‘આપણા બધાંની અંદર પ્લેગ છે,’ આલ્બર્ટ કામૂની પ્રખ્યાત નવલકથા ‘ધ પ્લેગ’માં એક પાત્ર તાહૂ કહે છે.
સંસ્થાનવાદી ફ્રેંચ આલ્જેરિયાના દરિયાકિનારે આવેલા ઓરાન ગામમાં અચાનક પ્લેગ ફાટી નીકળે છે. એકાએક ગામનું અને લોકોનું જીવન બદલાઈ જાય છે. આ મહામારી નવી અને જુદી હોવાથી એની સામે લડવા ડૉક્ટર બર્નાર્ડ રિયુ પોતાનાથી બનતી બધી તબીબી સારવાર અજમાવે છે. દિવસે દિવસે દરદીઓની સંખ્યા અને મૃત્યુનો આંક વધતાં જાય છે. એક શાળાને વધારાની હૉસ્પિટલમાં બદલવામાં આવે છે. દરદીની આસપાસના લોકોને ક્વૉરન્ટીનમાં, અલગ, રાખવામાં આવે છે અને એ માટે છાવણીઓ ઊભી કરવામાં આવે છે. ધીરેધીરે તમામ જાહેર સ્થળો આ કામ માટે વપરાય છે. શિયાળામાં શરૂ થયેલી આ બીમારી ગરમી આવતાં ઘટશે કે વધશે એની અટકળો થાય છે. મહિના ઉપર મહિના વીતતા જાય છે અને અનિશ્ચિતતા વધતી જાય છે. આખું શહેર બહારની દુનિયાથી કપાઈ જાય છે. રેલવે, દરિયાઈ અને વાહનમાર્ગો બંધ કરવામાં આવે છે. બહારથી આવેલા લોકો પાછા પોતાને વતન જઈ શકતા નથી. તેમ જ બહારથી કોઈ શહેરમાં આવી શકતું નથી. લોકો અચાનક આવી પડેલા આ ઉપદ્રવનો તાગ લઈ શકતા નથી.
વહીવટી તંત્ર શરૂઆતમાં સ્થિતિની ગંભીરતા સ્વીકારવાનો ઇનકાર કરે છે. પરંતુ તબીબી મંડળની સલાહથી એનો સામનો કરવા સીમિત પગલાં લે છે. જ્યારે ખબર પડે છે કે રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે પરિસ્થિતિની ગંભીરતા ઓછી આંકવાનો એ પ્રયત્ન કરે છે. પછીથી પ્લેગને લગતા નિયમોને સખત કરવાની જવાબદારી લે છે અને છેવટે ગામના દરવાજા બંધ કરવાનો આદેશ આપે છે. વર્તમાનપત્રો એમને જે સૂચના મળી છે એનું પાલન કરે છે : ‘કોઈ પણ કિમતે આશાવાદ.’ એમને જે કહેવામાં આવે, એ જ ખબરો એ છાપે છે. રોગ કાબૂમાં નથી, છતાં એ નિયંત્રણમાં છે એમ લોકોને કહેવામાં આવે છે. પ્રજાએ બતાવેલી ‘હિમ્મત અને સ્વસ્થતા’ને જાહેરમાં બિરદાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં પરિસ્થિતિ બિલકુલ અવળી હતી, એને વિશે કોઈને ભ્રાંતિ નથી.
સમય જતાં ખોરાકની અછત ઊભી થાય છે, જેને પરિણામે ગરીબોને ખૂબ સહન કરવું પડે છે. સમૃદ્ધ લોકોને કશાની ખોટ નથી. પ્લેગની પોતાની નિષ્પક્ષ કામગીરી (પ્લેગનો હુમલો વર્ગભેદ જોતો નથી) સમાનતા પ્રોત્સાહિત કરી શકી હોત. પરંતુ એનાથી અવળી જ અસર એણે કરી અને અન્યાયની લાગણીને વેગ આપ્યો. બધાંને મૃત્યુની સમાનતાની ખાતરી હતી પરંતુ બીજી કોઈ જાતની સમાનતા એમને જોઈતી નથી. ગરીબ લોકો ગામડાંને ઝંખે છે, જ્યાં એમને સસ્તા ભાવે ખાવાનું મળી રહે અને જ્યાં કોઈ પણ નિયંત્રણ વગરની જિંદગી જીવી શકે. એ સહજ રીતે માને છે કે એમને આવી વધારે સારી જગાએ જવાની પરવાનગી મળવી જોઈએ. એમનો વિદ્રોહ શેરીઓમાં બોલાતા ‘રોટી અથવા ચોખ્ખી હવા’ જેવાં સૂત્રોમાં ઝીલાય છે. પરંતુ એમના વિરોધને તરત ડામવામાં આવે છે. બીજી બાજુ, પ્લેગનો ફાયદો ઉઠાવીને પૈસા બનાવનાર લોકો પણ છે. જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જાય છે અને નાના સ્તરે હિંસા અને લૂંટફાટ ફેલાય છે ત્યારે સત્તાધીશો માર્શલ લૉની ઘોષણા કરે છે અને કરફ્યુ લાદે છે.
પ્લેગના આતંક દરમિયાન ધર્મ અને વિજ્ઞાન વચ્ચે પણ દ્વંદ્વ ઊભું થાય છે. ખ્રિસ્તી ધર્મગુરુ ફાધર પેનેલુ પ્લેગને ભગવાનની યોજના ગણાવીને લોકોને ધર્માભિમુખ કરવાનો પ્રયત્ન કરે છે અને રોગચાળાનો ઉપયોગ પોતાની વગ વધારવા માટે કરે છે. એમના લાંબા ઉપદેશમાં લોકોને ભગવાનમાં શ્રદ્ધા રાખવાની અને સકારાત્મક વલણ અપનાવવાની અપીલ કરે છે અને એક જાતના પ્રારબ્ધવાદને પ્રોત્સાહન આપે છે. એ ત્યાં સુધી અંધશ્રદ્ધાનું સમર્થન કરે છે કે જ્યારે પોતે બીમાર પડે છે ત્યારે ડૉક્ટરની સારવાર લેવાનું ટાળે છે. ડૉક્ટર રિયુ આની સાથે સંમત થતા નથી અને કેવળ એક ડૉક્ટર તરીકે લોકોનું દુખ દૂર કરવાનો પ્રયત્ન કરવો એ પોતાનું કર્તવ્ય માને છે. પોતાનાં તબીબી સાધનો દ્વારા રોગની સામે લડવું એ વિવેકબુદ્ધિમાં માને છે. ક્યારેક અતાર્કિક દલીલોથી થાકીને ગુસ્સે પણ થાય છે અને વિદ્રોહની લાગણી અનુભવે છે. એ દૃઢપણે માને છે કે મનુષ્યનું સ્વાસ્થ્ય એ પ્રાર્થના અને નિર્વાણથી વધારે મહત્વનું છે. અનેક યાતનાઓને અંતે લગભગ એક વર્ષે ઓરાન ગામ અને ત્યાંના લોકો પ્લેગમુક્ત બને છે. પરંતુ ડોકટર રિયુ, અને કામૂ પણ, બહુ આશાવાદી નથી. એમને મન આ ‘વિજય’ ક્ષણિક છે. ક્યાંક ખૂણેખાંચરે પ્લેગ ભરાઈ રહેલો છે અને ફરીથી ગમે ત્યારે અચાનક ફાટી નીકળશે.
‘ધ પ્લેગ’ બીજા વિશ્વયુદ્ધના અંત પછી ૧૯૪૭માં લખાયેલી નવલકથા છે. એમાં માનવપરિસ્થિતિનું વર્ણન છે. મૃત્યુના મોમાં ધકાયેલા લોકો કેવી રીતે જીવે છે? મૃત્યુનો ડર, પરિસ્થિતિને સમજવાની અને એની સામે સજ્જ થવાની અક્ષમતા, સામાજિક એકલતા અને નિર્વાસિતતાનો અનુભવ, ભવિષ્ય અંગે અનિશ્ચિતતા, આ બધું મનુષ્યના જીવનને વ્યાખ્યાયિત કરે છે. આ સંકટમાં પ્રેમ, શાંતિ વગેરે અનુભવોનું શું મૂલ્ય છે અને આ અનુભવોની શું શક્યતા છે, એ વિશે પણ નવલકથા પ્રશ્નો ઉઠાવે છે. ઘણા વિવેચકોએ નોંધ્યું છે કે નવલકથા નાઝી જર્મની વિશે છે. પ્લેગ એ ફાસીવાદનું રૂપક છે. નવલકથાની પશ્ચાદભૂમિમાં નાઝી જર્મનીનોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાંસ પર કરેલા કબજાનો સંદર્ભ છે. નવલકથામાં ફાસીવાદના સકંજામાં ફસાયેલી પ્રજા કેવી રીતે જીવે છે એની વાત છે. કામૂ પોતે એક સર્જક તરીકે ફ્રાંસમાં ફાસીવાદના પ્રતિકારના સંઘર્ષમાં સક્રિય રીતે જોડાયેલા હતા. ડૉક્ટર રિયુ જેમ પોતાના તબીબી સાધનો વડે પ્લેગની સામે લડે છે, તેમ કામૂ શબ્દની મદદથી અન્યાય સામે અને પછીથી ફાસીવાદ સામે લડ્યા હતા. ફ્રેંચ પ્રતિકાર દરમિયાન એ એક બિનકાયદેસર ચાલતા વર્તમાનપત્ર ‘Combat’(સામનો)ના મુખ્ય તંત્રી હતા. નોબેલ પુરસ્કારના સ્વીકાર વખતે કરેલા પ્રવચનમાં એમણે કહ્યું હતું કે લેખકે લખવા ઉપરાંત ઘણું કરવાનું હોય છે. એક લેખક તરીકે એ સત્ય અને સ્વતંત્રતાના સિદ્ધાંતોને વરેલા હતા.
નવલકથામાં ડૉક્ટર રિયુ સાથે પોતાના જીવનની વાત કરતાં એમના પ્રવાસી મિત્ર તાહૂ કહે છે કે એણે જુવાનીમાં જ્યારે પોતાના જજ પિતાને કોર્ટમાં એક ગરીબ દુર્બળ ગુનેગારને મોતની સજા ફરમાવતા જોયા હતા તે ક્ષણથી એની જિંદગી બદલાઈ ગઈ હતી. એણે જોયું કે પોતાની આજુબાજુની સામાજિક વ્યવસ્થા મૃત્યુદંડ જેવી ભયંકર હિંસક સજા પર રચાયેલી હતી. (કામૂ મૃત્યુદંડની સજાના સખત વિરોધી હતા.) આવા અઘોર અન્યાયની સામે લાચાર પોતે પણ જાણે આ સરમુખત્યારશાહીની મહામારીથી પીડાતો હોય એવી લાગણી એને થઈ.’ ‘મારે આ રોગ ફેલાવનાર નહોતું થવું,’ એમ વિચારીને સ્થાપિત સમાજવ્યવસ્થા સામે લડવાનો એણે નિર્ણય કર્યો. અને યુરોપના અનેક દેશોના આપખુદશાહી વ્યવસ્થા સામેના સંઘર્ષમાં એણે ભાગ લીધો. એની મુખ્ય ચિંતા પેલા ગરીબ ગભરુ માણસ વિશે હતી; પેલી મૃત્યુદંડની ગંદી પ્રક્રિયા વિશે હતી, જેના દ્વારા પ્લેગથી ગંધાતા ગંદા મોઢાં જંજીરમાં જકડાયેલા માણસને મૃત્યુની સજા ફરમાવતાં હતાં અને માનસિક અત્યાચાર આદરી ઠંડે કલેજે એનું ખૂન કરવા માટે જવાબદાર હતા. તાહૂ કહે છે : ’હું ત્યારથી શરમથી માથું ઝુકાવીને રહું છું. મને ખબર છે કે આપણને બધાંને પ્લેગ થયો છે અને મેં મારી શાંતિ ખોઈ છે … મને કેવળ એટલી ખબર છે કે પ્લેગની પીડા રોકવા માટે શક્ય હોય એ બધું કરવું જોઈએ. શાંતિ મેળવવાનો એ જ એક ઉપાય છે. ’જે લોકો આપખુદશાહી વ્યવસ્થા દ્વારા આચરેલા હિંસા અને અત્યાચારના પ્લેગ સામે લડતા નથી, એ લોકો પોતે પણ એ પ્લેગથી પીડાતા હોય છે. કેમ કે આડકતરી રીતે લાખો લોકોને થતા અન્યાયના અને એમના વિનાશના અપકૃત્યમાં તેઓ પોતાની ચુપકીદી દ્વારા સામેલ હોય છે. તાહૂ કહે છે : ‘આ રોગચાળાએ આપણને શું શીખવ્યું છે? એ જ કે તેની સામે લડવું …. આપણા દરેકની અંદર પ્લેગ છે. આ પૃથ્વી પર કોઈ એમાંથી મુક્ત નથી અને મને એ પણ ખબર છે કે આપણે હંમેશાં સાવચેત રહેવું જોઈએ કે કોઈ બેદરકારીની ક્ષણે આપણે કોઈને ચેપ ન લગાડીએ … પ્લેગથી પીડાવું એ થકવી નાખે છે પરંતુ તેના હોવાનો ઇન્કાર કરવો એ વધારે થકવી નાખે છે … આ જ કારણે આપણામાંથી થોડા પ્લેગને સિસ્ટમમાંથી કાઢી નાખવા માંગીએ છીએ.’ ડૉક્ટર રિયુ સતત પ્લેગની સામે લડે છે. એમની હમદર્દી હારેલા, પીડાતા લોકો સાથે છે. એ કહે છે કે એમને વીર પુરુષ કે સંત નહીં, પરંતુ મનુષ્ય હોવામાં રસ છે. આપણી આજુબાજુ અનેક પ્રકારના પ્લેગ છે. દુનિયામાં અનેક પ્રકારના જુલમ અને ક્રૂરતા છે અને બીજી બાજુ અનેક પ્રકારની યાતનાના ભોગ બનેલા માણસો છે. કામૂની દૃષ્ટિએ ભૌતિકવાદ એટલો ઘૃણાસ્પદ છે કે એ પણ એક જાતનો પ્લેગ છે. એ કુદરતની સંવાદિતાનો નાશ કરે છે. બીજા વિશ્વયુદ્ધ અને નાઝીવાદના સંદર્ભમાં આપખુદશાહીએ લાખો લોકોની કરેલી કતલ એ પ્લેગનું એક ભયંકર દુ:સ્વપ્ન છે. મૂડીવાદ જે સામાન્ય પ્રજાના શોષણ પર ટકેલો છે એ પણ એક પ્રકારનો પ્લેગ છે. જે કોઈ વ્યવસ્થા અસમાનતા, હિંસા, વિનાશને પોષે છે, એ બધી મહામારી સમાન છે.
‘ધ પ્લેગ’માં દર્શાવેલી માનવપરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં માની ન શકાય એટલું ગૂઢ સામ્ય છે —
જાણે ઇતિહાસના એક જૂના વૃત્તાંતનું આજે આબેહૂબ પુનરાવર્તન થઈ રહ્યું છે. આજે આપણો દેશ, કોવિદ-૧૯ની મહામારીમાં ફસાયો છે. રોગનો બિહામણો ઝડપી ફેલાવો, સારવારનાં સાધનોનો અને વ્યવસ્થાનો અભાવ, મૃત્યુનો વધતો જતો આંક, ક્વૉરન્ટીન અને લૉક ડાઉનનું જીવન, સામાજિક અંતર અને એકલતાનો અનુભવ, ભવિષ્ય અંગે અનિશ્ચિતતા — આ બધામાંથી ઓરાન ગામના લોકો પસાર થયા હતા અને આજે આપણે પણ પસાર થઈ રહ્યા છીએ. આજે પણ સરકાર નિયંત્રણ રાખી રહી છે. આજે પણ વર્તમાનપત્રો તેમ જ મુખ્ય પ્રવાહના મીડિયા એમને કહેવામાં આવતા, એકતરફી, અમુક પ્રકારના સમાચારોનો ફેલાવો કરે છે. આપણને પણ જાહેરમાં હિમ્મત, ધૈર્ય અને બલિદાન અને એકજૂથ હોવા માટે બિરદાવવામાં આવે છે અને સ્થિતિ નિયંત્રણમાં છે એમ કહેવામા આવે છે, જ્યારે જમીની હકીકત જુદી જ વાત કહે છે. આજે પણ લાખો ભૂખ્યાં ગરીબ મજૂરો પોતાને ગામ જવા ઝંખે છે, પરંતુ એમને માટે વ્યવસ્થા નથી થઈ અને એમના છૂટાછવાયા વિદ્રોહની ઘટના જોવા મળે છે. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે આજે પણ દ્વંદ્વ ઊભું છે. શંખનાદ અને તાળીઓ તેમ જ દીવા પ્રગટાવીને રોગનો પ્રતિકાર અને રોગ પર વિજય મેળવવાના પ્રયાસો થાય છે. રોગના પ્રગટવાને કર્મના સિદ્ધાંત સાથે જોડવામાં આવે છે. લોકોને સકારાત્મકતા, પોઝિટિવિટી કેળવવાનું કહેવામાં આવે છે અને જે કોઈ તર્કસંગત પ્રશ્ન ઉઠાવે એને નેગેટિવિટી ફેલાવતા ગણી ધિક્કારવામાં આવે છે.
કામૂએ જે બીજા, માનવસર્જિત અસમાનતા, હિંસા અને વિનાશના પ્લેગની વાત કરી છે એ પણ આજે ઘણાં સ્વરૂપોમાં જોવાં મળે છે. વાઇરસનાં એકથી વધુ બિહામણાં સ્વરૂપો આજે આપણી આસપાસ ફેલાયાં છે. અંધશ્રદ્ધાનો વાઇરસ અનેક રૂપે પ્રગટ થાય છે અને કહેવાતા શિક્ષિત લોકો પણ એમાં ફસાય છે. જ્યારે અનેક સ્વાસ્થ્યકર્મીઓ અને ડોક્ટરો પોતાના રક્ષણ માટે જરૂરી સાધનો માગી રહ્યાં હોય, ત્યારે એમના માનમાં તાળીઓ અને ડંકા વગાડીને કે દીવા પ્રગટાવીને જાહેર પ્રદર્શનો કરવાં એ પરિસ્થિતિને પહોંચી વળવાનો તર્કસંગત ઉપાય નથી. આજે જાહેર વિમર્શમાં બુદ્ધિગમ્ય, તર્કસંગત વિચારવિનિમયની જગાએ દંતકથાઓ અને ધાર્મિક માન્યતાઓનો તેમ જ અતાર્કિક દલીલોનો બહોળો ઉપયોગ થાય છે, એ ચિંતાનો વિષય છે.
સામાજિક એકલતા કે અંતરનો આપણા સંદર્ભમાં એક જુદો જ અર્થ છે. આ વિચાર આપણા દેશમાં સદીઓ જૂનો છે અને એ જાતિ અને વર્ગભેદ સાથે જોડાયેલો છે. આજે સમાજના ૭૦ ટકાથી પણ વધુ લોકો માટે સામાજિક અંતરની સાહેબી શક્ય નથી. આજે ઘર વિનાનાં લાખો મજૂરો ભૂખને કારણે અસહ્ય યાતના સહે છે. સુખી મધ્યમ વર્ગનાં લોકોમાં આ પ્રશ્નની ગંભીરતા વિશે આક્રોશ, ચિંતા કે સહાનુભૂતિ તો ઠીક, સભાનતા પણ નથી. એમના સામાજિક અંતર વિશેના પ્રતિભાવો પોતાના સ્વાસ્થ્યથી આગળ બીજાઓની પરિસ્થિતિ વિશે ઉદાસીનતા દર્શાવે છે. આ ઉચ્ચ અને મધ્યમ વર્ગ જાતિવાદ અને વર્ગભેદના વાઇરસથી પીડાય છે. ઉપરાંત, આજે કોરોના વાઇરસથી પણ વધુ ઝડપથી કોમવાદનો વાઇરસ દેશમાં પ્રસરી રહ્યો છે. મુસ્લિમોની એક ધાર્મિક સંસ્થાની આંતરરાષ્ટ્રીય સભા યોજવાની મૂર્ખામીને કારણે અમૂક મુસ્લિમો વાઇરસના વાહક બન્યા. એને પગલે આજે આખા દેશમાં મુસ્લિમોને બદનામ અને બહિષ્કૃત કરવામાં આવી રહ્યા છે, જે પરિસ્થિતિને બીજા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સખત શબ્દોમાં વખોડી છે. ભૂખમરો, બેરોજગારી અને કોમવાદનું ઝેર ગરીબ, છેવાડાના અને લઘુમતી કોમના લોકોને ખલાસ કરી નાખશે. આજે મૂડીવાદ અને હિન્દુ બહુમતીવાદના ગઠબંધનથી એવા સમાજની કલ્પના થઈ રહી છે, જેમાં સમાજના વંચિતો અને લઘુમતીઓના મોટા સમૂહોના જીવવાના હક છીનવાઈ રહ્યા છે અને પોતાના જ દેશમાં નિર્વાસિત હોવાની લાગણી તેઓ અનુભવી રહ્યા છે. સ્વતંત્ર અવાજ ઉઠાવનારાઓની જિંદગી પણ જોખમમાં છે. પ્રતિકારના એક ગેરકાનૂની માસિકના તંત્રી હોવાને કારણે કામૂને પ્રત્યક્ષ અનુભવ હતો કે આપખુદશાહી કેવી રીતે સ્વતંત્ર અવાજોને ચુપ કરે છે અને કેવળ પોતાની નીતિઓના વાહક મીડિયાને જ ખુલ્લો દોર આપે છે. એ પરિસ્થિતિ બિલકુલ એ જ સ્વરૂપમાં આજે જોવા મળે છે. કામૂ જેવા પ્રતિરોધના અવાજો જે લેખકો, સર્જકો, બૌદ્ધિકો, પત્રકારો તેમ જ માનવ અધિકાર કર્મશીલો અને વિદ્યાર્થી કર્મશીલો આજે ઉઠાવે છે તેમને આ કોવિદ-૧૯ જેવી જાહેર સ્વાસ્થ્યની ગંભીર કટોકટીની ક્ષણે પણ નિર્દયતાથી જેલમાં ધકેલવામાં આવે છે. લૉક ડાઉનની પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને આ દરમિયાન સરકાર અનેક નીતિવિષયક ગંભીર નિર્ણયો લઈ રહી છે. આજે આપણે પણ, કામૂના સમયની જેમ, આપખુદશાહીના, ફાસીવાદના વાઇરસથી પીડાઈ રહ્યા છીએ. કામૂ કહે છે તેમ આપણે આવી વિનાશક અને અન્યાયી મહામારીઓને ન શ્વસીએ, એના વાહક ન બનીએ પરંતુ એની સામે લડીએ અને આખી વ્યવસ્થાને બદલવાનો પ્રયત્ન કરીએ.
e.mail : svati.joshi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 મે 2020