આશરો માગતાં માણસની સ્નેહભરી માતા, ‘સ્વાધીનતાની દેવી [Statue of Liberty], ઘોષણા કરે છે : ‘સોંપી દો, મારા ખોળામાં તમારાં તપ્ત, ત્રસ્ત, ભૂખ્યાંતરસ્યાં, ખુલ્લી હવામાં શ્વાસ લેવા તરફડિયાં મારતાં જનોને … !’
યુરોપમાંથી અમેરિકામાં આવી વસેલા ઘણાખરા લોકો બહેતર જીવનની ઝંખના સાથે આવ્યા હતા. કોઈ રાજકીય દમનથી બચવા, તો કોઈ ધર્મને નામે થતા અત્યાચારોને કારણે આવ્યા હતા. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં, અમેરિકામાં આવી વસેલા લોકોના અનુભવ અને અર્થ બદલાતા રહ્યા છે અને બદલાતા રહે છે.
બધા આપ્રવાસીઓ એકસમાન નથી. એમની અનેક શ્રેણીઓ છે. ‘ઇમિગ્રન્ટ[Immigrant]’(સ્થળાંતરી)નો દરજ્જો ‘એમિગ્રે[émigré]’ (રાજકીય સ્થળાંતરી) કરતાં નીચો છે, પરંતુ આશરા વિનાના વિદેશી કરતાં ઊંચો છે. ઇમિગ્રન્ટ સામાન્ય રીતે પોતાની મરજીથી પોતાનો દેશ છોડીને વસવા આવ્યો હોય છે, જ્યારે એમિગ્રેને રાજકીય કારણોના દબાણ હેઠળ પોતાનો દેશ છોડવાની ફરજ પડી હોય છે. શરણાર્થી પણ રાજકીય અથવા બીજા કોઈ જોખમની બીકમાં પોતાનો દેશ છોડીને ભાગ્યો હોય છે. એક્સ્પૅટ્રિયટ, એટલે કે દેશવટે આવેલાનો અલગ વર્ગ છે. એ વિદેશમાં વસે તો જરૂર છે, પણ યજમાન સમાજમાં ભળવાથી બચવા માટે સજાગ હોય છે.
મધ્યકાલીન યુરોપમાં દેશનિકાલની સજા સૌથી ખરાબ મનાતી. એમાં હીણપત અને ઝુરાપાની વેદના હતી. મહાકવિ દાન્તેને દેશવટાની સજા થઈ ત્યારે એમને તો ફ્લોરેન્સથી માત્ર સોએક માઇલ દૂર વસવાનું હતું પણ એમને મન એ સામાજિક મૃત્યુ હતું. દેશવટે રહીને એમણે ‘ઇન્ફર્નો’ની રચના કરી, તેમાં પણ એમની આ વ્યથાનો પડઘો ઝિલાયો છે. માતૃભૂમિ માટે એક આંતરિક અને અકળ ખેંચાણ રહેતું અને હવે વતનનાં ઝાડ ફરી જોવા નહીં મળે એનો વસવસો મનમાં વકરતો રહેતો.
આજે તો સ્કાઇપ, ફેસબુક, ટ્વિટર અને વેબકૅમનો જમાનો છે એટલે બીજા દેશમાં જઈને વસવાથી હિજરાવાની લાગણી પેદા થાય એમ નથી. હવે વતન માટેનો ઝુરાપો મોટા ભાગે હળવો થઈ ગયો છે, જૂના ઘરની યાદ તો હવે તોરણ બનીને નવા ઘરની બારસાખે ઝૂલતી હોય છે.
આપ્રવાસીનું મન તો ઊડીને વતનમાં પહોંચી જતું હોય છે, પણ એ બેમાંથી એક પણ દુનિયામાં રહી શકતો નથી. એ નવા દેશમાં કોઈ નવું સ્થાન જૂએ છે તો એને વતનના કોઈ સ્થાન સાથે જોડે છે. એ સતત નવા ઘરમાં પોતાનું જૂનું ઘર જોવા માગતો હોય છે. એની નિષ્ઠા, પ્રેમ, સંસ્કૃિત – બધામાં નવા અને જૂનાની ભેળસેળ થતી હોય છે. એ હંમેશાં ત્રિશંકુ બનીને જીવતો હોય છે. આપ્રવાસી બેવડું જીવન જીવે છે. ઘરની બહાર એ નવી દુનિયાનો માણસ બની રહેવાનો પ્રયાસ કરે છે, તો ઘરને એ જૂના ઘરની પ્રતિકૃતિ બનાવવા માગે છે, પણ મોટા ભાગે એને બન્નેમાં કામયાબી નથી મળતી.
એ મૂળથી ઊખડી ગયો છે અને નવી ભૂમિમાં ફરીથી મૂળિયાં નાખવા પ્રયત્ન કરે છે. નવી ભૂમિ સાથે એ જોડાવા તો માગે છે, પણ જૂની ભૂમિ સાથે પણ જોડાયેલો રહેવા માગે છે. એ સ્થિર થવા મથે છે અને સતત ડગમગ્યા કરે છે. એક જગ્યાએ અડગ ઊભો રહેવા માગે છે પણ સતત સરકતો રહે છે. એ ઠરીઠામ થવા માગે છે પણ ભળી કેમ જવું તે સમજી શકતો નથી. આપ્રવાસી નિરંતર ક્યાંક જતો હોય છે અને ક્યાં ય પણ પહોંચતો નથી. એ ‘નવા આકાશ’માં ઊડવા માટે મરણિયા પ્રયાસ કરે છે પરંતુ મન ‘જૂના પિંજરા’નો મોહ છોડી શકતું નથી.
એ હંમેશાં અંતર્મુખી બનીને પાછળ જે છૂટી ગયું છે તેના તરફ મીટ માંડે છે. એની સ્મૃિતમાં સચવાયેલી અને થીજી ગયેલી જૂની દુનિયાના સમય, સંસ્કૃિત અને મૂલ્યોમાં જીવતો હોવાની એ કલ્પના કરે છે. એને કદાચ ખબર પણ નથી હોતી કે એની જૂની દુનિયા પણ ધીમે ધીમે બદલાતી રહી છે. એ તો પોતે છોડેલી દુનિયામાં જ જીવે છે અને એને જ, અથવા એના ખ્યાલને વળગી રહે છે.
બે ઘોડે બેસવાની ખાએશ એના મનને કોરી ખાય છે. જૂની ઓળખના અંશોને એ જકડી રાખવા મથે છે, અને નવી ઓળખને આંબવા માટે કૂદકા મારે છે, પણ આ જહેમતમાં એને જે જોઈએ તે નથી મળતું. આ દરમિયાન એ પોતાના મુલકમાં પણ અજાણ્યો બની ગયો હોય છે. એ ઘણા ચહેરાને પોતાના ગણાવે છે, પણ એકેય ચહેરો એને પોતાનો નથી ગણતો!
એ બહુ મહેનત કરીને પોતાની બોલવાની લઢણ છુપાવવા મથે છે પણ એ તો અનાયાસે પ્રગટ થઈને ચાડી ખાય છે કે એ તો બહારનો છે. બોલવાની લઢણ તો એને જૂની ભાષામાંથી મળી છે અને એ એને દેશના મુખ્ય જીવનપ્રવાહના લોકોથી અલગ પાડી દે છે. ઉચ્ચારની લઢણ નવી ભાષા પ્રત્યેના અર્ધચેતન મનના વિદ્રોહનું દર્પણ છે.
માત્ર અમેરિકન નાગરિક બની જવાથી કશું વળતું નથી. એટલા માત્રથી કોઈ પોતાની જૂની નિષ્ઠાઓને ભૂલી શકતું નથી, ભલે ને, તમારું સોગંદનામું તમને ફરજ પાડતું હોય. ભારતીય અમેરિકન પોતાની વંશીયતા કે સાંસ્કૃિતક વારસો જાળવી રાખવા માટે બધા જ તહેવારો ઊજવે છે, બોલીવૂડની ફિલ્મો જૂએ છે, ભારતીય રેસ્ટોરન્ટો ખોલે છે, ક્રિકેટના સમાચારોમાં રસ લે છે, જુદા જુદા સંપ્રદાયોનાં દેવસ્થાનો બાંધે છે, નવા દેશમાં ભારતીય સાહિત્યિક જૂથો બનાવીને ચર્ચાઓ કરે છે, ભારતનાં છાપાં અને સામયિકો વાંચે છે.
૧૯૭૦ના દાયકામાં અમેરિકા આવેલા મોટા ભાગના મારી પેઢીના ભારતવાસીઓ પોતાની વ્યાવસાયિક કુશળતાને કારણે ઉજ્જ્વળ ભવિષ્ય માટે આવ્યા. તે પછી એમનાં કુટુંબીઓ એક પછી એક એમની સાથે જોડાયાં. કેટલાક તો આધેડ વયે આવ્યાં. એમનો ઉદ્દેશ એમનાં સંતાનોને સારું જીવન આપવાનો હતો. તાજેતરમાં H1 વીસાવાળા લોકો થોડા વખત માટે આવ્યા અને કાયમી ધોરણે રહી ગયા. વળી કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ પણ છે, એ પણ હવે સ્થળાંતરીઓની યાદીમાં ઉમેરાયા છે. તે ઉપરાંત, કેટલાયે ગેરકાનૂની રીતે આવેલા પરદેશીઓ છે જે સમાજના ઉપેક્ષિત ખૂણે જીવે છે. અહીં એમના જીવનમાં કદાચ અભાવ અને દરિદ્રતા સિવાય કઈં નહીં હોય, તેમ છતાં એમને લાગે છે કે વતન કરતાં તો ………. અમેરિકામાં સારું છે.
આ ભારતીય પ્રવાસીઓના વલણમાં, ભારત માટેના લગાવમાં કે અમેરિકન સમાજમાં ભળવાની એમની ક્ષમતામાં ઘણો તફાવત જોવા મળે છે અને દરેક જૂથનાં ધ્યેયો પણ નક્કી જ હોય છે.
થોડા વખત પહેલાં હું ભારતમાં મારા શહેરમાં આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહીં તો હવે સાઇબર કૅફે, મૅકડૉનલ્ડ, પાશ્ચાત્ય ફૅશનોનો પ્રચારપ્રસાર કરતાં બૂટિક, ઊંચી ઇમારતો અને નાઇટ ક્લબો પણ છે! મારી સ્મૃિતમાં સંઘરાયેલા, સચવાયેલા શહેરનો રડ્યોખડ્યો અંશ પણ માંડ જોવા મળ્યો. દેશની સભ્યતા અને વિદેશી સભ્યતા વચ્ચેની ભેદરેખા લગભગ ભુંસાઈ જવાને આરે હોય એમ બન્ને વચ્ચે ખાસ કઈં અંતર જ જોવા ન મળ્યું.
મને સમજાયું કે મારું વતન મારી સ્મૃિતમાં બહુ ઊંડે બરફની જેમ જામીને સચવાયેલું, મારી અંદર ધબકતું રહેશે પરંતુ હવે ભારતમાં તો એનું અસ્તિત્વ નથી જ.
હવે મારું મન શાંત થઈ ગયું છે. મારા નવા દેશમાં મારું ઘર હવે મને પોતાનું લાગવા માંડ્યું છે.
e.mail : aajiaba@yahoo.com
મૂળ અંગ્રેજી લેખ – Perpetual Sojourn — મૂળ અંગ્રેજી લેખક ઃ વિજય જોશી — અનુવાદ – દીપક ધોળકિયા
મૂળ લેખ અા કડીએ સાદર : https://opinionmagazine.co.uk/details/615/A-Perpetual-Sojourn-