અત્યાચાર કરનારામાંથી માંડ બેથી ચાર ટકાને સજા મળતી હોય ત્યારે જ અત્યાચારીઓ આટલા છાકટા હશે ને?
ગુજરાતના ઉના પાસેના મોટા સમઢિયાળા ગામના પેલા ચાર દલિત યુવાનો ભાગ્યશાળી છે. ગાયને માતા માનતા કહેવાતા ગૌરક્ષકોએ એમને ગૌહત્યારા ગણીને માત્ર બેરહેમ માર જ માર્યો. ઉત્તર પ્રદેશના એક ગામમાં દલિતે ઘરમાં નીકળેલા ઝેરી સાપને મારી નાંખ્યો, તો સાપને દેવતા માનતા ગામલોકોએ પેલા દલિતને પીટી પીટીને મારી જ નાંખ્યો.
૧૪મી ઓગસ્ટ ૧૯૩૧ના રોજ મુંબઈના મણિભવનમાં પ્રથમ મુલાકાતમાં ગાંધીજી ગોળમેજી પરિષદમાં ડો. આંબેડકરે કરેલી ભારતની આઝાદીની માગણીની સરાહના કરે છે, ત્યારે વતનમાં બેવતનની પીડા ભોગવતા આંબેડકર કહે છે, ‘મારે કોઈ જ માતૃભૂમિ નથી. જે ધર્મમાં અને જે દેશમાં અમને કૂતરાં-બિલાડાં કરતાં નીચાં ગણવામાં આવે એ દેશને હું મારો દેશ કઈ રીતે માનું?’ ૨૦૧૬માં ગાય અને સાપને કારણે દલિતો પર જઘન્ય અત્યાચારો થાય છે, ત્યારે ફરી ફરીને આંબેડકરનો નિરુત્તર સવાલ અને પીડા સાંભરે છે.
સ્વતંત્રતા અને સમાનતા જ નહીં, બંધુતા જે દેશના બંધારણના આમુખનો ભાગ હોય ત્યાં દેશબંધુ દ્વારા જ દર સાત મિનિટે દલિત પર એક અત્યાચારનો બનાવ બને છે. જાતિદ્વેષ અને સામાજિક ભેદભાવોને લીધે થતા આ અત્યાચારોનાં તાત્કાલિક કારણ કેટલાં ક્ષુલ્લક અને અત્યાચારીઓની ક્રૂરતા કેટલી ભયંકર હોય છે તે જાણીએ તો ખુદને સભ્ય, શાંત, સુસંસ્કૃત અને સહિષ્ણુ કહેતાં શરમ ઉપજે.
હરિયાણાના હિસાર જિલ્લાના મિર્ચપુર ગામના દલિત ફળિયાનું કૂતરું રસ્તે પસાર થતાં જાટોને ભસ્યું એટલે જાટોએ દલિતો પર હિંસક હુમલો કરીને એક દલિત વૃદ્ધ અને તેમની અપંગ બેટીને મારી નાખ્યાં તથા દલિત મહોલ્લો સળગાવી દીધો. કર્ણાટકના ગુલબર્ગ જિલ્લાના વાગનામેર ગામના દલિતોના કૂવામાં કૂતરો પડીને મરી ગયો, તો ય ૧૨૦ દલિત કુટુંબોને તે કૂવાનું પાણી પીવું પડે છે. ચકવાડાના દલિતોએ સંઘર્ષ કરીને ગામના જાહેર તળાવના પાણીનો ઉપયોગ કરવા માંડ્યો, તો ગામલોકોએ ઘરની નીકોનું ગંદુ પાણી તળાવમાં છોડી પાણી ગંદુ કરી મૂક્યું.
મધ્ય પ્રદેશના હમીરપુર પાસેના બિલગાંવના ૯૦ વરસના દલિત વૃદ્ધ છિમ્મા આહિરે ગામના મંદિરમાં પૂજા કરી, તો તેમને કૂહાડીથી રહેંસી નાખીને લાશ સળગાવી દીધી. અન્યાય સામે અવાજ ઉઠાવનારા ઝાંસીના બે દલિતોનાં ગુપ્તાંગ ખેંચી કાઢવામાં આવ્યા. ગૌતમ બુદ્ધનગરના બાદલપુર ગામના દલિતે સવર્ણને રસ્તો ન આપ્યો, તો તેની આંગળી કાપીને લઈ ગયા. સવર્ણો પસાર થતા હતા ત્યારે ખાટલા પરથી ઊભી ન થનાર લલિતપુરની દલિત મહિલાઓને વાળ ઝાલીને મારવામાં આવી. જાલોનના દલિતનું નાક વાઢી કાઢવામાં આવ્યું, તો મજૂરી માગતા ઝાંસીના બાજરા સીપરીના દલિત મજૂરોને બંધક બનાવી ઢોરોનું ઈન્જેકશન આપ્યું, ઈલેકટ્રિક શોક આપ્યા અને નગ્ન કરી જાહેર સરઘસ કાઢ્યું. બિનદલિતની બાજુમાં જમીનનો પ્લોટ ખરીદનાર રક્સાના દલિતને મળમૂત્ર પીવડાવ્યું, એના ગુપ્તાંગ પર પેટ્રોલ છાંટ્યું ને નાક પર સિગારેટના ડામ દીધા.
કલેજું ચીરતી દલિત અત્યાચારની કહાનીઓ દલિત સ્ત્રીઓને સવિશેષ પીડે છે. દિલ્હીના નિર્ભયા બળાત્કારકાંડ કરતાં તાજેતરનો કેરળનો દલિત યુવતી જીશા પરનો બળાત્કાર વધુ ક્રૂર છે. ૨૯ વરસની દલિત યુવતી જીશાએ બળાત્કારીઓનો સામનો કર્યો, તો તેનાં આંતરડાં ખેંચી કાઢવામાં આવ્યા, શરીર પર ચાકુના ૩૦ ઘા કરવામાં આવ્યા અને છાતી ધારદાર તલવારથી વાઢી નાખી. બિહારના દરભંગા જિલ્લાની કાજી ઈન્ટર કોલેજની બે સવર્ણ છાત્રોઓએ રોજ રસ્તે મળતી ૧૫ વરસની દલિત કિશોરી પરની નફરત તેને નગ્ન કરીને, તેના પર એસિડ છાંટી વ્યક્ત કરી. કાનપુર નજીકના વિરસિંહપુર ગામનાં દલિત મહિલા સરપંચ ગામની સરકારી શાળાના સવર્ણ મહિલા આચાર્યા સામે ખુરશી પર બેઠાં, એટલે આચાર્યાએ અપવિત્ર થયેલી ખુરશી ધોવડાવી નાખી.
અત્યાચાર અને અન્યાયની આ અશ્રુભીની કથાઓ ભારતનાં ગામડાં પૂરતી સીમિત નથી. ‘એઈમ્સ’ અને આઈઆઈટી જેવી સંસ્થાઓમાં દલિત વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ તેમના પ્રત્યેના સામાજિક પૂર્વગ્રહોનું જ પરિણામ છે. રોહિત વેમુલાની આત્મહત્યાના ગાળામાં જ બનારસ હિંદુ યુનિવર્સિટીની આઈઆઈટીના માઈનિંગ એન્જિનિંયરિંગના દલિત વિદ્યાર્થી મહેશ વાલ્મીકિએ એજ્યુકેશન લોન ચુકવવા કિડની વેચવા કાઢી, પણ તે દલિત હોવાથી કોઈ લેવાલ ન મળ્યો. આવો જ અનુભવ સ્પર્મ ડોનર દલિત યુવાનોને થાય છે.
ફક્ત જીવતા જ નહીં, મૃત દલિતોને પણ જાતિભેદ નડે છે. આભડછેટ અને જાતિ નિર્મૂલન ની દિશામાં ભારતે હજુ એક ડગ પણ માંડ્યું નથી તે એ હકીકતથી પૂરવાર થાય છે કે ભારતના મહાન સમાજ સુધારક રાજા રામમોહન રાયના વતન ગામ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં આજે ય દલિતો માટે અલગ સ્મશાન છે.
જાતિગત ભેદભાવોને લીધે કેટલાંક કામો દલિતોના માથે મારવામાં આવે છે. એવું જ એક કામ તે ગંદકી સાફ કરવાનું છે. ભાજપના સાંસદ તરુણ વિજયે રાજ્યસભામાં જણાવ્યા મુજબ, દર વરસે સરેરશ ૨૨,૦૦૦ દલિત સફાઈ કામદારો ગટરો સાફ કરતાં ગુંગળાઈને મરે છે. રાજધાની દિલ્હીમાં વરસે ૧૦૦ અને મહાનગર મુંબઈમાં મહિને ૨૫ સફાઈ કામદારો ગટરો સાફ કરતાં મરે છે. આ માટે પૂરતી સંવેદના જોવા મળતી નથી.
દબાતાચંપાતા કે બાપડાં બિચારા થઈને જીવતા દલિતો હોય કે ભેદભાવ સામે અવાજ ઉઠાવતાં, સંઘર્ષ કરતાં, અધિકાર માગતા દલિતો હોય, સાવ નિર્ધન દલિતો હોય કે પછી સાંબરડા અને ખેરલાંજી જેવા સાધનસંપન – સૌ દલિતો અત્યાચારોનો ભોગ બને છે. જુગ જુગથી અન્યાય પામી રહેલા દલિતો માટે ન્યાય કેરાં રાજ કેટલાં આઘાં અને ઠાલાં છે તે બિહારના લક્ષ્મણપુર બાથે અને મહારાષ્ટ્રના ખેરલાંજીના ચુકાદાઓએ દર્શાવી આપ્યું છે.
લક્ષ્મણપુર બાથેમાં ૫૮ દલિતોની હત્યા થઈ, પણ લાંબી કાનૂની પ્રક્રિયા પછી તમામ આરોપીઓ નિર્દોષ છૂટી ગયા. માંડ ૨ થી ૪ ટકા જ દલિત અત્યાચારીઓને ગુનાની સજા મળતી હોય ત્યારે જ મોટા સમઢિયાળાના અત્યાચારીઓ આટલા છાકટા અને બેપરવા હશે ને? દલિતોનો વર્તમાન વિરોધ જો વ્યાપક દલિત સવાલો માટે કાર્યરત નહીં બને અને ઉફરાટ-ઉદ્રેકથી આગળ નહીં વધે તો વાંઝિયો બની રહેશે.
શાસક પક્ષની રાજકીય ઈચ્છાશક્તિ કે રાજકીય પક્ષો સહિતના સૌની સમાજમાં વ્યાપ્ત જાતિપ્રથા-ઊંચનીચના ભેદનાબૂદીની વ્યાપક સામાજિક ચળવળ જ દલિત અત્યાચારોને રોકી શકશે. ૩૦ વરસ પૂર્વે ગોલાણા હત્યાકાંડ વખતે તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીને હત્યાનો ભોગ બનેલા ૨૦ વરસના દલિત યુવાન પ્રભુદાસના પિતા પોચાભાઈ કલાભાઈએ કહેલું, ‘અમારે કશું ય જોઈતું નથી. તમે ખાલી એટલો જવાબ અમને આલો કે અમે આ દેશના માણસ ખરા કે નહીં?’ ૨૦૧૬માં મોટા સમઢિયાળાના દલિત પીડિત બાલુભાઈ સરવૈયા મુખ્યમંત્રીને કહે છે, ‘તમે અમને રળી ખાવા જેટલી જમીન આલો, ન્યાય આલો.’
અમરસિંહ નિરુત્તર હતા, તો આનંદીબહેન?
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘જુગજૂનો અન્યાય’, “દિવ્ય ભાસ્કર”, 28 જુલાઈ 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-we-are-man-in-the-country-article-of-chandu-maheriya-gujarati-news-5382841-NOR.html