15 ઓગસ્ટ 1947. 17 વર્ષની હું. ભાવનગરની મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલયની વિદ્યાર્થિની. 14મી ઓગસ્ટની મધરાતે બાર વાગે સાર્વજનિક છાત્રાલયના ચોગાનમાં ગણ્યાગણાય નહીં તેટલા મોટા સમૂહે આનંદાશ્રુ સાથે ઘ્વજવંદન કર્યું. તે વખતે ‘ઝંડા અજર અમર રહેજે વધ વધ આકાશે જાજે’ પહેલું ગવાયું. ‘જન ગણ મન અધિનાયક’, ‘સારે જાહાંસે અચ્છા’, ‘ઝંડા ઊંચા રહે હમારા’ એ રાષ્ટ્રગીતો ગવાયાં, ત્યારે જે ગૌરવ અને સ્વાભિમાનની લાગણી થઇ તે અજોડ હતી, ત્યાર પછી તેવી કદી નથી અનુભવવા મળી.
વિશ્વમાં બનતી ઘટનાઓનાં મારાં સ્મરણો છેક 1939માં શરૂ થયેલ દ્વિતીય વિશ્વયુદ્ધથી આરંભાય છે. તે સમયે છાપાંઓમાં સમાચાર વાંચવા મળતા. સત્યાગ્રહ સંગ્રામનો ઇતિહાસ હું જાણતી હતી. ત્યાં આવી 1942ની સાલ. 9મી ઓગસ્ટે ‘ભારત છોડો’નું એલાન થયું. ભુજમાં હું મારા સહપાઠીઓ સાથે સરઘસ, પ્રભાતફેરી, દારૂના પીઠાં અને સરકારી ઓફિસો પર પિકેટિંગ વગેરેમાં શામેલ થઇ. ‘સર જાવે તો જાવે પર આઝાદી ઘર આવે’, ‘અસ્સી નહીં હારના, કભી નહીં હારના, ચાહે સારી જાન જાયે, કભી નહીં હારના,’ વગેરે જેવાં જોમભર્યા દેશભક્તિની લાગણીઓથી તરબોળ ગીતો ગાતાં શેરીઓ ગજવી દીધી. એક દિવસ પ્રભાતફેરી વેળા હાથમાં ત્રિરંગો પકડી ‘નહીં નમશે નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું,’ ગાતાં ગાતાં શેરીઓમાં ફરતાં હતાં અને ધ્વજ નીચે પડવા નહોતાં દેતાં, તેથી અમ બાર-ચૌદ વર્ષની ઉંમરનાં બાળકોની ધરપકડ કરી શકાય તેવી જોગવાઈ ન હોવાને કારણે અમને સહુને એક મોટા ઓરડામાં બેસાડી રાખ્યાં. એ ચારેક કલાકની શિક્ષા દરમ્યાન અમે શાંતિથી બેસીને રાષ્ટ્રગીતો ગાઈને અમારા નૈતિક બાલ અને જોમ-જુસ્સાને ટકાવી રાખ્યાં. આઝાદીની લડતમાં યતકિંચિત ફાળો આપ્યાના સંતોષની મારી એ પળો હતી.
1947થી 2017 સુધીનાં 70 વર્ષોની ઘટનાઓ એક એક દાયકાના મણકા રૂપી મારી સ્મૃિતમાળામાં પરોવાઈ રહ્યાં છે.
પહેલા દાયકામાં સહુથી મોટી આઘાતજનક ઘટના – 30 જાન્યુઆરી 1948માં ગાંધીજીની હત્યા. હું ભાવનગર ભણતી હતી. ત્યાંના છાત્રાલયમાં સાંય ભોજન પછી વાસણ સાફ કરતાં હતાં ત્યાં અચાનક એક સહપાઠી બહેને પડોશના રેડિયો પર સાંભળેલ સમાચાર કહ્યા. અમારું હાસ્ય આઘાત અને રુદનમાં પલટાઈ ગયું. બે-ત્રણ દિવસ સુધી રેડિયો પર સતત આ ઘટના વિશેના અહેવાલો સાંભળતાં રહ્યાં.
1950માં ભારત પ્રજાસત્તાક બન્યું. ‘47માં વિદેશી શાસનમાંથી મુક્તિનો આનંદ હતો, તો ‘50માં સુવ્યવસ્થિત ન્યાય અને વહીવટી તંત્ર ઊભાં કર્યાનો હરખ હતો. 1951ની સાલ એક અનોખી ચળવળના મંડાણ લઈને આવી. વિનોબાજી પ્રેરિત ભૂદાન આંદોલનમાં અમે સક્રિય ભાગ લીધો. 1952માં પ્રથમ સામાન્ય ચૂંટણી થઇ. તે વખતનો માહોલ કેમેય વિસરાય તેવો નથી. અમે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં કામ કરતાં હતાં. સ્વ. જવાહરલાલ નહેરુનું ભાષણ સાંભળવા બે બળદ જોડેલ ગાડામાં અમદાવાદના એરપોર્ટ પાસેના મેદાનની સફર, જવાહરલાલજીનું જોમ જુસ્સાથી ભરેલ ઉદ્દબોધન અને પ્રજાનો ઉત્સાહ હજુ પણ દિલમાં કંપન પેદા કરે છે. પહેલા દાયકામાં હિજરતીઓને આવાસ અને રોજગારીની તકો આપવાના પ્રયત્નો થયા, પ્રાથમિક શિક્ષણનો પ્રસાર થયો, ખેતીમાં વિકાસ થયો અને આમ પ્રજામાં સરકારી અને વહીવટી બાબતો વિષે જાગૃતિ આવી.
આઝાદી બાદનો બીજો દાયકો ઘણી આશા-ઉમંગ સાથે શરૂ થયો. 1960ની સાલ મહાગુજરાતની સ્થાપના રવિશંકર મહારાજના શુભ ઉદ્બોધનથી થઇ એટલે કાયમ યાદ રહેશે. પોર્ટુગીઝ શાસન તળે હજુ ત્રણેક રાજ્યો હતાં જેમાંના દમણને 1954માં અને દીવ અને ગોવાને ‘61માં સંપૂર્ણપણે ભારતના કબજા હેઠળ સમાવી દીધું એ સમયે જાણે પૂર્ણ સ્વાતંત્ર્યનું સ્વપ્ન સાકાર થયું લાગેલું. 1962માં ચીન સાથે લડાઈ થઇ તેનું ય સ્મરણ હજુ તાજું જ હતું, ત્યાં 27 મે 1964ને દિવસે આખા દેશને, કહો કે આખી દુનિયાને શોકમાં ગરકાવ કરે એવા સમાચાર આવ્યા – ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું અવસાન થયું. દેશ જાણે 1948માં ગાંધીજીના ચાલ્યા જવાથી જેમ નોધારો બની ગયો તેમ નહેરુના જવાથી એક ન પૂરી શકાય તેવા અવકાશમાં ઘેરાઈ ગયો. દેશનું સુકાન લાલબહાદુર શાસ્ત્રીએ સુપેરે સાંભળ્યું. એ ગમગીનીનીનાં વાદળો હજુ હઠ્યાં નહોતાં ત્યાં 1965માં પાકિસ્તના સાથે કાશ્મીરના પ્રશ્ને યુદ્ધ થયું. ચીન અને પાકિસ્તાન સાથેની લડાઈમાં ભારતની જીત થઇ એમ કહી શકાય. આમ જુઓ તો આઝાદી સમયે નવા બનેલ રાષ્ટ્ર પાકિસ્તાન સાથે યુદ્ધ નહોતું ખેલાયું, પરંતુ પરસ્પર બંને દેશની કોમના સંહારનો દોર તો ચાલેલો જ. તેમ ઈ.સ.1971-72માં બાંગલાદેશની વહારે ધાઈને ફરી ભારતે પાડોશી પાકિસ્તાન સાથે યુદ્ધ ખેલ્યું અને જાણે એ પૂરતું ન હોય તેમ ‘99માં કારગીલ યુદ્ધ તરીકે જાણીતું થયેલ યુદ્ધ પણ વિસરાય તેવું નથી. આઝાદી પછીનો બીજો દાયકો જાણે સરહદી પ્રશ્નો અને નેતાગીરીના શૂન્યાવકાશ લઈને આવ્યો. ઈ.સ.1966માં ભારત દેશે પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરાબહેનની વરણી કરી.
સ્વતંત્રતા પ્રાપ્તિના ત્રીજા દાયકામાં પગ માંડતાં જાણે દેશ અનેક અનુભવોમાંથી પસાર થઇ ચુક્યો હોય તેમ લાગતું હતું. 1972માં ફરી ભારત એક સશસ્ત્ર સંગ્રામમાં સંડોવાયું. બાંગ્લાદેશ પાકિસ્તાનના તાબામાંથી મુક્ત થવા પ્રયાસ કરી રહ્યું હતું તેને ભારતે સહાય કરીને વિજય અપાવવામાં નિમિત્ત બન્યું. તે દરમ્યાનમાં પ્રજાને કેન્દ્રીય શાસન વિષે અનેક બાબતોમાં અસંતોષ હતો તે વિવિધ રૂપે પ્રગટ થવા લાગ્યો. કોંગ્રેસ પક્ષના બે વિભાગ થયા, એક ઇન્દિરાબહેન તરફી કોંગ્રેસ આઈ. અને બીજો માત્ર કોંગ્રેસ પક્ષ. તત્કાલીન વડાપ્રધાને દેશને સુરક્ષિત રાખવાના બહાને કટોકટી જાહેર કરી. વિચાર અને વાણી સ્વાતંત્ર્યને મર્યાદિત કરવામાં આવ્યું, ઠેર ઠેર કર્ફ્યુ લાદવામાં આવતા, સમાચાર માધ્યમો પર અંકુશ મુકાયા. એ સમયે અમે, જેમણે આઝાદીને રુમઝુમ કરતી આવેલી જોઈ હતી તેઓ સ્વતંત્રતાને શોધવા લાગ્યા. આમ આઝાદી બાદનો ત્રીજો દાયકો ઘેરી નિરાશા સાથે પૂરો થયો.
1977-1987ના દસ વર્ષના ગાળામાં ભારતમાં મહદ્દ અંશે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ થયો જેના કેટલાક ફાયદાઓ આમ જનતાને અનાયાસ થયા. ગુજરાતના કમનસીબે ‘79માં ગજબનું પૂર આવ્યું અને તમામ પ્રજાએ કરુણા અને સ્વાર્પણ દાખવી એ પરિસ્થિતિનો સામનો કર્યો. જનતા પક્ષ, જનસંઘ અને સમાજવાદી પક્ષ કોંગ્રેસને હંફાવવા ઉભરી આવેલા. રાજકીય ઝંઝાવાતો વચ્ચે 1980માં ઇન્દિરાબહેન ગાંધી ફરી વડાપ્રધાન પદે ચૂંટાઈ આવ્યાં. તત્કાલીન સરકારની ગૃહનીતિ એવી હતી કે સીખ લોકોને પોતાના અધિકારોની રક્ષા ન થતી હોવાની લાગણી બળવત્તર બની જેને પરિણામે 1984માં ઇન્દિરાબહેનના બોડીગાર્ડના હાથે તેમનું મૃત્યુ નીપજ્યું. આ એક અત્યંત કરુણ ઘટના હતી. આમ પહેલા ત્રણ દાયકાની રાજકીય સ્થિરતા કે જે લોકશાહીનાં મૂલ્યોને જાળવીને પ્રગતિ પામતી રહી તેની ઓટનાં મંડાણ થઇ ચૂક્યાં.
1980-90ના દાયકા દરમ્યાન હું શિક્ષણ ક્ષેત્રે સક્રિય હતી તેથી કહી શકું કે અમે જેવા ભારતની કલ્પના કરેલી એવો દેશ બનાવવા શિક્ષણ અને સ્વાસ્થ્ય, ખેતી, ઉદ્યોગો અને વ્યાપાર એ સઘળાં ક્ષેત્રો જાણે સાચી દિશામાં ડગ માંડીને દોડતા હતા. ત્યાર બાદ વિકાસની પ્રગતિ ઝડપી થઇ ગઈ પણ તેનું સુકાન જાણે બદલાઈ ગયું. 1990માં બજારોનું ઉદારીકરણ થયું, વિદેશી કંપનીઓએ ભારતમાં પગપેસારો કર્યો. જાણે સમગ્ર અર્થતંત્ર ચપટીભર ધનવાનોને લક્ષ્યમાં રાખીને ચાલવા લાગ્યું. 1992 પછી સમાજના તાણાવાણા નબળા પાડવા લાગ્યા, કોમી તણાવ વધવા માંડ્યો. આઝાદીની અર્ધ શતાબ્દી કંઈ કેટલા ય પ્રશ્નો છોડી ગઈ.
21મી સદીનું પ્રથમ વર્ષ સારા ય ભારત વર્ષ માટે, પણ મુખ્યત્વે ગુજરાત માટે ગોઝારું નીવડ્યું. 26 જાન્યુઆરી 2001ને દિવસે એક ભારે વિનાશક ભૂકંપે ધરા ધ્રુજાવી દીધી. તેનું મધ્યબિંદુ કચ્છ વિસ્તારમાં હોવાને કારણે ત્યાં સહુથી વધુ તારાજી સર્જાઈ. ફરીને લોકોએ એકમેકને સાથ આપીને આ કુદરતી ઘટના વખતે માનવતાનું અદ્દભુત દ્ર્ષ્ટાન્ત પૂરું પાડ્યું. જાપાન અને અન્ય દૂર પૂર્વના દેશોના કેટલાક પ્રદેશો સુનામીમાં લુપ્ત થયા અથવા માનવની જાનહાનિનો ભોગ બન્યા. ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હવાઈ હુમલો થયો, હજારો નિર્દોષ કર્મચારીઓ અને મુલાકાતીઓએ જાન ગુમાવ્યા, જેનાં વમળોમાં હજુ આજે પણ દુનિયા ફસાઈ છે. તેવામાં 2002માં ગોધરા અને અનુગોધરા હત્યાકાંડ ભારતની પ્રતિમા પર કાળું ટીલું લગાવી ગયા. ઇકબાલ રચિત ગીત ‘મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના’ અમે ગાતાં એ ભાવના જાણે કોમી આગની ચિતામાં ભસ્મ થતી જોઈ.
આઝાદી મળ્યા પછીના આ છેલ્લા દાયકા દરમ્યાન ભારતમાં આધુનિક ઉપકરણો જેવા કે સ્માર્ટ ફોન, કમ્પ્યુટર વગેરેની ઉપલબ્ધિ સરળ બની જેને કારણે માહિતી અને પ્રચાર-પ્રસાર માધ્યમો ઘેર ઘેર મળતાં થયાં. આ સુવિધાનો લાભ શિક્ષણ ક્ષેત્રે પણ મળવા લાગ્યો. નવી પેઢી પોતાને વધુ સ્માર્ટ અનુભવવા લાગી, તેમનામાં એક જુદો જ આત્મવિશ્વાસ દેખાવા લાગ્યો. દુનિયા આખીને નવી ટેક્નોલોજીમાં નિષ્ણાત વૈજ્ઞાનિકો અને પ્રોગ્રામ બનાવનારા પૂરો પાડનાર દેશ તરીકે ભારતની ખ્યાતિ વધી.
આ 70 વર્ષનું સરવૈયું કાઢવા બેસું છું ત્યારે ભારતે મેળવેલ સફળતાઓની લાંબી શૃંખલા સુખદ લાગણી જગાડી જાય છે. ખેત પેદાશ વધી. હરિયાળી ક્રાંતિએ દેશને અનાજ ઉત્પાદનમાં પગભર બનાવ્યો અને ભૂખમરો અને દુષ્કાળ જેવા ભયંકર આપદકાળને પહોંચી વળવાની તાકાત કેળવી. એવું જ શ્વેત ક્રાંતિને પરિણામે દૂધ અને તેની ઉપજોને કારણે કુપોષણને નાથવાનું શક્ય બન્યું. દેશના મોટા ભાગના પ્રાંતોમાં રસ્તાઓ અને રેલવેમાં સુધાર આવ્યો, લોકો અને માલ-સામાનની હેરાફેરીથી ફાયદો થયો. શિક્ષણનો પ્રસાર થયો. સ્ત્રીઓની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો થવાનાં મંડાણ થયાં. અસ્પૃશ્યતા જેવી સામાજિક બદીઓની પકડ ઢીલી થઇ. વીજળી અને પાણીની સુવિધાઓ હવે દૂર સુદૂરના ગામોમાં પહોંચવા માંડી છે. આરોગ્ય અને સારવારની વ્યવસ્થા વધવાની સાથે આયુષ્ય મર્યાદા વધી, બાળ મરણ ઘટ્યું. અર્થ વ્યવસ્થા ભલે હજુ ચંદ ધનિકોને જ લાભકારી રહી છે છતાં રસ્તે રઝળતા ભિક્ષુકોની સંખ્યા ઓછી જોવા મળે છે.
ઓગસ્ટ માસ એટલે ભારતના ઇતિહાસમાં અનેક યાદગાર દિવસોની શૃંખલાઓનો મહિનો. પહેલી ઓગસ્ટ બાળગંગાધર તિલકનું નિધન, સાત ઓગસ્ટ રવીન્દ્રનાથ ટાગોરનું નિધન, નવ ઓગસ્ટ 1942ને દિવસે ભારત છોડો આંદોલનનું એલાન થયું, અને 15મી ઓગસ્ટ એટલે શ્રી મહર્ષિ અરવિંદની જન્મતિથિ, ગાંધીજીના સચિવ મહાદેવભાઈ દેસાઈની પુણ્યતિથિ અને ભારતનો સ્વાતંત્ર્ય દિન. આ વર્ષે ખાસ કરીને ભારતની સિદ્ધિના લેખાં-જોખાં સહેજે થઇ જાય. ઉપર ગણાવેલ સફળતાઓ સામે બીજા પલ્લામાં હજુ કેટલું કરવાનું બાકી છે તેની યાદી પણ ઓછી લાંબી નથી. આરોગ્ય સેવાઓ અત્યન્ત મોંઘી છે, તેને સુલભ કરવી જરૂરી છે. એવું જ આવાસ અને નાનાં ગામડાઓમાં મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડતી સેવાઓ પહોંચી નથી. નાના ઉદ્યોગો અને ખેતીને અવગણીને મોટા આંતરરાષ્ટ્રીય વેપાર-ઉદ્યોગોને મહત્ત્વ આપવાને કારણે ગરીબ-તવંગરની ખાઈ ગહેરી થતી જાય છે જે પ્રજામાં આક્રમક વૃત્તિને પોષે છે. એવું જ જનસામાન્યમાં નાગરિક ભાવના અને કોમ, ધર્મ, જ્ઞાતિ અને જાતિના પાયા પર આધારિત એકતા જેવા કડી રૂપ લક્ષણો અદ્રશ્ય થતાં લાગે છે. કેટલીક રૂઢિગત માન્યતાઓના વર્ચસ્વને કારણે કેટલાક રાજ્યો, કેટલીક જાતિઓ હજુ પણ પછાત રહી ગયાં છે જે હિંસા જન્માવે છે. અને આ બધું જ ક્યારેક દિલમાં નિરાશા જન્માવી જાય. ભારત દેશ જાણે ધનિક થયો છે પણ લોક હજુ રંક રહ્યા છે જેનું કારણ સંપત્તિની અસમાન વહેંચણી છે જે દૂર કરવાની તાતી જરૂરિયાત છે.
આઝાદીના સ્વપ્નોને પૂર્ણ કરવાનો હક દેશના તમામ લોકોને છે. મને નવી પેઢી પર વિશ્વાસ છે કે આઝાદી સમયે જે દિશામાં પ્રગતિના શ્રી ગણેશ મંડાયેલા હતા, તે દિશામાં આજના યુગને અનુરૂપ માર્ગો લઈને આઝાદીને ખરા અર્થમાં ઘેર ઘેર પહોંચાડવાનું અધૂરું કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.
જય જગત
06-08-2017