જૂની મૂડી
કહેવત એટલે જીવંત ભાષાના દેહ પરનું અત્તરનું પૂમડું. આજે આપણે જેને ‘અભણ’ કહીએ તેવાં સ્ત્રી-પુરુષો પણ વાતચીતમાં કહેવતોનો છૂટથી ઉપયોગ કરે. પણ હવે શહેરીકરણને પ્રતાપે શિક્ષિત વર્ગની રોજની બોલચાલમાં કહેવતોનો ઉપયોગ ઓછો ને ઓછો થતો જાય છે. પણ આપણે ત્યાં મુદ્રણની સગવડ આવી તે પછી સમાજમાં પ્રચલિત કહેવતોને એકઠી કરીને સાચવી લેવાના ઘણા પ્રયત્ન થયા. આવો પહેલો પ્રયત્ન થયો છેક ૧૮૦૮માં, અને તે પણ એક સરકારી નોકરી કરતા અંગ્રેજ ડોક્ટરને હાથે. મુંબઈ ઇલાકામાં કામ કરતા અંગ્રેજ અધિકારીઓ અને પાદરીઓને મદદરૂપ થવાના ઈરાદાથી ડો. રોબર્ટ ડ્રમન્ડે ગુજરાતી-મરાઠી-અંગ્રેજીનું સંયુક્ત વ્યાકરણ લખીને પ્રગટ કર્યું: Illustrations of the grammatical parts of the Guzerattee, Mahratta & English Languages. ગુજરાતી વ્યાકરણની સોદાહરણ સમજણ આપવા ઉપરાંત આ પુસ્તકમાં તેમણે ૧૭૦ જેટલી ગુજરાતી કહેવતો નોંધી છે અને તેનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે.
પણ ડ્રમન્ડનું આ પુસ્તક માત્ર કહેવતોનું પુસ્તક નથી. એવું પુસ્તક આપણને પહેલી વાર મળે છે ૧૮૫૦માં. કંપની સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ ધરાવનાર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સની સૂચનાથી કવીશ્વર દલપતરામે ‘કથનસપ્તશતી’ નામનું પુસ્તક તૈયાર કર્યું. તેમાં ૭૦૦ કહેવતો સંઘરાઈ છે. દલપતરામનું અ પુસ્તક પ્રગટ થયું ત્યારે જ તેની સામે બે ફરિયાદ ઊઠી. એક તો, સાત સોની સંખ્યા ઘણી ઓછી છે. બીજું ઘણી બધી જાણીતી કહેવતો તેમાં જોવા મળતી નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યા સભા)એ દલપતરામનું પુસ્તક પ્રગટ કરેલું. ફરિયાદને ધ્યાનમાં લઈને મગનલાલ વખતચંદને બીજું પુસ્તક તૈયાર કરવા સોસાયાટીએ જણાવ્યું. મગનલાલે પોતાનું પુસ્તક પણ ઉતાવળે તૈયાર કર્યું અને ૧૮૫૧માં તો તે પ્રગટ થઈ ગયું. દલપતરામે નહિ સંઘરેલી એવી લગભગ ૧,૮૦૦ કહેવત મગનલાલે પોતાના પુસ્તકમાં સમાવી છે.
૧૮૬૦ના અરસામાં ‘ગુજરાતી તથા અંગ્રેજી કહેવત-સંગ્રહ’ નામનું પુસ્તક પ્રગટ થયું હોવાનું જાણવા મળે છે. પણ આ લખનારને એ પુસ્તક જોવા મળ્યું નથી. ૧૮૬૩માં પ્રગટ થયેલું ડોસાભાઈ સોરાબજી મુનશીનું ‘દોહરા તથા કહેવત પોથી’ એક પારસી લેખકને હાથે તૈયાર થયેલું અ પ્રકારનું પહેલું પુસ્તક છે. પુસ્તક મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાયું હતું. ડોસાભાઈના દીકરા બમનજીએ પોતાના એક અંગ્રેજી પુસ્તકની શરૂઆતમાં પિતાનું ટૂંકુ જીવન ચરિત્ર આપ્યું છે. તેમાં તેમણે આ પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે. સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટે તૈયાર કરેલા કેટલોગ(બીજી આવૃત્તિ, ૧૮૬૭)માં આ પુસ્તકનો ઉલ્લેખ ‘બુક ઓફ ગુજરાતી પ્રોવર્બ્સ’ તરીકે થયો છે. એ જમાનામાં ઘણાં પુસ્તકોમાં બે ટાઈટલ પેજ છપાતાં : એક ગુજરાતીમાં અને બીજું અંગ્રેજીમાં. બનવા જોગ છે કે ગ્રાન્ટે અંગ્રેજી ટાઈટલ પેજ પ્રમાણે નામ નોંધ્યું હોય.
૧૮૬૫માં પ્રગટ થયેલું પેશતનજી કાવશજી રબાડીનું ‘કહેવત મુલ ઇઆને ચાલુ વપરાતી કહેવતોની ઉતપતી અને તવારીખનો મુખતેશર શારાઉંશ’ જરા જૂદી ભાત પાડતું પુસ્તક છે. કારણ, અહીં માત્ર કહેવતો સંઘરાઈ નથી, પણ તેની પાછળની કથાઓ પણ લેખકે આપી છે. ૨૦૭ પાનાંના પુસ્તકમાં લેખકે ૪૩ જેટલી કહેવતો પાછળની કથાઓ સમાવી છે. પુસ્તકની ભાષા, અલબત્ત, પારસી ગુજરાતી છે.
તે પછી પ્રગટ થયેલાં કેટલાંક પુસ્તકોની માત્ર માહિતી મળે છે. એ પુસ્તકો જોઈ શકાયાં નથી. ૧૮૬૮માં મંછારામ ઘેલાભાઈ અને કીકાભાઈ પ્રભુદાસે ‘ગુજરાતી કહેવતોની ચોપડી’ પ્રગટ કરી હતી. 106 પાનાંનું આ પુસ્તક મુંબઈથી પ્રગટ થયું હતું. તેવી જ રીતે માત્ર ૨૧ પાનાંનો ‘ઉખાણા સંગ્રહ’ ૧૮૭૬માં અમદાવાદથી પ્રગટ થયો હતો. સંગ્રાહકો હતા જેશંગ ત્રિકમદાસ પટેલ અને શ્રીધર કહાનદાસ. આ પુસ્તકની બીજી આવૃત્તિ ૧૮૯૬માં મુંબઈથી પ્રગટ થઈ હતી. તો ૧૮૭૯માં અમદાવાદથી ‘કહેવત સંગ્રહ’ નામના પુસ્તકનો પહેલો ભાગ પ્રગટ થયો હતો. તેમાં ગુજરાતી ઉપરાંત મરાઠી, ફારસી, હિન્દી, અને ઉર્દૂ ભાષાની કહેવતો પણ સમાવી હતી. આ પુસ્તકનો બીજો ભાગ પ્રગટ થયો હોય તેવું જાણવા મળતું નથી. તેના કર્તાનું નામ પણ જાણી શકાયું નથી.
કરીમઅલી રહીમ નાનજીઆણી પાસેથી કહેવતો અંગેનાં બે પુસ્તક મળ્યાં છે. ૧૮૮૫માં પ્રગટ થયેલું ‘ગુજરાતી કહેવતો’ અને ૧૮૯૨માં પ્રગટ થયેલું ‘કચ્છી સુકેણી.’ કચ્છીનો આ પહેલો કહેવત સંગ્રહ છે. ૧૮૮૮માં અમદાવાદથી નાથુશંકર ઉદયશંકર ધોળકિયા કૃત ‘કહેવતમાળા’ પ્રગટ થઈ હતી. તો સુરતથી ૧૮૮૯માં પ્રગટ થયેલ ડાહ્યાભાઈ દલપતભાઈ દલાલની કૃતિનું ગુજરાતી નામ જાણવા મળ્યું નથી, પણ તેમાં ગુજરાતી કહેવતોને સમાંતરે અંગ્રેજી કહેવતો પણ આપેલી એમ જાણવા મળે છે. ૧૮૯૨માં અમદાવાદથી પ્રગટ થયેલા મહાસુખ ચુનીલાલ શાહના પુસ્તકમાં પણ ગુજરાતીની સાથોસાથ અંગ્રેજી કહેવતો આપવામાં આવેલી.
માત્ર ૩૨ વરસની ઉંમરે ૧૮૮૮માં જમશેદજી નસરવાનજી પીતીતનું અવસાન થયું તે પહેલાં તેમણે ‘કહેવતમાળા’નો ઘણો મોટો ભાગ તૈયાર કર્યો હતો. પણ તે પુસ્તક પ્રગટ થયું છેક ૧૯૦૩માં. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જમશેદજીને કહેવતો ભેગી કરવાનો શોખ જાગ્યો હતો. તેમણે એકઠી કરેલી દસ હજાર જેટલી કહેવતો ‘કહેવતમાળા’ એવા મથાળા સાથે એ વખતના જાણીતા સામયિક ‘વિદ્યામિત્ર’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જમશેદજીના અવસાન પછી તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ એ સામગ્રીને સુધારી, મઠારીને ૧૯૦૩માં બે ભાગમાં ‘કહેવત-માળા’ પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકમાં લગભગ ૧૨ હજાર જેટલી ગુજરાતી કહેવતો અકારાદિ ક્રમે ગોઠવી છે. અને સાથોઆથ દેશ અને દુનિયાની બીજી ભાષાઓની સમાંતર કહેવતો પણ આપી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૨૦૦૯માં આ પુસ્તકનું પુનર્મુદ્રણ કર્યું હતું.
જમશેદજીનું પુસ્તક પ્રગટ થયું તે પહેલાં ૧૮૯૩મા દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાનું ‘ગુજરાતી કહેવતો’ પુસ્તક પ્રગટ થયું હતું. દામુભાઈનો જન્મ ૧૮૬૨માં. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થી. ૧૮૮૩માં બી.એ. અને ૧૮૮૫માં એમ.એ. અને બી.એસસી. થયા પછી ૧૮૮૭માં એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. પછી વડોદરા ટ્રેનિંગ સ્કૂલના હેડ માસ્ટર તરીકે નોકરીની શરૂઆત કરી. પછી શિક્ષણ ખાતામાંથી ન્યાય ખાતામાં ગયા અને અમરેલી પ્રાંતના જજ બન્યા. આ પુસ્તક પ્રગટ થયું ત્યારે તેઓ વડોદરાના એક્સ્ટ્રા આસિસ્ટન્ટ જજ હતા. પુસ્તકની પ્રસ્તાવના વાંચતાં જણાય છે કે કોલેજના અભ્યાસ દરમ્યાન અંગ્રેજી કહેવાતોના સંગ્રહ તેમના જોવામાં આવેલા. ત્યારથી તેમણે મનોમન નક્કી કરેલું કે ગુજરાતી ભાષાનો આવો કહેવત સંગ્રહ તૈયાર કરવો. એટલે કોલેજમાં ભણતા હતા ત્યારથી જ તેમણે ગુજરાતી કહેવતો એકઠી કરવાનું શરૂ કર્યું. એ માટે ઘણાં પુસ્તકો વાંચ્યાં. વડોદરા રાજ્યની નોકરીમાં જોડાયા પછી પણ તેમણે આ કામ ચાલુ રાખ્યું. “કહેવતોનો સંગ્રહ એટલો મોટો થઈ ગયો કે તેનાં કાગળીઆંઓ સાચવી રાખવાનું કામ પણ કઠણ થવા લાગ્યું.” એટલે આ પુસ્તક તેમણે છપાવવાનું નક્કી કર્યું. પ્રસ્તાવના પછી દામુભાઈએ કહેવત વિષે વિસ્તૃત નિબંધ લખ્યો છે.
xxx xxx xxx
[પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; જાન્યુઆરી 2024]
નોંધ: બુદ્ધિપ્રકાશમાં ચિત્રો પ્રગટ થયાં નથી. અહીં તે ઉમેર્યાં છે.
e.mail : deepakbmehta@gmail.com