સંઘ શ્રેષ્ઠીઓ જોગ
ભલે માર્ગદર્શક મંડળની અભરાઈએથી પણ અડવાણીએ કહ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન નરસિંહરાવના મૃત્યુ પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે સદ્દગત નેતાની ધોરણસરની અંતિમયાત્રાની કાળજી ન લીધી, એમની ઘોર અવહેલના કરી એવું તમે અમારા પક્ષમાં નહીં જુઓ.
આજે કર્પૂરી, આવતીકાલે અડવાણી અને પરમ દિવસે ? કદાચ કાંસીરામ ભારતરત્નની આ સંભવિત શૃંખલાને કેવી રીતે જોશું, વારું ? સામાજિક ઇજનેરી અને હિંદુત્વના મેળમિલાપથી ચુનાવી દિગ્વિજયની રણનીતિ તરીકે સ્તો.
રહો. લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન બનાવાયા, જેમ પૂર્વે અટલબિહારી વાજપેયીને પણ જાહેર કરાયા હતા – આ ઘટનાક્રમને વિનય સીતાપતિ જરી જુદી રીતે ય જુએ છે અને ઘટાવે છે. સીતાપતિને ઓળખ્યા ને ? ‘જુગલબંદી : ધ બી.જે.પી. બીફોર મોદી’ના લેખક. વાજપેયી-અડવાણીની ખાસાં સાઠ વરસની સહયાત્રા ફરતે થયેલી આ નિરુપણા છે.
સીતાપતિ કહે છે કે આ પુસ્તકના લેખન દરમિયાનમાં હું અડવાણીને મળ્યો ત્યારે મેં નરસિંહરાવ વિશે લખેલું પુસ્તક પ્રકાશિત થયેલું હતું, અને અડવાણીએ તે વાંચ્યું પણ હતું. વાતવાતમાં અડવાણીએ કહ્યું કે નરસિંહરાવના મૃત્યુ પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે સદ્દગત નેતાની ધોરણસરની અંતિમ યાત્રાની કાળજી ન લીધી, બલકે એમની ઘોર અવહેલના કરી એવું તમે અમારા પક્ષમાં નહીં જુઓ. અડવાણીનું આ અવલોકન એ દિવસોમાં આવ્યું હતું જ્યારે માર્ગદર્શક મંડળ નામની રૂપાળી અભરાઈએ એમને ચડાવી દેવામાં આવ્યા હતા. વાજપેયીની વાત કરીએ તો નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી પાણીચું પરખાવવાની એમની ઇચ્છા લગારે ગુપ્ત નહોતી ને નથી. પણ, આ જ વાજપેયી ન.મો.ના પ્રથમ પ્રધાન મંત્રી કાળમાં ભારતરત્ન તરીકે પોંખાયા, અને બીજા કાળમાં આજે અડવાણી પોંખાઈ રહ્યા છે. સોનિયા-રાવના કાઁગ્રેસ મોડેલ કરતાં વાજપેયી-મોદી અને અડવાણી-મોદી મોડેલ ચોક્કસ જ એક જુદી છાપ લઈને આવે છે.
વિનય સીતાપતિએ આ સંબંધભાતને અનુલક્ષીને સમજૂતી આપતાં ‘હિંદુત્વ ફેવિકોલ’ એવું નામ આપ્યું છે. વાજપેયી જે રીતે હિંદુત્વની લવચિક ને લચીલી વ્યાખ્યામાં ગયા – અમારું હિંદુત્વ સાવરકરનું નથી એ ખાસ સંભાળ લઈને કહ્યું તે જોતાં આ ફેવિકોલ એ હિંદુત્વ કરતાં વધુ તો સંગઠનભાવનાનું છે એમ જ કહેવું જોઈએ.
વાજપેયી-અડવાણી-મોદી ત્રિકોણને કેવળ ભારતરત્ન પ્રકરણ જેવા ઓઠાથી સમજાવવાથી અને ભા.જ.પ.ને બક્ષવાની ભૂમિકા જો કે એટલી દુરસ્ત નથી જેટલી ઉપલક ઉભડક લાગે છે. પ્રશ્ન આ છે કે વહેવાર તો સાચવી લીધો, પણ પછી શું. વાજપેયી અને અડવાણીનાં પક્ષ જોગ હિતવચનો ભારતરત્નની આડશે લપાઈ જાય તો કથિત ફેવિકોલ એક અર્થમાં બે-મતલબ બની રહે છે એનું શું.
વાજપેયીએ સંઘ-જનસંઘ સંબંધ સંદર્ભે કહેવા જોગ બધુ જ જનતા ભંગાણ પછી સાઇન્ડ આર્ટિકલમાં ચોખ્ખે ચોખ્ખું આખેઆખું લખ્યું હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દો ટૂક કહ્યું હતું કે તમે નક્કી કરો, આર્ય સમાજની જેમ સુધારસંગઠના છો કે પછી રાજકીય મહત્ત્વાકાંક્ષી પક્ષવત છો. જનતા પક્ષના ઘટક તરીકે જનસંઘ પરની સંઘપકડ વિશેની ફરિયાદ અને બીજું ઘણુંબધું એમાં હશે.
આ જ મુદ્દો અડવાણીએ બીજે છેડેથી પકડ્યો હતો. ઝીણા પ્રશ્ને એમને આંતરવામાં આવ્યા અને ભા.જ.પે. પોતાની મુસ્લિમવિરોધી છબી સુધારવાની તક ખોઇ ત્યારે એમણે કહ્યું હતું કે પક્ષના નિર્ણયો સંઘના દબાણ હેઠળ થાય છે એવો સંદેશો જાય તે પક્ષ અને પરિવાર બેઉ સારુ ઇષ્ટ નથી. 1992ની છઠ્ઠી ડિસેમ્બરને એમણે એક વિષાદી ને દુઃખદ દિવસ તરીકે ચહીને ઓળખાવવાનું પણું જોયું હતું તે મુદ્દો સંઘચિંતનમાં (વિ.હિં.પ.-બજરંગ વિશેષ સંદર્ભમાં) નહીં ઊતર્યો હોવાની એમની લાગણી સતત રહી.
અલબત્ત, ભારતરત્ન શો વિવેકોપચાર એમને ઠીક લાગ્યો હશે અને વિનય સીતાપતિને પણ એ અન્યથા વસ્યો હશે. પરંતુ એમણે ઉપસ્થિત કરેલા પ્રશ્નો, જેનો અહીં તો અણસાર માત્ર છે, ખાસી આંતરબાહ્ય તપાસ માગી લે છે. ભા.જ.પ.ને અને સંઘને સમજાવું જોઈએ કે એમનો ઇતિહાસ ખાસી જવાબદારી લઈને આવે છે. સાઠ સાઠ વરસની જુગલબંદીને જે ઓછુંવત્તું સમજાયું ને અડ્યુંનડ્યું એની સમજ છેલ્લા દોઢ દાયકાની જુગલબંદ જોડીને કે સંઘશ્રેષ્ઠીઓને કેટલી હશે ? ન જાને.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 ફેબ્રુઆરી 2024