મહાત્મા ગાંધીની ગમતી ફિલ્મ કઈ હતી એવું કોઈ પૂછે તો “રામ રાજ્ય”નું નામ ઘણાને યાદ આવે. મૂળ પાલિતાણાના બ્રાહ્મણ પરિવારના વિજય ભટ્ટે 1943માં બનાવેલી આ ફિલ્મનો એક ખાસ શો મહાત્મા માટે મુંબઈના જુહુમાં યોજાયો હતો. પણ તમને કોઈ એવું પૂછે કે પંડિત જવાહરલાલ નહેરુની ફેવરીટ ફિલ્મ કઈ હતી, તો ઝટ કોઈ નામ જીભે ન ચઢે. નહેરુ આધુનિક મોજશોખ કરવાવાળા હતા તે સાચું, પણ તે ફિલ્મોના શોખીન હોય તેવું બહુ ધ્યાનમાં નથી આવ્યું. એક ફિલ્મ તેમાં અપવાદ છે; બિમલ રોયની 1959માં આવેલી “સુજાતા.”
આંતરજ્ઞાતિય લગ્ન પર આધારિત આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેકટર અને બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતી અને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. “સુજાતા”ને ફ્રાન્સમાં યોજાતા આંતરરાષ્ટ્રીય કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. પંડિત નહેરુએ આ ફિલ્મ જોઈ હતી, અને તેઓ એટલા પ્રભાવિત થાય હતા કે 28 જૂન 1959ના રોજ, બિમલ રોયને લખેલા એક પત્રમાં કહ્યું હતું;
“ફિલ્મની ફોટોગ્રાફી અને વાર્તા સરસ છે. ફિલ્મો ઉપદેશ આપવા લાગે તો બોરિંગ બની જવાનું જોખમ હોય છે. મેં જોયું કે ‘સુજાતા’માં એ ભૂલ ટાળવામાં આવી છે, અને એક મહત્ત્વના સામાજિક વિષયને અત્યંત સંયમિત રીતે છેડવામાં આવ્યો છે.”
દો બીઘા જમીન, પરિણીતા, બિરાજ બહુ, દેવદાસ, મધુમતી, પરખ અને બંદિની જેવી ક્લાસિક ફિલ્મો આપનારા યથાર્થવાદી ફિલ્મ સર્જક બંગાળી બાબૂ બિમલ રોયની યશસ્વી કારકિર્દીમાં “સુજાતા” એક સીમાચિન્હ સમાન છે. ભારતની આઝાદીની લડત ચાલતી હતી, ત્યારે તેની સમાંતર સામાજિક સુધારની પણ લડાઈ ચાલુ હતી, કારણ તે વખતના સામાજિક-રાજકીય આગેવાનોએ એ સમજાયું હતું કે ભારતીયોની ગુલામીનું એક કારણ તેમનું પછાતપણું, નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને નાત-જાતના ભેદભાવ પણ છે. એટલે સમાજમાં આધુનિક વિચારો અને જીવનશૈલી પ્રચલિત થાય તે માટે પણ જાગૃતિનું કામ થતું હતું.
તે વખતના ફિલ્મ સર્જકોએ પણ તેમની ઘણી હિન્દી ફિલ્મોમાં સામાજિક મુદ્દાઓ વણી લીધા હતા. ખાસ કરીને બંગાળમાં સુધારાવાદી ચળવળ બહુ તીવ્ર હતી, એટલે ત્યાંના સાહિત્ય-સિનેમામાં તેની ઝલક બહુ જોવા મળતી હતી. સુબોધ ઘોષ નામના એક બંગાળી લેખક અને પત્રકારે “સુજાતા” નામની નવલકથા લખી હતી, જે બિમલ રોયની ફિલ્મનો આધાર બની હતી (ઘોષની જ “જાતુ ગૃહ” વાર્તા પરથી ગુલઝારે “ઇજાજત” બનાવી હતી).
“સુજાતા” એ અર્થમાં માથે ચઢાવવા જેવી ફિલ્મ છે. ઉપર-ઉપરથી તો તે એક પ્રેમ કહાની હતી, પરંતુ એ લોલીપોપમાં બિમલા’દાએ ઊંચ-નીચના ભેદનો કડવો ઘૂંટ પીવડાવ્યો હતો, જે તત્કાલીન સમાજની એક વરવી વાસ્તવિકતા હતી, અને આજે ય છે. એ કારણથી આ ફિલ્મ આજે પણ એટલી જ પ્રાસંગિક લાગે છે. તેની વાર્તા કંઈક આવી હતી.
એક બ્રાહ્મણ યુગલ, ઉપેન્દ્ર ચૌધરી અને ચારુ (તરુણ બોઝ અને સુલોચના લતકર), મહામારીમાં અવસાન પામેલી તેમની કામવાળીની દીકરીને ઉછેરે છે અને તેને સુજાતા (નૂતન) આપે છે. ઉપેનને સુજાતા દીકરી જેવી લાગે છે, પણ ચારુ અને તેની ફોઈ (લલિતા પવાર) તેને અછૂત ગણીને છેટી રાખે છે. ફિલ્મનો પહેલો એક કલાક એ સ્થાપિત કરવામાં જાય છે કે સુજાતા “બેટી જેવી છે” પણ “બેટી” નથી, કારણ કે તે “નીચી જાતિ”ની છે. ચારુનો એક સંવાદ પણ છે, “વો હમારી બેટી નહીં, હમારી બેટી જૈસી હૈ.”
ફોઈનો દીકરો અધીર (સુનીલ દત્ત) સુજાતાના પ્રેમમાં પડે છે, પણ ફોઈની ઈચ્છા ચારુની અસલી દીકરી રમા (શશીકલા) સાથે તેનાં લગ્ન કરાવવાની છે. એક દિવસ ચારુ અને ફોઈ વચ્ચેની વાત સુજાતાના કાને પડે છે અને તેને ખબર પડે છે કે તે અછૂત છે. આ હકીકતને સ્વીકારીને તે અધીરને દૂર રાખવાની કોશિશ કરે છે, પરંતુ અધીર શહેરમાં ભણેલો-ગણેલો આધુનિક વિચારોનો માણસ છે. તે આવા ઊંચ-નીચના રિવાજોમાં માનતો નથી.
એક દિવસ ચારુને અકસ્માત થાય છે અને તેને લોહીની જરૂર પડે છે. એવું લોહી માત્ર સુજાતા જ આપી શકે તેમ છે. સુજાતાની એ ઉદારતા જોઈને ચારુના દિલમાં પરિવર્તન આવે છે અને હવે તે સુજાતાને દીકરીની જેમ પ્રેમ કરવા લાગે છે. છેલ્લે ફોઈ પણ અધીર અને સુજાતાનો સંબંધ સ્વીકારી લે છે.
પચાસના દાયકામાં જ્યારે ભારતીય સમાજમાં છુઆછૂતનું ચલણ ખૂબ હતું, ત્યારે બિમલ રોયે એક એવી સંયમી ફિલ્મ બનાવી હતી, જેમાં ન તો કોઈ ઉપદેશ આપવાની ભાવના હતી, ન તો લોકોને ઉશ્કેરવાનો આક્રોશ કે ન તો સહાનુભૂતિ મેળવવા માટેની રડારોડ. તેમણે તત્કાલીન સમાજની એક ક્રૂર વ્યવસ્થા અંગે કોઈ જજમેન્ટ પસાર કર્યા વગર, દરેક પાત્રની સંવેદનાને ધ્યાનમાં રાખીને હળવા હલેસે એક ગોદો માર્યો હતો. નહેરુને ફિલ્મની આ જ વાત પસંદ પડી હતી.
છુઆછૂત સામે સૌથી વધુ જાગૃતિનું કામ મહાત્મા ગાંધી અને ડો. આંબેડકરે કર્યું હતું. ફિલ્મમાં એક દૃશ્યમાં ગાંધીજીનો પરોક્ષ સંદર્ભ પણ છે. અછૂત હોવાના અપમાનમાંથી છૂટવા માટે સુજાતા આત્મહત્યા કરવા માટે વરસતા વરસાદમાં નીકળી પડે છે, પણ તે ગાંધી ઘાટ પર પહોંચી જાય છે, જ્યાં મહાત્માની પ્રતિમા નીચે લખેલું હોય છે, “મરે કૈસે? આત્મહત્યા કરકે? કભી નહીં! આવશ્યકતા તો હો તો ઝિંદા રહને કે લિયે મરે.” એ વાંચીને સુજાતાનો ઉશ્કેરાટ શાંત થઇ જાય છે.
આપણે કોરોના કાળમાં જોયું હતું કે ચેપી રોગમાં કેવી રીતે જાતિભેદ ઉભરીને બહાર આવે છે. બિમલ રોયે પચાસ વર્ષ પહેલાંના એ ભારતીય સમાજની વાત આ ફિલ્મમાં કરી હતી, જેમાં કોલેરા જેવો રોગ એક ચોક્કસ વર્ગમાં જ ફેલાય છે. એક દૃશ્યમાં ગામનો પંડિત અમુક લોકોને અડવાની ના પાડતાં “વૈજ્ઞાનિક કારણ” આપે છે કે એવા લોકો નશીલો ગેસ છોડે છે!
ફિલ્મની વિશેષતા નૂતન હતી, જેને સુજાતાના પાત્ર માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો (બિમલ રોયને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેકટરનો એવોર્ડ મળ્યો હતો). નૂતન હિન્દી સિનેમાની એ અભિનેત્રીઓમાંથી એક છે જેને “નેચરલ એકટર” કહેવાય છે. એ કોઇ પણ ભૂમિકામાં એટલી સહજ રીતે ઓતપ્રોત થઇ જતી કે એવું લાગે કે નૂતન ખુદ આવી જ હશે. “સુજાતા”માં એક કાળી અને અછૂત છોકરીનો તેનો અભિનય જોઇને લાગે કે જાણે નૂતન અસલમાં સામાજિક અન્યાયનો ભોગ બની હશે.
ફિલ્મનું અન્ય સશક્ત પાસું હતું તેનું સંગીત. મજરૂહ સુલતાનપૂરીના બોલ અને એસ.ડી. બર્મને સંગીતે તેમાં જાદુ ઊભો કર્યો હતો. કુલ સાત ગીતો હતાં અને પાંચ એટલાં સદાબહાર હતાં કે આજે ય લોકપ્રિય છે; સુનો મેરે બંધૂ રે, જલતે હૈ જિસકે લિયે, કાલી ઘટા છાયે મોરા જીયા તરસાયે, તુમ જીઓ હજારો સાલ અને બચપન કે ભી ક્યા દિન થે
1995માં નૂતને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારી બે ગમતી ભૂમિકા બંદિની અને સુજાતા હતી. બંને ફિલ્મોએ સ્ત્રીત્વના એવાં અજાણ્યાં પાસાંઓને એટલી તાકાતવર રીતે બતાવ્યાં હતાં, જે મારી બીજી ફિલ્મોમાં જોવા નથી મળ્યાં.”
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 01 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર