એ રવિવારી સવારના, નવના સુમારે, હું મિ. જેફના ઘરે પહોંચી ગયો હતો. આગલા દિવસની સાંજે વોલીબોલના મેદાનેથી છૂટા પડતાં તેમણે મને તેમના ઘરે નિમંત્ર્યો હતો. પૂર્વ આફ્રિકાના યુગાન્ડાનાં મસિન્ડી અને લિરા નામનાં શહેરો ખાતે સ્થિર થએલા એ મારા હમવતની ભાઈ, વર્ષો બાદ, વતનની મુલાકાતે આવ્યા હતા. ઉંમરમાં મારાથી આઠેક વર્ષ મોટા અને એકબીજાથી અમે સાવ અજાણ, એવા અમારી વચ્ચે મિત્રાચારીના અંકુર ફૂટી રહ્યા હતા. હું તેમના ઘરમાં દાખલ થયો, ત્યારે તેઓ “ટાઇમ્સ ઓફ ઈન્ડિયા”માંનાં ક્રોસ વર્ડનાં ખાનાં ભરી રહ્યા હતા. તેમણે એ કામ પડતું મૂકીને ઊભા થઈને મને આવકાર્યો હતો.
પછી તો અમે બંને વાતોએ વળ્યા. થોડીકવાર પછી, તેઓ પોતાની શુટકેસમાંથી એક મોટું ફોટો આલ્બમ લઈ આવ્યા. આલ્બમનાં પાનાં ફેરવતા જતાં, તેઓ દરેક ફોટાનું વર્ણન કરતા જતા હતા. એ ફોટાઓમાં યુગાન્ડા નેશનલ પાર્ક અને ત્યાંનાં વન્યપ્રાણીઓની અનેરી સૃષ્ટિ, એ પ્રાણીઓમાં ય વળી હાથીઓનાં ટોળેટોળાં, નાઈલ નદીનાં મનોહર દૃશ્યો, મર્ચિસન ફોલની ભવ્યતા, નાઈલ નદીનું ઉદ્દગમ એવા ચારે બાજુના પહાડો વચ્ચેનું વિશાળ વિક્ટોરિયા સરોવર, અને તેમાંનાં બોટ દ્વારા થતાં મચ્છીમારી(Fishing)નાં દૃશ્યો, વિશાળકાય મોટાંમોટાં માછલાં અને અન્ય જળચરો, ત્યાંના સ્થાનિક આફ્રિકનો અને તેમનાં નૃત્યોના ફોટાઓ વગેરે જોતાં જોતાં હું એ અદ્દભુત દુનિયામાં ખોવાઈ ગયો હતો. વચ્ચે એક જગ્યાએ પોતે અટક્યા કે જે મસિન્ડી શહેરથી થોડે દૂર આવેલી એક હોટલનો ફોટો હતો. એ ફોટાને બરાબર જોઈ લેવાનું કહ્યા પછી, બાકીના ફોટાઓ બીજા દિવસે બતાવવાનું કહીને, તેમણે એ હોટલ વિષે કંઈક કહેવા માટે આલ્બમને બંધ કરી દીધું હતું.
વચ્ચે જાફરભાઈ વિષેની થોડીક વિશેષ જાણકારી મેળવી લઈએ, તો ‘જેફ’ એ તેમનું હુલામણું નામ હતું. તેમણે સાત વર્ષના પ્રાથમિક શિક્ષણ દરમિયાન, છેલ્લાં ત્રણ વર્ષો સુધીના અંગ્રેજી શિક્ષણ સાથે પ્રાથમિક શાળાંત પરીક્ષા (પી.એસ.સી.) અહીં ખાતે વતનમાં જ ઉત્તીર્ણ કરી હતી. તેઓ ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર અને અંગ્રેજીના અભ્યાસુ જીવ હતા. તેમનું બહોળું કુટુંબ મુખ્યત્વે મસિન્ડી ખાતે વેપારધંધામાં વ્યસ્ત હતું. મિ. જેફ એકલા જ લિરા ખાતેની, કોઈક ગુજરાતી પટેલની, ખાનગી બસ કંપનીના સારી એવી ટકાવારીના શેર હોલ્ડર, કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને ટ્ર્રાન્સપોર્ટ જનરલ મેનેજર હતા. યુગાન્ડાના મસિન્ડી અને લિરા ખાતેના વસવાટ દરમિયાન તેઓ દરરોજ સાંજે વોલીબોલ રમતા હતા. તેઓ ત્યાંના સ્થાનિક આફ્રિકન યુવકોને પણ વોલીબોલ ટીમમાં સામેલ કરતા હતા. એમાંના ઘણા ધર્માંતર કરીને ખ્રિસ્તી બન્યા હતા અને તેમણે એ લોકોના જેવાં જ પોતાનાં નામો ધારણ કરી લીધાં હતાં. એ સહખેલાડીઓએ જ તો જાફરભાઈને ‘જેફ’ એવું ઉપનામ આપ્યું હતું.
મિ. જેફ આલ્બમમાંના પેલી હોટલના ફોટા ઉપરની કોઈક વાત ઉપર આવવા પહેલાં મને થોડીક પૂર્વભૂમિકા સમજાવી રહ્યા હતા. યુગાન્ડા પણ તે દિવસોમાં ભારતની જેમ બ્રિટિશ શાસન હેઠળ હતું અને છેક ૧૯૬૨માં આઝાદ થયું હતું. દક્ષિણ આફ્રિકાની જેમ ત્યાંના ગોરાઓ પણ રંગભેદમાં ચુસ્ત રીતે માનતા હતા. તેઓ આફ્રિકાના મૂળ નિવાસીઓ અને એશિયનો સાથે માત્ર આભડછેટ જ નહિ, તેમને તિરસ્કૃત પણ કરતા હતા. તેઓ તેમના કહેવાતા માનભંગના પ્રસંગે બધા જ અશ્વેતો સાથે તેઓ માત્ર લડતા-ઝગડતા જ ન હતા, પરંતુ તેમને મારઝૂડ પણ કરતા હતા. ગુસ્સાના આવેશમાં આવી જઈને આત્મરક્ષાના ખોટા બહાના હેઠળ, પણ ધાક જમાવવાના મલિન આશયે, ગોળીબાર કરીને કેટલાક અશ્વેતોને મારી નાખ્યાના દાખલાઓ પણ નોંધાયા હતા. કોર્ટોના ગોરા ન્યાયાધીશો પક્ષપાતપૂર્ણ ન્યાય આપીને તેમના જાતભાઈઓને નિર્દોષ છોડી મૂકતા હતા, જ્યારે અશ્વેતોને સામાન્ય પ્રકારના અપરાધો અથવા તેમના ઉપરના ખોટા આક્ષેપો હેઠળ તેમને આકરી સજા કરવાનું તેઓ ભાગ્યે જ ચૂકતા હતા !
હવે આપણે મિ. જેફના પોતાના જ શબ્દોમાં મસિન્ડી શહેર બહારની એ હોટલ અને તેના સાથે સંકળાએલી તેમની કોઈક વાત તેમના જ શબ્દોમાં સાંભળીએ :
‘મિ. વિલિયમ, ફોટામાંની હોટલ વિષે તમને કંઈક કહેવા માટે લાંબો સમય સુધી લટકાવ્યા તે બદલ ક્ષમાયાચના. આપણા જ ગામના વતની એવા એ મરહુમ પીરભાઈ યારભાઈ તાજુવાલા કે જેમને લોકો પીરા યારા તરીકે ઓળખતા હતા, તેઓ પણ મસિન્ડી ખાતે રહેતા હતા. એ સમયગાળામાં અમારા બહોળા પરિવાર ઉપરાંત કેટલાંક નાનાં કુટુંબો અને પીરા યારા તથા આપણા જ ગામના નાઈ બંધુઓ જેવા કેટલાક પોતાનાં કુટુંબો વગર એકલદોકલ રહેતા હતા. પીરા યારા આપણા ગુજરાતી દેશી વેપારી ભાઈઓનાં વેપારનાં છૂટક નામાં લખતા હતા. ત્યાંના અંગ્રેજ શાસનમાં વેપારીઓને પોતપોતાની ભાષાઓમાં નામાંઠામાં લખવાની છૂટ હતી. માત્ર ઈન્કમ ટેક્સ અને સેલ્સ ટેક્સનાં ફોર્મ તેમણે અંગ્રેજી ભાષામાં ભરવાનાં રહેતાં હતાં, અને એ કામ આપણા દક્ષિણ ભારતીય સનદી વકીલો કરતા હતા, કેમ કે એ લોકો સરસ અંગ્રેજી જાણતા હતા. પીરા યારા આપણા જ ગામમાં ગુજરાતી પાંચ ધોરણ અને અંગ્રેજી એક ધોરણ સુધી ભણેલા હતા. આમ છતાં ય મારે કબૂલવું પડશે કે તેઓ મારા કરતાં પણ સારુ અંગ્રેજી બોલી શકતા હતા. હા, એટલું ખરું કે તે માત્ર અંગ્રેજી બોલી શકતા હતા, પણ અંગ્રેજીમાં લખી શકતા ન હતા.’
આટલા સુધીમાં મિ. જેફની વાત પેલા પીરા યારા અને મસિન્ડીની હોટલની આસપાસ ગૂંથાએલી હોય તેમ મને લાગ્યું, અને મારી જાણવાની ઉત્સુકતાનો વહેલો અંત આવે તે આશયે મેં મિ. જેફને વચ્ચે કંઈપણ પૂછવાનું ટાળ્યું અને તેમને અવિરત બોલવા દીધા. તેમણે પોતાનું કથન આગળ લંબાવ્યું : ‘ઈન્કમ ટેક્સ અને સેલ્સ ટેક્સની પ્રેક્ટિસ કરતા ગોરા અને કેટલાક દક્ષિણ ભારતીય સનદી વકીલો સાથે પીરા યારાને વધારે પડતા સહવાસમાં આવવું પડતું હોઈ, તથા આપણા કેટલાક દેશી વેપારીઓની એવી આદતના કારણે તેઓ દારૂના વ્યસનમાં સપડાઈ ગયા હતા. તેમના કુટુંબમાં તેમનાં પત્ની અને એક માત્ર દીકરો વતનમાં હતાં અને આમ કુટુંબની મર્યાદાનો અહીં કોઈ પ્રશ્ન ન હોઈ, તેઓ વિના રોકટોકે છતાં ય મર્યાદિત પ્રમાણમાં ઘણીવાર એકાદ પેગ ગટગટાવી લેતા હતા. તેમની એક રીતભાત સારી હતી કે તેઓ કદી પણ નશાની હાલતમાં અમારાં કે અન્ય એવાં નિર્વ્યસની કુટુંબોમાં કદી ય પગ સરખો પણ મૂકતા ન હતા.
નાતાલના દિવસોની એ રજાઓ હતી, અને તે દિવસે, પીરા યારા મેં આલ્બમમાં બતાવી એ છેક ઇ.સ. ૧૯૩૨માં શરૂ થએલી ‘Hotel Royal Masindi’નાં પગથિયાં ચઢી ગયા હતા. તે દિવસે એમણે કદાચ બે પેગ ચઢાવી દીધા હશે કે શું, પણ તેઓ ભાન ભૂલ્યા હતા કે એ હોટલ ફક્ત ગોરાઓ માટેની જ હતી. મેનેજરે તેમને બાવડેથી પકડીને બહુ જ ધીમા અવાજે વિનંતી કરતાં તેમને ખુરશી ઉપરથી ઊભા કરવાની કોશીશ કરી હતી. મેનેજરને ખબર પડી ગઈ હતી કે પીરા યારા દારૂના નશામાં હોટલમાં પ્રવેશી ગયા હતા. પણ ત્યાં તો વાત વણસી અને મેનેજરને પરખાવી દીધું, ‘How dare you touch my arm, O Gentleman ! – (તમે મારું બાવડું પકડવાની કઈ રીતે હિંમત કરી શકો, અય સજ્જન !)’. હોટલમાં કામ કરતા એશિયન નોકરો દોડી આવ્યા અને વાત આગળ વધવા પહેલાં તેમણે તેમને સમજાવી-ફોસલાવીને હોટલની બહાર લાવી દીધા હતા. આમ તો પીરા યારા સાવ બેભાન હાલતમાં તો ન જ હતા, અને તેથી જ તો પેલા નોકરોએ જ્યારે પોતાની રોજીરોટી જોખમમાં મુકાવાનો ભય બતાવ્યો હતો, ત્યારે તેઓ તરત જ માની ગયા હતા ! આમ છતાં ય તેમણે મનોમન એ હોટલના માલિકને કોર્ટમાં પડકારવા માટેનો સંકલ્પ તો કરી જ લીધો હતો.’
મિ. જેફે આ રસપ્રદ ઘટનાની વાતનો દૌર આગળ લંબાવતાં કહ્યું, ‘સામાન્ય રીતે સ્થાનિક કોર્ટમાં કેસોનો એટલો બધો ભરાવો ન રહેતો હોઈ, પીરા યારાએ કોર્ટમાં અરજીના રૂપમાં દાખલ કરેલો કેસ અઠવાડિયામાં જ બોર્ડ ઉપર આવી ગયો હતો. આ રસપ્રદ કેસના કારણે મસિન્ડીના તમામ એશિયનો અને સ્થાનિક આફ્રિકનો ઉત્સાહમાં આવી ગયા હતા. આ લડત પાછળ ગોરાઓની એ હોટલમાં બિનગોરાઓએ પ્રવેશવાનો માત્ર હક મેળવી લેવો એવો કોઈ સંકુચિત આશય ન હતો. વળી ‘મનુષ્ય માત્ર, પ્રવેશને પાત્ર’ એવું હોટલના પ્રવેશદ્વાર આગળ બોર્ડ લાગી જાય એમાં જ આ લડતની ફલશ્રુતિ આવી જતી ન હતી. પરંતુ આ લડતમાં જો પીરા યારાની જીત થાય તો આ ચુકાદાની દૂરગામી અસરો ઘણી જગ્યાએ પડી શકે તેમ હતી. પીરા યારાના વિજયમાં સમગ્ર યુગાન્ડાની બાગબગીચા, ક્લ્બો, સ્કૂલો, દવાખાનાં એવી જાહેર જગ્યાઓએથી રંગભેદનો સંપૂર્ણ સફાયો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હતી. બધાયના સદ્દનસીબે સ્થાનિક અદાલતના ન્યાયાધીશ બિનગોરા હતા. જો કે આ કોર્ટમાં જીત થઈ જવી એ કંઈ સર્વસ્વ ન હતું. સામેવાળાઓ આગળ અપીલમાં જાય તો કોઈક તબક્કે તેમને ગોરા ન્યાયાધીશો મળી જ જવાના હતા. જો કે બધા જ ગોરા ન્યાયાધીશો પક્ષપાતી હોય એવું માનવું પણ ભૂલભરેલું હતું.
લડત માટેના ખર્ચને પહોંચી વળવા આપણા લોકોની ખુલ્લી ઓફરો હતી. પીરા યારાએ સ્થાનિક કોર્ટ સુધીની લડત ચલાવવા માટે એક પણ શિલિંગની જરૂર નથી, તેવું સ્પષ્ટ જણાવી દીધું હતું. તેઓ પોતાના આત્મવિશ્વાસથી કેસ જાતે લડી લેવાના મુડમાં હતા અને કોઈ વકીલ પણ કરવા માગતા ન હતા. આપણા કેટલાક એશિયન વકીલોએ વગર ફીએ કેસ લડી આપવાની તૈયારી બતાવી હોવા છતાં પીરા યારા પોતાના ઈરાદા ઉપર મક્કમ હતા. આમ છતાં ય તેમણે કહ્યું હતું કે ઉપલી અદાલતોમાં કેસ લડવાની નોબત આવશે તેવા સંજોગોમાં પોતે વકીલની સેવાઓ લેશે અને નાણાકીય ફંડ પણ સ્વીકારશે.’
* * * * *
મેં મિ. જેફને મેં વિનંતી કરી હતી કે ભલે તેમની વાતનો વિસ્તાર થાય, પણ બંને પક્ષની દલીલો સવિસ્તાર સાંભળવા મળે તો મને વિશેષ આનંદ થશે. વળી જૂની હિંદી ફિલ્મોનાં ગાયનો સાંભળવાના શોખીન એવા મિ. જેફ પોતાની સાથે લાવેલા ટેપ રેકોર્ડરમાં અમારી હવે પછીની વાત કેસેટમાં રેકર્ડ થાય એવી ઈચ્છા પણ મેં વ્યક્ત કરતાં તેની ગોઠવણ તેમણે કરી લીધી હતી. કોર્ટની કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલી હશે, પણ મિ. જેફે એ કાર્યવાહીને ગુજરાતીમાં પોતાના શબ્દોમાં આ પ્રમાણે કહી સંભળાવી હતી :
‘મિ. પીરા, તમે વકીલની સેવાઓ કેમ લીધી નથી ?’, સરકારી વકીલે પૂછ્યું હતું.
‘મારા કેસની પેરવી હું પોતે જ કરવા માગું છું, સાહેબ.’ પ્રતિવાદી વકીલે પૂછ્યું, ‘હોટલના પ્રવેશદ્વાર આગળ જ મોટા અક્ષરોમાં ‘ફક્ત ગોરાઓ માટે જ પ્રવેશ’ એવી સ્પષ્ટ સૂચના હોવા છતાં તમે હોટલમાં કેમ પ્રવેશ્યા હતા?’
પીરા યારાએ સ્વસ્થતાપૂર્વક જવાબ આપતાં કહ્યું, ‘તમે હોટલ પક્ષે વકીલ હોઈ તમને જ સંબોધીને કહું છું કે તમે લોકો આમ ગમે તે લખી નાખો તે કંઈ કાયદો બની શકે નહિ. શું તમારા પોતાના ઘડી કાઢેલા એવા એ કાયદાને સરકારી સમર્થન હતું ખરું ? જો હોય તો નામદાર કોર્ટ આગળ સાબિતી રજૂ કરો.’ વચ્ચે સરકારી વકીલે પીરા યારાની વાતને સમર્થન આપતાં કહ્યું, ‘ફરિયાદીની માગણી સાચી છે. તમારે સાબિતી રજૂ કરવી પડશે કે સત્તાવાળાઓએ તમારી એ સૂચનાને બહાલ રાખી હતી.’
પ્રતિવાદી વકીલ થોડાક ભોંઠા તો પડ્યા તેમ છતાં ય પોતાનો લૂલો બચાવ કરતાં બોલ્યા, ‘અમારા અસીલે એવી કાર્યવાહી કરવી જરૂરી માની ન હતી. પોતે હોટલના માલિક હોઈ, પોતે ઇચ્છે તેવા કાયદા પોતાની હોટલ માટે બનાવી શકે. હોટલના માલિક તરીકે હોટલમાં કોને પ્રવેશ આપવો અને કોને ન આપવો, તે તેમની મરજીને આધીન હોઈ, તેમાં સરકારની સંમતિ લેવાની હોય નહિ.’
સરકારી વકીલે વાદી પીરા યારા સામે જોઈને પૂછ્યું, ‘મિ. પીરા યારા, આ બાબતે તમારે કંઈ શું કહેવાનું છે ?’
પીરા યારાએ છટાપૂર્વક જણાવ્યું, ‘હા, નામદાર. આપ નોંધી લો કે હોટલ માલિક પોતાના ઉપર સરકાર જેવી કોઈ સત્તા છે તે માનવા ઈન્કાર કરે છે. જો દેશના તમામ લોકો આમ પોતાના માટેના કાયદા જાતે જ બનાવશે, તો દેશનું તંત્ર ક્યાં જઈને ઊભું રહેશે ? નામદાર જજ સાહેબને હું નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે હું પણ મારી કોઈ હોટલ શરૂ કરીને એવી કોઈ નોટિસ મૂકી શકું ખરો કે આ હોટલમાં પ્રવેશ કરનાર કોઈ માણસ ઇચ્છે તો નગ્ન હાલતમાં પણ પ્રવેશી શકશે ! હોટલમાં પહેલેથી જ મોજુદ એવું કોઈ સંસ્કારી કુટુંબ આ સાંખી લેશે ખરું ? કહેવાનો મતલબ એ છે મિ લોર્ડ કે આવી જાહેર જગ્યાઓના માલિકો પોતાની મનમરજી પ્રમાણેના કાયદા બનાવી શકે નહિ.’
હોટલમાલિકે વચ્ચે કહ્યું, ‘નામદાર જજ સાહેબ, હું કંઈક કહેવા માગું છું.’
‘કોર્ટના કઠેડામાં આવીને કહી શકો છો.’ ન્યાયાધીશે કહ્યું. હોટલમાલિકે કહ્યું, ‘સર, બિનગોરાઓ માટે અમારી હોટલના પાછળના ભાગે છાપરા નીચે ટેબલ ખુરશીઓ મુકાએલાં જ છે.’
પીરા યારાએ ધારદાર દલીલ આપતાં કહ્યું, ‘નામદાર, જો હોટલમાં બિનગોરાઓ માટે અલાયદી વ્યવસ્થા હોય તો પછી પ્રવેશદ્વાર આગળ જ એવી સૂચના તો ન જ મૂકી શકાય ને કે ‘ફક્ત ગોરાઓ માટે જ પ્રવેશ’! મિ લોર્ડ, શું આ બંને બાબતો એકબીજાની વિરોધાભાસી નથી ? પરંતુ હકીકત તો એ છે, મિ લોર્ડ, કે હોટલના પાછલા ભાગે કરેલી એ વ્યવસ્થા તમામ બિનગોરા ગ્રાહકો માટે નહિ, પણ હોટલના ગોરા ગ્રાહકોના બિનગોરા નોકરો જેવા કે ડ્રાઈવર, બાળકોના તેડાગર, સરકારી ગોરા અધિકારીઓના બિનગોરા સેવકો વગેરે માટે કરવામાં આવેલી છે. વળી એ વ્યવસ્થા હોટલના પાછલા ભાગે, ખુલ્લી જગ્યાના છાપરા નીચે, હલકી કક્ષાના ફર્નિચર તથા ડાઈનીંગ ક્રોકરી સાથે અને સેલ્ફ સર્વિસની શરતને આધીન હોય તો તેને રંગભેદ નહિ તો બીજું શું કહેવાય, મિ લોર્ડ ?’
પ્રતિવાદી વકીલ : ‘મિ લોર્ડ, હોટલમાં આવી ગોરાઓ અને તેમના બિનગોરા સેવકો માટેની અલગ વ્યવસ્થા એ રંગભેદ નથી, પણ સુઘડ પોષાકમાં આવતા શિષ્ટાચારી ગ્રાહકોનાં માનસન્માન અને લાગણી જાળવવા માટેની એક વ્યવસ્થા માત્ર છે. આમ કોઈ ધંધાદારીઓ આવી વ્યવસ્થાઓ અને સગવડો માટેના નીતિનિયમો લોકોને કે સરકારને પૂછીને જ બનાવે તે વાજબી ગણાય ખરું ?’ પીરા યારા થોડાક આવેશમાં આવતાં બોલી ઊઠે છે, ‘નામદાર જજ સાહેબ, આપ સમજી શકો છો કે પ્રતિવાદીના વિદ્વાન વકીલશ્રી અન્યાયી અને સરાસર રંગભેદ જ વર્તાઈ આવે તેવા હોટલના માલિકે બનાવેલા પોતાના ખાનગી કાળા કાયદાને કેવું સરસ મજાનું ‘વ્યવસ્થા’ એવું હળવું નામ આપી રહ્યા છે ! આ તે કેવી તેમની કહેવાતી નિર્દોષ વ્યવસ્થા કે જે બિચારા બધા જ બિનગોરાઓ જાણે કે ગંદા અને અસંસ્કારી જ હોય તેમ માનીને તેમને અપમાનિત કે તિરસ્કૃત કરીને પેલા કહેવાતા સુઘડ અને સંસ્કારી ગોરાઓનાં માનસન્માન અને લાગણીઓને સાચવવામાં આવે ! વિદ્વાન પ્રતિવાદી વકીલશ્રીને શું વાજબી અને શું ગેરવાજબી એ નામદાર કોર્ટ જ જણાવશે, પણ મારી એક અન્ય દલીલના સંદર્ભમાં હું એક આડવાત કહેવા માગું છું, જો નામદાર કોર્ટ મને ઈજાજત આપે તો !’
ન્યાયાધીશ : હા, ઈજાજત છે. ગોરાઓ, એશિયનો અને આફ્રિકનો થકી ભરચક એવી કોર્ટમાં ટાંકણી પડે તો ય અવાજ સંભળાય તેવી શાંતિ પ્રવર્તી રહી હતી. સૌ કોઈ ભાઈ પીરા યારાની આડવાતને સાંભળવા ઉત્સુક હતા. પીરા યારાએ ખોંખારો ખાતાં પોતાની દલીલના ભાગરૂપે પોતાની વાત આગળ ચલાવી, ‘અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહી(Democracy)ની વ્યાખ્યા આપી છે, ‘Government of the people, for the people and by the people. – (લોક્શાહી શાસનપ્રથા એટલે લોકોની, લોકો માટેની અને લોકો વડે ચાલતી સરકાર.)’. મિ લોર્ડ, આ વ્યાખ્યા આ કેસના હોટલ પક્ષને પણ આમ લાગુ ન પાડી શકાય કે ‘Hotel of the White, for the White and by the White ! – (ગોરાઓની, ગોરાઓ માટેની અને ગોરાઓ વડે ચાલતી હોટલ !)’.
પ્રતિવાદી વકીલ : ‘નામદાર જજ સાહેબ, ફરિયાદી કે જે પોતે જ પોતાના વકીલ પણ છે તે આડવાત મૂકીને કોર્ટને ગૂંચવવા અને ગેરમાર્ગે દોરવા માગે છે, અને તેટલું જ નહિ પણ આવી વાહિયાત વાત દ્વારા કોર્ટનો મૂલ્યવાન સમય વેડફી રહ્યા છે. આપ એમને જણાવો કે તેમણે આપેલી અબ્રાહમ લિંકનની લોકશાહીની વ્યાખ્યાને આપણા આ કેસને શો સંબંધ ?’
પીરા યારા : ‘જી, મિ લોર્ડ. મેં આપની રજા મેળવીને મારી આડવાત કહી છે, એટલે હું કોર્ટનો સમય બરબાદ કરું છું તેવી વિદ્વાન પ્રતિપક્ષીય વકીલ મહાશયની દલીલ ટકતી નથી. હવે હું લોકશાહીની વ્યાખ્યાને આરોપી હોટલને સંપૂર્ણ રીતે લાગુ પાડવા માગું છું, પણ એક બાબત બાકી રહી જાય છે. Hotel of the White એટલે ગોરાઓની હોટલ, વાત સાચી છે કેમ કે હોટલના માલિક ગોરા છે. Hotel for the White એટલે ગોરાઓ માટેની હોટલ, એ વાત પણ એટલી જ સાચી છે કે હોટલમાલિક માત્ર ગોરાઓને જ હોટલમાં પ્રવેશવા દે છે અને એટલે જ તો તેમણે પ્રવેશદ્વારે જ એવું બોર્ડ પણ મૂક્યું છે, કે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ‘ફક્ત ગોરાઓ માટે જ પ્રવેશ’; પરંતુ મિ લોર્ડ, Hotel by the White એટલે ગોરાઓ વડે ચાલતી હોટલ એ શરતનું અહીં સંપૂર્ણપણે પાલન થતું નથી, કેમ કે હોટલના ચાવીરૂપ અધિકારીઓ સિવાયના લગભગ તમામ કર્મચારીઓ જેવા કે રસોઈયા, વેઈટર, સફાઈ કામદાર, માળી, દરવાન વગેરે માત્ર અને માત્ર બિનગોરા જ છે. હોટલનાં તમામ કામો માટે માત્ર ગોરાઓને જ નિયુક્ત કરવામાં આવે તો જ પેલી વ્યાખ્યા આખેઆખી તેમની હોટલને લાગુ પડે. મિ લોર્ડ, આ તે ક્યાંનો ન્યાય કહેવાય કે હોટલના સત્તાવાળાઓ બિનગોરાઓની સેવાઓ તો સ્વીકારે છે, પણ બિનગોરાઓને તેમની હોટલની સેવાઓ પૂરી પાડતા નથી !’
હોટલ માલિકને લાગ્યું કે હવે પોતાના પગ તળેથી જાજમ સરકી રહી છે, ત્યારે તેમણે હતાશા વચ્ચે પણ થોડીક મક્કમતા સાથે કહ્યું કે, ‘અમે અમારી હોટલને ખાનગી ક્લબમાં ફેરવી નાખીએ, અને માત્ર ગોરાઓને જ સભ્યપદ આપીને અમારી પેલી પ્રવેશ માટેની સૂચનાને કાયમ રાખીએ તો પછી કઈ રીતે તે રંગભેદ ગણાશે ?’
ન્યાયાધીશે પોતાનો અભિપ્રાય દર્શાવતાં કહ્યું કે, ‘ક્લબ’ને ખાનગી ગણી શકાય, પણ ‘હોટલ’ તો જાહેરની વ્યાખ્યામાં જ આવે. આ બંને વચ્ચેનો ભેદ તમારે સમજી લેવો પડશે અને તમારી હોટલના બોર્ડ ઉપર ‘હોટલ’ ના બદલે માત્ર ‘ક્લબ’ સુધારી નાખવાથી તે ક્લબ બની જશે નહિ. સરકાર અને કોર્ટ ‘હોટલ’ અને ‘ક્લબ’ને સારી રીતે સમજી શકે છે અને આમ આવી તમારી કોઈ ચાલાકીને સાંખી લેવામાં આવશે નહિ, સમજ્યા ?’ પીરા યારાએ આવેશમય અવાજે અને મક્કમતાના રણકા સાથે પડકાર ફેંક્યો આ શબ્દોમાં કે ‘ભલે, તમે તમારી હોટલને ક્લબ એવું નામ આપી દો, પણ અમે તમને છોડવાના નથી ! તમારે તમારી ક્લબના નોકરો પણ ગોરા જ રાખવા પડશે! અમે સમગ્ર યુગાન્ડા અને જરૂર જણાયે આખા આફ્રિકા ખંડમાં અને તેથી ય આગળ વધીને સમગ્ર દુનિયામાં એલાન કરી દઈશું કે જે ગોરાઓની માલિકીની કોઈ સીધેસીધી હોટલો કે ક્લબ નામધારી હોટલો હોય, અને ત્યાં બિનગોરાઓને પ્રવેશ આપવામાં ન આવતો હોય, તેવી કોઈ પણ જગ્યાએ કોઈ બિનગોરા માણસોએ નોકરી કરવી નહિ.’
કોર્ટમાં હાજર એશિયનો અને આફ્રિકનોએ ‘પીરા યારા, ઝિંદાબાદ !’ ના નારા લગાવવા શરૂ કર્યા. ન્યાયાધીશે ટેબલ ઉપર હથોડીનો પ્રહાર કરતાં ‘ઓર્ડર, ઓર્ડર’ કહીને ઓડિયન્સને ચેતવણી આપી દીધી કે ‘જો કોર્ટમાં શાંતિ અને શિસ્ત જાળવવામાં નહિ આવે તો બધાયને બહાર તગેડી મૂકવામાં આવશે અને જરૂર જણાશે તો સખત હાથે કામ પણ લેવામાં આવશે !’
પીરા યારાએ ઓડિયન્સ સામે ફરીને બંને હાથ જોડીને શાંતિ જાળવવા વિનંતી કરી અને કોર્ટની કાર્યવાહી આગળ ચાલી.
હોટલમાલિક, તેમના વકીલ અને હોટલ મેનેજમેન્ટના સભ્યો કોર્ટનું ઉશ્કેરાટભર્યું વાતાવરણ જોઈને છોભીલા પડી ગયા. પ્રતિવાદી વકીલે ગભરાતા અવાજે કોર્ટને કહ્યું, ‘નામદાર, આપ મને બેએક મિનિટનો સમય આપો તો હું મારા અસીલ સાથે અંગત રીતે વાત કરવા માગું છું.’
ન્યાયાધીશે પ્રતિવાદી વકીલની માગણીને માન્ય રાખીને ઓડિયન્સને શાંતિ જાળવવાની તાકીદ કરી. હોટલમાલિક અને તેમના વકીલ નજીકની જ ચેમ્બરમાં જઈને મસલત કર્યા પછી એક જ મિનિટમાં પાછા ફર્યા.
પ્રતિવાદી વકીલે જાહેર કર્યું કે ‘અમે અમારી હોટલને સાર્વજનિક કરી દેવા તૈયાર છીએ. અમારી હોટલમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવશે. પરંતુ, અમારા અસીલની બે માગણીઓ છે જેનો નામદાર કોર્ટ સ્વીકાર કરશે જ તેવી અમે આશા રાખીએ છીએ.’
ન્યાયાધીશે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, ‘માત્ર સ્થાનિક રીતે જ નહિ પણ દેશભરમાં કાયદો, વ્યવસ્થા અને શાંતિને જાળવી રાખવા માટે હોટલપક્ષે નમતું જોખીને જે સમજદારી બતાવી છે, તેની કદર કરવામાં આવે છે. તમારી માગણીઓ જો વાજબી હશે તો કોર્ટ તરફથી વાદીપક્ષને તેમને સ્વીકારવા માટેની ભલામણ કરવામાં આવશે. બોલો, તમારી શી માગણીઓ છે ?’ પ્રતિવાદી વકીલે હોટલમાલિક સામે જોઈ રહેતાં કહ્યું, ’એક તો, આ કેસનો કોઈનીય તરફેણમાં ચુકાદો ન આપતાં, તેનો સમાધાનથી નિવેડો લાવવામાં આવ્યો છે, તેવી નોંધ સાથે કેસને બંધ કરવામાં આવે; અને બીજું, હોટલમાં પ્રવેશનાર ગ્રાહકોએ હોટલના શિષ્ટાચાર (Etiquette)ને માન આપવું પડશે અને તેમણે હોટલમાં દાખલ થતી વખતે સુઘડ અને શોભનીય પોષાક ધારણ કરવો પડશે.’
ન્યાયાધીશે પીરા યારાને ઉદ્દેશીને પૂછ્યું, ‘મિ. પીરા યારા, હોટલપક્ષની બંને માગણીઓ કોર્ટને તો વાજબી લાગે છે. હવે બોલો, તમે આ અંગે શું કહેવા માગો છો ?’
પીરા યારાએ તરત જ રોકડો જવાબ પરખાવી દેતાં કહી દીધું, ‘નામદાર સાહેબ, તેમની પહેલી માગણી અમે હરગિજ સ્વીકારીશું નહિ. આનું સ્પષ્ટ કારણ એ છે કે જો સમાધાનની રૂએ આ કેસનો નિવેડો લાવવામાં આવે તો તેનો અર્થ એમ થાય કે અમારી અને માત્ર આ સ્થાનિક હોટલ વચ્ચે જ આ પ્રકારની સમજૂતિ થઈ છે અને તેથી આ પ્રકારના નિર્ણયનો અમલ અમારા પૂરતો જ ગણાશે, જે અમને માન્ય નથી. હોટલ પક્ષની વાત ગેરકાયદેસર અને અમારી માગણી સાચી છે એવો સ્પષ્ટ ચુકાદો આપવામાં આવે તો જ અને માત્ર તો જ મસિન્ડીની અને આખા યુગાન્ડાની હોટલોને આ ચુકાદો લાગુ પડે અને દેશભરમાંથી રંગભેદની અમાનવીય વિચારધારાને જાકારો આપવાનો માર્ગ મોકળો બને. હવે, રહી વાત એ લોકોની બીજી માગણીની, તો નામદાર સાહેબ, સાંભળી લો કે તેમની એ માગણી અમને મંજૂર છે. અમે તેમની બીજી માગણીના સંદર્ભે વધારામાં એ પણ કહેવા માગીએ છીએ કે તેઓની વાહનોમાં જ હોટલે આવવાની શરત હશે તો એ પણ અમે મંજૂર રાખીશું. અમારામાંના કોઈની પાસે પોતાની માલિકીનું વાહન નહિ હોય તો તે ભાડાના વાહનમાં આવીને પણ તેમની એ શરતનું પાલન કરશે!’
પીરા યારાની છેલ્લી વાતથી કોર્ટમાં હાસ્યનું મોજું ફરી વળ્યું અને ખુદ ન્યાયાધીશ પણ હસી પડ્યા.
ન્યાયાધીશે હોટલમાલિકને ફરી પાછા તેમનું મંતવ્ય જાણવાનું પૂછતાં તેમણે પણ ચહેરા ઉપર સ્મિત લાવતાં કબૂલી લીધું કે વાદી પક્ષની વાહનવાળી વાતને અમે મજાકભરી ગણતા હોઈ, તેને બાદ કરતાં તેમની બંને વાતોને સ્વીકારીએ છીએ. નામદાર કોર્ટ આ કેસનો વાદીની તરફેણમાં સ્પષ્ટ ચુકાદો આપે, તેમાં અમે સંમત થઈએ છીએ. વળી માત્ર મસિન્ડી જ નહિ, પણ આખા યુગાન્ડા તો શું વિશ્વભરમાં આ ચુકાદાની હકારાત્મક અસર પડે તેવું અમે પણ ઈચ્છીએ છીએ. વળી, અમે નામદાર કોર્ટને એ પણ ખાતરી આપીએ છીએ કે અમે આ કેસની ઉપલી અદાલતોમાં અપીલ પણ કરીશું નહિ.’ કોર્ટે વાદી પક્ષની માગણી મુજબ સ્પષ્ટ ચુકાદો આપતાં જણાવ્યું કે ‘પ્રતિવાદી હોટલના માલિકે સ્થાનિક સમાચારપત્રમાં પોતાની હોટલને સાર્વજનિક જાહેર કરવી પડશે અને તે રૂએ તેણે કોઈપણ જાતના વંશ, રંગ, વર્ણ કે લિંગના ભેદભાવ વગર પોતાની હોટલમાં પ્રવેશ આપવાનો સ્વીકાર કરતું ‘મનુષ્ય માત્ર પ્રવેશને પાત્ર’ તેવું સ્પષ્ટ રીતે દેખાઈ આવે તેવું હોટલના પ્રવેશદ્વાર આગળ બોર્ડ મારવું પડશે. વળી પ્રતિવાદીની માગણી મુજબ હોટલના ગ્રાહકોએ શિષ્ટ અને સુઘડ પોષાક ધારણ કરીને હોટલની શિસ્ત અને સુરુચિનો કોઈ ભંગ ન થાય તેવી રીતે વર્તવું પડશે.’
જાફરભાઈની આંખે દેખ્યા અહેવાલ જેવી મસિન્ડીની એ હોટલ અંગેની કેસની કાર્યવાહીને સાંભળ્યા પછી હું ઉપસંહાર રૂપે એમ કહ્યા વગર ન રહી શક્યો કે, ‘જાફરભાઈ, આપણા ગામના અદના એ માણસે રંગભેદ સામેની પોતાની લડતની જે સિદ્ધિ બતાવી છે, તેને હું મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકામાંની ત્યાંના શાસન સામે ચલાવેલી તેમની લડતો સાથે મૂલવું છું. ગાંધીજીની એ ચળવળ ઉપર ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઇતિહાસ’ એ પુસ્તક લખાયું છે, પણ ભવિષ્યે મારો મિજાજ મને સાથ આપશે, તો હું તમને વચન આપું છું કે પીરા યારાના સંઘર્ષ અંગે કોઈ પુસ્તક તો નહિ, પણ ભવિષ્યે એકાદ પ્રકરણ તો જરૂર લખીશ અને તે પ્રકરણનું શીર્ષક હશે, ‘પૂર્વ આફ્રિકાના રંગભેદની નાબૂદીના ઇતિહાસનું એક પ્રકરણ …’.’
મિ. જેફ પાસેથી રંગભેદની નાબૂદી અંગેની ઉપરોક્ત ગાથા મેં જ્યારે સાંભળી હતી, ત્યારે એ ગાથાના નાયક પીરા યારા આ દુનિયામાં મોજૂદ ન હતા. તેઓ વયોવૃદ્ધ અવસ્થાએ જલોદરની બિમારીનો ભોગ બન્યા હ્તા. મિ. જેફનાં કુટુંબીજનોએ તેમની સેવાસુશ્રૂષા કરી હતી. આખરી દિવસોમાં તેમના પુત્ર, પત્ની અને વતનની યાદ આવી જતાં તેમણે ભારત પાછા ફરવાની જીદ પકડી હતી. ડોક્ટરોની મનાઈ છતાં તેમની આખરી ઇચ્છાને માન આપીને મિ. જેફના કુટુંબીજન તેમને દરિયાઈ માર્ગે વતનમાં લાવી રહ્યા હતા, અને સફરની અધવચ્ચે જ તેઓ ખુદાને પ્યારા થઈ ચૂક્યા હતા. સ્ટીમરના કપ્તાનના સહકારથી તેમની મૈયતને મોમ્બાસા ઊતારી દેવામાં આવી હતી અને ત્યાંના કબ્રસ્તાનમાં તેમને દફન કરી દેવામાં આવ્યા હતા.
વળી આજે ઘણાં વર્ષો બાદ, મિ. જેફને આપેલા વચન પ્રમાણે હું જ્યારે મારી યાદદાસ્તના આધારે એ ગાથાનું આ એક પ્રકરણ લખી ચૂક્યો છું, ત્યારે મારે સખેદ કહેવું પડે છે કે મારા આ પ્રકરણને વાંચવા હવે મિ. જેફ પણ આપણી વચ્ચે નથી!
(તા.૨૮-૦૩-૨૦૧૩)
e.mail : musawilliam@gmail.com