
રાજ ગોસ્વામી
બહુ વર્ષો પહેલાં એવું વાંચ્યાનું યાદ છે કે અમિતાભ બચ્ચને ઇંગ્લિશ નવલકથાકાર અને કવિયત્રી, એમિલી બ્રોન્તેની યાદગાર નવલકથા ‘વુથરિંગ હાઈટ્સ’ (ઊંચાઈ પર આવેલું હવાદાર ઘર) પરથી ફિલ્મ બંને તો તેમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ નવલકથા બ્રિટિશ યુવા પેઢીમાં એટલી લોકપ્રિય હતી કે એક સમયે વેલેન્ટાઇન ડે પ્રસંગે તેના નામમાં કાર્ડ્સ બજારમાં વેચાતાં હતાં, જેના પર તેની એક યાદગાર રોમેન્ટિક લાઈન લખાતી હતી; હોન્ટ મી, ધેન! ( તો પછી મને પરેશાન કર). ત્યાંનાં ઘણાં પત્ર-પત્રિકાઓ તરફથી વર્ષો વરસ જાહેર થતી વેલેન્ટાઇન ડે નિમિત્તે વાંચવા જેવી રોમેન્ટિક નવલકથાઓની સૂચિમાં ‘વુથરિંગ હાઈટ્સ’નું નામ અચૂક હોય છે.
શ્રી અર્નશો દ્વારા વુથરિંગ હાઇટ્સ ખાતે રહેવા માટે લાવવામાં આવેલ એક અનાથ, હીથક્લિફ શ્રી અર્નશોની પુત્રી કેથરિનના પ્રેમમાં પડે છે. મિસ્ટર અર્નશોના મૃત્યુ પછી, તેમનો નારાજ પુત્ર હિન્ડલી હીથક્લિફ સાથે દુર્વ્યવહાર કરે છે અને તેમની સાથે નોકરની જેમ વર્તે છે. સામાજિક પ્રસિદ્ધિ માટેની તેણીની ઇચ્છાને કારણે, કેથરિન હીથક્લિફને બદલે એડગર લિન્ટન સાથે લગ્ન કરે છે. હીથક્લિફનું અપમાન અને દુઃખ તેને હિંડલી, તેની પ્રિય કેથરિન અને તેમના સંબંધિત બાળકો પર બદલો લેવા માટે તેના મોટાભાગનું જીવન પસાર કરવા તરફ દોરી જાય છે.
‘વુથરિંગ હાઈટ્સ’ ઇંગ્લિશ સાહિત્યની ક્લાસિક નવલકથા છે. તે 170 વર્ષ પહેલાં, 1847માં, લંડનમાં પ્રકાશિત થઇ હતી. ઇંગ્લેન્ડના બ્રેડફોર્ડ શહેરની નજીક થોર્ટન નામના ગામડામાં જન્મેલી એમિલી બ્રોન્તેએ, 21 વર્ષની વયે આ નવલકથા લખી હતી. આ તેની એક માત્ર નવલકથા છે. નવલકથા પ્રગટ થઇ તેના એક જ વર્ષમાં, સ્થાનિક હવામાન અને ગંદકીના કારણે, બીમારીમાં તેનું અવસાન થઇ ગયું હતું.
એમિલી બ્રોન્તેને ચાર બહેનો અને એક ભાઈ હતાં. તેની બીજી બે બહેનો, શારલોત બ્રોન્તે અને એન બ્રોન્તે પણ સફળ લેખિકાઓ હતી.
તે વખતનો ઇંગ્લિશ સમાજ અને ખુદ બ્રોન્તેનો પરિવાર એટલો રૂઢિચુસ્ત હતો કે એમિલી બ્રોન્તેએ ‘એલિસ એન્ડ એક્ટન બેલ’ એવા બે લેખકોના નામથી આ નવલકથા પ્રકાશિત કરી હતી. શારલોત બ્રોન્તેની ‘જેન આઈરે’ નવલકથાએ પદ્ય લેખનના ક્રાંતિકારી શૈલી વિકસાવી હતી. એન બ્રોન્તેની નવલકથા ‘ધ ટેનેન્ટ ઓફ વાઈલ્ડફેલ હોલ’ શરૂઆતી નારીવાદી રચનાઓમાંથી એક ગણાય છે. ‘વુથરિંગ હાઈટ્સ’ અને ‘જેન આઈરે’ આજે પણ દુનિયાભરમાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસક્રમમાં ભણાવામાં આવે છે.
‘વુથરિંગ હાઈટ્સ’માં જે પ્રકારની હિંસા અને ઝનૂન હતું, તે જોઈને ઘણા લોકોને એવું લાગ્યું હતું કે આ નવલકથા કોઈ પુરુષ લેખકે લખી હોવી જોઈએ. તેમાં ત્રણ મુખ્ય પાત્રો હતાં; હીથક્લિફ લિન્ટન, કેથરિન અર્નશો અને એડગર લિન્ટન. ઘરમાં ગરીબી અને બીમારીઓ વચ્ચે મોટી થયેલી એમિલી બ્રોન્તેને 29 વર્ષના તેના જીવનમાં પ્રેમની તલાશ રહી હતી અને તેનું જ નિરૂપણ ‘વુથરિંગ હાઈટ્સ’માં હતું. જો કે, એમાં તેણે હીથક્લિફ નામના જીપ્સી જેવા એક એવા નાયકનું પાત્ર સર્જ્યું હતું કે એ નવલકથા વેરની વસૂલાત તરીકે જાણીતી થઇ ગઈ. એ વાર્તા અર્નશો અને લિન્ટન એમ બે પરિવારો વચ્ચે વહેંચાયેલી હતી અને બંને પક્ષે મળીને તેમાં 19 પાત્રો હતાં.
વાસ્તવમાં, અમિતાભને આવેલો વિચાર તદ્દન નવો નહોતો. અગાઉ, આ વાર્તા પરથી ત્રણ હિન્દી ફિલ્મો બની ચૂકી છે. 1950માં, નિર્દેશક શહીદ લતીફની ‘આરઝૂ,’ 1951માં એસ.કે. ઓઝાની ‘હલચલ’ અને 1966માં અબ્દુલ રશીદ કારદાર (એ.આર. કારદાર) નિર્દેશિત ‘દિલ દિયા દર્દ લિયા’ ‘વુથરિંગ હાઈટ્સ’ પરથી પ્રેરિત હતી.
મજાની વાત એ છે કે એ ત્રણેમાં દિલીપ કુમારની મુખ્ય ભૂમિકા હતી. ’આરઝૂ’માં તેમની સાથે કામિની કૌશલ, ‘હલચલ’માં નરગીસ અને ‘દિલ દિયા દર્દ લિયા’માં વહીદા રહેમાન હતી.
અમિતાભને પણ હીથક્લિફનીએ ભૂમિકા કરવાનું કેમ મન થયું હશે તે સમજી શકાય છે. અમિતાભે હંમેશાં દિલીપ કુમારને તેમના આદર્શ માન્યા છે. દિલીપ કુમારે એક જ પ્રકારની વાર્તા પરથી ત્રણ ફિલ્મો કેમ કરી તે પણ સમજી શકાય તેવું છે. એનું કારણ વાર્તાનો નાયક હીથક્લિફ છે. એ પ્રેમમાં ખુદને અને બીજા લોકોને તબાહ કરી દેનારો નાયક છે. દિલીપ કુમારને આવી ભૂમિકાઓ બહુ ગમતી હતી. એટલા માટે જ તેમનું હુલામણું નામ ‘ટ્રેજેડી કિંગ’ પડ્યું હતું.
આ ત્રણેમાંથી ‘દિલ દિયા દર્દ લિયા’ લોકપ્રિય થઇ કારણ કે 1950માં ‘આરઝૂ’ આવી તે પછીના 15 વર્ષમાં એક એક્ટર તરીકે દિલીપ કુમારમાં ઘણી પરિપક્વતા આવી ગઈ હતી (1955માં તેમણે બિમલ રોયની ક્લાસિક ફિલ્મ ‘દેવદાસ’માં આવા જ ટ્રેજિક હીરોની ભૂમિકા કરી હતી) અને બીજું, તેમાં નૌશાદનું સંગીત અત્યંત સુંદર હતું.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હિન્દી સિનેમામાં દર્દ ભર્યાં ગીતોમાં મૂકેશનું ‘રાજ’ ચાલે છે, જેમાં તે માનવીય દર્દ અને વેદનાને તેમના અવાજ દ્વારા રૂપેરી પડદે જીવંત કરે છે, જ્યારે મોહમ્મદ રફી તેમની વૈવિધ્યતા માટે જાણીતા છે. રફી ઓલરાઉન્ડર છે અને લાખો સિને રસિકો તેમને રોમાન્સના ‘બાદશાહ’ તરીકે ગણે છે, પરંતુ તમે જો ધ્યાન જુવો તો ખબર પડશે કે રફીનાં ઘણાં ગીતો ખરેખર હૃદયસ્પર્શી અને કરુણાથી ભરેલાં છે.
‘દિલ દિયા દર્દ લિયા’ તેની સાબિતી છે. શકીલ બદાયુનીના શબ્દો અને લતા મંગેશકર, મહોમ્મદ રફી, આશા ભોંસલેના અવાજમાં તેમાં 8 ગીતો હતાં, પણ તેનું ‘દિલ દિયા દર્દ લિયા, ‘કોઈ સાગર દિલ કો બહેલતા નહીં,’ ‘ગુઝરે હૈ આજ ઈશ્ક મેં,’ દિલરુબા મૈંને તેરે પ્યાર મેં ક્યા ક્યા ન કિયા’ અને ‘ફિર તેરી કહાની યાદ આયી’ આજે પણ એટલાં જ લોકપ્રિય છે.
મોહમ્મદ રફીના કણસતા અવાજમાં દિલીપ કુમાર અને વહીદા રહેમાન પર ચિત્રિત થયેલું ટાઈટલ ગીત આજે પણ તમે સાંભળો તો, ભીડમાં હોય કે એકલા, તમે પણ ગીતની સાથે યાત્રા કરવા લાગો છો.
દિલરુબા મૈંને તેરે પ્યાર મેં ક્યા-ક્યા ના કિયા
દિલ દિયા દર્દ લિયા, દિલ દિયા દર્દ લિયા
કભી ફૂલોં મેં ગુજારી, કભી કાટોં મેં જિયા
દિલ દિયા દર્દ લિયા, દિલ દિયા દર્દ લિયા
જિંદગી આજ ભી હૈ, બેખુદી આજ ભી હૈ
પ્યાર કહેતે હૈ જિસે, બો ખુશી આજ ભી હૈ
મૈંને દિન-રાત મોહબ્બત કા તેરી જામ પિયા
દિલ દિયા દર્દ લિયા, દિલ દિયા દર્દ લિયા
એવું જ બીજું ગીત છે, જેમાં મોહમ્મદ રફીના અવાજમાંથી ઉદાસી ઘૂંટાઈ-ઘૂંટાઈને આવે છે;
કોઈ સાગર દિલ કો બહલાત નહીં
બેખુદી મેં ભી કરાર આતા નહીં
મૈં કોઈ પથ્થર નહીં ઈંન્સાન હૂં
કૈસે કહ દું ગમ સે ધબરાતા નહીં
એમાં રફી ‘સાગર’ શબ્દને એવી રીતે ઉચ્ચારે છે, જાણે શબ્દમાં જ સાગરની ગહેરાઈ બતાવવા માંગતાં હોય, તે ગીતને એક અલગ જ સ્તરે લઇ જાય છે. શાશ્વત ગીતકાર શકીલ બદાયુની પણ રફી સાહેબને ખુલ્લું મેદાન આપે છે. આ પંકિતિ જુવો –
જિંદગી કે આઈને કો તોડ દો
ઇસમેં અબ કુછ ભી નજર આતા નહીં
(ફિલ્મની વાર્તા અંગે આવતા અંકે વધુ વાત)
(પ્રગટ : ‘સુપરહિટ, નામક લેખકની સાપ્તાહિક કોલમ; “સંદેશ”; 14 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર