‘અંગ્રેજી સાહિત્યમાં જેટલું ડાયરી સાહિત્ય છે તેટલું આપણે ત્યાં નથી. સૈનિકો, સાહસિકો, રાજપુરુષો, કળાકારો વગેરેએ તેમની ડાયરીને આધારે मॅमोइर्स લખીને અંગ્રેજી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આપણે ત્યાં જો આ જાતનું સાહિત્ય વિપુલ હોત તો આપણી ઇતિહાસની દૃષ્ટિમાં થોડો ફેર પડ્યો હોત એમ હું માનું છું કારણ કે આ સાહિત્ય કેટલીક ખાનગી રાખવામાં આવેલી મહત્ત્વની હકીકતો બહાર લાવે છે અને તત્કાલીન જીવનનનાં વિધવિધ પાસાંઓ પર પ્રકાશ ફેંકે છે.
‘ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સાહિત્ય થોડું છે. ગુજરાતી સાહિત્યનો વિચાર કરતાં સહેજે નરસિંહરાવ દિવેટિયાની ડાયરીનો ઉલ્લેખ થાય. પરંતુ ગુજરાતી તેમ જ જગત ડાયરી સાહિત્યમાં સુંદર ફાળો આપ્યો હોય તો તે મહાદેવભાઈની ડાયરીએ. મહાદેવભાઈની ડાયરીએ સાહિત્યની દૃષ્ટિએ તો સુંદર છે જ પરંતુ તેથી વિશેષ તે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની તેમ જ બાપુના જીવનદર્શનની દૃષ્ટિએ મહત્ત્વની છે. મહાદેવભાઈની પ્રણાલિકા મનુબહેને જાળવી રાખી તે આપણું સદ્દભાગ્ય છે.’
મોરારજીભાઈ દેસાઈએ ‘દિલ્હીમાં ગાંધીજી[ભાગ પહેલો]’ની પ્રસ્તાવનામાં સને 1964માં આમ લખેલું. આ પુસ્તકના બીજા ભાગમાં, વળી, એમની દીર્ઘ પ્રસ્તાવનાન છે અને તેમાં મોરારજીભાઈ લખે છે :
‘આખી ડાયરીમાં એક ફિલ્મની જેમ એક પછી એક દૃશ્ય આપણી સમક્ષ આવે છે. એક અત્યન્ત વિશાળ ફલક ઉપર એક વિરાટ માનવનો હાથ ફરી રહેલો આપણે જોઈએ છીએ. પ્રચંડ વાવાઝોડામાં એક વામન દેહ દૃઢતાથી સંચરે છે. એ બધાની મધ્યમાં એ છે છતાં એને કશું સ્પર્શતું નથી, બધાથી એ પર છે, અલિપ્ત છે. ગીતાધર્મને આત્મસાત્ કરીને અનાસક્ત બનેલા એક સ્થિતપ્રજ્ઞની કથા આપણે વાંચીએ છીએ, અનુભવીએ છીએ.’
15-16 વર્ષની નાની વયે બાપુની સેવા કરતાં અધરાત મધરાત જ્યારે સમય મળ્યો ત્યારે બાપુનાં કાર્યો, ભાષણો અને મનોમંથનોને વિસ્તારથી ટપકાવીને મનુબહેને માનવજાતની બહુ મોટી સેવા કરી છે. વળી આ ડાયરી બાપુએ વાંચેલી અને એમાં પોતે સહી કરેલી તેથી એના શબ્દે શબ્દની સચ્ચાઈ વિષે તેમણે મહોર મારી છે. મનુબહેનનો આપણે જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે.’
સન 1942થી 1945ના ગાળાની નોંધવિગતો આ પુસ્તકમાં છે. તે વેળા મનુબહેનને બા-બાપુજી સાથે રહેવાનું થયું, ત્યારે એમને જે કેળવણી મળી તેનું ચિત્ર અહીં રજૂ થયું છે.
મહાદેવભાઈની ડાયરીઓ, સુશીલાબહેન નય્યરની ‘બાપુના કારાવાસની કહાણી’, ‘પૂર્ણાહુતિ’ નામે પ્યારેલાલના વિગતે લખાયેલા ગ્રંથો, નિર્મળકુમાર બોઝની ડાયરીઓ ઉપરાંત કુસુમબહેન હ. દેસાઈની હસ્તપ્રતના આધારે ગાંધીજીની ‘રોજનીશી’ સરીખાં પુસ્તકો આપણી સમક્ષ છે. ઉપરાંત મનુબહેને ડાયરીનાં વીસેક પુસ્તકો આપ્યાં છે. આવી એક ડાયરીમાં ‘નિવેદન’ રૂપે મનુબહેને લખ્યું છે : “… આવા એકબે લેખો પૂ. બાપુની હયાતીમાં પ્રગટ થયેલા. બાપુએ ટૃેનમાં આ વાંચીને વિનોદ કર્યો કે, ‘મેં મારી મંત્રી તરીકે તને ‘અભણ’ને અને નાનકડી છોકરીને રોકી તો તું ય ‘ખતરનાક’ નીવડી અને હવે લેખો લખવા માંડી !’ સાથોસાથ ગુજરાતી કહેવત કહી કે ‘ઘરનો બળ્યો વનમાં જાઉં તો વનમાં લાગી આગ.’ ખૂબ હસ્યા. પણ ‘આ રીતે તું તૈયાર થશે. મને બતાવીને બધું મોકલતી રહેજે.’ એમ સમજ આપી. આ રીતે શ્રી મનુભાઈના પ્રોત્સાહનથી મારું લેખન શરૂ થયું.”
મનુભાઈ જોધાણી “સ્ત્રીજીવન”ના સંપાદક હતા. અને એમની કુનેહથી આપણને પ્રથમ ‘બાપુ – મારી બા’ પુસ્તિકા સાંપડે છે, અને પછી ‘બા બાપુની શીળી છાયામાં’ પુસ્તક. ડૉ. હરીશ વ્યાસ નોંધે છે તેમ, ‘આ આગાખાન મહેલમાં સ્વાતંત્ર્યસંગ્રામમાં બ્રિટિશ સલ્તનત સામે ઝઝૂમતાં, જેલજીવનનાં કષ્ટો − યાતનાઓ ભોગવતાં મૃત્યુને પ્રેમથી ભેટતાં કસ્તૂરબાની’ કુરબાનીને લેખિકાએ અહીં વર્ણવી છે.
સન 1949માં પ્રકાશિત ‘બાપુ મારી મા’ ચોપડી પહેલી છે અને પ્રાથમિક સ્તરે છે. તે પછીના ક્રમે, સન 1952માં, આપણને ‘બા બાપુની શીળી છાયામાં’ મળે છે. આરંભે ‘નવજીવન’ પ્રકાશન સંસ્થાના તત્કાલીન પ્રકાશક લખે છે તેમ, ‘… સુશીલાબહેન નય્યરે આગાખાન મહેલની ગાંધીજીની નજરકેદનાં આ વરસોનો ઇતિહાસ તેમની રમ્ય શૈલીમાં ‘બાપુના કારાવાસની કહાણી’ પુસ્તકમાં આ પ્યો છે. આ ચોપડી જરા જુદી બાજુએથી તેમાં જોવા જેવો ઉમેરો કરે છે. પરંતુ તેની ખાસ નજરમાં આવતી બાજુ તો લેખિકાને ગાંધીજીએ જે તાલીમ આપી તે છે. એમાં શિક્ષણ-રસવાળા વાચકોને ગાંધીજી એક શિક્ષક તરીકે કામ કરતા જોવા મળશે. પરંતુ શાળાના શિક્ષક તરીકે તે કામ નથી કરતા. તે ત્યાં આગળ પોતાનું ઘર ચલાવનાર એક વાલી તરીકે કામ કરે છે અને તે દ્વારા બાળકોને ને સૌને શિક્ષણ આપતા અને પોતે લેતા જોવા મળે છે. બાળક શાળામાં જ નહીં, ઘરમાં અને તેમાં ચાલતાં કામો મારફતે − માતા પિતા તથા સાથે રહેતાં ભાઈભાંડુ સૌના સંસર્ગ મારફતે, તેઓનાં કામોમાં યથાશક્ય સહકાર કે મદદ કરવામાંથી − પણ કેળવાય છે. અને એ વસ્તુમાં રહેલું શિક્ષણ સચોટ હોય છે. એ શિક્ષણ એવું છે કે, જેવું ઘર ને તેનાં માણસો તેવું તે થશે. તે બધાં જે રીતે કામકાજ કરતાં હશે, તેવું તે બાળકનું સહજ-શિક્ષણ ચાલવાનું. બાળકોને આપમેળે જ તે તાલીમ અને સંસ્કારો આપશે. એમાં જેટલો જાગ્રતભાવ હશે તેટલું એ સારું થશે; તે નહીં હોય તેટલું તે વિચારશુદ્ધ નહીં બને, છતાં તે પોતાનો સહજ પ્રભાવ તો પાડશે જ.’
રસપ્રદ અને એકબીજા સંગાથે રસપૂર્વક સંકળાયેલા કુલ 43 પ્રકરણો અને 252 પાનમાં પથરાયું અ પુસ્તક વાચકને સતત જકડી રાખે છે. સાદી, સરળ ગુજરાતી તેમ જ ટૂંકા વાક્યો તે આ પુસ્તકની વિરાસત છે. પહેલું પ્રકરણ ‘શીળી છાયામાં’ રજૂ થયું છે. મનુબહેન કેવી ભૂમિકા વચ્ચે બા બાપુ પાસે જઈ પહોંચે છે, તેની રોચક વાત અહીં છે. સેવાગ્રામમાં બાપુ જોડે મનુબહેન પહોંચ્યાં અને બાપુએ કસ્તૂરબાને હવાલો સોંપતા જ કહી દીધું : ‘લે, તારા માટે એક દીકરીને લાવ્યો છું. હવે એને બરાબર સાણસામાં રાખજે કે છટકી ન શકે.’ તાકડે મનુબહેનની નોંધ કહે છે : ‘ઉપલા શબ્દો આજે જ્યારે મારી નોંધપોથીમાંથી મને વાંચવા મળે છે ત્યારે જાણે કે એકએક શબ્દની આગાહી બાપુએ તે વખતે કહી દીધી હતી એમ લાગે છે. હું બે મહિનાનું વૅકેશન ગાળવા પૂરતી જ સેવાગ્રામ ગયેલી, પણ કોઈ પૂર્વજોના પુણ્યના પ્રતાપે બંનેની આખરી સેવા કરવાનું મને મળ્યું.’
આ પુસ્તકમાંથી પસાર થતી વેળા વાચકને એક વાતનું સતત અચરજ રહે છે : વાત છો એક મહાત્માની હોય, એક તપસ્વી સતીની હોય, પણ આ ચોપડીને પાને પાને કુટુંબવત્સલ, સંસ્કારપ્રિય, સદાચારી, સૌજન્યશીલ, પરગજુ માણસનાં ચિત્ર ઉપસી આવે છે. બીજાં માટેનાં અનુકંપા, સમજણ, સૌહાર્દ તેમ જ સતત સર્વસમાવેશક જીવનનો પાસ આ બે માણસમાં દેખા દે છે. આ સંપૂર્ણપણે અસામાન્ય દંપતી કેવાં આસાન, સરળ, માણસભૂખ્યાં ને વળી સ્વાશ્રયી છે તેની પરખ મળે છે. આગાખાન મહેલમાં એમને સારુ યરવડા જેલમાંથી કેદીઓ લવાતા. તે દરેક માટે બાને જે ભાવ રહેતો, જે અનુકંપા રહેતી તે તો સમળૂગી કલ્પાનીત છે. વળી, સરોજિની નાયડુ, મીરાંબહેન, કિશોરલાલ મશરૂવાળા, સુશીલાબહેન નય્યર, પ્યારેલાલ, ગિલ્ડર, જેવાં જેવાં અનેક મુઠ્ઠી ઊંચેરા આગેવાનો કંઈ કેટકેટલી માણસાઇથી ભરેલાં હતાં તે વાંચતાં તો રોમાંચક થઈ જવાય છે.
બા અને બાપુના કેટકેટલા સંવાદો પાયાની કેળવણી સમાન વર્તાય છે. ફ્રૉક પહેરવું, સાડી પહેરવી, ભોજન વેળા પાણીનો લોટો ભરી લેવાની વાત હોય. મનુબહેન કહે છે તેમ, ‘ઝીણી ઝીણી ટેવો કેટલી સૂક્ષ્મતાથી અને ટૂંકમાં સમજાવી શકતાં’.
આ પુસ્તકમાંથી પસાર થતાં, એક બીજી અગત્યની વાત પકડાયા વગર રહેતી નથી : કસ્તૂરબાની ‘સિક્સ્થ સેન્સ’; અને કેટલાક દાખલામાં બાપુની સામે કસ્તૂરબાને જે સમજાય છે, દેખાય છે તે વિશેષપણે વાસ્તવમાં જોવાઅનુભવવા મળે છે ! આગોતરા ને ત્રીજા પ્રકરણમાં મનુબહેન જ નોંધે છે : ‘બાપુજીએ પોતે જ ઠરાવો કર્યા, ભાષણો આપ્યાં, છતાંયે બાપુજીની ગણતરી ખોટી પડી ! અને માત્ર છાપાંઓ પરથી કરેલ અભણ બાનું અનુમાન તદ્દન સાચું પડ્યું અને બધાને જેલ જવું પડ્યું !’
મહાદેવ દેસાઈ તેમ જ કસ્તૂરબાના દેહવિલય વેળાની તાદૃશ વાત મનુબહેને લખી જ છે અને બા બાપુની માનવસહજ સમજણને ઉજાગર કરી છે. નાગપુરની જેલમાંના સુપરિન્ટેન્ડેન્ટનું ચિત્રણ બહુ જ સરસ થયું છે. એમની લાક્ષણિકતા અને સમજણની વાચક તારીફ કર્યા વિના રહી શકતો નથી.
‘જેલમાં ભણતર’ નામક પ્રકરણમાં તો કરકસર બાબતની ભારે પાયાગત બાબતો ચર્ચાઈ છે. ભૂમિતિ શીખવવા માટે મનુબહેને દોઢ રૂપિયાને ખર્ચે ચોપડી મગાવી. અને બાપુએ આપણને દરેકને પણ શીખવા, અનુસરવા લાયક ભારે અગત્યની સમજ આપી. મનુબહેન નોંધે છે : ‘સાંજ પડી. બાપુ અને અમે બધા બહાર ફરવા નીકળ્યાં. ફરી નોટબુક પ્રકરણ ઊપડ્યું, “તું સમજીને, એમાંથી તને કેટલો મોટો પાઠ મળ્યો ? (૧) એ દોઢ રૂપિયો કોણ આપે છે ? કોને ચૂસીને આ બધું ખર્ચ પૂરું પડાય છે ? એ બધા ખર્ચનો પૈસો કંઈ વિલાયતથી નથી આવતો. એટલે એમાં મેં તને ઇતિહાસ શીખવ્યો. (૨) અને જોઈએ તે કરતાં વધુ કોઈ પણ જાતની સગવડ મળતી હોવા છતાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ, એટલે માનવતાનાં ઘણાં લક્ષણોમાંનો એક ગુણ શીખવ્યો. (૩) અને પડેલી ચીજનો સુંદર ઉપયોગ થશે. એ તારીખિયાં અમસ્તાં ફેંકાઈ જાત તે હવે જો તારા ઉપયોગનાં હશે તો સંઘરાશે. અને નહીંતર ફેંકાય તો ય એનો ઉપયોગ થયા પછી ફેંકાય, તેમાં કશી હરકત નથી. (૪) વળી કદાચ તારે બહાર જવાનું થાય તો પાકા પૂંઠાની આટલી સુંદર નોટબુક અને તેમાં દાખલા ગણ્યા હોય અને તું શાળામાં ભણવા જાય તો કદાચ ચોરાઈ પણ જાય, (અમારા વખતમાં ઘણી વખત એમ બનતું) એટલે આવાં તારીખિયાં કોઈને ય ચોરવાનું મન ન થાય. બોલ આ સહુથી મોટો ફાયદો થયોને ?”
આપણે સરકારમાં, જાહેર જીવનમાં તેમ જ ખાનગી જીવનમાં નકરો બગાડ કરીએ છીએ ત્યારે આ ઘટના આપણને સૌને ને દરેકને ભારે મોટી કેળવણી આપી જાય છે.
કસ્તૂરબાનો એક ભાતીગળ પ્રસંગ લેખિકાએ ‘સાચું સ્વદેશી’ પ્રકરણમાં લીધો છે. આ પ્રકરણનો મહદ્દ અંશ આમ છે :
હું દૂધ ગાળતી હતી. મોટીબા કહે : ‘મીરાની તબિયત કેમ છે ?’
મેં કહ્યું : ‘મને કપડું મળતું ન હતું તેથી એમને પૂછવા ગઈ હતી, પણ ઊંઘતાં હતાં એટલે મેં જગાડ્યાં નહીં.’
મોટી બા કહે : ‘ત્યારે આ કપડું ક્યાંથી લીધું ? શામાંથી ફાડ્યું ? ધોયું હતું કે નહીં ?’
મેં કહ્યું : ‘કરાંચીના પારસલમાં જેની અંદર ખજૂર બાંધેલું હતું તે કપડું છે. કપડું તદ્દ્ન નવું મેં ધોઈને સાચવી મૂક્યું હતું. ફરી અત્યારે ધોઈને જ આ દૂધ ગાળું છું.’
મોટીબાએ એ કપડાને હાથમાં લીધું. કપડું બરાબર ઊંધું સીધું ફેરવીને જોયું. પણ કપડું હતું મિલનું. ‘આ મિલના કપડાથી બાપુજીને પીવાનું દૂધ ગળાય કે ? આ તો મિલનું કપડું છે. બાપુજીને ખબર પડે કે મિલના કપડાથી ગાળ્યું છે તો એમનું મન દુભાશે. આપણી પાસે ખાદીના કકડા ક્યાં ઓછા છે ? આપણાથી આપણા ઉપયોગમાં મિલનું કપડું કેમ જ વપરાય ? જો કદાચ મિલના કપડાથી જ આપણી ગરજ સરતી હોય તો એવી ગરજનો ત્યાગ કરવો જોઈએ. પણ મિલના કે વિલાયતી કપડાથી આપણો સ્વાર્થ ન જ સધાય. તું જાણે છે કે મિલનાં કપડાં દેખાવમાં ઝીણાં લાગે છે. તેથી ઘણી વખત એમ મનાય છે કે ગાળવા કે એવા ઉપયોગને સારુ એ ઉત્તમ છે. પણ એ તદ્દન ખોટું છે. ખાદીનું જાડું કપડું હશે છતાં ય ખાદીના વણાટમાં એવાં છિદ્રો રહેલાં છે કે એ કપડું મિલના કપડા કરતાં ઉત્તમ કામ આપે. આજે તો તને એમ થયું હશે કે, આ કપડાથી સારું ગળાશે; અને ગાળવામાં શી હરકત ? કપડું પહેરવું હોય તો વાંધો. પણ આ મોટી ભૂલ છે. આજે તો તેં દૂધ ગાળ્યું અને કાલે તો તને થશે કે કેવું મુલાયમ લાગે છે, ચાલને પહેરી લઉં ! એટલે ત્યાં મન ડગે. વળી મિલના કપડાથી ગાળેલું દૂધ પેટમાં જાય એટલે ઝીણી નજરે એ એક જાતનું પાપ પેટમાં ગયું કહેવાય. આપણે તો સ્વદેશીની પ્રતિજ્ઞા છે. વળી બાપુજી કેવા પ્રતિજ્ઞાશાળી છે ? એટલે તને તો આવી કંઈ ખબર ન જ હોય. તેં તો સ્વચ્છ અને ઝીણો કટકો જોઈને વાપર્યો. પણ તને હવે પછી ચેતવવા અને શીખવવા કહું છું. પ્રતિજ્ઞા તો પાળનાર હોય કે પળાવનાર હોય. (તું અત્યારે મારી કે બાપુજીની પ્રતિજ્ઞા પળાવનાર છો.) એટલે તું કદાચ બકરીના દૂધને બદલે ભેંસનું દૂધ બાપુજીને આપી દે. બાપુજી તો દોષમાં નથી પડતા, પણ તું પડે છે. એટલે બંનેએ પ્રતિજ્ઞાને સુક્ષ્મ રીતે સાચવવી જોઈએ. તો જ એ પ્રતિજ્ઞા સાચી. બાકી તો સગવડિયા ધર્મ જેવો નર્યો દંભ જ કહેવાય. હવે ફરીથી ખાદીના કકડાથી દૂધ ગાળી લે અને આ ઉપરથી બરાબર સાવચેતી રાખજે.’
મેં બધું દૂધ ફરી ખાદીના કટકાથી ગાળી લીધું. પણ પ્રતિજ્ઞાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપે કેમ પાલન કરવું એ સમજાયું, અને મિલના કટકાથી ગાળેલું દૂધ ફરી ખાદીના કટકાથી બાએ ગળાવ્યું, એવા સમજપૂર્વકના ખાદીના આગ્રહના બનાવની બાપુજીને મેં વાત કહી.
બાપુજી કહે : “ભલે બા અભણ છે, પણ મારી દૃષ્ટિએ જેટલું એ પામી છે, જેટલું એ સમજી છે, એનું સૂક્ષ્મ પૃથક્કરણ એ કરી શકે છે. અને ઘણી વખત હું માનું છું કે, જેમ કૉલેજમાં કોઈ ખાસ વિષયના પ્રોફેસરો ખાસ વિષયો ઉપર અણિશુદ્ધ અને ભાવનામય વ્યાખ્યાન છોકરાઓને આપી શકે, તેમ બાએ પણ સમજપૂર્વક જેટલું પચાવ્યું તેમાં શ્રદ્ધાની સાથે જ્ઞાન ભેળવીને આજે તને ખાદીનું આટલું મહાતમ સંભળાવ્યું. જેમ એકાદશીમહાતમ તારી પાસે બા દરેક એકાદશીને દિવસે વંચાવે છે, તેમ આ પણ એક પવિત્ર ખાદી મહાતમ છે. જો ઘરમાં માતાઓ પોતાનાં બાળકોને આવી કેળવણી આપતી થઈ જાય તો મને પૂર્ણ સંતોષ છે. આમાં નથી કંઈ અંગ્રેજી, ભૂમિતિ કે બીજગણિત શીખવાની જરૂર. કેવળ શ્રદ્ધા જોઈએ. પણ એ શ્રદ્ધા જ્ઞાનપૂર્ણ હોવી જોઈએ.
વારુ! કેવાં કર્મઠ, ઊંડાણભરી અને વળી સાધનશુદ્ધિની પાયાગત સમજણ અને સ્વીકાર. આપણે દરેક આમ રોજ-બ-રોજ જીવતાં થઈ જઈએ તો, … કમાલની વાત બને !
કસ્તૂરબાના અવસાનનું પ્રકરણ ઘણું કહી જાય છે. બા ભારે માંદગીને લીધે બીછાને છે. મરણની ઘડીઓ હતી. અને બા બાપુની સગવડ સાંચવવાની સૂચનાઓ લેખિકાને આપતાં જ રહ્યાં છે. ચોપાસ અનેક છે અને એકાએક અંતે, ‘બાપુજી’ કહી એમને બોલાવે છે. ગાંધીજી હસતા હસતા આવ્યા. કહે, ‘તને એમ થાય છે ને આટલાં બધાં સગાંઓ આવ્યાં એટલે મેં તને છોડી દીધી ?” એમ કહી જયસુખભાઈ ગાંધીની જગ્યાએ બેઠા. ધીમેથી માથે હાથ ફેરવે છે. બાપુજીને કહે, ‘હવે હું જાઉં છું. આપણે ઘણાં સુખદુ:ખ ભોગવ્યાં. મારી પાછળ કોઈ રડશો મા. હવે મને શાંતિ છે.’ આટલું બોલ્યાં ત્યાં તો શ્વાસ રૂંધાયો. … સૌ રામનામ લેતાં હતાં. એ રામનામના છેલ્લા સ્વરો સાંભળ્યા ન સાંભળ્યા ત્યાં તો બે મિનિટમાં બાપુજીના ખભા ઉપર મોટીબાએ માથૂં મૂકી કાયમની નિદ્રા લીધી !
મનુબહેન લખે છે : ‘બાપુજીની આંખમાંથી બે ટીપાં આંસુનાં પડી ગયાં. ચશ્માં કાઢી નાખ્યાં. હું તો બાઘાની જેમ જોઈ રહી. શું ઘડી પહેલાનો મોટીબાનો પ્રેમાળ અવાજ હવે નહીં સંભળાય ? માણસ બે જ ક્ષણમાં આમ ચાલ્યું જાય છે, એ દૃશ્ય મારી જિંદગીમાં આ પહેલું જ હતું.
બા બાપુની શીળી છાયામાં મનુબહેનનું જે ઘડતર થયું છે તેનો, ભલા, જોટો ક્યાં પણ જડે ? કદાચ નહીં! … આમ, આ એક બહુ અગત્યનું પુસ્તક. કદાચ અનેક રીતે ઐતિહાસિક પણ.
હૅરો, 09 જુલાઈ 2017
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
શબ્દ સંખ્યા : 2075
[પ્રગટ : "नवजीवनનો અક્ષરદેહ", વર્ષ – 05; અંક – 07-09; જુલાઈ-સપ્ટેમ્બર 2017; પૃ. 254 – 255]