Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376313
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“બ્હાર કાઢ મને….!” ~ ગઝલ ~ ભાવિન ગોપાણી 

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ|Opinion - Literature, Opinion - Opinion|7 February 2024

આસ્વાદ – ગઝલ

“બ્હાર કાઢ મને ….!” ~   ગઝલ

ભલેને ફૂલ છું, ગજરાની બ્હાર કાઢ મને
છે અર્થ એ જ કે ટોળાની બ્હાર કાઢ મને

ભડાસ, ભય અને ભ્રમણાની બ્હાર કાઢ મને
બધા પ્રકારના પંજાની બ્હાર કાઢ મને

છે એવા કષ્ટ કે ફરિયાદ થઈ શકે છે હજી
આ સવલતોના તબક્કાની બ્હાર કાઢ મને

કદી ન કામમાં આવી શક્યાનો લઈ અફસોસ
ચલણ કહે છે કે ખિસ્સાની બ્હાર કાઢ મને

છું એવી જ્યોત કે જેણે જગત નથી જોયું
કદી તો મારા ધુમાડાની બ્હાર કાઢ મને

હું તારા નામ સુધી પ્હોંચવા મથું છું હજી
જપી રહ્યો છું એ માળાની બ્હાર કાઢ મને

ગમે તે માર્ગથી પાછો ફરીશ નક્કી છે
હ્રદયની બ્હાર કે દુનિયાની બ્હાર કાઢ મને

હવે તો પાત્ર નહીં મંચ રાડ પાડે છે
“પડી ગયેલ આ પડદાની બ્હાર કાઢ મને”

સમાધિ પામવા થીજી જવાની ઈચ્છા છે
ગુલાબી સ્મિતના તડકાની બ્હાર કાઢ મને

સમગ્ર રૂપનાં દર્શન સુધી હવે લઈ જા,
લે ઝાલી આંગળી પીંછાની બ્હાર કાઢ મને

–     
ભાવિન ગોપાણી

ભાવિન ગોપાણી

નિર્વાણ – Salvationની મંઝિલનો રસ્તો મુક્તિ – Liberation છે. અહીં બધાં જ કોઈ ને કોઈ શલાકામાં જકડાયેલાં છે. “જિંદગી જિંદાન સે છૂટને કા નામ હૈ” ઉર્દૂના મોટા શાયર, મીર તકી મીરની ગઝલના એક શેરનો આ ઉલા મિસરા છે.

જિંદાન એટલે કે બંધન. આ બંધનોમાં કોઈ પોતાની પ્રાકૃતિક અવસ્થાને કારણે બંધાય છે તો કોઈ સ્વેચ્છાએ બંધાય છે. મનને ક્યારે ય ધરવ થતો નથી હોતો. જે ‘નથી’, એને પામવાની મૃગતૃષ્ણા એ જ તો કદાચ જીવનના પૈડાને દોડતું રાખે છે.

સજ્જડ રીતે બારીબારણાં બંધ રાખેલા ઘરમાં, મરવાને વાંકે જીવતી વાસી, બંધિયાર હવામાં ગૂંગળાઈને જીવવા કરતાં, બહાર નીકળી જઈને, “ભોમિયા વિના ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી..” –  બસ, આ એકતારો જ્યારે અંતરમાં ‘ઝણ ઝણ’ વાગવા માંડે ત્યારે એ નાદબ્રહ્મમાં આસપાસનું વાતાવરણ અને બધાં જ પ્રલોભનો એક પછી એક, અનાયસે જ પીગળવા માંડે  છે.

એ સમયે ન તો ખ્યાલ હોય છે આગમનો કે ન તો ખ્યાલ હોય છે અંતિમ ગંતવ્યનો. જોશ મલિહાબાદીની ગઝલનુમા ગીતની આ પંક્તિઓ અચાનક યાદ આવે છે :

“કહકશાં હૈ મેરી સુંદન
નૂર કા તડકા મેરી ચિલમન,
તોડ ચૂકા હૂં સારે બંધન
પૂરબ પચ્છમ ઉત્તર દક્ખન,
બોલ એક તારે ઝન ઝન
હે … બોલ એક તારે ઝન ઝન…!”

ગજરામાં ગુંથાયેલાં ફૂલો, કરમાયાં પહેલાં, સંપ કરીને કોઈ સુંદરીની અલકલટમાં પોતાની સુગંધનો દરિયો વહાવીને પોતાના હોવાપણાને સાર્થક માની લે છે. પણ એમાં કોઈ એકાદ ફૂલ એવુંયે છે કે જેને તો ન તો સુગંધિત રહીને યાદગીરી મૂકી જવી છે, કે, ન તો અન્યની સાથે ગંઠાયેલા રહીને ખરી જવું છે. એને તો બસ, આ ફૂલોનાં ટોળાં જેવા ગજરામાંથી બહાર જઈને ક્યાંક કદાચ પોતાની અલગ પહેચાન બનાવવી છે.

જિંદગીમાં કેટલાંક એવાં પણ હોય છે કે જેને ક્યાં ય એક મંઝિલ પર પહોંચવું નથી હોતું. એમને તો એકલા, પોતાનાં કદમના તાલ પર ગીત ગણગણતાં મુસાફરીનો આનંદ માણવો હોય છે. આ એક ધૂનકી છે, પોતાપણું જાળવીને સ્વયંભૂ મસ્તીમાં જીવી જવાની ..! કૃષ્ણ બિહારી ‘નૂર’નો આ શેર યાદ આવે છે…
“મૈં એક કતરા, મેરા અલગ વજૂદ તો હૈ
હુઆ કરે જો સમંદર મેરી તલાશ મેં  હૈ”

જિંદગીમાં અનેક મોડ એવા આવે છે કે જે સાવ આંધળાં હોય છે. ભીડ અને ટોળું, સહુને કોઠે બહુ જલદી પડી જાય છે, કારણ કે, એમાં એક Deceiving Sense of Security – છેતરામણી સલામતીનો આભાસ હોય છે. પણ એકવાર આ અસલામતીના ભયમાંથી જો છૂટી જવાયું તો પછી ભડાસ અને ભ્રમણાના “શાર્દૂલપંજા”માંથી મુક્ત થઈ જવાય છે.

આ મુક્તિનું અંતિમ ક્યાં છે, શું છે, એનો નકશો તો નથી, પણ, પછી સાચા અર્થમાં પછી એની તમાયે રહેતી નથી. આ જ છે First Step to Self-Liberation from The Labyrinth of Deceiving Sense of Security – ભૂલભૂલામણીવાળી, છેતરામણી સલામતીમાંથી સ્વ-મુક્તિ તરફ ઉપાડેલું પહેલું પગલું! રાહત ઈંદોરીનો એક શેર છે :

“લોગ હર મોડ પે રુક રુક કે સંભલતે ક્યું હૈં
ઈતના ડરતે હૈં તો ફિર ઘર સે નીકલતે ક્યું હૈં”

પણ, આ “સ્વ-મુક્તિ”નો માર્ગ ક્યાં કદીયે સહેલો હોય છે? અંતરની અનેક મથામણો, તકલીફો અને દુન્યવી ફરિયાદોના વમળો જ્યાં સુધી મનમાં જાગ્યા કરે છે ત્યાં સુધી સવાલોના ઘેરાવાની કેદમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે, છતાં પણ, એક છટપટાહટ સતત અંતરમાં થતી રહે છે કે આમાંથી બહાર નીકળવું છે.

ધારો કે, એકવાર ટોળાંની માનસિકતામાંથી બહાર નીકળી પણ ગયા તો પછી, આગળના અજાણ્યા રસ્તાઓ ક્યાં જશે અને કયાં અટકશે કે પછી રાહમાં ક્યાંક ફરી પાછું પોતાપણું મળશે તો શું થશે, આવા બધા સવાલોના જવાબો તે સમયે તો નથી જ હોતાં. અને, હોય તોયે આ અલગારીઓ જવાબો શોધવામાં સમય પણ ક્યાં બગાડવાનાં હતાં?

મોટાભાગે આપણે આપણા માટે જ આપણો સમય, સંસાધનો અને મૂડી વાપરતાં હોઈએ છીએ, ભલેને પછી, અંતરનો અવાજ કહેતો હોય કે “ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ!”

જિંદગીનું બીજું નામ જ શક્યતાઓ અને સંભાવનાઓ છે. ભીડ અને ટોળું એક ચાતરેલી કેડી પર માથું નીચું રાખીને ચાલતાં રહેવામાં સલામતીનો આભાસી આનંદ આપી શકે છે પણ નવું કંઈ પામવું હોય, તો પરિચિતતાથી અપરિચિતતા તરફ ઉડાન ભરવી જ રહી. બહાર નીકળી જવાનો આ તલસાટ અને તરફડાટને કારણે જ સાચા અર્થમાં તો, દરેક શક્યતા અને સંભાવના, પોતે જ  પોતાના જન્મદાતા શોધી લે છે.

આ બધી જ મથામણ અને ‘સ્વ’ને પામવાની ઝંખનાના મૂળમાં પરમ તત્ત્વને પીછાણવાની આરત રહી છે. મીરાં તો મંજીરા લઈને હરિને પામવા, “મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ” ગાતી ગાતી ‘મહેલ’ની ‘બહાર’ નીકળી ગઈ હતી. તો કૃષ્ણપ્રેમમાં તનમનનું ભાન ગુમાવી બેઠેલી ગોપી, હરિની ઘેલછામાં, મટુકીમાં મૂકેલું માખણ વેચવાને બદલે “કોઈ માધવ લ્યો” કહેતી ‘બહાર’ નીકળી ગઈ હતી.

નરસિંહ, સૂરદાસ, તુલસીદાસ, કબીર આ બધા પ્રભુરસમાં તરબતર થઈને, હરિને પામ્યાં પણ શરીરી તત્ત્વોની બહાર નીકળીને, પોતાની સફર, પોતે જ કંડારેલી કેડી પર કરીને જ પરમને પામ્યા. આપણને પણ પરમને પામવા છે, પણ શી રીતે પામવા, એની મથામણમાં જ ભવાટવીમાં જ અટવાઈ જવાય છે.

રામ, રહીમ, કૃષ્ણ, જિસસ, બુદ્ધ અને ખુદા – કોણ કોનાં, આવા સવાલો ઊભા કરીને, આપણે  ભય, ભીડ, ભ્રમણા – બધામાં ફરી અટવાઈ જઈએ છીએ અને અંતરમાં મૂંઝારો થયા કરે છે.

આ મૂંઝારામાંથી મુક્તિ પામવી છે, હરિને પામવા છે પણ કેવી રીતે? તિલક, ટપકાં, જપમાળા, આ બધાં કદાચ સાધ્યની સાધના કરવા માટે જરૂરી એવી ચિત્તની ચેતના જગાવવા માટેની પ્રારંભિક તૈયારી હોય શકે પણ, એનાં થકી હરિ મળી જાય એવું તો ક્યાંથી બને? કવિ આ સાદગીથી ઊભરાતા શેરમાં કહે છે :

“હું તારા નામ સુધી પ્હોંચવા મથું છું
જપી રહ્યો છું એ માળાની બ્હાર કાઢ મને”

જિંદગી નામનું નાટક Illusion – ઈંદ્રજાળના મંચ પર, સતત ભજવાતું રહે છે. એક નિશ્વિત સ્ટેજ પર, પહેલેથી જ નક્કી કરેલું પોતાનું પાત્ર, ગાડરિયા પ્રવાહમાં તણાઈને ભજવી જવું, એ માથાભારે કેટલાંક લોકો માટે સંભવ જ નથી. આવા દિવાનાઓને મંજૂર નથી કે,

“કાગજ કે ઘરોંદો મેં એક ઉમ્ર બીતાની હૈ,
ઉસ પર યે હિદાયત હૈ યે બાત છિપાની હૈ”

– અજ્ઞાત 

(કદાચ, રંજન અગ્રવાલની આ પંક્તિઓ છે)

“સંભવામિ યુગે યુગે”નું વચન, મહાભારતના યુદ્ધમાં, અર્જુનને ગીતાના ઉદ્દબોધન સમયે શ્રીકૃષ્ણ આપે છે. આ ધરતી પર એમનો અવતાર તો “પરિત્રાણાય સાધુનામ્, વિનાશાય દુષ્કૃતામ્” માટે, એટલે કે, સજ્જનોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવાના ચોક્કસ પ્રયોજન માટે થતો રહેશે એવું વચન આપે છે. બાકી, આ પૃથ્વી પર અવતરેલાં બીજાં સહુ જીવો માટે તો, પોતપોતાનાં કર્મો અનુસાર, “પુનર્પિ જન્મમ્, પુનર્પિ મરણમ્” ના ફેરા પ્રાયોજિત છે.

“ગમે તે માર્ગથી પાછો ફરીશ નક્કી છે
હ્રદયની બ્હાર કે દુનિયાની બ્હાર કાઢ મને…!”

અહીં આવીને, અંતરના અલખનાદ પાસે બસ, બધું જ જાણે થંભી જાય છે. અને, છેલ્લો શેર ઉદ્દભવે છે :

“સમગ્ર રૂપનાં દર્શન સુધી હવે લઈ જા,
લે ઝાલી આંગળી પીંછાની બ્હાર કાઢ મને!”

આ શેર, આખી ગઝલનું નવનીત છે. અહીં આવીને એક ચૂપકીદી અનાયસે ઊગી જાય છે અને મૌન એની ચરમ સીમા પર, શબ્દોની વાડ ઊભી કર્યા વિના, અર્થોની ગહનતાને ઉજાગર કરી જાય છે.

કવિના શબ્દો કોઈ બોધ આપ્યા વિના, અગમનિગમના ધુમ્મસની પરે જઈને, જ્યોર્તિમય રાહ પર ચાલવા માટે આંગળી ચીંધવાનું પુણ્ય કરીને, ઓઝલ થઈ જાય છે, ઓગળી જાય છે. કદાચ આ જ તો સાચું કવિકર્મ છે.

ક્લોઝ અપ –

“વો એક સાયા હૈ, અપના હો યા પરાયા હો
જનમ જનમ સે બરાબર, મેરી તલાશ મેં હૈ

મૈં  દેવતા કી તરહ,  કૈદ  અપને  મંદિર મેં
વો મેરે જિસ્મ કી બહાર, મેરી તલાશ મેં હૈ”

                                      – કૃષ્ણ બિહારી ‘નૂર’ 

(“આપણું આંગણું” ના સૌજન્યથી)
January 27, 2024
e.mail : jayumerchant@gmail.com

Loading

7 February 2024 આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
← બેછૂટ મહિમામંડન અને ‘ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમ’ સામે સર્જકની લાલ બત્તી  
ઓગણીસમી સદીના મૂલ્યવાન કહેવત સંગ્રહો →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved