વિવિધ વિષયો પરનાં અનેક મહત્ત્વનાં અને ગુણવત્તાસભર ગુજરાતી પુસ્તકો ગયા બે-ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં પ્રગટ થયાં છે. આવા ફાલ માટે પુસ્તકો લખનાર લેખકોને તેમ જ પુસ્તકો બહાર પાડનાર પ્રકાશકોને ધન્યવાદ આપવા જોઈએ. હવે જે કરવાનું છે તે વાચકોએ, નાગરિકોએ.
બે-ત્રણ જ મહિનાના ટૂંકા ગાળામાં જુદાં જુદાં વિષયો પરનાં અનેક મહત્ત્વનાં અને ગુણવત્તાસભર પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. તેમાં સાંપ્રત રાજકારણને લગતાં ત્રણ પુસ્તકો, શાસક પક્ષના નીડર ટીકાકાર અને અભ્યાસી અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ પાસેથી યજ્ઞ પ્રકાશન થકી મળ્યાં છે. તેમાંથી નવો કાયદો અને નાગરિકતા નામની સોળ પાનાંની મૌલિક પુસ્તિકામાં ઊંડો સ્વાધ્યાય અને વિશદ છણાવટ છે. અલબત્ત હેમન્તકુમારની જાગૃત અભ્યાસી તરીકેની ભૂમિકા ખાસ અગત્યની છે. તેમની દૃષ્ટિએ નાગરિકતા સુધારા ધારો ભારતનાં બંધારણના ‘આદર્શો પર જ ઘા કરે છે’ અને તેની ‘સમાનતાની જોગવાઈઓનો ભંગ કરે છે’. સરકાર સી.એ.એ. અને એન.આર.સી.ને સહિયારી રીતે ’પોતાના વિરોધીઓને વીણીવીણીને પરેશાન કરવાનું સાધન’ બનાવી શકે છે. મૉનોગ્રાફના ઉપસંહારમાં લેખક આ મતલબનું લખે છે : ‘ આ કાયદાના અમલથી જેની તરફ ધીમી ગતિએ પણ મક્કમ પ્રયાણ થાય છે, તે હિંદુ રાષ્ટ્ર ભેદભાવજનક હશે અને એમાં સમાનતાનું મૂલ્ય તો સાવ વિસરાઈ ગયું હશે.’ પુસ્તિકાનું છેલ્લું ધારદાર વાક્ય છે : ‘સી.એ.એ., એન.આર.સી. અને કેદખાનાં હિન્દુ સંસ્કૃતિનાં મહાન મૂલ્યોનો છેદ ઉડાડે છે.’
હેમન્તકુમારનાં જ બીજાં બે પુસ્તકો કલમ-370 અને નાગરિકતા અને નોંધણી: સી.એ.એ.+એન.આર.સી.+એન.પી.આર. તેમાં અંગ્રેજી અખબારોમાંથી અનુવાદિત અનુક્રમે બાવીસ અને છવ્વીસ લેખો છે. અહીં વિષયોની પાયાની સમજ આપતા કુલ ચાર લેખો સહિત તેમની બાબતે સરકારના નિર્ણયોની તરફેણમાં તેમ જ વિરોધમાં લખાયેલાં ગહનતાપૂર્ણ લેખો વાંચવા મળે છે. વિરોધી લેખોનું પ્રમાણ અને પ્રતીતિજનકતા સ્વાભાવિક રીતે જ વધારે છે.
પડદા પાછળનું ગુજરાત (પ્રકાશક : ફારોસ મીડિયા) એ રાજ્યના નિવૃત્ત ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ આર.બી. શ્રીકુમારે લખેલાં ‘ગુજરાત બિહાઇન્ડ ધ કર્ટન’ પુસ્તકનો રમણ વાઘેલાએ ડર વિના કરેલો અનુવાદ છે. ગોધરાકાંડને પગલે 2002માં થયેલાં કોમી રમખાણોના જ આખા ય સમયગાળામાં શ્રીકુમાર ઉચ્ચ પોલીસ અધિકારીની ફરજ બજાવતા હતા. રમખાણો દરમિયાન બેદરકાર રહેલી પોલીસને અને હિંસાચાર કરનાર અપરાધીઓને બચાવવા માટે ખુદ રાજ્ય સરકારે જે આયોજનબદ્ધ પ્રયાસો કર્યા તેનો લેખકે આ પુસ્તકમાં પર્દાફાશ કર્યો છે.
ગયાં જ અઠવાડિયે પ્રસિદ્ધ થયેલાં ગુજરાતમાં નારીચેતના અને વંચિત મહિલાઓનો પડકાર (દર્શક ઇતિહાસ નિધિ) ગ્રંથની મહત્તા એ છે કે તેમાં વરિષ્ઠ ઇતિહાસ સંશોધક શિરીનબહેન મહેતાએ નારીચેતના અને નારીવાદી ચળવળ વિશેની વિધવિધ માહિતી તેમ જ અભ્યાસ સામગ્રીની યાદી સવા સાતસો પાનાંમાં સાગમટે મૂકી છે.
આધુનિકતાના અગ્રણી ગુજરાતી કવિ અને વિવેચક નિરંજન ભગતની બીજી મૃત્યુતિથિ પહેલી ફેબ્રુઆરીએ તેમના પરના અધ્યયનગ્રંથ કાળની કેડીએ ઘડીક સંગ(ગૂર્જર)નું પ્રકાશન થયું. ગ્રંથના 74 લખાણોને ‘વિરલ વ્યક્તિત્વ’, ‘સાહેબનાં સંભારણાં’, ‘દૃષ્ટિ અને સૃષ્ટિ’, ‘કાવ્યાસ્વાદ’, ‘અનુવાદ: સંપાદન’ ,’સ્વાધ્યાય’, ‘કેફિયત-પ્રતિભાવ’ અને ‘જીવનવહી’ એવા વિભાગોમાં વહેંચવામાં આવ્યાં છે. ગ્રંથનું સંપાદન રઘુવીર ચૌધરી, રમેશ ર. દવે અને કિરીટે દૂધાતે કર્યું છે.
ગાંધી-સંબંધિત ઇતિહાસને લગતું, ભાવનગરના પૂર્વ અધ્યાપક ગંભીરસિંહ ગોહિલે લખેલું મૌલિક અને રસપ્રદ સંશોધનાત્મક પુસ્તક છે મહાત્મા : સ્વરાજ્યની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો (થ્રીએસ પબ્લિકેશન). ગાંધીજી જે શામળદાસ કૉલેજમાં ભણ્યા હતા તેના પૂર્વ આચાર્ય એવા લેખક આ પુસ્તકને ‘મહાત્મા ગાંધીના કાઠિયાવાડ-સૌરાષ્ટ્ર સાથેના સંબંધો વિશેનો લેખસંગ્રહ’ ગણાવે છે. સત્તર લેખોમાં રાજકોટ સત્યાગ્રહ, ગોખલે ચરિત્ર તેમ જ ક્રિકેટના સંદર્ભે ગાંધીજી વિશેના લેખો અને તેમના સૌરાષ્ટ્રમાં પ્રવાસો પરનાં પરિશિષ્ટ ખાસ નોંધપાત્ર છે. ઉઘડતાં શીર્ષક-પાનાં પર લેખકના નામની તરત જ નીચે પ્રત-સંપાદક (કૉપી એડિટર) તરીકે કેતન રુપેરાનું નામ વાંચવા મળે છે. આ પહેલી વાર જોવા મળ્યું છે, અને અપનાવવા જેવું પણ છે.
ગાંધીજી અને ઓસામા બીન લાદેન બંને વચ્ચે શું સંવાદ શક્ય છે? જેવું કુતૂહલપ્રેરક નામ ધરાવતાં પુસ્તકમાં આ બે પાત્રો વચ્ચે કાલ્પનિક સંવાદ છે. તે સંવાદ દુનિયામાં જાણીતા રાજકીય ચિંતક ભીખુ પારેખે તેમનાં ‘ડિબેટિંગ ઇન્ડિયા’ નામના પુસ્તકનાં પ્રકરણ તરીકે રચ્યો છે. તેનો ભાવાનુવાદ ગુજરાતના વરિષ્ટ રૅશનાલિસ્ટ બિપિન શ્રૉફે પોતાનાં નિરીક્ષણો સાથે કર્યો છે, પુસ્તકનું પ્રકાશન પણ અનુવાદકે જ કર્યું છે.
ગાંધીની નજરે દુનિયા (ગૂર્જર) ગ્રામ અને કૃષિશિક્ષણની સણોસરાની લોકભારતી સંસ્થાના પૂર્વ આચાર્ય મનસુખ સલ્લાના છવ્વીસ લેખોનો સંચય છે. પ્રસ્તાવનામાં કુમારપાળ દેસાઈ નોંધે છે કે લેખકે અહીં અનામત, કાશ્મીરની સમસ્યા, સમાન નાગરિક ધારો, વસ્તીનિયંત્રણ જેવા મુદ્દાઓ પર ગાંધીજીએ શું કહ્યું હોત તેની ‘ગંભીર અને તર્કબદ્ધ ચર્ચા’ પણ અહીં મળે છે.
શિક્ષણક્ષેત્રને લગતું એક પુસ્તક વ્યક્તિના જીવનનો, અને બીજું પુસ્તક સંસ્થાની કામગીરીનો આલેખ આપે છે. વહાલનું અક્ષયપાત્ર (સંસ્કાર સાહિત્ય મંદિર) કચ્છના વ્યક્તિવિશેષ હરેશ ધોળકિયા માટેનો અભિવાદન ગ્રંથ છે. સંપાદકો જીના શેઠ અને વીરેન શેઠે સવા ચારસો પાનાંના ગ્રંથનું પેટા શીર્ષક ‘એક શિક્ષક તથા સર્જક પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ’ એમ આપ્યું છે, જે પુસ્તકનાં પાનાં ફેરવતા સાર્થક લાગે છે. તેમાં એકસો પાંત્રીસ જેટલાં વિદ્યાર્થીઓ-સ્વજનો-શુભેચ્છકોએ લખ્યું છે. હરેશભાઈનાં પુસ્તકો-પુસ્તિકાઓ-સંપાદનોની સંખ્યા પણ લગભગ એટલી જ છે. બાળપણ એક અવિરત ખોજ એ ભાવનગરની ‘શૈશવ’ સંસ્થાએ બાળમજૂરો અને વંચિત બાળકો માટે 1994 થી 2019 દરમિયાન કરેલાં કામનો તવારીખ અને તસવીરો સાથેનો પોતે પ્રકાશિત કરેલો વાચનીય અહેવાલ છે.
ગુજરાતી ભાષા સાથે કામ પાડનાર સહુ વ્યાવસાયિકોને ઉપયોગી થાય તેવા આશયથી, ગુજરાતી ભાષા તેમ જ સાહિત્યના ઊંડા અભ્યાસી રમણ સોનીએ ગુજરાતી લેખન-પદ્ધતિ (ગૂર્જર) નામનું પુસ્તક લખ્યું છે. માત્ર 96 પાનાંનું આ હાથપોથી જેવું પુસ્તક શાસ્ત્રીય હોવા છતાં સુગમ છે. આ રીતે પુસ્તક લખવું એક પડકાર હોય છે.
આજકાલના સમયમાં તો ખાસ અલગ જણાય તેવું શબ્દ-ચમત્કૃતિ (ડિવાઇન) પુસ્તક વલસાડનાં અરુણિકા મનોજ દરૂએ લખ્યું છે. તેનો મોટો ભાગ વિવિધ પ્રકારની શબ્દરમતો છે. એકાવન પ્રકરણોમાંથી કેટલાંકનાં નામ પુસ્તકની રસપ્રદ સામગ્રીનો નિર્દેશ આપી શકે. જેમ કે,‘‘ર’ ની રંગત’, ‘‘લ’ની લીલા’, ‘અંગ્રેજી એબીસીડીના ગુજરાતી પ્રયોગની મજા’,‘ગુજલીશ જોડકણાંની મજા’, ‘વર્તુળના અક્ષરોના ઉપયોગથી શબ્દરચના’, ‘શબ્દોની ક્રિકેટરમત’, ‘વર્ણોની બાદબાકીથી થતી ચમત્કૃતિ’.
ઝારખંડની ભા.જ.પ. સરકારે સંથાલ લેખક હાંસદા સૌવેન્દ્ર શેખરના ‘ધ આદિવાસી વિલ નૉટ ડાન્સ’ (જૉય બર્ક ફાઉન્ડેશન) વાર્તાસંગ્રહ પર ઑગસ્ટ 2017થી છ મહિના માટે સરકારી પ્રતિબંધ મુક્યો હતો. સરકારમાં તબીબ તરીકે ફરજ બજાવતાં ડૉક્ટર શેખરના સંગ્રહનો આદિવાસી નાચશે નહીં નામે અનુવાદ અંગ્રેજીના અધ્યાપક રૂપાલી બર્ક અને સાહિત્ય વિષયના અધ્યાપક ચિરાગ ત્રિવેદીએ કર્યો છે. આદિવાસીઓની દુર્દશાના સંદર્ભે આ દસ વાર્તાઓ ધર્મ-જાતિ-પ્રાન્તના પૂર્વગ્રહો, કોમી હિંસા, સ્ત્રીઓનું યૌન શોષણ, ડાકણ-કુરૂઢિ, સંકુલ આંતરસંબંધોનું આલેખન કરે છે.
ચિત્રગ્રીવા નામની રસાળ અનુવાદિત કિશોરકથાનું પેટાશીર્ષક છે ‘વિશ્વયુદ્ધ લડી ચૂકેલા કબૂતરની વાર્તા’. અહીં મહેનતુ અને રુચિસંપન્ન યુવા ફીચર લેખક વિશાલ શાહ બંગાળી લેખક ધનગોપાલ મુખરજીનાં 1927માં બહાર પડેલાં સંદેશાવાહક કબૂતર પરનાં ‘ગે-નેક : ધ સ્ટોરિ ઑફ અ પિજન’ પુસ્તકને ગુજરાતીમાં લાવ્યા છે. પુસ્તકના છેલ્લાં પૂઠા પરની નોંધમાં જણાવાયું છે : ‘સંદેશાવાહક કબૂતર(મેસે ન્જર પીજન)નાં જન્મ, ઉછેર, તાલીમ અને એનાં સાહસને કેન્દ્રમાં રાખીને કહેવાયેલી આ વાર્તા ક્યારેક હૃદયને સ્પર્શી જાય છે, તો ક્યારેક તેને આરપાર વીંધી નાખે છે.’
અમૃતા પ્રીતમ અને ઇમરોઝના પ્રણય સંબંધનું આલેખન કરતાં ઉમા ત્રિલોકનાં કાવ્યાત્મક અંગ્રેજી પુસ્તક ‘શી લિવ્ઝ ઑન’નો એ જીવે છે (ડબ્લ્યુ બીજી પબ્લિકેશન) નામે વાચનીય અનુવાદ અંગ્રેજીનાં અધ્યાપક માર્ગી હાથીએ કર્યો છે. તેનાથી ગુજરાતીમાં ઊતરેલાં ‘અમૃતા-સાહિત્ય’માં ઉમેરણ થાય છે.
સ્વશિક્ષિત ભાષાનિષ્ણાત વજેસિંહ પારગીના આગિયાનું અજવાળું (અરૂણોદય) નામના કવિતા સંગ્રહની સોમાંથી લગભગ દરેક રચનામાં એક ચોટ છે. મુક્ત પદ્ય ગણી શકાય તેવી રચનાઓના કવિ પ્રસ્તાવનામાં લખે છે : ‘રોજબરોજનું ભીંસાતું જીવન જીવતાં મનમાં કંઈક ગોરંભાતું રહેતું. આ ગોરંભો ઘાણીએ ફરતાં ફરતાં બળદ વાગોળી લે એમ લઘુકાવ્યરૂપે આલેખાયો છે.’ એક નમૂનો : ‘રહેવા દો / દીવો પેટાવવાનું / કે / તારા ઊતારવાનું / કે / સૂરજ ઊગાડવાનું …. નહીં કરી શકો તમે દૂર / માની કૂખમાંથી મને મળેલો / અંધકાર’.
ગુજરાતીના અધ્યાપક અમૃત પરમારનો પહેલો વાર્તાસંગ્રહ પંખીઘર (પ્રકાશક : લેખક પોતે) વધુ સંકુલ વાર્તાઓની આશા જન્માવે છે. તમામ પંદર વાર્તાઓનો એકંદર વિષય ગ્રામીણ જીવનથી શહેરી જીવન તરફનાં સંક્રમણનો છે. પરિવર્તન પ્રકિયા સાથે સંકળાયેલાં સામાજિક વર્ગ, જીવનશૈલી, મનોવૃત્તિઓ, આકાંક્ષાઓ, ગરીબી, દૂષણો, પરિવેશ, ભાષા જેવાં ઘણાં પાસાંને લેખક આવરી લે છે.
વાંચીએ, વંચાવીએ, વિચારીએ, લોકશાહી દેશના નાગરિક બનીએ !
*******
05 જાન્યુઆરી 2020