1940ના રોજ અરૂશા(તાન્ઝાનિયા)માં જન્મેલા વિપુલભાઈ ભગવાનજી કલ્યાણીએ પ્રાથમિક શિક્ષણ આ દેશમાં પૂરું કરીને, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયા(સૌરાષ્ટ્ર)માં પૂરું કર્યું. ત્યારબાદ સિનિયર કેમ્બ્રિજનું પ્રમાણપત્ર તાન્ઝાનિયામાં અંકે કરી, વિલ્સન કોલેજ(મુંબઈ)માં અભ્યાસ કરી રાજયશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે એમ.એ. કર્યું.
આ કોલેજના પરિસરમાં જ ગાંઘી યુગમાં પ્રગટેલાં નૂતન રાષ્ટ્રીય મૂલ્યોના ફળસ્વરૂપ ગાંઘીઆશ્રમવાસી પિતાની પુત્રી કુંજબહેન પારેખ સાથે પ્રગટેલા સ્નેહથી વિપુલભાઈ ઇ.સ.1968માં આંતરજ્ઞાતિય લગ્નથી જોડાયા, ચીલાચાલુ સામાજિક રીતરિવાજ ઉવેખીને.
જયંત પંડ્યાએ વીસેક વર્ષ પહેલાં થયેલા પ્રથમ પરિચયનાં સ્મરણો તાજાં કરી તેમની ચમકતી આંખો સાથેની આબેહૂબ મુખાકૃતિ, ખાદી પહેરણ-લેંઘાનો વેશ, ખભા પર અધમણ વજનનો થેલો, ખુશહાલ વદને નર્મદના નિર્ભય જોસ્સાસમી વિશેષણ ભરપૂર એકપક્ષી મેળાપી સાથેની નિર્દોષ વાતચીત વગેરે વર્ણનથી, પરિણામની ચિંતા જાણે કે નિયતીને સોંપીને વર્તતા તેમનું સપ્તરંગી વ્યક્તિત્વ ચિતર્યું છે.
ગુજરાતી લિટરરી એકેડમીનું (અભ્યાસબાદ દશ વર્ષ 'પત્ર'ની દુનિયામાં રાચીને) વિપુલભાઈ લંડનમાં પોતાના નિવાસસ્થાને જ તેની સ્થાપના કાળ(લગભગ ઇ.સ. 1975)થી જાણે કે એકલપંડે સાથીદારો સાથે મનમળે કરતા રહીને સંગોપન અને સંવર્ધન કરતા રહે છે, અને કુંજબહેન કડપદાર મહોરા સાથે પણ શિસ્તપાલન કરાવીને મનુભાઈ પંચોળી કે મહેન્દ્ર મેઘાણી જેવા મહેમાનોની સરભરા કરતાં નોકરી સાથે ઘરસંસાર ચલાવે છે. સાથે વહાલનાં દરિયા સમી એકની એક દીકરી કુન્તલની ઊર્મિછોળ બન્નેને ભીંજવતી રહે છે !
યોગક્ષેમવહન માટે પોસ્ટ-ઓફિસમાં નોકરી અને અનુવાદ પ્રવૃત્તિ કરતાં, તેઓ સાથે સાથે 'જસ્ટિસ ઓફ પીસ' નિમાઈને જાહેર સેવા ક્ષેત્રે પરોવાયા. ઇ.સ.1995થી ખાસ યુ.કે.ના ગુજરાતી જગતના વિવિધ પ્રાણપ્રશ્નોની ચર્ચા-વિચારણા કે ટીકા-ટિપ્પણને વાચા આપવા માસિક “ઓપિનિયન”નું પ્રકાશન શરૂ કર્યું. શુભ ફળસ્વરૂપ વિશ્વવ્યાપી ચાહક વાચક વર્ગ સાથે અનેક જૂના-નવા લેખકોના આદાન-પ્રદાન સાથે લેખાં-જોખાં મંડાયાં ! જયંત પંડ્યાના શબ્દોમાં અકાદમી અને “ઓપિનિયન” બન્ને જીવનવાડીનાં વૃક્ષોના ઉછેરથી નામદાર – કલ્યાણીનો 'પાઇની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં' જેવો ઘાટ થયો છે !
ગુર્જરવાસી લેખક જયંત પંડ્યાને, ઇ.સ. 1999 દરમ્યાન તેમનાં શરીર-મનની આધિ-વ્યાધિ દૂર કરવાના શુભ ઇરાદાથી, પ્રથમ તો ત્રણ માસ માટે વિપુલભાઈએ વ્યક્તિગત જવાબદારી સાથે લંડન તેડાવ્યા હતા. 24 એપ્રિલ “ઓપિનિયન”ની પાંચમી વર્ષગાંઠ ઉજવાઈ તે ટાણે પરિસંવાદમાં ભાગ લઈ, પ્રકાશ શાહ દંપતી અને પ્રીતિ સેનગુપ્તાના સથવારામાં, ઉત્તર ઇંગ્લેન્ડ અને લંડનનાં જોવાલાયક સ્થાનોની મુલાકાત પંડ્યાજીએ લીધી ….
યુ.કે.ના આ પ્રથમ પ્રવાસે આવતા પહેલાં, દર્શક ફાઉન્ડેશને પંડ્યાજીને 'પૂર્વ આફ્રિકાના ગુજરાતીઓ' વિશે હાથવગી સામગ્રી ભેગી કરવાનું કામ સોંપેલું. તે નિમિત્તે કેટલાંક 'વ્યક્તિચિત્રો' વિપુલભાઈના અપ્રતિમ સાથ અને સહકારના નિષ્કર્ષ રૂપે લખાયાં તે “નિરીક્ષક”માં છપાયાં હતાં.
ફરી વાર ઇ.સ. 2000માં એકેડેમીની બ્રેડફોર્ડ મુકામે યોજાયેલી છઠ્ઠી ભાષા-સાહિત્ય પરિષદ ટાણે આવકાર મળતાં, 'સ્કોટલેન્ડ' અને ‘વેલ્શ’નો પણ પ્રવાસ કરી, જે અનેક જોવાલાયક સ્થળો અને ગુર્જર-સેવી મહાનુભાવોની મુલાકાત્તો લીધી, તેના નિષ્કર્ષ રૂપે સર્જન થયું, તે 'સ્મરણો દરિયાપારનાં’. એક અમૂલ્ય પુસ્તક, જેમાં કુલ વીસ વ્યક્તિચિત્રો સંકલિત થયાં છે. આ છેલ્લા વ્યક્તિચિત્રમાં પંડ્યાજીએ નવું જીવન પ્રદાન કરીને સ્નેહની સંપદા આપનાર ઇંગ્લેન્ડને પણ પોતાનું માનીને અહોભાવ અને રાજીપો વ્યક્ત કર્યો છે. પ્રવાસમાં જોયેલાં અનેક સ્થળોનો રસાસ્વાદ કરાવ્યો છે. જેમ કે કોવેન્ટ્રીમાં નિરાવરણ લેડી ગોડાઇવાની પ્રતિમા, કાર્લમાકર્સની આરામગાહ, લિંકન ઇન, બ્રિસ્ટલમાં રોહિત બારોટ સાથેની મુલાકાત અને રાજા રામમોહન રાયની પ્રતિમા …. કુંજબહેનનાં પાડોશમાં, એકલપંડે જીવતી વૃદ્ધ ડોશી(મિસિસ મેન)ની બહુવર્ણી સમાજના સંબંધો ઉજાગર કરતી ભાવમયી કથા …
તત્કાલિન વડાપ્રધાન ટોની બ્લેરને મળવાનો પ્રયત્ન સફળ ન થયો હોવા છતાં, આ લેખક બ્રિટિશ રાજવહીવટની જવાબ આપવાની શિસ્ત પ્રણાલીને તટસ્થપણે મૂલવે છે પણ ખરા !
છેવટે વિપુલ કલ્યાણીના 'સહચારી ભાવ'ની મૂલવણી તો જાણે કે વાચકોના હૃદયમાં એક અમીટ મહોર મારી જાય છે.
જયંત પંડ્યા, કવિમિત્ર લાભશંકરના કાવ્યને યાદ કરતાં, જાણે કે વિપુલ કલ્યાણીનું આવેશમાં એક સોજ્જુ મિત્ર ઋણ અદા કરતા હોય તેમ જણાવે છે કે સરોવરમાં અવિરત કલબલ મચાવી તરતાં અનેક આનંદમગ્ન હંસો જેવા માનવજીવોની વચ્ચે ગુર્જરવાણીના એક જવલંત પ્રતીક (Knight-errant) સમા શોભતાં વિપુલ કલ્યાણીને રાણી તરફથી 'નાઇટહુડ'નો સિક્કો પ્રાપ્ત થાય કે ન થાય તો પણ તેમનો અંતરાત્મા તો આવનાર ભવિષ્યનાં એંધાણ પારખીને પોકારી જ રહ્યો છે. આ શબ્દો : સર વિપુલ કલ્યાણી ! પરંતુ વિપુલ કલ્યાણી જાણે અજાણ્યે પ્રસિદ્ધિના ઉમળાકાથી તો દૂર જ રહ્યા છે.
સમાપન :
“ઓપિનિયન”ના સૌજન્યથી પ્રાપ્ત આ પુસ્તકના વીસ વ્યક્તિ ચરિત્રોની સમીક્ષાનું તટસ્થ આલેખન, આટલા વિલંબ બાદ, પણ શક્ય તેટલા સંક્ષેપમાં, યથામતિ થઈ શકયું છે, તેનો વિશેષ આનંદ છે. કુસુમબહેનના અપાવાદ સિવાય અન્ય વ્યક્તિઓ પંડ્યાજીની મુલાકાતો ટાણે બ્રિટનવાસી હતી.
અદમ ટંકારવી, બાબુ રામા, લોર્ડ નવનીત ધોળકિયા, કુસુમબહેન અને પ્રફુલ્લ અમીન, આ પાંચના અપવાદ સિવાય બીજી પંદર વ્યક્તિઓ બ્રિટનવાસી બન્યા પહેલાં પૂર્વ આફિકામાં જાહેર સેવાક્ષેત્રે તથા સાહિત્ય-સંગીત અને કલામાં રસ-રૂચિ ધરાવતી. શરૂઆતનાં પાન પર જણાવ્યું તેમ પંડ્યાજીએ પોતાની નાદુરસ્ત જેવી તબિયતે પણ આ દેશની તેમની બે મુલાકાતો, દરમ્યાન આ વ્યક્તિઓનો રૂબરૂ સંપર્ક કરી, તેમના ગુજરાત-સ્થિત પુરોગામી 'દર્શક'ના સોણલાં સાકાર કર્યા.
***
તેમની સન 1999 – પ્રથમ મુલાકાત ટાણે મારો તેમની સાથે બેત્રણ વાર વેમ્બ્લીના 'સેવક પરિવાર'ના નિવાસસ્થાને (જ્યાં તેમનો ઉતારો હતો) એક આછો પાતળો જ પરિચય થયો હતો. આ પુસ્તકનાં અનેક વાર વાંચનથી એ પરિચય તો હવે દૃઢ થયો છે. પરંતુ કાલના પ્રવાહમાં, તેમની સાથે કેટલાંક પુસ્તકમાં ચિતરિત પાત્રો પણ સદ્દગત થયાં છે ! તે સૌ વિલોકવાસી આત્માઓને સ્મરણાંજલિ સાથે, હવે જે વ્યક્તિઓ હવે હયાત છે, તે સૌને (અજાણ્યાને ખાસ મૂલવવાની ઉત્સુકતા સાથે) એક 'કવિ'ના શબ્દોમાં, આ ટાણે સૌ વાચકો સાથે ભાવભરી વિદાય.
'રે પંખીડા સુખથી ચણજો, ગીત વા કાંઈક ગા જો' સાથે અટકવાની રજા લઉં છું !!
e.mail :gnpatel@hotmail.com